
![]()

![]()
વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાનને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહેલી મુદતના ૧૭ મહિના બચ્યા છે. આ વરસના પાંચ મહિના અને આવતા વરસના ૧૨ મહિના. ૨૦૧૯ના જાન્યુઆરી મહિનાથી લોકસભાની ચૂંટણીનાં વાદળો ઘેરાવા લાગશે અને એપ્રિલ મહિનાથી ચૂંટણી યોજાવાનું શરૂ થશે. આ પણ દેશનું દુર્ભાગ્ય છે કે ચૂંટણીના છ મહિલા પહેલાંથી શાસકો શાસક મટીને પ્રચારક બની જાય છે. આવું પહેલાં નહોતું બનતું. પહેલાં ચૂંટણીપ્રચાર રસ્તા પર થતો હતો જે હવે મીડિયાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યો છે, એટલે એમાં નાટકીયતા અને ઘોંઘાટ વધ્યાં છે. નાગરિક સાથે સીધો સંપર્ક રહ્યો નથી એટલે નાગરિકને ભરમાવવાનું તત્વ વધ્યું છે. એ તો દેખીતી વાત છે કે કોઈને ભરમાવવા માટેની તૈયારી ઘણી વહેલાસર કરવી પડતી હોય છે.
રહી વાત બીજી મુદતની તો બીજી મુદત પોસ્ટડેટેડ ચેક છે. ગમે એટલો ભરોસો હોય તો પણ અંતે તો એ ભાવિ મુદતનો ચેક છે, જે વટાવવા મળશે કે કેમ એની ખાતરી તો વડા પ્રધાન પોતે પણ ન આપી શકે. હા, નગદ ૧૭ મહિના વડા પ્રધાનના ખિસ્સામાં છે અને એ કોઈ ઝૂંટવી શકે એમ નથી સિવાય કે કોઈ અણધારી ઘટના બને. બીજું, વડા પ્રધાન આ ૧૭ મહિના કઈ રીતે વાપરે છે અને હવે પછીના ૧૭ મહિનામાં શું બનશે અને સરકાર એનો કઈ રીતે સામનો કરશે એના પર પણ બીજી મુદત નિર્ભર કરે છે. આમ કાળના ગર્ભમાં શું છે એની ખાતરી કોઈ આપી શકે નહીં, પરંતુ વર્તમાન વડા પ્રધાનના હાથમાં પાકા ૧૭ મહિના છે અને વીતેલા ૩૮ મહિનાનો અનુભવ ગજવામાં છે.
મારી સમજ મુજબ વડા પ્રધાન સામે અત્યારે ચાર મુખ્ય પડકારો છે. પહેલો પડકાર ચીનનો છે. બીજો પડકાર આતંકવાદ, જમ્મુ અને કાશ્મીર અને ઈશાન ભારતનો છે. એ પડકાર જેટલો કાયદો અને વ્યવસ્થાનો છે એટલો રાજકીય છે. આમ આંતર-બાહ્ય અશાંતિ બીજો પડકાર છે. ત્રીજો પડકાર આર્થિક મોરચે છે અને એમાં પણ રોજગારીના ઘટતા પ્રમાણનો છે. ચોથો પડકાર ઇમેજનો છે. નરેન્દ્ર મોદી વિકાસની નાવમાં બેસીને દિલ્હી આવ્યા હતા અને ગાય જેવા હિન્દુત્વના વમળમાં અટવાઈ રહ્યા છે. આ બધું તેમની સંમતિ સાથે ભાયાતો કરી રહ્યા છે કે તેમની મરજી વિરુદ્ધ માથાભારે કરી રહ્યા છે એનો ખુલાસો હવે વહેલી તકે વડા પ્રધાને કરવો પડશે. બે નાવની સવારી અનંત સમય સુધી ન થઈ શકે. આમ ધૂંધળી અને ઈમાનદારી વિશે શંકા પેદા કરે એવી ઇમેજ એ ચોથો પ્રશ્ન છે.
પહેલો સૌથી મોટો પડકાર ચીનનો છે. ચીને ભારતની છાતી પર બેસીને વડા પ્રધાનનું ગૌરવખંડન કરી રહ્યું છે. ભોંઠપમાં મુકાઈ જવું પડે એ હદે ભડવીર હોવાની ઇમેજના ભાંગીને ભુક્કા થઈ રહ્યા છે. લાર્જર ધૅન લાઇફ ઇમેજ ડેવલપ કરવાના આ ગેરફાયદા છે. અહીં ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં ફરક છે. ઇન્દિરા ગાંધી પણ તાનાશાહી વલણ ધરાવતાં હતાં, પરંતુ જો લાચાર બનવાથી મગ પાકતા હોય તો તેમને લાચારીનો દેખાવ કરવામાં શરમ નહોતી આવતી.
૧૯૭૦-’૭૧ના બંગલા દેશ સંકટ વખતે તેમણે શરૂઆતમાં લાચારીનું સૉન્ગ રચ્યું હતું. જગતભરના નેતાઓ સમક્ષ તેઓ ખોળો પાથરતાં હતાં કે જુઓને અમારી પડોશમાં શું બની રહ્યું છે. કતલેઆમ થઈ રહી છે, નિર્દોષ લોકોનું લોહી રેડાઈ રહ્યું છે, અમારાથી જોવાતું નથી, નિરાશ્રિતો અમારે ત્યાં ઠલવાઈ રહ્યા છે, માનવતાનો સાદ સાંભળીને અમે નિરાશ્રિતોને આવતા રોકી શકતા નથી અને તેમનો બોજો અમારાથી સહન થતો નથી, ભારત વિકાસશીલ ગરીબ દેશ છે વગેરે. મુસ્લિમ દેશો સુધી ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે મુસ્લિમ નેતાઓનો ઉપયોગ કર્યો હતો અને જગતભરના યુદ્ધવિરોધી શાંતિવાદીઓ સમક્ષ ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે સર્વોદયી નેતા જયપ્રકાશ નારાયણનો ઉપયોગ કર્યો હતો. જેઓ સત્તામાં નહોતા, પરંતુ વિશ્વસમાજમાં કૉન્શિયસકીપર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા હતા એ લોકો સુધી પણ ભારતની લાચારી પહોંચાડવાનું અને રડવાનું ઇન્દિરા ગાંધી ચૂક્યાં નહોતાં. અમે સંકટમાં મુકાઈ ગયાં છીએ અને તમે તારણહાર બનીને અમને ઉગારી શકો છો એમ કહેવામાં ઇન્દિરા ગાંધી ભોંઠપ નહોતાં અનુભવતાં.
ઇન્દિરા ગાંધીને દુર્ગાની ઇમેજ બંગલા દેશનું યુદ્ધ જીત્યા પછી મળી હતી, મીડિયા દ્વારા દુર્ગાની ઇમેજ સ્થાપીને તેઓ વડાં પ્રધાન નહોતાં બન્યાં. ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં મોટો ફરક આ છે. સંકટ ૧૯૭૧ જેવું જ છે, પણ ભડવીર હોવાની ઇમેજ આડી આવે છે. ઇન્દિરા ગાંધીથી ઊલટું ચીનના પ્રશ્ને ભારતની ભૂમિકાથી જગતને વાકેફ કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે હજી સુધી કોઈ પ્રયતïનો કર્યા હોય એવું જોવા મળ્યું નથી. વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાન સુષમા સ્વરાજને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે એટલે ચીનનો હવાલો તેમને સોંપી દેવો જોઈએ. ગલઢા ગાડાં વાળે એ ન્યાયે વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજ સિક્કિમની સરહદેથી કદાચ ચીનનાં ગાડાં વાળી શકે એમ છે.
એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૧૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેક્રેટરી-લેવલે ચર્ચા નક્કી થઈ હતી. ચર્ચા પહેલાં પાકિસ્તાનના ભારત ખાતેના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા હતા. ભારતે એનો વિરોધ કર્યો અને મંત્રણા રદ કરી નાખી. અત્યારે ચીનના ભારત ખાતેના એલચી ભારતના નેતાઓને તો મળે છે, પણ વિશ્વદેશોના એલચીઓને પણ મળે છે અને હદ તો એ વાતની છે કે તેઓ ભુતાનના રાજાને મળવા થિમ્પુ ગયા હતા અને નેપાલના વડા પ્રધાનને મળવા કાઠમાંડુ પણ ગયા હતા. એક તરફ ઓવર-રીઍક્ટ કરવાનું અને બીજી તરફ અપમાન સહન કરી લેવાનું એ નીતિ બરોબર નથી.
જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે વડા પ્રધાને માફકસરની મુત્સદ્દીગીરી અપનાવવી જોઈએ. પાકિસ્તાનને ધમકાવવાની જરૂર નથી અને ચીનથી ડરવાની જરૂર નથી. મુત્સદ્દી વાપરીને ચીનની નીચેથી ફસાયેલો હાથ હળવેકથી કાઢી લેવાનો છે. એને માટે કાગારોળ કરવી પડે તો એ પણ મુત્સદ્દીગીરીનો ભાગ છે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. આ જગતમાં કોઈ રુસ્તમ હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાને ભડવીર હોવાની ઇમેજની કેદમાંથી બહાર આવવાની જરૂર છે અને એ જો અઘરું લાગતું હોય તો આગળ કહ્યું એમ વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજને ચીનનો હવાલો સોંપી દેવો જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2017
![]()

ભારતનાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ઓળખાણ આજની પેઢીને આપવી હોય તો? તો એ જ કે ઇન્દિરા એક તેજતર્રાર, દબંગ નેતા હતાં. એ દુર્ગા તરીકે જાણીતાં હતાં, તેમણે પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા હતા. તેમણે કૉંગ્રેસને પણ બે ફાડચામાં વહેંચી નાખી હતી. તેમણે દેશમાં કટોકટી લાદી હતી, લોકતંત્રનું ગળું દબાવી દીધું હતું અને સંવેધાનિક વ્યવસ્થાઓને નપુંસક બનાવી દીધી હતી. પિતા જવાહરલાલ નહેરુ પછી સૌથી લાંબો સમય (1966થી 1977 અને 1980થી 1984) સુધી શાસન કર્યું હતું. તેમના જ બે અંગરક્ષકોના હાથે તેઓ શહીદ થયાં હતાં.
ઇન્દિરા ગાંધી આ બધું તો હતાં જ, અને એ ઉપરાંત પણ ઘણું બધું હતાં. કેટલાક લોકો માટે તેઓ સંત હતાં, જેણે ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી હતી. કેટલાક માટે એ શેતાન હતાં, જેમણે કટોકટી નામના પશુને દેશ ઉપર છોડી મૂક્યું હતું અને વિરોધીઓ ઉપર કચકચાવીને વેર લીધું હતું. ઇન્દિરા ઉપર ખૂબ લખાયું છે, અને હજુ ય લખાતું રહે છે. જેને બ્લેક એન્ડ વ્હાઇટ ચરિત્ર કહેવાય છે, તેવું ઇન્દિરાના કિસ્સામાં નથી. અલગ-અલગ લેખકો-પંડિતો ઇન્દિરાને પોત-પોતાના મૌલિક દૃષ્ટિકોણથી જુએ છે અને એ પરસ્પર વિરોધી દૃશ્યોમાંથી ઇન્દિરાનું એનિગ્મેટિક વ્યક્તિત્વ ઊભું થાય છે.
છેલ્લા એક મહિનામાં જ ઇન્દિરા ગાંધી ઉપર ત્રણ નવાં પુસ્તકો આવ્યાં છે અને જુલાઈમાં મધુર ભંડારકરની એક ફિલ્મ (ઇન્દુ સરકાર) રિલીઝ થઈ રહી છે. મે મહિનામાં ઇન્દિરાની જન્મ શતાબ્દી નિમિત્તે કૉંગ્રેસ પક્ષે ‘ઇન્ડિયાઝ ઇન્દિરા: અ સેન્ટેનીઅલ ટ્રિબ્યુટ’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. બીજું પુસ્તક પત્રકાર સાગરિકા ઘોષનું છે ‘ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર’, જે ઇન્દિરાને જેમ્સ બોન્ડ અને બાહુબલીના ક્રોસ તરીકે પેશ કરે છે. ઇન્દિરાનું ત્રીજું ચરિત્ર કૉંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે લખ્યું છે, અને આ ત્રીજું પુસ્તક એટલું બધું મૌલિક છે કે અત્યાર સુધી ઇન્દિરા ઉપર લખાયેલાં તમામ પુસ્તકો(જેની સંખ્યા અંદાજે 35 છે)માં પહેલી વાર ઇન્દિરાને એક નવા આયામમાં પેશ કરવામાં આવ્યાં છે.
તમે અંગ્રેજીમાં ‘બાયોફિલા’ શબ્દ સાંભળ્યો છે? શબ્દ બહુ નવો છે. 1984માં (જે વર્ષે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી) અમેરિકન જીવશાસ્ત્રી એડવર્ડ વિલ્સને આ નામનું એક પુસ્તક લખ્યું હતું ત્યારથી એ શબ્દ વપરાશમાં છે. જેમ ફિલોસોફી શબ્દમાં ફિલોનો અર્થ પ્રેમ અને સોફીનો અર્થ જ્ઞાન થાય છે (જ્ઞાન માટેનો પ્રેમ), તેવી રીતે બાયોફિલોનો અર્થ થાય છે જીવ (બાયો) માટેનો પ્રેમ (ફિલો).
વિલ્સને કહ્યું હતું કે આપણી આજુબાજુમાં જે જૈવિક દુનિયા છે તેની સાથે દરેક વ્યક્તિના અચેતન મનમાં લગાવ હોય છે. પ્રકૃતિ સાથે, પશુ-પંખી-પાણી-વનસ્પતિ સાથે આપણે જોડાયેલા હતા, પરંતુ ઉત્ક્રાંતિ દરમિયાન મન-મગજનો વેગળો વિકાસ થતાં માનસિક સ્તરે એક અલગાવ પેદા થઇ ગયો અને પ્રકૃતિ સાથે પાછા એક થવાની કસક આપણી અંદર જીવતી રહી ગઈ. આ તડપ એટલે બાયોફિલા.
જયરામ રમેશે લખેલા જીવનચરિત્ર ‘ઇન્દિરા ગાંધી: અ લાઇફ ઇન નેચર’માં જે ઇન્દિરા બહાર આવે છે, તે આ બાયોફિલાની ફિતરતવાળાં ઇન્દિરા છે, જે અલગ, અજાણ્યાં અને અભિનવ છે. ઇન્દિરાનો પ્રથમ પ્રેમ પ્રકૃતિ હતી, અને રાજનીતિમાં તેઓ અનિચ્છાએ આવ્યાં હતાં. નિસર્ગ પ્રત્યેના એ ‘નેહડા’ને કારણે જ આ દેશના પર્યાવરણ તથા વન્ય સંબંધી કેટલા ય કાનૂનો ઇન્દિરાના કાર્યકાળ વેળા આવ્યા હતા, એ આ હેરત અંગે જ પુસ્તકની હાઇલાઇટ્સ છે.
‘વડાપ્રધાનો તો આવાં ગતકડાં કરતાં રહે’ એવું કહીને જો તમે ઇન્દિરાના આ ફિતૂરને ખારીજ કરી નાખતા હો તો જાણવા જેવું એ છે કે ઇન્દિરાનો પ્રકૃતિપ્રેમ દિલ્હીના સફદરજંગ રોડના બંગલામાંથી આવ્યો ન હતો, એ અલ્હાબાદના આનંદ ભવન અને દિલ્હીના તીન મૂર્તિ ભવનમાંથી આવ્યો હતો, જ્યાંથી પિતા જવાહરલાલ નેહરુએ ‘ગૂંગી ગુડિયા’ ઇન્દિરાને પત્રો લખ્યા હતા.
‘લેટર્સ ફ્રોમ ધ ફાધર ટુ હીઝ ડૉટર’ પુસ્તકમાં આવા ત્રીસ પત્રોનો સમાવેશ છે અને એમાં પાંચ પત્રો નૈસર્ગિક ઇતિહાસ ઉપર છે. ઇન્દિરાનો પ્રકૃતિ પ્રેમ જવાહરલાલ નેહરુ તરફથી આવ્યો હતો. 1973માં આ જ પુસ્તકની આવૃત્તિમાં પ્રસ્તાવનામાં ઇન્દિરાએ લખ્યું હતું, ‘આ પત્રોએ મને પ્રકૃતિને પુસ્તકની જેમ સાચવવાનું શીખવ્યું છે. મેં કલાકોના કલાકો પથ્થરો, છોડવા, જંતુઓ અને આકાશના તારાને ઓળખવામાં કાઢ્યા છે.’
ઇન્દિરા એક માત્ર ભારતીય પ્રધાનમંત્રી છે, જેમણે 1972માં સ્ટોકહોમમાં યુએન કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયર્નમેન્ટમાં સંબોધન કર્યું હતું અને લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રના મતે, ઇન્દિરાએ પહેલીવાર ગરીબીનું એક મૂળ પર્યાવરણ પરિવર્તનમાં જોયું હતું. લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરામાં નિસર્ગની તડપ કેવી હતી, એની એક મિસાલ અમેરિકાના ફોટોગ્રાફર ડોરોથી નોર્મનને 1958માં લખેલા એક પત્રમાં મળે છે. ઇન્દિરાએ ડોરોથીને લખ્યું હતું, ‘મને આ બધું છોડીને સુદૂર કોઇ પહાડોમાં જતાં રહેવાનું મન થાય છે.’ બીજા જ વર્ષે 1959માં એમણે કૉંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું. તે પછી બીજા એક મિત્રને લખ્યંુ હતું, ‘હું આ આખું વર્ષ ચુપચાપ અને શાંતિમાં પસાર કરવાનું વિચારતી હતી ત્યાં આ નવી જવાબદારી આવી પડી છે.’
ઇન્દિરા પક્ષીવિજ્ઞાની સલીમ અલીનાં મિત્ર અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પેટ્રન હતાં. ઇન્દિરાના પ્રયાસથી જ દિલ્હી બર્ડ વૉચિંગ સોસાયટીની સ્થાપના થઈ હતી. એક પત્રમાં એ પિતા નેહરુને ઘેરા પીળા રંગના, ચમકતા બ્લુ શેડ્સવાળા પૂંછડીવાળા, ઘુમાવદાર ચોંચવાળા પક્ષીનું નામ પૂછે છે. જવાબમાં નહેરુ લખે છે, ‘તું મને કોઇ પક્ષીનું સંદિગ્ધ વર્ણન કરીને અહીં બેઠાં બેઠાં એનું નામ આપવાનું કહે છે! મારા જ્ઞાનમાં તારો આ વિશ્વાસ મર્મસ્પર્શી છે, પણ ઉચિત નથી.’
નહેરુએ ઇન્દિરાને જે પુસ્તકો વાંચવા આપેલાં, એમાં એક બેલ્જિયાઇ નાટ્યકાર-કવિ મૌરીસ મેટલિંકનું ‘ધ લાઇફ ઑફ ધ બી’ છે, જે મધમાખીનો આધાર લઈને જીવનની વાત કરે છે. એમાં નહેરુ લખે છે, ‘ઇન્દિરા પ્રિયદર્શિની, પાપુ કા બહુત, બહુત પ્યાર, નૈની જેલ, 10 ડિસેમ્બર 1930’. વળતા પત્રમાં ઇન્દિરા લખે છે, ‘વાંચવાની મજા આવી. મેં ‘ધ લાઇફ ઑફ ધ એન્ટ’ પણ શરૂ કરી છે. હજુ થોડાં પાનાં વાંચ્યાં છે એટલે બહુ કહી નહીં શકું.’
વર્ષો પછી ઇન્દિરાએ એક પત્રમાં મિત્રને લખ્યું હતું, ‘ફેબર બુક્સ ઑફ ઇન્સેક્ટસ’ અને મૌરીસનાં પુસ્તકોએ મારું ઘડતર કર્યું હતું.’ ઇન્દિરાની અંગત લાઇબ્રેરીમાં પણ આવાં ઘણાં પુસ્તકો હતાં, એમાં એક બ્રિટિશ ચિત્રકાર ઇ. જે. ડેટમોલ્ડનું ‘ધ બુક ઑફ બેબી બર્ડ્સ’ હતું. એમાં પહેલા પાને નહેરુના હસ્તાક્ષર અને તારીખ-5-12-29, કલકત્તા હતી. એક પુસ્તક ફ્રેન્ચમાં પતંગિયા ઉપર હતું. બીજું માછલીઓ ઉપર હતું. અર્જેન્ટિનિયન પ્રકૃતિવિદ્ વિલિયમ હેન્રી હડસનની આત્મકથા હતી તો છોડવાનો કુદરતી ઇતિહાસ ‘ફ્લાવરિંગ અર્થ’ હતો.
ઇન્દિરાનાં સખી અને હસ્તકળાને પ્રોત્સાહન આપનાર પુપુલ જયકરને એમણે એકવાર કહ્યું હતું, ‘મને ફૂલો કરતાં વૃક્ષો વધુ પસંદ હતાં. મને બચપણથી જ વૃક્ષો જીવન-દાતા લાગતાં હતાં. મને વૃક્ષ ઉપર ચઢવાનું, એમાં છુપાઈ જવાનું ગમતું. મેં એમાં જગ્યા બનાવી હતી, જ્યાં હું મારી ચોપડીઓ લઇને બેસી જતી. હું જ્યારે પૂણેમાં ભણવા ગઈ ત્યારે પણ ગમતાં વૃક્ષ ઉપર ચઢી જતી હતી. નીચે લોકો બૂમો પાડતા, ‘પેલી ક્યાં ગઇ?’ અને હું ઉપર જ બેસી રહેતી.’ ડિપ્લોમેટ અને વિદેશ સચિવ જગત મહેતાએ નહેરુ-ગાંધીના ખૂલી હવાના પ્રેમનો એક કિસ્સો કહ્યો છે. 1958માં 67 વર્ષના નહેરુ અને 41 વર્ષનાં ઇન્દિરાએ 15000 ફૂટની ઊંચાઇએ નાથુલા પાસથી પારો સુધી પાંચ દિવસ 105 કિલોમીટર ચાલીને ભુતાન સુધી એક ડિપ્લોમેટિક મિશનની આગેવાની લીધી હતી. આજના જે લીડરો ભારતની બરબાદી માટે નહેરુ-ગાંધીનાં નામનાં છાજિયાં કૂટે છે, એ લીડરો જો જંગલ-પહાડના રસ્તે ચાલીને વિદેશ યાત્રા કરે તો એમના શરીર, સ્વભાવ અને દુનિયાદારીમાં પણ ચાર ચાંદ લાગશે.
તા.ક. જયરામ રમેશના પુસ્તકનું વિમોચન થયું તે પ્રસંગે ઉપસ્થિત પ્રખ્યાત પર્વતારોહી મનમોહનસિંહ કોહલીએ કહ્યું કે એક વાર ઇન્દિરાએ એમને કહ્યું હતું, ‘પ્લીઝ, મને પહાડોની બેટી કહીને બોલાવો’.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 23 જુલાઈ 2017
![]()

