પૌરાણિક ગ્રીકમાં લોકો કહેતા કે એક ઉત્તમ મિત્ર પતિ કે પત્ની કરતાં ય વધુ આવશ્યક છે. ફિલોસોફર એરિસ્ટોટલે કહ્યું હતું કે, ‘મિત્રો એકબીજાના આયના જેવા છે, જેમાં એ ચહેરો દેખાય છે જે બીજા કોઈ સંબંધમાં નજર નથી આવતો.’ પતિ-પત્નીએ એકબીજાનાં કે માતા-પિતાએ સંતાનોના મિત્ર તરીકે પેશ આવવું જોઈએ એવો જે આધુનિક ખયાલ પ્રચલિત થયો છે તે આ આધિકારિક સંબંધના સ્થાને લોકતાંત્રિક સંબંધની સાર્થકતામાંથી આવ્યો છે. યારી-દોસ્તીમાં પ્રેમ હોય પણ એનું બંધન કે ફરજ ન હોય એ એની ખૂબી છે અને એટલે જ સંસારની તમામ સભ્યતાઓમાં આ સંબંધનું અનૂઠું સ્થાન રહ્યું છે.

એરિસ્ટોટલે ત્રણ પ્રકારના પ્રેમની વાત કરી હતી: અગાપે, ઇરોસ અને ફિલિયા. અગાપે એટલે ઈશ્વર માટેનો પ્રેમ. ઇરોસ એટલે સેક્સ્યુઅલ પ્રેમ, ફિલિયા એટલે યારી-દોસ્તીનો પ્રેમ. હિન્દુ વેદાંતમાં શરીર-ત્રયા(ત્રણ શરીર)ની વાત છે: દૈહિક, આત્મિક અને સામાજિક. દૈહિક એટલે સેક્સુઅલ, આત્મિક એટલે ઈશ્વરીય અને સામાજિક એટલે યારી-દોસ્તીનો સંબંધ.
આ તો પંડિતો અને ફિલોસોફરોની સમજ થઈ, પણ આમ સમાજમાં તો ઘણી ભેળસેળ હતી અને ઘણા સમય સુધી યારી-દોસ્તી શબ્દનો સંદર્ભ પુરુષો સુધી મર્યાદિત હતો. સ્ત્રીઓ એમાંથી બાકાત હતી. યાર શબ્દનો અર્થ મિત્ર તો થતો જ હતો, ઉપરાંત એનો ભાવ પ્રેમી, આશિક અને માશૂક પણ હતો. યાર શબ્દની તો ઉત્પત્તિ જ ફારસી ‘જાર’માંથી થઈ હોવાની માન્યતા છે. જાર એટલે સ્ત્રીનો અવૈધ અને અનૈતિક પ્રેમી, મિત્ર અથવા આશિક. આવા પુરુષથી ઉત્પન્ન સંતાનને જારજ કહે છે. પત્નીના અર્થમાં જોરુ પણ અહીંથી જ આવ્યો છે.
‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ હેમામાલિનીને ટોણો મારીને કહે છે, ‘બહોત યારાના લગતા હૈ.’ યારાના-દોસ્તાના અતંરંગ સંબંધ માટે ય છે, અને વિજાતીય સંબંધ માટે પણ. ભારતના સમલૈંગિક પ્રેમીઓ માટેના પ્રથમ ટ્રસ્ટ હમસફરની પત્રિકાનું નામ ‘બૉમ્બે દોસ્ત’ છે. કરણ જોહરની 2008માં આવેલી બે નકલી સમલૈંગિક ભાઇબંધોની ફિલ્મનું નામ ‘દોસ્તાના’ હતું.
આ તો દોસ્તીના એક આયામની વાત થઈ. સિનેમા હોય, સાહિત્ય હોય કે સમાજ હોય, દોસ્તીનો સંબંધ અનેક રીતે સદીઓથી માણસની નિજી સંતુષ્ટિના સાધન તરીકે જીવતો રહ્યો છે. … … આપણો પ્રશ્ન એ છે કે જેમાં વ્યક્તિને પોતાનો ચહેરો જોવા મળે તેવો યારી-દોસ્તીનો આયનો હજુ ય અકબંધ છે કે પછી 21મી સદીના જીવનમાં અન્ય સંબંધોમાં જે બદલાવ આવ્યો છે તે પ્રમાણે આ આયનાના રિફ્લેક્શન્સ પણ બદલાયા છે?
દોસ્તીની પહેલી (અને એક માત્ર) શર્ત છે વલ્નરેબિલિટી. આ અંગ્રેજી શબ્દનું ગુજરાતી અઘરું છે. વલ્નરેબિલિટીનો અર્થ આમ તો કોમળતા, અતિ સંવેદનશીલતા અથવા નબળાઈ થાય છે, પરંતુ એમાં એ ભાવ નથી આવતો, જે દોસ્તીના સંબંધની અંતરંગતા અથવા ઘનિષ્ટતાને ઉજાગર કરે. વલ્નરેબિલિટી એટલે દુનિયાદારી, સામાજિકતા અને વ્યાવહારિકતાની પરવા કર્યા વગર આપણી અંદરની તમામ કમજોરી, ડર, પીડા, જરૂરિયાત અને મર્મ ઉઘાડા કરવાની નિખાલસતા. વલ્નરેબિલિટી એટલે કમજોરીની તાકાત. વલ્નરેબિલિટી એટલે ‘ઇટ્સ ઓકે’ કહેવાનો અને સાંભળવાનો સંબંધ.
સામાજિક અને ટેક્નોલોજિકલ બદલાવનો અભ્યાસ કરતા પંડિતો કહે છે કે 21મી સદીનો સમાજ ‘કામઢો’ (વર્કોહોલિક) છે. માનવ ઇતિહાસમાં માણસ આજના જેટલો ઉત્પાદક ક્યારે ય ન હતો. સુખ-સંપત્તિ કમાવાની માણસની ક્ષમતા અને જરૂરિયાત એટલી ટોચ ઉપર છે કે એના તમામ નિજી સંબંધોનાં સમીકરણ બદલાઈ ગયાં છે. એમાં પારિવારિક અને સામાજિક સંબંધ એક રીતે એની પ્રોડક્ટિવિટી માટે ઉપયોગી સાબિત થયા છે અને યારી-દોસ્તીના સંબંધો, જેમાં અપેક્ષાઓ અને આશાઓ નહીંવત્ હોય છે, તે ‘સમયનો વ્યય’ સાબિત થઈ રહ્યા છે.
‘લુજિંગ ફ્રેન્ડ્ઝ’ નામનું એક પુસ્તક આધુનિક સમયમાં દોસ્તીના પતનની વાત માંડે છે. એમાં લેખક ડૉ. દિગ્બાય એન્ડરસન કહે છે, ‘મિત્રતા આજકાલ મુસીબતમાં છે. એક સમયે પરિવારનો જ ભાગ ગણાતી મિત્રાચારી હવે સોશિયલ મીડિયાના સંપર્કોમાં સીમિત થઈ ગઈ છે. ધંધા-રોજગારની જરૂરિયાતો અને પરિવારની ઇર્ષા વચ્ચે નિર્ભેળ યારી-દોસ્તી ફેંકાઈ ગઈ છે. માંદગીમાં કે મોતમાં મિત્રો આવતા ઓછા થઈ ગયા છે. સેલ્ફ-હેલ્પનાં પુસ્તકો અને કાઉન્સિલરો દોસ્તી કેમ કરવી એ શીખવાડે છે. એક જમાનામાં દોસ્તીનો સંબંધ સામાજિક (પબ્લિક) હતો, હવે સમેટાઇને અંગત બની ગયો છે, અને ત્યાં દમ ઘૂંટી રહ્યો છે.’
થેન્ક્સ ટુ ફેસબુક, હવે તો દોસ્તીનો અંત (અનફ્રેન્ડ) કરવાનો શિરસ્તો આવી ગયો છે. એક જમાનામાં દોસ્તી બચપણમાં જન્મીને જવાનીમાં વયસ્ક થતી હતી. હવે એનો આરંભ અને અંત ક્લિક પર નિર્ભર થઇ ગયો છે. આપણી ઓળખાણો વધી રહી છે, અને દોસ્તી ઘટી રહી છે. સામાજિક-પારિવારિક પ્રગતિમાં ઓળખાણો કામ આવે છે, મિત્રો ‘ટાઇમ ખરાબ’ કરે છે. નો વંડર, આપણે બહારથી ધનવાન થયા છીએ, પણ અંદરથી કંગાળ છીએ.
રોબિન ડનબાર નામના બ્રિટિશ ઇવોલ્યુશનરી સાયકોલોજિસ્ટે કહેલું કે માણસના મગજની ક્ષમતા પ્રમાણે એક વ્યક્તિ વધુમાં વધુ 150 જેટલા લોકો સાથે જ સાર્થક સંબંધ જાળવી શકે છે, પછી એ ગુફામાં વસતો માણસ હોય કે ફેસબુક ઉપર જીવતો. આ વાતમાં તથ્ય છે. માણસ જ્યારે ગુફા-જંગલમાં રહેતો હતો ત્યારે એની શિકારી ટોળીનો સરેરાશ આંકડો 148 લોકોનો મૂકવામાં આવે છે. ઇતિહાસમાં, રોમનોથી લઈને રશિયનો સુધીની આર્મી કંપનીમાં સૈનિકોની સંખ્યા 150ની રહી છે. આપણે ત્યાં નવા વર્ષના ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવાની સંખ્યા પણ 153ની આસપાસ છે. 1000થી 5000ની ફ્રેન્ડશિપ ક્ષમતાવાળું ફેસબુક જીવન આ ‘નેચરલ નિયમ’નું ઉલ્લંઘન કરે છે અને એ યારી-દોસ્તી ખતમ કરી રહ્યું છે.
તમને જો યાદ હોય તો એક જમાનામાં ડેલ કાર્નેગીનું પુસ્તક ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ’ બહુ લોકપ્રિય હતું. એ પુસ્તકમાં કાર્નેગીએ લખ્યું હતું, ‘દોસ્તીમાં કેન્દ્રસ્થાને સામેની વ્યક્તિ હોય છે, આપણે નહીં. અત્યારે લોકો પોતાનામાં જ એટલા મસરુફ હોય છે કે એમને સામેની વ્યક્તિની અંદર ઝાંખવાની ફુરસદ નથી.’
‘અમેરિકન સોશિયોલોજિકલ રિવ્યૂ’ પત્રિકામાં પ્રકાશિત એક સર્વેમાં તારણ આવ્યું હતું કે સરેરાશ અમેરિકનને માત્ર બે ઘનિષ્ઠ મિત્રો હોય છે અને 42.5 પ્રતિશત અમેરિકનોને એક પણ મિત્ર નથી! સુખ-સંપત્તિ અને ટેક્નોલોજિકલ તરક્કીની દોડમાં મિત્રાચારીનો સંબંધ આપણે ત્યાં ભારતીય સમાજમાં પણ ‘અમેરિકન રસ્તે’ જઈ રહ્યો છે. ‘કનેક્ટેડનેસ’ એ માણસની માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તી માટેની અનિવાર્ય શરત છે. આપણે બહારથી તંદુરસ્ત અને ધનવાન થઈ રહ્યા છીએ, પરંતુ એરિસ્ટોટલે કહ્યું હતું તેમ, ‘બધી જ સુખાકારી હોય પણ મિત્ર ન હોય તો કોને જીવવાનું ગમે?’
સૌજન્ય : બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 અૉગસ્ટ 2017
![]()


આ પંક્તિ જેટલી સરળ છે એટલી જ સરળતાથી ઉમાશંકર પોતાની અંદરના વ્યક્તિને ઓગાળી શકતા હતા. અને ઓગળીને ક્યાં પ્રસરવાનું હતું? વિશ્વસમાજમાં, અને એ પણ આધુનિક મૂલ્યોની ખેવના સાથે. મેં ઉમાશંકરને ઓગણીસો ચોર્યાશી-પંચ્યાશીની આસપાસ આ પરિષદના ઉપરના જયંતિ દલાલ ખંડમાં નીરવ પગલે આવીને પાછળની ખુરશીમાં શાંતિથી બેસતા અને કાર્યક્રમના સમાપનની વિધિ થાય તે પૂર્વે એવી જ નીરવતાથી બહાર સરી જતા જોયા છે. એ વખતે નિરંજન ભગત મીરા, દયારામથી લઈને ન્હાનાલાલ સુધીના સર્જકો અંગે વ્યાખ્યાન આપતા જેનો અમારા ઘડતરમાં ફાળો છે. આજે એમના જન્મદિવસની આ ગોષ્ઠીમાં ઉમાશંકરની જેમ જ સ્વાતિબહેન કાર્યક્રમ શરૂ થયાની થોડી વાર પછી આવ્યાં અને મને આ વાત યાદ આવી.