1
છળ કપટ,
કરી કુદરતને,
છળી માનવે.
2
ઉત્પીડનથી,
કકળીને પ્રકૃતિ,
ચિત્કારી ઊઠી.
3
પાપ કરતાં,
પે’લા પાછું વાળીને,
જોજે માનવ.
4
કુદરત રુઠે,
ત્યારે પોબારા ગણી,
જશે માનવ.
5
અસૂર દુષ્ટો,
આ તમારા પાપનો,
લાવારસ છે.
e.mail : addave68@gmail.com
![]()
1
છળ કપટ,
કરી કુદરતને,
છળી માનવે.
2
ઉત્પીડનથી,
કકળીને પ્રકૃતિ,
ચિત્કારી ઊઠી.
3
પાપ કરતાં,
પે’લા પાછું વાળીને,
જોજે માનવ.
4
કુદરત રુઠે,
ત્યારે પોબારા ગણી,
જશે માનવ.
5
અસૂર દુષ્ટો,
આ તમારા પાપનો,
લાવારસ છે.
![]()

પ્રકાશ ન. શાહ
બરાબર છોંતેર વરસ પૂરાં થયાં આજે : 1947ની 29મી નવેમ્બરે યુનાઈટેડ નેશન્સે જોર્ડન નદી અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના પ્રદેશમાં યહૂદીઓ સારુ સુવાંગ એક વતન ઈલાકો કોરી આપ્યો હતો. જલાવતન યહૂદી સમુદાય સારુ એ હરખઘડી હતી, પણ એ વિસ્તારમાં વસતી બહુમતી આરબ પ્રજા માટે વસમી ક્ષણ હતી. બાકી વિશ્વમત આ ઘટનાને યહૂદીઓ તરફે ઇતિહાસન્યાય તરીકે જોતો હોય એ જો સ્વાભાવિક હોય તો પણ આરબ બહુમતીને વર્તમાન સંદર્ભમાં એક અન્યાય પણ એમાં નિહિત હતો.
હમાસના ઘોર આતંકવાદી હુમલાને અને તે સામેની ઈઝરાયલની આક્રમક જવાબી કારવાઈને મહિનો થયો (7મી નવેમ્બરે) ત્યારે મૃત્યુઆંક 9,000ને વટી ગયો હતો અને મેડિકલ સહાય સેવા સહિતની નાગરિક કારવાઈ સબબ ઈઝરાયલી આક્રમકતા પણ ટીકાપાત્ર બનતી રહી છે.

ગેરશૉન બાસ્કિન
અહીં ‘જેરુસલેમ પોસ્ટ’ના કટારચી ને શાંતિબટુક (પીસનિક) બાસ્કિને આગળ કરેલો એક બુનિયાદી વિગતમુદ્દો સમજવા જોગ છે. બાસ્કિન કહે છે કે યુ.એન. ઠરાવ પછીના ઈઝરાયલી જાહેરનામામાં, બંને પ્રજાઓના આત્મનિર્ણયના અધિકારની જિકર નથી, જ્યારે ભલે રાજીપા વગર પણ વાસ્તવિકતાને ધોરણે પેલેસ્ટાઈની જાહેરનામામાં આ ભૂમિ પર હવે બે રાષ્ટ્રો છે એવો સ્પષ્ટ સ્વીકાર છે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલી નેતૃત્વની માનસિકતા ‘એકમાત્ર અમે જ’ તરેહની છે, જ્યારે પેલેસ્ટાઈની નેતૃત્વ ‘આપણે બંને’ની ભૂમિકાએ એળે નહીં તો બેળે પણ છે. બલકે, થોડા પાછા પગલે જઈએ તો, તટસ્થ પર્યવેક્ષકોના મતે પેલેસ્ટાઈને યાસર અરાફતના નેતૃત્વમાં જે સમજૂતી કરી હતી એમાં ખાસું નમતું જોખ્યું હતું.
લગીર ઉતાવળે આપેલી આ પૃષ્ઠભૂ હમાસ જેવી નોન-સ્ટેટ આતંકવાદી પ્રવૃત્તિના બચાવમાં અલબત્ત નથી. હા, ક્યારેક ઈઝરાયલી નેતૃત્વ અને હમાસનો સંબંધ એક તબક્કે ઇન્દિરા ગાંધીની રાજનીતિ અને ભીંડરાંવાલે વચ્ચે હશે એવો જરૂર હતો. ગમે તેમ પણ, ઈઝરાયલે ‘આ ભૂખંડના ધણી એકમાત્ર અમે’ એ માનસિકતા પરહરવી રહે છે.
1947ના યહૂદી વતન જોગવાઈના ઠરાવ પછી તરતનાં વરસોમાં યુનાઈટેડ નેશન્સે કરેલો બીજો એક ઠરાવ આ સંદર્ભમાં સૂચક છે. આ જ દિવસ (29મી નવેમ્બર) હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઈની પ્રજા સાથે ઊભા રહેવાના (‘સોલિડારિટી’ના) દિવસ તરીકે ઊજવાય છે. જો યહૂદી વતન જોગવાઈની સાથે તો પેલેસ્ટાઈનના અસ્તિત્વના અધિકાર સાથે પણ ઊભા રહેવાનો જે ધર્મ, તેનો એમાં સ્વીકાર રહેલો છે.
હમણાં મેં શાંતિબટુક બાસ્કિનનો ઉલ્લેખ કર્યો. આ દિવસોમાં એ હમાસે બાન પકડેલ ઈઝરાયલીઓને છોડાવવા પ્રયત્નશીલ છે. તાજેતરનાં વર્ષોનું એમનું એક સૂચન દર 29મી નવેમ્બરે બંને બાજુ એકબીજાના અધિકારોના સમાદર રૂપે ‘નેશનલ હોલી ડે’ મનાવવાનું છે.

માર્ટિન બુબર
જે એક વિદેહ યહૂદી ચિંતક આ દિવસોમાં સવિશેષ સ્મરણીય છે એ તો માર્ટિન બુબર છે. લગરીક ઉભડક તો પણ સહેજસાજ લાંબે પને વાત કરું તો એમની વિચારભૂમિકા ‘આઈ-ધાઉ’ની છે – ‘હું અને તું/તમે’ – નહીં કે ‘હું અને તે’, ‘આઈ-ઈટ.’ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ‘તું/તમે’ તરીકે નહીં પણ ‘તે’ તરીકે જુએ છે ત્યારે એને માટે બીજી વ્યક્તિ, વ્યક્તિ મટીને વસ્તુ (ઓબ્જેક્ટ) બની જાય છે. બંને વચ્ચેનો વ્યવહાર વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો મટી જઈ ‘વ્યક્તિ અને વસ્તુ’નો બની જાય છે. ઈઝરાયલી અને પેલેસ્ટાઈની પ્રજાઓએ એકબીજાને વસ્તુ તરીકે નહીં જોતાં વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે.
આ અભિગમને ધોરણે બુબર ‘બાયનેશનલિઝમ’ની હિમાયત કરે છે જેમાં એક પા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય તો બીજી પા સંવાદી સહઅસ્તિત્વ શક્ય બને. ઈઝરાયલના હોંશીલા નાગરિક એ ખસૂસ હતા, પણ આરબ નિર્વાસિતો સાથેના દુર્વ્યવહારના એવા જ આલોચક પણ એ હતા. એમણે કહ્યું કે આપણું ઝાયોનિઝમ તે યહૂદી રાષ્ટ્રવાદની ચળવળ નહીં પણ નવા સમાજ માટેની ચળવળ છે. આરબો પરના (બીજા પરના) આધિપત્ય માટેની આ ચળવળ નથી.
આ પૃષ્ઠભૂ પર જોઈએ ત્યારે ભારતમાં સરકારી સ્તરે, સત્તાપક્ષી સ્તરે તેમ એકાધિક પ્રજાકીય વર્તુળોમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષ બાબત જે ભાવદ્વિધા પ્રવર્તે છે, સામસામા હોઈ શકતા ખયાલો પ્રગટ થતા રહે છે તેને સમજવાની દૃષ્ટિએ કેટલીક વિગતો જરી મુખરપણે સામે આવે છે.
જાડી રીતે વર્ણવું તો ભારત સરકારનો (ભા.જ.પ. સરકારનો) પ્રથમ પ્રતિભાવ એકદમ ઈઝરાયલ તરફે ગા ગા લ ગા હતો. હમાસનું મુસ્લિમ હોવું એમાં એક ધક્કો હશે, તો વર્ષોથી ઈઝરાયલને રાષ્ટ્રવાદના એક પ્રતિમાન તરીકે જોવાને પરિણામે હશે.
પાછળથી વિદેશ ખાતાએ અને મોડેથી સંઘ પ્રવક્તાએ (બેલાશક હમાસની ટીકા અકબંધ રાખીને પણ) બંને પક્ષો વિશે જુગતાં વચનો કહીને નુઆન્સ્ડ ભૂમિકાની છાપ આપવા કોશિશ કરી.
સ્વસ્થ, સ્પષ્ટ પ્રતિભાવ અભિગમ ખાસું પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) માગે છે. 1947નો યુનાઈટેડ નેશન્સનો ઠરાવ, તે પછીનાં વર્ષોમાં પેલેસ્ટાઈન સોલિડારિટી ડે માટેનો એનો ઠરાવ, હવે નેશનલ હોલી ડે માટેની ઝુંબેશ આ ત્રણ દિવસ (સાલફેરે એક જ તારીખના ત્રણ દિવસ) જે રીતે સામે આવ્યા તે પરથી એની બધી સંકુલતા સોતી એક સરસ સમજ ઊપસી રહે છે.
આપણે ત્યાં રાષ્ટ્રવાદના નિદર્શન રૂપે એક વર્ગ હિટલરનો હેવાયો જ હેવાયો હતો. યહૂદી નિકંદન સત્રનો પ્રશંસક હતો. આ જ યહૂદીઓને ન્યાયની દૃષ્ટિએ ઈઝરાયલનું કોઈ લોજિક હોય તો એ જ હેવાયો વર્ગ ઈઝરાયલ વાસ્તે પણ એકદમ કૂદી પડે છે. આ અનવસ્થા વિશે કોઈ નુઆન્સ્ડ સમજ ક્યાંથી લાવશું?
ગાંધી-રવીન્દ્ર, અને સવિશેષ તો માર્ટિન બુબર બે માનવીય બોલ કહી શકે.
![]()
એ ખૂબ આનંદની વાત છે કે આ લખાય છે ત્યારે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનો છૂટકારો હાથવેંતમાં છે. તેમાં ‘ રૅટ હોલ માઇનર્સ’ તરીકે ઓળખાતા ખાણિયાઓ કે ખોદાણ કામ કરનારા છ શ્રમિકોની ટુકડીનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. તેઓ manually એટલે કે મશીન વિના પરંપરાગત ઓજારોથી દસ-બાર મીટર જેટલું ખોદાણ કરીને મલબો બહાર કાઢીને બચાવ ટુકડી માટે રસ્તો મોકળો કરશે.
ઝવેરચંદ મેઘાણી યાદ આવે : ‘પૃથ્વી પર રાજ કોનાં? સાચા શ્રમજીવીઓનાં – ખેડૂના, ખાણિયાના, ઉદ્યમવંતોના ….’
રૅટ-હોલ માઇનિન્ગ rat-hole mining શબ્દ સૂચવે છે કે શ્રમિકો ઉંદરના દર યાદ આવે તેવાં સાવ નાનાં વિવરો / ખાડા (pits) ખોદીને તેમાં ખૂબ દુર્ગમ જગ્યાએ પ્રવેશીને ખાણકામ કરે છે. આ કામ manually એટલે કે મશિન વિના શારિરીક મહેનતથી અને માત્ર હાથથી વાપરવામાં આવે તેવાં પરંપરાગત સાદા ઓજારોથી કરવામાં આવે છે.

આમાં એક સમયે માત્ર એક જ શ્રમિક અંદર ઊતરી શકે છે. તે કોલસાના થર સુધી પહોંચે છે. આવા વિવરો ખોદાઈ ગયા પછી ખાણિયાઓ દોરડાં કે વાંસની સીડીઓથી અંદર ઊતરીને કોલસો કાઢે છે. આખા ય કામમાં કોદાળી, પાવડા, તગાર, ટોપલા જેવાં ઓજારોનો જ ઉપયોગ થઈ શકે છે.
રૅટ હોલ માઇનિંગનો ઉપયોગ મેઘાલયની કોલસાની ખાણોમાં બહુ મોટા પાયે કરવામાં આવતો. આ અનેક રીતે ખૂબ જ જોખમકારક પદ્ધતિ છે. તેમાં જાનહાનિ અને પર્યાવરણને નુકસાન પણ થાય છે. એટલે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૅટ હોલ માઇનિંગ પર મેઘાલયમાં પ્રતિબંધ મૂક્યો હતો.
પ્રતિબંધને મેઘાલયની સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકારતા અદાલતે ખાનગી અને સામુદાયિક જમીન પર, રાજ્યના કાનૂનને આધીન રહીને, રૅટ હોલ માઇનિંગ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. પણ સાથે રાજ્યને ગ્રીન ટ્રિબ્યુનલે ફટકારેલા ત્રણસો કરોડ રૂપિયાના દંડને પણ જમા કરાવવા આદેશ આપ્યો હતો.
સિલ્ક્યારામાં બચાવ કાર્ય માટે આવેલી રૅટ-હોલ માઇનર્સની ટુકડીના પરસાદી લોધીએ કહ્યું કે એ લોકો બચાવ માટેની પાઇપોમાં પ્રવેશ કરશે અને હાથથી વપરાતાં ઓજારોનો ઉપયોગ કરીને બહાર આવવાના માર્ગમાં અવરોધ બનેલા મલબાને દૂર કરશે.
પરસાદીજીએ કહ્યું : ‘ગયાં દસેક વર્ષમાં આવા પ્રકારનું કામ અમે અમદાવાદ અને દિલ્હીમાં કર્યું છે. અમે 600 mm પહોળાં વિવરોમાં (holes) કામ કર્યું છે, જ્યારે અહીં તો 800 mmની પાઇપ છે. અલબત્ત, અહીં માણસોને બચાવવાના છે, જે અમારા માટે પહેલી વારનું કામ છે.
‘અહીં બાર મીટર જેટલા અંતરનો મલબો છે. એ જો માત્ર માટી હશે તો એમાં 24 કલાક લાગશે, પણ જો એમાં ખડકો હશે તો 32 કલાક જેવો સમય લાગશે.’
તેમની ટીમે 21 કલાકમાં 12-13 મીટર જેટલું ખોદકામ કર્યું.
પરસાદીજી અને તેમની ટીમ એક ખાનગી એન્જિનિયરિંગ કંપનીના કર્મચારીઓ છે. દિલ્હી અને અન્યત્ર પાણીની પાઇપલાઈનો નાખવા માટે સાવ નાનાં બોગદાં ખોદવાનાં કામમાં તેમણે ખૂબ કામયાબી મેળવી છે.
રૅટ-માઇનર્સના મોટા સહયોગથી 41 શ્રમિકોના જીવ બચે તેની ખૂબ ખુશી હોય. પણ આખી પરિસ્થિતિ એક દ્વંદ્વ, એક વક્રતા, વિમાસણ બતાવે છે. સહેજ પણ judgemental થયા વિના પણ આવી પરિસ્થિતિ નજરે ચઢે છે.
એકતાળીસ શ્રમિકોના જીવ બચાવવા માટે છ શ્રમિકોએ પોતાની જિંદગીને કામે લગાડી છે. રૅટ-માઇનિંગની પદ્ધતિ એટલી બધી જોખમકારક, ઇવન જાનલેવા સાબિત થઈ છે કે તેની પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. પણ તે જ પદ્ધતિનો ઉપયોગ અત્યારે દેશને શ્રમિકોનો જાન બચાવવા માટે કરવો પડી રહ્યો છે.
બીજી વક્રતા એ છે કે આ ટનલ મુખ્યત્વે ચાર ધામ યાત્રાનો માર્ગ ટૂંકો થાય એટલા માટે થઈ રહ્યો છે. સંભવત: તેનો બીજો હેતુ પ્રવાસન દ્વારા લોકોને આનંદપ્રમોદ આપવાનો છે.
શું આ રીતે મળનાર ચારધામ યાત્રાનું પુણ્ય અને આનંદપ્રમોદ દેશનો અગ્રતાક્રમ હોઈ શકે ? દેશના કરોડો નાગરિકોને પાયાની જરૂરિયાતો પૂરી ન પડતી હોય ત્યારે દેશ ચાર ધામ યાત્રાના રસ્તા જેવાને અગ્રતા શા માટે આપે ?
વિકાસની જેમ કોઈની ‘ભક્તિ’ વિશે ફેરવિચાર કરવો જરૂરી છે. સરકારો દ્વારા મજૂર કાયદાઓને શિથિલ કરવામાં આવી રહ્યા છે તેના વિશે ફેરવિચાર કરવાની જરૂર છે.
અત્યારે આખું રાષ્ટ્ર એક એક બૉલ, એક એક રન, એક એક વિકેટ, એક-એક મિનિટની નહીં; પણ એક એક કલાક, એક એક મીટર, એક એક શ્રમિકની ચિંતામાં છે, ટેલિવિઝન સામે મીટ માંડીને બેઠું છે. ખરું ને?
મહેનતકશો ઝિંદાબાદ !
![]()

