Opinion Magazine
Number of visits: 9743194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત દેશના બે આજી અને માજી રાષ્ટૃપતિની …

રમેશ ઓઝા|Opinion - Opinion|30 July 2023

રમેશ ઓઝા

આજે દેશનાં બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને ઉપરથી સ્ત્રી છે. પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસીની દીકરી ગયા વરસે ૨૪મી જુલાઈએ દેશની રાષ્ટ્રપતિ બની તે ઘટનાને આજના યુગના રિવાજ મુજબ ઉજવવામાં આવી હતી. ઉજવણું એ વાતનું હતું કે આદિવાસી કન્યાને સર્વોચ્ચ સ્થાને બેસાડીને આદિવાસીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કરવામાં નહોતો આવ્યો એવો ન્યાય કરવામાં આવ્યો હતો. આદર અને ન્યાય બન્ને એક સાથે હોદ્દો આપીને સાકાર કરવામાં આવ્યા હતા.

બરાબર એક વરસ પછી મણિપુરમાં નરાધમોએ પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસી કન્યા સાથે કેમેરા સામે જ દુર્વ્યવહાર કર્યો. ક્યાં ગયો આદિવાસીઓનો આદર અને ક્યાં ગયો ન્યાય? એ તો ઠીક, જેને સર્વોચ્ચ હોદ્દે બેસાડીને આદિવાસીઓને આદર અને ન્યાય અપાયાની ઘોષણા કરવામાં આવી હતી એ રાષ્ટ્રપતિનો અવાજ ક્યાં ગયો? ભારતનાં નામદાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હજુ સુધી મોઢું ખોલ્યું નથી.

આ થઈ આજી રાષ્ટ્રપતિની વાત. એક માજી રાષ્ટ્રપતિ હતા જે ભારતનાં પહેલા દલિત રાષ્ટ્રપતિ હતા. એમનું નામ કે.આર. નારાયણન્‌. તેમને જ્યારે રાષ્ટ્રપતિ બનાવાયા ત્યારે દલિતોનું સન્માન  અને ન્યાયના ઢોલનગારા નહોતાં વગાડવામાં આવ્યાં. પણ કેવા રાષ્ટ્રપતિ! એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રપતિ હોય તો આવા!

અત્યાર સુધીમાં ભારતને મળેલા ૧૫ રાષ્ટ્રપતિઓમાં શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો જો કોઈ મને પ્રશ્ન પૂછે તો મારો એક જ જવાબ હોય; કે.આર. નારાયણન્‌. ડૉ રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન્‌, ડૉ ઝાકીર હુસેન અને તાજેતરનાં વર્ષોમાં થયેલા અને સાદગી અને સરળતા માટે લોકપ્રિય બનેલા ડૉ. અબ્દુલ કલામ પણ તેમની તોલે ન આવે. પણ આપણે કે.આર. નારાયણન્‌ની રાષ્ટ્રપતિ તરીકેની મહાનતા વિષે ખાસ જાણતા નથી, કારણ કે આપણે ભારતીય સંઘમાં રાષ્ટ્રપતિની ભૂમિકા વિષે ખાસ જાણતા નથી. જાહેરજીવનનાં અન્ય કોઈ ક્ષેત્રમાં મહાન હોવું અને બંધારણચિંધી ભૂમિકા નિભાવવામાં દક્ષ હોવું એ બે અલગ ચીજ છે.

તમને કદાચ જાણ હશે કે કે.આર. નારાયણન્‌ જન્મે દલિત હતા. કેરળના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને હરિજન સેવક સંઘની આશ્રમશાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ભણવામાં હોંશિયાર હતા, સ્કોલરશીપ મળતી હતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યા પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં પ્રવેશ મળ્યો હતો. તેમને જે.આર.ડી. તાતાએ સ્કોલરશીપ આપી હતી અને એ ઉપરાંત કનૈયાલાલ મુનશીએ તેમના અંગ્રેજી સામયિક ‘સોશ્યલ વેલ્ફેર’ના લંડનના પ્રતિનિધિ બનાવ્યા હતા. એ સમયે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના વડા હતા અને વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ કાર્લ પોપર તેમ જ એટલા જ ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી ફ્રેડરિક હાયેક ત્યાં ભણાવતા હતા. નારાયણન્‌ આ ત્રણેયના વિદ્યાર્થી હતા અને લાસ્કીના તો લાડલા હતા.

