Opinion Magazine
Number of visits: 9743161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે -16 : LLMs 

સુમન શાહ|Opinion - Opinion|19 August 2023

સુમન શાહ

મનુષ્ય અને કમ્પ્યૂટર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ અતિ વેગે વિકસી રહી છે.

‘એ.આઈ.’ સિસ્ટમ્સ માનવભાષા સમજી શકે છે એ તો ખરું, પણ નૉંધપાત્ર હકીકત એ કે માનવભાષાનું સંસૃજન કરી શકે છે. કોઇક સહજ – નેચરલ – ભાષાની ઉત્પાદક સામગ્રીને – ઇન્પુટ્સને – પ્રોસેસ કરે છે અને પોતે જેને પામ્યું હોય એ પછીના શબ્દની આગહી કરે છે, અને તે પછીનાની, અને તે પછીનાની … એ અર્થમાં એ સંસૃજન પર સંસૃજન કરી જાણે છે.

એ સંસૃજન વધારે શક્ય બન્યું છે, LLMsને કારણે – લાર્જ લૅન્ગવેજ મૉડેલ્સને કારણે. હાલ એમાં OpenAI સર્જિત GPT – 3, 4 વગેરે તેમ જ Google-સર્જિત BERT, LaMDa અને PaLM મૉડેલ્સ સવિશેષે જાણીતાં છે.

‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’ ‘એ.આઈ.’-નો ઘણો શક્તિશાળી પ્રકાર છે. એમાં ભાષાઓને ટૅક્સ્ટ અને કોડના લાર્જ એટલે કે અતિ વિશાળ ડેટાસૅટ્સથી તાલીમ અપાઈ હોય છે.

તેથી ટ્રૅડિશનલ ‘એ.આઈ.’ મૉડેલ્સથી આ મૉડેલ્સ વધારે પરિષ્કૃત હોય છે.

‘એ.આઈ.’-ના વેગવર્ધકોએ -.ઍક્સેલરેટર્સે.- એનું કદ વિસ્તાર્યું હોય છે. એથી ઘણી મોટી માત્રાના ટૅક્સ્ટડેટાને પ્રોસેસ કરી શકાય છે, કેટલીયે વાર એ ડેટા ઇન્ટરનેટથી ખૅંચી લેવાયા હોય છે.

એનાં એ ઑલ્ગોરીધમ્સ ડીપ લર્નિન્ગ હોય છે – ઊંડું શીખવાની ક્ષમતાવાળા. તેથી ધ્વનિ, અભિવ્યક્તિ તેમ જ અર્થ વચ્ચેના સૂક્ષ્મ ફર્કને, એટલે કે ભાષાના નુઆન્સિસને, એ ઝટ શીખી લે છે અને એકદમ સુસંગત તેમ જ ઉપકારક પ્રતિભાવો પેદા કરે છે. મેં અગાઉના લેખમાં કહેલું કે એને ‘ચાંદલો’ જેવા સંસ્કૃતિ સાથે જોડાયેલા શબ્દની પતીજ નહીં પડે, પણ આ મૉડેલ્સ એવી ચીજોને પણ ઓળખી બતાવે, તો નવાઈ પામવાનું કારણ રહેશે નહીં.

‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’ અનેક રીતે વિશિષ્ટ છે :

એક નિષ્ઠાવાન યુવતી કે યુવક એવાં કામોમાં મચી પડે છે જેથી બાપોતી મિલકતમાં વધારો થાય છે. કાદચ એ જ રીતે આ મૉડેલ્સ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના જ ક્ષેત્રની પ્રગતિ થાય તે માટેનાં સંશોધનોની વ્યવસ્થાઓ પૂરી પાડે છે. જેમ કે, કેવાંક સંશોધનો થાય તો ‘એ.આઈ.’ વિકસે, સહજ ભાષાઓને માટેની પ્રક્રિયાઓ વિકસે, મશીન લર્નિન્ગ વિકસે, વગેરે.

