
courtesy : 'Counterpoint', "The Asian Age", 31 May 2017
![]()

courtesy : 'Counterpoint', "The Asian Age", 31 May 2017
![]()
પરમ આદરણીય મોરારિબાપુ,
નમસ્કાર!
કેદારનાથ ખાતે થયેલ રામકથા – માનસ શંકર(મે ૨૦૧૭)માં આપશ્રીએ કરેલાં અમુક વિધાનોથી અમોને આશ્ચર્ય અને આઘાત લાગ્યા છે. છતાં પણ આપશ્રીને ભારતના એક નાગરિક તરીકે, આમ કરવાનો અધિકાર છે.
આપશ્રીએ હાલનું ભારત સરકારનું ત્રણ વર્ષનું શાસન શ્રેષ્ઠ હોવાનું અને કૌભાંડો અને ભ્રષ્ટાચારમુક્ત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું તેના સંદર્ભમાં એક નાગરિક તરીકે આ પત્ર લખવા પ્રેરાયો છે.
૧. હું જયપ્રકાશ નારાયણના ૧૯૭૪ના ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી તૈયાર થયેલ વ્યક્તિ છું. જયપ્રકાશ નારાયણની વિચારધારા, ગાંધી-સર્વોદયની વિચારધારા અને ફિલોસોફર એમ.એન. રૉયની વિચારધારાને છેલ્લા ચાળીસ વર્ષોથી પચાવેલી છે. તેથી હાલના કોઈ પણ રાજકીય પક્ષ કે તેની વિચારધારાથી સંમત થઈ શકાતું નથી. આ ચોખવટ કરવાની જરૂર એટલા માટે છે કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે આ પત્ર લખાતો નથી.
૨. આપશ્રી છેલ્લાં ત્રણ વર્ષમાં કોઈ જ કૌભાંડો, કે ભ્રષ્ટાચાર કે નાણાંકીય ગોલમાલ થઈ નથી એવું કહ્યું છે તે સંદર્ભમાં મારું એમ કહેવું છે કે આ બધું શોધવા માટે બંધારણમાં જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કેગ), વિજિલન્સ કમિશનર, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, જાહેર સાહસ સમિતિ અને ઇન્ફર્મેશન કમિશનરની ભૂમિકાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધી ઍજન્સીઓ ખણખોદ કરીને ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગોલમાલની તપાસ કરતી હોય છે. હવે આપને ભારત સરકારનાં શાસન વિષે જણાવવાનું કે આ બધી ઍજન્સીઓને સંપૂર્ણ સત્તા આ ત્રણ વર્ષમાં આપવામાં આવી નથી કે તેમાં જરૂરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી નથી. ખાસ કરીને ‘કેગ’ના અહેવાલ ઉપર દૃષ્ટિપાત કરવામાં આવે તો ઘણી બધી વાતો સપાટી ઉપર લાવવાનું કામ કર્યું છે. ટૂંકમાં, ઉપર જણાવેલી બધી ઍજન્સીના આ ત્રણ વર્ષના અહેવાલો વાંચશો તો સ્પષ્ટપણે જણાઈ આવશે કે દેશમાં સુશાસન નથી.
૩. અમારાં જેવા નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકારના કાર્યકર્તાઓનું સ્પષ્ટપણે માનવું રહ્યું છે કે ૧૯૭૭માં મેળવેલી ‘નઈ આઝાદી’ ફરીથી જવાની અણી ઉપર છે. લોકશાહી મૂલ્યો, મૂળભૂત અધિકારો, બોલવા-લખવાની અને અખબારી આઝાદી અને સ્વતંત્રતા ધીમે ધીમે ખતમ થઈ રહી છે. નાગરિક સ્વતંત્રતા, મૂળભૂત અધિકાર અને માનવ અધિકાર છેલ્લાં ત્રણ વર્ષમાં ક્યાં ય દૃષ્ટિગોચર થતાં નથી. શાંતિમય, અહિંસક, સંગઠિત સામનો કરવાની કે દેખાવો કરવાની સ્વતંત્રતા પણ પોલીસ દમન દ્વારા ઝૂંટવી લેવામાં આવી છે. દલિતો, સમાજનાં નબળાં, કચડાયેલા અને વંચિત સમૂહોના વિવિધ માનવ હક્કોનાં હનન અને ભંગની સમસ્યા આ સમયગાળા દરમિયાન ગંભીરતાથી જણાઈ આવી છે. મહાત્મા ગાંધીએ આ માટે જીવનભર સંઘર્ષ કર્યો છે તે તો વિદિત છે. ગાંધીજી અને જયપ્રકાશ નારાયણ એમ કહેતા કે સ્વાતંત્ર્ય વિના માણસનું જીવન અપૂર્ણ છે, અપંગ છે, એકાંગી છે. આજના શાસકોએ પ્રજાને સ્વાતંત્ર્ય આપ્યું નથી. લઘુમતીઓના હક્કની તો વાત કરવા જેવી નથી. એટલે આને સુશાસન કઈ રીતે કહી શકાય?
૪. સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ વર્ષ ૨૦૧૦થી લોકપાલની નિમણૂક માટે દિલ્હી ખાતે એક મોટું આંદોલન ચલાવ્યું હતું અને તેના આધારે ૧૬-૧-૨૦૧૪ના રોજ લોકપાલનો કાયદો ઘડાયો હતો. આ કાયદાના સમર્થનમાં હાલના શાસકો સંપૂર્ણ ટેકા સાથે ઊભા રહ્યા હતા પણ એન.ડી.એ.ની સરકાર આવ્યા છતાં ત્રણ વર્ષ થયે પણ લોકપાલની નિમણૂક થઈ નથી. શાસકો માની રહ્યા છે કે લોકપાલ કે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે તો પોતાની સત્તા ચાલી જશે અને ભ્રષ્ટાચાર બહાર પડી જશે. સરકાર આ બંનેની નિમણૂક કરે તો ભ્રષ્ટાચાર અને નાણાકીય ગોલમાલ ઉજાગર થાય. આ બાબતે સુપ્રીમ કોર્ટે સરકારને સૂચના આપવી પડી.
આ સરકાર વિશે ઘણું બધું લખી શકાય કે ઉજાગર કરી શકાય તેમ છે પણ પ્રાથમિકતાએ છ મુદ્દા અગત્યના જણાય છે.
• રોજગારી અંગેના સર્વે પગલાં નિરાશાજનક. એક કરોડની રોજગારીના વચન સામે વર્ષ ૨૦૧૬માં માત્ર ૨.૧૩ લાખ રોજગારી સર્જાઈ છે.
• મહિલા સુરક્ષામાં સંપૂર્ણ નિષ્ફળતા.
• મોંઘવારીને કાબૂમાં લેવામાં અસફળતા. મધ્યમ વર્ગ અને ગરીબો માટે ખાદ્ય સામગ્રી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો.
• વિદેશનીતિમાં સંપૂર્ણ નિષ્ફળતા. પાકિસ્તાન, ચીન અને અન્ય દેશોની આડોડાઈ.
• કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળતા.
• નોટબંધીના હેતુમાં નિષ્ફળતા. કાળું નાણું, ભ્રષ્ટાચાર, આતંકવાદ નાબૂદી, ખોટી-નકલી નોટો વગેરે પ્રશ્નો હતાં તે તો ત્યાં ને ત્યાં જ છે.
ઘણું બધું લખાઈ ગયું છે પરંતુ આ બધી વાતની ખરાઈ વિદ્વાન એવા રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી (નગીનબાપા), જેઓ આપની સાથે છે, તે કરી આપશે. કાંઈ અજુગતું લખાઈ ગયું હોય તો ક્ષમા કરશો.
આપનો,
ગૌતમ ઠાકર
(૨૯-૫-૨૦૧૭ના રોજ પાઠવેલ પત્ર)
E-mail : gthaker1946@gmail.com
સૌજન્ય “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 01-02
![]()
કેન્દ્ર સરકારે તાજેતરમાં નાણાખરડો-૨૦૧૭ પસાર કરતી વેળાએ એકસાથે ચાલીસ ધારા(સ્ટૅચ્યૂટ)માં સુધારા કર્યા. બંધારણીય જોગવાઈ મુજબ નાણાખરડામાં જે સુધારા કરવા હોય, તે માટે ફક્ત લોકસભાની મંજૂરી લેવાની રહે છે. રાજ્યસભામાં સુધારા પસાર કરાવવાની આવશ્યકતા નથી. લોકસભામાં સરકાર સ્પષ્ટ બહુમતી ધરાવતી હોવાથી છેલ્લી ઘડીએ ચાલીસ સુધારા એકસાથે ચર્ચા માટે રજૂ કર્યા અને ગણતરીની મિનિટોમાં તે પસાર થઈ ગયા. હવે આ સુધારા કાયદાકીય સ્વરૂપે અસ્તિત્વમાં આવી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારનું આ પગલું સ્પષ્ટ અને ચોખ્ખો સંકેત આપે છે. પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચા કરવામાં સરકાર માનતી નથી અથવા આવી ચર્ચા કરવાનો તેને રસ પણ નથી. સ્વતંત્ર ન્યાયતંત્ર ઉપર પણ સરકાર ભરોસો ધરાવતી નથી. પુરોગામી યુ.પી.એ. સરકારના કાર્યકાળ દરમિયાન વર્તમાન સરકારના મોવડીઓ ‘ટૅક્સ ત્રાસવાદ’ (ટૅક્સ ટેરરિઝમ) અંગે જોરશોરથી વિરોધ વ્યક્ત કરતા હતા. રાજકીય પક્ષોને મળતાં નાણાં અંગે પારદર્શિતા લાવવાની વાત આ સરકારના મોવડીઓએ અનેક વાર કરી હતી, પરંતુ અત્યારે તેનું વલણ બિલકુલ વિરોધી છે. આવકવેરાતંત્રના અધિકારીઓને જે વિશાળ અને અમાપ સત્તા તપાસ તેમ જ જપ્તી બારામાં આપવામાં આવી, તે અંગે અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવાનું કેન્દ્ર સરકારે મુનાસિબ નથી માન્યું! હાલ તો ભારતની લોકશાહી કૉર્પોરેટ કંપનીઓનાં હિતોની જાળવણી કરતી થઈ જાય તે રીતે પરિસ્થિતિ આકાર લઈ રહી છે.
નાણાખરડો-૨૦૧૭, લોકસભામાં મનીબિલ તરીકે કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો. આગળ જણાવ્યું તેમ, આપણી બંધારણીય જોગવાઈ મુજબ, આ પ્રકારના કાયદા ઘડવાની સત્તા લોકસભાને છે. રાજ્યસભા ને કૉંગ્રેસના સભ્ય જયરામ રમેશે આધારબિલ-૨૦૧૬ને મનીબિલ તરીકે વર્ગીકૃત કરતા, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી દાદ માગી છે. આ અરજીનો ચુકાદો આવવો બાકી હોવા છતાં, સરકારે આધારબિલ-૨૦૧૬ને મનીબિલ તરીકે પસાર કરી નાખ્યો અને હવે આધારખરડો-૨૦૧૬, આધારકાયદા સ્વરૂપે અસ્તિત્વમાં આવી ગયો છે. બંધારણની કલમ ૧૧૦(૩)ની જોગવાઈ પ્રમાણેે, કોને મનીબિલ ગણવો તે અંગે લોકસભાના અધ્યક્ષનો ચુકાદો આખરી હોય છે. બંધારણની આ છટકબારીનો લાભ ઊઠાવીને સરકારે આધારબિલને પણ મનીબિલ તરીકે વર્ગીકૃત કરી, લોકસભામાં પસાર કરાવી નાખ્યો. બંધારણની કલમ ૧૧૦(૧) પ્રમાણે કઈ બાબતોને મનીબિલ અંતર્ગત આવરી શકાય તે સ્પષ્ટ છે. નાણાકીય ખરડો ઉક્ત વર્ગીકરણમાં બંધબેસતો હોય છે. પણ નાણાકીય ખરડો-૨૦૧૭માં, બંધારણની કલમને સુસંગત હોય, તેવા મુદ્દા ઓછા જોવા મળે છે.
કેટલાંક ઉદાહરણ લઈને મુદ્દો સ્પષ્ટ કરીએ. ૨૦૧૩ના કંપની-કાયદાની કલમ ૧૨માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર બિનસરકારી કંપનીઓ પાછલાં ત્રણ નાણાકીય વર્ષમાં જેટલો ચોખ્ખો નફો કર્યો હોય, તેના સરેરાશ ૭.૫ ટકા સુધીની રકમ રાજકીય પક્ષોને દાન તરીકે આપી શકતી હતી. જે સુધારો કરવામાં આવ્યો, તેમાં ઉક્ત મર્યાદા દૂર કરાઈ છે. હવે કંપનીઓ પોતાના ચોખ્ખા નફામાંથી ઇચ્છે એટલી રકમ રાજકીય પક્ષોને દાનસ્વરૂપે આપી શકશે. અગાઉ, સામાન્ય રીતે કંપનીઓ તેમના ચોખ્ખા નફામાંથી પાંચ ટકા રકમ રાજકીય પક્ષોને દાનમાં આપતી હતી. કાયદાકીય જોગવાઈ પ્રમાણે કંપનીઓએ કઈ રાજકીય પાર્ટીને કેટલી રકમ આપી, તે જાહેર કરવું પડતું હતું. કાયદામાં કરવામાં આવેલા પ્રવર્તમાન સુધારા પ્રમાણે, બિનસરકારી કંપનીઓ રાજકીય પક્ષોને દાન આપે તે મર્યાદા દૂર કરવામાં આવી, સાથેસાથે રાજકીય પક્ષોનાં નામ તેમ જ તેમને અપાયેલી રકમ જાહેર કરવામાં પણ કંપનીઓને મુક્તિ અપાઈ છે!
૧૯૫૬ના કંપનીકાયદામાં ૧૯૮૫માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી ભારતમાં કંપનીઓ, રાજકીય પક્ષોને દાન આપી શકતી ન હતી. તેમની ઉપર પ્રતિબંધ હતો. ચૂંટણી પ્રથામાં સુધારા સૂચવવા નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે બિનસરકારી કંપનીઓ, રાજકીય પક્ષોને દાન આપવાનું શરૂ કરશે, એટલે આવાં નાણાંને તેઓ ‘ખર્ચ’ નહીં, પરંતુ ‘રોકાણ’ સમજશે. ભવિષ્યમાં આવા રોકાણના બદલામાં કંપનીઓ સરકાર પાસેથી ઇચ્છે તે લાભ મેળવી શકશે. એવી દલીલ પણ એક તબક્કે કરાઈ હતી કે સરકાર ઉપર કંપનીઓ પોતાની તરફેણમાં નિર્ણયો કરવાનું દબાણ આણી શકે છે, આથી કંપનીઓ પાસેથી ભંડોળ મેળવવું રાજકીય પક્ષો માટે સલાહભર્યું નથી.
ચૂંટણીપ્રથામાં સુધારાઓ સૂચવવા માટે રચાયેલી સમિતિઓએ કરેલી ભલામણોથી તદ્દન સામા છેડાનું વલણ સરકારે અપનાવ્યું છે. વેપારીગૃહો અને રાજકારણ વચ્ચેની સાંઠગાંઠ હવે વધારે મજબૂત બની છે. અનામી નાણાં થકી કૉર્પોરેટકંપનીઓ રાજકીય પક્ષોને જે દાન આપશે તે વધારે અપારદર્શક બનશે. કંપનીકાયદો-૨૦૧૩માં રાજ્યસભાએ જે સુધારા પસાર કરેલા તે લોકસભાએ નકારી કાઢ્યા છે. કેન્દ્ર સરકારે નાણાખરડો-૨૦૧૬માં પણ ચુપચાપ સુધારો કરી લીધો હતો. વિદેશી કંપનીઓની વ્યાખ્યા જ સરકારે બદલી નાખી હતી. લંડનમાં મુખ્ય મથક ધરાવતી વેદાંતા કંપનીએ ભા.જ.પ. અને કૉંગ્રેસને ગેરકાયદેસર ભંડોળ આપ્યું હોવાનું કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું. આ સંદર્ભમાં સરકારે વિદેશી કંપનીઓની વ્યાખ્યા બદલી નાખી!
ચોક્કસ ટ્રિબ્યૂનલોને અન્ય સાથે ભેળવી દેવાનો સુધારો પણ ચિંતાજનક છે. તેનાથી ખાસ કામગીરી કરતી ટ્રિબ્યૂનલો ઉપર કામનું ભારણ વધશે. કેટલીક ટ્રિબ્યૂનલનો ઉપર અત્યારે પણ વધારે કાર્યબોજ છે, તેમાં ઉમેરો થશે. તદુપરાંત ટ્રિબ્યૂનલના સભ્યોની નિમણૂક, સેવાની શરતો તથા સભ્યને દૂર કરવાની બાબતોમાં પણ સરકારનો હસ્તક્ષેપ વધશે. હાઈકોર્ટને સમાન સત્તા તેમ જ કાર્યો ધરાવતી ટ્રિબ્યૂનલોની સ્વતંત્રતા ઉપર સરકારના સુધારાથી તરાપ આવશે. ટ્રિબ્યૂનલો ન્યાયિક સંસ્થાઓ છે. આ પ્રકારની સંસ્થાઓમાં જે નિમણૂક કરાય તેમાં સરકારનો હસ્તક્ષેપ અથવા સામેલગીરી ન હોવી જોઈએ તેમ સર્વોત્તમ અદાલતે ૨૦૧૪માં ઠરાવ્યું હતું. સરકાર સામેના અનેક કેસો ટ્રિબ્યૂનલો પાસે આવે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પક્ષકાર હોય છે. આઘાતની વાત એ છે કે પરસ્પર હિતોની અથડામણ થશે, તે હકીકત સ્વીકારવાનો કેન્દ્ર સરકાર ઇન્કાર કરે છે. નાણાપ્રધાને આ બાબતમતાં સરકાર ન્યાયતંત્ર સાથે સલાહ-મસલત કરશે, તેવી ખાતરી રાજ્યસભામાં આપી હોવા છતાં તે પર્યાપ્ત નથી.
આવકવેરા કાયદો-૧૯૬૧માં જે સુધારા નાણાખરડા-૨૦૧૭ અંતર્ગત કરવામાં આવ્યા, તે પણ ચિંતાનો વિષય છે. આવકવેરા અધિકારીઓની સત્તામાં આપખુદપણે વધારો કરાયો છે. આવકવેરા અધિકારીઓ ‘માની લીધેલાં કારણોસર’ કરદાતાની મિલકતની તપાસ કરી શકશે અને તેને જપ્તીમાં લઈ શકશે. ૧૯૬૨ની પશ્ચાદ્વર્તી અસરથી આ સુધારો અમલમાં આવ્યો છે અને કરદાતાઓમાંથી બહુ ઓછાને તેની જાણકારી છે. આવકવેરા અધિકારીઓને આપવામાં આવેલી આ પ્રકારની રાક્ષસી સત્તા સરવાળે ચોક્કસ કરદાતાઓની કનડગતમાં પરિણમશે. રાજ્યસભાએ આ બધા સુધારાઓમાં ફેરફારો સૂચવ્યા હતા, જે લોકસભાએ નકારી કાઢ્યા છે.
સુધારાઓનાં જમા-ઉધાર પાસાં અંગે ચર્ચા થઈ શકે, પરંતુ જે રીતે તે પસાર કરવામાં આવ્યા તે સરકારના સંચાલન તેમ જ રાજ્યસભા માટે બંધારણમાં જે ભાગ ભજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, તેની સામે પ્રશ્નો ખડા કરે છે. મની બિલના માર્ગથી કાયદાઓમાં સુધારા કરવા અને રાજ્યસભાની મંજૂરી ન મેળવવી તે પરંપરા લોકશાહી શાસનવ્યવસ્થા માટે યોગ્ય તો નથી જ. રાજ્યસભામાં હજી ભા.જ.પ. બહુમતી ધરાવતો નથી. લોકસભામાં બહુમતી ધરાવતો કોઈ પણ પક્ષ રાજ્યસભાને નજરઅંદાજ કરે તે પરંપરા હવે ભારતમાં શરૂ થઈ ગઈ છે. આના કારણે બંધારણે રાજ્યસભાને ઉપલાગૃહનો દરજ્જો આપ્યો, તેની અગત્ય જ રહેતી નથી. પોતાના નિજી સ્વાર્થ સાધવા માટે કેન્દ્રની સરકાર લોકશાહી ધોરણોનો ભંગ અને બંધારણની ભાવનાઓનો છેદ ઉડાવી રહી છે. સ્વસ્થ લોકશાહી માટે આ સારાં ચિહ્નો નથી.
ઇ.પી.ડબ્લ્યુ.(૧-૪-૧૭)ના તંત્રીલેખનો સારભાગ, ‘સર્વોદયસમાજ’ના સદ્ભાવથી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 03 અને 02
![]()

