Opinion Magazine
Number of visits: 9743323
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તેજસ્વી દેશનેતાઃ મોરારજી દેસાઈ

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|3 August 2023

નાથાલાલ અમથાલાલ શાહનો મોટો દીકરો અશોક નાનપણથી સખત મહેનતુ અને હોશિયાર. લગભગ બહુ જ નાની વયે તેમણે ઉત્તમ ગુણાંક સાથે એમ.બી.બી.એસ.નો અભ્યાસ અમદાવાદની વિખ્યાત બી.જે. મેડિકલ કૉલેજમાંથી ઝળહળતી તેજસ્વિતા  સાથે પૂર્ણ કર્યો.

અશોકભાઈને એમ.એસ.ના ઉચ્ચ અભ્યાસ માટે સ્કૉલરશિપ તો મળી જ હતી. તેમને આ બાબતની ચિંતા હતી નહીં, પરંતુ  જ્ઞાનપિપાસુ વિઘાર્થી હોવાને લીઘે તેમની એક તીવ્ર ઈચ્છા હતી કે જે પુસ્તકો દ્વારા અમેરિકા અને જર્મનીમાં એમ.એસ.નો અભ્યાસ કરતા વિઘાર્થીઓ જ્ઞાન મેળવે છે, તે પુસ્તકો જો તેમને ભારતમાં અને ખાસ કરીને અમદાવાદની મેડિકલ લાઇબ્રેરીમાં મળી જાય તો તેઓ વિદેશના વિઘાર્થી જેટલી જ સરળતાથી ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે.

ઘણા લાંબા સમયના પ્રયાસો બાદ, અમુક લાઈબ્રેરીમાંથી તેમને માહિતી મળી કે અમેરિકાનાં તેમ જ જર્મન પુસ્તકોનાં વેપારીને ભારતની કોઈક બૅંક દ્વારા જો તે બે હજાર રૂપિયા મોક્લી આપે તો તે વેપારીઓ વિઘાર્થીના હિતને લક્ષમાં રાખીને, બજારભાવ કરતાં પણ ઓછા દરે તે પુસ્તકો ભારતમાં અમદાવાદની મેડિકલ લાઈબ્રેરીમાં મોક્લી આપે.

બે હજાર રૂપિયા લાવવા કયાંથી? કોઈ સગાંસંબંઘી કે મિત્રો પાસે હાથ લંબાવવો એ તો અશોકભાઈના લોહીમાં જ ન હતું. આમ ભારે સ્વાભિમાની. એટલે પુસ્તકો મેળવવા તેમણે અમદાવાદની ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી પુસ્તકો મેળવી આપવા નમ્ર વિનંતી કરી જોઈ. ઘણા મેડિકલ ડૉકટર પ્રાઘ્યાપકો સાથે પણ તેમણે ઘણી માથાફોડ કરી, કિંતુ તેઓ કયાં ય કોઈ પણ રીતે સફળ ન થયા. હિંમત ન હારતાં પુસ્તકો મેળવવા એક વઘારે પ્રયાસ કરવાનું તેમણે વિચારી લીઘું.

અશોક શાહે મૅટ્રિકથી એમ.બી.બી.એસ. સુઘીની તમામ માર્કશીટ્સની નકલો કરી. તેની સાથે એક વિગતવાર પત્ર તે વેળાના કેન્દ્રીય નાણાં પ્રઘાન મોરારજી દેસાઈને લખ્યો કે જો તમે મારા અભ્યાસ માટેનાં આ પુસ્તકો માટે બે હજાર રૂપિયાની સગવડ કરી આપો, તો હું મારી સંપૂર્ણ મહેનત સાથે એ પુસ્તકોનો અભ્યાસ કરી જે જ્ઞાન અમેરિકા તેમ જ જર્મન મેડિકલ વિઘાર્થીઓને મળે છે તે જ્ઞાન મેળવવાની સફળતા હું ભારતીય મેડિકલ વિઘાર્થીઓને આપવા ઈચ્છું છું.

મોરારજીભાઈને અશોકભાઈનો આ સંદર્ભે કાગળ મળ્યા પછી અશોકભાઈને બે હજાર રૂપિયા આપવાની ઈચ્છા થઈ. પણ મોરારજીભાઈ સામે બહુ જ વિકટ પશ્ન હતો. રૂપિયા બે હજાર કઈ રીતે આ તેજસ્વી વિઘાર્થીને મદદરૂપે આપવા? પોતે કેન્દ્રના નાણાં પ્રઘાન હોદ્દાની રુએ તેઓ કોઈને ય આમ સરકારી ભંડોળમાંથી કારણ વિના એક રાતી પાઈ પણ ન આપી શકે. તેમને જે કંઈ કરવાનું તે બઘું કાયદાની મર્યાદામાં રહીને જ કરવાનું હતું.

ભારતના નાણાં પ્રઘાન માટે બે હજારની રકમ બહુ મોટી વિસાત હતી નહીં. મોરારજીભાઈ ધારત તો પોતાની સત્તાની રુએ બે હજાર શું બે લાખ રૂપિયા પણ અશોકભાઈને આપી શક્યા હોત, પરંતુ એમને મન સિદ્ઘાંત અને નીતિનિયમ પોતાના પ્રાણથી ય વિશેષ મહત્ત્વના હતા. મોરારજીભાઈ દેસાઈ ઈચ્છત તો નીતિનિયમ અને સિદ્ઘાંતનું બહાનું કાઢીને અશોકભાઈને ‘દિલગીર” છું કહીને છટકી શક્યા હોત, પરંતુ બે હજાર જેવડી નાનકડી રકમને લીઘે કોઈ તેજસ્વી વિઘાર્થીનો અભ્યાસ બગડશે તે વિચારને ઘ્યાનમાં રાખીને કશી માથાઝીંક કે ચિંતા કર્યા વગર, પોતાના અંગત બૅંક બૅલેન્સમાંથી બે હજાર રૂપિયાનો ચેક ડૉ. અશોક શાહને તેમણે તાત્કાલિક મોકલી આપ્યો. સાથે એમણે પત્રથી જણાવ્યું કે બે હજાર રૂપિયા તમને લોન તરીકે મારા અંગત ખાતામાંથી મોકલું છું. તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી તમારી સગવડે મને પરત કરશો. અને જીવનમાં તમને તમામ શિખરો પર સફળતા વરો એવી આશિષ છે.

૧૯૬૭માં અશોકભાઈ એમ.એસ.થયા. તે સમયે મોરારજીભાઈ દેસાઈ કોઈક કારણસર અમદાવાદ પઘારેલા. અશોક્ભાઈ તેમને મળવા ગયા બે હજાર રૂપિયાનો ચેક પરત કર્યો. મોરારજીભાઈ સખત કામમાં ગૂંથાયેલા હોવા છતાં તેમણે અશોક્ભાઈ સાથે બેચાર મિનિટ વાતચીત કરી અને ભાવિ અભ્યાસ વિશે પૂછપરછ કરી. અશોક્ભાઈએ મોરારજીભાઈને જણાવ્યું કે હું ટૂંક સમયમાં વઘારે અભ્યાસ અર્થે અમેરિકા જવાની ઈચ્છા રાખું છું. તેમના આ જવાબથી મોરારજીભાઈ ખુશ થયા. તેમની પાસે પૂરતો સમય ન હોવાથી તેમણે અશોક્ભાઈને કહ્યું કે તમે તમારો વિદેશનો અભ્યાસ ખુશીથી પૂર્ણ કરો. તમને મારા આશીવાર્દ છે. તમને સંતોષ થાય કે મેં જીવનમાં જેટલી ઈચ્છા રાખી હતી તેટલો અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે મને મારી લોનના રૂપિયા પરત કરજો. હમણાં તમે આવી ખોટીં ચિંતા ન કરો, ફકત તમારા અભ્યાસમાં ઘ્યાન રાખો. આ પ્રમાણે કહીને તેઓ પાછા પોતાના કામમાં ગૂંથાઈ ગયા.

૧૯૮૨ના અરસામાં અશોક શાહ મોરારજીભાઈને મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને મળવા ગયા. મોરારજીભાઈ રોજિંદા નિયમ મુજબ રેંટિયો કાંતી રહ્યા હતા. અશોક્ભાઈએ મોરારજીભાઈના હસ્તાક્ષરવાળો પત્ર અને ચેકની નકલ સાથે બે હજાર રૂપિયાનો ચેક સાભાર તેમના હાથમાં મૂકયો. મોરારજીભાઈ બહુ જ ખુશ થયા.

પરત કરેલા ચેકનો આભારસહ અસ્વીકાર કરીને, અશોક્ભાઈને આશીર્વાદ આપતાં તેમણે કહ્યું કે તમારા જેવા ઈમાનદાર, પ્રામાણિક અને જ્ઞાની ભારતીય પર હું ગૌરવ અનુભવું છું. લગભગ પંદરવીસ વરસ પછી પણ કોઈકે જીવનમાં કરેલી મદદનું ઋણ તમે ભૂલ્યા નથી તે મારા માટે આનંદની વાત છે. કોઈને ય મદદ કરું છું તે હંમેશ માટે ભૂલી જવામાં હું માનું છું. તમને ભૂતકાળમાં કયારે ય કોઈ મદદ કરી હોય એ મને યાદ પણ નથી. પણ આ મારા હસ્તાક્ષરવાળો કાગળ અને ચેકની ઝેરોકસ નકલ જોઈને મને તમને એક વડીલ તરીકે બે શબ્દો કહેવાનું મન થાય છેઃ ‘તમે જ્યારે પણ કોઈને કંઈ પણ મદદ કરો ત્યારે મદદ કર્યાની વાતને તમારે હંમેશ ભૂલી જવી. થાય એટલી લોકોને જીવનમાં મદદ કરવી પણ ફળની આશા કયારે ય ન રાખવી.”

વિદાય લેતા ડૉ. અશોક શાહને મોરારજીભાઈએ જરા રમૂજ સાથે કહ્યું, ‘મેં તો મારી નાનકડી મૂડીને ભારતની સેવા માટે રોકી હતી. પણ તેનો લાભ અમેરિકા જેવા સગવડવાળા દેશને મળ્યો! પરંતુ અમેરિકામાં તમે જ્યારે જીવનનો પૂરેપૂરો સંતોષ અનુભવી લ્યો ત્યારે થોડીક સેવા ભારતને પણ આપજો. હજી ભારતનાં લાખો ગામડાઓને સેવાભાવી ડોકટરોની જરૂર છે.”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

સંસદીય ખડી સમિતિની ભલામણમાં અસંમતિને મુશ્કેલીમાં મૂકતો પેચ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 August 2023

એક વાર જવાહરલાલે કહ્યું હતું કે વડાપ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ વચ્ચે મતભેદ હોય ત્યારે હું પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ

પ્રકાશ ન. શાહ

હવે તો ખાસાં આઠ વરસ થયાં એને : વર્તમાન શાસન વ્યવસ્થા – ડબલ એન્જિન સરકાર – હસ્તક સમાજસંભાળ બાબતે સહિષ્ણુતાને મુદ્દે પ્રશ્નાર્થ ઊભો થયો ત્યારે સંવેદનશીલ સર્જકોએ એવોર્ડ વાપસીનો રાહ લીધો હતો. આમ તો એનાથી શેક્યો પાપડે દેખીતો ન ભાંગે, પણ ચોક્કસ અર્થમાં સત્તાપક્ષ ને સત્તારૂઢ વિચારધારાની સ્વીકૃતિનો નૈતિક પાયો જોખમાય જરૂર. ગમે તેમ પણ, આપણે તો બને કે આખા ઘટનાક્રમને લગભગ ભૂલી જવામાં હોઈએ, પણ એકાએક જ એ મુદ્દો વળીને સામે આવ્યો છે …. તે પણ, જોવાનું એ છે કે, સરકારી પાટલીઓ પરથી કે લેખકો ને કલાકારોને છેડેથી નહીં !

વાત એમ છે કે ગયે અઠવાડિયે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિ(પાર્લમેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઑન ટ્રાન્સ્પોર્ટ, ટુરિઝમ ઍન્ડ કલ્ચર)નો હેવાલ સદનના ટેબલ પર મુકાયો છે. 2015ના ઘટનાક્રમ સંદર્ભે ભલામણ હેવાલ 2019થી આવેલી નવી લોકસભામાં (અને તે પણ એની મુદ્દત પૂરી થવા આડે મહિના ગણાતા હોય ત્યારે) રજૂ થાય એ આલમની આઠમી અજાયબી હોય તો નવમી વળી એ છે કે શૂરા સાંસદોને લોકશાહીની દૃષ્ટિએ અભિવ્યક્તિની આઝાદી અને અસંમતિના અવાજનું કોઈ બુનિયાદી મૂલ્ય પાધરું વસ્યું જણાતું નથી. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસ સાંસદોમાંથી સમ ખાવા પૂરતા બે જ જણે જુદો સૂર પુરાવ્યો છે. બાકી, એકતાલીસમાંથી ઓગણચાલીસની તોતિંગ બહુમતીનું કહેવું છે કે એવોર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર પ્રતિષ્ઠા અને મોભાને હાણ પહોંચાડે છે અને અન્ય એવૉર્ડ-સન્માનિત પ્રતિભાઓની સિદ્ધિઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’

જે બે સાંસદો જુદા પડ્યા છે (સી.પી.એમ.ના રહીમ અને કૉંગ્રેસના મુરલીધરન્‌) એમણે કહ્યું છે કે એવૉર્ડ વાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત એક સમિતિ તરીકે ખરેખર તો આપણે સરકારને આગ્રહી ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે. દેશની સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ત્યારે વિશ્વનાથ તિવારી હતા. ચાલુ વરસે એમને પદ્મશ્રીનું માન મળ્યું ત્યારે એમણે ‘એક તટસ્થ લેખક’ તરીકે આ વણમાંગ્યા સન્માન પરત્વે ‘દેર આયે દુરસ્ત આયે’ની તરજ પર આભાર લાગણી પ્રગટ કરી હતી. એવૉર્ડ વાપસી અંગે એમની નારાજગી એમણે છુપાવી નહોતી અને જ્યારે વિરોધકૂચ અકાદેમીને દ્વારે પહોંચી ત્યારે એમણે તાળાબંધ દરવાજાની અંદર રહીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું.

જે ઇતિહાસસમજ સંબંધિત સૌને હોવી જોઈએ તે એ છે કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. એના પહેલા પ્રમુખ તરીકે જવાહરલાલ નેહરુ વડા પ્રધાનને નાતે હોદ્દાની રૂએ નહોતા, લેખકને નાતે ચૂંટાયેલ જણ હતા. સરકારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા તરીકે પોતાની કામગીરી બજાવી શકે તે દૃષ્ટિએ સરકાર તેના પર કોઈ અંકુશ મૂકવાથી પરહેજ કરશે. અકાદેમીનું, કેમ કે તે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે અને તેમાં બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિઓ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે કોઈ બાબતમાં વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખની સાથે રહેવું પસંદ કરીશ. 

વડા પ્રધાન કદાચ સોવિયેત બાબતમાં દરમિયાન ન પણ થયા હોત, પણ ડૉ. ઝિવાગોના લેખક પાસ્તરનાકને રશિયામાં કનડગતનો અનુભવ થયો ત્યારે અકાદેમી પ્રમુખના ફોનથી, પાસ્તરનાક વતનનિકાલ થાય એ ભય ટળ્યો હતો તે વિગત ઇતિહાસદર્જ છે. ગમે તેમ પણ, આપણે પ્રસ્તુત ખડી સમિતિની અણુમતી સાથે સંમત થઈશું કે એવૉર્ડ વાપસી એક વિરોધરીતિ છે અને એની પૂંઠે રહેલ મુદ્દાને શાસને સમજી તેના નિકાલની કોશિશ કરવી જોઈએ. અસંમતિના અવાજને જમાત બહાર ન કરાય.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 ઑગસ્ટ 2023

Loading

માણસાઈને નકારનારો હિંદુ દેશ અને ધર્મ માટે જોખમી

રમેશ ઓઝા|Opinion - Opinion|3 August 2023

રમેશ ઓઝા

આપણી નજર સામે પાકિસ્તાન બરબાદ થઈ ગયું હોવા છતાં આપણે પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેતા નથી. ઊલટું પાકિસ્તાનનો માર્ગ અપનાવ્યો છે. આપણી નજર સામે કેટલાક મુસ્લિમ દેશો ખુવાર થઈ ગયા છે, પણ આપણે એમાંથી કાંઈ શીખતા નથી. હજુ નજીકના ભૂતકાળમાં જર્મનીએ અને ઇટલીએ જે માર્ગ અપનાવ્યો હતો અને એ પછી એ બે દેશોમાં અને દુનિયામાં જે બન્યું એનો વધારે નહીં તો થોડો ઇતિહાસ તો જાણતા જ હશો. એમ કહેવાય છે કે ઇતિહાસ ધડો લેવા માટે ભણાવાય છે. શું કરવું અને શું ન કરવું એ વાતનો ધડો ઇતિહાસમાંથી મળે છે. શાસન કેમ કરાય એ અકબર પાસેથી શીખવા જેવું છે અને શાસન કેમ ન કરાય એ ઔરંગઝેબ પાસેથી શીખવા મળે. શાસન કેમ કરાય એ અંગ્રેજો પાસેથી શીખવા મળે અને શાસન કેમ ન કરાય એ પેશ્વાઓ પાસેથી શીખવું જોઈએ.

પણ ઇતિહાસના ઘડામાં એકલું અમૃત ક્યાં છે? એમાં ઝેર પણ ભરપૂર માત્રામાં છે અને એ જ વધારે છે. ધડો તો એ લોકો માટે છે જેનામાં નીરક્ષીર વિવેક કરવાની આવડત છે અને એવા લોકો હંમેશાં ઓછા હોય છે. જો એમ ન હોય તો પોતાની સગી આંખે પાકિસ્તાનની બરબાદી જોયા પછી કોઈ પાકિસ્તાનનો માર્ગ અપનાવે?

આજે આપણો દેશ પાકિસ્તાનના માર્ગે છે. જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં રેલવે સુરક્ષા દલના એક જવાને ત્રણ મુસ્લિમ પેસેન્જર અને એક તેના સિનિયરને મારી નાખ્યા એ આનું પ્રમાણ છે. ભારતમાં રહેવું હશે તો મોદી-યોગીને મત આપવા પડશે એવું બોલતો એ જવાન વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડે છે. તે માનસિક તાણમાં હતો, વગેરે પ્રકારનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પણ પેલો વીડિયો બનાવટી છે એમ કોઈએ કહ્યું નથી. એ માનસિક તણાવમાં હશે પણ એની ના નહીં, પણ તેનું માનસ કોમી ઝેરથી ભરેલું હતું એનો પણ સ્વીકાર કરવો રહ્યો. ઝેર જ્યારે લોકોનાં માનસનો કબજો લઈ લે અને લોકો કોઈને “દુ:શ્મન” ઠરાવીને પોતે જ બારોબાર સજા કરવા માંડે ત્યારે સમજી લેવું કે એ માર્ગ પાકિસ્તાનનો માર્ગ છે. મલાલા યુસુફ્ઝાઈ જેવી મુસ્લિમ કન્યાઓને ભણવાનો અધિકાર છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર મુસ્લિમ કન્યા નથી ધરાવતી પાકિસ્તાનમાં મુસ્લિમ પુરુષો ધરાવે છે. આધુનિક શિક્ષણ મેળવવા શાળાએ જનારી મુસ્લિમ કન્યા ઇસ્લામની દુ:શ્મન છે અને માટે સજાને પાત્ર છે. “દુ:શ્મન”ની ઓળખ નેતાઓ કરે છે, ધર્મગુરુઓ કરે છે, જે તે સમાજના મુખિયાઓ કરે છે, આજના યુગમાં પક્ષપાતી મીડિયા કરે છે અને રોગ વકરતા વકરતા છેલ્લે લોકો કરવા માંડે છે. આ રીતે ઝેરી વર્તુળ પૂરું થાય છે.

પાકિસ્તાની કવયિત્રી ફહમિદા રિયાઝે પાંચેક વરસ પહેલાં ભારતને ઉદ્દેશીને એક કવિતા લખી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. કવયિત્રી કાંઈક દુઃખ સાથે અને કાંઈક આશ્ચર્ય સાથે આપણને કહે છે કે “તુમ તો બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છૂપે થે ભાઈ.” કવિતા લાંબી છે અને ઈન્ટરનેટ પર મળે છે. શરમાયા વિના વાંચવાનો પ્રયાસ કરજો. અને વળી ઝેરનો સંગ્રહ કરવામાં અને ઝેર ઓકવામાં શરમ ન આવતી હોય તો કોઈ આંગળી ચીંધે એમાં શું કામ શરમાવું જોઈએ!

કવિતાની પહેલી જ પંક્તિમાં બે વાત કહેવાઈ છે. એક તો “બિલકુલ”. કોઈ ફરક નહીં. તમે બિલકુલ એ જ કરી રહ્યા છો જે અમારે ત્યાં થઈ રહ્યું છે. વળી અમારા જે હાલ થયા છે, એ નજર સામે હોવા છતાં. તો પછી અત્યાર સુધી જે ભારત દેશ નજરે પડતો હતો એ શું હતું? જો આ જ અસલિયત હતી તો અત્યાર સુધી ક્યાં છૂપાયેલા હતા?

આજકાલ ભારતમાં એ વિષે પણ ચર્ચા થઈ રહી છે જે કદાચ હજુ સુધી તમારા સાંભળવામાં કે વાંચવામાં નહીં આવી હોય. વેદો અને ઉપનિષદોનું ભારત, જૈન અને બૌદ્ધ ધર્મનું એટલે કે શ્રમણ દર્શનનું ભારત, સંતો અને સૂફીઓનું ભારત, રાજા રામમોહન રાય અને તેમના જેવા બીજા સમાજ-સુધારકો અને નવજાગરણનું વિમર્શકર્તાઓનું ભારત, ગાંધી અને નેહરુનું ભારત, બંધારણમાં કલ્પેલું ભારત સાચું હતું કે પછી અત્યારે જે નજરે પડી રહ્યું છે એ સાચું ભારત છે? કયું ભારત અપવાદરૂપ છે અને કયું કાયમી? ડૉ રામમનોહર લોહિયાએ દાયકાઓ પહેલાં ‘હિંદુ બનામ હિંદુ’ નામનું એક નાનકડું પુસ્તક લખીને કયો હિંદુ સાચો એની થોડીક વાત કરી હતી. એક હિંદુ એ છે જે સર્વસમાવેશક છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીઓને રસોડામાં ગોંધી રાખે છે અને દલિતોને ગામની બહાર રાખે છે. એ હિંદુ એ છે જે આખા જગતને એક કુટુંબ સમજે છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીને ઘરની બહાર જવા દેતો નથી અને દલિતને ગામમાં પ્રવેશવા દેતો નથી.

અને આ બન્ને હિંદુ પાછા એક જ છે. ડૉ લોહિયાના કહેવા મુજબ હિંદુ બનામ હિંદુનું યુદ્ધ એક જ હિંદુની અંદર ચાલી રહ્યું છે. હિંદુની અંદર માણસાઈને નકારનારો બીજો હિંદુ બેઠો છે તેને આપણે બહુ ગંભીરતાથી લીધો નહોતો. આપણે આશ્વસ્ત હતા કે હિંદુ જ્ઞાતિઓ દ્વારા આંતરિક રીતે વિભાજીત છે એટલે માણસાઈને નકારનારા હિંદુની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. એ મોટી ભૂલ હતી અને હવે તો સમાજશાસ્ત્રીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયો હિંદુ સાચો? હિન્દુએ અત્યાચારો સહ્યા છે તો કર્યા પણ એટલા જ છે. અલબત્ત નિર્બળની સામે અને એ પણ પોતાનાંઓની સામે.

માણસાઈને નકારનારો હિંદુ દેશ માટે અને હિંદુ ધર્મ માટે જોખમી છે, જે રીતે માણસાઈને નકારનારો મુસલમાન ઇસ્લામ માટે અને પાકિસ્તાન માટે જોખમી છે.    

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0721,0731,0741,075...1,0801,0901,100...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved