એ અદ્ભુત અને વિચિત્ર રાત હતી.
એ રાતે આખા શહેરને એક સરખું સપનું આવ્યું.
આખેઆખું શહેર જાણે એક વ્યક્તિ હોય એમ
એક જ સ્વપ્ન જોતું હતું.
સપનામાં કંઈ દેખાતું નહોતું …
બસ ન કરો મૂંઝારો … મૂંઝારો … મૂંઝારો …
ધૂળધુમાડા અને ગંધનો દબદબો.
જાણે ગરુડપુરાણમાંથી નીકળેલું રૌરવ નરક
સમગ્ર શહેરને ભરડો લઈ ચૂક્યું હતું.
ઊંઘમાં પગની નસો જકડાઈ જાય
ને કોઈ માણસ ચીસ પાડી સફાળો જાગી જાય એમ
આખું શહેર કરાંજતું હતું.
એ ભયાનક સપનું કેટલું લાંબું ને કેટલું ઊંડું હતું,
એની કોઈને ખબર ન પડી.
સવારે સૌ જાગ્યાં ત્યારે
શહેર વચ્ચોવચ્ચ ધીખતો જોયો
કચરાનો ઊંચો ઊંચો પહાડ.
* અમદાવાદ પાસે એકઠો થયેલો કચરાનો પહાડ.
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિલ્લો ભરૂચ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 09
![]()


અરુણ કોલટકર (૧૯૩૨-૨૦૦૪) સદીના એક મહત્ત્વના, વૈશ્વિક કદના સર્જક છે. મરાઠી અને અંગ્રેજી ભાષામાં આધુનિક અને પ્રયોગવાદી, પરંતુ સામાજિક સરોકાર અને કળાકીય કટિબદ્ધતાને વરેલી કવિતાની ધારાનો આવિષ્કાર અને પ્રસાર કરવામાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. ‘જેઝુરી’ (૧૯૭૮) કાવ્યસંગ્રહના પ્રકાશનથી ભારતીય સાહિત્યમાં ખળભળાટ મચાવી દેનાર આ એકાકી અને અંતર્મુખી કવિ ત્યાર બાદ જાણે સુષુપ્તાવસ્થામાં સરી ગયા. પરંતુ ૨૦૦૪માં અકાળ અવસાનના અમુક મહિના પહેલાં જ એમના બે મહત્ત્વના અંગ્રેજી કાવ્યસંગ્રહો ‘કાલાઘોડા પોએમ્સ’ અને ‘સર્પસત્ર’ પ્રકાશિત થયા અને પાશ્ચાત્ય સાહિત્યજગત તેમની ધારદાર સર્જકતાનું કાયલ બની ગયું. ‘જેઝુરી’ માટે ખ્યાતનામ કૉમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ મેળવનાર કોલટકરને મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી છે. પ્રસ્તુત કાવ્ય એમના ‘કાલાઘોડા પોએમ્સ’માંથી લેવામાં આવ્યું છે.