એન્ટિવાઇરલ દવા શરીરમાં વાઇરસના પ્રજનન માટે ઉપયોગી એવા ઉત્સેચકને અવરોધે છે અને તેનો પ્રજનનનો દર ઘટાડે છે. ટોસિલીઝુમાબ/tocilizumab એનાથી તદ્દન અલગ રીતે કામ કરતી એક 'ઇમ્યુનો-સપ્રેસ્સીવ', ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારકતા 'દબાવનારી' દવા છે. હા, વાત આશ્ચર્યજનક જ છે. કોરોનાના 'મૅનેજમેન્ટ' નામે એક કથિત બાબા 'ઇમ્યુનો-બૂસ્ટર' વેચી રૂપિયા રળી રહ્યા છે ત્યારે આ દવા કોરોનાથી જીવ બચાવવા નોખો જ રસ્તો અપનાવે છે. (એક આડવાતઃ ચરક સુશ્રુત જેવા મહાનુભાવોથી મઘમઘતું આયુર્વેદ આજે આ બાબાથી ઓળખાય છે અને વગોવાય છે એ ખરે જ શરમજનક છે.)
ટોસિલીઝુમાબ : વિજ્ઞાન અને મૅનેજમૅન્ટ
શરીરમાં આંતરિક સોજા, ચેપ કે ઇજા સામે લડવા માટેનાં ખાસ પ્રકારનાં રસાયણ તબીબી પરિભાષામાં ‘સાઈટોકાઇન’ તરીકે ઓળખાય છે. સામાન્ય સંજોગોમાં દરદ માટે કારણભૂત વિષાણુઓનો ખાત્મો બોલાવ્યા પછી શરીરમાં સાઇટોકાઇનનું ઉત્પાદન ધીમું પડી જાય છે. પરંતુ કેટલાક કમનસીબ દરદીઓમાં અગમ્ય કારણોસર તેમનું ઉત્પાદન અનેક ગણું વધી જાય છે. પરિણામે, દુશ્મનસમા વિષાણુઓ પર પ્રહાર કરવા સર્જાયેલો જથ્થો પોતાના જ ‘સૈનિકો’નો અંધાધૂંધ નાશ કરવા લાગે છે. એવા સંજોગોમાં ઇન્ટરલ્યુકીન-૬ (ટૂંકમાં IL-6) નામના સાઇટોકાઇનના મારણ તરીકેનું કામ ટોસીલીઝુમાબ દવા કરે છે. બે દાયકા પહેલાં ખાસ પ્રકારના સંધિવાને કાબૂમાં લેવા માટે ટોસીલીઝુમાબ વિકસાવવામાં આવી. કોવિડ-૧૯ સામેની લડતમાં પણ તે પોતાની અચૂક પ્રહારશક્તિથી મદદરૂપ થાય છે. યાદ રહે કે કોવિડ-૧૯નો તે રામબાણ ઇલાજ નથી. પરંતુ પ્રારંભિક સંશોધનો સૂચવે છે કે રોગપ્રતિકારક સાઇટોકાઇનનું વધુ પડતું ઉત્પાદન ચાલુ હોય તેવા કેટલાક ગંભીર દરદીઓમાં ટોસીલીઝુમાબ કારગત નીવડી શકે છે. દવાની ઉપલબ્ધિ, મોંઘી કિંમત અને કાળાબજારના પ્રશ્નો છતાં આ દવાની હાજરીથી કોવિડ-૧૯ સામેની લડાઈમાં દરદી અને ડૉક્ટરના ભાથામાં એક તીર જરૂર ઉમેરાયું છે. હાલમાં આ દાવાનો ફેઝ-૩ ટ્રાયલ ચાલે છે. તે સફળતાપૂર્વક પૂરો ન થાય ત્યાં સુધી ટોસીલીઝુમાબ પ્રયોગાત્મક રીતે અને અત્યંત ગંભીર દરદીઓમાં કટોકટીના સમયે જ ઉપયોગ માટે જ મંજૂર થયેલી છે. કોવિડ-૧૯ના કેસની સંખ્યા અને તેને સંબંધિત હેડલાઇનો 'મૅનેજ' કરવા પંકાયેલું તંત્ર દોષનો ટોપલો બીજાં માથાં પર ઢોળવાને બદલે દવા વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવે, તેના ભાવ ઘટાડે અને કાળાબજાર થતાં રોકે તો આ દવાના વિવેકપૂર્ણ ઉપયોગથી કેટલા ય લોકોના જીવ બચાવી શકાશે.
ચૂંટણીપ્રચારમાં આરોગ્યનો મુદ્દો
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીને માંડ ચાર માસનો સમયગાળો રહ્યો છે. વીમાધારકો કે ધનિકો માટે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, પરંતુ વીમાની ગેરહાજરીમાં નાદારી આણે એટલી મોંઘી અમેરિકાની સ્વાસ્થ્યસેવાઓમાં બદલાવની માગ ઘણા સમયથી હતી. કોવિડ-૧૯ના પગલે એ વ્યવસ્થાની પંગુતાને સુપેરે ઉજાગર થઈ છે. 'મૅડિકેર ફોર ઑલ' અને 'સિંગલ પેયર સિસ્ટમ'ની માગ હવે અતિ ડાબેરી વિચારધારાનો નહીં, ડૅમોક્રેટિક પાર્ટીના ચૂંટણીપ્રચારનો કેન્દ્રીય મુદ્દો છે. 'ઓબામા કૅર'થી શરૂ થયેલી વીમાસેવાઓ સમાજના એક સમુદાય પૂરતી સીમિત રાખવાને બદલે ઈચ્છિત સૌને આવરે તેવી માગ હવે રાજકારણના મુખ્ય પ્રવાહમાં ચર્ચા અને સંવાદનું કેન્દ્ર બની છે. મંથન શરૂ થયું છે, અમૃત નીકળે એવી આશા અને લક્ષ્ય સાથે અમેરિકાનો બહોળો વર્ગ નવેમ્બર ચૂંટણીમાં મતદાન કરશે.
દુઃખની વાત છે કે જનઆરોગ્ય અને સ્વાસ્થ્ય-સેવાઓ આપણા દેશમાં ચૂંટણીપ્રચારનો મુદ્દો જ નથી. કારણ કે બીમારોની કોઈ એકજૂથ વોટબૅંક નથી. દેશમાં જરૂરતમંદોને સરકાર દ્વારા સુલભ આરોગ્યસેવાઓ પૂરી પાડવાને બદલે મફત વીમો આપવાની તત્કાલીન સરકારની ‘આયુષ્માન ભારત યોજના’ આર્થિક અને નૈતિક રીતે કેટલી યોગ્ય છે તે એક અલગ ચર્ચાનો વિષય છે. હા, સરકારના ગમે તેટલાં ઢોલ-નગારાં છતાં હજી સુધી સમાજનો અતિ નાનકડો વર્ગ જ તેનાથી લાભાન્વિત થઈ શક્યો છે. માટે, આ યોજનાનો વ્યાપ વધારવાની તાતી જરૂરિયાત છે, એવી ટકોર વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHOએ) તાજેતરમાં કરી છે.
મહામારી કોઈ નાતજાત કે ધર્મની વોટબૅંક જોઈને નથી આવતી. વિષાણુ કોઈ વિચારધારાની દરકાર નથી કરતો. ચેપી બીમારી કોઈ સમાજ કે રાષ્ટ્ર પર પ્રહાર કરતા પહેલાં એ નથી પૂછતી કે તેનો નેતાની છાતી કેટલા ઇંચની છે. આ છદ્મવેશી વાઇરસને મ્હાત કરવામાં રાજકારણીઓના ઘમંડ કે ભપકા રતિભાર મદદ નહીં કરે. એ માટે તો જનસામાન્યના હિત સારુ કામ કરી જાણતા સમર્પિત લોકો અને તેમને મદદરૂપ એવા તંત્રની આવશ્યકતા છે, છેલ્લા છ મહિનામાં આ વાઇરસ એટલું જરૂર શીખવી ગયો છે કે વૈજ્ઞાનિક વિચક્ષણતા અને સ્વાસ્થ્યસેવકોની મહેનત માત્રથી તેને હરાવી નહીં શકાય. 'હમ હોંગે કામયાબ એક દિન'ની ભાવના શત-પ્રતિશત સાચી, પરંતુ રોગચાળાને કારણે જાનમાલને થતાં નુકસાનને ઓછામાં ઓછું રાખવા માટે એ બંનેથી ક્યાં ય વધારે જરૂર છે વહીવટી તંત્રની નમ્ર અને નિ:સ્વાર્થ કામગીરીની.
‘મોડર્ના’ની રસી : ઉજળી આશા
વૈશ્વિકીકરણના કારણે કોરોના વિષાણુએ અભૂતપૂર્વ ઝડપે વિશ્વ આખામાં પોતાના પગ પ્રસાર્યા છે. પરંતુ એ જ ઝડપે દુનિયા આખીના વૈજ્ઞાનિક સમુદાયે તેને કાબૂમાં કરવા અને હરાવવા કમર પણ કસી છે. સામાન્યતઃ કોઈ પણ વિષાણુ કે બેક્ટેરિયા સામેની રસી વિકસાવવામાં માનવજાતને દાયકાઓ લાગી જાય છે. આજ દિન સુધી સૌથી ઝડપી ગતિએ રસી ગાલપચોળિયાં સામે વિકસાવવામાં આવી હતી. તેમાં પાંચ વર્ષનો સમય વીતી ગયો હતો. ડેન્ગ્યુ અને એચ.આઈ.વી. જેવાં વાઇરસ સામે તો દાયકાઓની જહેમત છતાં હજી પણ શતપ્રતિશત અસરકારક રસી નથી વિકસાવી શકાઈ. પરંતુ કોરોના વાઇરસ સામેની લડતમાં જે ગતિએ સંશોધન હાથ ધરાયાં છે તે જોતાં રસીકરણના તજજ્ઞો માને છે કે આવનારા ૧ વર્ષની અંદર એક કે વધુ રસી સામાન્ય જનવપરાશ હેતુ માનવજાતના હાથમાં હશે. એવી એક સંભવિત રસી છે ‘મોડર્ના’ કંપનીની 'mRNA-1273'.
માનવશરીરના રોગપ્રતિકારક સિપાહી કોષો કોરોના વાઇરસની સપાટી પરનાં ખિલ્લેદાર સ્પાઇક પ્રોટીનને ઓળખી કાઢીને તેમની સામે લડવા માટે પ્રતિદ્રવ્યોરૂપી શસ્ત્રો તૈયાર કરે છે. ‘મોડર્ના’ની રસીમાં આ જ સ્પાઇક પ્રોટીન માટેનું જનીનિક લખાણ હશે — સહેલી ભાષામાં કહીએ તો કોરોનાનાં કપડાં પરનાં શણગારિયાં ફૂમતાં શાનાં બનેલાં છે તેની રાસાયણિક સામગ્રી. આટઆટલી માથાકૂટ કરવાનો ફાયદો એ કે સરવાળે રસી લેનાર વ્યક્તિએ મૃત કે જીવિત કોઈ પણ પ્રકારના વાઇરસ સામે જંગ ન આદરવો પડે. માત્ર કપડાં પરથી જ દુશ્મન ઓળખાઈ જાય અને ભવિષ્યમાં કદાપિ જો તે આવી ચઢે તો રોગપ્રતિકારક દળકટક તેને ઊગતાંવેંત જ ડામી દે. એ નોંધવું જોઈએ કે છેલ્લા બે દાયકાના પ્રયત્નો અને પરીક્ષણો છતાં આ પ્રકારની તકનિક પ્રમાણમાં નવી છે અને ભૂતકાળમાં તે કોઈ રોગ માટે ક્લિનિકલ પરીક્ષણોના ત્રણેય કોઠા ભેદી અકસીર સાબિત થયેલી નથી.
‘મોડર્ના’ની રસી માટે પ્રારંભિક બે તબક્કામાં આશાસ્પદ પરિણામો મળ્યાં બાદ એફ.ડી.એ. દ્વારા ત્રીજા તબક્કાની કસોટીઓ જુલાઈના અંત સુધી શરૂ કરવાની મંજૂરી મળી છે જેમાં લગભગ 30,000 જેટલા સહભાગી સ્વયંસેવકોને રસી આપવામાં આવશે. સાર્વજનિક વપરાશ માટે એફ.ડી.એ.ની અંતિમ મંજૂરી મળે તે પહેલાં આ રસીએ, એ બનાવનાર કંપનીએ અને એ બન્ને પાછળના વિજ્ઞાને ઘણો વિકટ મારગ કાપવાનો છે પરંતુ હાલ સુધી થયેલી પ્રગતિ આશાપ્રેરક જરૂર છે.
e.mail : durgeshmodi@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 02-03