Opinion Magazine
Number of visits: 9743360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂરીલા ગાયક ને ભલા માણસ રફી સાહેબ

દુર્ગેશ ઓઝા|Opinion - Opinion|31 July 2023

મહાન સૂરીલા ગાયક અને ભલા માણસ રફીસાહેબની આજ પુણ્યતિથિ. એ નિમિત્તે એમને શબ્દરૂપી અંજલિ સાદર :

સૂરીલા ગાયક રફી સાહેબને આજ ૩૧મી જુલાઈએ, એમની પુણ્યતિથિએ વંદન .. મુરબ્બી રફી માત્ર મહાન ગાયક જ નહીં, એક ભલા માણસ પણ હતા. 

ઘણાં ફિલ્મી ગીતોમાં એણે સામેવાળાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થોડી રકમમાં કે પૈસા લીધા વિના ગીતો ગાઈ દીધાં હતાં. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘ઠોકર’નું ગીત : ‘અપની આંખો મે બસા .. કર, કોઈ ઇકરા .. ર કરું ..’ ચિત્રગુપ્તના સંગીતમાં એમણે ગાયેલાં ઘણાં સારાં ગીતોમાંથી એક ગીત અહીં નોંધું જે રાગ માલકૌંસ આધારિત છે : ‘અંખિયન સંગ અંખિયા લાગી આજ ..’ રફીસાહેબે હિન્દી ઉપરાંત, ગુજરાતી, સિંધી, પંજાબી, તેલુગુ, કોંકણી, મરાઠી એમ અનેક ભાષામાં ગીતો ગાયાં છે. એમના અવાજમાં જે મુલાયમતા હતી એનો સૌથી સારો ઉપયોગ કદાચ સંગીતકાર ખય્યામ સાહેબે કર્યો છે. “કહીં એક માસૂમ .. નાજુક સી લડકી.”

ગીત તથા એમના સ્વરબદ્ધ ગેરફિલ્મી ભકિતગીતો જેમ કે ‘શામ સે નેહા લગાયે, સુનીયો અરજ હમારી, તેરે ભરોસે એ નંદલાલા ..’ વગેરે. અહીં રફી સાહેબના સ્વરમાં માધુર્ય અને મુલાયમપણું બે ય ખૂબ સરસ પ્રગટ થાય છે. લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, શંકર – જયકિશન, કલ્યાણજી – આણંદજી, નૌશાદ, મદનમોહન જેવા દમદાર સંગીતકારોએ પણ એની પાસે જોરદાર, મધુર ગીત ગવડાવ્યાં છે. સચિનદેવ બર્મન, આર.ડી. બર્મન, સલિલ ચૌધરી, રવિ .. સંગીતકારોની યાદી ઘણી લાંબી છે જેમણે રફી સાહેબ પાસે ગીતો ગવડાવ્યાં હોય જે અમર બની ગયાં હોય.

મદનમોહન દ્વારા સ્વરબદ્ધ બે ગીતો યાદ આવે છે જે રફીસાહેબે બહુ સુંદર રીતે ગાયાં છે : ૧ – એક હંસી શામ કો દિલ મેરા ખો ગયા, ને ૨ – કભી ના કભી, કહીં ના કહીં, કોઈના કોઈ તો આયેગા .. ગીત, ગઝલ, ભજન, ઠુમરી, કવ્વાલી, હીર .. ગીતના દરેક પ્રકારમાં રફી સાહેબે પોતાનો કંઠ આપ્યો છે. એમણે દેશભક્તિનાં ગાયેલાં ગીતો પણ દમદાર .. કિશોરકુમાર અને રફી સાહેબની દોસ્તી પાણીદાર. બે ય પાણીદાર, મહાન ને સૂરીલા ગાયકો. એવાં અનેક ગીતો છે જેમાં ફિલ્મી પડદા પર કિશોરકુમાર અભિનય કરતા હોય ને સ્વર આપ્યો હોય રફી સાહેબે ..!

રફીસાહેબે અંગ્રેજીમાં વિશ્વએકતા ઉપર એક સરસ ગીત ગાયું છે “ઓલ ધો વી .. રીમેમ્બર ફ્રેન્ડ્સ ધ વર્લ્ડ ઈઝ વન ..’ આ ગીત હિન્દી ફિલ્મી ગીત “બહારો ફૂલ બરસાઓ”ની ધૂન પર આધારિત છે. આ બે ય ગીત રફી સાહેબે જ ખૂબ સરસ રીતે ગાયાં છે. ક્યારેક થાક કે  તણાવ હોય ત્યારે કે એવું કાંઈ ન હોય ને મૂડમાં હોઉં ત્યારે રફી સાહેબે ને અન્ય ગાયકોએ ગાયેલાં મધુર ગીતો હું ગાઈ લઉં છું ને થાક તણાવ ગાયબ ..! આનંદનાં ફૂલ વધુ ખીલી જાય છે. ગુજરાતીમાં રફીસાહેબે જે ગીતો ગાયાં છે એમાંનાં ત્રણ ગીતોની યાદી અહીં મૂકું છું :

૧: ગેર ફિલ્મી ગીત : દિવસો જુદાઈના જાય છે,

૨: ફિલ્મી ગીત – નૈન ચકચૂર છે, મન આતુર છે ( રફી – લતા યુગલ ગીત)

૩: ફિલ્મી ગીત – આ તો રમત રમાડે રામ ..

આવાં તો ઘણાં ગીતો ઘણી ભાષામાં બહુ જ મધુર સ્વરમાં રફી સાહેબે ગાયાં છે. આવા સરળ ભલાભોળા માણસ ને ઉચ્ચ કોટિના કલાકાર કદી મરતા નથી. એ સૂરીલા, પાવન આત્માને વંદન. અભિનંદન. એ જ્યાં હશે ત્યાં પોતાના દિવ્ય સ્વરથી વાતાવરણને આનંદથી ભરી દેતા હશે.

“દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા, અરે મુજકો મેરે બા..દ ઝમાના ઢૂંઢેગા …” 

“જબ જબ બહાર આ..ઈ, ઔર ફૂલ મુસ્કુરા..યે, મુજે  તુમ  યા.. દ આ..યે…” રફી સાહેબે આવા અનેક સદાબહાર ગીતો ગાયાં છે. સ્વરથી ઈશ્વર. – 

પોરબંદર, તા. ૩૧.૦૭.૨૦૨૩
e.mail : durgeshboza1@gmail.com

Loading

ભાવવધારાને બહુ ભાવ આપવા જેવો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 July 2023

રવીન્દ્ર પારેખ

મારા બાપાના વખતમાં રૂપિયાનું અઢી શેર ભૂસું મળતું હતું, પણ એમને પણ એ મોંઘું લાગતું હતું ને મેં સવા  રૂપિયે શેરનું ભૂસું ખાધું હતું એમ કહું છું, તો મારાં સંતાનો મને હસે છે, જેમ હું મારા બાપાને હસતો હતો. બને કે આવનારા સમયમાં મારાં સંતાનોને તેમના સંતાનો હસે. તે બે રીતે કે ત્યારે બધું એટલું મોંઘું થઈ ગયું હોય કે રડી ન શકાય એટલે હસે અથવા આજે જેમ ગરીબોને મફત અનાજ સરકાર આપે છે તેમ તે વખતની સરકાર પણ બધું જ મફતમાં આપે ને તે લેતાં જાત પર હસવાનું થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે મોંઘવારી સાપેક્ષ છે. આજે જે મોંઘું લાગે છે તે આવનારી પેઢીને સસ્તું લાગે, એટલે આવનારી મોંઘવારીને ધ્યાનમાં રાખીને, આજની મોંઘવારીને હસી કાઢવામાં જ ડહાપણ છે. આજનો ત્રણ હજાર રૂપિયાનો તેલનો ડબ્બો, આવતાં થોડાં વર્ષોમાં ત્રીસ હજારનો થાય તો એ વિચારે આશ્વસ્ત થવું કે એ ભાવથી આજે તો બચેલા છીએ ને ત્રણ હજારમાં કમ સે કમ ડબ્બામાં તેલ આવે તો છે ! બને કે ત્યારે ત્રીસ હજારમાં ખાલી ડબ્બો જ આવે, એટલે તેલ, તેલ લેવા જાય તે પહેલાં વરસાદમાં ભજિયાં ખાઈ લેવાં ને કાલની ચિંતા ન કરવી એ સાધુત્વની નિશાની છે.

મોંઘવારી વધતી જોતાં ગરીબોની બહુ ચિંતા ન કરવી. સરકારે જ કહ્યું છે કે ભાવ ને ગરીબો ઘટી રહ્યા છે ને જે રહ્યાં છે તેનાં ખાતામાં સરકાર સમયે સમયે કૈં ને કૈં નાખતી રહેશે ને ન નાખે તો મંદિરે ભકતો તો નાંખશે જ, એટલે ગરીબોને તો વાંધો નહીં આવે. ચિંતા એટલી જ કરવાની કે એ ગરીબોમાં મધ્યમવર્ગ ન ઉમેરાય, કારણ એને જોગવવાની જવાબદારી કૈં સરકારની નથી. મધ્યમ વર્ગ ન નીચે ઊતરે કે ન ઉપર જાય એટલું જ જોવાનું. એ માંગતો થાય એ ન ચાલે ને કોઈ એની પાસે માંગે એ ય ન ચાલે. સરકારને સૌથી વધુ ચિંતા મધ્યમવર્ગની છે. એ છે તો ટેક્સ ભરાય છે. એ જ ન હોય તો સરકાર રહેશે કોને ભરોસે? આપણે ગમે એટલી સરકારની ટીકા કરીએ, પણ એ ઘણાં જોખમોથી આપણને બચાવે છે. 27મીએ જ રાજકોટમાં (વાતોનાં) વડા પ્રધાને હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે અમારી સરકારે મોંઘવારી ન ઘટાડી હોત તો આજે દૂધ 300 રૂપિયે લિટર ને દાળ 500 રૂપિયે કિલો હોત ! દરેક ભારતીય આજે જરૂર હોય કે ન હોય, અંદાજે 20 જી.બી. ડેટા વાપરે છે. 2014માં એક ડેટાની કિંમત 300 રૂપિયા હતી. આજે જૂની સરકાર હોત તો મહિને 6 હજારનો ખર્ચો ઊભો હોત ! એ હિસાબે આજની સરકાર મોબાઇલમાં આપણા 5 હજાર બચાવે છે, એ જેવી તેવી વાત નથી. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતાં. આજે 20 શહેરોમાં છે. જરૂર હોય કે ન હોય, એવું તો ઘણું ઘણું દેશમાં થઈ રહ્યું છે, એ જોતાં વડા પ્રધાનનો આપણે હૃદયથી આભાર માનવો જોઈએ, કારણ એમણે દૂધ 300નું ને દાળ 500ની થાય તે પહેલાં 2014માં જૂનીને તગેડી ને નવીને આણી. નવી ન આવી હોત તો આપણી દશા જ બેઠી હોત કે બીજું કૈં?

2014માં જે ભાવો હતા તે ને નવી સરકારમાં એ કાબૂમાં આવ્યા એ જોઈએ તો ખ્યાલ આવશે કે સરકારની વાત કેટલી બધી સાચી છે ! જેમ કે, મે, 2014માં પેટ્રોલ 71.41 રૂપિયા હતું, તે લિટરે ઓગસ્ટ, 2022માં 96.72 રૂપિયા થયું. એથી પણ ભાવ વધ્યો હોત, પણ સરકારે ભાવ વધવા ન દીધો. 2022નો ભાવ એટલા માટે કે એ ગાળામાં કોરોના વિદાય લઈ રહ્યો હતો. તે વખતે શરૂઆતમાં ઇંધણનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘટી ગયો હતો કે વાત ન પૂછો. એવે વખતે વધુ ભાવ ન ગગડે એટલે સરકારે દેશમાં જ ભાવ ગગડવા ન દીધા ને બીજા ખર્ચને પહોંચવા ભાવો વધાર્યા, તે એટલે પણ કે ગરીબો સંકોચ વગર સરકારની મદદ લેતા થાય. આવી પરોપજીવી, સોરી, પરોપકારી સરકાર બીજે શોધી જડે એમ નથી. ડીઝલ મે, 2014માં 56.71 હતું, તે ઓગસ્ટ, 2022માં 89.62 થયું. મતલબ કે લિટરે પેટ્રોલ 25.31 અને ડીઝલ 32.91 રૂપિયા વધ્યું. એલ.પી.જી.ની વાત કરીએ તો સિલિન્ડરનો ભાવ મે, 2014માં 928.5 હતો, જે ઓગસ્ટ, 2022માં 1,053ને આંકડે આવ્યો. મતલબ કે સિલિન્ડરે 124.5નો વધારો. સી.એન.જી. મે, 2014માં 38.15ની કિંમતે હતો, તે ઓગસ્ટ, 2022માં વધીને 75.61 પ્રતિ કિલોગ્રામ થયો. એમાં પ્રતિ કિલોગ્રામે 37.46નો વધારો થયો. લોટ મે, 2014માં 21 રૂપિયા પ્રતિ કિલો હતો, તે 8 રૂપિયા વધીને 29 પર પહોંચ્યો. એ જ રીતે 8 વર્ષમાં ચોખા 29ના 32 થયા.

ભાવો વધે ત્યારે તેને બહુ ભાવ ન આપવો એમાં જ માણસાઈ છે, કારણ ભાવો વધે તેમ તેમ માણસ સસ્તો થતો જતો હોય છે, હવે માણસ જ સસ્તો હોય તો મોંઘવારી ક્યાં રહી?

રહી વાત દૂધની તો મે, 2014માં તે લિટરે 36 રૂપિયા હતું, તે આજે 18 રૂપિયા વધીને 54 રૂપિયે છે. દાળ મે, 2014માં 75 રૂપિયે કિલો હતી, તે જૂન, 2023માં 200ને ભાવે પહોંચી છે. કિલોએ 125નો વધારો.

એવું નથી કે બધું જ વધ્યું છે. ડુંગળી, બટાકાના ભાવ ઘટ્યા પણ છે. માર્ચ. 2022માં ડુંગળી 28 રૂપિયે હતી, તે વર્ષને અંતે 24ને ભાવે વેચાઈ. એ જ રીતે બટાકા 20 રૂપિયે હતા તે રૂપિયો ઘટયા. 83.5નો ઘટાડો તો એલ.પી.જી.ના 19 કિલોના સિલિન્ડરમાં પણ આવ્યો ને વડોદરા ગેસ કંપનીએ પાઇપ મારફતે પહોંચાડાતા ગેસમાં યુનિટ દીઠ 1.57નો અને સી.એન.જી.માં 6.10નો ઘટાડો 9 એપ્રિલે કર્યો. એ જુદી વાત છે કે ઓકટોબર, 2022થી જાન્યુઆરી, 2023 સુધી 20.79નો પ્રતિ ક્યુબિક મીટર વધારો કરવામાં આવ્યો હતો, તેની સામે 6 મહિને 1.57નો ઘટાડો દરિયામાંથી ડોલ કાઢવા જેવો હતો. આવી ગમ્મત તો થતી રહેતી હોય છે. ટામેટાં એકદમ જ 200 રૂપિયે કિલો થયાં છે. 20 રૂપિયે કિલોનાં ટામેટાં 200નાં થયાં, પણ વડા પ્રધાને દૂધ 300 ને દાળ 500નો જે આંકડો પાડ્યો તેનાં કરતાં તો એ ઓછાં જ છેને ! એ તો જૂની સરકાર નથી એટલે, બાકી, એ હોત તો ટામેટાંનો ભાવ 2,000 પણ થયો હોત ! થેન્ક ગોડ, કે જૂની સરકાર નથી તેથી ટામેટાંનું 200-250માં પત્યું, એ ભાવ 2,000-2,500નો પડ્યો હોત તો પૂરી વલે થઈ હોત એમાં શંકા નહીં ! ને એબોવ ઓલ, ટામેટાં 200 હોય તો શું થયું? ટોમેટો કેચઅપ 120નો પાંચ કિલો મળે છે તે ઓછું છે? એમ તો ફૂદીનો, આદુ, કોથમીરના ભાવ પણ ઘટ્યા છે. ટામેટાંની આવક વધશે એટલે એ પણ 25-50ના કિલો થઈ જશે. નવી સરકારમાં એટલું છે કે તે ભાવો નિયંત્રણમાં રાખે છે. 20ના 200 થાય, પણ પછી 50 પણ થાય છે ને ! એ ભલે 20 કરતાં 30 વધારે હોય, પણ 200થી 150 ઓછા છે તે નહીં જોવાનું?

જો કે, ટામેટાંનો ભાવ ઊંચકાયો તો લોકોમાં જરા ચણભણ થઈ. એ જોઈને આરોગ્ય મંત્રી ને સરકારના પ્રવક્તાશ્રીએ લોકોને ટપાર્યા પણ ખરા કે ટામેટાં જ કૈં એક માત્ર ખાવાની ચીજ નથી, એ સાચું છે. ટામેટાં પર જ કૈં દીવો કરેલો છે કે એનાં વગર અજવાળું થાય જ નહીં? બીજી ઘણી વસ્તુઓ છે. ટામેટાં નથી તો ઘી ખાવ, તેલ પીઓ, કેડબરી ખાવ. દાળમાં ટામેટાં જ નાખવાં એવું થોડું છે? કેડબરી પણ નખાય ને ! લોકો તો એ પણ ખાય, પણ ચિંતા એ છે કે ટામેટાંને વિકલ્પે જે ખવાય તે તો પછી મોંઘું નહીં થાય ને ! થાય છે એવું કે શાકભાજી મોંઘી લાગે તો લોકો કઠોળ તરફ વળતાં હોય છે, પણ પછી કઠોળનો ઉપાડ વધતાં એ ય મોંઘું થવા લાગે છે. 26મીના જ સમાચાર છે કે કઠોળના ભાવમાં પણ 30 ટકાનો ઉછાળો આવ્યો છે. શાકભાજી ઓકટોબર સુધી સસ્તી થાય એમ લાગતું નથી, એની કિંમતોમાં જૂનથી જુલાઈ સુધીમાં જ 34 ટકાનો વધારો થયો છે. તેમાં ય ટામેટાં જ 160 ટકા મોંઘાં થયાં છે.

સાદી વાત એટલી છે કે જી.એસ.ટી. લાગુ પડ્યો છે, ત્યારથી બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. શ્વાસ ચાલે છે તેનાં પર જી.એસ.ટી. નથી, બાકી જનમ-મરણ પણ જી.એસ.ટી.થી બાકાત ન હોય એમ બને. કાલના જ સમાચાર છે કે હવેથી હોસ્ટેલનાં ભાડાં પર પણ વિદ્યાર્થીઓને 12 ટકા જી.એસ.ટી. ભરવાનો થશે. આ ટેક્સ અગાઉ લાગતો ન હતો, પણ હવેથી હોસ્ટેલને રહેઠાણ તરીકે ટ્રીટ કરવામાં નહીં આવે. ગયાં વર્ષ સુધી રહેઠાણ ગણીને ટેક્સ વસૂલાતો ન હતો, પણ હવે વસૂલાશે. જે રસ્તે ટેક્સ વસૂલી શકાય એ રસ્તે સરકાર તો વસૂલે, કારણ દેશ તો રામભરોસે ચાલે, પણ સરકાર ન ચાલે. એને ચલાવવી પડે ને એને ચલાવવા હવા, પાણી ને ખોરાકમાંથી ટેક્સ કેવી રીતે વસૂલી શકાય એની તરકીબ નિષ્ણાતો શોધી આપતાં હોય છે.

મોંઘવારી છાપાંને લાગે ને સરકારને ન લાગે એમ બને. એનો અર્થ જ એ કે મોંઘવારી સાપેક્ષ છે. જો કે, લોકોને એ નથી જ લાગતી. આમેય લોકોને ક્યાં કૈં લાગે જ છે? હા, દૂરથી ‘દોસ્તી’ ફિલ્મનું એક ગીત ક્યારેક સંભળાય છે :

રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ, દુ:ખ તો આપના સાથી હૈ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જુલાઈ 2023

Loading

એક પતિપરાયણ ચીની હિંદુ નારી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|30 July 2023

ચીનની આઝાદીના જંગમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતીય યુવાન ડૉકટરને શ્રદ્ઘાંજલિ આપતાં સામ્યવાદી ચિનના ક્રાંતિકારી પ્રમુખ માઓત્સે તુંગે શબ્દો ઉચ્ચાર્યા હતા :

“ચીનની સમગ્ર પ્રજાએ એક પ્રેમાળ મિત્રને ખોયો છે અને ચીનના લશ્કરે એક શકિતશાળી મદદકર્તા હાથ ગુમાવ્યો છે. આ યુવાન ડૉકટરનો આત્મા આપણા દેશના સીમાડાથી પર હતો.”

આ સેવાભાવી યુવાન ડૉકટરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સોલાપુર નામના નાનકડા શહેરમાં ૧૯૧૦ની ૧૦મી ઑકટોબરે થયો હોવા છતાં ય વર્તમાન ભારતની પ્રજા તેમના નામથી આજે ભાગ્યે જ પરિચિત હશે. ૧૯૩૬માં દ્વારકાનાથ શાન્તારામ કોટનિસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તેજસ્વિતા સાથે એમ.બી.બી.એસ.થઈને કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા હતા. તે ગાળામાં ઈ.સ. ૧૯૩૮ના સપ્ટેમ્બર માસમાં ચીને ફાસિસ્ટ જાપાન વિરુદ્ઘ યુદ્ઘ જાહેર કર્યુ. મુકિતસંગ્રામમાં સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો લડતાંલડતાં વીરગતિ પામ્યા. હજારો લાખોની સંખ્યામાં ચીની સૈનિકો ઘાયલ થયા. ચીનને ડૉકટરોની સહાયતાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ચીનનો પરમ મિત્ર દેશ ભારત તેની મદદે આવ્યો.

૧૯૩૯ના ફેબ્રુઆરી માસમાં ચીનને આઝાદી સંગ્રામમાં મદદ કરવા ભારતથી રવાના થયેલા પાંચ ભારતીય ડૉકટરોની ટુકડીમાં ડૉકટર દ્વારકાનાથ કોટનિસની પણ નિમણૂક થઈ. મહિનાઓ સુધી ખાવાપીવા કે આરામની દરકાર કર્યા વિના ડૉકટર કોટનિસ જાપાન સામે મરણિયા થઈને સરહદ પર લડતાંલડતાં ઘવાયેલા ચીની સૈનિકોની સતત સેવા કરતા રહ્યા. ડૉકટર કોટ્નિસના રાતદિવસના અથાક પરિશ્રમને પરિણામે હજારો ચિની સૈનિકોને જીવતદાન મળતાં આખરે યુદ્ઘમાં ચીનનો વિજય થયો.

ઈ.સ. ૧૯૪૧માં ચીને સેવાની કદરરૂપે ડૉકટર કોટનિસની આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હૉસ્પિટલના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક કરી. ડોકટર કોટનિસ આ પદ પર બહુ લાંબો સમય સેવા આપી શકયા નહિ. યુદ્ઘમાં શકિત બહારનો પરિશ્રમ કરતાં શરીરમાં નાનીમોટી ઘણી બીમારીઓ ઘર કરી ગઈ. ચીની પ્રજાની સેવા કરતાં ઈ.સ. ૧૯૪૨ની નવમી ડિસેમ્બરની એક સવારે આંચકી જેવી સામાન્ય બીમારીને કારણે ૩૨ વર્ષની ભરયુવાનીમાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.

ડૉકટર કોટનિસની સેવાની કદર સમય સાથે ચીનના ઇતિહાસમાંથી વિલીન ન  થઈ જાય તે માટે ચીનની સામ્યવાદી સરકારે તેમના નામને આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હોસ્પિટલ સાથે સાંકળી લીધું. હૉસ્પિટલના પટાંગણમાં ડૉકટર કોટનિસની એક વિરાટ કદની પ્રતિમા મૂકવામાં આવી. ડૉકટર કોટનિસના લખેલા પત્રો, તેમના મનગમતાં પુસ્તકો, તેમની પેન, અંગત ડાયરી, તેમ જ તેમની જીવનજરૂરિયાત વપરાશી ચીજોને કાચની ફ્રેમમાં મઢીને હૉસ્પિટલના એક સંગ્રહસ્થાનમાં ગોઠવી દીઘી છે.

ઈ.સ. ૧૯૮૭માં આંતરરાષ્ટ્રીય બેથ્યુન હૉસ્પિટલને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે સરકારે તેની ઉજવણી ધામધૂમથી કરવાનું નકકી કર્યું. આ ઉત્સવની ઉજવણી માટે ચીને આખા વિશ્વમાંથી દરેક વિભાગના નિષ્ણાત ડૉકતરોને ભાગ લેવા આમંત્રિત કર્યા. બેથ્યુન હૉસ્પિટલનાં માનનીય ડોકટર કુમારી હાને અમેરિકામાં પેટના રોગોના નામાંકિત ડોકટર મિત્ર અશોક શાહને આ શુભ અવસરે તેમ જ નૂતન ચીનની યાત્રાએ પધારવા આમંત્રિત કર્યાં.

સવારની થોડીક પ્રાર્થના તેમ જ સન્માન બાદ હૉસ્પિટલના પટાંગણમાં બનાવેલા ભવ્ય મંચ પરથી વિશ્વના તમામ ડૉકટરો વચ્ચે મંચ પર પધારવા એક મહિલાનું નામ જાહેર થયું. નેવું વર્ષની જાજરમાન મહિલા જેવી મંચ પર પધારી, ત્યાં તો ચીનનાં તમામ શહેરોમાંથી તેમ જ વિશ્વભરમાંથી પધારેલ આમંત્રિત ડૉકટરો તે માનનીય મહિલાને વંદન કરવા ઊભા થઈ ગયા. મંચ પર પધારેલી તે માનનીય મહેલા બીજી કોઈ નહિ પણ ડોકટર કોટનિસનાં વિધવા પત્ની ગોક્લીન્ગ્લાન હતાં.

તે સાંજે હૉસ્પિટલના એક ઝગમગાટ વિશાળ ખંડમાં ઉજવણીરૂપે ભવ્ય ભોજનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભમાં ડોકટર અશોક શાહને શ્રીમતી કોટનિસ મળ્યાં. તેમણે બહુ જ વિવેક તેમ જ આદરભાવ સાથે નમ્રતાથી શ્રીમતી કોટનિસને પૂછયુંઃ “તમે ડોકટર કોટનિસને ક્યારે મળ્યાં હતાં અને કેવી રીતે પતિ-પત્નીના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા?”

શ્રીમતી કોટનિસે કહ્યું, હું અને ડોકટર કોટનિસ યુદ્ઘમાં એક મોરચે એક જ છાવણીમાં સાથે કામ કરતાં હતાં. તેઓ ડૉકટર હતા અને હું નર્સ હતી. અમારા બંનેનું કાર્ય તેમ જ ધ્યેય એક જ હતું, સેવા. આ એક જ સ્વપ્નને ખાતર અમે જિંદગીને વાસ્તવિકતામાં પલટાવી નાખી. અમારો પ્રેમ બહુ જ ટૂંકા ગાળામાં પ્રગટીને પતિ-પત્નીરૂપે પાંગર્યોં.

‘અમારા સુખી લગ્નજીવનથી અમારા ઘરે એક પુત્રનું પારણું બંધાયું. અમારું પ્રેમાળ હસતું કુટુંબ જોઈને કુદરતને અદેખાઈ આવી. અમારા પ્રેમની છેલ્લી નિશાની અમારો પુત્ર પણ ડોકટર કોટનિસના મૃત્યુના થોડાક મહિના બાદ મને એકલી રુદન કરતી મૂકીને ઈશ્વરને પ્યારો થઈ ગયો”.

ડૉકટર શાહે પૂછયું, “તમે ભર યુવાનીમાં વિધવા થયાં. જો તમે ધાર્યું હોત તો ચીની સંસ્કૃતિ પ્રમાણે અવશ્ય બીજાં લગ્ન કરી શકયાં હોત, ખરુને?”

શ્રીમતી કોટનિસે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે! ધારત તો હું અવશ્ય બીજાં લગ્ન કરી શકત. મને એક તો શું ઘણા ચીની યુવાનો પરણવા માટે તૈયાર થાત! પણ મને ફરી આવો ઈશ્વર જેવો પતિ તો ન જ મળત. મેં મારા મનમંદિરમાં આ એક ઈશ્વરની પ્રતિમાને સ્થાન આપી તેની પૂજામાં મારું જીવન સમર્પિત કરી દીધું હતું. જેની પૂજા અને ભકિતથી હું એક નહીં સાતસાત ભવ તરી ગઈ છું. ડોકટર કોટનિસને પરણ્યા બાદ મને જીવનમાં કોઈ અસંતોષ કે કોઈ ઈચ્છા રહી ન હતી. ઈશ્વરે મને જેટલો સમય ડૉકટર કોટનિસ જોડે જીવવા દીઘી તે મારા માટે અતિભવ્ય હતો.

“હું ડૉકટર કોટનિસને પરણી એટલે તમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હું હિંદુ થઈ ગઈ. તો પછી હિંદુ પત્ની કઈ રીતે બીજાં લગ્ન વિશે વિચાર પણ કરી શકે? હું તો જન્મોજન્મ શ્રીમતી કોટનિસ તરીકે જીવવાનું ઈશ્વર પાસે વરદાન માગી ચૂકી છું. હું શ્રીમતી કોટનિસ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવુ છું. ડૉકટર કોટનિસ તેમના કર્મથી અમર થઈ ગયા .આવા અમર પુરુષની પત્ની શું કોઈ કાળે વિધવા હોઈ શકે ખરી?”                                                                           

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0761,0771,0781,079...1,0901,1001,110...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved