રોઝી, બાર વાગવા આવ્યા. હવે ઘરમાં આવવું છે ? ભૂખ-તરસ કંઈ યાદ આવે છે કે, તારાં છોકરાંઓ પાસે જ બેસી રહેવું છે ?’
‘બસ, હમણાં આવી. આ જોને, એંજલાને કેટલી તરસ લાગી છે ! આપણું બાળક તરસ્યું હોય તો એને પાણી તો આપવું જોઈએ ને !’
સ્મિથ દંપતીના પાડોશીઓને પીટર હયાત હતો ત્યાં સુધી લગભગ રોજ આવા સંવાદો સાંભળવા મળતા. હા, એમાં એંજલા પછી એંથની અને જૉયનાં નામ પણ આવતાં. અજાણ્યા હોય તેને ખ્યાલ ન આવે પણ આ જૂના પાડોશીઓને ખબર હતી કે, રોઝીએ પોતાના આંગણામાં રોપેલી નાળિયેરીઓને પોતાનાં ત્રણ સંતાનોનાં નામ આપ્યાં હતાં. માત્ર નામ આપ્યાં હતાં એટલું જ નહીં પણ દૂર દેશાવરમાં વસેલાં દીકરા-દીકરીઓ આ નાળિયેરીના માધ્યમથી વાતો પણ કરતી રહેતી. ગોવાના સમુદ્રતટની આબોહવામાં નાળિયેરીઓ મજાની ફૂલીફાલી હતી.
‘એંજલા, તું તારા સંસારમાં સુખી છે એથી મને કેટલો સંતોષ થાય છે, જાણે છે ? વળી તું પ્રેગનન્ટ છે એ ખબર મળતાં તો હું ને તારા ડેડી હરખઘેલાં થઈ ગયાં છીએ.’
‘એંથની, હવે ગોવા આવવાનું આટલું ઓછું કેમ કરી નાખ્યું છે ? કંઈ નહીં તો બે વર્ષે એક વાર તો તારા પરિવારને લઈને આવતો જા, દીકરા !’ ‘જૉય, હવે તું નથી, તારા ડેડી નથી. તમે કોઈ ન હો તો આ ઘરડી મા કોને આધારે જીવે ?’
પીટરના ગયા પછી રોઝી મોટે ભાગે આ ત્રણ નાળિયેરીઓ સાથે જ સમય વિતાવતી. સૌથી મોટી એંજલા શાળામાં ભણતી ત્યારે એક દિવસ શાળામાંથી આવી ત્યારે નાળિયેરીનો રોપો લેતી આવેલી. ખુશ થતાં એણે કહેલું, ‘માઈ, આ રોપો આપણા વાડામાં રોપીશું ?’
રોઝીએ ત્યારે પીટરને કહ્યું હતું,
‘દીકરી તો પરણીને સાસરે જતી રહેશે. એના ગયા પછી આ ઝાડ આપણને એની સાથે જોડેલાં રાખશે. ચાલ, આપણે એના હાથે જ નાળિયેરી રોપાવીએ.’
એણે રોપેલી નાળિયેરી પર ફળ આવે એ પહેલાં એંજલા લગ્ન કરીને લંડન જતી રહેલી. ત્યાર પછી રોઝીના લાડકવાયા એંથનીને કુવેતમાં સારા પગારની નોકરી મળતાં એને પણ નજરથી દૂર કરવાનો વારો આવ્યો. એ સમજુ અને સંવેદનશીલ હોવાથી રોઝીને આ દીકરા માટે અનહદ પ્રેમ હતો. એની કુવેત જવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે એક દિવસ રોઝીએ કહ્યું,
‘બેટા, હું ઇચ્છું છું કે જતાં પહેલાં તું એંજલાવાળી નાળિયેરીની બાજુમાં તારે હાથે એક નાળિયેરી રોપતો જાય. રોજ સવારે તારા માથે હાથ ફેરવીને તને ઉઠાડું છું. તારા ગયા પછી એ સુખ તો નહીં મળે પણ તારી રોપેલી નાળિયેરી પર હાથ ફેરવીને … ‘રોઝી વાક્ય પૂરું નહોતી કરી શકી.’ ‘રડ નહીં માઈ, રડ નહીં.’ કહેતાં એંથનીએ એને બાથમાં લઈ લીધી હતી.
એંજલાની બાજુમાં એંથનીને રોપાયાને કંઈ ઝાઝો સમય નહોતો થયો. હવે તો માત્ર જૉયને કારણે ઘરમાં વસતી લાગતી. પીટર અને રોઝી બંને વૃદ્ધ થતાં જતાં હતાં એટલે બેઉને એમ હતું કે, જૉય એમનું ઘડપણ પાળશે. પણ એક દિવસ જૉય પર મેલ આવ્યો કે, એને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમીશન મળી ગયું છે.
એંજલા અને એંથનીની પડખે જૉય પણ રોપાઈ તો ગયો, પણ એના વિદેશગમન પછી રોઝીની પડખે પીટર લાંબો સમય ન રહ્યો. આટલાં વર્ષો રોઝીને પ્રેમભર્યો સથવારો આપતો રહેલો પીટર અચાનક સદાને માટે ચાલ્યો ગયો. હર્યું-ભર્યું ઘર સાવ ભેંકાર થઈ ગયું. ઘરમાંથી અને જીવવામાંથી રોઝીનો રસ ઊડી ગયો. માત્ર એક જ રસ ટકી રહ્યો હતો – ત્રણે સંતાનોને પાણી પાવાનો અને એમની સાથે રોજેરોજની વાતો કરવાનો. ઝાડ પર સુંદર અક્ષરે એણે ત્રણેનાં નામ કોતર્યાં હતાં. એ નામો પર હાથ ફેરવતી વખતે એની આંગળીઓનાં ટેરવાંમાંથી વ્હાલ નીતરવા લાગતું.
છેલ્લા બે-ત્રણ દિવસથી રોઝી બહુ બેચેન હતી. રજિસ્ટર એ.ડી.થી એને એક પત્ર મળ્યો હતો. બાજુવાળા એડવર્ડને બતાવ્યો ત્યારે એણે કહ્યું, ‘ભૂમિ-અધિગ્રહણ ધારા હેઠળ આપણા રસ્તા પર આવેલા દરેક ઘરની આગળની બાજુની જમીન કપાતમાં જવાની છે. સાંભળ્યું છે કે, રસ્તા પહોળા કરવાના છે.’
‘એમ સરકાર આપણી જમીન કેવી રીતે લઈ શકે ?’ રોઝીએ વ્યગ્રતાથી પૂછ્યું. ‘એમાં આપણું કંઈ ચાલે નહીં. અમારી તો વીસ વીસ નાળિયેરી કપાઈ જવાની. તમારે તો સારું છે કે ત્રણ જ છે.’
‘હેં ? નાળિયેરી કપાવાની ? મારા જીવતા એ કોઈ કાળે નહીં થવા દઉં.’ પથારીમાં પડ્યા પડ્યા ખુલ્લી આંખોમાંથી વહેતાં આંસુ એનું ઓશીકું પલાળી રહ્યાં હતાં. એ જીસસને કાલાવાલા કરી રહી હતી,
‘મને મારાં સંતાનોથી દૂર ન કરશો. પ્લી…ઝ… મારું ઘર-બાર બધું જાય તો વાંધો નહીં પણ મારાં ઝાડવાંને બચાવી લેજો.’
પણ જીસસે એનું સાંભળ્યું હોય એવું લાગ્યું નહીં. બીજે દિવસે સવારના પહોરમાં એક જીપમાં અધિકારી અને મજૂરો આવી પહોંચ્યા. મજૂરોના હાથમાં કુહાડી જોઈ રોઝી પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. દોડતી જઈને એંજલાને વળગીને ઊભી રહી ગઈ. ‘નહીં કાપવા દઉં. આ ઝાડ નથી, આ તો મારાં બાળકો છે. એક માની સામે એનાં બાળકોની હત્યા તમે કેવી રીતે કરી શકો ?’
મુખ્ય અધિકારીએ ઈશારો કર્યો એટલે મજૂરો ઝાડને વળગેલી રોઝીને ખેંચવા લાગ્યા. રોઝી તસુભાર ખસવા તૈયાર નહોતી. ઝપાઝપીમાં એક મજૂરના હાથની કુહાડી રોઝીના માથામાં વાગી. એ તમ્મર ખાઈને પડી. એડવર્ડ દોડતો આવ્યો. એને જોઈને રોઝીના મોં પર સ્મિત ફરક્યું. એણે તરડાતા અવાજે કહ્યું, ‘છેલ્લી વાર મને મારાં બાળકો પાસે લઈ જા ભાઈ, હું એમને ગુડબાય કહી દઉં.’ ઝાડ પરનાં નામ પર હાથ ફેરવતાં એણે કહ્યું, ‘મેં નહોતું કહ્યું એડવર્ડ, કે મારા જીવતા હું કોઈ કાળે આમનાથી છૂટી નહીં પડું ?’ અને એણે આંખો મીંચી દીધી.
(દામોદર માવજોની કોંકણી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 24
![]()


કોમવાદના રાજકારણનો તેમ જ માલિકો દ્વારા શોષણનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડત આપનારા એક ધારાશાસ્ત્રીની ધખના વિશે Passion for Justice : Mukul Sinha’s Pioneering Work પુસ્તકમાં અનેક વિગતો સાથેની સામગ્રી મળે છે. મુકુલ સિન્હાના પ્રથમ સ્મૃિત દિન બારમી મેએ બહાર પડેલા, સવાસો પાનાંના આ મૂલ્યવાન સંચયમાં માનવાધિકાર ક્ષેત્રના તેર કર્મશીલો/બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. વળી, આ માકર્સવાદી કાનૂનવિદે પોતે સેક્યુલરિઝમ, વિશ્વીકરણ, કોમવાદ, જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ પુસ્તકમાં છે.
મુકુલભાઈના ઉપર્યુક્ત જીવનકાર્યની અભ્યાસપૂર્ણ છણાવટ ઉપરાંત આ દસ્તાવેજી મહત્ત્વ ધરાવતા પુસ્તકમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી પણ મળે છે. જેમ કે પી.આર.એલ.માંથી મુકુલની હકાલપટ્ટી સામે સુપ્રીમ કોર્ટમાં લડનારા ગિરીશ પટેલની આંખોમાં હાર પછી આંસુ આવી ગયા હતા. ત્યારે મુકુલે તેમને દિલાસો આપતાં કહ્યું હતું : ‘એક વાત તો સ્પષ્ટ થઈ કે વિજ્ઞાનના ક્ષેત્રે મારું કોઈ સ્થાન નથી કારણ કે વિજ્ઞાન અને કામદાર સંગઠન વચ્ચે કોઈ સંબંધ નથી !’ પી.આર.એલ. એ એવી પણ ગોઠવણ કરી હતી કે મુકુલને ભવિષ્યમાં ક્યાં ય નોકરી ન મળે. જામનગરમાં રિફાઈનરીની સ્થાપના વખતે તેમણે રિલાયન્સ સામે પરવાળાં બચાવવા માટે કેસ કર્યો હતો અને ‘પોટા’ના કેટલા ય આરોપીઓને તેમણે બચાવ્યા હતા એ માહિતી તેમનાં પત્ની નિર્ઝરી સિન્હાના લેખમાં મળે છે. તેમાં અને હર્ષ મંદેરના લેખમાંથી એ પણ જાણવા મળે છે કે મુકુલ અને તેમના સાથીઓએ ગોધરાકાંડ કોમવાદી કાવતરું નહીં પણ એક ભીષણ અકસ્માત હોવાનું સાબિત કરવા માટે બહુ સંશોધન કર્યું હતું. મંદેર એ પણ જણાવે છે કે મુકુલ કામદારો અને ઝૂંપડાવાસીઓનાં કેસો માટે ફી ન લેતા. તે પત્રકાર રના અયૂબને ટાંકીને નોંધે છે કે સરકારના જૂઠાણાંનો રોજબરોજ પર્દાફાશ કરતી ‘ટ્રુથ ઓફ ગુજરાત’ વેબસાઈટ મુકુલ તેમના પુત્ર મિહિરની મદદથી કિમોથેરાપીની પીડા વચ્ચે પણ ચલાવતા. મિઝોરમના બનાવટી એન્કાઉન્ટર્સ અંગેની ઊલટતપાસમાં સિન્હાએ ત્યાંના સુરક્ષાકર્મીઓને કેવી રીતે ખુલ્લા પાડ્યા તેની રસપ્રદ માહિતી મનીષા સેઠી લખે છે. મિહિર દેસાઈનો લેખ જણાવે છે કે મુકુલે પોતાના વૈજ્ઞાનિક સંશોધનને આધારે ગુજરાતના ભૂકંપનું એપિસેન્ટર સરકાર કહે છે તેનાથી જુદું હતું એ બતાવી આપ્યું હતું. કોમી રમખાણો પછી ન્યાય માટેની લડતનાં વર્ષોમાં મુકુલને મોટો હાર્ટ એટેક આવ્યો હતો અને નિર્ઝરીબહેનને કૅન્સર ડિટેક્ટ થયું હતું. મુકુલ ફેફસાંના કૅન્સરથી ગયા વર્ષે ત્રેંસઠની ઉંમરે અવસાન પામ્યા. અજિત સાહીના લેખમાં તેમના ટ્રેડ યુનિયન લૉયર તરીકેના કામ અને તેમાં ય કલ્યાણજી આણંદજીની પેઢીના કર્મચારીઓની લડતની પ્રેરક વાત છે. પ્રવીણ મિશ્રા લખે છે : ‘મુકુલના જીવનના અનેક રંગ હતા – કર્મશીલ, વિજ્ઞાની, વકીલ, રસોઈયા, કવિ, ગાયક, પ્રેમી, પિતા, બિરાદર અને દરેક સાથીની ચિંતા કરનાર તેમ જ તેમને વિશેની ગેરસમજની કોઈ ચિંતા ન કરનાર, એવા બહુ મોટા માણસ હતા.’ અઠંગ આશાવાદી મુકુલ સિન્હાના લોકશાહી અને બંધારણની અંદરના વિશ્વાસને વ્યક્ત કરતાં વક્તવ્યો પણ પુસ્તકના તસ્વીરકાર પ્રવીણ નોંધે છે. ઉપેન્દ્ર બક્ષી મુકુલ સિન્હાને નાગરિકની ફરજો અને તેના પાલન અંગેના ‘બંધારણના અનુચ્છેદ ૪અ-નો જીવતોજાગતો દાખલો’ ગણાવે છે. મુકુલના કામમાં વિજ્ઞાન, કાનૂન અને માનવઅધિકાર ત્રણેયનો સુમેળ સધાયો હતો એમ પણ બક્ષી માને છે.