Opinion Magazine
Number of visits: 9458180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવ્ય સંગત

બીજલ જગડ|Opinion - Opinion|11 April 2023

આંખોમાં અમૃત હૃદયમાં મીઠાશ હતા જીવનનાં આકર્ષણો

ખાલીપણાંનું છે કેટલું ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

કિસ્મત હંમેશાં હથેળીમાં, દેવાને દિલાસો હિંમત રાખી,

ધીરજ સબર સંતોષનું ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

મૌનની સંવેદના દુઃખદર્દ તદબિર દિલાસા નિષ્પ્રાણ પ્રયાસો

હશે ગોરસ સ્મરણોનું, ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

જીવનની તિમિરમાં મ્હારે વિશમે ના આંખના ઘેરા ઉચાટ,

સ્નેહભૂખ્યા સ્નેહીનું, ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે

એકલતા લલિત, દિવ્ય સંગત મુજ ને મારી મને લાગે,

આ મનના મોતીનું, ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દૈત્ય માનવજાતને ગળી જશે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 April 2023

રાજ ગોસ્વામી

આધુનિક ટેકનોલોજી માટે કહેવાય છે કે જે પરિવર્તનને આવતાં એક દાયકો લાગતો હતો તે હવે, થેન્ક્સ ટુ ટેકનોલોજી, બે વર્ષમાં આવે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ક્ષેત્રમાં ટેકનોલોજીએ તેની પ્રગતિમાં એટલી બધી સ્પીડ વધારી દીધી છે કે આ ક્ષેત્રના અગ્રણીઓમાં ચિંતા પેઠી છે કે એવું તો નહીં થાય ને કે ટેકનોલોજી માણસના કંટ્રોલની બહાર જતી રહેશે અને તે માણસને કંટ્રોલ કરવા લાગી જશે?

તાજેતરમાં ઓપન એ.આઈ.ના ચેટબોક્સ ‘ચેટ-જી.પી.ટી.’ અને અન્ય એ.આઈ. ટૂલ્સમાં જે ઝડપે ક્રાંતિ આવી છે, તેનાથી સફાળા બેઠા થયેલા ટેસ્લા અને ટ્વીટરના વડા ઈલોન મસ્ક સહિત 1,000 જેટલા ટેકનોલોજી નિષ્ણાતોએ ઓપન લેટર લખીને સાર્વજનિક અપીલ કરી છે કે છ મહિના સુધી એમાં વધુ ડેવલપમેન્ટ અટકાવી દેવામાં આવે.

તેમણે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આવી ડિઝાઇન્સમાં સુરક્ષાના પ્રોટોકોલ્સ વિકસાવામાં ન આવે અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તેનું ઓડિટિંગ ન થાય ત્યાં સુધી કોઈ કંપનીએ તેમાં આગળ વધવું ન જોઈએ નહીં તો માનવતા અને સમાજ માટે એમાં જોખમ છે. “તાકાતવર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ ત્યારે જ વિકસાવી જોઈએ જ્યારે આપણને પૂરતો ભરોસો હોય કે તેનાં પરિણામ સકારાત્મક જ હશે અને તેનાં સંભવિત જોખમોનું નિયમન કરી શકાય તેમ હોય,” એમ આ પત્રમાં લખવામાં આવ્યું છે.

આ અગ્રણીઓને ડર છે કે પૂર ઝડપે વિકસી રહેલી નવી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ માણસને હંફાવે તેવી છે અને સરવાળે તે આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં બધું ખેદાનમેદાન કરી નાખશે. સરકારો, નીતિ નિર્માતાઓ અને રેગ્યુલેટરી ઓથોરિટીઓને જો આમાં વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો પછી એવી પરિસ્થિતિ સર્જાશે કે ટેકનોલોજી સ્વચ્છંદ બની જશે.

જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી શીત-યુદ્ધના ગાળામાં પરમાણું હથિયારો બનાવવાની દેશો વચ્ચે હોડ લાગી હતી તેમ, ‘ચેટ-જી.પી.ટી.’ની સફળતા પછી અનેક ટેકનોલોજી કંપનીઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ટૂલ્સ બનાવાની હરીફાઈ શરૂ થઇ છે, જે માણસોનાં જાત-ભાતનાં કામ કરશે. આમ તો એ સુવિધા જ છે, પરંતુ નિષ્ણાતોને એ ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાત જ પોતાનો કંટ્રોલ લઇ લે તો શું?

તમને એવું થાય કે એમાં શું જોખમ હોય? તમે મેડિકલ સ્ટોરમાંથી જે નવી દવાઓ ખરીદો છો તે તેની સલામતીના સખત પરીક્ષણ પછી સ્ટોરમાં આવી હોય છે. ખાવા-પીવાની જે વસ્તુઓ બજારમાં મળે છે તે બારોબાર ફેકટરીમાંથી નથી આવતી. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ‘પહેલું સંતાન’ છે. આપણે જોઈ રહ્યા છીએ કે એ સંતાન કેવું નપાવટ બનીને હવે પજવી રહ્યું છે. ચેટ-જી.પી.ટી. તેનું બીજું ‘સુધરેલું’ સંતાન છે અને બીજા અનેક ‘પાઈપ-લાઈન’માં છે. એ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરશે તેની કોઈને ખબર નથી.

નિષ્ણાતો સાત પ્રકારનાં પ્રમુખ જોખમો જોઈ રહ્યા છે. 

    1. ઓટોમેશન વધતાં નોકરીઓ ખતમ થઇ જશે.
    2. માણસોનીપ્રાઈવસીઉઘાડીપડીજશે.
    3. (ફોટોશોપની જેમ) માણસોના ફેક વીડિયો બનશે.
    4. ગલતડેટાનાંપગલેઅલગોરિધમપક્ષપાતપૂર્ણવર્તનકરશે.
    5. સામાજિક-આર્થિકઅસમાનતાવધશે.
    6. બજારોઅસ્થિરથઇજશે.
    7. ઘાતકહથિયારોનુંઓટોમેશનથશે.

2022માં, દુનિયાની તમામ ટેકનોલોજી કંપનીઓના એક સર્વેમાં અડધોઅડધ કંપનીઓએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવજાતના અસ્તિત્વ સામે ખતરો છે. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી માણસોનાં તમામ કામ કરતી થઇ જઈને તેમને નવરા બેસાડી દેશે એટલું જ નહીં, હોલિવૂડની ફ્યુચરિસ્ટિક ફિલ્મોમાં બને છે તેમ એ સિસ્ટમો ગેરવર્તન કરતી પણ થઇ જશે. 2017માં, ફેસબૂકે બોબ અને એલિસ નામના બે રોબોટ્સને નષ્ટ કરી દેવા પડ્યા હતા કારણ કે તેમણે અચાનક એવી ભાષામાં બોલવાનું શરૂ કર્યું હતું જે માણસો સમજી શકતા નહોતા.

એવી કોઈ ટેકનોલોજી બની નથી જેનો ગેરઉપયોગ થયો ન હોય. અત્યાર સુધી માણસ પોતે તેનો ગેરઉપયોગ કરતો હતો, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીઓમાં જોખમ એ છે કે તેને માણસના મગજની જરૂર નહીં પડે. એ પોતે જ ‘સ્વતંત્ર માણસ’ બની જશે. જેમ કે કોમ્પ્યુટરમાં જે વાઇરસ આવે છે તે આપણા શરીરમાં આવતા વાઇરસનું જ ડિજિટલ રૂપ છે. આવા ઘણા ઉદાહરણ કલ્પી શકાય.

ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગે એ.આઈ.ને ‘માનવ ઇતિહાસની સૌથી બદતર ઘટના’ ગણાવી છે, ટેસ્લા અને ટ્વિટરવાળા ઇલોન મસ્કે કહ્યું છે કે એ.આઈ.માંથી ‘સૌથી દુષ્ટ અને ક્યારે ય ન મરે તેવો સરમુખત્યાર’ પેદા થશે. 2020માં, મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 21મી સદીમાં એ.આઈ. માણસ કરતાં વધુ સ્માર્ટ હશે અને માનવજાતિ પર સરસાઈ ભોગવતી હશે. એમાં ઘણી બાબતો અસ્થિર અને વિચિત્ર થઈ જશે.

2018માં, દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં તત્કાલીન ગૂગલ સી.એ.ઓ. સુંદર પિચઈએ કહ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતે ક્યારે ય ન જોઈ હોય તેવી ટેકનોલોજી છે. તેનો પ્રભાવ ઇલેક્ટ્રિસિટી કે અગ્નિની શોધ કરતાં પણ ક્રાંતિકારી રહેવાની છે.” તે વખતે ત્યાં બેઠેલા લોકોને આ વાતમાં બહુ દમ લાગ્યો ન હતો, પરંતુ ચેટ-જી.પી.ટી.ના વિકાસ પછી સૌને સમજાઈ ગયું છે કે ટેકનોલોજી કેટલી હદે કઈ દિશામાં જઈ રહી છે.

‘હોમો સેપિયન્સ’ પુસ્તકના લેખક યુવલ નોઆ હરારીએ તેની સિકવલમાં ‘હોમો ડેયસ’ નામનું ભવિષ્યવાદી પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે વર્તમાનમાં જે ટેકનોલોજીઓ વિકસી રહી છે તેના દાખલા-દલીલો સાથે કહ્યું છે કે અત્યારે માણસ પ્રકૃતિના નિયમોને અધિન છે, પરંતુ ભવિષ્યમાં એ પાવર આપણે બનાવેલાં યંત્રોમાં હશે. સવાલ એ છે કે શું એ યંત્રો આપણા નિયંત્રણમાં હશે? યંત્રોમાં કોન્સિયસનેસ આવી જાય તો તે તેમની ઈચ્છા પ્રમાણે વર્તશે? આ ડર વ્યાજબી છે.

‘હોમો ડેયસ’માં હરારીએ તેની વાત કરી છે :

“આપણે બહુ ઝડપથી એક અજાણી દિશા તરફ દોડી રહ્યા છીએ અને એનાથી બચવા માટે આશા પણ રાખીએ છીએ કે કોઈક બ્રેક મારે અને આપણને ધીમા પાડે, પણ એ શક્ય નથી કારણ કે કોઈને ખબર નથી કે બ્રેક ક્યાં છે. અમુક લોકો AI, નેનો-ટેકનોલોજી, બિગ ડેટા કે જીનેટિક્સ જેવાં ક્ષેત્રોની ઘટનાઓથી પરિચિત હોઈ શકે, પણ એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ ક્ષેત્રોને અરસપરસ જોડીને વ્યાપક ચિત્ર જોઈ શકે. અલગ અલગ ક્ષેત્રો એકબીજાને એવી પેચીદી રીતે અસર કરે છે કે સૌથી શ્રેષ્ઠ મગજ પણ એ ના સમજી શકે કે AIની નેનો-ટેકનોલોજી પર અને નેનો-ટેકનોલોજીની AI પર કેવી અસર પડશે. એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ આધુનિક વૈજ્ઞાનિક શોધખોળોને સમજી શકે, જે ભવિષ્યવાણી કરી શકે કે આવતાં દસ વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી હશે અને કોઈને ખબર નથી કે આપણે કઈ દિશામાં દોડી રહ્યા છીએ. એટલે આ આખી સિસ્ટમને સમજવાવાળું કોઈ નથી, એને રોકવાવાળું પણ કોઈ નથી.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 09 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમેરિકાનાં પ્રયોગશીલ નાટકો :

વિજય ભટ્ટ|Diaspora - Culture|10 April 2023

વિજય ભટ્ટ

વિશ્વની મનોરંજન-રાજધાની હોલીવુડની નજીક લોસ એન્જલસમાં દાયકાઓ સુધી રહ્યાનો એક મોટો ફાયદો એ કે વૈવિધ્યપૂર્ણ નાટકો, સંગીત-નાટકો (મ્યૂઝિકલ્સ), અને હોલીવુડની ફિલ્મ પ્રોડકશનની પ્રવૃત્તિઓ એક રસિક અને ભાવક તરીકે વારંવાર માણી શકાય.

અહીં એકદમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને ભવ્ય ડિઝની કોન્સર્ટ હોલ, મ્યુઝિક સેંટર, ડોરોથી ચૅડલર પેવેલિયન, અને એહેમેન્સન થિયેટર જેવાં અત્યંત આધુનિક નાટ્યગૃહો છે. એકદમ સાંપ્રત, લોકપ્રિય, વિખ્યાત, અને બ્રોડવેના જાણીતાં નાટકો અને સંગીત-નાટકો અહીં સતત ધૂમ મચાવે છે. અમેરિકાના સાંસ્કૃતિક અને કલા-ચાહકો નિયમિત આવાં નાટકો માણે છે. લોસ એન્જલસની મધ્યમાં જ વિશ્વવિખ્યાત સ્થાપત્યકાર ફ્રેક ગેહરીનું સર્જેલું ડિઝની કોન્સર્ટ હોલ એક જોવા જેવું અદ્દભુત સ્થાપત્ય છે.

અમેરિકાના બધાં શહેરોમાં આધુનિક નાટ્યગૃહો હોય છે જ. આ નાટ્યગૃહોમાં સામાન્ય રીતે પરંપરાગત, પ્રચલિત, નવાં અને જૂનાં ક્લાસિકસ, અને વિખ્યાત નાટકો વેપારી ધોરણે નિયમિત રજૂ થતાં હોય છે.

લોસ એન્જલસ ઉપરાંત બોસ્ટન, સિઆટલ, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા, અને સાન ફ્રાન્સિસકો જેવાં બધાં જ મોટાં શહેરોમાં આવાં અદ્યતન મોટાં નાટ્યગૃહો છે. પણ નાટ્ય-પ્રવૃત્તિમાં સૌથી વધુ ધમધમતું શહેર એટલે ન્યૂયોર્ક. ત્યાં છે બ્રોડવે, નાટકોની અને થિયેટરની પ્રવૃત્તિની રાજધાની!

પણ આવા મોટા નાટ્યગૃહનું ભાડું અને પ્રેક્ષકો માટેની ટિકિટ પણ મોંઘી હોય છે.

પ્રયોગશીલ નાટકોને આવાં મોટા નાટ્યગૃહોમાં રજૂઆત કરવી ન પોષાય. તેમની આવક પણ સાવ ઓછી. પ્રયોગશીલ નાટકોને ભજવવાની જગ્યા પણ પ્રયોગશીલ હોય છે!

પ્રયોગશીલ નાટક મંડળીઓનો ઉદ્દેશ કમાણીને બદલે, ચીલાચાલુથી તદ્દન કંઈક જુદું જ કરવું, એવો  હોય છે. તેમને બીજે ક્યારે ય ન થઇ હોય તેવી અનોખી રજૂઆત કરવામાં રસ હોય છે. તેમનો મુખ્ય આશય હોય છે, નાટકોમાં ચાલી આવતી સ્થાપિત સામાજિક હિતો, સ્થાપિત રાજકીય હિતો-તરફી ચીલાચાલુ રજૂઆતોની સામે બળવો કરવો. તેમણે કંઈક નવી વાત, નવી દૃષ્ટિ, નવીન રીતે પ્રેક્ષકો સમક્ષ મૂકવી હોય છે જે  મૌલિક અને અસરકારક હોય!

લોસ એન્જલસના બૃહત્‌ વિસ્તારમાં સોથી વધુ નાનાં નાટ્યગૃહો છે, જ્યાં નાની નાની નાટકમંડળીઓ ઓછા ભંડોળથી પ્રયોગશીલ નાટકો કરે છે. આ નાનાં થિયેટર્સ કોઈક નાના કાફેમાં, કોઈ પરા વિસ્તારના જાહેર ગ્રંથાલયના પટાંગણમાં, કોઈ મોટા બસ સ્ટેન્ડના વેઇટિંગના પટાંગણમાં, કોઈ ચાર રસ્તાની એક બાજુની મોટી ખુલ્લી જગ્યામાં, અથવા શાળા-કોલેજના નાના ઓરડા કે હૉલ જેવી વિવિધ તદ્દન સામાન્ય જગ્યાઓએ ચાલતાં હોય છે.

લોસ એન્જલસની એક પ્રયોગશીલ નાટ્યસંસ્થા, “ન્યૂ વેવે”, કોવિડ પછી, એક કારખાનાની ખુલ્લી જગ્યામાં પ્રોપ્સ વગર સ્ટેજ અને ‘કાલ્પનિક’ ઓરડાઓ બનાવ્યા – જમીન પર ચોકથી દોરીને! નાટક દરમ્યાન પ્રેક્ષકોએ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરવાનું. દરેક ઓરડે અભિનેતાઓ પોતાના ભાગે આવેલો અભિનય કરતા હોય. જેમ નાટક આગળ વધે તેમ પ્રેક્ષકો ફરે. અભિનેતા તેમના જ સ્થળે રહે. વળી અભિનેતાઓ અને પ્રેક્ષકો વચ્ચે પણ સંવાદ ચાલે અને નાટક આગળ વધે. રેલવે સ્ટેશન દર્શાવવા માટે જમીન પર પાટા દોર્યા હોય. સૂર્ય દર્શાવવા એક લાઈટ બલ્બ અને એક સફેદ વર્તુળાકાર સફેદ કાગળ એટલે ચંદ્ર! આમ તદ્દન જ નવીન રંગમંચ-સજાવટ. છતાં પ્રેક્ષકોને બધાં જ પ્રતીકોની અને અભિવ્યક્તિની સહજ રીતે સમજ પડી જાય તેવી બુદ્ધિપૂર્વકની ગોઠવણી! કોઈ જાતનો ચોક્કસ સજ્જ સેટ નહિ, કે પ્રોપ્સ નહિ. ઘણું બધું માત્ર પ્રતીકાત્મક (સિમ્બોલિક) રીતે મૂકેલું હોય. તદ્દન નવોદિતો અને વિશ્વવિખ્યાત નાટ્યકારો પણ પોતાનાં પ્રયોગશીલ નાટકો અહીં રજૂ કરે છે. લોકો તેમને  બિરદાવીને પ્રોત્સાહિત કરે છે.

“બ્લેક બોક્સ” થિયેટર પણ પ્રયોગશીલ નાટકના ભાગ રૂપે પ્રચલિત છે. નામ પ્રમાણે, તદ્દન સાદા કાળા પડદાઓવાળું કોઈ જ પ્રોપ્સ વગરનું કાળું સ્ટેજ. કાળા રંગને લીધે પ્રેક્ષકોનું ધ્યાન પણ માત્ર અભિનેતાઓ પર અને શું બોલે છે તે પર જ રહે. આ સ્ટેજ ઊભું કરવું પણ એકદમ સસ્તું અને સરળ. તેથી પ્રયોગશીલ નાટકો માટે “બ્લેક બોક્સ” થિયેટર ખૂબ અગત્યનું છે.

અમેરિકાના અનેક શહેરોની મ્યુનિસિપાલિટી નાની પ્રયોગશીલ કલાપ્રવૃત્તિઓ માટે ખાસ ભંડોળ (એન્ડોવમેન્ટ) રાખે છે. સાવ નાની નાટકમંડળી પણ ગ્રાન્ટ મેળવી શકે. અહીં પ્રયોગશીલ નાટકો, બહુ નાના પાયા પર રહીને પણ, ધંધાધારી નાટકોની સમાંતર ચાલે છે. બધી જ શાળાઓ, કોલેજો, અને યુનિવર્સિટીઓમાં થિયેટર અને પરફોર્મિંગ આર્ટ ડિપાર્ટમેન્ટ હોય જ, જેથી પ્રયોગશીલ કલાને પ્રોત્સાહન મળે.

અમેરિકાનાં પ્રયોગશીલ નાટકો અને રંગભૂમિનાં મૂળ છે, ઓગણીસમી સદીના યુરોપની પ્રયોગશીલ, કલા, નાટકો અને રંગભૂમિની ચળવળ – આવાં-ગાર્ડ(avnat-garde)માં. આવાં-ગાર્ડ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ થાય જુદું, આગળ પડતું; પ્રગતિશીલ, પ્રયોગશીલ, નવીન કલા. જેમ લશ્કરમાં અગ્ર હરોળમાં રહીને રક્ષણ થાય તેમ કલા અને સંસ્કૃતિમાં પણ નવીન અને પ્રયોગશીલ અગ્રતા. તદ્દન નવાં જ અને બિનપરંપરાગત સાધનો, પ્રતીકો, દૃશ્ય અને શ્રાવ્યનો, સ્ટેજનો, કલામાં ઉપયોગ કરીને એવી રજૂઆત કરવી કે જે ચીલાચાલુ અને પરંપરાગત રીતે રજૂ થતી ન હોય.

આવાં-ગાર્ડનો ઉદ્ભવ, યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ત્યાંની તે સમયની, સામાજિક જીવનપદ્ધતિ, સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહ, અને રાજકીય કટોકટી સામેના એક બળવા રૂપે થયો હતો.

પ્રયોગશીલ નાટકોનો વિકાસ અમેરિકામાં બહુ ધીમેથી થયો કારણ કે બ્રોડવે જેવા વેપારી ઉદ્દેશથી  તૈયાર થતાં નાટકોની સામે, શરૂઆતમાં, આવાં પ્રયોગશીલ નાટકોને આવકાર નહતો મળ્યો. આ નાટકોનો ઉદ્દેશ મનોરંજનનો ન હતો. કંઈક જુદું જ કરવું, કંઈક નવીન કરવું, જે ક્યારે ય ન કર્યું હોય, માત્ર એવા જ આશયથી પ્રયોગશીલ નાટકો થતાં અને થાય છે.

ઘણા અમેરિકન નાટ્ય-વિદ્વાનો પ્રયોગશીલ નાટકોને, બીજાં નાટકોની સરખામણીમાં, એક વૈકલ્પિક નાટ્યપ્રકાર કહેવા તૈયાર નથી. જો વૈકલ્પિક હોય તો એ ‘શેનો વિકલ્પ?’ વિકલ્પ સમાન વસ્તુઓમાં જ હોય! અજોડ અને અપૂર્વને જો વિકલ્પ તરીકે સ્વીકારો તો એ અજોડ કેવી રીતે કહેવાય? અમેરિકન નાટ્ય-વિદ્વાનો આવાં-ગાર્ડ અને  પ્રયોગશીલ નાટકને ચીલાચાલુ નાટકનો વિકલ્પ નથી માનતા. તેઓ માને છે કે એ બંનેના સ્થાન જુદાં અને સ્વતંત્ર છે.

પરંપરાગત રીતે નાટક લખાય પછી દિગ્દર્શક તેનું અર્થઘટન કરીને મંચ અને અભિનેતા પાસે કામ કરાવે. દિગ્દર્શકની કલા – વિભાવના અને સત્તા પ્રમાણે જ બધાંએ કામ કરવું પડે. પ્રયોગશીલ નાટકોમાં અભિનેતાને સર્જનાત્મક રીતે અને મૌલિક રીતે તેમાં થોડાક ફેરફાર (improvisation) કરવાની છૂટ અને અવકાશ રહે છે.

જાણીતા પ્રયોગશીલ નાટ્યકાર પીટર બ્રૂક્સ કહે છે કે અભિનેતા અને પ્રેક્ષકો વચ્ચે બહુ થોડો ભેદ છે. પ્રયોગશીલ નાટકોમાં પ્રેક્ષકો નિષ્ક્રિય ન હોય અને રંગમંચ હંમેશાં જુદું ન હોય. બંને એકમેક સાથે મળીને જ એક સંકલિત રંગમંચ બનાવે છે. અમેરિકાના ઘણાં પ્રયોગશીલ નાટકોમાં પ્રેક્ષકો સક્રિય ભાગ લેતા હોય છે. આ કારણે જો અસફળતા મળે તો પણ આવી પ્રયોગશીલતાનું મહત્ત્વ સફળતા કરતાં વધુ હોય છે.

વિદ્વાનોનું માનવું છે કે અમેરિકાની પ્રયોગશીલતામાં છેલ્લાં સો વર્ષમાં બહુ બદલાવ આવ્યો નથી. ખરેખર તો પરંપરાના નાટકોની સામે પ્રતિકાર રૂપે કહેવાતાં પ્રયોગશીલ નાટકો જેમ કે ફિલિપ ગ્લાસનું ૨૦૧૦ નું નાટક, સત્યાગ્રહ, પણ સાચું પ્રયોગશીલ નથી ગણાતું.

૧૯૫૦ પછી અમેરિકામાં એક જુદી જ સાહસિક પ્રયોગશીલતા ધંધાદારી નાટકોની સામે શરૂ થઈ. તેમાં પરંપરા અને ચીલાચાલુની સામે ખુલ્લો બળવો શરૂ થયો. રેનેસાંસ પછી સૌ પ્રથમ વાર જ અમેરિકામાં ચાલતી જૂની નાટ્યપદ્ધતિની વિરુદ્ધ આ ચળવળ શરૂ થઈ.

વિવેચકો ઘણીવાર અમેરિકન પ્રયોગશીલ નાટકોને શંકાની નજરે જોઈને ખોટા અર્થઘટનથી ‘મોડર્ન આર્ટ’ તરીકે ખપાવે છે. પ્રયોગશીલતામાં બધી જ જાતની પરંપરા સામે આંચકો અને પડકાર આપવાનો પ્રયાસ હોય છે તે કારણે તેમાં લાગણીવેડા-સભર ભાવનાત્મક અતિશયોક્તિ (મેલોડ્રામા) નથી હોતી. તેથી ઘણાને તે શુષ્ક, નીરસ અને અરુચિકર લાગે છે. ભભકાદાર પ્રકાશમય સ્ટેજ સજાવટ, વેશભૂષા, અને સંગીતથી ભરપૂર ચીલાચાલુ નાટકોની સરખામણીમાં પ્રયોગશીલ નાટકો સામાન્ય ભાવકોને ઓછાં રસપ્રદ લાગે.

પ્રયોગશીલતા એ પ્રેક્ષકોની સૌંદર્યલક્ષી માન્યતા અને અપેક્ષાઓને ધરમૂળથી ખંખેરી નાખી છે. લાગણીવેડાને બદલે, બૌદ્ધિકતાસભર નાટકો બન્યાં છે. સામાન્ય નાટકો વાંચી શકાય અને સમજી શકાય તેવાં આ પ્રયોગશીલ નાટકો નથી હોતાં. આ નાટકોમાં પ્રતીકો, રૂપકો, અને કલ્પનોનો મહદંશે બૌદ્ધિક રીતે જ ઉપયોગ થયો હોય છે.

આજકાલ અમેરિકામાં પ્રયોગશીલ નાટકોની પ્રવૃત્તિના કેટલાક સરસ દાખલાઓમાં :

“મન્ડે નાઇટ રીડિંગ”(સોમવારની રાત્રે નાટક પઠન)માં નવોદિત નાટ્યકારોનાં નાટકો પીઢ અભિનેતાઓ પ્રેક્ષકોની સામે વાંચે, પ્રેક્ષકો અને અભિનેતાઓ બંને પ્રતિભાવ આપે. રસિક પ્રેક્ષકોને પણ નવું સાંભળવા મળે અને ખાસ કરીને નવોદિતોને અને નવી નાટ્યસંસ્થાઓને પ્રોત્સાહન મળે. પ્રેક્ષકોને પણ મોંઘી ટિકિટો ખર્ચવી ના પડે. આવા વાચનનું આયોજન નિ:સામાન્ય પરા વિસ્તારોમાં પણ થાય છે જેથી પ્રયોગનો સંદેશ સામાન્ય જનતા સુધી પહોંચે છે. 

આજકાલ માનસિક સ્વાસ્થ્ય એક મોટી ચિન્તાનો વિષય છે. અમેરિકામાં તો ખાસ.

કોરોના-કાળમાં માનસિક રોગ પણ ફેલાયો હતો. ઘણાં પ્રયોગશીલ નાટકો આ વિષય પર હતાં. એ નાટકો સમજ, જાગૃતિ, અને મનોરંજન પૂરું પાડતાં હતાં.

“ક્રીપ્ટોક્રોમ” નામની એક પ્રયોગશીલ નાટકમંડળી, મેડિટેશન અને સંગીતમય  પ્રયોગ દ્વારા,  પ્રેક્ષકોને નવીન રીતે પ્રાણીજગતની સફર કરાવે છે. ક્રીપ્ટોક્રોમ નામનું એક પ્રોટીન છે. જેના કારણે પ્રાણીઓ અને પક્ષીઓ કુદરતી રીતે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની મદદથી પૃથ્વીના એક ખૂણેથી બીજે ચોક્કસ રીતે સ્થળાન્તર કરે છે. લેધરબેક સી ટર્ટલ (કાચબો) હજારો માઈલ દરિયાની સફર કરે છે અને પાછો પોતે જ્યાં જન્મ્યો હતો ત્યાં જ આવી જાય છે. તેની પાસે કોઈ ગુગલ મેપ નથી! ક્રીપ્ટોક્રોમ આ વૈજ્ઞાનિક વાત, વિજ્ઞાન અને કલાને ભેગાં કરીને, પ્રયોગશીલ નાટક દ્વારા રજૂ કરે છે.

“લા- મા-મા” નાટકમંડળી ૧૯૬૧માં જાણીતા અમેરિકન નાટ્યકાર એલન સ્ટેવર્ટે ન્યુયોર્કમાં સ્થાપી હતી. “લા-મા-મા”- એ અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ પ્રગતિશીલ નાટકો કર્યાં છે, જેમાં ૧,૫૦,૦૦૦ કલાકારોએ ભાગ લીધો છે અને તે ૭૦ દેશોમાં રજૂ થયાં છે. ૨૦૧૮માં તેને “પ્રાદેશિક ટોની એવોર્ડ” મળ્યો હતો. એમાંથી બ્લુ મેન ગ્રુપ, પિંગ ચોન્ગ, તીસા ચાંગ, આન્દ્રે ડી શેએલ્ડ, ટેલર મેક, ડેવિડ સેંદ્રીસ, અને એમી સેંડાઇસ જેવા કલાકારો પ્રશસ્તિ પામ્યાં છે.
આજકાલ “લા મા-મા”ના ‘અનર્થ ધ સ્કિન’, ‘ધ વીક એન્ડ ધ સ્ટ્રોંગ’, ‘નોઉગુઓ’, ‘ધ ફેમિલી શો’, અને, ‘ક્રેમોવ લેબ’, વગેરે  નાટકો ભજવાય છે.

આપણને ભારતીયોને વધુ રસ વધુ પડે એવી એક વાત :

વીસમી સદીની શરૂઆતમાં એડવર્ડ ગોર્ડન ક્રેગ નામનો જાણીતો ઇંગ્લિશ પ્રયોગશીલ અને આધુનિક નાટ્યકાર થઈ ગયો. તેણે ભારતીય કથકલ્લીનો અભ્યાસ કર્યો. તેમાં વપરાતાં મોટાં મોહરાં, બુકાનીઓ, અને મોટી કઠપૂતળી જેવી વેશભૂષામાં, તેમ જ એને ભારતીય નાટ્યશાસ્ત્રમાં ખૂબ જ રસ પડ્યો. એમ કહેવાય છે કે તેનો જ આધાર લઈ ને તેણે પશ્ચિમમાં “ઉબર-મારિઓનેટ્ટ” એટલે કે ‘મહા-કઠપૂતળી'(સુપર પપેટ)ની એક નવી વિભાવના મૂકી. આમ પશ્ચિમના પ્રયોગશીલ નાટકોમાં ઉબર – મારિઓનેટ્ટ ( સુપર પપેટ),  એ ભારતીય નાટ્યકલા પ્રકાર – કથકલ્લીમાંથી આવી એમ મનાય છે.

ક્રેગના અભ્યાસનું એક તારણ એવું પણ છે કે અભિનેતા અને પાત્ર એકબીજામાં ભેગાં ન થઈ જવાં જોઈએ. ઉબર-મારિઓનેટ્ટ – એટલે કે મોહરું પહેરીને નટ કે કઠપૂતળી અભિનય કરે તે હંમેશાં તેના પાત્રને જ પ્રગટ કરે છે, ક્યારે ય અભિનેતાને નહીં! જેથી તેના અભિનયનું સાતત્ય હંમેશાં જળવાઈ રહે છે. કદાચ એટલે જ ડિઝનીના મીકીમાઉસ અને બીજાં પાત્રો આટલાં લોકપ્રિય થયાં છે. જો કે આ એક આખો જુદો જ સંશોધન અને પ્રયોગનો વિષય છે.

ડિસેમ્બર ૧૬, ૨૦૨૨
e.mail : vijaybhatt01@gmail.com
(એકત્ર ફાઉન્ડેશનના સાહિત્યિક સંરસન(Literary Consortium)ના અંક ૧, ફેબ્રુઆરી ૨૦૨૩માંથી સાભાર; 103-106)

Loading

...102030...1,0451,0461,0471,048...1,0601,0701,080...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved