Opinion Magazine
Number of visits: 9667356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખુલ્લા પુસ્તક સમો માણસ 

પ્રીતમ લખલાણી|Diaspora - Features|10 July 2023

પ્રીતમ લખલાણી

અમેરિકા જેવા ધનવાન દેશના સ્વર્ગ સમા કેલિફૉર્નિયા રાજ્યમાં દસના લાખ કરવાની શકિત દેખાતી હોય એવી વ્યકિતને ભારતમાં જેને કામધંધા વિનાના નવરા માણસની પ્રવૃત્તિ ગણવામાં આવે છે, તેવા લેખનકાર્યમાં ગળાડૂબ જોઈએ ત્યારે મનમાં અચૂક થાય કે પોતાના વ્યવસાય ક્ષેત્રમાં પ્રવીણ ગણાતી આ વ્યકિતને આવો આંધળો શોખ કયાંથી જાગ્યો!

કદાચ આ વ્યકિત કવિતા કે વાર્તા લખતી હોત તો આપણે સમજી શકીએ કે નિજાનંદ ખાતર શબ્દ સાથે રમત કરે છે. જીવનનાં મહામૂલાં વર્ષો તેમ જ પાઈપાઈ બચાવીને એકઠી કરેલી પૂંજીને આવતી કાલની પેઢીની માતૃભાષાની સાન પાછળ રોકનારી આ વ્યકિત એટલે સ્ટેન્ડફોર્ડ મહાવિઘાલયના અનુસ્નાતક એવા કેલિફૉર્નિયા રાજ્યના બાંઘકામ ખાતાના એક સિનિયર એન્જિનિયર ભાઈ કિરીટ શાહ.

કિરીટ શાહના નિકટના મિત્રો તેમ જ પરિવારના સભ્યો પાસેથી જાણ્યું કે આ વિરલ વ્યકિતએ પોતાની માતૃભાષાના પ્રેમ પાછળ ૧૯૮૦ની આસપાસના ગાળામાં ૬૦થી ૭૦ હજાર અમેરિકન ડોલર હસતાંહસતાં ખર્ચીને જગપ્રસિદ્ઘ વિશ્વવિઘાલય હાર્વર્ડમાંથી પ્રગટ થતાં પુસ્તકોની હરોળમાં ઊભું રહી શકે તેવું મહામૂલું પુસ્તક પ્રસિદ્વ કર્યું છે. જેમની જેમની માતૃભાષા ગુજરાતી નથી તેવા વિદેશીઓને ગુજરાતી ભાષા શીખવાની ઈચ્છા થાય તો તેઓ કઈ રીતે સરળતાથી શીખી શકે તે વિષય પર સંપૂર્ણ સંશોધન કરી, વિશ્વભાષાપ્રેમીઓ માટે ભાષા શીખવા માટેનું એક વઘારે દ્વાર ઉઘાડી દીઘું.

કિરીટ શાહ

જ્યારે જ્યારે મારી નજર આ પુસ્તક પર પડે છે ત્યારે અચૂક મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ કાબેલ માણસને અમેરિકામાં બીજા કોઈ ઔઘોગિક ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનો વિચાર કેમ ન આવ્યો! જેમાં ‘પાઈની પેદાશ નહિ, ઘડીની નવરાશ નહિ’ જેવા વિષય પાછળ સંશોઘન કરવામાં જીવનનાં અમૂલ્ય વર્ષો અને પૂંજી દાવમાં લગાડી દીઘાં.

લગભગ આજથી ત્રીસેક વર્ષ પૂર્વે નાનાભાઈ નીતિનના ઘરે ટૂંક સમય માટે ફરવા ગયેલ માતૃશ્રીને માતૃદિન નિમિત્તે વંદન કરવા કિરીટભાઈ વહેલી સવારે જઈ ચઢયા. પૂજ્ય બાને વીંટળાઈને બેસેલ ભાઈનાં નાનાં ફૂલગુલાબી બાળકોની કાલીઘેલી અંગ્રેજી વાતને દાદીમા મનહ્રદયથી સમજવા માટે કોશિશ કરવા છતાં કમભાગ્યે કશું સમજી શકતાં ન હતાં. બાના પ્રેમાળ ચહેરા પર મૂંઝવણની રેખાઓ અંકાતી જોઈને તે ક્ષણે કિરીટભાઈના હ્રદયમાં વિષાદ થયો. 

“અરે! બાળકોની માતૃભાષા ગુજરાતી અને મારાં માતૃશ્રીની ભાષા પણ ગુજરાતી તેમ છતાં આ બે પેઢીને સ્નેહના તાંતણે બાંઘતો દોર ભૌગોલિક પ્રદેશના ગૂંચવાડાને લીઘે એકમેકના પ્રેમભર્યો શબ્દોને પામી શકતો નથી. જો આ જ હાલત રહેશે તો આવતાં દસ-પંદર વર્ષમાં ગુજરાતી ભાષા મરી પરવારશે! જો ભાષા જ નહિ રહે તો પછી પરિવાર સમાજની તો વાત જ ક્યાં કરવી.”

વિદેશની આ હરિયાળી ભૂમિમાં આપણે કંઈક એવું નક્કર કાર્ય કરવું જોઈએ કે જેથી ગુજરાતી માતા-પિતાના ખોળે જન્મેલ સંતાનો તેમની માતૃભાષાથી વંચિત ન રહી જાય. જો બાળકોને અંગ્રેજી સાથે પોતાની માતૃભાષાનું જ્ઞાન પરિવારમાં બાળપણથી આપવામાં આવે અથવા આ દેશનાં શહેરોમાં સ્થાપેલા ગુજરાતી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ભારતથી વિદેશમાં આવતાં ખાસ કરીને દાદા-દાદી તેમનાં પ્રેમાળ પૌત્ર-પૌત્રી સંગ તનમનના દ્વાર ખોલીને આનંદપ્રમોદની પ્રત્યેક પળ માણી શકે.

આ વિચારનો બોજ હું કોઈના ખભા પર નાખું તેના કરતાં હું જ આ દિશામાં એકાદ પગલું આગળ ભરું તો શું ખોટું? બસ, તે જ વિષાદની ક્ષણે તેમણે મનહ્રદયથી નક્કી કરી લીઘું કે હું આવતા વર્ષના માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને પોતાનાં સંતાનો માટે ગુજરાતી શીખો નામનું એક પુસ્તક ભેટ આપીશ.

આવા વિરાટ કાર્ય માટે એક વર્ષનો સમય તો બહુ જ ઓછો પડે અને એ પણ અમેરિકા જેવા દેશમાં આઠ કલાકના ઑફિસકામ બાદ ઘરપરિવારનાં કામમાંથી ભાગ્યે જ એકાદ બે કલાક અઠવાડિયે નસીબમાં હોય તો ફુરસદના મળે. કિરીટભાઈએ પોતાના આ અટલ વિચાર સાથે માતૃદિનના બીજા દિવસની સવારથી ગુજરાતી શીખો એ વિષય પર શ્રીગણેશ કરી દીઘા.

જો આ પુસ્તક તેમને ફકત પ્રગટ જ કરવું હોત તો કિરીટભાઈ માટે એક વર્ષનો સમય પૂરતો હતો, પરંતુ કિરીટભાઈના મનની ઈચ્છા હતી કે આ પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિખવાડતી બીજી ભાષા સંગ કદમ-તાલ મેળવી શકે. છ-સાત મહિનાના સખત પરિશ્રમ બાદ પુસ્તકની કાચી પ્રત તૈયાર થઈ કિંતુ કિરીટભાઈને આ પુસ્તકમાં હજી કંઈ ખૂટતું જણાયું. ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેઓ કપાતે પગારે છ મહિનાની રજા લઈ અમદાવાદની યાત્રાએ ઊપડી ગયા. અમદાવાદ જઈને એક પળનો પણ સમય બગાડ્યા વિના તેમને જ્યાં જ્યાંથી આ વિષય પર સંપૂર્ણ માહિતી મળી શકે તે માટે તેમણે ગુજરાતી ભાષાના પ્રખર વિદ્ઘાનોના દ્વાર ખટખટાવ્યા. ગુજરાત રાજ્યની બે-પાંચ યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના વિભાગમાં ફરી વળ્યા. તેમને ગુજરાતી શીખો પુસ્તક માટે જેટલું માર્ગદર્શન મળ્યું તેની ગાંસડી બાંઘી અમેરિકા પાછા ફરી પુસ્તકને ખૂટતા રંગો આપી. ગુજરાતી શીખો નામનું માહિતીથી છલોછલ પુસ્તક આનંદ સાથે માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને ભાવભીનાં વંદન સાથે પોતાનાં બાળકને ઉત્સાહ સાથે ગજરાતી ભાષા શીખવવા પુસ્તકને ખોળામાં મૂકયું. ગુજરાતી શીખો પુસ્તક માતૃદિને પ્રગટ કરી કિરીટ શાહે એક સાથે માતા, માતૃભાષા, અને માતૃભૂમિનું કર્જ અદા કર્યું.

ગુજરાતી શીખો પુસ્તક વિદેશમાં અને તેમાં પણ ખાસ કરીને અમેરિકામાં બહુ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થયું. અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં શીખવવામાં આવતી વિદેશી ભાષાઓમાં એક ભાષા ગુજરાતીના પાઠયપુસ્તક તરીકે કિરીટ શાહના પુસ્તકને માન્ય રાખવામાં આવ્યું તે અમેરિકામાં વસતા હરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. બહુ જ ઓછા સમયમાં ગુજરાતી શીખો પુસ્તકની સાતથી આઠ આવૃત્તિ પ્રગટ થઈ.

 *

૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં આ ભાષાપ્રેમી કોરોનાનો શિકાર બનતા, કાયમ માટે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીઘી ….                                                                       

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

મહારાષ્ટ્રની જનતા હાથમાં જૂતું લઈને ચાર રસ્તા પર ઊભી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 July 2023

રાજ ગોસ્વામી

એક મકાન માલિકે તેના બે માળના ઘરમાંથી ઉપરનો માળ ભાડે આપ્યો. ભાડૂઆત એક કારખાનામાં સેકન્ડ શિફ્ટમાં કામ કરતો હતો. 4 વાગે કામ પર જાય અને રાતે 12 વાગે પાછો આવે.

રોજ રાતે એ થાકીને આવે અને કમરામાં પેસતાં વેંત ખાટલામાં ફસડાઈ પડીને પગમાંથી જૂતાં કાઢીને ધડામ કરતાં ખૂણામાં ફેંકે.

બરાબર એ જ કમરા નીચે આવેલા કમરામાં માલિક સૂઈ જાય. ભાડૂઆત રોજ રાતે ધડામ કરતાં એક પછી એક જૂતાં ફેંકે એ સાથે તેના અવાજથી ગભરાઈને ઊંઘમાંથી ઊઠી જાય.

આવું થોડા દિવસ ચાલ્યું પછી માલિક પરેશાન થઇ ગયો. એક દિવસ ભાડૂઆત કામ પર જવા નીચે ઉતાર્યો એટલે માલિકે રોકીને કહ્યું કે, “ભ’ઈ સાબ, રાતે ઘરમાં આવો ત્યારે જૂતાંને કાઢીને ધીમેથી મૂકતા હો તો સારું, તમે એને ધડાધડ ફેંકો છો એમાં મારી ઊંઘ ઉડી જાય છે.”

ભાડૂઆતને ભૂલ સમજાઈ. તેણે કહ્યું ધ્યાન રાખીશ.

એ રાતે એ પાછો આવ્યો, ત્યારે હંમેશની જેમ થાકીને લોથ થઇ ગયો હતો. ફેકટરીમાં મશીન પર કામ કરીને દમ નીકળી ગયો હતો.

અંદર આવીને એ ખાટલામાં ફસડાઈ ગયો અને જૂતાંની દોરી છોડીને એક જૂતું ધડામ કરતું ખૂણામાં ફેંક્યું.

અચનાક તેને મકાન માલિકે કહેલી વાત યાદ આવી. તેને અફસોસ થયો અને બીજું જૂતું ઉપાડીને હળવેકથી ખૂણામાં મૂકી દીધું.

બીજા દિવસે તે કામ પર જવા નીકળ્યો એટલે મકાન માલિકે રોક્યો, “રાતે તમે ભારે કરી!”

ભાડૂઆતે માફી માંગી અને કહ્યું કે ભૂલમાં જૂતું ફેંકાઈ ગયું હતું.

માલિકે કહ્યું, “ભલા માણસ, એક જૂતાંનો અવાજ આવ્યો પછી હું ‘હમણાં બીજું જૂતું પડશે, હમણાં બીજું જૂતું પડશે’ની ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘી ના શક્યો. ફેંકી દેવું હતું ને!”

°°°

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પછી જે ઉથલપાથલ થઇ છે તેના કેન્દ્રમાં આ જોક છે. જૂન 2022માં, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવિસે, સત્તારૂઢ મહાવિકાસ આઘાડી સરકારના ભાગીદાર શિવસેનામાં ઊભી તિરાડ પાડીને એકનાથ શિંદે જૂથ સાથે સરકાર બનાવી દીધી, ત્યારથી એક તેમની વચ્ચે ખટરાગભર્યા લગનની શરૂઆત થઇ હતી.

આ સગવડિયાં લગનનો ટૂંકા ગાળોનો ઉદેશ્ય સત્તા મેળવવાનો હતો, પરંતુ લાંબા ગાળાનો ઉદેશ્ય ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવાનો હતો, જેથી મતદારો પાસે એ વિકલ્પ જ ન બચે. રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવા પાછળનો મુખ્ય હેતુ ઈર્ષ્યા કે દુ:શ્મની નથી હોતો (કહેવત છે ને કે રાજકારણમાં કોઈ ન તો કાયમી દોસ્ત છે, ન કાયમી દુ:શ્મન), પરંતુ ચૂંટણી વખતે મતદારોના વિકલ્પને સીમિત કરવાનો હોય છે.

મતદારો જો ‘એક્સ’ નામની પાર્ટીને મત આપતા હોય અને ‘વ્હાય’ નામની પાર્ટીને એ તમામ મત જોઈતા હોય, તો બે વિકલ્પ છે : ‘એક્સ’ જો ‘વ્હાય’ સાથે ભળી જાય, તો ‘એક્સ’ અને ‘વ્હાય’ના મતો એક થઇ જાય, અથવા, ‘એક્સ’નું અસ્તિત્વ જ ન હોય, તો બધા મતો આપોઆપ ‘વ્હાય’ પાસે આવી જાય. મહારાષ્ટ્રમાં પહેલો વિકલ્પ સંભવ નહોતો.

એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કરતા રહ્યા હતા કે શિવસેનાએ આઘાડી ગઠબંધન છોડીને ભા.જ.પ. સાથે જતા રહેવું જોઈએ, પણ ઉદ્ધવે ભા.જ.પ. સાથે વૈચારિક અંતર કેળવી લીધું હતું એટલે શિંદે અને ફડણવિસે બીજો વિકલ્પ અમલમાં મુક્યો; શિંદે શિવસેનાના વિધાનસભ્યો અને સિમ્બોલ સાથે ઉચાળા ભરીને ભા.જ.પ.ના બેન્ડવેગનમાં બેસી જાય તો કેવું?

વિધાનસભાની ચાર દીવાલો વચ્ચે તો થયું એવું, પરંતુ જમીન પર, એટલે કે મહારાષ્ટ્રમાં ઠાકરે સેના પ્રત્યે પ્રતિબદ્ધ મતદારોમાં તેની ઝાઝી અસર ન પડી. ભા.જ.પ.ને એકનાથ શિંદેની વફાદારી તો મળી, પરંતુ મતદારોનો પ્રેમ મળ્યો નથી. ભા.જ.પ.નો આંતરિક સર્વે કહે છે કે શિંદેએ પાટલી બદલી તેનાથી મતદારોમાં તેમના માટે નારાજગી અને ઠાકરે માટે સહાનુભૂતિ વધી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (જેમાં ઉદ્ધવ સેનાનું વર્ચસ્વ છે) એક વર્ષ માટે પછી ઠેલવાનું મૂળ કારણ એ છે કે શિંદે સેના અને ભા.જ.પ.ને ભરોસો નથી કે મતદારો મતદાન મથકમાં તેમની પર ભરોસો મૂકશે. એવી જ ચિંતા રાજ્ય વિધાનસભાની ચૂંટણીએ લઈને છે. 15 મહિના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તડજોડ કરીને સગવડિયાં નાતરાં ઊભાં કરી દેવાં એક વાત છે અને તેના પર બહુમતી મતદારોનો સ્ટેમ્પ વાગવો બીજો.

ભા.જ.પ.ની સ્થિતિ અત્યારે પેલા મકાન માલિક જેવી છે. શિંદે અને ફડણવિસે સત્તાનું એક જૂતું તો કબજે કરી લીધું છે, પરંતુ ચૂંટણીમાં મતોનું બીજું જૂતું હાથમાં આવશે કે માથામાં વાગશે, તેની ચિંતામાં તેમને ઊંઘ નથી આવતી.

મહાવિકાસ આઘાડી ગઠબંધનની ત્રીજી હિસ્સેદાર, શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી સાથે. શિવસેનાવાળી જ કરવા પાછળ આ ચિંતા મુખ્ય કારણ છે. શિંદે – ફડણવિસ સત્તાના એવા સિંહ પર બેસી ગયા છે જેના પરથી ઉતરવું કોઈ કાળે પોષાય તેમ નથી (અને આ ક્ષણે ચૂંટણી યોજાય તો ઉથલી જવાના પૂરા ચાન્સ છે). તેમના માટે અગામી ચૂંટણી જીતવી અત્યંત અનિવાર્ય છે.

તેના માટે ઉદ્ધવ સેના, એન.સી.પી. અને કાઁગ્રેસ નબળા પડે તે જરૂરી છે. એમાં અડધું કામ શિંદેએ કર્યું હતું. કાઁગ્રેસને તોડવી એટલા માટે અઘરી છે કે વૈચારિક રીતે તે એકદમ છેડા પર છે અને તેના વિધાનસભ્યો જો ભા.જ.પ. સાથે જાય, તો તેમના મતવિસ્તારમાં તેમની રાજકીય કારકિર્દી કાયમ માટે ખતમ થઇ જાય. તેના પ્રમાણમાં, એન.સી.પી.માં બળવો કરવો સરળ હતો, કારણ કે પવારના ઘરમાં જ (દીકરી સુપ્રિયા સુલે અને ભત્રીજા અજિત પાવર વચ્ચે) પાવર-સ્ટ્રગલ ચાલે છે.

2019માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી આ જ અજિત પવાર ભા.જ.પ.ના ટેકાથી 80 કલાક માટે નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા (મંગળવારે એ પાંચમીવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા). તે વખતે સિનિયર પવારની કુનેહથી તે પાછા પાર્ટીમાં આવી ગયા હતા, પરંતુ તે દિવસથી આંતરિક ખટપટ વધી ગઈ હતી. ‘શોલે’માં સંજીવ કુમાર જય-વીરુને કહે છે તેમ, ભા.જ.પ. માટે હથોડો મારવા માટે એન.સી.પી.નું લોઢું ગરમ હતું.

એન.સી.પી.ના જે નવ નેતાઓએ શિંદે – ફડણવિસની સરકારમાં શપથ લીધા છે, તેમાંથી ઓછામાં ઓછા 4 – અજિત પવાર, છગન ભુજબળ, અદિતિ ટટકરે અને હસન મુશરિફ – સામે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવું દૃઢપણે મનાય છે કે ઈ.ડી. વિરોધ પક્ષના નેતાઓ સામે તપાસ જ એટલા માટે કરે છે જેથી તેમને નબળા પાડી શકાય. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજિત પવાર સાથે ચાલ્યા ગયા છે.”

વિડંબના જુઓ કે, એન.સી.પી.ના આ નેતાઓ એક તરફ વિધાનસભામાં શપથ લઇ રહ્યા હતા, તે જ વખતે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં કોર્ટને ઈ.ડી.ની શક્તિ પર લગામ કસવાની અપીલ કરી રહ્યા હતા. રિયલ્ટી ગ્રુપ એમ.3.એમ.ના ડાયરેક્ટરોની ધરપકડોને લઈને દલીલો કરતાં સાલ્વેએ કહ્યું હતું કે, “મની લોન્ડરિંગના કેસોની તપાસ કરવા માટે ઈ.ડી. પાસે અમાપ શક્તિઓ છે. તેને જો નિયંત્રિત કરવામાં નહીં આવે તો આ દેશમાં કોઈ સલામત નથી.”

શરદ પવારે જ્યારે વડા પ્રધાન મોદીના એક બયાનને ટાંકીએ ટોણો માર્યો તે આ જ વિડંબનાને દર્શાવતો હતો. તેમણે કહ્યું હતું, “બે દિવસ પહેલાં વડા પ્રધાન એન.સી.પી. અંગે બોલ્યા હતા … તેમણે કહ્યું હતું કે એન.સી.પી. પતી ગયેલી પાર્ટી છે. તેમણે સિંચાઈ કૌભાંડ અને ભ્રષ્ટ્રાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા સાથીઓએ શપથ લીધા છે. એના પરથી સ્પષ્ટ છે તેમનાં પાપ ધોવાઇ ગયાં છે. હું વડા પ્રધાનનો અભાર માનું છું.”

મહારાષ્ટ્રના રાજકારણમાં આ અંતિમ અધ્યાય નથી. ચૂંટણી સુધી હજુ ઘણાં જૂતાંના અવાજ આવવાના છે. 

લાસ્ટ લાઈન :

રાજકારણમાં નૈતિકતા નથી જોવાતી, ફાયદો જોવાય છે. એક બદમાશ પણ એટલા માટે જ આપણા કામનો હોઈ શકે કારણ કે એ બદમાશ છે.

— વ્લાદિમીર લેનિન

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણ અપાઈ ન જાય તેની સરકાર ભારે કાળજી રાખે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 July 2023

રવીન્દ્ર પારેખ

સારી વાત એ બની કે બોર્ડમાં 58 શાળાઓ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં સો ટકા પરિણામ લાવી અને તેનું યોગ્ય રીતે જ શિક્ષણ રાજ્ય મંત્રી દ્વારા અભિવાદન થયું. શિક્ષણ રાજ્ય મંત્રીએ એ પણ નોંધ્યું કે ઈંગ્લેંડમાં પહેલી શાળા સ્થપાઈ ત્યારે ભારતમાં 7,200 ગુરુકૂળ કાર્યરત હતાં, જે વેદોક્ત પદ્ધતિથી જ્ઞાન આપતાં હતાં. એ પદ્ધતિ અને ગુરુકૂળનું પછી શું થયું, તે તો એમણે ન કહ્યું, પણ ત્રણ મહત્ત્વની જાહેરાત એમણે કરી કે નજીકના દિવસોમાં જ 25,000 શિક્ષકોની નિમણૂક થશે અને 16,000 ઓરડા બનશે તથા એક પણ સરકારી સ્કૂલ બંધ નહીં થાય તેની કાળજી રખાશે. એ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી, અન્ય વહીવટી અધિકારીઓ, ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત હતા. જો એ એમ જ છૂટા ન પડ્યા હોય તો એમને મંત્રીશ્રીની વાતો અંગે વિચારવાનું થયું હશે.

શિક્ષકોની વાત કરીએ તો 2017થી શિક્ષકોની ભરતી થઈ નથી. 30,000 જેટલા કાયમી શિક્ષકો 6 વર્ષથી નિમણૂક પામ્યા નથી ને તેને વિકલ્પે વિદ્યાસહાયકો, પ્રવાસી શિક્ષકોથી કામ કઢાયું છે. એમાં પણ આ વર્ષે પ્રવાસી શિક્ષકોને મંજૂરી મળી નથી. તે એટલે કે એ બિનતાલીમી છે. આટલાં વર્ષો એનાથી ચાલ્યું ને હવે જ્ઞાન થયું કે ન ચાલે એટલે અત્યારે તો ગાડું ઘોંચમાં પડ્યું છે. બિનતાલીમી મંત્રીઓ જો ચાલતા હોય તો બિનતાલીમી શિક્ષકો પણ ચાલે એવી માન્યતાથી પ્રેરાઇને કદાચ, પ્રવાસી શિક્ષકો ચાલ્યા હોય એમ બને. બીજું, કારણ એ પણ ખરું કે બિનતાલીમીથી જ જો કારભાર ચાલે એમ હોય તો બી.એડ્. કોલેજો પણ નિરર્થક પુરવાર થાય. બને કે તાલીમ આપતી શૈક્ષણિક સંસ્થાઓને તાળાં ન લાગે એટલે કદાચ પ્રવાસી શિક્ષકોનો એકડો કાઢી નંખાયો હોય. એ જે હોય તે, પણ શિક્ષકોની ઘટ છે તે છે જ ! એ ઘટ નિમણૂકો વગર પુરાવાની નથી એ સ્પષ્ટ છે.

રહી વાત સ્કૂલો બંધ થવાની, તો વધારે દૂર ન જઈએ તો 22 ફેબ્રુઆરી, 2023ના સમાચાર છે કે રાજ્યમાં 2,600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયાં છે. સાચું તો એ છે કે શાળાઓ બંધ થવાનું તો વર્ષોથી ચાલ્યું આવે છે ને તેમાં સરકાર તરફથી જ ખાનગીકરણને અપાયેલું પ્રોત્સાહન કેન્દ્રમાં છે. એ  તો ખાનગી સ્કૂલોની વધતી સંખ્યા પરથી પણ સમજી શકાય એમ છે. આ સ્થિતિ રાજ્યની જ છે એવું નથી, દેશભરની શાળાઓને આ વાત લાગુ પડે છે. કોરોનાને નામે ભલે ચરી ખાઈએ, પણ તે પહેલાં પણ આ જ સ્થિતિ હતી. 2018-‘19માં દેશભરમાં 51,108 સ્કૂલો બંધ થઈ હતી અને ખાનગી શાળાઓમાં 3.6 ટકાનો વધારો થયો હતો, એટલે કે તેની સંખ્યા 3,25,760થી વધીને 3,37,499 થઈ હતી, એટલે કે 11,739નો વધારો. વારુ, જે સ્કૂલો ચાલે છે, તેની દશા કેવી છે? વરસેક પરની વાત કરીએ તો ગુજરાતમાં 700 શાળાઓ એવી છે જે 1 જ શિક્ષકથી ચાલે છે. સારું છે કે સમ ખાવા પૂરતો એકાદ શિક્ષક તો છે ! એવા દિવસો આવે તો નવાઈ નહીં કે એક પણ શિક્ષક ન હોય એવી શાળાને સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે !

હકીકત એ છે કે આખો દેશ દેખાડા પર અને શાસકીય અખાડાઓ પર ચાલે છે. તમામ ધર્મો-અધર્મો, જાતિ-જ્ઞાતિઓ, પક્ષો- વિપક્ષો શક્તિ પ્રદર્શનમાં રાચે છે. એમાંથી શિક્ષણ પણ બાકાત નથી. એને ડેટાનું એવું ભૂત વળગ્યું છે કે ડેટા એ જ શિક્ષણ થઈ પડ્યું છે. એ ખબર નથી પડતી કે એક વિદ્યાર્થીની નામ-ઠામની વિગતો ઉપરાંત એવી તે કેવી વિગતો ખડકવાની થાય છે કે શિક્ષકો ભણાવવાનું બાજુ પર મૂકીને વિદ્યાર્થી દીઠ 65-70 કોલમો ભરવામાંથી જ ઊંચા ન આવે? શિક્ષકો કે આચાર્યોનો બચાવ નથી અહીં, એમાં ઘણાં શિક્ષણમાં કરકસર કરનારા ને પગારમાં કશું જતું ન કરનારા મતલબીઓ પણ છે જ, પણ જે શિક્ષક છે ને ભણાવવામાં રસ હતો એટલે શિક્ષક થયા છે, તે આ અણધારી કારકૂનીથી ડઘાઈ જાય એમ બને. એને વર્ગ શિક્ષણમાં રસ છે, એ ત્યાં કેટલું કામ કરે છે તેની તપાસ DEO કે શિક્ષણ સમિતિના અધ્યક્ષે કરવી જોઈએ. ડેટા મહત્ત્વનો છે, એની ના નથી, પણ શિક્ષણ પણ મહત્ત્વનું છે, એ વાતનું આખા શિક્ષણ વિભાગને વિસ્મરણ થયું છે તે દુ:ખદ છે.

સુરતની 529 શાળાઓએ ધોરણ 1ના વિદ્યાર્થીઓની માહિતી પૂરી ન પાડી તેથી DEOએ 7 દિવસમાં માહિતી પૂરી પાડવાનો પરિપત્ર કર્યો છે ને સાથે જ ધોરણ 2થી 8માં અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોય તો તેની પણ વિગતો માંગી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ખાનગી, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં, ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ઓનલાઈન ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં માહિતી અપલોડ કરવા આ બધું જરૂરી હશે, એની ના નથી, પણ એની તપાસ કોણ કરશે કે જે તે શાળામાં શિક્ષકો પૂરતા છે, અન્ય સુવિધાઓ પૂરતી માત્રામાં છે કે એ કેવળ સત્તાની જોહુકમીનો જ શિકાર છે? દર વર્ષે સ્કૂલો શરૂ થઈ જાય છે ને દર વર્ષે શિક્ષકોની ઘટની બૂમ ઊઠે જ છે. તેમાં વળી આ વખતે તો પ્રવાસી શિક્ષકોની પણ મંજૂરી નથી, આચાર્યો, શિક્ષકો વગર કેટલું ને કેવું ચલાવશે, એ જાણે શિક્ષણ વિભાગનો પ્રશ્ન જ ન હોય એમ લાગે છે. આ વખતે ડેટા પૂરો પાડવાની કામગીરી શરૂઆતથી જ એવી વધી છે કે શિક્ષકો પર ભણાવવા સિવાયનો બોજ જ એટલો છે કે શિક્ષકે ભણાવવાનું પણ હોય છે એ વાત જ વિસારે પાડી દેવાઈ છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે જોઈતી માહિતી જ એક સમયે પૂરતી ગણાતી હતી, તેને બદલે કોઈ ગુનેગારની વિગતો પોલીસ ભેગી કરતી હોય તેવી ઝીણી ઝીણી વિગતો પૂરી પાડવામાં, આ વિગતોની ગુપ્તતા કેટલી જળવાતી હશે તે પ્રશ્ન જ છે. ઓછી વિગતોથી ત્યારે સ્કૂલો બહુ નુકસાનમાં રહી હોય એવું ય નથી બન્યું ને આટલી વિગતો પછી હવે સ્કૂલો અને વાલી-વિદ્યાર્થીઓ વધુ સલામત હોય એવું પણ નથી. પોર્ટલમાં અપાતી વિગતોમાં બેન્ક ડિટેલ્સ પણ આપવાની થાય છે. એ વિગતો લીક થાય તો સંભવિત જોખમ સામે રક્ષણની કોઈ ખાતરી ખરી કે કેમ તે નથી ખબર. આટલી વિગતો ભેગી કર્યાં પછી એનું શું થાય છે એની પણ કોઈ માહિતી નથી, તો પ્રશ્ન એ થાય કે વાલી વિગતો આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બટાકા કે ટામેટાં ચોરાઈ જતાં હોય તો આવી વિગતોનો દુરુપયોગ નહીં જ થાય એવું નથી.

શિક્ષણ સમિતિ અને આખો શિક્ષણ વિભાગ જે રીતે અંગ્રેજીના મોહમાં ગુજરાતીની અવગણના કરે છે તે માતૃભાષાને અપમાનિત કરનારું છે. કોઈ એક ગ્રૂપે, નગર પ્રથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જઈને, 44 જેટલી સ્કૂલોનાં ચારેક હજાર બાળકોને, પહેલાં પગથિયાથી જ અંગ્રેજી-હિન્દી શીખવાનું પુસ્તક વિના મૂલ્યે આપ્યું ને તેને સમિતિના અધ્યક્ષ અને અન્ય અધિકારીઓએ આવકાર્યું, પણ એ ગ્રૂપે એ ભાષાની સાથે ગુજરાતી પણ ઉમેર્યું હોત તો ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે તે અધિકારીઓને પણ યાદ આવ્યું હોત. ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં કોઈ ગુજરાતીનું પુસ્તક ન વહેંચે તે સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતીને વિકલ્પે અંગ્રેજી અને હિન્દી શિખવવાનું ગૌરવ લેવાય ને એનો ત્યાં ઉપસ્થિત ગુજરાતીઓને આઘાત ન લાગે એ કેવળ ને કેવળ શરમજનક છે. ભાષા અંગેની આટલી નિર્લજ્જતા ગુજરાત સિવાય બીજે ક્યાં ય નથી. અંગ્રેજી અને હિન્દીનો રજમાત્ર વાંધો નથી, એ અપાય તેનો આનંદ જ હોય, પણ ગુજરાતમાં ગુજરાતીને યાદ ન કરાય એ અપમાનથી ય વધારે અપમાન છે, ખાસ તો ત્યારે કે એ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત અને મૌન હોય. આ એટલે કહેવાનું થાય છે, કારણ ગુજરાતમાં ગુજરાતી વિષયમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયાનું નોંધાયું છે.

ટૂંકમાં, અરાજકતા શિક્ષણ ક્ષેત્રનું અવિભાજ્ય અંગ છે. આ ક્ષેત્રમાં શિક્ષકો પાસેથી ભણાવવાને બદલે શિક્ષણેતર કામો લેવાય છે, પરિણામે, બધી સામગ્રી છતાં, વિદ્યાર્થીઓ લગભગ ભણ્યા વગર પરત થાય છે. આવામાં નવી શિક્ષણ નીતિ અદ્ભુત હોય તો પણ તેનો અર્થ નથી, કારણ, પ્રશ્ન તેનાં અમલીકરણનો છે. ગમે એટલું ઉત્તમ બીજ જો કોળવાનું જ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. નવી શિક્ષણનીતિનું પણ એવું જ છે. તે યોગ્ય હાથો દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ. એ હાથો જો ડેટા ભરવામાં જ વ્યસ્ત હોય તો ઉતમ નીતિ પણ પોથીમાં જ રહે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જુલાઈ 2023

Loading

...102030...1,0771,0781,0791,080...1,0901,1001,110...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved