Opinion Magazine
Number of visits: 9667178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખમૈયા કરને

'દીપક', ચૈતન્ય જોષી|Opinion - Opinion|21 July 2023

મેઘ તું તો ખૂબ ખૂબ વરસ્યો, હવે તો ખમૈયા કરને.
તું તો ગરજ્યોને વળી ચમક્યો, હવે તો ખમૈયા કરને.

રીમઝીમ વરસવાનું ભૂલી અનરાધારે થયું આગમન,
જાણે આભ ફાડીને તું આવ્યો, હવે તો ખમૈયા કરને.

ચારેકોર ‘પાણીપાણી’ કરી દીધાં જળતૃષા છીપી,
તું છલકાયોને વળી ઊભરાયો, હવે તો ખમૈયા કરને.

ખોરવાયું છે જનજીવન આજે; વિરામ તારે લેવો ઘટે,
જળબંબાકારથી માનવ મૂંઝાયો, હવે તો ખમૈયા કરને.

રસ્તા શેરીથી ના અટક્યો તું; ઘરમાં ય તેં પ્રવેશ કીધો,
બિચારો રંકજન બહુ અકળાયો, હવે તો ખમૈયા કરને.

ઘરને ઘરવખરી તણાયાં તારી પૂર નામની એ સુતા થકી,
સમુંનમું કરવામાં માનવ અટવાયો, હવે તો ખમૈયા કરને.

જરૂરતથી વધારે કોઈ પણ ઝેર બની જઈ મારણ કરતું,
પ્રમાણ જાળવવામાં હશે ગૂંચવાયો, હવે તો ખમૈયા કરને.

પોરબંદર.
e.mail : chaitanyajc555@gmail.com

Loading

38 VS 26

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 July 2023

રવીન્દ્ર પારેખ

ભારતમાં ‘મહાભારત’નાં મંડાણ થઈ ચૂક્યાં છે. 2024માં કુરુક્ષેત્રમાં મતદાતાઓ વધેરાવા થનગની રહ્યા છે ને મહારથીઓ જુદા જુદા પક્ષોને પાંખમાં લઈને શસ્ત્રો સજાવવા લાગ્યા છે. આ તરફ્થી કે તે તરફથી મતદાતાઓ કેટલાં વધેરાય છે ને કોણ વધુ વધેરે છે, એના પર જીતનો આધાર છે. એ પછી મતદાતાઓની બહુ જરૂર નહીં રહે, કદાચ. આમ પણ મતદાતા મોંઘવારીના હવનમાં હોમવા, પુલ તૂટે તો તણાવા, ચૂંટણી આવે તો મત મેળવવા, રેલી-રેલા કાઢવા, સૂત્રો પોકારવા જરૂરી હોય છે. એટલા પૂરતો એનો ઉપયોગ ! બાકી, કૌરવો-કૌરવો વચ્ચેના સંઘર્ષમાં, ડારવા-પાડવાના તમામ પ્રયત્નો બધાં જ કરી છૂટશે એમાં શંકા નથી. આમ તો રાજ્યસ્તરના 54 અને રાષ્ટ્રીય સ્તરના 6 પક્ષો છે, એટલે અસંગઠિત 2,597 પક્ષોને બાદ કરતાં કુલ 60 પક્ષો થાય, છતાં ભા.જ.પ. સાથે 38 અને કાઁગ્રેસ સાથે 26 પક્ષો ગોઠવાયા છે. આ આંકડો 60થી કઇ રીતે વધ્યો એ સવાલ અસ્થાને છે, કારણ 38 અને 26નો સરવાળો નવી શિક્ષાનીતિમાં 60 થતો હોય તો નવાઈ નહીં !

એક તરફ દિલ્હીમાં 38 પક્ષોનું એન.ડી.એ.(NDA)નું ગઠબંધન થયું છે, તો વિપક્ષોનું બેંગલુરુમાં એ જ  દિવસે 26 પક્ષોનું ગઠબંધન ‘ઇન્ડિયા’ (INDIA – INDIAN NATIONAL DEMOCRATIC INCLUSIVE ALLIANCE) નામે થયું છે. વિપક્ષી ગઠબંધનને INDIA નામ તૃણમૂલના મમતાએ આપ્યું છે ને તેને સમર્થન કાઁગ્રેસના રાહુલ ગાંધીએ આપ્યું છે. વિપક્ષોમાં કાઁગ્રેસ ઉપરાંત ડી.એમ.કે., ઉદ્ધવની શિવસેના, સમાજવાદી પાર્ટી, ટી.એમ.સી. જેવા પક્ષોનો સમાવેશ થયો છે. આમ તો એન.ડી.એ.નો ઉપયોગ ભાગ્યે જ થતો હતો, પણ 26 પક્ષોનું ‘INDIA’નું અર્થઘટન બહાર પડતાં વડા પ્રધાને પણ NDAનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે N એટલે ન્યુ ઇન્ડિયા, D એટલે ડેવેલપ્ડ નેશન અને A એટલે એસ્પિરેશન ઓફ પીપલ એન્ડ રિજ્યન સૂચવે છે. એ સાથે જ NDAનું મહત્ત્વ સમજાવતાં પી.એમ.એ એ પણ સ્પષ્ટ કર્યું કે એન.ડી.એ.નું લક્ષ્ય સત્તા મેળવવાનું રહ્યું નથી કે તેની રચના કોઇની સામે પડવા નથી થઈ.

જો કે, ઇન્ડિયા વિરુદ્ધ ભારતને આગળ કરીને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયા એ ભારત નથી એવી વાતો પણ વહેતી થઈ છે. આવી સસ્તી રાજનીતિ કરનારાઓએ બંધારણનું આમુખ જોઈ લેવું જોઈએ જેની શરૂઆત વી ધ પીપલ ઓફ ભારતથી નહીં, પણ ઇન્ડિયાથી થાય છે. ભારતને દુનિયા ઇન્ડિયાથી ઓળખતી આવી છે, એ તો ઠીક, પણ આપણી આજની ઓળખ પણ ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, શાઈનિંગ ઇન્ડિયાથી ભારતમાં પણ છે, એટલે NDA VS INDIA જ પૂરતું છે, તેને INDIA VS ભારત કરવાની જરૂર નથી. ‘INDIA’ના ઉદ્ભવથી થયું છે એવું કે એન.ડી.એ. INDIA બોલે તો પણ તે વિપક્ષને સમર્થન આપતું હોવાનો વહેમ પડે. 2014નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વડા પ્રધાન પોતે જનતાને આગ્રહપૂર્વક બોલાવડાવે છે, ‘વોટ ફોર ઇન્ડિયા.’ ત્યારે એ ઠીક પણ હતું, પણ હવે એન.ડી.એ.નું કોઈ ‘વોટ ફોર ઇન્ડિયા’ બોલે તો તે વિપક્ષની ફેવર કરે છે એવો અર્થ થાય. ટૂંકમાં, ઇન્ડિયા બોલવાનું હવે એન.ડી.એ.ને ભારે પડે એમ છે. આમ તો વિપક્ષ મુક્ત ભારતની ઝુંબેશ ચાલતી હોય, ત્યાં 26 વિપક્ષો એક થાય તો એટલું આશ્વાસન તો મળે છે કે ભારતમાં લોકશાહી છે, બાકી, શાસકોની નીતિ તો ઘણુંખરું તોડફોડની અને ખરીદવાની જ રહી છે. સામેની પાર્ટી તોડીને સત્તા માટે પ્રયત્ન કરવો કે કોઈ લાલચુને થોડા કરોડમાં શાસકો તરફ વાળવો એ હવે સામાન્ય થઈ પડ્યું છે. બીજી એક સમજ એવી વિકસાવાઈ છે કે આદર્શો પોતાનાં પક્ષમાં અને અનીતિ સામેના પક્ષમાં જ છે.

વડા પ્રધાન વિપક્ષોના એક થવાને ભલે ચોર કે ભ્રષ્ટાચારીઓના ભેગા થવામાં ખપાવે, પણ આંગળી સામે ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આપણા તરફ રહે છે તે ભૂલવા જેવું નથી. એન.ડી.એ.માં ચિરાગ પાસવાન કે જિતનરામ માંઝી જેવાને ઉમેરવા પડ્યા છે એ જ બતાવે છે કે એન.ડી.એ.ના ચાવવાના અને બતાવવાના જુદા છે. વડા પ્રધાન ખાતાં નથી એ વાત સાચી, પણ ખાનારા તો ખાય જ છે તે પણ એટલું જ સાચું છે. બેંગલુરુમાં વિપક્ષોએ દુકાન ખોલી છે, એમ વડા પ્રધાન સંભળાવે, તો એમને પુછાય કે દિલ્હીમાં 38 પક્ષોનો મેળાવડો કર્યો તો એને શોપિંગ મોલ કહીશું? એ સાચું કે વડા પ્રધાન એકલાં જ વિપક્ષોને પહોંચી વળે એમ છે, પણ એવું બીજા કહે તો એમની ક્ષમતાનું સૂચન મળે. એ પોતે કહે તો શંકા પડે ને તે પછી પણ એ સવાલ તો રહે જ કે એટલી ક્ષમતા છે જ, તો એવું કયું કારણ છે કે બીજા પક્ષોને એન.ડી.એ.માં જોડાવાનું આમંત્રણ ભા.જ.પે. આપવું પડે છે?

ભા.જ.પ.ને કદાચ 26 પક્ષોમાં ભેગા આવેલા નેતાઓની ભીડ વિચારવા પ્રેરે એમ બને, કારણ એમાં કાઁગ્રેસના રાહુલ ગાંધી – સોનિયા ગાંધી, નીતીશકુમાર, મમતા બેનરજી, શરદ પવાર, કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી જેવા કોઈક ને કોઈક સ્તરે નીવડી આવેલાં નેતાઓ છે. એક બાબત 2024ની ચૂંટણીમાં જુદી પડે છે તે એ કે 2014 અને 2019ની ચૂંટણીમાં 26 વિપક્ષો ‘ઇન્ડિયા’ નામે એક થયા ન હતા અને એનો લાભ અગાઉની ચૂંટણીમાં એન.ડી.એ.ને ઠીક ઠીક મળ્યો પણ છે.

એક પરિવર્તન એ પણ નોંધવા જેવું છે કે બધા પ્રયત્નો છતાં, ભા.જ.પ. પશ્ચિમ બંગાળમાં મમતાને હરાવી શક્યો નથી. એ જ રીતે દિલ્હી, પંજાબમાં આપનો એકડો કાઢી શકાયો નથી. વારુ, હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં કાઁગ્રેસની જીત સામે પણ આંખ આડા કાન કરી શકાય એમ નથી. રાહુલ ગાંધીની પદયાત્રાએ અને તેમની સામેના કેસોએ તેમનું અને કાઁગ્રેસનું કદ વધાર્યું છે. આ બધું શાસકોની ઊંઘ ઉડાડવા પૂરતું છે. મધ્ય પ્રદેશમાં ભા.જ.પ.ની સ્થિતિ સારી નથી, છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ કાઁગ્રેસની સરકાર તોડીને ભા.જ.પ. સત્તા પર આવ્યો હતો. એ જ ખેલ મહારાષ્ટ્રમાં પણ ખેલાયો છે અને ખંડિત થયેલી શિવસેનાનો લાભ ભા.જ.પે. લીધો છે. બાકી, હતું તે અજિત પવારની એન્ટ્રીએ પુરવાર કરી દીધું કે સત્તા મળતી હોય તો કોઈ પણ સમાધાન કરવાનો ભા.જ.પ.ને વાંધો નથી.

ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ વિપક્ષની મજાક ઉડાવતાં કહે છે કે વિપક્ષો પાસે નીતિ નથી. એ સાચું, પણ એ તો કોઈ પણ પક્ષ પાસે કયાં છે? એમ તો વડા પ્રધાને જ એન.સી.પી.ના અજિત પવાર પર સિત્તેર હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો જ છે ને ! તો પણ, એ જ અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં ભા.જ.પ.ના ભાગીદાર છે, એટલું જ નહીં, નાણાં ખાતું ય સંભાળે છે. એટલે નીતિની વાત તો કોઈ ન કરે તો જ આબરુ રહે એમ છે. વિપક્ષો પણ બધા નીતિમત્તાવાળા જ ભેગા થયાં છે, એવું નથી. નામ તો નીતીશકુમાર છે, પણ સગવડ પ્રમાણે નીતિ ખર્ચવામાં એમનો જોટો જડવો મુશ્કેલ છે. 26 પક્ષોમાં સૌથી અવિશ્વાસુ કદાચ એ જ હશે. એમણે આર.જે.ડી. સાથે જોડાઈને વિધાનસભાની ચૂંટણી જીતી મુખ્ય મંત્રીપદ ગજવે ઘાલ્યું ને અડધેથી આર.જે.ડી. સાથે છેડો ફાડીને ભા.જ.પ.ને ખોળે બેસી ગયા. પછી ભા.જ.પ.ને પણ છેહ દીધો ને વળી આર.જે.ડી.ને ખોળે બેઠાં. આવા તો ઘણા નમૂનાઓ બંને છાવણીમાં છે.

અત્યારે એમ લાગે છે કે શાસક પક્ષ સાથે 38 અને વિપક્ષ સાથે 26 પક્ષો છે. આ આજનું સત્ય છે. એમાં કોઈ તોડફોડ થાય કે અંદરોઅંદર જ કોઈ મતભેદ થાય તો આ આંકડાઓ બદલાય પણ ખરા. અવિશ્વસનીય હોવું એ પક્ષ માત્રની ગુણવત્તા છે એટલે કોણ, કેટલી બાજી મારશે એ અત્યારે કહેવું વહેલું છે. એન.ડી.એ. તો 1998થી અસ્તિત્વમાં છે, જ્યારે ઇન્ડિયા યુ.પી.એ.ને વિકલ્પે ઊભું થયેલું તાજું સંગઠન છે. એક વાત સ્પષ્ટ છે કે એન.ડી.એ.નું પલ્લું અત્યારે ભારે છે, એ જોતાં ઇન્ડિયાએ વધુ સંગઠિત થઈને 2024ની ચૂંટણીનો સામનો કરવાનો રહે. હાલની સ્થિતિ જોઈએ તો ભા.જ.પ. સહિત 16 રાજ્યોમાં એન.ડી.એ.ની સરકાર છે, જ્યારે કાઁગ્રેસ સહિત ઇન્ડિયાની સરકાર 11 રાજ્યોમાં છે. છેલ્લી ચૂંટણીમાં ભા.જ.પ.ના 303 સાંસદો ઉપરાંત એન.ડી.એ.ના 37 પક્ષના 28 સાંસદો હતા. એન.ડી.એ.ના 25 એવા પક્ષ છે જેના લોકસભામાં એક પણ સભ્ય નથી, જ્યારે નવાં ગઠબંધનમાં એવા 8 પક્ષો છે. ઇન્ડિયાના 26 પક્ષના 52 સભ્યો છે. ઇન્ડિયા પાસે દેશભરમાં 1,747 ધારાસભ્યો છે, જ્યારે એન,ડી,એ,ના 1,728 છે. એન,ડી,એ,ના 105 રાજયસભા સાંસદ છે, જ્યારે ઇન્ડિયાનો એ આંકડો 97નો છે. ઓડિસા, તેલંગાણા, આંધ્ર પ્રદેશની સત્તારૂઢ પાર્ટીઓ, બ.સ.પા. કે બી.આર.એસ. કોઇની સાથે જોડાણમાં નથી. એવું પણ નથી કે વિપક્ષો એક થઈ જાય એટલે ભા.જ.પ.ની હાર પાકી થઈ જાય. 2019માં ચંદ્રાબાબુ નાયડુએ રાજકીય પક્ષોને એક કરીને વડા.પ્રધાનને હરાવવા કોશિશો કરી જ હતી, પણ કારી ફાવી નો’તી. આના પરથી ખ્યાલ આવશે કે એન.ડી.એ.નું પલ્લું ભારે છે ને ઇન્ડિયાએ લોઢાનાં ચણા જ ચાવવાના છે. બીજી મહત્ત્વની વાત એ કે પક્ષોની એકબીજાને હરાવવાની કોશિશોથી પરિણામો મળતાં નથી, સિવાય કે પ્રજા એ મામલે સંમત હોય.

ભ્રષ્ટાચાર, મોંઘવારી, મુસ્લિમોની નારાજગી, મણિપુરની હિંસા જેવા મુદ્દે એન.ડી.એ. જરૂર બેકફૂટ પર છે, પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ભારતીય પ્રજા વડા પ્રધાનનાં નેતૃત્વથી એટલી અંજાયેલી છે કે તે ઘણી બાબતોને નજર અંદાજ કરી શકે એમ છે. હિન્દુત્વ, રામમંદિર, 370ની નાબૂદી, ત્રણ તલાક, કોમન સિવિલ કોડ જેવા મુદ્દાઓ એવા છે જે વડા પ્રધાનનાં નેતૃત્વમાં હિન્દુ પ્રજાનો વિશ્વાસ વધુ દૃઢ કરે, એટલે ઇન્ડિયા માટે કપરાં ચઢાણ છે એની ના પાડી શકાશે નહીં. 2024ની ચૂંટણીમાં કોણ જીતશે એની આગાહી કરવાનું મુશ્કેલ છે. આ દેશની પ્રજા ને એના મતદાતાઓએ દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને પલટવાની સૂઝ દાખવી છે એ કમ સે કમ ભા.જ.પે. ભૂલવા જેવું નથી, સાથે જ એ પણ યાદ રાખવાનું રહે કે 26 વિપક્ષો પહેલીવાર સાથે આવ્યા છે. વધારે શું કહેવું, સમજદારને તો ઈશારો જ પૂરતો છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જુલાઈ 2023

Loading

દિલીપ કુમાર અને દેવ આનંદની ‘ઈન્સાનિયત’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 July 2023

રાજ ગોસ્વામી

આજે જેમ શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની ત્રિપુટી હિન્દી સિનેમા જગતમાં ‘રાજ’ કરે છે, તેવી જ રીતે એક જમાનામાં રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદની ‘ત્રિમૂર્તિ’ સિનેમા પ્રેમીઓના દિલ પર છવાયેલી હતી. ત્રણે વિભાજન પહેલાંના પંજાબના હતા. રાજ અને દિલીપ પેશાવરમાં પાડોશી અને સહાધ્યાયી હતા. દેવભાઈ ગુરુદાસપુરના હતા. ત્રણે 40ના દાયકામાં એકાદ-બે વર્ષના અંતરે જ સિનેમામાં આવ્યા હતા. રાજ કપૂરે પોતાને ચાર્લી ચેપ્લીનના વિદુષકમાં ઢાળ્યા, દિલીપ કુમારે ટ્રેજેડી કિંગ તરીકે સ્થાન મજબૂત કર્યું અને દેવે ગ્રેગરી પેક અને કેરી ગ્રાન્ટનું હિન્દીકરણ કર્યું. 50 અને 60ના દાયકામાં ત્રણેનો બોક્સ ઓફીસ પર દબદબો હતો.

1949માં, રાજ કપૂર અને દિલીપ કુમાર પહેલીવાર એક સાથે મહેબૂબ ખાનની ફિલ્મ “અંદાઝ” આવ્યા હતા. નરગીસની આસપાસ રચાતી પ્રણય કથાવાળી આ ફિલ્મ તેના અફલાતુન સંગીત (સંગીતકાર નૌશાદ અને ગીતકાર મજરૂહ સુલતાનપૂરી) અને ત્રણેના ઉત્કૃષ્ઠ અભિનયના કારણે આજે ક્લાસિક ફિલ્મોમાં સ્થાન પામે છે. સુપરહીટ ‘અંદાજ’ને બાદ કરતાં, દર્શકોમાં એક માન્યતા એવી પ્રચલિત છે કે એકબીજાના હરીફ બનેલા બંને તે પછી એક સાથે કોઈ ફિલ્મમાં આવ્યા નથી. સમકાલીન મોટા એકટરોમાં આવું દરેક પેઢીએ જોવા મળ્યું છે. હરીફાઈ અને અહમ્‌ને કારણે તેઓ આસાનીથી સાથે પડદા પર આવતા નથી. આવે તો નિર્માતા માટે સોના-ચાંદી થઇ જાય.

જો કે 1968માં કિશોર કુમાર અને આઈ.એસ. જોહરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘શ્રીમાનજી’માં રાજ કપૂર અને દેવ આનંદ ભેગા થયા હતા. જો કે એ મહેમાન ભૂમિકા હતી એટલે ખાસ ધ્યાનમાં આવી નહોતી (એમ તો એ ફિલ્મમાં રાજેશ ખન્ના અને રાજેન્દ્ર કુમાર પણ મહેમાન હતા). બાકી રહ્યા દિલીપ અને દેવ. એ બંને પણ 1955માં ‘ઈન્સાનિયત’ નામની એક ફિલ્મમાં એક સાથે આવ્યા હતા. એમાં બંનેની મુખ્ય ભૂમિકા હતી. દિલીપ અને દેવે સાથે કામ કર્યું હોય તેવી આ એક માત્ર ફિલ્મ છે.

દિલીપ કુમાર જ્યારે જીવતા હતા ત્યારે એક ઠેકાણે કહ્યું હતું, “હું દેવ કરતાં એક જ વર્ષ સિનિયર છું. અમે ત્રણે 40ના મધ્યમાં એક સાથે આવ્યા હતા. અમારી વચ્ચે સરસ લગાવ હતો. દેવ તો ફેમિલી ફ્રેન્ડ હતો. અમે હરીફ હતા, દુ:શ્મન નહીં. મને (નિર્માતા) જૈમિનીની ‘ઈન્સાનિયત’માં દેવ આનંદ સાથે કામ કરવાનું નસીબ મળ્યું હતું. એસ.એસ. વસન નિર્દેશિત આ ફિલ્મ કોસ્ચ્યુમ ડ્રામા હતી. દેવ એટલો ઉદાર હતો કે મારી સાથેનાં દૃશ્યો માટે થઈને તેની તારીખો કેન્સલ કરી હતી. મેં જાતે જોયું હતું કે તે જુનિયર કલાકારો તેમની પ્રતિભા બતાવી શકે તે માટે વારંવાર ટેઈક આપતો હતો. એ ક્યારે ય કોઈની ઉપેક્ષા કરતો નહોતો.”

હિન્દી સિનેમામાં દક્ષિણના ફિલ્મ સર્જકોની હાજરી એ વખતે પણ હતી. એસ.એસ. વસન તમિલ ફિલ્મોમાં ખમતીધર નામ હતું. એ નિર્માતા, નિર્દેશક, પત્રકાર, લેખક અને બિઝનેસમેન હતા. 1940માં તેમણે જૈમિની સ્ટુડીઓ નામની ફિલ્મ કંપની સ્થાપી હતી. 1948માં તેઓ પહેલા તમિલ ફિલ્મ સર્જક હતા, જેમણે સુપરહીટ ‘ચંદ્રલેખા’ને પૂરા ભારતમાં રિલીઝ કરી હતી. રાજ તિલક, પૈગામ, ઘરાના, અને ઔરત જેવી લોકપ્રિય હિન્દી ફિલ્મો તેમના નામે છે.

દિલીપ કુમારે ટ્રેજિક ભૂમિકાઓમાંથી બહાર નીકળવા માટે થઈને 1954માં, કોઇમ્બતુરના પક્સીરાજા સ્ટુડીઓની ‘મલાઈકલમ’ની હિન્દી રીમેક ‘આઝાદ’માં કામ કર્યું હતું. તેનું શુટિંગ કોઇમ્બતુરની આસપાસ થયું હતું. એ ફિલ્મની સફળતાથી જૈમિનીવાળા એસ.એસ. વસનનું ધ્યાન દિલીપ કુમાર પર પડ્યું હતું. તેમણે તાબડતોબ દિલીપ કુમારને તેમની ‘ઈન્સાનિયત’ ફિલ્મ માટે સાઈન કરી નાખ્યા હતા. વસન પોતે પણ તમિલમાંથી બહાર નીકળીને હિન્દીમાં જવા માંગતા હતા. એટલે તેમણે ‘ઈન્સાનિયત’માં આખી ટીમ મુંબઈના કલાકારોની બનાવી હતી.

દિલીપ કુમારની સાથે તેમણે (પાછળથી પ્રેમનાથ સાથે લગ્ન કરનાર) બિના રાય અને દેવ આનંદને લીધા હતા. શરૂઆતમાં વસન ભારત ભૂષણને લેવા માંગતા હતા. ભારત ભૂષણ લાંબો સમય હિરો રહી ન શક્યા, પણ તે સમયે તે મોટા સ્ટાર હતા અને તેમની બહુ ડિમાન્ડ રહેતી હતી. તેમણે ફિલ્મનો સ્ક્રીનપ્લે વાંચ્યો પછી લાગ્યું કે આમાં તો દિલીપ કુમારને મોટો ભા બનાવ્યા છે એટલે તેમણે એ ભૂમિકા કરવાની ના પાડી દીધી. વસને પછી બીજા મોટા સ્ટાર દેવ આનંદને મ્હોં માગ્યા રૂપિયા આપીને ફિલ્મમાં લીધા.

જો કે દેવ આનંદને પણ ફિલ્મના સેટ પર એવું લાગ્યું હતું કે દિલીપ કુમાર પોતે જ ફિલ્મમાં છવાયેલા રહેશે. એક જગ્યાએ તેમણે કહ્યું હતું, “મને ઈન્સાનિયત કરવાનો બહુ ત્રાસ થયો હતો. દિલીપ કુમાર સાથેની મારી એક માત્ર ફિલ્મમાં તેમણે મને મુંછો ચોંટાડી હતી.” જેમ ‘અંદાજ’ પછી રાજ અને દિલીપે સાથે કામ નહીં કરવાનું ‘વચન’ લીધું હતું, તેમાં દેવ આનંદે પણ ફરીવાર દિલીપ કુમાર સાથે પડદા પર નહીં ઊભા રહેવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, ફરી વાર ધોતી-કુર્તા પણ નહીં પહેરવાનો નિશ્ચય પણ ‘ઈન્સાનિયત’ પછી જ કર્યો હતો.

ફિલ્મ ખાસ ચાલી નહોતી. આજે જુવો તો તેનાં પત્રો કાર્ટૂન જેવાં વિચિત્ર લાગે. રાજાની કહાની હતી એટલે તેમાં વેશભૂષા ‘રજવાડી’ હતી. ‘ઈન્સાનિયત’ આમ એક્શન ફિલ્મ હતી, જેમાં એક જુલ્મી રાજાથી ગામને બચાવવા માટે બે ભાઈબંધો (દિલીપ અને દેવ) જાન પર આવીને લડે છે અને સાથે એ પ્રેમ કથા પણ હતી, જેમાં ગામની ગોરી (બિના રાય) એક બહાદુર(દેવ)ને ચાહે છે અને બીજો બહાદુર (દિલીપ) ખાનગીમાં તેને ચાહે છે.

દિલીપ કુમારે કબૂલ કર્યું હતું કે ‘ઈન્સાનિયત’ કર્યા પછી તેમને અન્ય પ્રકારની ફિલ્મો કરવાનો વિશ્વાસ આવ્યો હતો અને સાચે જ એ પછી તેમણે વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ કરવાનું શરૂ કર્યું હતું.

બીજી એક આડ વાત. વસન સાહેબ દિલીપ કુમારના એવા ફેન અને ફ્રેન્ડ બની ગયા કે બંનેએ થોડાં વર્ષો પછી સુપરહીટ ‘પૈગામ’ આપી હતી. ભાઈબંધી એવી કે દિલીપ કુમારની ત્યારની મંગેતર મધુબાલા(બંને લગ્ન કરવાનાં હતાં)ને મદ્રાસમાં લોહીની ઊલટીઓ થઇ, ત્યારે વસને તેની દરકાર કરી હતી. મધુબાલાએ પાછળથી કહ્યું હતું, “વસન દંપતીએ માતા-પિતાની જેમ મારી દરકાર કરી હતી અને મને સાજી કરી હતી.”

મધુબાલાનો સ્નેહ એવો હતો કે તે સમયે મુંબઈમાં તે માત્ર બે જ વખત બુરખા વગર દેખાઈ હતી; જૈમિની સ્ટુડીઓની ‘બહુત દિન હુએ’ અને ‘ઈન્સાનિયત’ના પ્રીમિયરમાં. પહેલી ફિલ્મમાં તો તેની મામુલી ભૂમિકા હતી, પણ બીજી ફિલ્મમાં તેનો પડદાનો અને દિલનો હિરો દિલીપ કુમાર હતો. તે પહેલીવાર દિલીપ કુમારની સાથે જાહેરમાં ‘ઈન્સાનિયત’ના પ્રીમિયરમાં આવી હતી. બંને હાથમાં હાથ નાખીને મુંબઈના રોક્સી સિનેમામાં આવ્યાં તે સમાચાર ફિલ્મી મેગેઝિનો ગરમા-ગરમ ગોસીપનો વિષય હતા. એવું લાગતું હતું કે તેમના રોમાન્સની અફવાને તેમણે સત્તાવાર સમર્થન આપ્યું હતું અને જાણે શાદીના બંધનમાં બંધાઈ જવાનો ઈરાદો હોવાનું જાહેર કર્યું હતું.

મધુબાલાનો એ સૌથી ખુશીનો દિવસ હતો અને એ ખુશી તે પ્રસંગના ફોટાઓમાં દેખાતી હતી. એ ખુશી લાંબી ચાલી નહોતી. તેના પિતાનું કડક નિયંત્રણ કહો કે તેના ચાહકોને ભીડ કહો, મધુબાલાએ થોડા જ વખતમાં બહાર નીકળવાનું અને કોઈને પણ મળવાનું બંધ કરી દીધું. પાછળથી ખબર પડી કે તે હૃદયના પહોળા વાલ્વની બીમારીનો શિકાર થઇ હતી. મધુબાલા અને દિલીપ કુમારનો રોમાન્સ નવ વર્ષ ચાલ્યો. 1969માં મધુબાલાનું વાલ્વની બીમારીમાં મોત થઇ ગયું.  

(પ્રગટ : ‘સુપરહિટ” નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0611,0621,0631,064...1,0701,0801,090...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved