ઓગસ્ટ -સપ્ટેમ્બર 2022
હરિ, આપણી ગાય.
રસ્તાઓ પર રઝળતી ફરે, કૂડો-કચરો ખાય … !!
ગાય ચરાવવા નહીં જવાની તમે લીધી’તી રઢ
લાકડી-કામળી છોડી અમથી અમથી વ્હોરી વઢ
ગવતરી ગોપાલ વિના કંઇ એકલી ચરવા જાય ..?
હરિ, આપણી ગાય.
શેડકઢાં દૂધ-ગોરસ વિશે આજની પેઢી અજાણ
ડેરીમિલ્કને પનીર પેશ્યુરાઇઝ્ડનું છે બજાર
ધણનું ધાડું, ગોરજટાણું સાવ જ રે વિસરાય.
હરિ, આપણી ગાય.
ગામનાં કોઢ-ગમાણ ગયાં, શહેરમાં તબેલા થયાં
ગૌચર બધાં ય વિકાસપંથે ઓગળી ઉદ્યોગ થયાં
કામધેનુને પ્લાસ્ટિકની કોથળી ચાવી જાય ..!!
હરિ, આપણી ગાય.
માવલડી કહીને ઘણા ય ઠાલો ગર્વ કરે છે
બનવા ભાણું વિદેશીઓનું લાખો ગાય મરે છે
વેપારની ભાષામાં વિદેશી હુંડિયામણ સચવાય ..!!
હરિ, આપણી ગાય.
બારણાં ઉઘાડબંધ થાય તો ભલે થતાં
વાવાઝોડાઓ પ્રચંડ થાય તો ભલે થતાં
આખરી જે શ્વાસ હતા એકલા જતા રહ્યા
ઠાઠડીએ ઝાઝા સ્કંધ થાય તો ભલે થતા
ઉર્ધ્વમૂળનું રહસ્ય એટલું સરળ નથી
કૂંપળો ને કોટા કંદ થાય તો ભલે થતાં
દિવ્યદૃષ્ટિથી બધું જ દેખતું ન પાકતું
અંધના એ સુત અંધ થાય તો ભલે થતા
બીરબલની જેમ ખીચડી પકાવશું અમે
બાદશાહો અક્લમંદ થાય તો ભલે થતા