Opinion Magazine
Number of visits: 9743062
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું આપણા શાસકોમાં ચીનને આંબી જવાની ઇચ્છાશક્તિ ખૂટે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2023

રમેશ ઓઝા

ખબર આવ્યા છે કે ભારતમાં મળી રહેલી ગ્રુપ ૨૦ની પરિષદમાં ચીનના વડા શી ઝિંગપીંગ હાજર રહેવાના નથી. તેમની જગ્યાએ ચીનના વડા પ્રધાન આવવાના છે અને ચીનના સત્તાકીય માળખામાં અધ્યક્ષ તેમ જ ચીની સામ્યવાદી પક્ષના મહામંત્રી સિવાય બીજા કોઈની ખાસ કિંમત નથી. શી ઝિંગપીંગ બન્ને છે. ચીને શી શા માટે હાજર રહેવાના નથી, એનું કોઈ કારણ આપ્યું નથી, માત્ર એટલું કહ્યું છે કે ભારત-ચીન સંબંધો વિષે ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે તે એકંદરે સ્થિર (stable on the whole) છે. ચીનના પ્રમુખ અત્યાર સુધી કોઈ બેઠકમાં ગેરહાજર રહ્યા હોય એવું બન્યું નથી. તેમની તબિયતનું કારણ પણ આપવામાં આવ્યું નથી અને અઠવાડિયા પહેલાં તેઓ બ્રિકસ દેશોની પરિષદમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયા હતા.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી દરેક વખતે ઘરણ ટાણે સાપ કાઢવાની ચીનની નીતિ છે. ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એ જ વખતે ચીની સૈનિકોએ લદાખમાં પ્રવેશ કર્યો હતો. તેઓ અમદાવાદમાં હિંચકે બેસીને ઢોકળા ખાતા હતા અને ચીનાઓએ લદાખમાં ઘૂસીને કેટલોક પ્રદેશ કબજે કર્યો હતો. એ પછી દરેક વખતે બે નેતાઓને મળવાનું થાય ત્યારે ચીન ભારતને દબાવવા અને શરમમાં મૂકવા કાંઈકનું કાંઈક કરે છે. હજુ હમણાં દક્ષિણ આફ્રિકામાં બ્રિકસ નિમિત્તે મોદી-શી મળવાના હતા ત્યારે એ જ સમયે ચીને તેના નવા નકશા રિલીઝ કર્યા હતા અને તેમાં અરુણાચલ પ્રદેશ, લડાખ અને સિયા ચીનનો પ્રદેશ ચીનનો બતાવ્યો છે. આ બાબતે ભારતમાં જેટલો વિરોધ થવો જોઈએ, જેટલો ઊહાપોહ થવો જોઈએ એ નથી થઈ રહ્યો. ગોદી મીડિયાઓ અને દેશપ્રેમીઓ નજર ફેરવી લે છે. ચીન ગણતરીપૂર્વક જાણી જોઇને ભારતની આ અવસ્થાનો લાભ લઈ રહ્યું છે અને ભારતની ટિપીકલ અવસ્થા જગત સમક્ષ ઉજાગર કરી રહ્યું છે.

શી છે એ અવસ્થા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ ઈચ્છે છે કે તેઓ પોતે અને તેમના વડપણ હેઠળ ભારત આ જગતમાં પાંચમાં પૂછાય. પણ એને માટે બે માર્ગ છે અને એ બન્ને માર્ગ અલગ અલગ છે અને એકબીજાથી વિરુદ્ધ દિશાના છે. કાં ચીન જેવા લોંઠકા બનો અને કાં અત્યાર સુધી ભારત જે પ્રતિષ્ઠા ધરાવતું આવ્યું છે એવા સભ્ય, સંસ્કારી, ડાહ્યાડમરા બનો. હજુ એક ત્રીજો માર્ગ પણ છે પરંતુ ભારત એ માર્ગ ચૂકી ગયું છે અને હવે પાછા ફરવામાં ઘણું મોડું થઈ ગયું છે. ભારતે કરેલી એ મોટામાં મોટી ભૂલ હતી.

૧૯૯૦માં ભારત અને ચીન આર્થિક મોરચે લગભગ એક સરખી સ્થિતિમાં હતા. આજે ચીન ભારત કરતાં છ ગણું આગળ છે. ચીન જેમ જેમ આર્થિક સરસાઈ મેળવતું ગયું તેમ તેમ તેણે લશ્કરી સરસાઈ મેળવવાનો પણ પ્રયાસ શરૂ કર્યો હતો. જેમ જેમ આર્થિક અને લશ્કરી સરસાઈ મેળવતું ગયું તેમ તેમ તેણે તેનો પ્રભાવ વિસ્તારવાનું પણ શરૂ કર્યું હતું. અમેરિકાને કે પશ્ચિમના દેશોને પડકારીને નહીં, પણ નાના નાના દેશોને આર્થિક, લશ્કરી અને મુખ્યત્વે માળખાંકીય વિકાસમાં મદદ કરીને. ભારતના દરેક પાડોશી દેશમાં ચીન હાજરી ધરાવે છે. બંગલાદેશમાં વિરાટ કદની પદ્મા નદી ઉપર પૂલ બાંધવાની તજવીજ બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું ત્યારથી ચાલતી હતી, પણ આર્થિક અને માળખાંકીય ઉણપને કારણે પૂલ બાંધી શકાતો નહોતો, ચીને બંગલાદેશમાં દાખલ થઈને પાંચ વરસમાં પૂલ બાંધી આપ્યો.

ચીને ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી કરાવી અને વિસ્તારિત કરવામાં આવેલા બ્રિકસમાં એ બન્ને દેશોને પ્રવેશ અપાવ્યો. એક સમયે ઈરાન અને સાઉદી વચ્ચે સમજૂતી કરાવવાની અપેક્ષા ભારત પાસેથી રાખવામાં આવતી હતી, કારણ કે ભારત મોટી સંખ્યામાં શિયા અને સુન્ની મુસલમાનોની વસ્તી ધરાવે છે અને એ બન્ને દેશો સાથે સાંસ્કૃતિક સેતુ છે. એની જગ્યાએ ચીને સમજૂતી કરાવી! એ અણધાર્યી ઘટના હતી. આ સિવાય ઈજીપ્ત, આર્જેન્ટીના, ઇથોપિયા અને સંયુક્ત આરબ આમિરાતને પણ બ્રિકસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ બધા દેશોમાં ચીન હાજરી ધરાવે છે. ચીન અમેરિકા અને બીજા પહેલી હરોળના દેશોને પડકાર્યા વિના બીજી હરોળના દેશોને આર્થિક, લશ્કરી અને માળખાંકીય મદદ કરીને પોતાની પાંખમાં લઈ રહ્યું છે. પહેલી હરોળના દેશોને પડકારવાની ભૂલ રશિયાએ કરી હતી અને હજુ કરી રહ્યું છે, ચીને સાવ અલગ જ માર્ગ અપનાવ્યો.

સવાલ એ છે કે શું ચીને આ બધું રાતોરાત કર્યું? ભારતને અને જગતના દેશોને ખબર નહોતી કે ચીન કયો માર્ગ અપનાવી રહ્યું છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? આ લખનાર જેવા ટાંચી માહિતી ધરાવનારા અને વિદેશનીતિની સામાન્ય સમજ ધરાવનારાને આ વાતની બે દાયકાથી જાણ છે તો જગતમાં શું ચાલી રહ્યું છે તેની રજેરજ માહિતી ધરાવનારા વિદેશ મંત્રાલયને ચીન શું કરી રહ્યું છે તેની જાણ ન હોય એવું બને? આ સિવાય ભૌગોલિક રીતે ચીન ભારતનો પાડોશી દેશ છે, વણઉકલ્યા સરહદી પ્રશ્નો છે, એક વાર યુદ્ધ થઈ ચુક્યું છે એની આપણને જાણ નહોતી? એ વાતની પણ આપણા શાસકોને જાણ નહોતી કે જગત ૨૧મી સદીમાં ભારતને ચીનના સમકક્ષ દેશ તરીકે જોઈ રહ્યું છે, ખુલ્લો સમાજ અને લોકતાંત્રિક દેશ હોવાને કારણે તેઓ ભારતને વધારે ભરોસાપાત્ર દેશ તરીકે જોઈ રહ્યા છે અને ચીનના હરીફ તરીકે ભારતને દરેક રીતે મદદ કરવા આતુર છે? બધાને બધી જ ખબર હતી. ભારતને દરવાજે  ભાગ્યે જ મળતો સુવર્ણ અવસર ઊભો છે એની પણ જાણ હતી.

પણ આજે એ એક હકીકત છે કે ભારત પાછળ રહી ગયું છે. મામુલી પ્રમાણમાં નહીં, જોજનો પાછળ રહી ગયું છે. આપણી નજર સામે ચીને લશ્કરી તાકાત વધારવા માંડી અને બીજી હરોળના દેશોમાં પ્રવેશ કરવા માંડ્યો.

શા માટે આમ બન્યું? ક્યાં થાપ ખાધી?

આનો પ્રામાણિક ઉત્તર એ છે કે રાષ્ટ્રીય ઈચ્છાશક્તિનો અભાવ હતો. ૧૯૯૧માં આર્થિક સુધારાઓ કર્યા પછી વહીવટી સુધારાઓ કરવા જોઈતા હતા, માળખાંકીય સુધારાઓ કરવા જોઈતા હતા, કાનૂની સુધારાઓ કરવા જોઈતા હતા, સંસદીય કામકાજમાં સુધારા કરવા જોઈતા હતા, રાજકીય અને ચૂંટણીકીય સુધારા કરવા જોઈતા હતા જે સમયસર થઈ શક્યા નહીં અથવા કરવામાં ન આવ્યા અથવા તમે એમ પણ કહી શકો કે સ્થાપિત હિતોએ કરવા નહીં દીધા. ૧૯૯૧ પછી માત્ર એક દાયકામાં કોર્પોરેટ કંપનીઓએ અને ક્રોની કેપિટાલિઝમે રાજકીય પક્ષો પર અને રાજ્ય પર કબજો જમાવી દીધો. ડૉ. મનમોહન સિંહ જેવા વિદ્વાન, સ્વચ્છ અને ભલા માણસ પણ એ કામ ન કરી શક્યા. માત્ર એક ઉદ્યોગપતિ કેટલી તાકાત ધરાવે છે એ તો તમારી નજર સામે છે.

યુ.પી.એ. હોય કે એન.ડી.એ. હોય, જે વિરોધ પક્ષમાં હોય એ સંસદ ચાલવા ન દે. કામકાજ કરે તો ચીનની બરાબરી કરી શકાય એવી સજ્જતા વિકસેને! કેટલીકવાર તો શાસક પક્ષ સંસદ ચાલવા ન દે જે આજે જોવા મળી રહ્યું છે. આની પાછળ ટૂંકો રાજકીય સ્વાર્થ હતો કે સ્થાપિત હિતો એ કહેવું મુશ્કેલ છે. 

અને ત્રીજું કારણ હિંદુત્વનું રાજકારણ. ૧૯૯૧ પછી વૈશ્વિક રાજકારણે દિશા બદલી અને આપણે ત્યાં એ જ સમયે હિંદુ-મુસલમાન શરૂ થયું. ચીન ભલે સરહદે ચડી બેસે પણ ગરીબ બિચારા ગફુરનું નખોદ વળવું જોઈએ. હોવી જોઈતી બાહ્ય હરીફાઈની જગ્યા આંતરિક વિખવાદે લઇ લીધી.

ટૂંકમાં અત્યંત મૂલ્યવાન નિર્ણાયક સમય ભારતે ગુમાવી દીધો અને ૧૯૯૦માં સાવ લગોલગ હતા એ ભારત અને ચીનમાં ચીન ક્યાં ય આગળ નીકળી ગયું. આ રોકડું સત્ય છે.

ચીનને ખબર છે કે ભારતના વડા પ્રધાન મહત્ત્વાકાંક્ષી છે, તેઓ પોતે અને ભારત પાંચમા પૂછાય એવું ઈચ્છે છે અને માટે ચીન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દરેક વખતે ઘરણ ટાણે સાપ કાઢે છે. ચીન કબજે કરેલી ભારતની ભૂમિ ખાલી કરતું નથી. ક્યારેક ભારત વિરોધી વક્તવ્યો આપે, ક્યારેક નકશા રીલિઝ કરે, ક્યારેક સેટેલાઇટ ઇમેજીઝ રીલિઝ કરે અને એ બધું જાણીબૂઝીને ત્યારે જ કરે જ્યારે કોઈ મોટી ઘટના બનવાની હોય.

તો શું ચીનને આંબી જ ન શકાય? આંબી શકાય પણ એ માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ, દેશહિત સામે પક્ષ અને સત્તા ગૌણ ગણવા જોઈએ અને દેશમાં સંપ હોવો જોઈએ. રાષ્ટ્રીય વિમર્શ અને એજન્ડાનાં કેન્દ્રમાં હિન્દુ-મુસ્લિમ નહીં, પણ ચીન અને વિકાસ હોવા જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2023

Loading

ભાષણોમાંથી ક્યારે મુક્ત થઈશું?

ગાંધીજી|Gandhiana|6 September 2023

આજે મને ભાષણ કરવા માટે અત્યારે અડધો કલાક અને સાંજના એક કલાક મળી દોઢ કલાક સુધીનો વખત આપવામાં આવ્યો છે. પણ તેટલો બધો વખત સુધી [ભાષણ] આપવું અને તેને તમારે પચાવવું, એ મારી સત્તા બહાર છે. મારે જ્યાં બોલવાનું થાય છે, ત્યાં હું ટૂંકથી જ પતાવું છું. હું 30 વર્ષ સુધી ઘણું ભટક્યો છું. મેં જોયું છે કે જ્યાં અત્યંત બોલવાનું હોય છે, ત્યાં કામ કરવાનું ઘણું જ ઓછું હોય છે અને એ દોષ આખા હિંદુસ્તાન ઉપર મુકાતો આવ્યો છે. આ દોષ માટે આપણે લાયક છીએ. માત્ર ભાષણો અને વ્યાખ્યાનોનો ખોરાક મળે છે, એમાંથી ક્યારે મુક્ત થઈશું?

આપણી જિંદગીમાં જેટલો વખત ભાષણો સાંભળવામાં આપણે ગાળ્યો છે તેટલો જ વખત જો કાર્ય કરવામાં ગાળ્યો હોત તો આજે હિંદુસ્તાન સ્વરાજના પગથિયા ઉપર આવ્યું હોત. વ્યાખ્યાનો સાંભળવાથી કાંઈ સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ તો બલિદાન આપવાથી અને લાયકાત મેળવવાથી જ મળે છે. ભાષણ માટે રાખવામાં આવે છે તેટલો વખત જો અત્રે બેઠેલ માણસને એક્કેક પાવડો આપી, અત્રે જેટલી જમીન છે તેટલી ખોદાવી તેમાં કાંઈ વાવેતર કરવામાં આવે તો આવતે વર્ષે કાંઈ ને કાંઈ પણ સારો પાક ઊગશે જ.

માત્ર વ્યાખ્યાનો સાંભળવાથી કામો થતાં હોય અને આપણાં દરદો મટતાં હોય, તો ઘણે ઠેકાણે ભાગવતનાં પારાયણો થાય છે અને તે સાંભળવાને ઘણા શ્રોતાઓ બેસે છે પણ કેટલાંક તો ઝોકાં ખાતાં હશે. માત્ર સાંભળવાથી બધું મળી જતું હોય તો પછી બીજું કર્તવ્ય કરવાની જરૂર જ નથી. બ્રાહ્મણો કથા-પુરાણ વાંચે, એટલે આપણો ઉદ્ધાર થયો. આમ હિંદુસ્તાનના લોકોને સાંભળવાનો, બોલવાનો અને પોતાનાં વખાણો કરવાનો બહુ શોખ છે. તે કાર્યમાં તેઓ ગાંડાતૂર બની જાય છે. પણ આમ કરતાં જો મૌન ધારણ કરવામાં આવે, તો તેથી ઘણું શીખવાનું મળી શકે તેમ છે. બોલવાથી કોઈ જાતનું મનન થઈ શકતું નથી પણ તમે કોઈ પણ કાર્ય કરશો તો તેમાંથી લોકોને સાર-અસાર ગ્રહણ કરવાનો મળશે.

પરિષદો અને ભાષણો, એ બધાંથી હું થાક્યો છું અને હું મારો અવાજ સાંભળીને પણ હવે કંટાળી ગયો છું. કાર્ય કરવામાં જે મનોબળ જોઈએ, તે નહીં હોવાથી પરિષદો મેળવીએ છીએ. આખા દેશમાં એમ થાય છે.

મને આ સભાઓમાં અને આ ઠરાવોમાં શ્રદ્ધા નથી. સભાઓ ભરવી અને એમાં ઠરાવો પસાર કરવા, એ કેવળ સમયની બરબાદી છે.

આપણે માટે હવે પરિષદો ભરવાનો કાળ ગયો છે અને કાંઈક કરી બતાવીને છાનામાના બેસી જવાનો કાળ આવ્યો છે, કારણ કે એવું કાર્ય કરી બતાવ્યા પછી જે કાંઈ બોલાશે, તેની અસર લોકો ઉપર જુદી હશે.

તમે જોશો તો યુરોપમાં આપણા દેશની માફક વ્યાખ્યાનો થતાં નથી. કારણ તેઓને સાંભળવાની ફુરસદ નથી. તેઓ હાલ પ્રગતિમાં છે તેવી પ્રગતિમાં આવવા માટે આપણે સરકાર પાસે હકો માંગવાના અને મેળવવાના છે. એ હકો મેળવવા માટે બાથ ભીડવાની જરૂર છે. તેવા હકો મેળવવા માટે આપણે લાયક થવાની જરૂર છે. માટે વાંચી, વિચાર કરી, અનુકરણ કરી, સરકાર સાથે સત્યને રસ્તે બાથ ભીડવાને લાયક બનો.

તમે જો એક ઘડીભર પણ એમ માનતા હશો કે આધ્યાત્મિક જીવન શબ્દ દ્વારા શિખવાડી શકાય છે, તો તમે ભૂલો છો. મેં પણ ઘણાં ભાષણોનો સ્વાદ ચાખ્યો છે. હું એટલું કહેવા ઇચ્છું છું કે આપણે ભાષણો કરવામાં આપણી સામગ્રી લગભગ સાવ વાપરી ચૂક્યા છીએ. આપણાં કાનને કે આંખને ખોરાક મળે એ જ કંઈ પૂરતું નથી. આપણાં હૃદયને પણ પોષણ મળવું જોઈએ અને આપણાં હાથપગ પણ ચાલવા જોઈએ.

[માત્ર] લખાણો આપણને કોઈ પણ દહાડો સ્વરાજ નથી અપાવવાનાં. ગેમે તેટલાં ભાષણો પણ આપણને સ્વરાજ માટે લાયક નથી કરી શકવાનાં. આપણું ચારિત્ર્ય આપણને સ્વરાજ માટે લાયક બનાવશે. મારા આખા જાહેર જીવન દરમિયાન મને લાગ્યું છે કે આપણને જે વસ્તુની જરૂર છે તે એક જ છે — અને તે ચારિત્ર્યની ખિલવણી.

આપણા મહાન દેશભક્ત ગોખલેએ એમ કહ્યું છે કે જ્યાં સુધી આપણી મનોકામનાને ટેકો આપવા આપણી પાસે ચારિત્ર્યરૂપી બળ નથી, ત્યાં સુધી આપણને કંઈ મળશે નહીં, આપણે કશાને માટે લાયક થશું નહીં.

(મૂળે 1916માં સુરત, કાશી, મદ્રાસ, અમદાવાદ, મુંબઈમાં આપેલાં ભાષણોમાંથી સંકલન)
[‘હિતરક્ષક’, ઓક્ટોબર 2006]
સૌજન્ય : ‘અકાલ પુરુષ’, સળંગ અંક 97, મે–જૂન : 2023; પૃ. 05

Loading

સાઉદી અરેબિયાના અનુભવો  

બાલુભાઈ શેલડિયા|Opinion - Opinion|6 September 2023

ભારત મારો દેશ છે અને મને તેનું ગૌરવ છે. આવું સ્કૂલમાં બોલતાં અને બોલાવતાં હતાં. અને આમાં કશું જ ખોટું પણ નથી. પડોશમાં રહેલા મહેલને જોઈને ઘરનું ઝૂપડું બાળી થોડું નંખાય છે? મારું ઝૂપડું એ મારું ઝૂપડું છે અને પડોશીનો મહેલ એ પડોશીનો મહેલ છે.

તા. 04-09-2023ના રોજ પુત્ર અને પુત્રવધૂ અમને બન્નેને પૌત્ર સાથે ઓથમ મોલ, જે જ્યુબેલ શહેરથી સો કિલોમિટરને અંતરે આવેલા દમામ શહેરનો મધ્યમ કક્ષાનો મોલ છે. તે જોવા લઈ ગયાં.

આપણે પ્રેરણા લેવા જેવી આ અનુભવને આધારે ત્રણ વાતનો સગૌરવ ઉલ્લેખ કરું છું.

અમે સાંજે પાંચ વાગ્યે જ્યુબેલથી ઓથમ મોલ જવા નીકળ્યા હતા. જ્યુબેલથી દમામનો આઠ ટ્રેક વાળો નેશનલ હાઈ વે છે. જે એકદમ સીધો છે, ક્યાં ય વળાંક કે અન્ય રોડ ક્રોસ થાય નહીં અને થાય તો પણ અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ હોય, ક્યાં ય ગાડી ધીમી પાડવાનો કે ગિયર બદલવાનો આવે જ નહીં અને હવે તો મોટા ભાગની ગાડીઓ ઑટો ગિયરરવાળી છે. એટલે ડ્રાયવરને ગિયર બદલવાની કોઈ ઝંઝટ જ રહેતી નથી. રસ્તામાં વચ્ચે કોઈ રાહદારી, પશુ કે પક્ષી આવવાની સંભાવના નહીંવત. મોટા ભાગની ગાડીઓ 120 કિલોમીટરથી વધારે સ્પીડમાં દોડતી હતી. અમારી ગાડી 135-140 કિલોમીટરની સ્પીડે ચાલતી હતી અને હું ડ્રાયવર સીટની બાજુમાં બેઠો હતો. માઈલો મીટરનો કાંટો સ્પષ્ટ રીતે જોઈ શક્તો હતો અને મારો પુત્ર ડ્રાઈવિંગ કરતાં-કરતાં અને અમે બધાં પોપકૉર્ન –  મકાઈની ધાણી – ખાઈ રહ્યાં હતાં. જો કે મને વ્યક્તિગત રીતે આ વ્યવહાર પસંદ નહોતો. પરંતુ બધાં મુસાફરી દરમિયાન ધાણી ખાતાં હતાં.

પછી સાંજે જ્યારે ભોજન કરતાં હતાં ત્યારે સહેજ ટકોર કરી કે બેટા, આટલી સ્પીડમાં મોટર ચલાવતાં ધાણી ખાવી યોગ્ય નથી. જવાબ મળ્યો, પપ્પા તમે ખોટા ગભરાવ છો. આ અમદાવાદ – બરોડા નેશનલ એક્સપ્રેસ હાઈવે નથી. અહીં અકસ્માત થવાની સંભાવના બહુ જ ઓછી છે. કારણ રોડની ગુણવત્તા અને નાગરિકોની ટ્રાફિક સેન્સ હોય છે. તેથી અકસ્માત થવાની સંભાવના ઓછી છે. મને લાગે છે કે આ વાત આપણે પ્રેરણા લેવા જેવી છે. સો કિલોમીટરનું અંતર પચાસ મીનિટમાં પૂરું કર્યું.

અમે ઓથમ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. પાર્કિંગ જોઈને જ અભિભૂત થઈ જવાય, એવી અદ્ભુત વ્યવસ્થાવાળું પાર્કિંગ. ત્રણ માળનું પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર અને નીચે ભોય તળિયામાં બે માળ પાર્કિંગના ફાળવેલા. સેંકડો નહીં, પૂરી ત્રણ હજાર ગાડીઓ સરળતાથી પાર્ક થાય એવું પાર્કિંગ. મેં મારા જીવનમાં પ્રથમ વખત આવું પાર્કિંગ જોયું. જો આપણે પાર્કિંગ સેકટર યાદ ન રાખ્યું હોય, તો આપણને આપણી ગાડી શોધવા માટે ફાંફાં મારવાં પડે. આટલું વિશાળ પણ અતિશય વ્યવસ્થિત અને સુવિધાપૂર્ણ.

ચારેય દિશાઓમાં મોટી મોટી લિફ્ટ, એક સાથે વીસ માણસો લીફ્ટ થઈ શકે એવી મોટી લીફ્ટસ્ અને યાંત્રિક સીડીઓ. મારા જેવા એક મધ્યમ વર્ગીય નાગરિક માટે જાદુઈ નગરી લાગતી હતી.

આ મોલ પાંચ માળનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ માટે છે, બીજો, ત્રોજો અને ચોથો માળ વિશાળ વિવિધ શો રૂમ છે. અને પાંચમો આખો માળ બાળકોની વિવિધ રાઈડઝ્ અને ખાણીપીણી તેમ જ પ્રાર્થના હોલ છે. પુરુષો અને સ્ત્રીઓના અલગ-અલગ પ્રાર્થના રૂમો છે. હું જ્યારે પાંચમો માળ કહું છું, ત્યારે ગેરસમજ થવાની સંભાવના છે કે મોટા મકાનનો પાંચમો મોટો માળ હશે. સમજો એક મોટું ગ્રાઉન્ડ. જેમાં જાત-જાતની અને ભાત-ભાતની અનેક રાઈડસ્, વિવિધ રમતો, વિવિધ ખાણીપીણીનાં સ્ટોલો, દુનિયાભરના તમામ ભોજનો પ્રાપ્ય. આ વિભાગમાં બાળકો એટલાં ખીલી ઊઠે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. નેવું રિયાલમાં બાળક અનલિમિટેડ રાઈડ્સનો આનંદ લઈ શકે. અમે બધાં પૌત્ર ખીલેલ ફાલ્ગુનને જોતાં ઊભા હતાં અથવા સામેની ખુરશી ઉપર બેઠાં હતાં. સેંકડો બાળકો જોયાં, કોઈ બાળક રડતું હોય કે જીદે ચડેલું જોયું નહીં. એકદમ સ્વચ્છ, તંદુરસ્ત અને પૂર્ણપણે ખીલેલાં બાળપણને આનંદ સાથે જોતો હતો. એક વિચાર આવ્યો, જે દેશનું બાળક પોષણક્ષમ ખોરાકના અભાવે કે ઓવર ખોરાકનાં કારણે બાળક રોગીષ્ટ તે દેશનું ભવિષ્ય પણ રોગીષ્ટ. ચાર- પાંચ કલાક ક્યાં ગયા ખબર ન પડી.

ખરીદી તો કંઈ કરવાની હતી નહીં, પરંતુ પુત્રની સદ્ભાવના હતી કે પિતા કંઈક ખરીદે. પણ મારી પાસે મારી જરૂરિયાત કરતાં વધારે જરૂરી વસ્તુઓ છે. પછી ખરીદી શું કરવાની? પણ વિવિધ વિભાગો જોયા. ચાલતાં થાકી જવાય એટલો મોટો મોલ. કન્ટેનરના કન્ટેનર માલના ઢગલાઓ. ગોલ્ડના શો રૂમ જોયા, અંદર પ્રવેશવાની હિમ્મત તો નહોતી, પણ પુત્રને ખુશ કરવા જોયા. મણના હિસાબે ગોલ્ડ અને પ્લેટિનમની હજારો આઈટમ જોઈ. મેં પુરાણોમાં કુબેર નગરીનું વર્ણન વાંચ્યું હતું, પણ આ તો પ્રત્યક્ષ કુબેરનો ભંડાર જોયો. પણ એક વિચાર સતત મનમાં ઘુમરાતો હતો કે વિક્સિત રાષ્ટ્રોની અવિક્સિત રાષ્ટ્રો માટે કોઈ ઉત્તરદાયિત્વ હોઈ શકે ખરું? મારા મનમાં ગાંધીજી સતત ઘુમરાતા રહ્યા.

રિર્ટન થતાં રસ્તામાં એક પાણીની નવી પાઈપ લાઈન નંખાઈ રહી હતી. એ એટલી મોટી પાણીની પાઈપ લાઈન હતી કે માણસ અંદર મોટર સાઈકલ ચલાવીને સરળતાથી બહાર નીકળી જાય. આપણાં ગુજરાતમાં નર્મદાનું પાણી જેમ સૌરાષ્ટ્ર કે કચ્છમાં પહોંચાડ્યું છે, એવી જ આ પાણીની પાઈપ લાઈન છે.

પાણીની પાઈપ લાઈન એ કોઈ નવી કે આશ્ચર્ય પામવા જેવી બાબત નથી. પણ મને લાગી. કારણ કે વરસાદના પાણીને સંગ્રહિત કરીને પાઈપ લાઈન દ્વારા પાણીવિહીન વિસ્તારમાં લઈ જવી એ પણ એક સિદ્ધિ જરૂર છે.

પણ જ્યાં સરેરાશ એક ઈંચ વરસાદ પડતો નથી, નર્મદા જેવી નદીઓ નથી, મીઠાં પાણીનો કુદરતી કોઈ સ્રોત નથી, ત્યાં દરિયાનાં ખારા પાણીને મીઠું પાણી બનાવીને દેશના નાગરિકોને પહોંચાડવું, એ મહાન સિદ્ધિ છે. અહીંનો નાગરિક છૂટથી ચોવીસ કલાક મીઠું પાણી વાપરે છે. નિસ્યંદિત થયેલું પાણી, ડીસ્ટ્રીલ વોટર, ચોખ્ખું પાણી વાપરે છે. મારી દૃષ્ટિએ આ એક મિરેકલ-ચમત્કાર છે. કુદરતે આપણને કેટલી સંપત્તિ આપી છે! તેમ છતાં પોષણક્ષમ ખોરાકના અભાવમાં રોગીષ્ટ બાળકોમાં બિહાર પછી ગુજરાતનો નંબર આવે છે!

પાછા વળતાં હાઈ વે ઉપરની એક સાદી હોટેલમાં અમે પાંચ જણાએ તંદુરી રોટલા, મગની દાળ ને ચણાની માખણવાળી દાળ, કોબી-ડુંગળી-મરચાંનો સંભારો અને ફળ જ્યુસથી ભોજન કર્યું. અને અમે તેના 62 રિયાલ- રૂપિયા ચૂકવ્યા. ભોજનને અંતે થોડી હોટેલના માણસ સાથે આત્મીયતાનો સેતુ રચાયો અને ખબર પડી કે આ હોટલ પાકિસ્તાનીએ કોઈ સાઉદી નાગરિક સાથે ભાગીદારીમાં કરી છે. પરંતુ તેમનો માનવીય અભિગમ ખૂબ ગમ્યો.

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0321,0331,0341,035...1,0401,0501,060...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved