ના, આ પરીકથા નથી. પણ એક ખરી કથા છે. આજથી નવેક દાયકા પહેલાંના મુંબઈ શહેરમાં એક છોકરી રહે. પરીકથામાં રાક્ષસને રોજ એક બત્રીસ લક્ષણો ખાવા જોઈએ. આ ખરી કથામાં છોકરીને રોજ એક નવી ચોપડી વાંચવા જોઈએ. પિતા રોજ સાંજે કામ પરથી ઘરે આવે ત્યારે એને માટે એક નવી ચોપડી લેતા આવે. બીજે દિવસે તો ચોપડી પૂરી. છોકરી હતી ભારે નસીબદાર. વાંચવા માટે એની પાસે ત્રણ-ત્રણ મહેલ. ઘરના કંપાઉન્ડમાં આવેલું વડનું મોટું ઝાડ તે એક નંબરનો મહેલ. ઘટાદાર આંબલી એ બે નંબરનો મહેલ. અને નાની ચીકુડી તે ત્રણ નંબરનો મહેલ. મન થાય તે મહેલમાં બેસીને અંધારું થાય ત્યાં સુધી ચોપડી વાંચીને પૂરી કરે. ક્યારેક નવી ચોપડી ન મળે ત્યારે દુઃખીના દાળિયા થઈ જાય, અને એ નાની ધીરુ મોટી ધીરુને કાગળ લખે : ‘મોટી ધીરુ : વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુઃખ પડે છે. નાના છોકરાઓ માટે તો જરૂર જરૂર લખજે ને મહેરબાની કરી સલાહો ન આપતી. લિ. નાની ધીરુ.’
આ નાની ધીરુ એટલે આપણા આલા દરજ્જાના લેખક ધીરુબહેન પટેલ. ના, લેખિકા નહિ. શું જીવનમાં કે શું સાહિત્યમાં સ્ત્રી તરીકે ગ્રેસનો (વધારાનો) એકે માર્ક ન માગ્યો કે ન સ્વીકાર્યો. સોળ વરસની ઉંમરે ૧૯૪૨માં ‘સંદેશ’ વર્તમાનપત્રના દિવાળી અંકમાં પહેલી વાર્તા છપાઈ ત્યારથી માંડીને લગભગ છેલ્લા દિવસો સુધી ધીરુબહેન લખતાં રહ્યાં. જો કે લખવાનું કામ સહેલું નહોતું. થોડાં કાવ્યો લખેલાં તે એક વાર આપણા મૂર્ધન્ય સાક્ષર બલવન્તરાય ઠાકોરને બતાવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘મારું માને તો હમણાં કવિતા લખવાનું રહેવા દે. પહેલાં ગદ્ય પાકું થાય પછી કવિતાનો વારો.’ રામપ્રસાદ બક્ષી જેવા મોટા ગજાના વિદ્વાન જ્યાં આચાર્ય હતા એ સાંતાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં ભણવા માટે દાખલ થયાં. જાણીતા અભ્યાસી વિવેચક ભૃગુરાય અંજારિયા ગુજરાતીના શિક્ષક. તેમણે એક વાર ટોણો માર્યો : ‘જીવનના યાદગાર પ્રસંગોએ પણ કવિતાની ચાર લીટી ય લખી ન શકે તેને કાંઈ શિક્ષિત કહેવાય?’ પત્યું. ધીરુબહેને મનમાં ગાંઠ વાળી લીધી : ‘હવેથી જે કાંઈ લખવું તે જાતને પૂછીને જ લખવું. બીજા કોઈ ચમરબંધી લેખકને પણ પૂછીને નહિ.’ અને પોતાનાં ઢગલાબંધ પુસ્તકો દ્વારા ધીરુબહેને વાચકો માટે પણ ત્રણ મહેલ બનાવ્યા : પહેલો કથા-નવલકથાનો, બીજો નાટક-એકાંકીનો અને ત્રીજો પેલી નાની ધીરુ જેવાં બાળકો માટેનાં વાર્તા-નાટક-કાવ્યો-જોડકણાંનો.

ધીરુબહેન પટેલ
ધીરુબહેનનો જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવન અને લેખનનું કાઠું ઘડાયું તે તો મુંબઈમાં અને મુંબઈથી. ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી સાથે એમ.એ. કરી અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક થયાં. પણ પછી બધો સમય લેખનને આપી શકાય એ માટે કોલેજની નોકરી છોડી. એ વખતે જ નક્કી કર્યું કે હવે પછી કોઈ પણ જાતની નોકરી કરવી નહિ. પછીથી સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના સ્થાપક તંત્રી થયાં, પણ ત્યારે પગાર કે ભથ્થાં પેટે પણ એકે રૂપિયો લીધો નહિ.
૧૯૫૫માં પહેલાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘અધૂરો કોલ’ વાર્તાસંગ્રહ, અને ‘પહેલું ઇનામ’ નાટક. પણ એક મોટા ગજાના લેખક તરીકે વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચાયું તે તો ૧૯૬૩માં ‘વડવાનલ’ નવલકથા પ્રગટ થઈ ત્યારથી. તે પછી પ્રગટ થઇ વાવંટોળ, શીમળાનાં ફૂલ, વમળ, ગગનનાં લગન, કાદમ્બરીની મા, એક ડાળ મીઠી, અતીતરાગ, આગંતુક. ૧૯૯૬માં પ્રગટ થયેલી આગંતુક નવલકથા માટે ધીરુબહેનને ૨૦૦૧માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો.
અધ્યાપક બન્યાં પછી થોડો વખત ધીરુબહેન વિવેચન અને પુસ્તક સમીક્ષા લખવા તરફ વળ્યાં. વિવેચક તરીકે તેમણે ઘણાનું ધ્યાન પણ ખેંચ્યું. પણ જેમની પાસે સ્કૂલમાં ભણેલાં તે રામપ્રસાદ બક્ષી એક વાર સાન્તાક્રુઝના ટાગોર રોડ અને સરસ્વતી રોડના નાકે મળી ગયા ત્યારે તેમણે લાલ બત્તી ધરી : ‘ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઈ જશો. તમારે એ નથી થવાનું – બહુ સભાન થઈ જશો તો સર્જકતા કદાચ ખોઈ બેસશો. એ ન કરશો.” બસ, ગુરુ આજ્ઞા શિરોધાર્યા.
પહેલી નવલકથા ‘વડવાનલ’ જન્મભૂમિ-પ્રવાસીમાં હપ્તાવાર પ્રગટ થતી હતી. બાકીના બધા દિવસ ધીરુબહેન ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના અનુવાદ કરે અને ગુરુવારે ‘વડવાનલ’નું એક પ્રકરણ લખે. આ રીતે એક વરસ લખીને એ નવલકથા પૂરી કરી. ત્રીજા જ પ્રકરણ વખતે ધીરુબહેન ભારે અસ્વસ્થ. તેમને વિચારમાં ડૂબેલાં જોઇને માતા ગંગાબહેન પટેલે પૂછ્યું : ‘શું થયું છે?’ ‘બા! લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કંઈ નથી. આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” મા તરત બોલ્યાં : ‘લોકોની દરકાર કરે એનાથી લેખક થવાય?’ આ એક જ ટોણો બસ હતો. તે દિવસથી ધીરુબહેનની કલમ સડસડાટ ચાલવા લાગી, તેમણે પોતે ધારેલે રસ્તે જ.
ગંગાબહેન એટલે એ જમાનાનાં એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની. ગાંધીજી અને બીજા ઘણા નેતાઓ સાથે ઓળખાણ. આઝાદીની લડત દરમ્યાન જેલમાં પણ ગયેલાં. પિતા ગોરધનભાઈ વેપારી, પણ મુક્ત મનના. ધીરુબહેન બે-ત્રણ મહિનાની ઉંમરનાં હતાં ત્યારે ઘરમાં તેમના કાન વીંધાવવા અંગે ચર્ચા થવા લાગી. ત્યારે પિતાએ બહુ દૃઢતાથી કહ્યું : ‘એ મોટી થાય અને એનો પોતાનો નિર્ણય કરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ જોઈએ. એને પૂછ્યા વગર આપણે એના કાન કઈ રીતે વીંધાવી શકીએ?’ અને એટલે ધીરુબહેનના કાન ક્યારે ય વિંધાયા નહિ. ધીરુબહેને કહ્યું છે : ‘મારી અંદરનું જીવન લીલુંછમ રહી શક્યું એનું મુખ્ય કારણ મારાં માતા-પિતા. એમણે મને હંમેશાં મારી રીતે જીવવા દીધી છે.’
ધીરુબહેનને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં મેં તેમને પૂછેલું : ‘તમે આજીવન ખાદી પહેરી છે, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં તમે ગાંધીવાદી નથી, એમ કેમ?’ તેમનો જવાબ : ‘ગાંધીજી પોતે ગાંધીવાદી નહોતા એટલે જ તો તેમને ચાહું છું.’ ધીરુબહેન જેમ ગાંધીવાદી નહિ તેમ નારીવાદી પણ નહિ. નવલકથા, વાર્તા, નાટક વગેરેમાં અનેક સબળ નારીપાત્રોનું સર્જન તેમણે કર્યું. અને છતાં રૂઢ અર્થમાં તેમને નારીવાદી કહી ન શકાય. આ અંગે તેમને પૂછતાં જવાબ મળેલો : ‘હું નારીવાદી નથી કારણ હું નથી બધા પુરુષોને ધિક્કારતી કે નથી દરેક સ્ત્રી દેવી હોય છે એમ માનતી.’
ધીરુબહેનને કશાનો છોછ નહિ. રેડિયો, ટી.વી., રંગભૂમિ, ફિલ્મ વગેરે માટે પણ લખે. પોતાની જાતને પૂછીને લખે તેમ બીજાની જરૂરિયાત પ્રમાણે પણ લખી આપે. આપણા જાણીતા સર્જક ગુલાબદાસ બ્રોકરે એક સંપાદન માટે ધીરુબહેન પાસે વાર્તા માગી. પણ જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવતી હોય એવી વાર્તા જોઈએ. ધીરુબહેને તરત કહ્યું : ‘એવી વાર્તા તો મેં લખી નથી. પણ તમે બે કલાક રાહ જોઈ શકો તો લખીને મોકલું.’ પછી તો એ વાર્તા બીજાં પણ ઘણાં સંપાદનોમાં લેવાઈ. એવી જ રીતે તેમણે એકમાત્ર ગઝલ પણ લખી આપેલી જેને વરસનાં શ્રેષ્ઠ કાવ્યોના સંપાદનમાં પણ સ્થાન મળેલું.
ધીરુબહેન એટલે સામા પૂરે તરનાર અઠંગ તરવૈયા. સત્તાણુ વરસની ઉંમરે નબળી થતી જતી તબિયત સામે છેલ્લા દિવસ સુધી ઝઝૂમ્યાં. તેમણે લખવાનું શરૂ કર્યું ત્યારે હજી લેખિકાઓને વિવેચકો બહુ ગંભીરતાથી જોતા નહિ. બીજું, એ વખતે આપણા સાહિત્યમાં ઘટનાનું તિરોધાન, ભાષાકર્મ, આકૃતિબંધ વગેરેના હઠાગ્રહવાળું આધુનિકતાનું વાવાઝોડું ફૂંકાતું હતું. ત્યારે બીજાને નહિ પણ પોતાને પૂછીને લખવું અઘરું. પણ ધીરુબહેન એટલે ‘આસન સે મત ડોલ.’ અને એટલે જ સાચી સર્જકતા રૂપી ‘પિયા’નું મિલન તેમને થયું.
xxx xxx xxx
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ચિત્રલેખા”; 29 માર્ચ 2023 તારીખનો અંક
![]()


કાઠું ઊંચું, દૂરથી દેખાય અને ટોળામાં તરી આવે એવું. ગજું ય એવું. દેશવિદેશના મહારથીઓ ભેગા ખભેખભા મેળવી ઊભું રહે એવું. મોભા ય મોટા, વહીવટ અને ઉદ્યોગની દુનિયામાં આંક ઊંચો. અમારી વચ્ચે આમાંનું કશું આવે નહિ. રાજકારણના આટાપાટા હું દૂરથી નીરખું અને ઉદ્યોગ-બુદ્યોગની આંટીઘૂંટીમાં મારી ચાંચ ડૂબે નહિ. અમારી ઓળખ સાવ અંગત, વહાલેરા વડીલ કે મોંઘેરા મિત્ર જેવી. ૧૯૬૩ના ગાળે એ દિલ્હીમાં હતા ત્યારે એ અમારા કળાકાર મિત્રોને ઓળખતા. હું ય દિલ્હીનો ફેરો કરતો પણ એમને મળવાનું કેમ ચૂકી ગયો એની હજી નવાઈ. અમારા ‘ગ્રૂપ ૧૮૯૦’ના મોવડી કળાકાર સ્વામીનાથન્ને એ જાણે અને હિમ્મત શાહ તો ઘરના માણસ જેવા. જેરામ પટેલ પણ એ વર્તુળમાં આવે. ‘ગ્રૂપ’ના સભ્યોને દિલ્હીના જૂના કિલ્લે ઊભા રાખી તસ્વીર લેનાર કિશોર પારેખ એમનો ગોઠિયો. એ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’નો તસ્વીરકાર એટલે એ તસ્વીર એ વર્તમાનપત્રના પહેલા પાને છપાવવાનો જશ એને જ. હસમુખભાઈના બીજા મિત્ર રસિક હેમાણીને સુગંધીનો ધંધો પણ એ કળાકારોને કપરા દિવસોમાં સાચવી લેતા. એ દિવસોમાં હસમુખભાઈ અને નીલાબહેનનું સરનામું કળાકારોમાં અને દિલ્હીના સંસ્કારી સમાજમાં સારું એવું જાણીતું.
હસમુખભાઈનો ધરોહરને સાચવવાનો રસ ધીમે ધીમે ઇતિહાસનાં અધખૂલેલાં બારણાં ખોલવામાં પરિણમ્યો : દર્શક ઇતિહાસ નિધિની સ્થાપના અને એના નેજા હેઠળ ગુજરાતના સાગરકાંઠાના ઇતિહાસ પર આંતરરાષ્ટ્રીય તેમજ દેશના નિષ્ણાતો સાથે પરિસંવાદોની યોજનામાં એ અથથી ઇતિ લગી જોડાતા થયા. ભરૂચના પરિસંવાદમાં હું પ્રેક્ષક તરીકે ગયો હતો, પણ મારી ઇતિહાસકાર દીકરી સમીરાએ ભરૂચ ઉપરાંત સુરત અને દમણના પરિસંવાદોમાં ય ભાગ લીધો હતો. ઇતિહાસકાર તરીકેની એની ઊજળી થતી છાપને કારણે એ એની સાથે મસ્લત કરતા અને એને વહાલી ભત્રીજી ગણતા. અમારા દીકરા કબીરની જાહેર આરોગ્યની સૂઝ-સમજથી એ પ્રભાવિત થયાનું પણ યાદ છે. શરીફા વીજળીવાળા તો દીકરી દાવે એમના ઘેર રહેતી અને એમનાં લખાણોને જોઈતો ઓપ દેતી. એવું સાંભળ્યું’તું અને દેખાતું ય કે એમના પરિચયમાં આવનારા ઘણા, પછી એ સંસ્કાર સમાજના હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના, એમના પરિઘના અંગત વર્તુળમાં સમાઈ જતા. એમના ઘેર ખાણીમાં દર વખતે નવી નવી વ્યક્તિઓનો પરિચય થતો. કેટલાક તો ‘આપણા’માંથી એમના પોતીકા થઈ જતા.
ઇન્દુબહેન એ ગ્રામવિકાસને વરેલા સ્વર્ગસ્થ અનિલભાઈ શાહનાં પત્ની હતાં, ઝવેરચંદ મેઘાણી અને દમયંતીબહેનનાં પુત્રી હતાં, પલ્લવી ગાંધી અને આશિષ શાહનાં વહાલસોયાં માતા હતાં. અને, સાસુ, દાદી, પરદાદી, બહેન, મિત્ર … સગપણની યાદી લાંબી છે.