Opinion Magazine
Number of visits: 9458149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓપિનિયનમેગેઝિન.યુકે.કૉમ. – સાંકળિયું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|23 April 2023

રમઝાન ઈદ જોડાજોડ આજે અખાત્રીજ. તમને, દરેકને ખુશાલીભરી મુબારકબાદી.

આપણા આજના અતિથિ વિશેષ અભિમન્યુ આચાર્ય, અંગત જીવનના એક અદકેરા મિત્ર પ્રકાશ શાહ, ઉપરાંત જે ત્રિપુટીને કારણે હું ગદ્દગદ્દ છું એ અશોક કરણિયા, નીરજ શાહ તેમ જ પંચમ શુક્લ. આજને અવસરે “ઓપિનિયન”ને આંગણે પધારેલાં તમે સૌ આપ્તજનો. તમારું દરેકનું ઉષ્માપૂર્વક સ્વાગત હો.

22 ઍપ્રિલ 2023 એટલે ‘ભૂમિ દિન” – Earth Day. સોટકે, મિત્ર જયન્ત મ. પંડ્યાના સૂચને “ઓપિનિયન” સામયિકે यो वै भूमा तत्‌ सुखम्‌। સૂત્રને પોતાના ‘ડોલકાઠી’ [mast] તરીકે થાપવાનું જોયું. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ”ના માર્ચ 1989ના અંકમાં જે લખાણ જયન્તભાઈએ કરેલું તેને “ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રગટ કરાયું છે.

જયન્તભાઈ લખતા હતા, ‘જે ભૂમા છે તે જ સુખ છે’ – આ વિધાન છાંદોગ્ય-ઉપનિષદનું છે. ભૂમાનું સામા છેડાનું પદ છે અલ્પતા. સુખ અલ્પતામાં નથી, પણ ભૂમામાં છે, એમ ઉપનિષદમાં આ ઉદ્દગાતા કહે છે. આ ‘ભૂમા’ એ બહુ પરિમાણનો શબ્દ છે. ઊભા પરિમાણમાં એનો અર્થ થાય છે − સર્વોચ્ચતા.

વારુ, આની જ પછીતે જાણે કે “ઓપિનિયન” વેબસાઇટ પર સર્વસમાવેશી ભૂમાનો કેડો અપનાવાયો છે. “ઓપિનિયન”, “નિરીક્ષક”, “મિલાપ”, “વિશ્વમાનવ” સરીખાં સરીખાં સમસામયિકોની સમૂળી સામગ્રીને વેબસાઇટમાં ‘સાંકળિયું’ નામક કોઠારે બીરાજમાન કરાઈ છે.

આજને દહાડે, આપણા જાણીતા નવોદિત લેખક અભિમન્યુ આચાર્ય આ ઘટનાનું લોકાર્પણ કરશે. કેનેડામાં એમનો વસવાટ હોવા છતાં, એમનું જે લખાણ જોવાવાંચવા મળ્યું છે તેથી તો પોરસ ચડ્યા કરે છે; અને થાય છે કે કાશ ! એવી ક્ષમતા હું જો કેળવી શકું તો … ! … ખેર ! આપણા વરિષ્ઠ આગેવાન, સાહિત્યકાર, પત્રકાર પ્રકાશ ન. શાહ પ્રસંગોચિત આશીર્વચન આપશે. સાંપ્રત ગુજરાતમાં પ્રકાશભાઈ સરીખા આગેવાન મશાલચી આપણી વચ્ચે હોવાને કારણે ખૂબ ટાઢક વળે છે. એ જાહેર જીવન ક્ષેત્રે તો ઘણું બધું છે. પરંતુ અંગત જીવનમાં એક ઉત્તમ હૂંફાળા ભેરુ ય છે. એ દોસ્તનું અહીં હોવું એ મારે મન ખુદ અવસર છે.

આવો, આપણે સઉ આ મહેમાનોને વધાવીએ. સઉ સુહૃદોનું સ્વાગત હો !

18 ઍપ્રિલના દિવસે મારાં બા હયાત હોત તો 98 વર્ષના થયાં હોત. પરંતુ કુદરતનો ખેલ ક્યારેક ન સમજાય તેવો જ છે ને. મારા નાનેરા ભાઈ વસંતે તે જ દિવસે, પાંચ દહાડા પહેલાં, અમને હાથતાળી દઈને મોટે ગામતરે જવાનું નક્કી કર્યું હશે. ધીરેન અવાશિયા લખતા હતા તેમ, જાણે કે, આ ઘટના ચૈતર વૈશાખી વાયરામાં. … ‘વસંત’ની વિદાય શી બની રહી !

આ બે આપ્તજનો ઉપરાંત, મારા બાપુજી, તેમ જ કપૂરચંદ ચંદેરિયા, ગોવિંદભાઈ જે. પટેલ, ઘનશ્યામભાઈ ન. પટેલ, ચંદુભાઈ મટ્ટાણી, જયન્તભાઈ મ. પંડ્યા, જ્યુથિકા ગોરે, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, દીપક બારડોલીકર, નટુભાઈ સી. પટેલ, પ્રભુદાસ માણેક, પોપટલાલ જરીવાળા, બળવંત નાયક, મનસુખભાઈ ભ. શાહ, રતિલાલ ચંદેરિયા, રમણભાઈ ડી. પટેલ, હસમુખભાઈ શાહ, હીરજી ધરમશી શાહ સરીખાં સરીખાંના વિશાળકાય ખભ્ભા પરે સ્થાનસ્થ રહી, “ઓપિનિયન” માટે ખેડાણ થયું છે, તેથીસ્તો, આટઆટલું ઉત્પન્ન થઈ શક્યું છે.

વળી, કુંજ, દીકરી કુન્તલ, ભરત અને ભારતી પારેખ, પ્રશાન્ત ગોરે, ઉપરાંત અશોક કરણિયા, નયના શાહ તથા પ્રકાશ ન. શાહ, નીરજ શાહ, પંચમ શુક્લ તેમ જ વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ શાં સાથીસહોદરોની સતત હૂંફને કારણે આ ગોવર્ધનને આજે ય ડાંગને ટેકે ઊંચકવો સહેલો રહ્યો છે. એ દરેકની અદૃષ્ટ ડાંગના ટેકાને કારણે ફૂલ સરીખી હળવાશ સતત અનુભવ્યા જ કરીએ છીએ.

વારુ, 23 ઍપ્રિલ 1995નો એ દિવસ. હવે તેને ય અઠ્ઠાવીસ વરસનાં વહાણાં વાયાં છે. આરંભના પંદર વરસ મુદ્રિત અવસ્થામાં પ્રગટ થતું રહ્યું. પછીનાં ત્રણ વરસ ડિજિટલ અવતાર સ્વરૂપમાં રહ્યાં. એક પ્રકારે પ્રૌઢતા જામીને રહી. અને પછી આજ લગીનું આ વેબસાઇટી જીવન.

આજ સવાર લગી, વેબસાઇટની આશરે 85,99,718 પ્રવેશ-મુલકાતો નોંધાઈ છે. ફેઇસબૂકની દીવાલે, આજકાલ, આવતાંજતાં 3,369 જણ દાયરામાં હોય તેમ દેખાય છે. જ્યારે વેબસાઇટમાં અબ ઘડી લગી 9,321 લેખસામગ્રી મુકવામાં આવી છે.

આ સમળૂગા પ્રકલ્પમાં મારે મન બે સાથી મિત્રોના અનેકાનેક હૂંફટેકા અને કુશળતાને કારણે આજ લગી નભી જવાયું છે તેની નત મસ્તક નોંધ લઉં છું. એક છે, અશોકભાઈ કરણિયા; અને બીજા છે, નીરજભાઈ શાહ. અશોકભાઈનું માર્ગદર્શન, એમની હૂંફને લીધે આદરનાં વરસોમાં નક્કર મજબૂતાઈ આવી. એમના વિના, “ઓપિનિયન”ને ઊંબરે આજે ય ઢીલાઈ જ  અનુભવાતી હોત !

અન્યત્ર કહ્યું છે તેમ, પરિસ્થિતિવસાત, ‘ગુજરાતી લેક્સિકૉન’ની સ્વાયત્તતા તેમ જ સ્વતંત્રતા વીંટીસાટીને ‘ગુજરાતી વિશ્વકોશ’માં સામેલ થઈ જવાનું થયું, તેને કારણે, “ઓપિનિયન”નું પાયાગત ઘર બદલવાનું થયું ત્યારે નીરજભાઈ શાહે જ જાતમહેનતે ગોઠવણ કરીને, ઘડીના છઠ્ઠા ભાગમાં, આ કમઠાણની ફેરબદલ સફળતાપૂર્વક કરી આપી. આટલું ઓછું હોય તેમ, “ઓપિનિયન”ના આરંભનાં મુદ્રિત વર્ષોના તેમ જ ડિજિટલ ગાળાનાં ત્રણ વર્ષ થઇને તમામે તમાત 18 વર્ષોની ફાઈલને પણ નવેસરથી કંડારીને હાથવગી કરી લીધી.

“ઓપિનિયન”ની ડી.વી.ડી. માંહેના તમામ અંકોને આમ, “ઓપિનિયન”ની વેબસાઇટના માધ્યમે સુલભ કરી આપવાનું મહાભારત કામ પણ એમણે સુપેરે પાર પાડ્યું છે.

આ ટાંકણે ગુજરાતના જ નહીં, બલકે ભારતના અંગ્રેજી પત્રકારત્વ જગતના બે મુઠ્ઠી ઊંચેરા પત્રકાર દોસ્તો સાંભરે છે. એક છે, દિવંગત તુષાર ભટ્ટ અને બીજા છે આજે ય આપણી વચ્ચે કડેધડે છે તે એલ.કે. શર્મા. આ વેબસાઇટનો આરંભ થયો ત્યારે એમનું જે લખાણ અમને મોકલાયું હતું, તેનું વાંચન અહીં કરવાનો લોભ જતો કરી શકતો નથી. આથી, મને સહી લેજો.

તુષારભાઈ લખતા હતા :

I may be obsolete but I do not find any mention in newspapers of the prospective launch. To my mind, it is an important milestone because it serves several purposes together. It is an effort to globalise Gujarati letters ages after the Gujarati himself got globalised. It will be a sentinel at the gate of the cyber world, reminding people that Gujarati as a language will survive not only in stock markets and annual accounts books, but also in real books, literature, arts, music, way of life and values too. It is not merely this or that man’s Gujarat; it is our Gujarat. It may serve as a plain glass window that shows things outside in their real colours, and not just through tainted glasses of ideological stances, barren intellectual discourses and endless chattering on what should be done. You and your colleagues have gone beyond this, right into the action. Narmad would have perhaps hailed you all with these words “Yahom kari ne pado. Fateh chhe aage.” ( Some mischief mongers may distort this thus “Yahom kari ne pado. Bhale tantiya bhange.” Respond to them with a simple,”Bhale, Aapne joishun samay shun khel pade chhe.)

With all the best wishes.

બીજી પાસ, શર્માજીનું લખાણ આમ બોલે છે :

Congratulations !

I have just glanced through the journal and I would like to express my gratitude as a concerned citizen of India. Thank God, there are still some who are swimming against the current with a vision of a knowledge society.

Wish the Online edition a wide circulation and brilliant success.

સોટકે, ‘સાદી વાત, સાદો ભાવ અને રોજ બ રોજની તળપદી લાગણીઓને આછા ચમત્કાર સાથે વાચા આપનાર’ આપણા એક સોજ્જા કવિ દેવજી રામજી મોઢાની ‘મન’ નામે એક કવિતા સાંભરે છે. 

મનની મોટી વાત રે ભાઈ, મનની મોટી વાત !

જગ કેરી સૌ જમાતમાં એની છેક અનોખી ભાત રે, 

                                        ભાઈ, મનની મોટી વાત !

અહીં જ વિરમું; અને અશોકભાઈને ભૂમિકા રજૂ કરવા અરજ કરું.

શબ્દો : 1,068 
હેરૉ, 19-22 ઍપ્રિલ 2023

Loading

સૈરન્ધ્રીનું કાવ્ય સ્વરૂપ પણ સ્પષ્ટ નથી

મનીષા દવે|Opinion - Literature|22 April 2023

મનીષાબહેન દવે

રાજશેખર કવિઓના જે પ્રકાર પાડે છે તેમાં ભ્રામકકવિનો એક પ્રકાર છે. પુરાણી વસ્તુને પણ પહેલાં ક્યારે ય ન આલેખી હોય એ રીતે વર્ણવી મૌલિક હોવાનો ભ્રમ ઊભો કરે છે તે ભ્રામકકવિ.

વિનોદ જોશીની ‘સૈરન્ધ્રી’ વિશે આટલી બધી વાતો થાય છે કે હવે હું લખ્યા વગર રહી શકતી નથી. બહુ સમયથી, લગભગ ત્રણ વર્ષથી હું વિચારી રહી છું, નોંધો કરી રહી છે. પણ એ કૃતિ હું એક બેઠકે વાંચી જ નથી શકતી. જ્યારે વાંચું છું ત્યારે અમુક શબ્દોનું પુનરાવર્તન, શિથિલ વાક્યરચના, તત્સમપ્રચુર બાની, બદલાતી ભૂમિકાના સંદર્ભે ભિન્ન ભાવદશાની સંકુલતાનો અભાવ, કથક, દ્રૌપદી, સુદેષ્ણાની એકસમાન ભાષા, અસ્વભાવિક અને કિ્લષ્ટ પદાવલી ઇત્યાદિ ઇત્યાદિ બહુ કઠે છે.  સૈરન્ધ્રીના જે નિજત્વની વાત કવિ કરવા ધારે છે એ નિજત્વ શબ્દ તો એનો  રસક્સ નીકળી જાય એમ આખી કૃતિમાં લગભગ 80 વાર પ્રયોજાય છે. કેટલીક વાર તો એકના એક પૃષ્ઠ પર એકાધિકવાર. એ સિવાય નિજનિર્ભર અને નિજતાનિપુણ જેવા અન્ય શબ્દોનું પુનરાવર્તન (!) ……… એ સિવાય પડછાયો, કૂવો ને એવા બીજા ઘણા શબ્દો …. મારા લેખમાં યાદી આપવાની છું. પાત્રના મનોગતને આલેખવાનો ધ્યેય સમુચિત રજૂઆતના અભાવે, દૃષ્ટિમર્યાદા અને મિથના અનુચિત ઉપયોગને કારણે ઘણી ઘણી વણસી ચૂકી છે. પ્રમોદકુમાર પટેલનો શિખન્ડી વિશેનો અભિપ્રાય સૈરન્ધ્રીને પૂર્ણતઃ લાગુ પાડી શકાય છે. નાયિકા વિષમ સંજોગો વચ્ચે છે એ કબૂલ પણ એનું નિજત્વ અને સ્ત્રીત્વ કામનાગ્રસ્ત છે.

પૌરાણિક પાત્રનું કરાયેલું અવમૂલ્યન અસહ્ય છે. કર્ણને કૃતિના પ્રારંભથી સતત સ્મરતી અને પાંડવો પ્રતિ એનો અણગમો પણ એટલો જ અસહ્ય છે. કર્ણમાં રાચતી અને સ્વપ્ન જોતી કીચકને જોઈને ભાન ભૂલી જાય છે કર્ણઆસક્તિ કીચક દર્શને વહી જાય છે ….. જુઓ

દૃષ્ટોદૃષ્ટ મળ્યાં નરનારી / કરી નિવેદન બાંધવ (એટલે કીચક) ચાલ્યો / નયન થકી દાસીએ (એટલે સૈરન્ધ્રી) ઝાલ્યો /  ઉત્તરરૂપે મલકયો આછો / …. . ચાલો માની લઈએ .. કીચક જેવા અદ્ભૂત (!) પુરુષને જોઈને (અદ્દભુત એટલા માટે પણ વિનોદ જોશીએ અહીં એને માટે ‘અચ્યુત” વિશેષણ વાપર્યું છે (!) સૈરન્ધ્રીની મનસ્થિતિ કેવી થઈ છે … (એને કર્ણ અતિપ્રિય છે અને એ પ્રાપ્ત થયો નથી એનું અત્યન્ત દુઃખ અને પીડા સૈરન્ધ્રીને છે સમગ્ર કૃતિમાં એ જ તો કેન્દ્રસ્થાને છે. ભલે)

હવે આ પંક્તિઓ જુઓ:

સૈરન્ધ્રી રંગાઈ અનંગે / છાલક વાગી અંગે અંગે / તરત ખસેડયા સર્વ વિશેષણ (વિશેષણ એટલે શું એ મને તો નથી સમજાયું!) / કર્યું એક સ્ત્રીનું અન્વેષણ / કોણ દ્રૌપદી? કોણ દ્રુપદ દુલારી ? / કોણ યાજ્ઞસેની? / કોણ પાંચ પાંડવની ભાર્યા ? / કોણ છળ દાસીના ધાર્યા  / (ગુપ્ત વેશ એ છળ છે એ તો આ વાંચ્યા પછી જ ખબર પડી ..) એક હતી એ સહુમાં નારી / પ્રગટ થઈ સહસા અણધારી …..

હું એવું સમજુ છું કે કીચકને જોયો ન હોત તો નારીરૂપ પ્રગટ્યું ન હોત (!)

આ સ્ત્રી હવે જે વિચારે છે એ પણ જુઓ :

કીચકદર્શને એ આ સ્થિતિને પ્રાપ્ત થઈ છે, અલબત્ત એનો પ્રિયતમ કર્ણ તો સ્મરણલોક અને સ્વપ્નલોકમાં વિહાર કરે છે એ ભૂલવાનું નથી …પાંડવો તો છે જ (!)

વિચલિત ભાસે વ્યાકુળ હરણી, / મંદ સુગંધ સમું મદમાતું / ચંચળ મન મધુમય મલકતું / ઝંખે ગાત્ર સકળ ઓગળવા / અવશ ચિત્ત લાગ્યું ટળવળવા / ……… શુષ્ક કૂપ રસભર છલકાતો / અંગે રંગ વસંત વિલસતા / છાઈ રહે મદભર અલસતા / …… કિચક બેઠો કાળજે, છેડી ઉલ્કાપાત ……. ચાર પૃષ્ઠ ભરીને કર્ણને પ્રેમ કરતી સૈરન્ધ્રી કીચકને જોઈને જે વ્યાકુળતા અનુભવે છે એનું આલેખન કવિએ જે રીતે કર્યું છે એની સાથે હું જરા પણ સહમત થઈ જ નથી શકતી …. કરંડિયા ભરી વખાણ કરનાર કયા આધાર પર વખાણ કરે છે ?????

સૌથી મોટો પ્રશ્ન એ છે કે દ્રૌપદીનું અહીં કરાયેલું પાત્ર ચિત્રણ સર્વથા અનુચિત છે. આપણે ત્યાં દ્રૌપદી સતીનો આદર્શ મનાય છે. એનું આગ ઝરતું વ્યક્તિત્વ મહાભારતમાં જોઈ શકાય છે .. .અહીં તો પુરુષને પામવા મથતી દ્રૌપદી કઈ રીતે સ્વીકાર્ય બને ?? સર્જક જ્યારે આ પ્રકારે વિખ્યાત કથાનકની સામગ્રીનો પોતાની કૃતિમાં વિનિયોગ કરતો હોય ત્યારે મૂળ કથાના પ્રખ્યાત અંશો જળવાવા જોઈએ એ રીતે આલેખન કરે એ જરૂરી છે. દ્રૌપદી કીચકની હત્યા કરે છે એ પણ વિચારણા યોગ્ય મુદ્દો છે.

મનસુખલાલ ઝવેરી અને રાજેન્દ્ર નાણાવટીએ યોગ્ય રીતે જ અનુક્રમે બાદરાયણકૃત જાનકી અને ચિનુ મોદીકૃત સ્વપ્ન દુઃસ્વપ્નનો યોગ્ય રીતે વિરોધ કર્યો છે.

બાદરાયણે ‘જાનકી’માં સીતા પોતે પોતાની રીતે અગ્નિમાં બળી મરવા તૈયાર થાય છે પરંતુ અગ્નિને એવી વિશુદ્ધ સતીનો ભક્ષ કરવો યોગ્ય ન લાગતા પ્રગટ થઈને એ પ્રગટ થઈને રામને સીતાની વિશુદ્ધિની પ્રતીતિ આપે છે એ પ્રકારનું આલેખન કર્યું છે. મનસુખલાલ ઝવેરીએ બાદરાયણે લીધેલી છૂટ વિશે યોગ્ય વિરોધ કર્યો છે. ‘પોતાને અભિષ્ટ રહસ્ય તારવવા માટે એમણે પ્રસંગ ઘટનામાં જે ફેરફાર કર્યો છે એ યોગ્ય છે કે કેમ તેનો વિચાર અવશ્ય કરી શકાય. ‘ઝવેરીના મતે ‘બાદરાયણે આલેખેલી ઘટનામાં ફેરફાર કરવા પાછળ ઔચિત્ય કે કાવ્ય, કોઈની કશી જ દૃષ્ટિ રહી નથી.’

નાણાવટી પણ લખે છે ‘સર્જકને સ્વતંત્રતા-તેની મૌલિકતાને અવકાશ કથાનકના પ્રસિદ્ધ અને મહત્ત્વના અંશો-પ્રસંગો જાળવીને તેના નવા અર્થઘટન પૂરતો જ હોય છે. પુનર્લેખક જ્યારે મુખ્ય ઘટનામાં પરિવર્તન કરે કે એણે કરવું પડે ત્યારે એને સર્જકની શક્તિ કેટલે અંશે ગણવી એ પ્રશ્ન આની સાથે અવશ્ય સંકળાઈ જવાનો.

…. મૂળ કથાની સાથે મૂલ્યબોધ ઉમેરવા માટે તેની કરોડરજ્જુ સમા મુખ્ય કથાનક કે કથાન્શમાં આવડું મોટું પરિવર્તન કરવું પડે એને લેખકની શક્તિ કહીશું કે મર્યાદા ??’

સૈરન્ધ્રીનું કાવ્ય સ્વરૂપ પણ સ્પષ્ટ નથી. ગદ્ય પંક્તિઓ તમને ઠેર ઠેર જોવા મળશે..(!)… કૃતિની સમગ્ર તપાસ ઉદાહરણ સાથે મારા લેખમાં કરવાની છું. સ્વરૂપથી માંડી ભાષા વિશે. અહીં તો મારે થોડી વાત કરવી હતી. ઘણા સમયથી મુખપોથીમાં લખવું હતું પણ પ્રતિકૂળતાને કારણે રહી જતું હતું.

મને પાકી ખાતરી છે મારી વાત મિથના વિનિયોગ સંદર્ભે અને કૃતિ તરીકે પણ નબળી રચના છે એ સંદર્ભે પણ સાચી હોવા છતાં બધાને હજમ નહીં થાય …. ઘણાં ગુસપુસ પણ કરે છે કે મિથ સાથે લેવાયેલી છૂટછાટ અયોગ્ય છે પણ …….

સૌજન્ય : મનીષાબહેન દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક કબાટની માયા લાગી રે 

આશા બૂચ|Opinion - Opinion|22 April 2023

હવે એવું તે કઇં બનતું હશે? કોઈ કબાટ જૂનો થાય, એ કોઈને આપી દઈએ તો તેને જતો જોઈને કોઈના આંખે આંસુના તોરણ બંધાતા જોયાં છે? કબાટની તે કોઈ માયા હોય? મને અને મારી માને એ અનુભવ તાજેતરમાં થયો.

વાત કંઈક આવી છે.

આશા બૂચ

1948માં મારા માતા-પિતાના લગ્ન થયાં ત્યારથી પુસ્તકો અને સામયિકોની ખરીદી કદાચ કરિયાણાની ખરીદી જેટલી જ નિયમિતતાથી થતી હતી.

1950માં સ્વ, મહેન્દ્રભાઈ મેઘાણીએ ‘મિલાપ’ માસિકનું પ્રકાશન શરૂ કર્યું. તેના પહેલા અંકથી એનો અમારા ઘરમાં એક સભ્ય તરીકે ઉમેરો થયો. 1953માં યજ્ઞ પ્રકાશન દ્વારા ‘ભૂમિપુત્ર’ પાક્ષિક શરૂ થયું તો એને કેમ છોડી દેવાય? તે ઉપરાંત ‘લોકજીવન’, ‘અખંડ આનંદ’, ‘ઊર્મિ નવરચના’, ‘કુમાર’ અને ‘ધર્મયુગ’ પણ સમાન હક્થી નાનકડા કબાટમાં સ્થાન મેળવવા લાગ્યાં.

ઊગતા વાચક તરીકે મારો પ્રવેશ થયો એટલે ‘ગાંડીવ’, બકોર પટેલની બાળવાર્તાઓ, ‘બાલમિત્ર’ વગેરે આવ્યાં.  ત્યાર બાદ તો પુસ્તકોનો ધોધમાર વરસાદ થવા લાગ્યો. કપડાંને ધક્કા મારીને પણ રહે, એક વાર ઘરમાં આવે તો જાય શાના?

છેવટ 1962માં લગભગ સાત ફૂટ ઊંચો અને ચારેક ફૂટ પહોળો એવો એક મો….. ટો લાકડાનો કબાટ ખરીદ્યો. બસ, પછી તો પૂછવું જ શું? ગિજુભાઈની બાળવાર્તાઓ, ઇંગ્લિશ અને હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયેલી કહાનીઓ, (મારા પિતાજીનાં અનુવાદિત પુસ્તકો અને મારા નાનાજીનાં લખેલ પુસ્તકો પણ ખરાં), દર્શક સાહિત્ય, ફાધર વાલેસનાં પુસ્તકો, રામકૃષ્ણ મિશનનાં પ્રકાશનો, અઢળક ગાંધી સાહિત્ય, લોક મિલાપનાં સાહિત્ય સંપુટ વગેરે પુસ્તકો વિના સંકોચે ખરીદાતાં ગયાં. રવિવારે બપોરે અને શાળાની રજાઓમાં મિત્રો સાથે રમી, જમીને રાત પડ્યે ઘરના મિત્રો સાથે મગજને ખોરાક પૂરો પાડવાનું ઉત્તમ સાધન.

સરોજબહેન અંજારિયા

જેમ ભાવતું ભોજન એકલા આરોગીએ તો ગાલપચોળિયા થાય તેમ ગમતાનો ગુલાલ ન કરીએ તો દિમાગમાં દુખાવો ન થાય? એટલે એક તો એ બધાં પુસ્તકોની ભાષાવાર, વિષયવાર ગોઠવણી કરી તેની યાદી મોટા ચોપડામાં કરી. વળી એ બધાને કદ પ્રમાણે ગોઠવવા એવો પણ આગ્રહ ખરો. પછી ખરી મજા શરૂ થાય. પાડોશી, મિત્રો, સગાં-સંબંધીઓને પ્રેમથી એ પુસ્તકો વાંચવા અપાય, તેમાં આપ્યા તારીખ અને પરત કર્યા તારીખ લખાય અને અમુક વખત યાદ આપ્યા બાદ ન આવે તો ગુમ થયા તારીખ પણ નોંધાય! હવે, મને જો ત્યારે કોઈ પુસ્તકાલયમાં નોકરી મળી હોત તો અસ્સલ કામ કરી બતાવત.

દાયકાઓ પસાર થયા .. સંતાનો મોટા થયા, ભણી, પરણીને માળો છોડી ગયા. મારે વિદેશ વસવાનું થયું. ધીરે ધીરે તેમાંના ન વંચાયેલાં અને નવાં ખરીદેલા પુસ્તકોને યુ.કે.ના ઘરમાં વસાવ્યાં. હવે એ કબાટ જર્જરિત થવા લાગ્યો. તેની અંદર વાંચી લીધેલાં પુસ્તકો બાકી રહ્યાં. એ બધાં પુસ્તકોની વિષયવાર છટણી કરી અને રસ ધરાવતી વ્યક્તિઓ, શાળાનાં પુસ્તકાલયો અને સંસ્થાઓને સપ્રેમ ભેટ ધરી દીધાં. હવે એ કબાટ બુદ્ધિ અને મનથી સ્વસ્થ અને અણનમ પણ સાથી સંગાથીઓ વિના એકલતા અનુભવતા વયસ્ક જેવો લાગવા માંડ્યો. એ વિષાદથી ગ્રસ્ત થઈને (ઊધઈના મારાથી ખવાઈ જઈને) ભાંગી પડે તે પહેલાં એક છાત્રાલય સાથે ચાલતી ગ્રામશાળાને આપી દીધો. કબાટ ગયો.

અરે, પણ અમ મા-દીકરી જાણે દીકરીને સાસરે વળાવ્યા જેમ કાં રડી પડ્યાં એ તો ન કહ્યું. બાળવાર્તાઓ અને બાળગીતોથી માંડીને ઉચ્ચ સાહિત્ય અને ઉત્તમ વિચારધારાઓનું ભાથું એ કબાટમાંનાં પુસ્તકોમાંથી મળ્યું. પરિણામ? અમારા માતા-પિતા અને અમારા જ નહીં, પણ કૈંક અંશે અહીં વસતાં અમારાં સંતાનો અને તેમનાં ય સંતાનોનાં વિચારો, મૂલ્ય ઘડતર, દૃષ્ટિકોણ અને જીવન પદ્ધતિ પર ચિરંજીવી અસર પડી. એટલે જ એ માત્ર એક લાકડાનો બનેલો કબાટ નહોતો, એ વિચારો અને સંસ્કારોનું અમી પાનારો અમૃત ઘાટ હતો, જેની સ્મૃતિએ અમને ભીંજવી દીધા.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,0331,0341,0351,036...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved