Opinion Magazine
Number of visits: 9667115
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રણછોડની દુકાન   

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Short Stories|9 August 2023

એક નાના ગામમાં રણછોડે એક જનરલ સ્ટોર રાખ્યો હતો. આ જય ગણેશ સ્ટોરમાં રોજિંદી જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહેતી. દુકાનની બહારની થોડી જગ્યામાં એણે છોડવાં અને કૂંડાં પણ રાખ્યા હતાં. આ વાત 1960ના દાયકાના છેવટનાં વર્ષોની છે.

જમાનો બદલાયાની સાથે રણછોડે તાલ મિલાવ્યો નહોતો. એના આ ગામમાં, નજીકના બીજાં ગામોમાં અને શહેરોમાં નવી અને મોટી દુકાનો થઈ, જ્યાં વધુ સારી અને આધુનિક વસ્તુઓ મળતી. તે દુકાનોમાં ગ્રાહકો પણ વધુ સંખ્યામાં આવતા, પણ રણછોડે એની આ જૂના સમયની સબ બંદરકે વ્યાપારી જેવી દુકાનમાં કશો ફેરફાર નહોતો કર્યો.

રણછોડનો એક અજબનો શોખ હતો. એ એકલો હોય ત્યારે અને ક્યારેક બીજાઓની હાજરીમાં પણ, એ હાર્મોનિકા –  માઉથ ઓર્ગન – વગાડતો. એકાદું માઉથ ઓર્ગન એને ક્યાંકથી હાથ લાગી ગયું હતું, અને બસ, નવરાશના સમયે રણછોડ તે વગાડતો. વ્યવસ્થિત વગાડતાં એને આવડતું નહોતું, પણ એ ફૂંકો માર્યે રાખતો, અને મોટા ભાગે બેસૂરું જ વાગતું.

વખત જતાં એના ગ્રાહકોની સંખ્યામાં સારો એવો ઘટાડો થઈ ગયો હતો. પરિણામે, જય ગણેશ સ્ટોર ઘરડા અને નિવૃત્ત લોકોને બેસવા અને સમય પસાર કરવાનું સ્થાન થઈ ગયો હતો. નવરા, ફુરસદિયા લોકો ત્યાં આવીને બેસતા અને એમની સાથેની વાતચીતોમાં રણછોડ ખીલતો અને અલકમલકની વાતો કરતો.

આ બાબતે રણછોડની વિશેષતા એ હતી કે એ ખૂબ વાતોડિયો તો હતો જ, પણ આ લોકો સાથેની બેઠકોમાં એ ખૂબ રંગમાં આવી જતો અને જાતજાતના ગપ્પા હાંકતો. એની વાતોના ગુબ્બારાની કોઈ સીમા નહોતી. વાતો વધારી-વધારીને કહેવી અને ગપ્પા હાંકવા એનો સ્વભાવ થઈ ગયો હતો.

દાખલા તરીકે, એક વખતની આવી બેઠકમાં રણછોડે કહ્યું કે 1962ની ચીન સાથેની લડાઈમાં એ લશ્કરમાં જીપનો ડ્રાઇવર હતો, અને એક પ્રસંગે સરહદ પર ચીનના ભારે ગોળીબાર વખતે લશ્કરની એક નાની ટુકડીને લઈને, જીપ હંકારીને એ બે કલાકમાં લદ્દાખથી કલકત્તા આવ્યો હતો.

રણછોડના દુકાનના મિત્રોને એની અતિશ્યોક્તિથી ભરપૂર વાતોમાં મજા આવતી, અને તેઓ એને વધુ ચગાવતા, પણ આ વખતે શિવજીભાઈએ કહ્યું, “ભાઈ રણછોડ, કાંઈ તો ભગવાનનો ભો રાખ! ગપ્પા તે કેટલા ગપ્પા? બે કલાકમાં કાંઈ લદ્દાખથી કલકત્તા જવાતું હશે?”

પણ રણછોડ એમ ગાંજ્યો જાય તેમ નહોતો. વધુ તુક્કા લગાવીને એની વાતનું સમર્થન કરવા મથતો. એણે કહ્યું, “અરે, શું તમને ખબર નથી? હું લશ્કરની જીપો હંકારતો તે તો તમે જાણો છો, પણ ઓટોમોબાઇલ એન્જીનીઅરીંગમાં મારી ડિગ્રીની તમને ખબર નથી લાગતી. લશ્કરની અદ્યતન જીપોની ડિઝાઇન કોણે બનાવી? મેં જ તો!”

વધુમાં કહેતો, “આ દુકાનની બહારના કૂંડાં જોયા ને? ખેતીવાડીમાં મને કોઈ ન પહોંચે, હો. વલ્લભ વિદ્યાનગરમાંથી મેં એગ્રિકલચરમાં ડિગ્રી લીધી છે. ખેતીવાડીનાં હમણાંનાં ઓજારો અને સાધનો બનાવવામાં મારો ફાળો નાનોસૂનો નથી.”

આમ વાતે વાતે રણછોડને ખીલતો રહીને સાંભળવાની એના મિત્રો-સાથીઓને મજા આવતી. એમની વચ્ચેની વાતચીતનો જે કાંઈ વિષય હોય, રણછોડ કહ્યા વગર રહે જ નહિ કે તે વિષયમાં તો એ પારંગત છે, તેનો એણે અભ્યાસ કર્યો છે, અને તેમાં એણે કેટલું ય કામ કર્યું છે.

એક દિવસ સાંજે આ રીતે જય ગણેશ સ્ટોરમાં વાતોના વડા પીરસાઈ રહ્યા હતા ત્યારે કોઈએ બહારથી બૂમ પાડી, “આ છોડવા અમારે ખરીદવા છે. છે કોઈ અહીંયાં?”

ખાસ કોઈ ગ્રાહક ફરકતું નહોતું એવી આ દુકાનને આંગણે નવો જ પદસંચાર થવાથી રણછોડે નવાઈ સાથે કહ્યું, “કોણ હશે આ?” ત્યાં બેઠેલાઓમાંના વ્રજલાલે કહ્યું, “ગ્રાહક તો નહિ હોય?” અને ત્યાં હાસ્યનું મોજું ફરી વળ્યું. રણછોડ કાંઈક કમને ઊઠીને બહાર ગયો. જોયું તો ઠીક ઠીક સુઘડ અને વ્યવસ્થિત એવા બે પુરુષો ત્યાં હતા.

રણછોડને જોતાં એકે પૂછ્યું, “આમાંથી બે કૂંડા અમારે ખરીદવા છે. ભાવતાલ બોલો.” રણછોડ કહે, “પસંદ કરીને લઈ લો. તમને જે ઠીક લાગે તે આપો.” ગ્રાહક કહે, “અમને એક ટામેટાનો રોપ અને એક ગુલાબની કલમ જોઈએ છે. છોડવા સારાં તો છે ને? લઈ જઈને અમારે ત્યાં ઉગાડીએ ત્યાં સુધીમાં કરમાઈ નહિ જાય ને?” રણછોડ કહે, “અરે, હોતું હશે? સાહેબ, આ મારા ખિલવેલા છોડ છે. પછી તેમાં કાંઈ કહેવાપણું હોય? એગ્રિકલચરમાં તો મેં કેટલી મોટી ડિગ્રી લીધી છે. અરે, કોલેજના પ્રિન્સિપલે તો મને ત્યાં અધ્યાપકનો હોદ્દો પણ ઓફર કર્યો, પણ મારે તો મારો આ સ્ટોર ચાલુ કરવો હતો. બાકી, ખેતીવાડી બાબતમાં સલાહ-સૂચનો માટે ઠેરઠેરથી મને કહેણ આવ્યા જ કરે છે.”

રણછોડે આટલું કહ્યું ત્યાં એ બે ગ્રાહકોએ અંદર-અંદર કાંઈક ગુસપુસ કરી. એકે બીજાને કહ્યું, “બસ, આ જ બરાબર છે. આનાથી સારો નમૂનો આપણને ક્યાં મળશે?” બીજાએ સંમતિમાં માથું હલાવ્યું.

રણછોડને બે કૂંડાના પૈસા ચૂકવીને તેઓ જવા તૈયાર થયા ત્યારે રણછોડે પૂછ્યું, “તમે આ અંદર-અંદર શું વાત કરી? જરા હુંયે તે જાણું!”

પેલો ગ્રાહક કહે, “ના ના, એવું ખાસ કાંઈ નથી. આ તો તમારી થોડી વાત ગામમાં સાંભળી હતી, અને હવે તમારી સાથેની વાતચીત પછી અમને ખાતરી થઈ ગઈ કે તમે ખરે જ કેટલી ય બાબતોનું ઊંડું જ્ઞાન ધરાવો છો.”

રણછોડ : “એમાં કહેવું ના પડે, હો. કોઈ પણ વિષય પર મને પૂછો ને. તમને જવાબ મળી જ રહેશે. મારી ડિગ્રીઓ અને અનુભવ નકામા નથી જ.”

ખરીદેલાં કૂંડાં સાથે બંને ગ્રાહકો રવાના થયા.

દુકાન બંધ કરવાનો સમય થયો હતો. એના મિત્રો-સાથીઓ જતા રહ્યા હતા. રણછોડે દુકાન બંધ કરવાની તૈયારી કરવા માંડી. ત્યાં એને સંભળાયું, “રણછોડભાઈ, જરા દુકાનની બહાર નીકળી કૂંડાં પાસે આવો.”

રણછોડને આ સંભળાયું તો ખરું, પણ કોઈ દેખાયું નહિ. એને થયું કે એને કાંઈ ભ્રમ થયો છે. ત્યાં ફરી અવાજ સંભળાયો, “રણછોડભાઈ, આવો તમારા કૂંડાં પાસે. ડરી ગયા કે શું?

રણછોડ : “અરે, ડરે છે કોણ? આ તો હું જોતો હતો કે અવાજ આવે છે પણ બોલનાર કેમ કોઈ દેખાતું નથી?” એટલું કહીને એ બહાર નીકળ્યો, અને કૂંડા-છોડવાની દિશામાં જતો હતો ત્યાં અજબ જ કાંઈક બન્યું.

રણછોડ જેવો બે-ચાર ડગલાં ચાલ્યો ત્યાં ફરી પેલો અવાજ આવ્યો, “હા હા, બરાબર છે, રણછોડભાઈ. જરાક હજી આગળ આવો.” રણછોડ હજી તો ડગલું ભરે ન ભરે ત્યાં જ અચાનક કોઈક બળે એ હવામાં અધ્ધર ઊંચકાયો, અને થોડુંક ઉડ્યા પછી એક અવકાશયાનની સામે આવીને ઊભો રહ્યો.

આનું આશ્ચર્ય હજી શમ્યું નહોતું ત્યાં તો એ અવકાશયાનમાંથી એક સીડી જમીન પર આવી. યાનમાંથી અવાજ આવ્યો, “ચાલ્યા આવો. આ સીડી પર ચઢીને અંદર આવી જાઓ.” શૂન્યમનસ્કપણે રણછોડ સીડી ચઢીને યાનમાં દાખલ થયો.

યાનમાં એને સત્કારવા થોડા લોકો ઊભા હતા. સાંજે કૂંડાંની ખરીદી કરવા આવેલા બેમાંનો એક જણ પણ તેમાં હતો. એણે કહ્યું, “અમારા અવકાશયાનમાં તમારો સત્કાર છે, રણછોડભાઈ. અંદર તમારે માટે ઓરડો છે. અલ્પાહાર કરો. યાન હવે ઉપડવામાં જ છે.”

રણછોડને આ આખી ય બાબત અંગે શંકા થવા માંડી. કોણ છે આ લોકો? ક્યાંનું છે આ અવકાશયાન? પણ એ પેલા અવકાશયાત્રીનો દોરવ્યો અંદરના ઓરડામાં ગયો. ત્યાં, કૂંડાં ખરીદવા આવેલ બીજો માણસ પણ હતો.

એણે રણછોડને કહ્યું, “ઘણી મસલત પછી અમે નક્કી કર્યું છે કે તમારા જેવી બાહોશ અને કુશળ વ્યક્તિની અમારા ગ્રહ પર ઘણી જરૂર છે. અમે પૃથ્વી પર કેટલીક વસ્તુઓ લેવા આવ્યા હતા, અને કોઈક અસામાન્ય બુદ્ધિમત્તા ધરાવતી વ્યક્તિની પણ અમે તપાસમાં હતા. તમારા વિષે સાંભળ્યું હતું અને આજે તમારો પરિચય થયો એટલે અમને ખાતરી થઈ ગઈ કે તમારા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતી બીજી વ્યક્તિ મળવી મુશ્કેલ છે.”

હવે રણછોડને ખાતરી થઈ ગઈ કે અહીં આવીને એ ફસાઈ ગયો છે. એણે કહ્યું, “અરે સાહેબો, તમે મારી બધી વાત માની ગયા? હું તો ટાઢા પહોરના ગપ્પા મારતો હતો. કેવી ડિગ્રી ને કેવી વાત? ગપ્પા મારવાની તો મારી જૂની ટેવ છે; સાચું બોલતાં હું શીખ્યો જ નથી. જૂઠું બોલવું, ગપ્પા મારવા, અને લોકો પર ભૂરકી નાખવી એ મારું કામ. મારા જેવો ગપ્પાબાજ તમને અમારી કે તમારી કોઈ દુનિયામાં નહિ મળે. ચાલો, રામરામ. તમતમારે ઉપડો. હું આ ચાલ્યો. વાળુ સુધીમાં ઘરે પહોંચતો થાઉં.”

આટલું કહીને રણછોડ યાનની સીડી પાસે જવા જતો હતો ત્યાં આઠ-દસ જણ એની આડા આવીને ઊભા રહી ગયા. રણછોડ કોઈ રીતે તેમને ભેદીને સીડી સુધી જઈ ન શક્યો.

યાનના મુખ્ય માણસે રણછોડને કહ્યું, “હવે વાળુ અહીં જ કરજો. ઘરે તમે નહિ જઈ શકો. તમારા ઓરડામાં જાઓ.”

કમને રણછોડ ઓરડામાં ગયો. ખિસ્સામાંથી માઉથ ઓર્ગન કાઢીને કહે, “હવે આરામ જ કરવો છે તો જરા આ વાજું વગાડતો બેસું.” આટલું કહીને એણે માઉથ ઓર્ગન વગાડવા માંડ્યું. તદ્દન બેસૂરું એ વાદન સાંભળીને એની આસપાસ ઊભેલા લોકો કંટાળીને કાને હાથ દઈને આઘાપાછા થવા માંડ્યા, અને કેટલાકને તો મૂર્છા આવી ગઈ.

ભાન ખોતાં પણ એ લોકો કહેતા હતા, “અરે, આ શું? આવો કર્કશ અવાજ? અમારાથી આ કેમેય સહન નથી થતું.”

રણછોડે જોયું કે ભાગી છૂટવાનો આ સારો મોકો છે. એટલે એ યાનની સીડી તરફ દોડ્યો. પેલા બેભાન થયેલાઓમાંથી કેટલાક પાછા ભાનમાં આવ્યા હતા. તેમણે એને રોકવા કોશિષ કરી. તો રણછોડે મરણિયો પ્રયાસ કર્યો, અને એકને મોં પર જોશમાં મુક્કો માર્યો. મુક્કો પડતાં જ પેલાનો નકલી ચહેરો તૂટી પડ્યો અને અસલી, બિહામણો અને વિકૃત ચહેરો દેખાયો.

વળી બીજો એક જણ રણછોડનો રસ્તો રોકવા એની સામે આવ્યો તો રણછોડે એનું માઉથ ઓર્ગન વધુ કર્કશ અવાજે વગાડ્યું. તે સાંભળતાં જ પેલાએ સખત કંટાળા સાથે તેના કાન પર હાથ ઢાંકી દીધા.

રણછોડ આ તક જતી કરે એમ નહોતો. એ યાનની સીડી તરફ દોડ્યો અને સીડી ઊતરીને જમીન પર આવ્યો, જીવ બચાવીને ભાગ્યો, અને દોડતો દોડતો જય ગણેશ સ્ટોરમાં દાખલ થયો.

સ્ટોરમાં અંધારું હતું. રણછોડને દાખલ થયેલો જોતાં શિવજીભાઈ, વ્રજલાલ અને બીજાઓએ “જન્મદિન મુબારક” કહીને એને આવકાર્યો અને દુકાનમાં બત્તી કરી. રણછોડ માટે લાવેલી મીઠાઈનો ડબ્બો ખોલીને બધાંને મીઠાઈ વહેંચી.

મીઠાઈ ખવાતી હતી ત્યારે નાનુભાઈએ કહ્યું, “રણછોડભાઈ,હવે તમે બે શબ્દો કહો.” વ્રજલાલે કહ્યું, “રણછોડભાઈ, તમે દુકાનમાં આવ્યા ત્યારથી કૈંક ચમકેલા લાગો છો. દુકાનમાં દાખલ થયા ત્યારે પણ કૈંક ડરી ગયા જેવા દેખાતા હતા. જાણે કે કોઈ બીજા ગ્રહ પર જઈને આવ્યા હો! વાત તો કરો.”

રણછોડે તેજીમાં આવીને ખુશ થતાં કહ્યું, “વ્રજલાલ, તમે તો મોકાની વાત કરી. હું ખરેખર બીજા ગ્રહ પર જઈ જ રહ્યો હતો અને જીવ બચાવીને અહીં આવી ગયો. બન્યું શું તે કહું. તમને તો યાદ હશે આજે પેલા બે જણ આવ્યા હતા ટામેટા અને ગુલાબ લેવા. તે લોકો બીજા ગ્રહ પરથી હતા! સાંજે હું દુકાન બંધ કરવા જતો હતો ત્યારે મને એક ભેદી અવાજે બહાર આવવાનું કહ્યું, અને હજી તો હું કાંઈ સમજી શકું તેની પહેલાં તો હું ઉડવા મંડ્યો, અને ઉડતો ઉડતો જ એક અવકાશયાન પાસે આવ્યો. …”

દુકાનમાં એકઠા થયેલા સૌને આ સાંભળતાં ભારે રમૂજ થઈ, અને એકબીજાને તાળી દઈને રંગત માણવા લાગ્યા.

રણછોડે કહ્યું, “મને તેમના એ અવકાશયાનમાં તેમના ગ્રહમાં લઈ જવાની બધી જ તૈયારી આ લોકોએ કરી જ લીધી હતી. અરે, હું ત્યાંથી કેમ કરતાં છૂટ્યો એ તો સાંભળો. યાનના દરવાજા સુધી આવવા દોડ્યો તો એ લોકોએ મારી આડે આવીને મારો રસ્તો રોક્યો. ભાગી નીકળવાનો બીજો કોઈ રસ્તો ન દેખાતાં મેં વિચાર્યું, હવે ત્યારે મારું માઉથ ઓર્ગન વગાડીને મારી તાણ જરા શાંત કરું. અને તે વગાડતાં જ, શિવજીભાઈ, ચમત્કાર થયો, હો! સાંભળતાં જ એ લોકોમાંના એક પછી એક ટપોટપ ભોંય પર પડવા મંડ્યા, અને …”

રણછોડે હજી આટલું કહ્યું-ન કહ્યું ત્યાં તો એના સાથી-મિત્રોમાં હાસ્યનું પ્રચંડ મોજું ફરી વળ્યું. વ્રજલાલે શિવજીભાઈને કહ્યું, “હું નહોતો કહેતો? રણછોડભાઈ આવશે અને એની પાસેથી નવા જ આકાશી ગુબ્બારા સાંભળવા મળશે.”

રણછોડ ખુલાસો કરવા જતો હતો, પણ કોઈને તેમાં રસ નહોતો. બધા વતી શિવજીભાઈએ એને કહ્યું, “થવા દે ભાઈ રણછોડ. તારી વાર્તા આગળ ચલાવ. તારા ગપ્પામાં તેં આજે નવો રંગ પૂર્યો છે.”

e.mail : surendrabhimani@gmail.com

Loading

… ને ગુજરાતી પત્રકારણમાં ધોરણસરની રાજકીય ચર્ચા શરૂ થઈ

પ્રકાશ શાહ|Opinion - Opinion|9 August 2023

10 ઓગસ્ટ : ઈચ્છારામ દેસાઈની જન્મજયંતી

 

(10 August 1853 – 05 December 1912)

 

પારસી અગ્રયાયીઓથી ઉફરાટે એ ‘ગુજરાતી‘ લઈને આવ્યા ત્યારે (હજુ તો મોહનદાસ ગાંધી આખા અગિયાર વરસના હશે ત્યારે) એમણે ડંકે કી ચોટ કીધું કે ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે 

થાય છે, જરી ચતુરના ચોતરાવાળી કરું. એક ઉદાહરણ આપું છું અને પૂછું છું કે આ કોનું હશે તે કહો :

‘દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના સાદા અને સાધારણ લોકો સમજી શકે એમ હોય ત્યારે જ ખરી ખૂબી માલૂમ પડે છે.’

આ સવાલમાં એવી તે શી ધાડ મારવાની છે, વારુ? તમે કહેશો, બિલકુલ શેરલોક હોમ્સની જેમ, ‘એલિમેન્ટરી, માય ડિયર વૉટ્સન.’ સાદી ભાષાની હિમાયત તો ગાંધીજી જ કરે ને.

ખોટ્ટી વાત. 1880માં (એટલે કે ગાંધીજી હજુ અગિયાર વરસના હશે) ત્યારે આ વાત મૂકનાર હતા ‘ગુજરાતી’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી, નામે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ.

જો કે, ઈચ્છારામનો ભાષા વિષયક આગ્રહ ને અભિગમ એક જુદા સંદર્ભમાંયે જોવા જેવો છે. એમની પૂર્વે જે ગુજરાતી પત્રકારત્વ ચાલ્યું એની તપસીલમાં નહીં જતાં સાર રૂપે એટલું જ કહું કે તે બધા બહુધા પારસી માલિકી અને સંચાલનનાં પત્રો હતાં. બીબાં બાબતે થોડીક પૂર્વ તાલીમ પણ ધરાવતા ઈચ્છારામે ચોખ્ખા ગુજરાતી ઉચ્ચારને ધોરણે પ્રેસને સાધ્યું અને શરૂના એક-બે અંક બહાર આવતે આવતે તો આ પત્ર પારસીશાઈ અશુદ્ધ ગુજરાતીથી ઉફરું ઊડવા લાગ્યું.

પારસી પત્રોની વિશેષતા જો કે એ હતી કે એકલદોકલ અપવાદ સિવાય રાજકીય બાબતોથી અંતર રાખવાના વલણ સામે આ પત્રો સંસાર સુધારા ક્ષેત્રે બુલંદ હોઈ શકતાં હતાં. ઈચ્છારામ રાજકીય બાબતોમાં ધોરણસર કહેવા જેવું કહેતા જ. હકીકતે, 1880માં એમણે મુંબઈથી ‘ગુજરાતી’ શરૂ કર્યું તે પૂર્વે 1878માં સુરતથી ‘સ્વતંત્રતા’ માસિક થોડો વખત ચલાવ્યું હતું. રાજ્યપ્રકરણી કારણોસર એમના પર તવાઈ આવી ત્યારે મુંબઈથી ફીરોજશાહ મહેતા ખાસ કેસ લડવા આવ્યા હતા અને ત્યારથી ઈચ્છારામે એમને રાજકીય ભોમિયા લેખે સ્વીકાર્યા હતા.

‘ગુજરાતી’ પત્રે કબૂલ્યું હતું કે ‘સંસારી સુધારાની પહેલી જરૂર છે તેમ છતાં રાજકીયને અમે ધિક્કારનાર નથી … અને રાજકીય ને સંસારી સંયુક્ત બળથી અમારો કિલ્લો બાંધ‌વા માંગીએ છીએ … અમારે પોલિટિકલમાં બોલવાનું એટલું જ કે રાજા અને પ્રજા વચ્ચે ગેરસમજૂતીનો જે મોટો અખાત પડેલો છે તેને પૂરી નાખવો … નિપુણ રાજકર્તાથી કેવા લોભ થાય છે તે બતાવવાને જરૂર પડે તો અમારી સલાહનો નબળો અવાજ બહાર કાઢવો …’

‘નબળો’ એ પ્રયોગ અહીં મોડરેટ કહેતાં મવાળ કે નરમના અર્થમાં થયો જણાય છે, જે ફીરોજશાહ આદિના રાજકારણને સુસંગત છે. હજુ કાઁગ્રેસની સ્થાપના આડે પાંચ વરસ હતાં ત્યારે, 1880માં ‘ગુજરાતી’ના સ્થાપક તંત્રી આ રીતે વાત કરે છે તે સૂચક છે.

જે બે નવલકથાઓથી ઈચ્છારામ અને આ પત્ર બેઉ ઊંચકાયા, ‘હિંદ અને બ્રિટાનિયા’ તેમ જ ‘ચંદ્રકાન્ત’, તે પૈકી પહેલી હિંદ દેવી બ્રિટાનિયા ને સ્વતંત્રતા દેવી એ ત્રણ પ્રતાપી નારી પાત્રો વચ્ચેના લાંબા સંવાદો રૂપે દેશહિત નામક પુરુષ પાત્ર સમેત વિલસે છે … અને અંતે ‘દિવ્યમૂર્તિ’ રિપનને ભરતખંડનું રાજ્ય સોંપતાં તે (હિંદદેવી) તથા બ્રિટાનિયા બંને સુખી થયાં અને હિંદ-બ્રિટાનિયાની સામ્રાજ્યકીર્તિ અવિચળ રહો એવો હર્ષયુક્ત નાદ સર્વેના અંત:કરણમાંથી ઊઠી ગગનમાં ગાજી રહ્યો.

ઈચ્છારામે જે લેખકવૃંદ જોતર્યુઁ તેમાં 1857માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટોનો હિસ્સો ખાસો હતો. આ લેખકોમાં રતિલાલ દુર્ગારામ મહેતા, વૈકુંઠરાય મન્મથનાથરાય મહેતા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સાકરલાલ દુર્ગારામ દેસાઈ, ઈચ્છારામ ભગવાનદાસ, છગનલાલ ઠાકોરદાસ મોદી વ. નામો રતન માર્શલે નોંધ્યાં પણ છે.

એકંદરે ‘ગુજરાતી’ના લેખકમંડળનો દબદબો ને એમની ફરતે રચાયેલ પ્રભામંડળ કેવા હશે એનો અંદાજે અણસાર તો પાછળથી, જ્યોતીન્દ્ર દવે સાથે ‘અમે બધાં’થી સુખ્યાત ધનસુખલાલ મહેતાના ‘અનુભવ’થી જાણવા મળે છે. હજુ કોલેજમાં પહેલાબીજા વરસમાં હશે અને એમણે ‘ગુજરાતી’માં લખેલો લેખ ‘ધનસુખલાલ મહેતા, બી.એ.’ એ લેખકનામથી છપાયો. ધનસુખલાલ ભૂલસુધાર સારુ ગયા તો ઈચ્છારામકાકા ગર્જ્યા : ‘નથિંગ ડુઈંગ!’ ને ઉમેર્યું : ‘અમારો કોઈ લેખક ગ્રેજ્યુએટથી ઓછો હોઈ શકે જ નહીં.’

ધારાવાહી નવલકથાઓ (કેટલીક ‘ચાલુ’ તો કેટલીક હપ્તાવાર) શરૂ શરૂમાં, મુનશીના શબ્દોમાં, હાડપિંજર ને લુગડાં પહેરાવ્યાં જેવી એટલે કે ચીલેચલુ અને વળી જૂનવાણી તરેહની આવતી. પણ ‘ઘનશ્યામ’ નામે એમણે પોતે ‘વેરની વસૂલાત’થી (14 આને કોલમના બાદશાહી ભાવે) પ્રવેશ કીધો એ અલબત્ત એક જુદી જ ઘટના હતી.

લેખકમંડળ અંગે એક વિલક્ષણ ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. ‘બીરબલ’ ઉપનામથી હળવી ને કટાક્ષભરી કોલમ લખાતી. દુરારાધ્ય બ.ક.ઠા. ‘બીરબલ’ને તે અરસાના દસ ગુજરાતી ગદ્યકારો પૈકી એક તરીકે ગણાવતા. દર્શકે સંભાર્યું છે કે એક વાર ગાંધીજીએ એમને પૂછેલું : હજી પેલા ‘બીરબલ’ છે કે? હું એમની ‘ભર કટોરા રંગ’ રસથી વાંચતો. આ ‘બીરબલ’, રતન માર્શલે મસ્તફકીરને ટાંકીને નોંધ્યું છે તેમ એક પારસી ગૃહસ્થ હતા – ખરશેદજી બમનજી ફરામરોજ.

ગમે તેમ પણ, એક તબક્કે, 1910માં એમનું મવાળ રાજકારણ પણ અંગ્રેજ સરકારને રાસ ન આવ્યું અને જામીનગીરી મંગાતાં ઈચ્છારામને લાગ્યું કે મારું પત્રકારજીવન પૂરું થયા બરોબર છે. ‘ગુજરાતી’ પત્ર તો ત્યાર પછી પણ બે વરસ એમના થકી અને તે પછી પુત્રો મારફતે ઠીક ચાલ્યું પણ એનો સમય પૂરો થાય એ અનિવાર્ય હતું. કારણ, એક તો, લાલ-બાલ-પાલ થકી સરજાયેલ ઉદ્દામ માહોલમાં વળી ગાંધીપ્રવેશ સાથે મવાળ રાજકારણના ખરીદાર નહોતા તેમ જ સુધારા બાબતે સનાતની વલણ પણ નવા સમયમાં સ્વીકાર્ય નહોતું.

ચોખ્ખી ભાષા અને રાજકીય ચર્ચાની એણે કંડારેલ કેડી બેલાશક એક પ્રતિમાન હતી અને રહેશે. આ પત્રને નર્મદે ‘ગુજરાતી’ એવું રૂડું નામ આપ્યું હતું, અને ઈચ્છારામ અલબત્ત અગ્રગાયી એવા એક ગુજરાતી તરીકે ચિરકાળ સંભારાશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 ઑગસ્ટ 2023

Loading

મહેકભીના માણસ : ગુલાબભાઈ જાની

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|8 August 2023

૨૦૦૩ના સપ્ટેમ્બર માસની ગુલાબી સાંજે ડૉ. નીલેશ રાણાએ લગભગ દોઢસો જેટલા અંગત મિત્રોને એક શુભ અવસરે ભોજન માટે આમંત્રિત કરેલા. પઘારેલા અતિથિ મિત્રો પુસ્તક મેળાનો આનંદ માણી રહ્યા હતા. સુરેશ દલાલ, હું અને મહેશ દવે બેઝમેન્ટના એક ખૂણામાં અલકમલકની વાતો કરતા નિરાંતે ઊભા હતા. બરાબર એ જ વખતે સૂચિબહેન વ્યાસ સાથે એક પૌઢ યુગલ ઉત્સાહ-આનંદ સાથે પુસ્તક મેળામાં પ્રવેશ્યું.

સૂચિ વ્યાસ સાથે આવી પહોંચેલાં યુગલમાંથી ગોળ મટોળ ચહેરાવાળા સોનેરી ફ્રેમમાં નેહ નીતરતી આંખો સાથે હોઠોમાં મલકતા ખાદીઘારી ભાઈએ બે હાથ જોડી સુરેશભાઈને દૂરથી વંદન કરી ટોળામાંથી હળવેકથી રસ્તો કરી, સુરેશ્ભાઈ પાસે આવી ઉત્સાહથી તેમની સાથે હસ્તઘૂનન કરી મારી સાથે ઊમળકાભેર હાથ મિલાવતાં મને કહ્યું, “હું રાજકોટથી આવું છું મારું નામ ગુલાબભાઈ જાની છે.”

અમારી બે-પાંચ મિનિટ અંગત વાતો સાથે હું શું કરું છું? શું લખું છું? વગેરેની વાતો થઈ ગઈ. એટલે સૂચિબહેને ઘડિયાળમાં નજર કરી. ગુલાબભાઈ અને ઉષાબહેન સામે જોયું. ગુલાબભાઈએ મને નમ્રતા સાથે જણાવ્યું, મિત્ર, મારે એક બીજા કાર્યક્રમમાં અત્યારે ખાસ હાજરી આપવી પડે તેમ હોવાથી હમણાં જ અહીંથી નીકળવું પડશે. પણ તમે એક કામ કરો, મને તમારું નામ, સરનામું અને ફોન નંબર એક કાગળમાં લખી આપો જેથી આપણે એકમેકના પરિચયમાં તો ચોક્ક્સ રહીશું.

ટેબલ પર પડેલા એક નેપકિનમાં મેં મારું નામ સરનામું લખતાં મનમાં વિચાર્યું કે આ મહાશય પણ ભારતથી આવતા આપણાં સહિત્યકારો અને સંપાદક મિત્રોની જેમ મને સારું લગાડવા કેવો કોણીએ ગોળ ચોપડી રહ્યા છે? મને કયાં ખબર નથી કે આ મહાશય હમણાં અહીંથી મારી સાથે હાથ મિલાવીને છૂટા પડશે અને મેં લખી આપેલ નામ, સરનામાને કચરાની ટોપલીમાં ફેંકી દેશે!

બરાબર બે મહિના બાદ મને રાજકોટથી ગુલાબભાઈ તરફથી ‘સમુદ્ગાર”ના બે અંક સાથે નૂતન વર્ષાભિનંદનનું કાર્ડ પણ મળ્યું. ડૉ. નીલેશ રાણાના ઘેર તેમની સાથે થયેલ એક નાની અમથી મુલાકાતને ગુલાબભાઈએ અંગત સંબંઘમાં પલટી નાંખી. કદાચ હું તેમને પત્ર લખું કે ન લખું પણ દર ત્રણ મહિને મને તેમના તરફથી ‘સમુદ્ગાર”નો અંક તો મળતો જ રહ્યો છે અને સમયે સમયે ખુશી ખબરનો ઈ-મેઈલ પણ મને મળતો જ રહે છે.

ગુલાબભાઈ જ્યારે સાતમા ઘોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું. માતાની છત્રછાયા ગુમાવી દીઘા બાદ ગુલાબભાઈ અને તેમના બે વર્ષના નાનાભાઈને તેમના નાનાનાની પોતાની સાથે જસદણ લઈ ગયા. આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવા છતાં નાનાનાનીએ દીકરીનાં આ બે સંતાનોને લાડકોડથી ઉછેર્યાં. માતાના મૃત્યુ બાદ ગુલાબભાઈમાં કિશોર અવસ્થાથી જ પ્રૌઢતા આવી ગઈ. તેમણે મનોમન નક્કી કરી લીઘું કે ‘જીવનમાં જો કંઈ કરવું હોય તો ઘીરગંભીરતા સાથે મક્ક્મતાથી મારે અભ્યાસ કરવો જોઈએ. જો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી લઈશ તો જીવનમાં બહુ જ ખુશીથી આગળ વઘી શકીશ.” એ વખતે ખોબા જેવડા જસદણ ગામમાં એક નાનું સરખું જનતા પુસ્તકાલય હતું. ગુલાબભાઈ રમવા-ભમવાની એ ઉંમરે રોજ આ પુસ્તકાલયમાં દિવસના બે-ત્રણ કલાક વાંચન પ્રવૃત્તિમાં વિતાવતા હતા. ત્રણ-ચાર વર્ષ જેવા ટૂંકા ગાળામાં ગુલાબભાઈએ પુસ્તકાલયનાં લગભગ તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં.

ગુલાબભાઈ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે વખતે યોગાનુયોગે વિનોબાજીની ભૂદાન યાત્રા સૌરાષ્ટ્રમાં યોજાણી હતી. જસદણના ખાદી ભંડારના સંચાલક મનસુખભાઈની સંગાથે તેમને વિનોબાજીને સાંભળવાની તેમ જ જોવાની પહેલી વાર તક મળી. વિનોબાજીના વ્યક્તિત્વ અને ખાદી વિશેના તેમના પ્રેમનો, બાળ ગુલાબભાઈ પર બહુ જ પ્રભાવ પડ્યો. ગુલાબભાઈએ તે જ ઘડીએ આજીવન ખાદી પહેરવાનો મનમાં સંકલ્પ કરી લીઘો.  

મૅટ્રિકમાં પ્રથમ વર્ગમાં પાસ થયેલા ગુલાબભાઈને કૉલેજમાં આગળ અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા. તેઓ પોતાના નાનાનાનીની આર્થિક પરિસ્થિતિથી પરિચિત હતા. તેઓ હવે તેમને વઘુ બોજારૂપ થવા ઈચ્છતા ન હતા. તેમના એક પરમ મિત્ર ગફુરભાઈ પરમાર સાથે કૉલેજના આગળ અભ્યાસ અર્થે મક્કમ મને જસદણથી રાજકોટ આવી ગયા.

રાજકોટમાં બંને મિત્રો પેટે પાટા બાંઘી નાનાંમોટાં ટ્યૂશનો કરી જીવતરનું ગાડું જેમ તેમ હાંકતા હતા. ઈશ્વરની ઈચ્છાથી બંને મિત્રોને પોતપોતાના સમાજની બોર્ડિગમાં પ્રવેશ મળી ગયો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ગુલાબભાઈ કૉમર્સમાં અભ્યાસ ન કરી શકયા. તેમના તે વખતના આચાર્ય સાહેબનાં સલાહ-સૂચનને કારણે ગુલાબભાઈ કૉમર્સમાંથી આર્ટ્સમાં દાખલ થઈ ગયા.

ગુલાબભાઈ જ્યારે ઘર્મેન્દ્રસિંહ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સહાઘ્યાયી ઉષાબહેન જોશી સાથે અનેક વકતૃત્વ સ્પર્ઘા, ચર્ચામાં ભાગ લેવાનું થયું. એ ગાળામાં પુસ્તકપ્રેમી ગુલાબભાઈ અને ઉષાબહેનના હાથમાં કુલપતિ ક્ઝીન્સનું પુસ્તક “We Together” આવ્યું. આ પુસ્તક બંને જણાંએ બહુ જ રસપૂર્વક સંગાથે વાંચ્યું. આ પુસ્તકના વાચને આ બંને જણને જીવનના સાવ એક નવા જ માર્ગ તરફ દોડતાં કરી દીઘાં. પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયેલાં ઉષાબહેન અને ગુલાબભાઈની આંખમાં એક સંયુકત સ્વપ્ન દેખાવા લાગ્યું. બંનેની ઈચ્છા ભાવિના શિક્ષણ ક્ષેત્રે કંઈક  કરી છૂટવાની ભાવના હોવાથી બંને જણાંએ પવિત્ર લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીઘું.

ગાંઘી વિચારક ગુલાબભાઈએ અને ઉષાબહેને લગ્ન બહુ જ સાદાઈથી કર્યા. આ યુગલે લગ્ન એટલાં સાદાઈથી કર્યાં હતા કે તેમની વાત અત્યારના યુવાનોને માનવામાં ન આવે. લગ્નમાં ન કોઈ માંડવો, ન કોઈ જાનૈયા, ન કોઈ જમણવાર. બસ, ફકત ગુલાબભાઈ ખાદીનો ઝભ્ભો-લેંઘો પહેરી લગ્નને સ્થાને, જાનમાં નાનાભાઈને, એક મિત્રને અને તેમના એક હરિજન વિઘાર્થીને સાથે લઈ ઉષાબહેનને પરણવા આવી પહોંચ્યા. ઉષાબહેનના પિતા ડી.પી જોશી સાહેબ સંસ્કૃતના પ્રખર વિદ્ઘાન હતા. તેમને દીકરીના લગ્નની વિઘિ ખુદના હાથે કરી. દીકરીને આશીર્વાદ સાથે વિદાય આપી. સસરાની હાજરીમાં જ ગુલાબભાઈએ અને ઉષાબહેને આજીવન સોનાનાં આભૂષણ ન પહેરવાની પ્રતિજ્ઞા લીઘી.

કૉલેજના અભ્યાસ કાળથી જ ગુલાબભાઈએ મનમાં એક ગાંઠ વાળી હતી કે અભ્યાસ પૂરો થતાં જ, પોતે જે કૉલેજમાં અભ્યાસ કર્યો હતો તે કૉલેજમાં જ અઘ્યાપક તરીકે જોડાઈ જવું. ગુલાબભાઈ એમ.એ., એલએલ.બી. થયા પછી તેમને ઘણા સગાંસંબંઘી તેમ જ મિત્રો તરફથી આઈ.એ.એસ. થવાની સલાહ મળી હતી. ગુલાબભાઈને સરકારી શુષ્ક વહીવટમાં તલભારનો પણ રસ હતો નહીં. તેઓ ઉચ્ચ પગારની એલ.આઈ.સી.ની નોકરી છોડી, રાજકોટની ઘમેન્દ્રસિંહ કૉલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક તરીકે જોડાઈ ગયા.

એ જ ગાળામાં ગુલાબભાઈ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના પરિચયમાં આવ્યા. સ્વામીજીના આગ્રહથી દર રવિવારે થોડાક વિઘાર્થી મિત્રોને ગુલાબભાઈ સ્વામીજીના વ્યાખ્યાનમાં લઇ આવતા. રામકૃષ્ણ આશ્રમ સાથે બંઘાયેલા સંબંઘને કારણે ગુલાબભાઈ બહુ જ ટૂંક સમયમાં રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારઘારામાં રંગાઈ ગયા. આ વિચારઘારામાં તેઓ આટલા ઓતપ્રોત થઈ ગયા કે તેમણે મા શારદાદેવીનાં શિષ્યા સ્વામી વીરેશ્વરાનંદજીના હસ્તે મંત્રદીક્ષા લીઘી.

૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાતું હતું. ગુલાબભાઈ અને ઉષાબહેન સિસ્ટર નિવેદિતાના જન્મશતાબ્દીની ઉજવણીમાં બહુ જ નિષ્ઠાપૂર્વક ડૂબી ગયાં હતાં. એ જ ગાળામાં સ્વામી આત્મસ્થાનંદે બંને પતિપત્નીને આશ્રમમાં મળવા બોલાવ્યાં. સ્વામીજીએ ગુલાબભાઈ અને ઉષાબહેનના કાનમાં એક વાત નાંખી. “પ્રાઘ્યાપકજી, તમે કૉલેજના ગ્રેજયુએટ માટે તો ઘણું કાર્ય કરી રહ્યા છો, તે મારી દૃષ્ટિએ બહુ જ ઘણું કહેવાય. તમે જે અત્યારે કાર્ય કરી રહ્યાં છો એનાથી વિશેષ જો તમારે કંઈ નવું જ કરવું હોય તો તમે કેળવણી ક્ષેત્રે હજી પણ કંઈક નક્કર કામ કરી શકો તેમ છો, જે કામ સિસ્ટર નિવેદિતાજીએ કર્યું છે. કેળવણી વિકાસ તો બાળમંદિરથી શરૂ થાય છે. બાળમંદિર જ કેળવણીનો પાયો.”

આ વાત ગુલાબભાઈ અને ઉષાબહેનનાં હ્રદય-સોંસરવી ઊતરી ગઈ. સ્વામીજીના આશીર્વાદ માથે ચઢાવી. આ કેળવણી પ્રેમી યુગલે અઘ્યાપક જેવી ઉચ્ચ પગારની નોકરીને ઠેબે મારી. ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતાજીના નામે જ સિસ્ટર નિવેદિતા નામની પ્રથમ શાળાની સ્થાપના રાજકોટમાં કરી. હજી ગઈ કાલે જ જેનાં બીજ રોપાણાં હતાં તે શૈક્ષણિક સંસ્થા આજે એક વટવૃક્ષ તરીકે વિકાસ પામી છે.

માણસ ઘારે તો શું નથી કરી શકતો? એ વાત આપણને આ શિક્ષણ, કેળવણીપ્રેમીના જીવનમાંથી ડગલે ને પગલે જાણવા મળે છે. ગુલાબભાઈએ કેળવણી જેવા ક્ષેત્રને ખેડવા જે હિંમતપૂર્વક બાથ ભીડી છે, તે ખરેખર ગુજરાતના તમામ કેળવણી પ્રેમીઓ માટે એક ગૌરવની વાત છે. ગુલાબભાઈ જેવા આદર્શ, આઘુનિક કેળવણીકાર ગુજરાતને પ્રાપ્ત થયા છે તે ગુજરાતનું મારી દૃષ્ટિએ એક સદ્ભાગ્ય છે.

ગુલાબભાઈનું જેવું નામ છે એવું જ એમનું મહેકતું કાર્ય અને જીવન છે. ગુલાબભાઈ બહુ જ સહજ અને સરળ સ્વભાવના મુલાયમ માણસ છે. પોતે ખુદ જે પ્રકાશમાં જીવે છે એ જ પ્રકાશ તેઓ બીજાના જીવનમાં પાથરવા માટે ઉત્સુક છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0311,0321,0331,034...1,0401,0501,060...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved