Opinion Magazine
Number of visits: 9743255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય ઇસ્લામ માટે મુસલમાનોએ ગર્વ લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 August 2023

રમેશ ઓઝા

ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ભારતનાં મોટાભાગના મુસલમાનો એક સમયે હિંદુ હતા અને વિદેશથી આવેલા મુસલમાનો તો બહુ ઓછી સંખ્યામાં હતા. તેમણે કાશ્મીરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે કાશ્મીરની ખીણમાં વસતા મુસલમાનોના બાપદાદાઓ કાશ્મીરી પંડિતો હતા અને છસોએક વરસ પહેલાં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.

ગુલામ નબી આઝાદે જે કહ્યું એ શુદ્ધ સત્ય છે, પણ એ સત્ય હિંદુ કોમવાદીઓ અને મુસ્લિમ કોમવાદીઓ એમ બન્નેને પરવડે એવું નથી. લગભગ ૯૦ ટકા મુસલમાનો મૂળ ભારતીય હિંદુઓ હતા અને માંડ દસ ટકા મુસલમાનો વિદેશથી આવ્યા હતા એ વાત જો સ્વીકારવામાં આવે તો ઇસ્લામના આક્રમણની થિયરી પાતળી પડી જાય. તો એનો અર્થ એ થાય કે સત્તાના લોભમાં કે લૂટના ઈરાદે કેટલાક વિદેશી મુસ્લિમ શાસકોએ કે સેનાનીઓએ ભારત પર આક્રમણ કર્યાં હતા અને તેને ઇસ્લામના વિસ્તાર સાથે કોઈ સંબંધ નહોતો અથવા હતો એ દ્વિતીય સ્તરનો હતો. મુખ્ય ઉદ્દેશ સત્તા અને સંપત્તિ હતાં. ટૂંકમાં ભારત પર જે આક્રમણ થયાં એ મુસલમાનોએ કરેલાં આક્રમણો હતાં, ઇસ્લામનું આક્રમણ નહોતું. પણ હિંદુ કોમવાદીઓ એ આક્રમણોને ઇસ્લામના રંગે રંગવા માગે છે, એટલે તેમને વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે.

બીજું કારણ શરમ છે. જો ૮૦થી ૯૦ ટકા ભારતીય મુસલમાનોના બાપદાદાઓ હિંદુ હતા તો તેઓ મુસલમાન થયા શા માટે? અને કોણ થયા? શા માટે હિંદુઓ તેમને સાચવી ન શક્યા? જેમને ગામમાં પ્રવેશ નહોતો, જેમને હાંસિયામાં રાખવામાં આવતા હતા, જેમની સાથે અન્યાય કરવામાં આવતો હતો એવા લોકોએ સમાજમાં સન્માનપૂર્વકનું સ્થાન મેળવવા તેમ જ ન્યાય મેળવવા પોતાની ઈચ્છાથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો એ વાત પણ સાચી છે. આ હકીકત કબૂલ કરવામાં કોમવાદી હિંદુઓને શરમ આવે છે માટે તેમને સત્તા કે લૂટના ઈરાદે કરવામાં આવેલા મુસલમાનોના આક્રમણોને ઇસ્લામના આક્રમણ તરીકે રંગવાં જરૂરી છે અને એ સારુ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે. ભારતમાં ઇસ્લામના વિસ્તારના ઈરાદે જો મોટી સંખ્યામાં મુસલમાનો ભારતમાં આવ્યા હોત અને ઇસ્લામના વિસ્તાર માટે જુલમ કર્યા હોત તો ભારતમાં મુસલમાનો બહુમતીમાં હોત. શા માટે ૭૫ ટકા હિંદુઓ નહીં વટલાયા? હિંદુઓએ મુસલમાનો સામે ધર્મ બચાવવા યુદ્ધ કર્યાં હોય કે પારસીઓની માફક ધર્મ બચાવવા એક સ્થળેથી બીજા સ્થળે દેશાટન કર્યું હોય એવી કોઈ ઘટના ઇતિહાસમાં જોવા મળતી નથી. હિંદુ-મુસ્લિમ વચ્ચેના સત્તાકીય યુદ્ધોનાં અનેક ઉદાહરણ છે, ધર્મયુદ્ધનું એક ઉદાહરણ બતાવો.

મુસ્લિમ કોમવાદીઓને પણ એ વાત સ્વીકારવામાં શરમ આવે છે કે ભારતમાં મોટાભાગના મુસલમાનોના બાપદાદાઓ પછાત હિંદુઓ હતા અને ન્યાય મેળવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ પોતાના વડાવાઓનાં મૂળ અરબસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કસ્તાન અને મધ્ય એશિયામાં શોધે છે. માટે તેમને પણ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા છે એના કરતાં મોટી જોઈએ છે. “ઉચ્ચ ખાનદાન” અને “શુદ્ધ લોહી”નું વળગણ કમાલનું છે. ભલે નુકસાન થાય, પણ મૂળ તો વિદેશમાં જ શોધવાનાં.

આપણે તેમને પૂછવું જોઈએ કે ભારતીય ઇસ્લામ શું છે? જો ભારતીય ઇસ્લામ જેવી કોઈ ચીજ હોય તો એ ભારતીય મુસલમાનોએ જ વિકસાવી હોવી જોઈએ. દેખીતી રીતે તુર્કી, ઈરાની કે આરબ મુસલમાન ભારતીય ઇસ્લામ ન વિકસાવી શકે. ભારતીય ઇસ્લામ પર ભારતીય માટીની સુંગંધ છે. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ, સંગીત, સાહિત્ય, કલાકારીગરી, વ્યંજન એમ કેટલી બધી ચીજો છે જે ભારતીય ઈસ્લામને એક વિશિષ્ટ ચહેરો આપે છે. જો વિદેશથી આવેલા મુસલમાનો મોટી સંખ્યામાં હોત તો ભારતીય ઇસ્લામનો ઘાટ ન ઘડાયો હોત. સૂફીઓમાં જોવા મળતી ખુદા અને બંદા વચ્ચેની એકત્વની તડપન જીવ અને શિવ વચ્ચેના એકત્વનો પ્રભાવ છે. આમ ભારતીય ઇસ્લામ પશ્ચિમ એશિયાના ઇસ્લામ કરતાં જુદો છે.

ભારતની માટીની સુગંધ ધરાવતો ભારતીય ઇસ્લામ ભારતની અને વિશ્વની એક સુંદર હકીકત છે જેને કટ્ટરપંથી મુસલમાનોએ નકારવાનું શરૂ કર્યું છે. તેઓ ભારતીય ઇસ્લામનું સાઉદીકરણ કરી રહ્યા છે. ભારતીય તો ઠીક ભારતના ઇસ્લામ પરના ઈરાની પ્રભાવને પણ ભૂંસી રહ્યા છે. આ દ્વારા તેઓ ભારતીય મુસલમાનોનો ચહેરો બદલી રહ્યા છે. હજુ હમણાં સુધી મુસ્લિમ સ્ત્રીઓ સાડી પહેરતી હતી, પણ હવે બુરખો પહેરે છે. બંગલાદેશની મુસ્લિમ મહિલાઓ સાડી પહેરવાનું છોડી રહી છે. એક સમયે બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું અને પશ્ચિમ પાકિસ્તાનના શાસકો સામે બંગાળી અસ્મિતાની લડાઈ લડતું હતું ત્યારે બંગાળી મુસ્લિમ સ્ત્રી ધરાર સાડી પહેરતી હતી. એમ કહેવા માટે કે અમારો ઇસ્લામ તમારા કરતાં અલગ છે. અમારો ઇસ્લામ બંગાળી સુગંધ ધરાવે છે.

ભારતમાં પોતાને ઇસ્લામના અને મુસલમાનોના પ્રવક્તા સમજનારાઓ પોતાને વિદેશી નસ્લના ઉચ્ચ કુલીન મુસલમાન તરીકે ઓળખાવે છે અને ભારતીય ઇસ્લામનો અને ભારતીય મુસલમાનોનો ચહેરો બદલવાનું કામ કરી રહ્યા છે. તેમને એ વાત નથી સમજાતી કે આવું કરીને તેઓ ભારતીય મુસલમાનોનું અહિત કરી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવાનું કામ કરી રહ્યા છે. આમ કરીને તેઓ હિંદુ કોમવાદીઓને મદદ કરી રહ્યા છે. મારી મુસ્લિમ મિત્રોને સલાહ છે કે એક ભારતીય મુસલમાન તરીકે ભારતીય ઇસ્લામ માટે ગર્વ લો અને તેનું જતન કરો. તેનાથી તમને દૂર કરનારાઓને દૂર કરો. આગળ કહ્યું એમ ભારતીય ઇસ્લામ આ ધરતી પરની એક સુંદર હકીકત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2023

Loading

ચાલો, હરારી પાસે – 17 : લિબરાલિઝમ

સુમન શાહ|Opinion - Opinion|23 August 2023

સુમન શાહ

કોઈને હરારી નિરાશાવાદી લાગે, કોઈને ઉતાવળિયા લાગે, કોઈને ઓછા જીવનઅનુભવી લાગે. વગેરે બાબતોમાં એમની વિચારસૃષ્ટિની ટીકાટિપ્પણી થઈ શકે. પણ એ સ્વીકારવું જોઈશે કે તેઓ ઇતિહાસવિદ છે ને ઇતિહાસની ભૂમિકાએ વર્તમાનને મૂલવી રહ્યા છે અને પોતાની લાક્ષણિક દૃષ્ટિમતિથી માનવજીવનનું ભવિષ્ય ભાખી રહ્યા છે.

એમણે વિશ્વમાં પ્રવર્તતા લિબરાલિઝમને – ઉદારતાવાદી મતને –  ‘એ.આઈ.’-ના આવિષ્કાર સંદર્ભે તપાસ્યો છે તેમાં પણ એમની લાક્ષણિક દૃષ્ટિમતિનો પરિચય મળે છે. “21 Lessons for the 21st Century” -માં, તેઓ લખે છે :

“The rise of AI poses a fundamental challenge to the liberal world order. If we do not find ways to shape AI in accordance with our values, it could easily undermine the very foundations of liberalism.” (P. 158)

જરા, સમજી લઈએ :

માનવઇતિહાસમાં ઉદારતાવાદી મત તુલનાએ નવો છે. બે સદી જેટલા પાછળ જઈએ, તો જાણવા મળે તે વિચાર આ છે – સૌ મનુષ્યો સમાન જનમ્યા છે અને સૌ મનુષ્યો કેટલાક અકાટ્ય અધિકારો ધરાવે છે. જીવવા માટે અનિવાર્ય સ્થાવર-જંગમ મિલકત કે જમીનજાગીરના અધિકારો તો ખરા જ પણ તેમાં વ્યક્તિસ્વાતન્ત્ર્ય શિરમોર અધિકાર છે. વાણીસ્વાતન્ત્ર્ય, લગ્ન, લિવ-ઇન, મૈત્રીકરાર કે LGBT અધિકારો પણ એટલા જ મૂળભૂત છે. ટૂંકમાં, વ્યક્તિ પોતાના જીવન વિશે નિર્ણયો લેવાને મુક્ત છે, ચાહે તે પસંદ કરી શકે છે. એમાં રાજ્ય કે અન્ય સત્તાઓ દખલ ન કરી શકે.

યુવાલ નોહા હરારી

મને આ ક્ષણે હરારીનો એક TED વાર્તાલાપ યાદ આવે છે. એમણે કહેલું તે મારા શબ્દોમાં મૂકું. કહેલું કે રાજકારણમાં મતદાર કર્તાહર્તા છે, વેપારવણજમાં ગ્રાહક, સાહિત્ય અને કલાઓમાં ભાવક; વગેરે. સમજવાનું એ છે કે એ દરેકમાં વ્યક્તિની ઇચ્છામતિ જ નિર્ણાયક નીવડે છે.

હરારી જણાવે છે કે ઉદારતાવાદનો વિરોધ કરનારા પણ છે. કહેવાયું છે કે આ મત અતિશય વ્યક્તિવાદી છે અને તેથી સામાજિક જૂથોનાં હિતો નથી સચવાતાં. ઉપરાન્ત, હરારી ઉમેરે છે કે ૨૧-મી સદીમાં ઉદારતાવાદી મતનું ભવિષ્ય જોખમમાં છે. કેમ કે એક તરફ, રાજકારણીઓ બૌદ્ધિકોને બાજુએ મૂકીને લોકપ્રિયતાવાદને – પૉપ્યુલિઝમને – પોષી રહ્યા છે, અને ખાસ તો ‘એ.આઈ.’ તરફથી નવી નવી થ્રેટ ઊભી થઈ રહી છે.

હરારી એમ પણ જણાવે છે રાષ્ટ્રવાદ અને ધર્મવિષયક વિચારધારાઓ જોડે આ ઉદારતાવાદ હોડ બકી શકે એમ નથી. (દાખલો હું આપું કે ધર્મ સામે લોકશાહીવિષયક વિચારોએ પણ ટકવું મુશ્કેલ થઈ પડે છે !) તેથી હરારી જણાવે છે કે આપણે એ વિચારધારાઓના જે કંઈ દાવા છે તે સાથે ઉદારતાવાદનું સંતુલન સિદ્ધ કરવું પડશે, બલકે આપણા સમયમાં પ્રવર્તતી રાજસત્તાપરક વિચારધારાઓ સાથે એનો મેળ પાડવો પડશે. તેઓ તો આર્થિક અને રાજકીય સિસ્ટમ્સના પુનર્વિચારનો મુદ્દો આગળ કરે છે ! કહે છે, એવા પુનર્વિચારના પ્રભાવે કરીને આપણે ‘એ.આઈ.’-યુગના પડકારોને પ્હૉંચી વળવાની ક્ષમતા મેળવી શકીશું.

કેટલાક સમીક્ષકોને હરારીના ઉદારતાવાદી મતનું આ વિશ્લેષણ અતિશયિત લાગ્યું છે, કેટલાકને સાદું સરળ લાગ્યું છે, છતાં મોટાભાગનાઓને હરારીના આ વિચારો ૨૧-મી સદીના સંદર્ભમાં ઘણા ધ્યાનાર્હ લાગ્યા છે.

હરારીએ ‘એ.આઈ.’-પાવર્ડ સર્વેઇલન્સ સ્ટેટ્સનો, એટલે કે કડક દેખરેખ રાખનારી રાજસત્તાઓનો, નિર્દેશ કર્યો છે. સરકારો ‘એ.આઈ.’-પાવર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને નાગરિકોના જીવન વ્યવહારોને ટ્રૅક કરી શકશે, મૉનિટર કરી શકશે; પરમ્પરાગત પદ્ધતિઓથી કરવા જાય તો ન કરી શકે. એક અપૂર્વ સ્વરૂપનું ટોટાલિટેરિયન રૅઝિમ, એકહથ્થુ શાસન, ઊભું થશે.

સ્પષ્ટ છે કે પરિણામે વ્યક્તિની અંગતતા અને સ્વતન્ત્રતા જોખમાશે. બહુ મોટા પાયે બનાવટી સમાચારો અને ખોટી માહિતીનાં પ્રસારણો થઈ શકશે અને તેથી સંસ્થાઓ પ્રત્યેના પ્રજાકીય ભરોંસાનો ક્ષય થશે. વળી, રાજકીય સ્થિરતા પણ જોખમાશે. હરારી જણાવે છે કે જો સુપર ઇન્ટેલિજન્ટ એ.આઈ.ઝનાં સર્જન થશે તો માનવજીવન માટે એ મહાજોખમ પુરવાર થશે. માણસને ટપી જઈને એ એમ પુરવાર કરશે કે માણસ જ પોતાના અસ્તિત્વ માટે એક હ્યુજ થ્રેટ છે !

આ વાતો અટકળોઆધારિત છે – હાઇપોથેટિકલ સીનારિયોઝ. અને એમ તો કહી શકાતું જ નથી કે એ પ્રમાણે થશે જ થશે. નિષ્ણાતોને દરેક ભય સાચો ભાસે છે તેમછતાં તેઓ કશી સહસમ્મતિ નથી સાધી શક્યા. કેમ કે, ખરી વાત એ છે કે ‘એ આઈ ’ પાસે ચૉક્કસ સ્વરૂપનું સામર્થ્ય હોય તેમ જ તેનો અમુક નક્કી પ્રકારે ઉપયોગ થાય તો જ સંભવિત ભય સાચા પડે, તો જ હરારીએ કે નિષ્ણાતોએ ભાખેલા જોખમો જોખમ રૂપે પુરવાર થાય.

અલબત્ત, હરારી પણ એવું નથી જ માનતા કે આ થ્રેટ્સ અનિવાર્યપણે સંભવશે જ સંભવશે. કહે છે, ઉદારતામતવાદ સાથે મેળ પાડી શકે એવી ‘એ આઈ ’-સિસ્ટમ્સ ડિઝાઇન કરવાનું અશક્ય નથી, પણ મૉડું થાય એ પહેલાં અત્યારથી ચેતી જવું જરૂરી છે.

= = =

(08/23/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પંદર ઓગસ્ટ આવી અને આપણને સૌને સ્પંદિત કરતી ગઇ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 August 2023

બે હિજરતી કાફલા, સિયાલકોટથી નીકળેલા હિન્દુઓનો અને બીજો અમૃતસરથી નીકળેલા મુસ્લિમોનો, સામસામા મળ્યા ને ઊભા રહી ગયા. સિયાલકોટથી નીકળેલાઓમાં કિશોર કુલદીપ નાયર હતા. એ કહે છે, કાફલાઓ વચ્ચે નેણ શું પરોવાયાં …

‘ઔર હમારે બીચ એક રિશ્તા 

કાયમ બના – દર્દકા રિશ્તા.’    

પ્રકાશ ન. શાહ

ફિલ્મોની વાત નીકળી જ છે તો આ લખતાં સાંભરી આવ્યું કે આજકાલ ‘ગદર-2’ની ધૂમના હેવાલો ઉફાન પર છે. જો કે એ જોવાનું તો બનતાં બનશે … બલકે, બને તો બને! પણ ‘ગદર’ (1)ને કરમુક્ત કરવાનું થયું ત્યારે, ખાસ નહીં તો પણ સહેજસાજ ઝીણી આંખે જોવાનું બન્યું હતું અને તેને વિશે લખવાનું થયું ત્યારે જે શીર્ષકે વિપળના પણ વિલંબ વિના ઢેકો કાઢ્યો તે હતું, ‘દેશભક્તિ નામે ટિકિટબારી.’ ફિલ્માંકનની થોડીક ક્ષણો, કોઇ ગીતની એકબે પંક્તિ, બાકી બધું જાડું કામ, ઘોર અને ધરાર.

ભાઇ ભાગલા એ એક કારુણિકા હતી. વિભાજનની વિભીષિકા આપણા જીવનનું એક દુદૈર્વ વાસ્તવ હતું, છે અને રહેશે. પણ હાલ જે પ્રકારની રાજકીય માનસિકતાને ઉત્તરોત્તર વળ ને આમળા ચઢે છે એમાં આપણાં માધ્યમો પાસે સવાલને સમગ્રપણે સમજવાની રીતે તેમ સહૃદયતાની કેળવણી વાસ્તે જવા અંગે સમજ અને સંવેદનાનું ખાસું ટાંચું પડેલું છે. 

કેવા એ દિવસો હતા અને શેમાંથી આપણે પસાર થયા હતા તેનો આપણી સીરિયલોના સુવર્ણ યુગમાં ‘બુનિયાદ’ વાટે કંઇક ખયાલ આવ્યો હતો. મહાભારત-ખ્યાત રાહી માસૂમ રઝા કૃત ‘આધા ગાંવ’ (સીરિયલ, હું ધારું છું, ‘નીમ કા પેડ’) પણ એમ તો આ લખતાં સ્મૃતિમાં ધસી આવે છે.

વળી ફિલ્મ ભણી વળું તો સાંભરે તો છે સત્યુસાહેબની ‘ગર્મ હવા’ને પાકિસ્તાન જાઉં ન જાઉં તરેહની કશ્મકશમાંથી ભારતમાં ઠરીઠામ થતું પાત્ર (બલરાજ સહાની). અમૃતસરમાં હજી હમણાં પાંચ છ વરસ પર જ ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ જોઇએ ત્યારે પણ એ માહોલ અને સરહદની બંને બાજુની દિલી ગડમથલ, દિમાગી ઉલઝન, અગન, જલન, બધું જ. અમૃતા પ્રીતમની હૃદયસ્પર્શી વાર્તા પરથી ઊતરી આવેલી ફિલ્મ ‘પિંજર’માં પણ તમને બંને બાજુ જોવા મળશે.

ગુજરાતી સાહિત્ય એ રીતે જે એક કિતાબે રળિયાત છે તે કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઉખડેલાં’ છે. ગરવી ગુજરાતકન્યા મૃદુલા સારાભાઇએ ગાંધી પરંપરામાં રોપાઇને અપહ્યતાઓનો પ્રશ્ન હાથ ધર્યો. સરહદની બેઉ બાજુએ જેમનો સંપર્ક થઇ શક્યો તે અપહ્યતાઓને જાળવીને મૂળ કુટુંબમાં પુન:સ્થાપિત કરવાનું મહાભારત કાર્ય એ હતું. ત્યારે માંડ બાવીસ-તેવીસની કમળા એમના એક સહકાર્યકર તરીકે જીવના જોખમે અભયપૂર્વક પ્રવર્તી એની આખી એક સૃષ્ટિ એમાં ઊઘડી આવી છે, અને તે આપણને હિન્દુ, મુસ્લિમ, શીખ એવી ટાઇપકાસ્ટ ઓળખોથી ઉફરાટે ચડતા પડતા આખડતા માણસની રૂ-બ-રૂ કરી આપે છે. લોહી ઊકળવાની અણીએ તમે સમસમી રહો છો. આ સમસમા તમને ખબરે ન પડે અને સંવેદનમાં, સમસંવેદનામાં ફેરવાઇ જાય છે ને માણસમાં સ્થાપી આપે છે.

પત્રકાર કુલદીપ નાયર કને એમનું એક સંભારણું સાંભળવાનું બન્યું તે હું કદાપિ ભૂલી શકતો નથી. ભાગલાની જાહેરાત થઇ ત્યારે નાયર પરિવાર સિયાલકોટમાં વસતો હતો. જ્યારે આરંભની આનાકાની પછી વતન છોડવું અનિવાર્ય લાગ્યું જ ત્યારે સિયાલકોટના હિન્દુઓએ હિજરત શરૂ કરી. અમૃતસર પહોંચતા અડધે રસ્તે સામેથી આવતો એક કાફલો મળ્યો જે મુસ્લિમોનો હતો. બેઉ બાજુએ ઘવાયેલાં, થાકેલાં, માંદલાં ડોસાંડગરાં ને વળી હટ્ટાકટ્ટા જુવાનજુવતી અને કિશોરો તેમ જ બાળકો હશે. ખબર નહીં સહેજ ઉશ્કેરાઇને, કંઇક ખમચાઇને બંને કાફલા સામસામાં થંભી ગયાં. નેણ શું નેણ પરોવાયાં. અને કુલદીપે કહ્યું, હમારે બીચ એક રિશ્તા કાયમ બના. દર્દ કા રિશ્તા.

જર્મનીનો એક અનુભવ હું ક્યારે ય ભૂલતો નથી. 1985માં, હજુ પૂર્વ ને પશ્વિમ જર્મની જુદાં હતાં ત્યારની વાત છે. ચર્ચ પ્રેરિત એક સ્વતંત્ર ફોરમે બિનસરકારી રાહે થોડા પત્રકાર મિત્રોને નિમંત્ર્યા હતા જેમાં ગાંધી પીસ ફાઉન્ડેશનના સદ્દભાવથી મારો પણ સમાવેશ થયો હતો. સામ્યવાદી પૂર્વ જર્મનીમાં પ્રવેશ મ‌ળવો સરળ ન હતો, પણ પશ્ચિમ જર્મનીના ચર્ચ વતી પૂર્વ જર્મનીના ચર્ચે સામ્યવાદી શાસનની રજા મેળવી અને અમે જઇ શક્યા. જો કે અહીં મારો મુદ્દો પૂર્વ ને પશ્ચિમ જર્મનીનો – સામ્યવાદી ને મુક્ત જર્મનીનો નથી એટલે અટકું અને મૂળ વાત પર આવું. પૂર્વ જર્મનીના અમારા યજમાન અમને બીજા વિશ્વયુદ્ધના એક નિર્ણાયક મંત્રણાકેન્દ્ર પોટ્સડામ લઇ જતાં પહેલાં પડખેની સિતમ છાવણીની મુલાકાતે લઇ ગયા, જ્યાં યહૂદીઓને રિબાવી રિબાવીને ગેસ ચેમ્બરમાં કે અન્યથા મારી નખાયા હતા. સ્થળ મુલાકાત પછી અમે સૌ ડઘાયેલા ને ડુમાયેલા હતા. અમારા યજમાને ભીની આંખે ને ભીને અવાજે કહ્યું કે અહીં આવવું મારે સારુ સુખકર નથી. પણ પછી ઉમેર્યું, ‘આવવાનું બને તો હું છોડતો નથી; કેમ કે મને યાદ રહે કે અમે ક્યારેક ન કરવાનું કરી બેઠા હતા જે માણસની રીત નથી.’

વિભાજનની વિભીષિકાને, એના રાજકીય આટાપાટા ને વિચારધારાકીય વળોટોથી હટીને આ રીતે જોતા થઇએ તો નાગરિક તરીકે તો જીવતેજીવત મોક્ષ જ મોક્ષ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0461,0471,0481,049...1,0601,0701,080...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved