Opinion Magazine
Number of visits: 9667163
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકસાહિત્યના દાર્શનિકની કલમે વંદનીય ભ્રમણવૃત્તાંત

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|27 August 2023

પુસ્તક પરિચય 

‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીની ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ પ્રકાશન શ્રેણીનો સોળમો ખંડ (2015, પુનર્મુદ્રણ 2022) છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ત્રણ પુસ્તકો એક સાથે મૂકવામાં આવ્યાં છે : ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ (1928), ‘સોરઠને તીરે તીરે’ (1933) અને ‘પરકમ્મા’ (1946).

મેઘાણી-ગ્રંથશ્રેણીના ખૂબ દૃષ્ટિસંપન્ન અને પરિશ્રમી સંપાદક – સંકલનકાર જયંત મેઘાણી પ્રસ્તુત ગ્રંથ વિશે નોંધે છે : ‘લોકસાહિત્યના-શોધનનાં ભ્રમણ એમને [મેઘાણીને] કાઠિયાવાડને ખૂણેખૂણે લઈ ગયા. અપરંપાર સામાન્ય અને અસામાન્ય માનવીઓનો સંપર્ક એમના જીવનમાં વણાયો. આ રઝળપાટની બહુરંગી વાતોના જેને લસરકા જ કહી શકાય એ એમનાં ત્રણ પુસ્તકોમાં આલેખાયા છે.’

પહેલાં પુસ્તક ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ ગીરના પરિભ્રમણનાં વર્ણનો આપે છે, જે ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રી અમૃતલાલ શેઠના સૂચનથી લખાયાં છે. કાઠિયાવાડના પૂર્વ સાગરકાંઠે કરેલાં ભ્રમણનાં બયાન ‘સોરઠને તીરે તીરે’માં છે.

‘પરકમ્મા’ પુસ્તકમાં લોકસાહિત્યની પ્રિય કારકિર્દીના સીમાડે થોભીને ‘પોતાની સંશોધન-વાટનાં અને એ વાટે જતાં માનવીઓનાં સ્મરણો આલેખ્યાં છે.’ મેઘાણીભાઈએ પોતાનાં આ પુસ્તકને ‘લોકસાહિત્યના શોધનની આત્મકથા’ કહ્યું છે.

તેમાં તેમણે પોતે લોકસાહિત્યનું સંશોધન-સંપાદન કેવી રીતે કર્યું, એમને એની ભાળ ક્યાંથી અને કેવી રીતે મળી, પોતાની વાર્તાકળાનું ઘડતર કેવી રીતે થયું, બેખબરીમાં પોતે કેટલું ગુમાવ્યું – એ બધી વાતો માંડી છે.

બસો જેટલાં પાનાંમાં વિસ્તરેલી શોધનકથા ‘પરકમ્મા’ મેઘાણીએ તેમની ટાંચણપોથીઓના ‘બે-ત્રણ હજાર પાનાં’માંથી તારવેલી છે. તેઓ ‘સૌરાષ્ટ્ર’ના અંકનું કામ પૂરું કરીને ‘દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં’ બેસીને સામગ્રી એકઠી કરવા દૂરસુદૂર નીકળી જતા.

ઝવેરચંદ મેઘાણી

સ્ટેશનનાં આછા અજવાળે, ટ્રેનના ડબ્બાની ભીડમાં, હોડકામાં અને ગાડામાં મુસાફરી કરતાં, નેસમાં તો ક્યારેક ડાયરામાં બેસીને મેઘાણી ‘પેન્સિલ અને શાહીની ગંગા-જમના’ ગૂંથતા. ‘ચારણોને, બારોટોને, વાતડાહ્યા માણસો, રાસડા ગાનારી ને કથાઓ કહેનારી માતા-બહેનો, તૂરીઓ, ભજનિકો, દરબારીઓ, મુત્સદ્દીઓ, પોલીસ-નોકરીઆતોને, ઘાંચી, મોચી, માળી, મીર, રહેખરને’ – આવા અનેકોને તેઓ મળ્યા.

લોકસાહિત્યની ભાળ આપનાર આ સહુનાં તેમણે વિગતે કે ટૂંકા શબ્દચિત્રો આપ્યા છે. દુહા, ગીતો, આખ્યાયિકાઓ, પ્રસંગો, હાલરડાં – આવું કેટલું ય વાચક સામે ક્યારેક સીધાં ટાંચણો રૂપે તો ઘણી વાર ધોરણસરના લખાણ રૂપે મળે છે.

કાઠિયાવાડના ઘોડા અને પાંચાળના ફોડા, ખાંભીઓ અને પશુધન-ઉર્મિધનનાં વર્ણનો છે. અંગ્રેજી કવિ વૉલ્ટર સ્કૉટ અને બંગાળના હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના સંદર્ભો, તેમ જ  સ્પૅનિશ લોકકવિતાનો અનુવાદ પણ છે.

‘ફીલ્ડવર્ક’ની સાથે ‘ટેબલવર્ક’ માટે મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં વીતાવેલા કલાકોની વાત કહેવાઈ છે. મુંબઈમાં જ્ઞાનપ્રસારક મંડળીના નિમંત્રણથી વક્તા તરીકે કોમી હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં થઈને સભાગૃહ પર પહોંચવાનો સાહસપૂર્ણ અનુભવ પણ વાંચવા મળે છે.

‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ પુસ્તકનાં પ્રવાસવર્ણનો ‘પ્રાચીન સૌરાષ્ટ્રનાં સાચાં ખંડેરો – કવિતા, સાહિત્ય, જનતા વગેરે તમામનાં ખંડેરો તપાસીએ’ એવા મનસૂબાથી લખાયાં છે. અહીં સંશોધક ચારણમંડળી જોડે કરેલાં ભ્રમણનું સ્થળકાળની ગૌરવગાથા સંભારતું નિરૂપણ કરે છે.

તેમાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ એમ અનેક ક્ષેત્રો એકત્રિત થયાં છે. જોગી અને વાઘેર બહારવટિયા ઉપરાંત બહારવટિયાના જતિધર્મ વિશે પણ વાંચવા મળે છે. રાજુલા અને તુલસીશ્યામ જેવાં સ્થળો, સાણા ડુંગરનો હેડમ્બ મહેલ અને બૌદ્ધ ધર્માલય જેવા વાસ્તુ વિશેની નોંધો છે.

‘કાળમુખો કસુંબો’, ‘નેસડાનું જીવન’, ‘ચા-પ્રકોપ’, ‘ગીરની ભેંસો’ જેવાં ટૂંકા પ્રકરણોમાં સમાજનાં સારાં-નરસાંની ઝલક છે. દંતકથા, ઇતિહાસ અને લોકસાહિત્યના અનેક પાત્રો-પ્રસંગો વિશેની નોંધો પણ અહીં છે.

‘સોરઠને તીરે તીરે’ના આરંભે ‘પ્રવાસીઓને’ મથાળા હેઠળના લેખમાં મેઘાણી કહે છે : ‘અમુક પહાડ, ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી : એને દિઠ્યે મારા જેવાનો પ્રાણ થનગની ઊઠે છે …’

પહેલું પ્રવાસ-વર્ણન ‘ચાંચની ખાડીમાં’ એક લાંબા કિનારપટ્ટાના અનેક પાસાં આવરી લે છે. કાઠિયાવાડના કિનારાના કેટલાક સ્થળોના આલેખનમાં મેઘાણી સંવાદ, ચિંતન, લોકકથા, લોકગીત ઇત્યાદિને વણી લે છે.

સાહસિક ખારવા જાતિના જીવનનું સૌહાર્દપૂર્ણ આલેખન છે. જેનું બાળક દરિયો ખેડવા ગયું છે તેવી માતાની લાગણીઓ વ્યક્ત કરતી, ઓગણીસમી સદીના અંગ્રેજી કવયિત્રી એલિઝા કૂકની, કવિતાનો ‘મા!’ નામના લેખમાં મેઘાણી આસ્વાદ કરાવે છે.

‘પરક્કમા’નું સહુથી હૃદયસ્પર્શી પ્રકરણ ‘નાવિકોના લોકગીતો’ છે. માં દરિયાની ખેપે ગયેલા ગરીબ ખારવાઓની મજૂરી કરતી સ્ત્રીઓની થતી દુર્દશા અને બદનામીનું ગીતોમાં કેવું નિરૂપણ થયું છે તે મેઘાણી ઉઘાડી આપે છે.

‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ ગ્રંથ, લોકસાહિત્ય ખાતર મેઘાણીએ બધાં જ પ્રકારના સંસાધનોની અછત વચ્ચે કરેલી અસાધારણ મહેનત અને ‘લોક’ની શ્રેષ્ઠતા માટેની તેમની પ્રેમાદરભરી આસ્થાની વંદનીય અભિવ્યક્તિ છે.

એટલે અહીં પ્રકટતા મેઘાણીનાં દર્શન,  તેમને માત્ર હાકેટા-પડકારા, દુહા-ડાયરામાં ખતવી દેનારા કેટલાકે આવતી કાલની મેઘાણી જયંતીએ તો ખસૂસ કરવા જેવાં  છે. 

[આભાર : પાર્થ ત્રિવેદી, હંસાબહેન પટેલ] 
[560 શબ્દો]
 -X-X-X-X-X-

પ્રાપ્તિસ્થાન – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.260/-

[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલો આજનો લેખ એક વાક્યના ઉમેરણ સાથે. પુસ્તકની મોટી મહત્તા તરફ ધ્યાન દોરવાની નાનકડી કોશિશ.]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજીની કલ્પનાનું ભારત નેહરુની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું 

રમેશ ઓઝા|Opinion - Opinion|27 August 2023

રમેશ ઓઝા

આઝાદી પહેલાં કાઁગ્રેસ મેઘધનુષ જેવો પક્ષ હતો. એમાં દરેક રંગના લોકો હતા. વિચારધારાની દૃષ્ટિએ પણ અને જે તે સમાજના પ્રતિનિધિત્વની દૃષ્ટિએ પણ. અલબત્ત મુસલમાનો અને દલિતો સંપૂર્ણપણે કાઁગ્રેસ સાથે હતા એવું નથી. કેટલાક કાઁગ્રેસની સાથે હતા તો કેટલાક તેની વિરુદ્ધમાં. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ માટે ગર્વ ધરાવનારા હળવા હિંદુવાદીઓ કાઁગ્રેસની સાથે હતા, પણ વિનાયક દામોદર સાવરકરના રાજકારણપ્રવેશ પછી કોમવાદી હિન્દુત્વવાદીઓ કાઁગ્રેસથી દૂર રહેતા હતા. સમાજવાદીઓ તો સંપૂર્ણપણે કાઁગ્રેસની સાથે હતા અને કાઁગ્રેસને સમાજવાદી દિશામાં લઈ જવા માટે તેમણે કાઁગ્રેસ અંતર્ગત કાઁગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી હતી. સામ્યવાદીઓ પણ કેટલોક સમય કાઁગ્રેસની સાથે હતા. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધમાં સામ્યવાદી રશિયાએ મિત્ર દેશોના પક્ષે યુદ્ધમાં પ્રવેશ કર્યો એ પછી સામ્યવાદીઓએ બ્રિટનને મદદ કરવાનું શરૂ કર્યું હતું અને કાઁગ્રેસ સાથેના સંબંધોનો અંત આવ્યો હતો. પ્રસિદ્ધ વિચારક એમ.એન. રોયના શુદ્ધ બુદ્ધિપ્રમાણિત માનવતાવાદમાં માનનારાઓ પણ કાઁગ્રેસની સાથે હતા. દક્ષિણનાં દ્રવિડો શરૂઆતમાં કાઁગ્રેસની સાથે હતા, પણ દક્ષિણમાં કાઁગ્રેસ પર બ્રાહ્મણોનું વર્ચસ હોવાથી તેઓ દૂર ગયા હતા. કાઁગ્રેસમાં આદિવાસીઓનું ખાસ પ્રતિનિધિત્વ નહોતું અને ઇશાન ભારતનું પ્રતિનિધિત્વ પણ નહીં જેવું હતું.

કેવા એ દિવસો હશે એની કલ્પના કરી જુઓ! દિવસરાત ચર્ચા, વિમર્શ, મલ્લીનાથી, વિતંડા, ઘર્ષણ, સંઘર્ષ ચાલતાં હતાં. એમાં કડવાશ નહોતી એવું નથી, પણ સંવાદ તો હતો જ. ચર્ચાના મુદ્દા મુખ્યત્વે બે હતા; આઝાદ ભારત કેવું હશે અને એમાં અમારું શું સ્થાન હશે? દેખીતી રીતે આઝાદ ભારત કેવું હશે એની કલ્પના કરવી રહી અને પ્રશ્નકર્તાઓને સંતોષવા માટે એ અભિવ્યક્ત કરવી રહી. કોઈ છૂટકો નહોતો. છૂપામણી (હિડન એજન્ડા) માટે કોઈ સ્થાન નહોતું અને એવો કોઈનો ઈરાદો પણ નહોતો. પોતાનો એજન્ડા કે દૃષ્ટિકોણ રાખનારાઓ આકરા થઈ જતા હતા, પણ બોલે કાંઈક અને કરે કાંઈક એવા અપ્રમાણિક નમાલાઓ પણ નહોતા. મ્લ્લીનાથીનો આખો કેનવાસ ઊઘાડો હતો અને જગતની સામે હતો.

તો હમણાં કહ્યું એમ આઝાદ ભારતનું સ્વરૂપ કેવું હશે એની કલ્પના કે રૂપરેખા અભિવ્યક્ત કરવામાં આવતી હતી અને એમાં પ્રશ્નકર્તાઓનાં સ્થાન વિષે પણ ખુલાસા કરવામાં આવતા હતા. ગાંધીજીની કલ્પનાનું ભારત જવાહરલાલ નેહરુની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું. નેહરુની કલ્પનાનું ભારત સરદાર પટેલ અને તેમના જેવા બીજા કાઁગ્રેસીઓ કરતાં એક છેડે થોડુંક અલગ હતું તો ડૉ. આંબેડકરની કલ્પનાના ભારત કરતાં બીજા છેડે થોડુંક અલગ હતું. ડૉ. રામ મનોહર લોહિયા અને સમાજવાદીઓની કલ્પનાનું ભારત સી. રાજગોપાલાચારીની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું, વગેરે.

સુજ્ઞ વાચકે નોંધ્યું હશે કે અહીં મેં થોડુંક શબ્દનો પ્રયોગ કર્યો છે. જે મતભેદ હતા એ થોડા થોડા હતા, સાથે બેસી જ ન શકાય એવા મૂળભૂત નહોતા. માટે આઝાદ ભારતમાં અમારું સ્થાન ક્યાં હશે એવો પ્રશ્ન કરનારાઓને સંપૂર્ણપણે તો નહીં, પણ મહદ્દ અંશે સંતોષી શકાયા હતા. કોણ હતા એ પ્રશ્ન કરનારાઓ? દલિતો, સ્ત્રીઓ, આદિવાસીઓ, ઇશાન ભારતમાં અને છેવાડાના પ્રદેશમાં વસ્તી જાતિઓ, પોતાને આર્ય સંસ્કૃતિની બહાર ગણાવનારા દક્ષિણના દ્રવિડો, લઘુમતીઓ અને થોભો, હિન્દી ભાષાનો આગ્રહ રાખનારાઓ, હિન્દુસ્તાનીનો આગ્રહ રાખનારાઓ, પ્રાદેશિક ભાષાનો આગ્રહ રાખનારાઓ અને અંગ્રેજી ભાષાના આગ્રહીઓનો પણ પ્રશ્નકર્તાઓમાં સમાવેશ થતો હતો. કોઈ કોઈની છાતી પર ચડીને કોલર પકડીને એમ નહોતું કહેતું કે “હિન્દુસ્તાન મેં રેહના હો તો …” આવી ભાષા જ ત્યારે અજાણી હતી. આમ પણ અમર્ત્ય સેન કહે છે એમ વિમર્શરત ભારત(Argumentative India)ની સભ્યતા અને સંસ્કૃતિ પૂર્વપક્ષ – સિદ્ધાંત પક્ષની રહી છે, “હિન્દુસ્તાન મેં રેહના હો તો…”-વાળી અસંસ્કારી દાદાગીરીવાળી નહોતી. આ આયાતી સંસ્કૃતિ છે. બહુમતી રાષ્ટ્રવાદની કલ્પના જ આયાતી છે.

તમારી કલ્પનાના આઝાદ ભારતમાં અમારું સ્થાન ક્યાં હશે એ પ્રશ્ન શું સૂચવે છે? બે ચીજ. એક તો સ્થાન અર્થાત્ સમાવેશકતા અને બીજું ન્યાય. અમારા માટે કોઈ જગ્યા હશે કે નહીં અને જો હશે તો એ ન્યાયપૂર્વકની હશે કે નહીં. કોઈ પણ પ્રજાની માણસાઈનો આ અંતિમ માપદંડ છે. માણસની માણસાઈનો પણ આ અંતિમ માપદંડ છે. કોઈ પુરુષ વડીલ પુત્રવધૂને કહે કે, “આ ઘરમાં રહેવું હોય તો …” તો એવા પુરુષને તમે માણસાઈની એરણે પાસ કરશો? એવા ઘરમાં તમે દીકરી વરાવશો? એ પુત્રવધૂને આમ એટલા માટે કહેવામાં આવે છે કે એ “બીજા” ઘરની છે અને “ઊતરતી” લિંગ(જેન્ડર)ની છે. માટે તમારા ભારતમાં (કે ઘરમાં) અમારું સ્થાન હશે કે નહીં અને જો હશે તો એ ન્યાયપૂર્વકનું હશે કે નહીં એ લાખ રૂપિયાનો સવાલ છે.

ઘણા લોકો માટે આ કવરાવનારો સવાલ છે અને જે લોકોને એ કવરાવનારો કે માણસાઈની એરણે કસોટી કરનારો સવાલ લાગતો હતો એ લોકો ત્યારે ભારતનાં મેઘધનુષની બહાર હતા. પુત્રવધૂને ધમકાવનારો સસરો સમાજમાં જેવી પ્રતિષ્ઠા ધરાવે એવી પ્રતિષ્ઠા ત્યારે તેઓ દેશમાં ધરાવતા હતા. પણ જે લોકો ભારતનાં મેઘધનુષના રંગે રંગાયેલા હતા તેમણે ક્યારે ય આવી ભાષામાં પ્રશ્નકર્તાઓને જવાબ નહોતો આપ્યો. આમાં સૌથી વધુ કસોટી ગાંધીજીની થતી હતી, કારણ કે ગાંધીજી ભારતીય રાજકારણમાં શિરસસ્થ પુરુષ હતા. તેઓ દરેકને સાંભળતા હતા, દરેકને પોતાનાં અભિપ્રાય મુજબ ન્યાયપૂર્વકનું સ્થાન બતાવતા હતા અને જો કોઈને ઓછું પડે તો તેમની ગાળો પણ ખાતા હતા. પણ ઉપેક્ષા તેમણે કોઈની ય કરી નહોતી. ઉપેક્ષા, અવગણના અને અનુકૂળતાજન્ય દાદાગીરી ભાગેડુપણાંનાં લક્ષણ છે.

ટૂંકમાં ત્રણ ચીજ માણસને માણસ બનાવે છે. એક, સાથે બેસવું. બે, એક બીજાને સાંભળવા. સંવાદ અથવા વિમર્શ અને ત્રણ, ન્યાય. જગતમાં પ્રતિષ્ઠા ધરાવનારું ભારત આ ત્રણ પદાર્થોનું બનેલું છે. તમે આને માટે ગર્વ અનુભવો છો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2023

Loading

ત્રણ ગઝલ

સાહિલ|Poetry|26 August 2023

જ્યાં પણ જશો ત્યાં આની આ ઘટમાળ પણ હશે

જીવનાર માથે જીવવાનું આળ પણ હશે

મુઠ્ઠી ખુશીની આશ લઈ જે નગર ગયાં

ન્હોતી ખબર ત્યાં જખ્મની ટંકશાળ પણ હશે

જાવું ન હો તો માર્ગ હશે બંધિયાર સહુ

દડવાનુ  મન હશે તો બધે ઢાળ પણ હશે

માણસ હજીય ભેદ આ જાણી શક્યો નથી

કઈ ક્ષણ હશે જે ક્ષણમાં મહાકાળ પણ હશે

ક્યારેય અમને જાણ અછડતીય ના થઈ

કે કાચબાના પગમાં હરણફાળ પણ હશે

જે વૃક્ષ નીચે છાંયડાંની આશ લઈ ગયા

શું જાણ એનો ડાળીએ વૈતાળ પણ હશે

સાહિલ રહે છે પ્રીત સદા એ પડાવ પર

જ્યાં રીસ પણ હશે અને સંભાળ પણ હશે

•

ઘટના કારમી છું હું

તો ય લાઝમી છું હું

ચોરે ચૌટે ચર્ચાતી

ગુપ્ત બાતમી છું હું

શૂળીના સનમ જેવો

આમ આદમી છું હું

છે સપાટી ખરબચડી 

માહ્ય રેશમી છું હું

શું જરૂર કોઈની

મારો ખુદ ડમી છું હું

સાવ બુદબુદા જેવો

તોય કાયમી છું હું

આમ છું અભણ સાહિલ

આમ માલમી છું હું

••

ચારેય બાજુ સગપણો ખરકી ગયો છું હું

ને વચ્ચેથી ધીમેકથી સરકી ગયો છું હું

સારુ ખરાબ કંઈક તો ચોક્કસ થવાનું છે

આંખોની જેમ આજ લ્યો ફરકી ગયો છું હું

આકાશકુસુમવત છે સપાટીને પામવી

એમ જ સમયની છાતીમાં સરકી ગયો છું હું

બસ એકલાપણાનું મારું મેણું ભાંગવા

બે વાત કરવાને મને બરકી ગયો છું હું

જન્મોથી આ સમય હજી શોધી શક્યો નથી

કંઇ એમ એની આંખમાં ગદકી ગયો છું હુ

એ ઘટના સ્વપ્નમાંય નથી કોઈ દિ ધટી

જેના વિશે વિચારી ને થરકી ગયો છું હું

સાહિલ અહલ્યા જેવું હતૉ રોમ રોમ પણ

સાંભળતાં નામ એભનું મરકી ગયો છું હું

નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

...102030...1,0131,0141,0151,016...1,0201,0301,040...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved