
નવસારી આવ્યું અને એ મારી સામે આવીને ગોઠવાઈ. પહેરવેશ ચાડી ખાતો હતો કે આ બાઈ પારસી છે. બારી પાસે જગ્યા મળી ગઈ એટલે એ તો ખુશખુશ થઈ ગયેલી.
‘વાહ આજે ટો સિદ્ધી બાળી પાસે જગા મળી ગઈને કંઈ…?’ હજુ તો ટ્રેન શરૂ નહીં થઈ હોય ત્યાં એણે વાતોનો પટારો ખોલ્યો.
આજુબાજુવાળાને તો જાણે ઓળખતી જ હોય એમ એ સીધી મુદ્દા પર આવી ગઈ. તેણે હાથમાં કોઈક છાપું પકડ્યું હતું અને તેની કોઈ ખબર તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘આ બઢા આઈવા કરે, પણ આપણને એમાં હુ ફાયડો ઠવાનો …’
એણે કઈ ખબર પર આંગળી ચીંધી એ જાણવાની મને પણ ઉત્સુક્તા થઈ. એટલે મેં અખબારમાંની એ ખબર તરફ જોયું.
અખબારમાં ફલાણાં પક્ષનો ઢીંકણો નેતા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યો છે એના સમાચાર હતા.
‘એ ટો બઢા આઈવા કરે ને આપણને લડાઈવા કરે …’ તેણે તેની વાત આગળ ચલાવી.
‘આ જ જોવની પેલો હાર્ડિક ને અલ્પેશ ને એ બઢા … કેટલી તોડફોડ કરેલી ત્યારે આંડોલન વખટે … બાપ … બસની બસ સળગાવી મૂકેલી …’
એ બોલતી હતી પણ, આજુબાજુવાળા એમનામાં જ ગુલતાન હતા. મારા સિવાય કોઈ એને સાંભળતું નહોતું. એને ખરાબ ન લાગે એટલે મેં અમસ્તા જ ડોકું ધૂણાવ્યું,
‘તે જ ને.’
આંદોલન પરથી એ ફરી ચૂંટણી પર આવી.
‘ચાલની આગલી ચૂંટણી વખટે જ કેટલું બધું કેઈ ગેલા … એમાંનું કાંઈ કઈરું કે? ગરીબ માણસને હુ કામ દોડાઈવા કરે? ને એ લોકોના ટો કરોડોના બંગલા … હમને જ અમારા ફલાણાં નેતાએ એક જણને બાર કરોડનો બંગલો ગિફ્ટ આઈપો … આટલા બઢા પૈહા એ લોકો કાંથી લાઈવા ….? તે હો લોકને ગિફ્ટ આપવા?’
પારસીઓને સામાન્ય રીતે આવી વાતો કરતા મેં સાંભળ્યા નહોતા એટલે એ બાઈને આવા વિષયો પર બોલતી સાંભળીને મને આશ્ચર્ય થયું.
નવસારી ગયું અને મરોલી આવ્યું, પરંતુ એ બાઈનું બોલવાનું નહોતું પત્યું. એને ય ખબર હતી કે, મારા સિવાય એને કોઈ સાંભળનારું નથી તો ય એ બોલ્યે જ જતી હતી.
‘ભાઈલા, ગરીબ માણસનું કોઈ ની મલે … ગરીબ માણસને બઢ્ઢા છેટરી જાય … એમાં નેતા લોકો ટો ખાસ …’
‘હં …’
‘કોરટ કચેરીના કારભારમાં હો એવું જ … બીચારા ડોડી ડોડીને મરી જાય …’ એણે આગળ ચલાવ્યું.
‘બીચારી અમારી કામવાલી લોકો વર્ષોથી જે જગ્યા પર રેતા તે જગ્યા ખાલી કરાવી નાંઈખી … કામવાલી તો એટલી રડે કે નો પૂછો વાત … બીચારા લોકો સાથે આવું શું કામ કરે?’
એવામાં એણે મને એક સવાલ પૂછ્યોઃ ‘એ ય તારી પાહે ઉપરવાળાનો મોબાઈલ નંબર છે કે?’
આટલું બોલીને એ ખડખડાટ હસી પડી.
પહેલા તો મને સમજાયું જ નહીં કે એ બાઈ કોનો નંબર માગે છે. પછી ખ્યાલ આવ્યો કે એ ભગવાનનો નંબર માગે છે!
‘જો કે તાંહો ફોન લગાળા તો કોઈ ઉંચકે એવું લાગતું નઠી … મને ટો અવે ઉપરવાળાના હારુ હો એમ જ થીયા કરે કે એ છે જ ની … ની તો આ બીચ્ચારા લોકો સાથે આવું થોડી થાતે … ’
એ ફરી ખડખડાટ હસી. એ વાત જરૂર ઉદાસીની કરી હતી, પરંતુ એના હાસ્યમાં જરા સરખી ઉદાસી નહોતી વર્તાતી. જો કે એ વાત પણ એટલી જ સાચી હતી કે એનું હાસ્ય ઉપહાસ નહોતું. એ બાઈ પોતે જરૂર ખાધેપીધે સુખી હતી, પરંતુ તેને તેની આસપાસના લોકો સાથે નિસ્બત હતી. બીજાને માટે ચચરાટ થવો એ કંઈ નાનીસૂની વાત નથી. આખરે એકલપેટા થઈ ગયેલા આપણને બધાને માહોલથી અલિપ્ત રહેવાની કળા હાથવગી થઈ ગઈ છે. ઘણા કિસ્સામાં તો લોહીની સગાઈ છે એવા લોકોની પીડા પણ આપણને સ્પર્શતી નથી. એવામાં અભાવમાં જીવતા લોકોની સમસ્યાઓ માટે ભગવાનને ફોન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોને નોખી માટીના ન કહી શકાય?
સૌજન્ય : “કૉકટેલ ઝિંદગી”, 04 નવેમ્બર 2017
https://cocktailzindagi.com/guj/tarin-tales-five/
![]()



હું લગભગ ૧૯૬૦થી વિજ્ઞાનના વિવિધ વિષયો પર ગુજરાતીમાં લખું છું અને છેલ્લાં ઠીકઠીક વર્ષોથી હાથેથી લખવાનું બંધ કરીને બધું જ કામકાજ કમ્પ્યૂટર પર કરું છું. લખવા-વાંચવાના શોખને કારણે આ દરમિયાન મારે અનેક પ્રકારના વિદેશી-દેશી સંદર્ભગ્રંથો, દેશ-પરદેશનાં સામયિકો અને વિવિધ ભાષાના વિષય પરના કોશોના ગાઢ પરિચયમાં આવવાનું બન્યું છે. વર્ષોના અનુભવ પછી ગુજરાતીમાં લખતી વખતે જે કેટલીક મુશ્કેલી લાગી છે, તેના ઉકેલ કેવી રીતે લાવી શકાય તે ધ્યાન પર લાવવા આ લખું છું. પણ સાથે એ પણ કહું કે હું કોઈ કમ્પ્યૂટર-વિશેષજ્ઞ કે ભાષાશાસ્ત્રી નથી. મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ અન્ય સાહિત્યિક સંસ્થાઓ એક થઈને અહીં સૂચવેલાં સૉફ્ટવેર બનાવવાની કામગીરી પાર પાડે, તો મારી માબોલી, માતૃભાષા ગુજરાતી પર બહુ મોટો ઉપકાર થશે.
(૪) હવે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ અંગેની વાત કરીએ. સન્ ૨૦૧૭ની છેલ્લી આવૃત્તિ કેટલીક બાબતોમાં અગાઉની આવૃત્તિઓ કરતાં ચડિયાતી છે, તેમાં કશી શંકા નથી. તેના પ્રત્યેક પૃષ્ઠ પર નીચે ગુજરાતી મૂળાક્ષરો તેમના ક્રમમાં આપ્યા છે તે બહુ ઉપકારક છે. પણ બીજી વાત કરીએ તે પહેલાં જ કબૂલ કરું કે હું કોઈ ભાષાશાસ્ત્રી નથી. સામાન્ય માનવીને થાય તેવું એક કૂતૂહલ મને પણ થાય છે તે એ કે અંગ્રેજી શબ્દકોશોમાં શબ્દોની સચોટ સમજ મળે તે આશયથી સાથે ટચૂકડાં ચિત્રો કે સુરેખ આકૃતિઓ (મોટે ભાગે એકરંગી કે પછી બહુરંગી) આપવામાં આવે છે. જરૂર પડે ત્યાં આકૃતિને લેબલથી અંકિત પણ કરેલી હોય છે. આપણે ગુજરાતીમાં આવું કરી શકીએ. જેમ કે, હાથના પંજાની આકૃતિને અંગુષ્ઠ, તર્જની, મધ્યમાં, અનામિકા અને કનિષ્ઠિકા, એવા નામનાં લેબલ મારીને દર્શાવી શકાય. આમ કરવાથી જેને થોડુંઘણું પણ વાંચવાં આવડતું હોય, તેને તરત જ સમજાઈ જશે કે આ નામો કઈ કઈ આંગળીનાં છે.
કોઈકને એમ પણ થાય કે આવો એકાદ શબ્દ ન આપ્યો હોય તેમાં શું થઈ ગયું ? પણ ઘણો ફેર પડે. એક ઉદાહરણથી સમજીએ, માનો કે તમારે ‘Binoculars’ શબ્દ તમારા પુસ્તકમાં લખવાનો થાય છે. એ શબ્દને ગુજરાતીમાં લખવો તો કેવી રીતે લખવો તે માટે ખાંખાંખોળા કરો છો, પણ તે એક પણ કોશમાં મળતો નથી. આ માટે તમે ડૅનિયલ જૉન્ઝ કૃત ‘English Pronouncing Dictionary’ પણ જુઓ છો. પણ યાદ રહે કે તેનું નામ જ સૂચવે છે તેમ તે માત્ર ઉચ્ચારકોશ છે, જોડણીકોશ નથી, તેથી તેમાંથી લિપિ અંગે જરૂરી માર્ગદર્શન મળશે, પણ ગુજરાતી જોડણી લખતી વખતે તો ગુજરાતી રૂઢિ, ગુજરાતી બોલી કે પછી કોશમાં આપેલા નિયમોને આશરે જ જવાનું થશે. પણ આ બધું સુલભ ન હોવાથી અને નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી તમે તમારી રીતે જોડણી કરો છો. આમ કરવામાં ‘… હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ એવા ગાંધીજીના આદેશનો તમે નછૂટકે ભંગ કરો છો! અગાઉનાં પુસ્તકોમાં ભારે ગર્વ સાથે લખવામાં આવતું કે ‘પુસ્તકમાં જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે.’ જો આ શબ્દ ન મળ્યો, તો પછી તમારા પુસ્તકમાં બેધડક નામ લખી શકાશે? મજાકમાં કહીએ તો પછી આવું લખાશે. ‘બાયનોક્યુલર વગરના બધા શબ્દોની જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે.’ આ ઉદાહરણથી કોશકારનું ઉત્તરદાયિત્વ કેટલું વધી જાય છે, તે સમજાશે.