સાહિત્યકારને ઇનામો કોણ આપી શકે? કોની પાસેથી ઇનામો સ્વીકારવાં? એ વાત સહુએ ઘણી ખીલે બાંધવા જેવી લાગે છે.
મહાવીરસ્વામીનું જીવનચરિત્ર લખવા માટે પૈસાદાર જૈન કોમે મોટાં ઇનામની લાલચ આપી છે. ‘જૈન’ પત્ર પૂછે છે : ‘આવી લાલચોથી મહાન પુરુષોની ભાવનાઓને મહત્તાપૂર્વક રજૂ કરતું પુસ્તક તૈયાર થઈ શકે કે? પૈસાની લાલચથી નહીં, પણ અંતરની તાલાવેલીથી જ મહાન સર્જનો થઈ શકે.’
ગુજરાત પાસે રણજિતરામ સુવર્ણચંદ્રક છે, તે પછી મહિડા ચંદ્રક થયો. સુરતવાસીઓએ નર્મદચંદ્રકની યોજના કરી. છેલ્લે ‘કુમાર’ માસિકમાં વર્ષ દરમિયાન અનુકૂળ લેખો લખનારને માટે કુમારચંદ્રક યોજાયો છે.
એક વાત સરૂપ ચંદ્રકો પરત્વે કહેવા જેવી છે. મુદ્દો આ છે, કે ચંદ્રકની પ્રતિષ્ઠાને આપણે કેવી રીતે આંકીએ તો સારું? ચંદ્રક એની વિરલતાએ કરીને વધુ શોભે કે વિપુલતાએ? ધારો કે આ રીતે વધુ સામયિકો ચંદ્રકદાન આપતાં બની જાય. સંસ્થાઓ પોતપોતાના ચંદ્રકો કાઢવા માંડે, વ્યક્તિઓ પણ એ મારગે ચાલવા લાગે તો? વર્ષે સોએક રૂપિયાના ખર્ચે ચંદ્રકદાતા તરીકેની નામના ખાટવાનો હિસાબ મૂકનારા વધી નહીં પડે?
ચંદ્રક તો એક ગૌરવચિહ્ન છે. ચંદ્રકોની સંખ્યા વધારવાથી સાહિત્યની ગતિ વધારી શકાય એવું લાગતું નથી. પાંચ-સાતને બદલે એકાદ-બે જ ચંદ્રકો હોય, અને એના વડે વિભૂષિત બનનાર વ્યક્તિનું નામ પડતાં અનેક હૃદયો એ કક્ષાએ પહોંચવાની આકાંક્ષાએ સ્પંદાયમાન બની રહે, સમસ્ત ‘પ્રજાને મન એ ચંદ્રકાર્યણવિધિ મહાપર્વ બની રહે, એવા કોઈ આદર્શ પર આપણે ચંદ્રકને આસન આપીએ તો ઠીક નહીં?’
કોઈ પણ સાહિત્યકારની સાહિત્યસેવા જો જન્મમહોત્સવની અધિકારી હોય, તો પછી હજાર-પંદરસો માણસોની વચ્ચે એની ક્ષણિક ‘પ્રસ્તુિતના અર્થહીન જલસાથી સંતોષ લેવો એ હાંસી છે. એની કૃતિઓ જ ગુજરાતનાં ઘરોઘરમાં સંઘરાતી જાય તેવી ભાવના પ્રસરવી ઘટે છે. એનાં પુસ્તકોની કલાવંત આવૃત્તિ સસ્તેભાવે વેચવી ઘટે છે. કવિ બોટાદકરની અજરામર જયંતી તે એનાં પુસ્તકોનો અવિરત ઝુકાવ છે. સાહિત્યકારની કૃતિઓનો કલા રમ્ય અને સસ્તો પ્રચાર એટલે જ એની સાચી જયંતી.’’
જયંતીઓ, સુવર્ણમહોત્સવો એ સાહિત્યકારો, કલાકારો કે શિક્ષણકારોનાં જીવનના થાક ઉતારવા માટે ને તેમનામાં શુભેચ્છકોની સહાનુભૂતિનું નવું બળ રેડી એમના પગને પ્રોત્સાહિત કરવા માટે જરૂરનાં બને છે. શુભચિંતકોનું મંડળ જો સમણું હશે, તો આવા ઉત્સવોની મર્યાદાનું પાલન કરવામાં જ પોતાના સન્માનપત્રનું રૂપ સમજશે. અતિશયતા જેવી બીજી એકેય હાંસી નથી.
પારિતોષિકો, ચંદ્રકો આપવાનો અધિકાર ફક્ત વિદ્યાપીઠોને અથવા લોકમાન્ય સાહિત્યસંસ્થાઓને જ હોઈ શકે. સાહિત્યકારને જો સ્વમાન જેવી કોઈ ભાવના હોય, તો તેઓએ ઇતર પ્રવૃત્તિ ઇનામી પ્રથાઓનો વિરોધ કરવો જોઈએ. એમાં સાહિત્યનું અપમાન રહેલું છે.
(‘પરિભ્રમણ : નવસંસ્કરણ, ખંડ-૧’માંથી સંકલિત કરનાર મહેન્દ્ર મેઘાણી)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 17
![]()


સરકાર આજે શિક્ષણસુધારણા અંગેની ઘણી જાહેરાતો કરે છે, પરંતુ તેનો પરિઘ પરીક્ષા, અભ્યાસક્રમ અને વહીવટ સુધી મર્યાદિત હોય છે. કંઈક અસામાન્ય બને, ત્યારે આશ્વાસન રૂપે કેટલુંક કહેવાય છે, દેખાવ પૂરતું થોડું થાય છે અને પછી ભૂલી જવાય છે. કારણ કે શિક્ષણ માનવઘડતરનું અસરકારક અને સૌને સ્પર્શતું માધ્યમ છે, એ રૂપે જોવાતું નથી. શિક્ષણને વહીવટ રૂપે જોવાય, તો સપાટી ઉપરનું અતિ અલ્પ કામ જ થાય. એટલે મૂળે તો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જરૂરી એવા અનેક સ્થૂળ કાર્યક્રમોનું પરિણામ થોડા વખતમાં સામે આવે છે. તે બતાવી-ગણાવી શકાય છે. પરંતુ શિક્ષણનું પરિણામ બાર-પંદર કે વીસ વર્ષે આવે છે. લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય પણ તેમાં ટોચના પાંચ-દસ હજારની નોંધ લેવાય છે. તેમની સફળતાને આધારે ગુણવત્તાનો સંતોષ લેવાય છે, પરંતુ લાખો વિદ્યાર્થીઓમાં જે અપાર શક્યતા હતી તે વણવિકસિત રહી એ રાષ્ટ્રીય ખોટ તરફ વહીવટકર્તા કે વાલીઓનું ધ્યાન જતું નથી.