કે.આર. નારાયણન્‌ લંડનથી ભારત પાછા ફરવાના હતા ત્યારે હેરોલ્ડ લાસ્કીએ તેમને એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ પત્ર લઈને તું જવાહરલાલ નેહરુને મળજે. લાસ્કીએ નેહરુને ભલામણ કરી હતી કે આ યુવક તાજા સ્વતંત્ર થયેલા ભારતના ઘડતરમાં ઉપયોગી થઈ શકે એમ છે. સરકારે તેનો ઉપયોગ કરવો જોઈએ. નેહરુએ તેમને ભારતીય વિદેશ સેવામાં જોડાવાની ભલામણ કરી હતી. નિવૃત્તિ પછી તેમની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેટલોક સમય રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન હતા, ૧૯૯૨માં તેમને ઉપ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા અને ૧૯૯૭માં તેઓ દેશના ૧૦માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ તરીકે તેમને આવકારવામાં આવ્યા હતા, પણ એ તેમની બહુ ટૂંકી ઓળખ હતી. તેમની સાચી ઓળખ તો એ હતી કે રાષ્ટ્રપતિ કેવો હોવો જોઈએ તેનું તે આદર્શ ઉદાહરણ હતા. તેઓ પોતાને સક્રિય રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવતા હતા. સરકારી (એક્ઝિક્યુટિવ) કામકાજમાં ચંચુપાત કરનારા પણ નહીં અને મૂંગા રહીને મતું મારનારા રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ પણ નહીં. બંધારણની મર્યાદામાં રહેવાનું, પણ બંધારણીય ફરજ પણ નહીં ચૂકવાની.

તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે ચૂંટણીમાં મત આપવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ રાજકીય પક્ષપાત નથી ધરાવતા એ બતાવવા સારુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત નહીં આપીને તટસ્થતા બતાવતા હતા. નારાયણન્‌ની દલીલ હતી કે ભારતનો નાગરિક ગમે તે હોદ્દો ધરાવતો હોય, પણ તે નાગરિક મટતો નથી અને નાગરિકે ચૂંટણીમાં મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જોઈએ. બીજું એવો કોઈ માણસ હોતો નથી જે મત ન ધરાવતો હોય. મત ધરાવનારા નાગરિકે ગુપ્ત રીતે પોતાનો મત આપીને લોકતંત્રમાં હિસ્સેદાર બનવું જોઈએ. તેમની ત્રીજી દલીલ એવી હતી કે તટસ્થતા જાળવવી એ વિવેક, અંતરાત્મા અને ફરજનિષ્ઠાનો ભાગ છે. અંતરાત્મા, વિવેક અને બંધારણ માટેની નિષ્ઠા હોય એ પૂરતું છે. તટસ્થતા એની મેળે આવી જશે.

૨૦૦૨ની સાલના ગુજરાતનાં કોમી હુલ્લડો પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતના મુખ્ય પ્રધાનને રાજધર્મની યાદ અપાવી હતી એ યાદ હશે. હકીકતમાં રાજધર્મની યાદ એ સમયના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને વાજપેયીને અપાવી હતી. તેમણે વડા પ્રધાન વાજપેયીને ગુજરાતની સ્થિતિ અને રાજધર્મ વિષે લખેલા પત્રો ભારતના લોકતંત્રના ઇતિહાસમાં સુવર્ણપાન બની રહેશે. વાજપેયીની નાછૂટકે નરેન્દ્ર મોદીને રાજધર્મની યાદ અપાવવી પડી હતી.

નારાયણન્‌ ૧૯૯૨થી ૧૯૯૭ની સાલમાં દેશના ઉપરાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું સંચાલન કરે છે. સંચાલન કેવું હોય અને તેમાં તટસ્થતા કેવી હોય એ ત્યારે જોવા મળ્યું હતું. ૧૯૯૭ની સાલમાં ઇન્દર કુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકારે તેમને રાષ્ટ્રપતિપદ માટે પસંદ કર્યા હતા, પણ ગુજરાલ સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણ સિંહની બી.જે.પી.ની સરકારને બરતરફ કરવાના આદેશ પર રાષ્ટ્રપતિને સહી કરવાની સલાહ આપી ત્યારે તેમણે એ દરખાસ્ત પાછી મોકલી હતી. ગુજરાલ પછી અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા હતા અને તેમની સરકારે જ્યારે બિહારની રાબડી દેવીની સરકારને બરતરફ કરવાની દરખાસ્ત મોકલી તો તેને પણ તેમણે પાછી કરી હતી.

૧૯૭૯ની સાલમાં જનતા પાર્ટીની સરકાર તૂટી ત્યારે એ સમયના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ નવી સરકાર રચવા માટે જે તે પક્ષોનાં સંખ્યાબળનું ધોરણ અપનાવ્યું હતું. જે પક્ષ પાસે સૌથી વધુ બેઠક હોય એને પહેલો ચાન્સ. એ સરકાર રચી ન શકે તો બીજો એ પછી ત્રીજો એમ. ૧૯૮૯માં અને એ પછીનાં વર્ષોમાં આર. વેંકટરામને અને ડૉ શંકર દયાળ શર્માએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો. એ ધોરણે તો ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસ માટેની સરકાર રચાઈ હતી. ત્યારે રાષ્ટ્રપતિની ટીકા કરતા કાયદાવિદો કહેવા લાગ્યા હતા કે રાષ્ટ્રપતિએ સંખ્યાના ધોરણે એક પછી એક મુરતિયાઓને બોલાવવાના હોય તો રાષ્ટ્રપતિની જરૂર જ શું છે? એ કામ તો કોઈ પણ કરી શકે?

