Opinion Magazine
Number of visits: 9447427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—62

દીપક મહેતા|Opinion - Opinion|19 September 2020

નામ-રૂપ જૂજવાં : બોમ્બે ગ્રીન, એલ્ફિન્સ્ટન સર્કલ, હોર્નિમન સર્કલ

આ સર્કલ એટલે બ્રિટનના બાથ શહેરના રોયલ ક્રેસન્ટનું પ્રતિબિંબ 

માનશો? પહેલું ચર્ચગેટ સ્ટેશન દરિયાને અડીને આવેલું હતું

આપણા દેશમાંથી અંગ્રેજોનું રાજ ગયું તે પછી આખા દેશની જેમ મુંબઈમાં પણ જાહેર ઈમારતો, રસ્તાઓ, રેલવે સ્ટેશનો, વગેરે સાથે જોડાયેલાં અંગ્રેજોનાં નામ દૂર કરવાનું શરૂ થયું જે આજ સુધી ચાલુ રહ્યું છે. હજી થોડા વખત પહેલાં જ એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું છે. પણ કંઈ નહિ તો એક દાખલો આના કરતાં ઊંધો જોવા મળે છે. એક બગીચા અને તેની આસપાસના વિસ્તાર સાથે જોડાયેલું એક અંગ્રેજનું નામ દૂર કરીને બીજા અંગ્રેજનું નામ જોડવામાં આવ્યું અને તે નામ આજ સુધી સચવાઈ રહ્યું છે. એ નામ તે હોર્નિમન સર્કલ. જે પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ હતું તે. અને આ બન્યું ૧૯૪૮-૧૯૪૯ના અરસામાં, એટલે કે દેશને આઝાદી મળી એ પછી લગભગ તરત.

“ધ બોમ્બે ક્રોનિકલ”ના તંત્રી હોર્નિમન

આજે આ હોર્નિમનનાં નામ-કામ લગભગ ભૂલાઈ ગયાં છે, એટલે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે આ હોર્નિમન હતા કોણ? અને તેમણે એવું તે શું કરેલું કે દેશ આઝાદ થયા પછી પણ મુંબઈના એક લેન્ડ માર્ક સાથે તેમનું નામ જોડાયું? આખું નામ બેન્જામિન ગાય હોર્નિમન. ઇન્ગ્લંડના સસેક્સ પરગણાના ડવ કોર્ટ ખાતે જન્મ. પિતા વિલિયમ હોર્નિમન રોયલ નેવીમાં કામ કરતા. બેન્જામિન પહેલાં પોર્ટસમાઉથની ગ્રામર સ્કૂલમાં અને પછી મિલિટરી એકેડમીમાં ભણ્યા. પણ પછી ૧૮૯૪માં થયા પત્રકાર. એ વર્ષે તેઓ 'પોર્ટસમાઉથ ઇવનિંગ મેલ’ નામના અખબારમાં પત્રકાર તરીકે જોડાયા. પછી ‘ડેઈલી ક્રોનિકલ’, ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ જેવાં છાપાંમાં કામ કર્યું. ૧૯૦૬માં હિન્દુસ્તાન આવ્યા ને કલકત્તાના ‘ધ સ્ટેટ્સમેન’ના ન્યૂસ એડિટર બન્યા. સર ફિરોજશાહ મહેતાનું ધ્યાન એમના તરફ ગયું. તેમણે ૧૯૧૦માં મુંબઈથી ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું અખબાર શરૂ કર્યું હતું. એ વખતનાં મુંબઈનાં ઘણાંખરાં અંગ્રેજી છાપાં અંગ્રેજ રાજવટની તરફેણ કરનારાં હતાં. હિંદીઓ અને કૉન્ગ્રેસની નીતિ અને કામગીરીની તરફેણ કરવાની જરૂર જણાતાં તેમણે આ છાપું શરૂ કરેલું. કલકત્તામાં હતા ત્યારે પણ હોર્નિમનનું વલણ હિન્દુસ્તાનીઓની તરફેણમાં હતું. એટલે ફિરોઝશાહ મહેતાએ તેમને ૧૯૧૩માં પોતાના ‘બોમ્બે ક્રોનિકલ’માં તંત્રી તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું અને હોર્નિમન મુંબઈ આવી તેમાં જોડાયા. એ છાપું આઝાદી માટેની ચળવળને ટેકો આપતું એક મહત્ત્વનું સાધન બની રહ્યું.

સાલ ૧૯૧૯. મહિનો એપ્રિલ, તારીખ ૧૩. બ્રિટિશ રાજવટ દરામ્યાન અગાઉ ક્યારે ય બન્યું નહોતું એવું તે દિવસે બન્યું : જલિયાનવાલા હત્યાકાંડ. જનરલ ડાયરના હુકમથી પોલીસે લોકો પર આડેધડ ગોળી ચલાવી. એ દિવસ હતો વૈશાખીનો, પંજાબીઓના નવા વરસનો. બાગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લગભગ દસ મિનિટ સુધી સતત ગોળીબાર ચાલુ રહ્યો. કુલ ૧,૬૫૦ ગોળી પોલીસે છોડી, જેમાં જનરલ ડાયરના જ અહેવાલ પ્રમાણે ૨૦૦-૩૦૦ માણસો મરાયા. એ વખતે દેશમાં અંગ્રેજ સરકારની કડક સેન્સરશિપ હતી એટલે બીજાં છાપાં આ બનાવ વિષે ભાગ્યે જ કશું છાપી શક્યાં. પણ હોર્નિમન જેનું નામ! અહેવાલો મેળવ્યા, ફોટા મેળવ્યા, અને એ બધું બેધડક ‘બોમ્બે ક્રોનિકલ’માં છાપ્યું. તેમાંથી પહેલાં યુરપનાં, અને પછી બ્રિટનનાં છાપાંઓએ આ બધું પ્રગટ કર્યું. બ્રિટનમાં પણ હો હા થઈ ગઈ.

આ બનાવ વિષે તપાસ કરવા માટે ‘હન્ટર કમિશન’ નિમાયું જેણે જનરલ ડાયરને દોષી ઠેરવ્યા. પણ મુંબઈ સરકાર ચોંકી ઊઠી. આ માણસ તો ખતરનાક છે. બ્રિટિશ છે, પણ ઊભો રહે છે હિન્દીઓની તરાફેણમાં. જો કોઈ ‘દેશી’ તંત્રી હોત તો તો તાબડતોબ જેલ ભેગો કરી દીધો હોત. પણ આ તો એક અંગ્રેજ, અને પાછો પ્રતિષ્ઠિત પત્રકાર. ગોવર્ધન દાસ નામના ખબરપત્રીને તો ત્રણ વરસની જેલની સજા ઠોકી દીધી. હોર્નિમનને પણ પકડ્યા તો ખરા, પણ પછી ફરમાવી દેશનિકાલની સજા. એટલે હોર્નિમને છાપું છોડ્યું, મુંબઈ છોડ્યું, હિન્દુસ્તાન છોડ્યું. પણ પોતાને સાચી લાગેલી વાત છોડી નહિ. જલિયાનવાલા બાગની ઘટના વિષે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન એન્ડ ધ અમૃતસર મેસેકર નામનું પુસ્તક લખ્યું જે ૧૯૨૦માં પ્રગટ થયું. દેશનિકાલના હુકમમાં રહી ગયેલું કાનૂની છીંડું શોધીને પાછા હિન્દુસ્તાન આવ્યા અને ફરી ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી બન્યા. ૧૯૨૯માં પોતાનું છાપું કાઢ્યું, ‘ધ ઇન્ડિયન નેશનલ હેરાલ્ડ’. ૧૯૩૩થી બાર વરસ સુધી મુંબઈથી ‘બોમ્બે સેન્ટિનલ' નામનું સાંજનું દૈનિક ચલાવ્યું. અને પછી રૂસી કરંજિયા અને દિનકર નાડકર્ણી સાથે મળીને ૧૯૪૧માં સાપ્તાહિક ‘બ્લિટઝ’ શરૂ કર્યું. ૧૯૪૮માં હોર્નિમનનું અવસાન થયું તે પછી થોડા વખતે એલ્ફિન્સ્ટન સર્કલનું નામ બદલીને હોર્નિમન સર્કલ કરવામાં આવ્યું.

આ સર્કલ નજીકની મેડોઝ સ્ટ્રીટ પર ‘બોમ્બે ક્રોનિક્લ’નાં ઓફિસ અને છાપખાનું આવેલાં હતાં. જનરલ સર વિલિયમ મેડોઝ ૧૭૮૮થી ૧૭૯૦ સુધી મુંબઈના ગવર્નર હતા. તેમનો જન્મ ૧૭૩૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે. ૧૭૫૬માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા. ૧૭૮૮ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠી તારીખથી ૧૭૯૦ના જાન્યુઆરીની બીજી તારીખ સુધી તેઓ મુંબઈના ગવર્નર અને લશ્કરના જનરલ હતા. તે પછી તેમની બદલી મદ્રાસના ગવર્નર અને લશ્કરના જનરલ તરીકે થઈ. ટીપુ સુલતાન સાથેની લડાઈની શરૂઆતમાં તેઓ મદ્રાસ લશ્કરના વડા હતા. પણ પાછળથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે પોતે એ લશ્કરનું વડપણ સંભાળ્યું એટલે મેડોઝ તેમના હાથ નીચે રહીને લડ્યા. એક હુમલામાં પોતાની ભૂલને કારણે નિષ્ફળતા મળવાથી તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. લડાઈમાં જીત મળ્યા પછી તેમને પાંચ હજાર પાઉન્ડનું ઇનામ મળ્યું જે રકમ તેમણે પોતે ન રાખતાં પોતાના લશ્કરના સૈનિકોમાં વહેંચી દીધી, અને ૧૭૯૨માં સ્વદેશ પાછા ગયા. લાંબી લશ્કરી કારકિર્દી પછી ૧૮૧૩ના નવેમ્બરની ૧૪મીએ લંડનથી ૯૭ માઈલ દૂર આવેલા બાથ નામના શહેરમાં તેમનું અવસાન થયું. રોમનોએ બાંધેલા જાહેર બાથ(સ્નાનગૃહ)ને કારણે આ શહેરને ‘બાથ’ એવું નામ મળ્યું છે.

  

સ્વાતંત્ર્યસેનાની નગીનદાસ માસ્તર

આ મેડોઝ સ્ટ્રીટનું આજનું નામ નગીનદાસ માસ્તર માર્ગ. તેમનો જન્મ ૧૮૭૫માં. વકીલાતનો વ્યવસાય. મુંબઈની પહેલવહેલી બાર કાઉન્સિલના સભ્ય. એની બેસન્ટની હોમ રૂલની ચળવળ સાથે અને ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સાથે નજીકથી જોડાયેલા. બ્રિટિશ માલના બહિષ્કારમાં સક્રીય ભાગ લીધેલો. છ મહિનાની જેલની સજા ભોગવી. ૧૯૪૪મા મુંબઈના મેયર બન્યા. આ રોડ પર સેન્ટ પીટર્સ ચર્ચ આવેલું છે જે મુંબઈનું એકમાત્ર આર્મેનિયન ચર્ચ છે. ૧૬૭૦ના અરસામાં અહીં આર્મેનિયનો મોટા પ્રમાણમાં વસ્યા હતા. 

સર વિલિયમ મેડોઝનું જ્યાં અવસાન થયું તે બાથ શહેર અને મુંબઈ વચ્ચે પણ સીધો સંબંધ છે. બાથ શહેરમાંના રોમન બાથ જેમ જાણીતા છે તેમ ત્યાં આવેલ ધ રોયલ ક્રેસન્ટ વિસ્તાર અને તેની અર્ધગોળાકાર અને ૧થી ૩૦ નંબર ધરાવતી ઈમારતો પણ ખૂબ જાણીતી છે. જોન વૂડ ધ યંગર નામના સ્થપતિએ તૈયાર કરેલી આ ઈમારતનું બાંધકામ ૧૭૬૭થી ૧૭૭૪ દરમ્યાન થયું હતું. તેનું સ્થાપત્ય જ્યોર્જિયન શૈલીનું છે. ઊંચા, ખમતીધર થાંભલા એ એની ખાસિયત છે. આ ઈમારત બંધાઈ હતી પણ જરા જૂદી રીતે. માત્ર મોખરાનો અર્ધગોળાકાર ભાગ જ બાંધવામાં આવ્યો હતો અને તેને ૧થી ૩૦ સુધીના નંબર આપેલા. ખરીદનારાઓએ તેમાંનો કોઈ ભાગ ખરીદવાનો અને પછી મોખરાની પાછળની ઇમારત પોતાની ઇચ્છા મુજબ બાંધવાની! એટલે આગળથી જોતાં એક સરખી લાગતી આ ઇમારતો પાછલી બાજુથી જોઈએ તો જુદી જુદી લાગે! હા, બધી ઈમારતની ઊંચાઈ એક સરખી અને દરેકને માથે અગાસી રાખવાનું ફરજિયાત. આ ઈમારતો બંધાઈ રહ્યા પછી ‘શહેરમાં વસેલું ગામડું’ તરીકે પણ ઓળખાતી થઈ, કેમ કે દરેક ઈમારતની અગાસી પરથી સામેનું મોટું, ખુલ્લું મેદાન દેખાય છે.

બિંબ-પ્રતિબિંબ : રોયલ ક્રેસન્ટ અને એલ્ફિન્સ્ટન સર્કલ

મુંબઈમાં બોમ્બે ગ્રીન્સ પર જે ઇમારતો બાંધવામાં આવી તે આ ધ રોયલ ક્રેસંટને નમૂના તરીકે નજર સામે રાખીને બંધાઈ હતી. દિલ્હીનું કોનોટ પ્લેસ પણ તેને જ નમૂના તરીકે રાખીને બંધાયું છે. પછી તો આપણા દેશનાં ઘણાં શહેરોમાં આ રીતે ગોળાકાર કે અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ છે. હોર્નિમન સર્કલની ઇમારતોમાં વચમાં ઘણાં વરસ તો માલિકો કે ભાડૂતો મન ફાવે તે રીતે ફેરફારો કરતા, બહારની દિવાલ પર નામનાં પાટિયાં આડેધડ લગાડતા. જુગારીઓ અને ગંજેરીઓ સિવાય બીજું કોઈ વચમાંનાં ગોળાકાર બગીચામાં દાખલ થવાની હિંમત ભાગ્યે જ કરતું. પણ હવે સ્થિતિ થોડી સુધરી છે.

ચર્ચગેટ સ્ટેશન અને દરિયા કિનારો – અડખેપડખે!

હવે આ ગોળ ગોળ ઇમારતો છોડીને ચાલો ચર્ચગેટ સ્ટ્રીટ પર. આજનાં હોર્નિમન સર્કલ અને ફ્લોરા ફાઉન્ટન વચ્ચે આવેલો આ રસ્તો અસલના કોટ વિસ્તારના જૂનામાં જૂના રસ્તાઓમાંનો એક છે. મુંબઈના કિલ્લાને ત્રણ દરવાજા હતા તેમાંનો એક ચર્ચગેટ. એ દરવાજાથી સીધો ચર્ચ સુધી આ રસ્તો જતો હતો તેથી તે ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો. આમ, પહેલાં ચર્ચ, પછી રસ્તો, પછી કિલ્લાનો ગેટ. જીવણજી જમશેદજી મોદીનાં અને બીજાં કેટલાંક લખાણો પરથી જાણવા મળે છે કે ‘દેશી’ લોકો આ દરવાજાને પવન ચક્કી દરવાજા તરીકે અને રસ્તાને પવન ચક્કી રોડ તરીકે ઓળખતા. કારણ એ ગેટની બહાર ખુલ્લા મેદાનમાં એક મોટી પવન ચક્કી આવેલી હતી જ્યાં ઘણા લોકો સાંજે ‘હવા ખાવા’ જતા. પછીથી ૧૮૭૦માં ચર્ચગેટનું રેલવે સ્ટેશન બંધાયું ત્યારે એ સ્ટેશન સુધીનો રસ્તો પણ ચર્ચગેટ સ્ટ્રીટ બન્યો. માનશો? એ વખતે દરિયો અને ચર્ચગેટ સ્ટેશન અડોઅડ આવેલાં હતાં! આજે પણ સ્ટેશન તો એ જ જગ્યાએ છે, પણ દરિયો તેનાથી દૂર ગયો છે. મરીન ડ્રાઈવની પાળ સુધી.

કોટના ત્રણ દરવાજામાંનો એક ચર્ચગેટ

કિલ્લાની દિવાલો બંધાઈ ત્યારે જ આ ચર્ચગેટ પણ બંધાયો હતો. પણ એ મૂળ દરવાજાને તોડીને એ જ જગ્યાએ ૧૮૪૦માં નવો ગેટ બંધાયો. પણ એનું આયુષ્ય હતું માંડ વીસ-બાવીસ વરસનું. ૧૮૬૨ના અરસામાં કિલ્લો તોડી નાખવામાં આવ્યો ત્યારે એ ગેટ પણ ભોંય ભેગો થયો. જો કે કિલ્લાની ઉપયોગિતા કેટલી રહી છે એ અંગેની ચર્ચા તો ઠેઠ ૧૮૪૧થી શરૂ થઈ ગઈ હતી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ ૧૮૪૧માં લખ્યું હતું: 'મુંબઈના કિલ્લાને જાળવી રાખવાની હવે કોઈ જરૂર રહી નથી. શહેરનાં રહેવાસીઓ માટે હવે તે માથાનો દુઃખાવો બની ગયો છે. અને સરકાર તેની પાછળ જે પૈસા ખર્ચે છે તે નકરો બગાડ છે. તેમાં વળી હમણાં જ સરકારે ૩૦ હજાર રૂપિયા ખર્ચીને ચર્ચગેટ નવેસરથી બાંધ્યો છે. આ કિલ્લો હવે શહેરને ગળે બાંધેલા ઘંટીના પડ જેવો બની ગયો છે.’

પણ બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ? ૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમને ગળે આ વાત શીરાના કોળિયાની જેમ ઊતરી ગઈ અને તેમણે કિલ્લો તોડી પાડવાનો હુકમ કર્યો. ફોર્ટ કહેતાં કોટ ગયો, પણ નામ રહી ગયું. આજે આ કિલ્લાનો કોઈ અવશેષ જોવા મળે ખરો? ના. કોટ વિસ્તારમાં જ એક દિવાલને આ કિલ્લાની દિવાલ તરીકે ઘણી વાર ઓળખાવવામાં આવે છે, પણ હકીકતમાં એ દિવાલ મુંબઈના કિલ્લાની નહિ, પણ ફોર્ટ સેન્ટ જ્યોર્જની છે. જ્યારે મુંબઈના કોટની અંદરની જગ્યા ઓછી પડવા લાગી ત્યારે એ કિલ્લાની નજીક આ ફોર્ટ સેન્ટ જ્યોર્જ બાંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે જેનું નામ તેનો નાશ. પણ અહીં તો ફોર્ટ કહેતાં કોટ ગયો તો ય તેનું નામ રહી ગયું. કિલ્લો તોડ્યા પછી શું શું થયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2020

Loading

19 September 2020 admin
← સુરેશ જોષીકૃત ૩ ટૂંકીવાર્તાઓ —એક ટૂંકી નૉંધ
સર્વોચ્ચ અદાલતનો સરેરાશ 90 ટકા સમય સ્પેશિયલ લીવ પિટીશન સાંભળવામાં ખર્ચાય છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved