
courtesy : "The Hindu", 01 September 2015
![]()

courtesy : "The Hindu", 01 September 2015
![]()
આજના જાહેર જીવનમાં ગાંધીમાર્ગ કે ઝીણામાર્ગ ?
મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા ઉત્તેજનને કારણે, ‘ગર્વ સે કહો, હમ અસલામત હૈ’ – નવા સમયનું સૂત્ર છે
વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના ધર્મઆધારિત આંકડા ગયા સપ્તાહે જાહેર થયા. સંકુચિત ઓળખ આગળ કરીને અસલામતી ફેલાવવનારાને તેમાં ગોળનું ગાડું મળી ગયું. તેમણે છાપરે ચઢીને પોકાર કર્યા કે કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ પહેલી વાર ૮૦ ટકા કરતાં ઘટ્યું (૭૯.૮ ટકા થયું) અને મુસ્લિમોના પ્રમાણમાં વધારો ચાલુ રહ્યો. વર્ષ ૨૦૦૧ માંદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧૩.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧માં વધીને ૧૪.૨ ટકા થયું. આટલી વિગતોથી ‘જોયું? અમે કહેતા હતા ને? હિંદુઓ ખતરામાં છે … પચાસ વર્ષ પછી મુસ્લિમો દેશ પર રાજ કરતા હશે.’ એ પ્રકારની કાગારોળ મચી. છડેચોક ઉશ્કેરણી કરવામાં બહાદુરી સમજતા અને અગમ્ય કારણોસર સુઓ-મોટો (સ્વયંભૂ) અદાલતી પગલાંમાંથી બચી જતા શિવ સેના જેવા પક્ષે તેના મુખપત્રમાં જાહેર કરી દીધું કે ‘મુસ્લિમોના વસ્તીવધારા માટે ધર્મનું રાજકારણ જવાબદાર છે. કેટલાંક તત્ત્વો દેશના ઇસ્લામીકરણનો અને મોગલ શાસન પાછું આણવાનો ખ્યાલ સેવી રહ્યા છે.’ આ સિવાય પણ મુસ્લિમો વિશેની ચીલાચાલુ ઉશ્કેરણીજનક વાતો એ લેખમાં લખવામાં આવી હતી.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મુસ્લિમોની ‘વસ્તી જેહાદ’ના લીધે હિંદુઓ લુપ્ત થઈ શકે છે. (આવું ગમ્મતમાં નહીં, ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું હતું.) હિંદુઓના ‘લુપ્ત’ થવાની ‘ગંભીર શક્યતા’ કયા આંકડાના આધારે વ્યક્ત કરવામાં આવી હતી? વિશ્વ હિંદુ પરિષદના ઉચ્ચ હોદ્દેદારે કહ્યું કે ‘૧૯૫૧થી ૨૦૧૧ દરમિયાન કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને ૮૪ ટકામાંથી ૮૦ ટકા નીચે આવી ગયું, જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમો ૧૦ ટકામાંથી વધીને ૧૪ ટકા થઈ ગયા … આપણે વેળાસર નહીં જાગીએ તો ભારત ઇસ્લામિક દેશ થઈ જશે.’ હિંદુઓના હિતચિંતક-હિંદુહિતરક્ષક હોવાનો ડોળ કરતા આ બન્નેએ સૂચવેલા ઉપાય જો કે સાવ સામસામા છેડાના હતા. વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારે બેથી વઘુ સંતાન પર અંકુશ મૂકવાની માગણી કરી, તો શિવ સેનાની ઉત્તર પ્રદેશ પાંખે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે પાંચ કે વધુ બાળકો ધરાવતાં હિંદુ પરિવારોને રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી.
આવા હિતરક્ષકો હોય તો હિંદુઓને હિતશત્રુઓની શી જરૂર? આવો સવાલ થવાનું કારણ તેમણે નહીં ટાંકેલા વસ્તીગણતરીના આંકડામાંથી મળી રહે છે. સૌથી પહેલાં વાત વસ્તીવધારાની ધીમી પડી રહેલી ગતિની. ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ (વસ્તીના ફાયદા) લેવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્ર માટે વસ્તીવધારાના દરમાં થઈ રહેલો ઘટાડો સૌથી આનંદદાયક સમાચાર ન કહેવાય? વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા એવા સારા સમાચાર લઈને આવ્યા હતા, પરંતુ અસલામતીની ખેતી કરનારાને તેની સાથે શી લેવાદેવા?
હકીકતમાં, દેશના હિંદુઓ અને મુસ્લિમો બન્ને ધર્મના લોકોમાં વસ્તીવધારાનો દર સતત ઘટી રહ્યો છે અને એ ઘટાડો વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં પણ ચાલુ રહ્યો છે. હિંદુઓની વસ્તી ૧૯૮૧ સુધી સતત વધતી રહી. ૧૯૮૧માં હિંદુઓના વસ્તીવધારાનો દર ૨૪.૦૭ ટકા હતો. ત્યાર પછીની દરેક વસ્તીગણતરીમાં એ ઘટતો રહ્યો છે અને વર્ષ ૨૦૧૧માં એ ૧૬.૭૬ ટકા થયો છે. એટલે કે ત્રણ દાયકામાં હિંદુઓના વસ્તીવધારાનો દર આશરે ૭.૨૫ ટકા જેટલો ઘટ્યો છે, જેના કારણે ઉશ્કેરણીબાજો ખતરાના શંખ વગાડી રહ્યા છે. તેમની ઉશ્કેરણીમાં વજૂદ હોય,એટલે કે, તે ઉશ્કેરણી નહીં પણ ચેતવણી હોય, તો આ ગાળામાં ‘પોપ્યુલેશન જેહાદ’ને કારણે મુસ્લિમોનો વસ્તીદર મોટા પાયે વધવો જોઈએ. પરંતુ હકીકત જુદી છે.
હિંદુઓનો વસ્તીવધારાનો દર ૧૯૮૧ સુધી, તો મુસ્લિમોનો વસ્તીવધારાનો દર ઘટી રહ્યો છે. ૧૯૯૧માં એ દર ૩૨.૮૮ ટકા હતો, જે ૨૦૧૧માં ૨૪.૬૦ થયો છે. એટલે કે ‘પોપ્યુલેશન જેહાદ’ના આરોપી તરીકે ચડાવી દેવાયેલા મુસ્લિમોના વસ્તીવધારાનો દર હિંદુઓના વસ્તીવધારાના દર કરતાં વધુ ઝડપથી ઘટી રહ્યો છે : હિંદુઓની વસ્તીવૃદ્ધિનો દર ત્રણ દાયકામાં ૭.૨૫ ટકા ઘટ્યો, ને મુસ્લિમોનો બે દાયકામાં ૮.૨૫ ટકા. ૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં ૧.૭૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન દેશની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૦.૮ ટકા (અગાઉના દાયકા કરતાં અડધું) વધ્યું.
સવાલ સાચા અર્થઘટનનો અને સાચી રીતે રાષ્ટ્રહિત અંગે વિચારવાનો છે. ગુજરાતમાં અનામતના મુદ્દે ફેલાયેલી અશાંતિ કરતાં એક સ્ત્રીનાં એકાધિક લગ્નો અને ઓરમાન સંતાનની હત્યાના ચોપડા ચૂંથવા હડી કાઢતાં ઘણાંખરાં ટીઆરપી-ક્લિકભૂખ્યાં પ્રસાર માધ્યમો વિશે તો શું કહેવાનું? વસ્તીગણતરીના આંકડાને ધાર્મિક ઉશ્કેરણીનું નિમિત્ત બનાવતાં તેમને કોણ રોકી શકે? ‘હિંદુ ખતરેમેં’ પ્રકારની અસલામતીને પોતાના રાજકીય અસ્તિત્ત્વનો આધાર બનાવનાર સૌએ પટેલોના અનામત આંદોલન જેવી તેની આડપેદાશો વિશે પણ વિચારવું જોઇએ. ૧૪.૨ ટકા મુસ્લિમોથી ૭૯.૮ ટકા હિંદુઓને ખતરો છે, એવા હથોડા મારનારા આડકતરી રીતે એવું સ્થાપિત કરી આપે છે કે તમે ગમે તેટલું સંખ્યાત્મક કે અન્ય પ્રકારનું વર્ચસ્વ ધરાવતા હો, છતાં તમે અસલામત છો. તમે હિંદુ હો તો મુસ્લિમો સામે અસલામત છો, મરાઠી હો તો બિહારીઓ સામે અસલામત છો, તમે વગદાર-વર્ચસ્વદાર હો તો વંચિતો સામે અસલામત છો, તમે એન્કાઉન્ટરબાજ હો તો કાનૂની કાર્યવાહી ને અદાલતો સામે અસલામત છો … ટૂંકમાં, તમે અસલામત હો, તો જ અમે સલામત છીએ. કારણ કે તમે અસલામત હશો તો જ તમારા હિતરક્ષકની – ‘હૃદયસમ્રાટ’ની જગ્યા ખાલી હશે અને એ જગ્યાને અમે ભરી શકીશું.
મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા આ પ્રકારના ઉત્તેજનને કારણે ‘ગર્વ સે કહો, હમ અસલામત હૈ’ એ નવા સમયનું સૂત્ર બની ગયું છે. મહદ્દ અંશે કાલ્પનિક એવી અસલામતીનું સૌથી મોટું સુખ એ છે કે તેને આગળ ધરીને મનમાં રહેલા ધીક્કારને – દ્વેષને તર્ક અને વાજબીપણાના વાઘા પહેરાવી શકાય છે. ‘મને તો કોઇના માટે કશું નથી, પણ તમે જ કહો. અમારી આવી દશા થાય એ કેવી રીતે સાંખી લેવાય?’ આવા વખતે જરૂર હોય છે અસલામતીના વિષચક્રને તોડનારની — નહીં કે એની ભીંસને ઓર જડબેસલાક બનાવનારની. ગાંધી-સરદાર જેવા નેતાઓએ આમજનતાના મનમાં અસલામતી ઊભી કરીને પોતાનું નેતાપદું ઊભું કર્યું ન હતું.
તેમનો ઇરાદો એક યા બીજા ધર્મના, એક યા બીજા સમુદાયના નાગરિકોને મજબૂત કે નબળા પાડવાનો નહીં, દરેકને ભારતના નાગરિક તરીકે સ્થાપવાનો – મજબૂત બનાવવાનો હતો. ભારતના ભાગલા વખતે થયેલી ઐતિહાસિક હિંસાખોરી વખતે પણ આ નેતાઓ અસલામતીનું સંકુચિત રાજકારણ રમવામાં ન પડ્યા. સામે પક્ષે ઝીણાએ (મુસ્લિમોમાં) સતત અસલામતી ઊભી કરવાનો વ્યૂહ અપનાવ્યો. ઘણા સમયથી આપણા રાજનેતાઓ ઝીણામાર્ગે ઘણા આગળ નીકળી ગયા છે, પરંતુ સામાજિક આંદોલનોની નેતાગીરી લેનારાએ ગાંધી-સરદારમાર્ગે ચાલવું કે ઝીણામાર્ગે, એ વિચારવાનું છે.
સૌજન્ય : ‘બીવાની મઝા’, “દિવ્ય ભાસ્કર”, 01 સપ્ટેમ્બર 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-the-encouragement-of-politics-proudly-say-were-unsafe-new-formula-5100073-NOR.html
![]()
૨૯ ઑગસ્ટ : દર્શક સંવત્સરી
દર્શકે ગુજરાત સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સંભાળ્યું એના પછીના વર્ષની વાત છે. ત્રણેક દાયકાના વ્યાપ ઉપર પથરાયેલાં દર્શક સાથેનાં સ્મરણોમાં આ પ્રસંગ જાણે હજુ ગઈ કાલે જ બન્યો હોય એમ જુદો તરી આવે છે.
સવારનાં ચાપાણી પતાવી અમે નિરાંતે બેઠા હતા. બીજો કાર્યક્રમ છેક સાંજે હતો. સામાજિક, શૈક્ષણિક, ઐતિહાસિક એમ ઘણાં બધાં ક્ષેત્રોની વાતોના દોર ગૂંથાતા જતા હતા અને વાતચીતનું પોત ઘટ્ટ થતું જતું હતું. ત્યાં અચાનક દર્શક તરફથી વાતમાં થોડીક ક્ષણોનો વિરામ આવ્યો અને એમણે વાતનો એક નવો જ દોર શરૂ કર્યો.
એમણે કહ્યું કે ગયા વરસ દરમિયાન મારે હાથે એક મોટું કામ સિદ્ધ થયું છે અને એ કામ હતું ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવાનું. એમણે ફોડ પાડીને સમજાવ્યું કે આ કામ પોતે મોટું એટલા માટે માને છે કે બંધારણ ઘડવામાં ખાસ કાળજી લેવામાં આવી છે. આજ પછી શાસક કોઈ પણ આવે અને શાસનતંત્ર કોઈ પણ પ્રકારનું આવે તો પણ બંધારણમાં એટલી ચોકસાઈપૂર્વકની ગોઠવણી છે, જેને અનુસરતાં ભવિષ્યમાં કોઈ પણ સરકાર અકાદમીની સ્વાયત્તતા ઉપર પોતાનો પંજો પાડી શકશે નહીં. એમણે કહ્યું કે પોતે પોતાના આ કાર્યથી ખૂબ સંતોષ અનુભવે છે. વધુમાં, ગુજરાત સાહિત્ય અકાદમીનું આ બંધારણ દેશની અન્ય ભાષાઓના પ્રદેશોને પણ દાખલો પૂરો પાડી શકશે અને ગુજરાતમાં સાહિત્યેતેર સંસ્થાઓ સાથે શાસનતંત્રના સંબંધો માટે એક નૈતિક ભૂમિકા બાંધી આપી શકશે.
એમનું આ કથન પૂરું કરવામાં એમણે સમય ઝાઝો લીધો નહોતો. પરંતુ એમની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત મહત્ત્વનું હતું, તેવી દૃઢ છાપ મારા મન ઉપર પડી હતી. તેનાં કારણોમાં તત્કાલીન મારા ધ્યાન ઉપર જે મુદ્દા આવેલા, અને મને આજે ય જે સ્પષ્ટ રીતે યાદ છે, તે આ પ્રમાણે છે.
દર્શક સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં એમના હાથે હાંસલ થયેલી સિદ્ધિઓ વિશે તથા એમની સાહિત્યકૃતિઓ વિશે એમના વિચારો સાંભળવાના અને એના અનુસંધાનમાં એમની સાથે ચર્ચા કરવાના સંજોગો મને મળ્યા છે. ગાંધીચિંધ્યા માર્ગે સ્વાતંત્ર્યસંગ્રામ વિશેનાં એમનાં સ્મરણોનું અનુશીલન કરવાની તક મળી છે. આવા અન્ય કોઈ પ્રસંગે ન જોયો હોય એવો આત્મસંતોષનો અને આત્મગૌરવનો ભાવ એમના મુખ ઉપર આ પ્રસંગે મેં જોયો હતો, એમની વાણીમાં મેં સાંભળ્યો હતો. આ કારણને લીધે મારી યાદમાં આ પ્રસંગ હજુ ય તાજો છે. મેં ત્યારે વિચાર કર્યો હતો કે સ્વાતંત્ર્યની લડત વિશે, સાહિત્યના સર્જન વિશે, શિક્ષણના પ્રણેતા તરીકે ‘પોતે જાતે’ કશુંક હાંસલ કર્યાનો દાવો કરતા મેં જેમને કદી સાંભળ્યા નથી, તેમણે સામે ચાલીને અકાદમીના બંધારણના ઘડતરમાં પોતાના પ્રદાન વિશે આટલા આત્મગૌરવપૂર્વક કેમ વાત કરી હશે! આ વાતચીત થઈ તે સમયે મારી સૂઝસમજ મુજબ મને જે ઉત્તર સાંપડ્યો હતો, અને જે ઉત્તર આજે ય મને ખરો લાગે છે, આ મુજબ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ નામની વ્યક્તિએ સ્વાતંત્ર્યસૈનિક યુવાન મનુભાઈ, શિક્ષણવિદ્દ મનુભાઈ પંચોળી અને સાહિત્યસર્જક દર્શક, એ સૌના જીવનઅનુભવની સમૃદ્ધિનો, જીવંત અનુભવની સામગ્રીનો, વિનિયોગ કર્યો હતો. અર્થાત્ એક જાગરૂક નાગરિકની મનસા વાચા કર્મણા થકી મેળવેલી સમ્યક્જ્ઞાનની એક ઉપલબ્ધિ એટલે એ સંવિધાનનું ઘડતર, એવી છાપ મારા માનસપટ પર છે.
એક સાહિત્યસંસ્થાની સ્વાયત્તતાનું રક્ષણ કરતું બંધારણ ઘડવાનું યશપ્રદ કાર્ય દર્શક તથા અન્ય વિધાયકોએ કર્યું હતું. પરંતુ કોઈ પણ બંધારણની રક્ષાનું ઉત્તરદાયિત્વ હંમેશાં અનુજોને માથે હોય છે.
બૉસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 01
![]()