કે.આર. નારાયણને એ શિરસ્તો પણ બદલ્યો હતો અને કહ્યું હતું કે બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ એ ચકાસવાનું છે કે કોણ સ્થિર સરકાર આપી શકે એમ છે. તેમણે અટલ બિહારી વાજપેયીને કહ્યું હતું કે સમર્થન કરનારા પક્ષોનો સમર્થનનો પત્ર રજૂ કરો. પત્રો મળ્યા પછી જે તે પક્ષના નેતાઓને બોલાવીને ખાતરી કરી હતી અને સરકાર રચવા વાજપેયીને કહ્યું હતું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—207

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2023

જમશેદજી તાતા : એક લડાઇએ ડુબાડ્યા તો બીજીએ તાર્યા 

‘સ્વદેશી’ના આગ્રહીની સ્વદેશી મિલ      

સ્થળ : જમશેદજી તાતાના પૂતળા પાસે 

સમય : સવારના ૪ 

રઘલો : અરે સેઠ! આય તું રોજ રોજ જાગા કાંઈ ફેરવ્યા કરે છ? ઘરીકમાં તારા કૂવા પાસે, ઘરીકમાં પેલા ફવ્વારા પાસે, અને આજે અહીં!

ભીખા સેઠ : જો, સમજ. આપરાથી મોટ્ટા માણસ હોય ને, તેમને મલવા આપરે જવું જોઈએ. આય જમશેદજી તાતા કોણ છે, તુને માલમ છે? 

રઘલો : મુને માલમ હોતે તો તો હું સેઠ ને તું મારો નોકર બનિયો હુતે ને!

ભીખા શેઠ : જો, રઘલા! એક સોજ્જી મજાની ખુરસી લાવીને મૂક.

રઘલો : કેમ વારુ?

ભીખા શેઠ : દિનશા એદલજી વાચ્છા બી આવવાના છે.

રઘલો : પન કાંઈ? એવન તો પોતાની વાત અગાઉ કરી ચૂક્યા છે.

જમશેદજી નસરવાનજી તાતા 

ભીખા શેઠ : કારણ એવને સર જમશેદજી તાતાની બાયોગ્રાફી લખેલી, અને તે બી છેક ૧૯૧૪માં. અને લોકને એવી તો ગમી ગયલી એ કિતાબ, કે બીજે જ વરસે એની સેકંડ એડિશન કરવી પડેલી. અને જમશેદજી સેઠ છે ‘બાતે કમ, કામ જ્યાદા’માં માનવા વાલા. એટલે એવન પોતા માટે જાસ્તી બોલસે નહિ. 

(બીજી બાજુ નજર જતાં) અરે, પધારો, પધારો એદલજી સેઠ. તમે આવિયા તે ઘન્નું સોજ્જું કીધું. સરસાહેબ સબબ તમે જ વાત સુરુ કરો.

જ્યાં જમશેદજીનો જન્મ થયો તે નવસારીનું ઘર

દિનશાજી : એક તેર વરસની ઉંમરનો પોરિયો, નામ જમશેદ. ગાયકવાડી નવસારીમાં ૧૮૩૯ના માર્ચની તીજી તારીખે દસ્તૂર વાડના મોટા ફળિયાના ઘેરમાં જન્મેલો. તવંગર નહિ, પણ ખાનદાન હુતું બે પાનરે સુખી. મુંબઈ રહેતા બાવા નસરવાનજીએ જમશેદને નવસારીની પન્તોજીની નિશાળમાં ભણવા મૂક્યો. થોરા વખત પછી માલમ થિયું કે અહીં ભણીને કાંઈ દીકરાનું ભાયેગ ખુલશે નહિ. એટલે ૧૩ વરસનો થિયો તેવારે ૧૮૫૨માં પોતાની પાસે મુંબઈ બોલાવી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભરતી કીધો. ભલે આજના જેવું નહિ, પન એ વખતે બી મુંબઈ એટલે એક મોત્તું શેર. નવસારી જેવા ગામમાંથી – અરે, એ વેલાંએ તો એ ગામરું જ હુતું – આવેલો આ પોરિયો શુરૂમાં તો બાઘોચકવો થઈ ગિયો. પન ધીમે ધીમે ગોઠતું ગિયું આય શેરમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શુરૂઆત થઈ તારે જમશેદજીને તો કોડ હુતા આગળ ભણવાના. પણ બાવાજીએ કીધું કે હવે ઘણું ભણીયા. આપરી ઓફીસમાં કામે લાગી જાવ. 

બીજા ઘન્ના પારસીઓની જેમ, નસરવાનજી સેઠનો વેપાર બી ચીન સાથે હૂતો, અફીનનો. વહાણમાં અહીંથી અફીણ જાય, અને કોટન ભરીને પાછું આવે. એવામાં અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકળી એટલે કોટનના ધંધામાં તાતાની કંપનીને સોનાનાં નલિયાં થઇ ગિયાં. એ વખતે જમશેદજી વેપારના કામના સબબે હોંગકોન્ગમાં હુતા. તાબડતોબ મુંબઈ આયા. કોટનના વેપારને મદદ થાય એટલા સારુ લંડનમાં બેંક સુરુ કરવાનું ઠરાવિયું. એટલે લંડન ગિયા. પણ પછી બેંક તો સુરુ થઈ નહિ, એટલે જમશેદજીએ બધો વખત કોટનના વેપારને આપ્યો. તાતાની કંપનીમાં પૈસાની રેલમછેલ. 

પણ પછી સિવિલ વોર એકાએક પૂરી થઈ તે બધ્ધું કરરભૂસ! લંડનની બ્રાંચ વેચીને પાછા મુંબઈ. પેલા અવિનાશ વ્યાસના એકુ ગીતમાં કીધેલું છે ને કે, ‘ઘરીમાં ઉપર, ઘરીમાં નીચે’, એવું જ થિયું. પણ આય હિંદુ લોક બોલે છ ને કે ‘જેને રામ રાખે તેને કોણ ચાખે?’ એક લડાઈએ પાયમાલ કીધા તો બીજી લડાઇએ પાછા માલામાલ કીધા. 

રઘલો : મુને તો આ લરાઈ-ફરાઈનું મોંનું જ ની ગમે. 

ભીખા શેઠ : લોકને ભલે નિ ગમતી, પન રાજાઓ અને સરકારોને તો ગમે જ છે ને! પન દીનશાજી સેઠ! એ બીજી લરાઈ તે કઈ?

દીનશાહજી : ગ્રેટ બ્રિટનના બે એલચી કંઈ વાટાઘાટ કરવા એબિસીનિયા ગયા હુતા. પન તાંના રાજાએ તો બંનેને હેડમાં પૂર્યા! ગ્રેટ બ્રિટને તરત હુમલો કીધો અને તે માટેની ફોજ સર રોબર્ટ નેપિયરની સરદારી નીચે મુંબઈથી એબિસીનિયા મોકલી. કેહે છે ને એકુ તાવરી તેર વાનાં માગે! પન લશ્કરની તાવરી તો સેંકડો વાનાં માગે. એ બધી જણસો પૂરી પાડવાનો કન્ત્રાક તાતા કંપનીને મલિયો. સર નેપિયરે કીધું કે આય લડાઈ તો એક વરસ વેર ચાલશે. એટલે એક વરસ ચાલે એટલો માલસામાન મોકલો. એટલે તાતા કંપનીને તો ઘી-કેલાં થઈ ગિયાં. પન નેપિયર લશ્કર લઈને પૂગો તેની આગમચ રાજા થિયોડોરે પોતાનો જાન લીધો. વરસનાં સીધું-સામાન ભરેલાં તે બધાં ગિયાં પાનીમાં. પન તાતાની કંપની થઈ ગઈ માલામાલ. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા બી થઈ કે સરકારે નક્કામા આટલા બધા પૈસા પાનીમાં નાખિયા. એક મિલિયન પાઉન્ડની જગાએ અગિયાર મિલિયન પાઉન્ડનો ખરચ કીધો હૂતો સરકારે. બનાવો કમિટી. તેના રિપોર્ટમાં બતાવ્યું કે આમાં ભૂલ ગ્રેટ બ્રિટનની સરકારની લંડનની વોર ઓફિસની અને બોમ્બે ગવર્નમેન્ટની હુતી. તાતા કંપનીની નિ.

જમશેદજી તાતા : અમેરિકાની સિવિલ વોર ચાલુ હુતી તે વારનો મુને વિચાર આવતો હુતો કે આપના દેશથી કોટન ઇન્ગ્લંડ જાય, ત્યાં માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ તૈયાર થાય, એ કાપડ પાછું આપના દેશમાં આવે અને મોંઘે ભાવે વેચાય. એને બદલે આપને જ અહીં મિલો ઊભી કરીને કપડું કેમ નહિ બનાવીએ? એટલે હું ગિયો માન્ચેસ્ટર. તાંની મિલો કઈ પેરે કામ કરે છ તે જોયું. તે વારે એક વાત હું સમજિયો.

ભીખા શેઠ : કઈ?

જમશેદજી : કે જ્યાં કોટન ઊગતું હોય તે જગાથી આવી મિલ બને તેટલી નજદીક હોવી જોઈએ. એટલે પાછા આવીને મેં નાગપુર પાસેની એકુ જાગો સસ્તા ભાવે ખરીદી. અને રાણી વિક્ટોરિયા જે દિવસે ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ બનિયાં તે જ દહારે નાગપુરમાં ‘ધ એમ્પ્રેસ મિલ’ શુરુ કીધી. 

એમ્પ્રેસ મિલ, નાગપુર 

દિનશાજી : જમશેદજી સેઠમાં હુતી ગજબની હિંમત. અને કોઈ વાત મનમાં લે પછી મંડી પડે તેની પાછલ. સાહસ નિ કરો તો પેલાં લક્ષ્મીજી તમારી સામે હસવાનાં નિ. દસ-બાર વરસ તનતોડ મહેનત કીધી. એક વાત પહેલેથી એવન સમજીયા હુતા. મિલ નથી ચલાવતા મેનેજરો કે નથી ચલાવતા માલિકો. એ ચલાવે છે મજદૂરો. એટલે તેમની ભલાઈ માટે પુષ્કળ પૈસા ખરચિયા. મજૂરો બી સમજિયા કે મિલ કમાસે તો આપરે બી કમાસુ. એટલે કામ પાછળ મંડી પરિયા. 

સ્વદેશી મિલ, મુંબઈ 

જમશેદજી : અને પછી મેં કીધી મારી લાઈફની એક મોટ્ટી ભૂલ. મુંબઈમાં બંધ પડેલી ધરમસી મિલ ફક્ત સાડા બાર લાખ રૂપિયામાં ખરીદી. એ બાંધવા પાછલ પચાસ લાખ રૂપિયા ખર્ચાયેલા. એટલે મુને હુતું હે થોરા પૈસા નાખીને મિલ ચાલુ કરી ડેવસ. પન પછી સમજિયો કે આય મિલને ચાલતી કરવા તો લાખ્ખો રૂપિયા નાખવા પરસે. 

દિનશાજી : જમશેદજી સેથમાં હિંમત ગજબની. અમારા જમાનાના કવિ નરબદાશંકરે લખિયું હુતું ને કે :

ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું.

વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું.

દસ વરસ સુધી પૈસા નાખિયા, નાગપુરની મિલના સોનાની લગડી જેવા પોતાના શેર વેચીને પૈસા ઊભા કીધા. દિવસ-રાત કામ કીધું અને પછી પેલા ફિનિક્સ બર્ડની જેમ એ મિલને ઊભી કીધી, નવું નામ આપિયું ‘સ્વદેશી મિલ.’

રઘલો : આય તમે બોલિયા એ કવિતા તો સુરતના કવિ નર્મદે લખેલી છે. તમુને એ ક્યાંથી માલમ?

દિનશાજી : જો દીકરા! આય કવિ નર્મદ જનમિયા હુરટમાં એ વાત સાચી. પન એવનને જાનિયા, માનિયા, અને મોટ્ટા બનાવિયા તે તો મુંબઈએ. અને હા. સમાજ સુધારાનું કામ, છોડીઓના ભણતરનું કામ, બાળલગનની સામ્ભે થવાનું કામ, વિધવાનાં લગનને ટેકો આપવાનું કામ – આવી બધી બાબતોમાં અમારા જમાનામાં હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ, બધા એક થઈને કામ કરતા. તુને માલમ છે? આય કવિ નર્મદના એક ખાસ દોસ્ત હુતા પારસી નાનાભાઈ રૂસ્તમજી રાણીના. ધોબી તલાવ પર એવનનું પોતીકું પ્રેસ હુતું, યુનિયન પ્રેસ. નર્મદની ઘન્ની કિતાબ આય નાનાભાઈએ છાપી આપેલી, નફા-નુકસાન વગર. અને અમારા જમાનાના જાણીતા વકીલ, વિદ્વાન, રાજકારણી, મરાઠી બોલનારા ગણેશ શ્રીકૃષ્ણ ખાપર્ડે નર્મદાશંકરને પોતાના ગુરુ માનતા. અને તુને માલમ છે? આય મુંબઈમાં પ્રાર્થના સમાજનું મકાન બાંધવાનું હુતું તે વારે પારસીઓ અને મુસલમાનોએ બી તેના ફંડમાં પૈસા ભરિયા હુતા. હિંદુ વિધવા બાઇઓનાં બીજી વાર લગન થઈ સકે એ માટે સરકારે ખાસ કાયદો ઘડવો જોઈએ એવી માગની સૌ પહેલી પારસી બહેરામજી મલબારીએ કીધી હુતી, અને તેને વાસ્તે પોતાને પૈસે બ્રિટન પણ જઈ આવેલા. પન આપરે જરા આડી વાતે ચડી ગિયા. એક વાત આ જમશેદજી શેઠ પોતાની જબાને કભી બી નિ બોલે તે કેહું ચ. આપરા દેશમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની ચલવલ ૧૯૦૫માં સુરુ કિધેલી. પણ જમશેદજી શેઠે ‘સ્વદેશી મિલ્સ કંપની લિમિટેડ’ નામ રજિસ્ટર કરાવ્યું હુતું ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે. અને આજે આપરે ‘મેઈડ ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા’ના નારા સાંભળિયે છ. પન જમશેદજી સેઠે એ જમાનામાં આય ‘સ્વદેશી’ નામ અને કામ સુરુ કીધેલું! 

જમશેદજી : અરે દિનશાજી! છોરોને એ બધી લપ! જે વારે મનમાં જે આયું તે કીધું. પહેલી મિલનું નામ રાખ્યું ‘એમ્પ્રેસ’ તો બીજીનું રાખ્યું ‘સ્વદેશી’. બસ. રાત દહાડો મહેનત કીધી. ગાંઠનાં ગોપીચંદન કીધાં, જાણકારોની મદદ લઈ નવી મશીનરી લાવિયા અને સેવટે સ્વદેશી મિલ બી ધમધમટી થઈ. પછી તો મુંબઈમાં એક પછી એક કોટન મિલ શરુ થતી ગઈ. બોમ્બે બની ગયું હિન્દુસ્તાનનું માન્ચેસ્ટર.