સ્હૅજ ફંટાઈને પણ આ ક્ષણે સમજી લેવાની જરૂર છે કે ‘મશીન લર્નિન્ગ’ શું છે. કેમ કે મશીન લર્નિન્ગની તાલીમ માટે ય ‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’-નો વિનિયોગ થાય છે. તેથી મશીનો માનવ્યવહારોને સમજી શકે છે અને વિવિધ આગાહીઓ કરી શકે છે.

મશીન લર્નિન્ગ ‘એ.આઈ.’-નો સબસૅટ છે, ઉપ વ્યવસ્થા. એ આપણાં કમ્પ્યૂટરોને, એટલે કે મશીનોને, કશી અલગ રીતે પ્રોગ્રામ્ડ કર્યા વિના, તેઓ જાતે પ્રગતિ કરી શકે એવું સામર્થ્ય આપે છે. મશીન લર્નિન્ગ ઑલ્ગોરિધમ્સને ડેટાથી તાલીમ અપાઈ હોય છે, એટલે પછી એને શીખવવું પડતું નથી કે ડેટાને આમ વાપર કે તેમ વાપર. મશીન શાણું થઈ જાય છે.

જેમ કે, કૂતરા અને બિલાડીની છબિઓના ડેટાસૅટ પર વિકસાવાયેલું મશીન લર્નિન્ગ ઑલ્ગોરિધમ, એવી તાલીમ પછી, જો નવી છબિઓના સમ્પર્કમાં મુકાશે તો તરત કૂતરા અને બિલાડીને જુદાં દર્શાવી શકશે, એટલું જ નહીં, તે પછી પણ, નવી નવી છબિઓને ઓળખીને એ બન્નેને જુદાં દર્શાવી શકશે. ટૂંકમાં, કમ્પ્યૂટરોને કહેવું નહીં પડે, જાતે જ બધું કરવા માંડશે.

મશીન લર્નિન્ગ ઉપ વ્યવસ્થા ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર છે. એના વિકાસ માટેના નવા ને નવા તરીકા નિરન્તર ઉમેરાઈ રહ્યા છે.

‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’-ની વાત સાથે પાછા જોડાઈ જઈએ. ’એ.આઇ.’-નાં એના વડે સંસૃજનકારી મૉડેલ્સ સરજાય છે. દાખલા તરીકે, ચૅટબોટ્સ કે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ. એથી મનુષ્યો સાથેની એની આન્તરક્રિયાઓ વધારે ‘કુદરતી’ અનુભવાય છે.

કોઈપણ નવી માહિતીમાં ગુંથાયેલી ભાત અને તેની સાથેના સમ્બન્ધોને એ બહુ ઝડપથી અપનાવી શકે છે. આપણ સાહિત્યકારોને રસ પડે પણ ચિન્તા ય થાય એવી વાત એ છે કે એ સુપેરે સર્જનાત્મક ટૅક્સ્ટનાં રૂપ સરજી શકે છે, એટલે કે કાવ્યો, લેખનો, સંગીતી ચીજો, પત્રો, અને ઇમેઇલ્સ તો ખરા જ ખરા.

કેમ કે એની પાસે માનવભાષાની સંરચના સમજવાની ક્ષમતા હોય છે. ઉપરાન્ત, ‘નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ’-થી નેચરલ – સહજ – ભાષાની ચૉક્કસાઇ વિશે સુધારા કરી જાણે છે, મશીન ટ્રાન્સલેશન્સ કરી જાણે છે, કોઈપણ ટૅક્સ્ટના સંક્ષેપો કરી જાણે છે. એટલું જ નહીં, આપણા મુશ્કેલ કે વિચિત્ર સવાલોના જવાબ ઘડી પળમાં આપી શકે છે, અલબત્ત, માહિતીના રૂપમાં.

મેં એક વાર પૂછ્યું કે ‘હુ ઍન્ડ વ્હૉટ ઇઝ સુમન શાહ ઇન ગુજરાતી લિટરેચર?’ તો, જવાબ ન આપી શક્યું, દિલગીરી દર્શાવી. કેમ કે એની પાસે ‘સુમન શાહ’-ની નહીં પણ ‘સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ’-ની માહિતી હતી. મારા એ નામે એણે મારી સાહિત્યિક કારકિર્દીની ઘણી સાચી વાતો પીરસી દીધી. મેં એને કહ્યું કે મારાં પુસ્તકો ‘સુમન શાહ’ નામે છે, તો એણે ‘સૉરિ’ લખીને ઉમેર્યું કે, ‘આઈ વિલ કરેક્ટ ઇટ’. આ સવાલજવાબ મેં ગુજરાતી ભાષામાં ઇચ્છ્યા હોત તો પણ એ એટલી જ સારી રીતે કરી શક્યું હોત.

ઉત્તરોત્તર વિકસતાં જશે આ ‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’ એટલે કમ્પ્યૂટર સાથેના આપણા વ્યવહારમાં હજી ઘણાં મોટાં પરિવર્તનો આવશે, ક્રાન્તિ સરજાશે. કેમ કે, એને વધારે ચૉક્કસ અને વધારે ઉપકારક માહિતીઓ માટે તૈયાર કરાયાં હશે. ખાસ તો એ વાસ્તવિક અને સર્જનાત્મક લાગે એવાં વસ્તુ – કન્ટેન્ટ – માટે પ્રયોજાશે; વપરાશકારોને કુદરતી દીસે અને પકડી રાખે એવા ઇન્ટરફેસિન્ગને વધારે તાદૃશ કરી દેશે.

હરારી “21 Lessons for the 21st Century”-માં લખે છે, ‘LLMs બે-ધારી તલવાર છે’, કહે છે, ‘They can be used for good or evil. It is up to us to decide how we will use them.’ (P. 117). કહે છે કે ‘આ મૉડેલ્સ આપણાં જીવનોને અંકુશમાં લઈ શકે એટલાં બધાં શક્તશાળી બની જશે’. કહે છે, ‘They could decide what information we see, what decisions we make, and even what we think.’ (P. 118).

હરારી માને છે કે ટૅક્નોલૉજિના વિકાસને કારણે નવતર વિચારધારાઓ જનમશે અને સમાજ ઘણો બદલાશે. આ મૉડેલ્સ પાસે એ બદલાવોને વેગીલા બનાવવા માટેનું સામાર્થ્ય છે, જે વિકસી રહ્યું છે. જો કે એ ખોટી માહિતી પણ પ્રસરાવશે, બનાવટી સમાચારો પણ ઘડી કાઢશે, લોકમાનસને વાપરશે અને દોરશે પણ ખરું. આગવી કાર્યદક્ષતા વડે આ મૉડેલ્સ મનુષ્યનાં જ ગણાય એવાં વિલક્ષણ ક્ષેત્રો પણ સર કરશે.

સરવાળે, બુદ્ધિમત્તા અને ચેતનાનાં ખરાં સ્વરૂપો શું છે એ પ્રશ્નો પણ જાગશે.

હરારી ઉમેરે છે, આ મૉડેલ્સ માણસ હોવા વિશેની આપણી સમજણને જ પડકારે છે !

= = =

(08/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાસી સ્વતંત્રતા દિવસ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 August 2023

રવીન્દ્ર પારેખ

15 ઓગસ્ટ ગઈ, જેમ અંગ્રેજો ગયા, એમ જ ! હવે વાસી સ્વતંત્રતા દિવસ ઊજવું છું. આપણે તો વાસી તહેવારો પણ ઊજવીએ છીએ. વાસી ઉતરાણ, વાસી બળેવની જેમ જ વાસી સ્વતંત્રતા દિવસ ! આ દિવસ એટલે અટવાતા ધ્વજનો નિકાલ કરવાનો દિવસ ! નેતાઓના ભાષણો લૂંછવાનો દિવસ ! 15મીએ તો આખો દિવસ ફિલ્મો પણ દેશભક્તિની જ આવી. દેશપ્રેમનાં ગીતો પણ બહુ ગવાયાં. હવે એટલું છે કે મોબાઇલમાં ને ત્યાંથી માઇક પર ઓડિયો શેર થઈ શકે છે, એટલે બહુ ગાવું પડતું નથી. જનગણમન પણ વગાડી દેવાય કે પત્યું ! ગાવાની ઝંઝટ જ નહીં ! શું છે કે હવે બધું જ રેડીમેઇડ છે. રાષ્ટ્રધ્વજનો લીલો રંગ ઉપર આવે કે નીચે એ ય યાદ રાખવું પડતું નથી. ટી.વી. પર તો એ ફરક્યા જ કરતો હોય છે. વરસાદ પડતો હોય ને ટી.વી. અટકી પડ્યું હોય તો જ કોઈને પૂછવું પડે ને એ પણ એના નેતાને પૂછીને કન્ફર્મ કરી દે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં ! જ્યારથી મોબાઈલ આવ્યા છે, આખો દિવસ દેશભક્તિ અપલોડ ને ફોરવર્ડ થતી રહે છે, બાકી, પહેલાં તો ધ્વજવંદન થાય કે 15મી લગભગ પૂરી જ થઈ જતી. જો કે, આ તકલીફ પણ 15મી પૂરતી જ ! પછી તો વરસ સુધી નિરાંત !

હવે એટલું સુખ થઈ ગયું છે કે બધું એકાદ દિવસ જ યાદ રાખવું પડે છે. મધર્સ ડે પર માને યાદ કરો કે મા પણ ખુશ ને સંતાનો ય રાજી ! એવું જ ફાધર્સ ડેનું ! એ તો સારું છે કે ફાધર્સ ડે આવે છે, બાકી, ફાધરને કોણ પૂછે? ને ફાધર-ફેધરમાં ગોટાળા થાય તે નફામાં ! ટીચર્સ ડે આવે છે તો ટીચર ફીચરમાં દા’ડો નીકળી જાય છે. સારું છે કે કોઈએ ‘નાઈટ ડે’ નથી કાઢ્યો, નહિતર ક્યારે મનાવવો એ સવાલ થઈ પડે. હવે તો દિવસો જ એટલા થઈ ગયા છે કે વરસ ઓછું પડે છે. બધા દિવસ ઉજવવા હોય તો તહેવારો ને વહેવારો અડધા કરવા પડે. સવારે 15મી ઓગસ્ટ ને સાંજે રક્ષાબંધન, સવારે ગણેશોત્સવ ને રાત્રે ઋષિપાંચમ એન્ડ સો ઓન …

આમ તો આપણે દુનિયાની ત્રીજી ઈકોનોમી બનવા જઇ રહ્યાં છીએ ને 5G ને AIના જમાનામાં લેટેસ્ટ ટેક્નોલોજીથી સમૃદ્ધ પણ છીએ, દુનિયા આપણી પ્રગતિને, આપણા રકાસને, સોરી, વિકાસને આશાભરી નજરે જોઈ રહી છે, ત્યારે કોને દેશ માટે ગૌરવ લેવાનું મન ન થાય ! જો કે, આ તો વડા પ્રધાને વિદેશ જઇ જઈને મહામહેનતે ઉપસાવેલી વૈશ્વિક પ્રતિભા છે, બાકી, આપણા આયનામાં ઉપસેલી આકૃતિ તો આપણે જ  જાણીએને ! એ ખરું કે પ્રકૃતિ આપણા વિકાસને મોડોવહેલો માપનો કરીને જ જંપે છે. હિમાચલ, ઉત્તરાખંડ, સિમલામાં ભીનાશે જે વિનાશ નોતર્યો છે, તેની સામે આંખ આડા કાન કરીએ તો પણ, એ તો સામેથી આવીને દેખા દે જ છે.

ગુજરાતના દરેક ધારાસભ્યને રસ્તા પર થીંગડાં મારવા બે કરોડની ગ્રાન્ટ આપવાનું સરકારે ઠરાવ્યું છે, એ જુદી વાત છે કે નેતાઓનાં નામનાં બાંકડા લોકો અગાશીમાં કે દુકાનોમાં તાકા કે સાડીઓ મૂકવા રાખી લે છે. તાત્પર્ય એ કે આખું કોળું દાળમાં જતું નથી. કૈંક તો થાય છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ પાર પડે છે. મેટ્રો, બી.આર.ટી.એસ., વંદે ભારત, બુલેટ ટ્રેન, કચ્છ સુધી વહેતી નર્મદા, 370ની નાબૂદી, ત્રણ તલાક, સર્જિકલ સ્ટ્રાઈક, કાઁગ્રેસી સરકારોની ટીકા, ગાંધી કરતાં સરદારને આગળ કરવાની વૃત્તિ … વગેરે દ્વારા આઝાદી પછીનાં અને ખાસ તો મોદી સરકારનાં વખતમાં થયેલાં કાર્યોની નોંધ લેવી જ પડે.

કેન્દ્ર સરકારે લાખો ગરીબોનું કોરોના કાળથી માંડીને આજ સુધી પેટ પાળ્યું છે ને લાખો લોકોનાં ખાતાં ખોલાવી પૈસા જમા આપ્યા છે. આવું વિદેશમાં શક્ય નથી, ત્યાં કશું મફત મળતું નથી. એ આ જ દેશમાં શક્ય છે. એની આડ અસર એ થઈ કે લોકો આળસુ થયા અને મફતનું શોધતા થયા. મોદી સાહેબે તો કહેલું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. ‘ખાતો નથી’ એ સાચું, પણ ખાનારા તો ખાય જ છે. એવું નથી કે કાઁગ્રેસી સરકારમાં અપ્રમાણિકતા, કામચોરી, ભ્રષ્ટાચાર ન હતાં, પણ તેનું પ્રમાણ અગાઉ ક્યારે ય ન હતું એટલું આજે છે. બળાત્કાર, છેડતીને લગતા બનાવોની સંખ્યા શરમજનક રીતે વધી રહી છે. દેશમાં 13.13 લાખ સ્ત્રીઓ ગુમ છે. આ બધું વિકાસની આડે આવે છે.

2020થી નવી શિક્ષણ નીતિ લાગુ છે, પણ તેનો અમલ કરનારા શિક્ષકોને કાયમી ધોરણે રાખવાને બદલે જ્ઞાનસહાયકોથી કામ લેવામાં રમત રમાઈ છે. આ જ્ઞાનસહાયકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ રખાય તો તે કાયમી થાય જ નહીં. કાયમી ન થાય એટલે તેને રિટાયરમેન્ટ વખતે પેન્શન વગેરે લાભો આપવાથી બચી શકાય. 5 વર્ષની ટર્મ પૂરી કરનાર કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ દરેક સેવાનું અલગ અલગ પેન્શન મેળવી શકે, પણ 30-35 વર્ષની સળંગ નોકરી કરનાર શિક્ષક પેન્શનને પાત્ર ન ગણાય એ કેવું? ગુજરાત સરકાર શિક્ષકોને મામલે આવી કંજૂસાઈ કરતી હોય તો શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો ય તેનો અર્થ રહેતો નથી. નવી બંધાતી સડક, નવા બંધાતા પુલ, નવાં બંધાતાં રહેઠાણોનાં બાળમરણ હવે સ્વયં સિદ્ધ હકીકતો છે. કોલેજ એડ્મિશનમાં વેડફાતી ટર્મ, સતત વધતી ફી, શિક્ષણનું કથળતું સ્તર, એ પછી પણ વધતી આવતી શિક્ષિત બેકારોની સંખ્યા – આ બધાંથી ત્રાસીને યુવાધન વિદેશ તરફ વળી ગયું છે.

સવાલોનો સવાલ એ છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, તો અહીંનો યુવાન વિદેશ જવા કેમ પ્રેરાયો છે? દેશના અમીરો અહીં કમાઈને વિદેશ સ્થાયી થઈ રહ્યા છે. 2023માં 6,500 અમીરો ભારત છોડવાનું મન બનાવી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં હજાર ઓછો છે. આ બધાં તો માલેતુજારો છે, તે કેમ દેશ છોડે છે? એનાં કારણોમાં કાયદાની જટિલતા અને ટેક્સની ગૂંચ ગણાવાય છે. એ સાચું છે કે ભારતીય કર માળખું અનેક વિસંગતિઓથી ભરેલું છે, એકતરફ આ દેશ ઝડપી વિકાસ કરી રહ્યો હોય ને બીજીતરફ અમીરો કાયદા અને કરના ત્રાસને કારણે દેશ છોડતા હોય તો ફેરવિચારણા જરૂરી બને છે.

ભારતીય યુવાનો ને અમીરો કાયમી ધોરણે વિદેશ સ્થાયી થાય ને એ વિદેશમાં મંત્રી કે અન્ય પદો પર બિરાજે તો તેનાં ભારતીય મૂળથી આપણે પોરસાઈએ છીએ. ત્યારે, એ વિચાર નથી આવતો કે આવી શક્તિ ધરાવનારને આપણે જ તો વિદેશ જવાનાં કારણો પૂરાં પાડ્યાં છે. યુવાનો ભારતનું નાગરિકત્વ છોડીને વિદેશ જઇ રહ્યા હોય ત્યારે એમના વગર આ દેશ કેવી રીતે વિકાસ કરશે એ વિચારવાની જરૂર ખરી કે કેમ? 2022માં 2.25 લાખ ભારતીયોએ વિદેશી નાગરિકત્વ અપનાવ્યું છે. એનાં અન્ય કારણો હશે, પણ મુખ્ય કારણ આર્થિક કમાણીનું છે. યુવાનો આમ તો વિદેશ ભણવા જાય છે, પણ ત્યાંની સમૃદ્ધિ જોઈને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. એવા 90 ટકા યુવાનો પાછા આવવા નથી માંગતા. એમનો ય સ્વાર્થ હશે જ, પણ એમને રોકી રાખનારું કોઈ આકર્ષણ આ દેશમાં કેમ નથી એ મુદ્દે આત્મનિરીક્ષણની જરૂર વર્તાય છે. એવું નથી કે દેશ માટે જતું કરનારાં લોકો નથી. છે ને ઘણાં છે. એમનાં પુણ્યે જ તો કદાચ આ દેશ ટકેલો છે !

એવું નથી કે સરકાર કૈં કરતી નથી. ‘આયુષ્યમાન ભારત’ યોજના અંગે ભારતના કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)નો રિપોર્ટ છે કે 3,446 એવા દરદીઓ પાછળ 6.9 કરોડ રૂપિયા ખર્ચાયા જે ઓલરેડી ગુજરી ચૂકેલા હતા ને આવું કૈં પહેલીવાર નથી થયું. આ અગાઉ પણ CJIના રિપોર્ટમાં એવું આવ્યું હતું કે સાડા સાત લાખથી વધુ દરદીઓ એક જ મોબાઈલ પર રજિસ્ટર થયા હતા ને તે પણ એવા નંબર પર જે અમાન્ય હતો. આવી અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાનું પરિણામ એ આવે છે કે જેને માટે આવી યોજનાઓ લાગુ થાય છે, એમના સુધી તો લાભ પહોંચતો જ નથી ને જેને જરૂર નથી એવા લોકો જ જરૂરતમંદને નામે પોતાની હોજરી ઠાંસતાં રહે છે. આ સ્થિતિમાં ‘મેરા ભારત મહાન’ કોઈ કહે કે આખો દિવસ પંદરમી ઓગસ્ટે દેશભક્તિનાં ગીતો વગાડે તો તેમાં ભરોસો પડે ખરો? આજે સૌથી વધુ ખૂટે છે તે વિશ્વસનીયતા. રાજકીય પક્ષોને તો સત્તા સિવાય બીજો કોઈ રસ જ નથી. શાસકો વિપક્ષને ભાંડીને, તેને તોડીને કેવી રીતે ટકી રહેવાય ને વિપક્ષો કેવી રીતે સત્તામાં અવાય તે સિવાય બીજી ચિંતા ભાગ્યે જ કરે છે. ટૂંકમાં, દેશ છે, પણ દેશદાઝ નથી. એ કમનસીબી છે કે ચારે બાજુએ સચ્ચાઈને ભોગે દેખાડો જ વર્ચસ્વ ભોગવે છે.

સારું છે કે દેશની ત્રણે સેનાઓમાં એવો દેખાડો નથી પ્રવેશ્યો. એ લોકો સેવા કરે છે, સેવાનો અભિનય નથી કરતાં. એ તો જીવ આપીને પણ દેશની રક્ષા જ કરે છે. જરા વિચારો કે આપણે આચરીએ છીએ એવી બેવફાઇ, ભ્રષ્ટતા આપણા સૈનિકો આચરે તો લાગે છે કે સમાવા માટે આપણને ધરતી પણ મળે? તો, વફાદારી, પ્રમાણિકતા, સચ્ચાઈ એ શું સૈનિકોએ જ બતાવવાની છે? એ વફાદારી એમણે એવાં લોકો માટે બતાવવાની છે, જે ઘણુંખરું ભ્રષ્ટ, દુષ્ટ ને નિકૃષ્ટ છે? કમાલ છે ને કે આપણા જેવાં માટે આપણે એમને શહીદી વહોરવા સરહદે ધકેલીએ છીએ ! આપણે એટલા નસીબદાર તો છીએ કે આપણા પર જ થૂંકી નથી શકતા, બાકી, લાયકાત તો …

 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑગસ્ટ 2023

Loading

વિસ્મય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 August 2023

ફૂલને કેવી રીતે ખબર પડે છે કે સૂર્યોદય થાય તે પહેલાં ખીલી જવાનું છે? આપણને તો સૂર્ય માથે આવી જાય તો ય ખબર પડતી નથી. ફૂલો ખીલે નહીં તો રંગોનો વૈભવ ઝૂલતી ડાળીઓ પર લહેરાય નહીં. ફૂલો, એ રંગો હવામાં લહેરાવે છે જે ધરતીમાં નથી. કળીઓનાં ખીલવાની પ્રક્રિયા દેખાતી નથી. આપણને તો પરિણામ જ દેખાય છે, તે પણ બહાર ડોકિયું કરીએ તો !

બાકી, ફૂલ કહેતું નથી કે મને જુઓ. એ તો ખીલે છે ને કોઈ જુએ કે ન જુએ, ખરે છે.

મનુષ્યનું જરા જુદું છે. પ્રેમિકા હસે છે તે આંખો સામે. એને  પ્રેમી ન જુએ તો ખીલી શક્તી નથી ને આંસુ, એ કોઈ ન જુએ એમ ખૂણે ખેરવે છે. વિરહનાં પણ ફૂલો હોય છે. એ ખીલતાં નથી, પણ ખરેલાં દેખાય છે, જેમ રાત્રે તારાઓ દેખાય છે. એને રડનાર દેખાતું નથી. પણ એ છે એની ખાતરી વેરાયેલા તારાઓ આપે છે …

એ જોઈ લો, નહીં તો સવાર પહેલાં તો આખું આકાશ કોઈ વાળીઝૂડીને બધું ચોખ્ખુંચણાક કરી દેશે.

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,0521,0531,0541,055...1,0601,0701,080...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved