આજે મુલાકાત લઈએ બીજાપુરના નહિ, મુંબઈના ગોળ ગુંબજની
ભાઈઓ અને બહેનો, તૈયાર થઈ જજો આજે ગોળ ગુંબજની મુલાકાત લેવા. ના, ના. એ માટે આપણે બીજાપુર નહિ જવું પડે. આપણી આ મુંબઈ નગરીમાં જ આવેલો છે બીજાપુરના ગોળ ગુંબજના નાના ભાઈ જેવો ગુંબજ. કદાચ તમે ત્યાંથી પસાર તો થયા હશો. પણ આ ગુંબજ તરફ ધ્યાન નહિ ગયું હોય. અગાઉ ન ગયા હો તો સેન્ટ્રલ રેલવેમાં જવું સહેલું પડશે. બોરી બંદર કહેતાં વી.ટી. કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઉતરી જવાનું. ઉતરતાં પહેલાં એક આડ વાત. અંગ્રેજો ઘણા વ્યવહારડાહ્યા. બરાબર જાણે કે કોઈ પણ રસ્તા કે ઈમારતનું નામ લાંબું રાખશું તો લોકોના મનમાં એ નહિ વસે. એટલે બને ત્યાં સુધી નામ રાખે એકદમ ટૂંકા ને ટચ. વી.ટી. કહેતાં વિક્ટોરિયા ટર્મિનસ. નામની આગળ ‘ક્વીન’ પણ ઉમેરેલું નહિ. તો બીજું એક નામ ક્વીન્સ રોડ. એમાં રાણી વિક્ટોરિયાનું નામ જ નહિ! બીજાં પણ ઘણાંખરાં નામ એવાં જ : પ્રિન્સેસ સ્ટ્રીટ, હોર્નબી રોડ, એલ્ફિન્સ્ટન સર્કલ. જ્યારે આપણને માત્ર નામથી સંતોષ ન થાય. આગળ વિશેષણોનો હારડો લગાડવો જ પડે. ક્યાંક ભૂલમાં ‘મહારાજ’ જેવું એકાદ વિશેષણ રહી ગયું હોય તો પાછળથી ઉમેરવું પડે. આજે ધોબી તળાવનું સત્તાવાર નામ શું છે? ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બલવંત ચોક.’ તમે બસમાં બેસીને કંડક્ટરને આખું નામ કહો ત્યાં સુધીમાં તો બસ બોરી બંદર પહોંચી ગઈ હોય!
અને આ બોરી બંદર કહેતાં વિક્ટોરિયા ટર્મિનસ પાસે આવેલી એક ભવ્ય ઈમારત. ‘રંગ મહલ કે દસ દરવાજે.’ આપણા ઘણા સંત કવિઓ મનુષ્યની કાયા નગરીને દસ દરવાજા હોવાનું કહે છે : પાંચ જ્ઞાનેન્દ્રીઓ અને પાંચ કર્મેન્દ્રીઓ. બીજાપુરના ગોળ ગુંબજની પ્રતિકૃતિ જેવા ગુંબજનો તાજ જેને માથે શોભે છે એ ઈમારતને પણ કુલ દસ દરવાજા કે પ્રવેશ દ્વાર છે. પણ તમારા-મારા જેવાને આવવા-જવા માટે તો ગેટ નંબર ૩.
એક જમાનામાં જ્યાં મુંબઈના કોટનો બજાર ગેટ નામનો દરવાજો આવેલો હતો તેનાથી થોડે દૂર બંધાયેલું જનરલ પોસ્ટ ઓફિસ, કહેતાં જી.પી.ઓ.નું મકાન. પછીથી જે CTO બન્યું તે પહેલાં GPO હતું તેની વાત આપણે અગાઉ કરી છે. તાર-ટપાલ ખાતાનું કામ પરીકથાની રાજકુમારીની જેમ દિવસે ન વધે તેટલું રાતે વધે, અને રાતે ન વધે એટલું દિવસે વધે. એટલે તાર-ટપાલના છુટ્ટા છેડા કરાવવાનું નક્કી થયું. અને ટપાલ માટે નવું મકાન બાંધવાનું.
અંગ્રેજો જેમ ચતુર તેમ દૂરંદેશી પણ ખરા. આજનો નહિ, કાલનો નહિ, પરમ દિવસનો વિચાર કરીને મકાનો બાંધે. એટલે બાંધી જંગી ઈમારત.
પાસપાસે તોય કેટલાં જોજન દૂર – કાચ મઢ્યું ચર્ચગેટ સ્ટેશન અને વડું મથક
આપણે આપણા વારસાના વૈભવની વાતો તો ઘણી કરીએ છીએ. પણ આપણે બાંધેલાં મકાનો જુઓ. ચર્ચ ગેટ સ્ટેશનનું હાલનું મકાન, મંત્રાલય, રિઝર્વ બેંકનું નવું મકાન. ગણતાં ના’વે પાર. બધાં મકાન માચીસનાં ખોખાં ખડકેલાં હોય એવાં. ચર્ચ ગેટના મકાન અંગે શું થયેલું એ આજે તો ઘણા ભૂલી ગયા હશે. રસ્તાની બીજી બાજુ, બરાબર, સામે પશ્ચિમ રેલવેના વડા મથકની આલીશાન, વૈભવી, આકર્ષક ઈમારત, જે આજે ય અડીખમ ઊભી છે. તેની સામે બાંધ્યું વરવું, ઊંચું ખોખા જેવું મકાન. મકાન બંધાઈ રહ્યા પછી કેટલેક વરસે વળી કોકને તુક્કો આવ્યો કે આ મકાનને ‘૨૧મી સદીને લાયક’ બનાવવું જોઈએ. તો કરવું શું? મઢી દો આખા મકાનને કાચથી. દિવસે સૂરજના અને રાતે સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં એ એવું ઝગમગીને શોભશે કે દ્વારિકાને જોઇને સુદામાએ કહેલું એમ લોકો કહેશે : “કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે.’ મકાનમાં કામ કરતા ૧,૫૦૦ કર્મચારીઓએ વારવાની ઘણી મહેનત કરી : આ મુંબઈની ભેજવાળી હવામાં, ચારે બાજુએ કાચથી મઢેલા મકાનમાં અમને કેટલી અકળામણ, ગૂંગળામણ થશે એનો તો વિચાર કરો, જરા! પણ નોકરિયાતોનું તે કાંઈ સંભળાય? મઢી દીધું આખું મકાન કાચથી. સાહેબોની ઓફિસો તો એરકંડિશન્ડ. પણ બીજાઓ તો તાજી હવા માટે બારી પણ ખોલી ન શકે. થોડાં વરસ ગાડું ગબડ્યું. અંગ્રેજોએ બાંધેલી કેટલીયે ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. જ્યારે ચર્ચ ગેટના મકાન પરથી ‘ગ્લાસ પેનલ્સ’ છૂટી થઈને નીચે રસ્તા પર પડવા લાગી. તેમાં એક રાહદારીનું મૃત્યુ થયું. અને ઉપરથી હુકમ છૂટ્યો : અબી હાલ કાઢી નાખો આ કાચની દીવાલો. કાઢતી વખતે ખબર પડી કે કાચ મઢવા માટે સ્ટીલની જે ફ્રેમ બનાવેલી તે ઘણી જગ્યાએ કટાઈ ગઈ હતી એટલે અવારનવાર નીચે પડતું મૂકીને કાચ આપઘાત કરતા હતા અને તેથી અપઘાત થતા હતા. પણ કોઈએ એવું પૂછ્યું નહિ કે કોન્ટ્રેક્ટરે એવી તે કેવી સ્ટીલ ફ્રેમ વાપરેલી કે દસ-બાર વરસમાં કટાઈ ગઈ. આજે હવે ચર્ચ ગેટ સ્ટેશનનું મકાન જોઈએ તો તડકામાં ઊભેલા કોઈ અર્ધનગ્ન ભિખારી જેવું લાગે. બ્રિટિશ શાસન દરમ્યાન બંધાયેલાં મકાનો મજબૂત, એ વખતની જરૂરિયાત કરતાં ઘણાં મોટાં. વિક્ટોરિયન અને ગ્રીકો રોમન શૈલીનો પ્રભાવ ઘણો એની ના નહિ, પણ હિન્દુસ્તાનના હિંદુ-મુસ્લિમ સ્થાપત્યના અંશોનો પણ પ્રયત્નપૂર્વક સમાવેશ જોવા મળે.
૧૭૯૪માં ચાર્લ્સ એલ્ફિન્સ્ટન મુંબઈ ઇલાકાના પહેલા પોસ્ટ માસ્તર જનરલ થયા. ટપાલની હેરાફેરી સરળતાથી અને ઝડપથી થાય એ માટે મુંબઈમાં જનરલ પોસ્ટ ઓફીસ હોવી જોઈએ એવું તેમને લાગ્યું. એ વખતે ટપાલ એટલે મુખ્યત્વે બ્રિટન આવતી-જતી ટપાલ. એટલે આ જનરલ પોસ્ટ ઓફિસ મુંબઈના બંદર વિસ્તાર નજીક હોય તો સગવડ રહે. એટલે ડોકયાર્ડ અને એપોલો પિયર નજીકના એક મકાનમાં તેમણે પહેલી GPO શરૂ કરી. પછી વખત જતાં ૧૮૭૨ના ડિસેમ્બરની પહેલી તારીખે તેને ફ્લોરા ફાઉન્ટન પાસેના મકાનમાં ખસેડી, જ્યાં શરૂઆતમાં તાર અને ટપાલ, બંનેનું કામ થતું, પણ એ ઓળખાતી GPO તરીકે. પછી એ મકાન નાનું પડવા લાગ્યું. એટલે તાર-ટપાલ સેવા માટે અલગ અલગ મકાન બાંધવાનું નક્કી થયું.
સર એલેક્ઝાન્ડર કનિંગહામે ૧૮૬૧માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી ત્યારથી અંગ્રેજ સ્થપતિઓને હિન્દુસ્તાની સ્થાપત્ય શૈલીઓમાં વધુ ને વધુ રસ પડવા માંડ્યો. અને નવાં મકાનોમાં ખાસ પ્રયત્નપૂર્વક તેઓ અહીંના હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યના અંશો સમાવવા લાગ્યા. GPO માટે નવું મકાન બાંધવાનું સોંપાયું વિખ્યાત સ્થપતિ જોન બેગને. તેમનો જન્મ ૧૮૬૬ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે, અવસાન ૧૯૩૭ના ફેબ્રુઆરીની ૨૩મી તારીખે. પ્રખ્યાત અંગ્રેજ કવિ રોબર્ટ બર્ન્સના પોતે વારસદાર છે એમ તેઓ કહેતા. ૧૮૭૯થી ૧૮૮૩ સુધી એડનબરા એકડમીમાં અભ્યાસ. એ જમાનાના જુદા જુદા જાણીતા સ્થપતિઓ સાથે કામ કર્યા પછી ૧૯૦૧માં તેમની નિમણૂક બોમ્બે ગવર્ન્મેન્ટના સલાહકાર સ્થપતિ તરીકે થતાં તેઓ મુંબઈ આવ્યા. અહીંની સરકારે તેમને ૧૯૦૪માં JP અને પ્રિસાઈડિંગ મેજિસ્ટ્રેટ પણ બનાવ્યા. ઉપરાંત જ્યોર્જ વિટેટ નામના બીજા એક સ્થપતિને તેમના મદદનીશ નીમ્યા.
વખત જતાં વિટેટે સ્વતંત્ર રીતે મુંબઈના એક મહત્ત્વના મકાનનું બાંધકામ સંભાળ્યું. એ મકાન જોતાંવેંત GPOના મકાન સાથે આપોઆપ તેની સરખામણી થઈ જાય. એ મકાન તે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનું મકાન. બંનેની બાંધણીમાં વિશાળ ઘુમ્મટ સહિત ઘણી સમાનતા જોવા મળે. આ ઉપરાંત ગેટ વે ઓફ ઇન્ડિયા, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ, કાવસજી જહાંગીર હોલ, અને તાતા ગ્રુપના વડા મથક બોમ્બે હાઉસનું નિર્માણ પણ વિટેટને આભારી.
જી.પી.ઓ.ના સ્થપતિ જોન બેગ
૧૯૦૭માં જોન બેગની નિમણૂક હિન્દુસ્તાનની સરકારના સલાહકાર સ્થપતિ તરીકે થઈ. પણ એ વખતે નવા બંધાઈ રહેલ નવી દિલ્હીના સ્થપતિ લુટન સાથે તેમને ફાવ્યું નહિ. બન્ને એકબીજાના કામમાં વાંધાવચકા કાઢ્યા કરે. પણ હિન્દુસ્તાનની સરકારે લુટનનો પક્ષ લીધો. એટલે બેગે લુટન વિશેની ખાનગી માહિતી, અફવાઓ, વગેરે પોતાના સાળાને મોકલવાનું શરૂ કર્યું. સાળો એ બધી માહિતી જોસેફ કિંગ નામના બ્રિટિશ પાર્લામેન્ટના વગદાર સભ્યને પહોંચાડતો. અને ઘણી વાર એ અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા થતી. છેવટે ૧૯૧૩ના માર્ચમાં લોર્ડ હાર્ડિન્જે નવી દિલ્હીના બાંધકામ અંગેની કોઈ વાત કે વિગત બેગને આપવી નહિ એવી મૌખિક સૂચના કરી. બેગ પાછા સ્વદેશ ગયા પછી ન તો તેમને બીજું કોઈ સરકારી કામ મળ્યું કે ન તો કોઈ માન-અકરામ. સ્વદેશમાં તેમણે ફરીથી અંગત રીતે સ્થપતિ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
ગોળ ગુંબજ – મુંબઈનો
એ જમાનામાં GPOનું મકાન બાંધતાં નવ વરસ લાગેલાં. ૧૯૦૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે શરૂ થયેલું બાંધકામ ૧૯૧૩ના માર્ચની ૩૧મીએ પૂરું થયું. આ મકાન એક રીતે નસીબદાર, કે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં તે બંધાઈ ગયું એટલું જ નહિ, ત્યાં ટપાલ ખાતાનું કામ પણ શરૂ થઈ ગયું. અગાઉ જેની વાત કરી છે તે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનું મકાન એટલું નસીબદાર નહિ. એનું બાંધકામ પૂરું થવાને આરે હતું ત્યારે જ સરકારે તેનો કબજો લીધો અને તેનો ઉપયોગ યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરતી હોસ્પિટલ તરીકે કર્યો. જો કે ટપાલ ખાતાના કેટલાક કર્મચારી પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ફરજ બજાવતાં માર્યા ગયા હતા. તેમનાં નામ ધરાવતી તકતી મકાનના ત્રીજા નંબરના, એટલે કે મુખ્ય દરવાજા પાસે ચોડેલી છે. GPOનું મકાન અધધધ ૫૨૨ ફૂટ લાંબુ છે અને તે કુલ ૧,૨૦,૦૦૦ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે. અને આટલું મોટું, ભવ્ય અને સુંદર મકાન બાંધવાનો ખરચ? પ્રિય વાચક, દિલ થામ કે બૈઠના. કુલ ખરચ થયો હતો રૂપિયા ૧૮,૦૯,૦૦૦, હા અઢાર લાખ નવ હજાર રૂપિયા ફક્ત! આટલા પૈસામાં, આ વિસ્તારમાં, આજે કેટલા ઇંચ જગ્યા મળે એ તો કોઈ જાણકાર જ કહી શકે.
જી.પી.ઓ.માં આવેલું શહીદ સ્મારક
બ્રિટિશ હકૂમત દરમ્યાન મુંબઈમાં બંધાયેલાં બધાં મકાનોમાં આ મકાન જૂદું તરી આવે છે તે તેના ભવ્ય ઘુમ્મટને કારણે. ૬૫ ફૂટનો વ્યાસ કહેતાં ડાયામીટર ધરાવતો આ ઘુમ્મટ આપણા દેશમાંનો બીજા નંબરનો સૌથી મોટો ઘુમ્મટ છે. અલબત્ત, પહેલા નંબરે આવે છે બીજાપુરનો ગોળ ગુંબજ, જેનો વ્યાસ ૧૨૪ ફૂટ છે, જે તેને આખી દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ઘુમ્મટ બનાવે છે. આ મકાનની બીજી એક વિશિષ્ટતા એ છે કે એની બાંધણી પૂરેપૂરી સ્વદેશી છે. તે બાંધવામાં કાળો બેઝાલ્ટ પથ્થર, કુર્લાનો પીળો પથ્થર, અને ધ્રાંગધ્રાનો સફેદ પથ્થર – એમ ત્રણ જાતના પથ્થર વપરાયા છે. અને તેની બાંધણીમાં વિક્ટોરિયન, ગ્રીકો-રોમન, હિંદુ, અને મુસ્લિમ સ્થાપત્યના અંશોનો સંવાદ સધાયેલો જોવા મળે છે.
ગેટ નંબર ૩માંથી દાખલ થઈએ એટલે સૌ પહેલાં નજરે પડે –
શું નજરે પડે એની, અને આ મકાન અંગેની બીજી કેટલીક વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 જૂન 2024)