દિનશાજી : એક જમાનામાં મુંબઈમાં ૮૦ જેટલી ટેક્સટાઇલ મિલ્સ હુતી. પણ પછી આયો ૧૯૮૨ના જાનેવારીનો ૧૮મો દિવસ. એકુએક મિલમાં હડતાલ પડી. અઢી લાખ મિલ મજદૂરો સ્ત્રાઇકમાં જોડાયા. હરતાલ પૂરી થવાનું નામ નહિ લેતી. એટલે પછી ઘણીખરી મિલોએ પોતાનાં બારણાં હંમેશ માટે બંધ કરી દીધાં. ધીમે ધીમે મિલોની જગા વેચાતી ગઈ. મિલોની જગ્યાએ મોટા મોટા કોમ્પ્લેક્સ ઊભા થિયા, ઓફિસો ઊભી થઈ, હોટેલો ઊભી થઈ. આજે બી આય મુંબઈમાં સ્વદેશી મિલ રોડ અને કમ્પાઉન્ડ બી છે. પણ અફસોસ! ત્યાં મિલ નથી. પણ જમશેદજી શેઠનાં બે સૌથી મોટ્ટાં કામ તો હવે થવાનાં હુતાં.

ભીખાજી શેઠ : માફ કરજો સાહેબો. પન આપરો ટાઈમ પૂરો થવા આવિયો છે. લોકોની આવન-જાવન સુરુ થઈ જાય તેની આગમ ચ આપરે પોતપોતાની જગાએ પૂગી જઈએ. જમશેદજી શેઠનાં આ બે મોટ્ટાં કામની વાત કરીશું આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ “ ગુજરાતી મિડ-ડે”; 29 જુલાઈ 2023 

Loading

હ્રદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે ……. કૈલાસ પંડિત

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|29 July 2023

૧૯૭૧ના જુલાઈ માસની એક ઝરમર વરસતી સાંજે ઘાટકોપરમાં બાંદરા બસસ્ટૉપ પર બસની કતારમાં ત્રીસ-પાત્રીસ વર્ષની ઉંમરના દૂબળા દેહવાળા માણસને માથા પર બચેલા બે-ચાર વાળને વહાલ કરતાં એક યુવાનની જેમ કાંસકો ફેરવી રહેલ જોઈને મને તેમ જ મારા મિત્ર શૈલેશને હસવું આવી ગયું.

અમારા હાસ્યને કારણે તે વ્યક્તિનું ઘ્યાન અમારા તરફ દોરાયું. તે મહાઅનુભવી માણસ સમજી ગયા કે અમે શા માટે હસી રહ્યા છીએ! તેણે અમારા હાસ્ય પર ગુસ્સે થવાને બદલે એક વડીલમિત્રના ભાવે સ્મિત ફરકાવતાં ઘીરજથી અમને કહ્યુંઃ ‘મિત્રો, તમારા હસવાના દિવસો છે તો ખુશીથી હસો. ક્યારેક હું પણ તમારી ઉંમરે બીજાની હસીમજાક કરી લેતો હતો. ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે ક્યારેક કોઈ મારી પણ આવી જ રીતે મજાક કરશે.’

આ માણસની દુવા સાંભળી ઝરમર વરસતાં વાદળો ઘોઘમાર વરસી પડયાં. ક્ષણ પહેલાં અમે જેના પર હસી રહ્યા હતા તે વ્યક્તિની છિદ્રવાળી છત્રીમાં વરસાદથી બચવા અમે ઘૂસી ગયા. જે છત્રીમાં ફકત એક જણની જગ્યા હતી તેમાં અમે ત્રણ એકમેકને ઘક્કા મારતાં પ્રેમને છાપરે ભીંજાઈ રહ્યા હતા. ઘક્કામુક્કીમાં મારા હાથમાંનાં પુસ્તકોમાંથી તાજેતરમાં જ પ્રગટ થયેલ “કવિતા” સામયિક સરકીને નીચે પડ્યું. શૈલેશે “કવિતા”ને ભોંય પરથી ઉપાડીને મને આપ્યું એટલે પેલી છત્રીવાળી વ્યક્તિનું ઘ્યાન “કવિતા” પર જતાં, તેમણે ‘કવિતા”ને જોવા મારી પાસે માગ્યું. છ-સાત પાનાં પર આમતેમ નજર ફેરવ્યા બાદ એકાએક તેમની નજર એક પાના પર ખોડાઈ ગઈ. તેમને બહુ જ એકાગ્ર થઈ ને ભાવુકતાથી તે પાના પર પ્રગટ થયેલી કવિતાને વાંચતા જોઈને શૈલેશથી તેમને પૂછાઈ ગયું, ‘વડીલ તમે કોની કવિતા આટલા ખંતથી વાંચી રહ્યા છો?’ તેમણે અમને કહ્યું, ‘મારી’.

અને અમે ફરીથી તેમના સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. અમારા હાસ્યની દરકાર કર્યા વિના બહુ જ નમ્રતાથી તેમણે અમને કહ્યું, ‘મિત્રો, તમારે મારું માનવું, ન માનવું એ તમારી મરજી! બાકી આ કવિતા મારી જ છે. અને મારું નામ કૈલાસ પંડિત છે.’

•••

કૈલાસ પંડિતને હું જ્યારે પણ મળ્યો છું ત્યારે મેં તેમને સદા હસતા, આનંદી, એક લહેરાતા મોજીલા દરિયા સમા ઊછળતા જોયા છે. કયારેક તેઓ સખત થાકેલા હોવા છતાં આપણા આનંદ ખાતર તેના થાક્ને મન પરથી ઉતારીને એક બાજુએ મૂકી દેતા. જો આપણે એકાદ ક્ષણ માટે તેના ખડખડાટ હાસ્યમાંથી બહાર નીકળી તેની આંખોમાં ડૂબી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ હસતા ચહેરાએ જીવનમાં પારાવાર યાતનાઓ ભોગવી છે. દરદ તો તેમને મન એક અનોખો નશો હતો. પોતાના દરદને એ જીવનજામમાં ઘૂંટીઘૂંટીને મસ્તીભર્યા શરાબની જેમ લિજ્જતથી એકાંતે પીતા રહેતા. દુઃખદરદ જ્યારે પોતાપણાની સીમાબહાર ચાલ્યું જતું, ત્યારે કૈલાસભાઈ દરદને હસતાંહસતાં ગઝલના શેરોમાં ગૂંથી લેતા.

કૈલાસ પંડિતની મૈત્રીના વર્તુળમાં તમને શહેનશાહ રાજા-મહારાજા જેવી ઘનવાન વ્યક્તિના દર્શન થાય તો કયારેક ફકીર જેવા ઢંગઘડા વિનાના મુફલિસ જેવા પણ જોવા મળે. આ માણસને મન શહેનશાહ કે ફકીર મૈત્રીમાં સરખા હતા. કયાં ય, કોઈ પ્રત્યે રતીભારનો ફરક નહી. કૈલાસ પંડિતને તમે જો એક વાર મળો અને તમે તેને જરા ખરોખોટો પ્રેમ દેખાડો તો આ માણસ તમને પોતાની રીતે પોતાપણામાં બાંઘી લે. ભલે પછી તમે તેમને લાખોનાં ટોળાંમાં મળો. તેનું ઘ્યાન તમારા પર પડતાં જ ઊમળકાથી સાદ પાડીને તે તમને પોતા તરફ ખેંચી લે.

કૈલાસ પંડિત સાથે જો કોઈ રેસ્ટોરાંમાં સમય ફાળવીને મોકળા મને બેઠા હોઈએ તો તેમની પાસેથી કવિતા/ગઝલ તો અચૂક સાંભળવા મળે, પણ આ માણસ પાસે કવિતા/ગઝલ જેટલો જ ગાળોનો પણ ભંડાર ! જેમ તેમને મુશાયરામાં સાંભળવાનો એક લહાવો તેમ તેમને બે-ચાર મિત્રોની અંગત મહેફિલમાં ખીલેલા જોવા તે પણ એક અણમોલ આનંદ તો ખરો જ! તેની ગાળો ક્યારે ય કોઈને નુક્સાન કરે નહીં. ઘડી બે ઘડી શબ્દકોશથી તરછોડાયેલા અનાથ શબ્દોને પાળીપોષીને લાડ લડાવે!

૧૯૯૩ના મે મહિનાની એક ઘોમઘખતી બપોરે હું, કૈલાસ પંડિત અને કુલીન વોરા ઘાટકોપરમાં રેસ્ટોરાં ‘પૂજા’માં બેઠા હતા. આદતથી મજબૂર એટલે અમે અમારી રીતે સાહિત્યજગતની ખાનાખરાબી કરી રહ્યા હતા. અચાનક અમારા ત્રણેના મુખેથી સુરેશ દલાલનું નામ આવી ગયું. તે ચર્ચા દરમિયાન કૈલાસે અમને સુરેશ દલાલ બાબત પોતાનું અંગત જે મંતવ્ય કહ્યું તે પર આજે જ્યારે કૈલાસ પંડિત આપણી વચ્ચે નથી ત્યારે પણ તેના નિખાલસ શબ્દોને ગર્વથી સલામ દેવાનું મન થાય છે, ‘મને જો સુરેશ દલાલ સાથે કંઈ મતભેદ જેવું હોય તો તે વિચારોને લીઘે હોય, કારણ કે હું તેના વિચારોને સમજવામાં બે ડગલાં કદાચ પાછળ હોઈશ! જો આપણે આપણી અંગત બળતરાને એક બાજુ પર મૂકી દઈએ તો ખરેખર, સુરેશ દલાલને તેના કવિતા વિશેના પ્રેમને જેટલી દાદ આપીએ એટલી ઓછી કહેવાય, કારણ કે આ માણસે કવિતાને જનસમૂહ સુઘી વહેતી કરી છે. બીજી ખાસ વાત, તેમના વિશે એમ કહેવાય છે ગમે તેની સાથે જો તેમને કોઈ પણ પ્રકારનો મતભેદ હોય તો પણ જ્યાં કવિતાની વાત આવી, ત્યાં તેમણે એ વાતને ભૂલી જઈને, ફકત કવિતાના ભવિષ્યનો ખ્યાલ રાખીને સારી ઉત્તમ કવિતાઓને કવિતામાં સ્થાન આપ્યું છે. તેમણે આ બાબતમાં કયાંક કોઈ કવિ પ્રત્યે કોઈ પ્રકારનો ભેદભાવ નથી રાખ્યો.’

‘આજે મુંબઈમાં જે કંઈ કવિસંમેલનો, મુશાયરાઓ જીવતાંજાગતાં જોવા મળે છે તેનો યશ સુરેશ દલાલને દેવો ઘટે અને સર્વથી વિશેષ વાત તો એ છે કે ખાલી કવિતાનું સામયિક પચીસ વર્ષથી એક પણ જાહેરાત વિના ચલાવવું તે કંઈ સાઘારણ વાત નથી. ‘કવિતા’ જેવા સામયિકને લીઘે આપણને ૧૦૦થી ૧૨૫ જેટલી નવી ઉત્તમ કવિ-કલમો મળી.’

કૈલાસ પંડિત આનંદી અને દિલાવર મનના એક રમૂજી માણસ હતા. તેમણે જિંદગીમાં ગરીબીને બહુ જ સૂક્ષ્મતાથી જોઈ છે. તે કોઈ ગરીબ માણસને જોતા ત્યારે તેમનું  કવિ હ્રદય દ્રવી ઊઠતું. બેચાર વર્ષ પહેલાં અમે બંને મિત્રો એક સાંજે માટુંગા રોડ સ્ટેશનમાં એક બુક્સ્ટોલ પર સામયિકો પર નજર ફેરવતાં ગાડી આવવાની રાહ જોતા હતા. કૈલાસભાઈના રોજના પરિચિત બુકસ્ટોલવાળા છોકરાએ તેની આદત મુજબ તેમના પાસે એક સિગરેટની માગણી કરી. કૈલાસે તેમના બગલથેલામાંથી મેં આપેલી માર્લબરો કાસ્ટનના ખોખામાંથી એક પાકીટ કાઢી તેના હાથમાં મૂકતાં તેને કહ્યું, ‘જા, દોસ્ત, તું પણ મજા કર’ પછી મને કહે કે, ‘દોસ્ત, તું ખોટું ન લગાડીશ. આ બિચારાને જિંદગીમાં કોણ આવી વિદેશની મોંઘી સિગારેટ આપવાનું! જો મારા નસીબમાં હશે તો મને કયાંયથી પણ મળી રહેશે! આમેય હવે આ સિગારેટ મારા જેવા બળેલાને વઘુ બાળીને કયાં વઘારે રાખ કરવાની છે?’

કૈલાસ પંડિતે મારી પાસેથી અમેરિકાનાં વીસ વર્ષના પત્રવ્યવહારમાં કયારે ય સોયની અણી જેટલી વસ્તુ પણ મંગાવી નથી. અથવા હું અહીંથી મુંબઈ ગયો હોઉં ત્યારે તેણે કોઈ ચીજની આશા રાખી નથી. ક્યારેક હું અહીંથી કંઈક એકાદ નાની-મોટી ચીજ કૈલાસ માટે મારી ઈચ્છાથી લઈ ગયો હોઉં તો તે મને ખુશીથી પરત કરતાં કહેતા, ‘દોસ્ત ,તારો મારા પ્રત્યે પ્રેમ છે એટલું ઘણું! મને પરદેશની વસ્તુઓનો બહુ મોહ નથી. તું આ ચીજવસ્તુ કોઈ જરૂરિયાતવાળા મિત્રોને  પ્રેમથી આપી દેજે.’

હું જેટલા દિવસ મુંબઈમાં હોઉં ત્યારે કૈલાસ પંડિત મને રેસ્ટોરામાં કે ટૅકસીમાં કયાં ય એક પૈસો કાઢવા ન દે. પોતાના ગજાબહારનો ખર્ચ મારા માટે કરે. હું કયારેક કૈલાસભાઈને કહેતો કે તમે મને કયાંક તો પૈસા ખર્ચવા દો, તો મને એ કહેતા કે તું મારો નાનો ભાઈ છો. હું તારી સાથે હોઉં ત્યારે ખિસ્સાને હાથ ન અડાડવો.

મઘ્ય પ્રદેશના વતની, આ માનવીની માતૃભાષા ગુજરાતી ન હતી. ગુજરાતી ભાષા તો તેમને માટે એક સાવકી મા હતી. પરંતુ કૈલાસ પંડિતે પોતાની સગી મા જેટલો પ્રેમ સાવકી માને કરી જનની તેમ જ સાવકી મા વચ્ચેના ભેદને ઓગાળી નાખ્યો હતો.

કોઈ સાંજે હું કોઈ પુસ્તકનું પાનું ઉઘાડું છું ત્યારે અચાનક મારી નજરમાં તેમનો પત્ર કે તેમની કોઈ ગઝલ ડોકાઈ જાય છે. ત્યારે મારું મન કોઈ કાળે માનવા તૈયાર થતું નથી કે કૈલાસ પંડિત આટલા જલદી મુશાયરામાંથી ઊઠી ગયા હશે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0781,0791,0801,081...1,0901,1001,110...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved