ઇતિહાસના અભ્યાસનું ધ્યેય એક જ છે, સત્યની શોધ. જ્યારે જ્યારે ઇતિહાસને સ્વીકારી, એમાંથી શીખીને આગળ વધવાની પ્રામાણિક કોશિશને બદલે ઇતિહાસને ‘અનુકૂળ’ બનાવવાના પ્રયત્નો થાય છે ત્યારે સમસ્યાઓ સમય સાથે હલ થવાને બદલે નવા નવા રૂપે દેખા દે છે. ઇતિહાસને સ્વીકારવાની નૈતિક હિમ્મત અને એ પછી ઇતિહાસને ઓળંગી આગળ વધવાની વિવેકપૂર્ણ પરિપક્વતા આ બન્ને હોય તો જ સાચા અર્થમાં સૌહાર્દ સ્થપાય અને પ્રગતિ થાય

એસ.એલ. ભૈરપ્પા
અમેરિકાના ઇતિહાસમાંથી ગુલામીનું પ્રકરણ ભૂંસવાની કોશિશ કરી ટ્રમ્પે તેના ઉપાડાઓ પર નવું છોગું ચડાવ્યું છે. દરમિયાન કન્નડ ભાષાના મહાન લેખક ડૉ. એસ.એલ. ભૈરપ્પાના અવસાનના સમાચાર આવ્યા છે. આ બંને ઘટનાઓ સાથે ઇતિહાસની તોડમરોડ કરવાની વૃત્તિ જુદી જુદી રીતે સંકળાયેલી છે.
અમેરિકામાં ગુલામી પ્રથાની શરૂઆત 1619માં ‘ધ વ્હાઇટ લાયન’ નામનું જહાજ વીસ આફ્રિકનોને ગુલામ તરીકે લઇ આવ્યું ત્યારથી થઈ ગણાય છે. એ વખતનું અમેરિકા એટલે યુરોપના દેશોની વસાહતોનું ઝૂમખું. સત્તરમી સાદી પૂરી થઈ ત્યાં સુધીમાં તમામ યુરોપિયનો ગુલામો રાખતા થઈ ગયા હતા. ઓગણીસમી સદીમાં આફ્રિકાથી 60થી 70 લાખ ગુલામો લવાયા હતા. બે સદી સુધી એમની સાથે આચરાતી રહેલી અમાનુષી ક્રૂરતાના પુરાવાઓ ટ્રમ્પ સરકાર ભૂંસી નાખવા માગે છે?
ત્રણેક વર્ષ પહેલા આપણે ત્યાં જ્ઞાનવાપી મસ્જિદની ચર્ચા ચાલી હતી. જેને તોડીને એ મસ્જિદ બની એ કાશી વિશ્વનાથના મંદિરનો ધ્વંસ એક ઐતિહાસિક ઘટના તરીકે કન્નડ નવલકથા ‘આવરણ’માં ખાસ્સાં પંદરેક પાનામાં નોંધાયેલો છે. પદ્મભૂષણ અને સરસ્વતી સન્માન પ્રાપ્ત ભૈરપ્પાની 2007માં લખાયેલી ‘આવરણ’ની પાંચ જ વર્ષમાં 28 આવૃત્તિ થઈ અને અંગ્રેજી સહિત ભારતની નવ ભાષામાં તેના અનુવાદ થયા. 2013માં ભારતીય વિચાર મંચે તેનો ગુજરાતી અનુવાદ આપ્યો. હવે અરુણોદય પ્રકાશન દ્વારા થયેલો તેનો વિસ્તૃત અનુવાદ પણ ઉપલબ્ધ છે.
સર્જક પ્રસ્તાવનામાં ‘આવરણ’નો અર્થ નોંધે છે – ‘વિસ્મરણથી સત્યને ઢાંકી દેનારી માયાને આવરણ કહે છે.’ કયું સત્ય, શાનું વિસ્મરણ, કયું આવરણ તેમને અભિપ્રેત છે? જાણીતા ઇતિહાસકાર એન.એસ. રાજારામ કહે છે, ‘“આવરણ” વાંચતી વખતે ડેન બ્રાઉનની “દા વિંચી કૉડ” યાદ આવી ગઈ. સ્વાર્થી અને પ્રભાવી શક્તિઓ દ્વારા સાચા ઇતિહાસને દબાવી દઈ ખોટા ઇતિહાસનો પ્રચાર એ આ બન્નેનું સમાન સૂત્ર છે. એ નવલકથામાં કેથલિક ચર્ચ અને તેના કુટિલ કારસ્તાનોમાં સહભાગી ઓપસ ડે જેવી સંસ્થાઓ ખલનાયક છે, અહીં રાજકીય સ્વાર્થ અને વ્યક્તિગત હિતના કારણે ઉપલબ્ધ રેકૉર્ડ્સ દબાવી રાખનારા કહેવાતા ઇતિહાસકારો અને બુદ્ધિજીવીઓ ખલનાયક છે.’
શરૂઆત, ડૉક્યુમેન્ટરી ફિલ્મમસર્જક આમિર અને એની સંશોધક-પટકથાકાર પત્ની રઝિયા(પૂર્વાશ્રમની લક્ષ્મી)ના હમ્પીના હોટેલરૂમમાં થાય છે. વધુ સમય વેડફ્યા વિના લેખક ભૈરપ્પા, આમિરને ‘મૌલાના શૈલીની નહીં પણ માર્ક્સિસ્ટ અને બુદ્ધિજીવીઓને શોભે એવી દાઢીવાળો’ અને રઝિયાને સ્ત્રીપુરુષ સમાનતા પર દલીલ કરતી વર્ણવીને બન્નેને પ્રોગ્રેસિવ જાહેર કરી દે છે. પુરાતત્ત્વકેન્દ્રો વિશે દસ્તાવેજી ફિલ્મો બનાવવાના પ્રોજેક્ટમાં હમ્પી પ્રોજેક્ટ આમિરને સોંપાયો છે. સરકારનો અઘોષિત આદેશ છે કે બાબરી મસ્જિદ ઘટનાથી અલ્પસંખ્યકોના મનમાં જાગેલા અસંતોષને ધ્યાનમાં રાખવાનો છે – હમ્પીને આ દૃષ્ટિથી જોઈ, ચારપાંચ ગ્રંથો ઊથલાવી રઝિયા સ્ક્રીપ્ટ લખશે. ફિલ્મ બનાવવાના લાખો રૂપિયા મળવાના છે. પણ હમ્પીનાં તૂટેલાં મંદિરો જોઈ રઝિયા ક્ષુબ્ધ છે. આ કોણે કર્યું અને કેમ કર્યું તે કહેવું પડશે. આમિર કહે છે, ‘જરૂર કહેજે. વિજયનગરની સંપત્તિ જેમના શોષણ પર ઊભી થઈ હતી એ શ્રમિકોએ અને શૈવ-વૈષ્ણવના સંઘર્ષે જ તોડ્યાં છે આ મંદિરો.’ રઝિયા આ માનવા તૈયાર નથી.
રઝિયા એટલે ફાયરબ્રાન્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ લક્ષ્મી. પૂના ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણતા આમિરને પરણીને ‘તેણે ઈસ્લામ ધર્મ અને રઝિયા નામ અપનાવ્યાં તેને વર્ષો થઈ ગયાં છે. ચુસ્ત બ્રાહ્મણ પિતાના ‘તમારા બન્નેથી જન્મનાર કોઈને કોઈ પેઢીએ આપણાં મંદિરના ધ્વંસ કરશે. એમના ધર્મમાં મંદિરો અને મૂર્તિઓ તોડવાનું ફરમાન છે.’ આવા શબ્દોને અવગણી તેણે ગામ છોડ્યું છે. કલા અને બુદ્ધિજીવીઓની દુનિયામાં બન્ને આગળપડતાં છે. ધર્મ તો અફીણ છે કહી બંનેએ ધર્મની માન્યતાઓ અને ક્રિયાકાંડોને પડતાં મૂક્યાં છે ને બહાદુરીપૂર્વક હિંદુ ધર્મને વખોડી ઈસ્લામની પ્રશંસા કરી છે.
પિતાનું મૃત્યુ થતાં રઝિયા ઉર્ફ લક્ષ્મી અઠ્ઠાવીસ વર્ષે ગામ જાય છે, પિતાએ ઇતિહાસના અભ્યાસ માટે વસાવેલાં ગ્રંથો-પુસ્તકો જુએ છે, પિતાએ કરેલી નોંધો વાંચે છે, રસ પડતાં પોતે પણ સંશોધન કરે છે અને હમ્પી પર ખોટાં અર્થઘટનોવાળી સ્ક્રીપ્ટ લખવાની અને ધર્માંધ, ક્રૂર ટીપુ સુલતાનને રાષ્ટ્રવીર અને ધર્મસહિષ્ણુ બતાવતું નાટક લખવાની ના પાડે છે.
દરમિયાન અભ્યાસમાં ડૂબી ગયેલી ને પુરાવા સાથે ઐતિહાસિક તથ્યો બતાવી નિરુત્તર કરી દેતી પત્નીથી વિમુખ બની આમિરે નાની ઉંમરની ને ઓછું ભણેલી ઝુબેદા સાથે નિકાહ કર્યા છે. આ બાજુ અમેરિકામાં ભણેલો દીકરો ચુસ્ત મુસ્લિમ બની સાઉદી અરેબિયા ચાલ્યો ગયો છે.
રઝિયાને લાગે છે કે પિતાનો ગંભીર પુસ્તક લખવાનો આશય તો પોતે પૂરો નહીં કરી શકે. પોતે કલાકાર છે, કલ્પનાશીલ છે; ઇતિહાસનાં તથ્યોને એક નવલકથા રૂપે સામે લાવશે. નવલકથાનું પાત્ર નવલકથા લખે એ કલ્પન અનોખું છે. આમ ‘આવરણ’નો ત્રીજો ભાગ પૂરો થયા પછી એક નવલકથા શરૂ થાય છે. એનો નાયક છે રાજસ્થાનનો એક રજપૂત રાજકુમાર. ઔરંગઝેબના સૈન્યે એક આક્રમણ વખતે 17 વર્ષના આ રાજકુમારને કેદ કરી મુસ્લિમ બનાવી દીધો છે. ખૂંખાર મોગલ સરદારોના ભરપૂર શારીરિક શોષણનો ભોગ બનતા, એકથી બીજા સરદારોને વેચાતા કે ભેટમાં અપાતા રાજકુમાર(ખ્વાજા જહાન)ને અંતે હીજડો બનાવાઈ જનાનખાનામાં ગુલામી કરવા રખાય છે. કાશી વિશ્વનાથ મંદિરના ધ્વંસનું નીકળતું ફરમાન, લશ્કરે કાશી જાય છે મંદિરનો કરેલો ધ્વંસ, મથુરા અને અન્ય મંદિરોમાં થતું તેનું પુનરાવર્તન, શાહજહાંનું મૃત્યુ, ઔરંગઝેબે કરેલી ભાઈઓની કતલ અને ચુસ્ત મુસ્લિમ તરીકે મેળવેલું માન, હિંદુ પ્રજાની હાલાકી, મંદિરોનો ધ્વંસ, શિવાજીનું પકડાવું અને ભાગી જવું, પૂજારીઓ-પંડિતોનું રખડતા થઈ જવું આ બધું એ નવલકથામાં આવે છે. લેખકે મૂળ નવલકથા અને આ નવલકથા સમાંતરે ચલાવી છે.
રઝિયા અને આમીર ઉપરાંત એક મહત્ત્વનું પાત્ર તે પ્રો. શાસ્ત્રી. પ્રો. શાસ્ત્રી અલ્પસંખ્યકોને ઊજળા ચીતરતો ઇતિહાસ બનાવવા માગતા સરકારી એજન્ડાને વફાદાર છે. આડંબરપૂર્વક બૌદ્ધિક દલીલો ને ચર્ચાઓ કરી, ઇતિહાસના સત્યને નેવે મૂકી મુસ્લિમ શાસકોને ધર્મસહિષ્ણુ અને હિંદુઓને સંકુચિત-પૂર્વગ્રહપીડિત ઠરાવતી બુદ્ધિજીવી જમાતના તેઓ અગ્રણી છે. પ્રો. શાસ્ત્રી રઝિયાના ગામના છે. માબાપે એમને ત્યાગી દીધા છે, કેથલિક પત્ની સાથે કદી સારા સંબંધ થયા નથી. દીકરો પંજાબી સ્ત્રીને પરણી દૂર ચાલ્યો ગયો છે, દીકરીને લગ્નવય વીતી જતાં રઝિયાના દીકરા નઝીર સાથે, ધર્માંતર અને નામપરિવર્તન કરી પરણાવવી પડી છે. માનું મૃત્યુ થાય છે ત્યારે કર્તવ્યપરાયણ પુત્ર બની શ્રાદ્ધ કરવું કે પોતાની માર્કસિસ્ટ છબિ જાળવવી એની દ્વિધા એમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકે છે. આ ‘કન્ફ્યુઝ્ડ લિબરલ’ પાત્ર ઘડી ભૈરપ્પાએ સર્જકપ્રતિભાનું શિખર સર કર્યું છે.
આ પ્રોફેસર શાસ્ત્રી કહે છે, ‘હિંદુમુસ્લિમ એકતા જરૂરી નથી શું?’ ત્યારે રઝિયા કહે છે, ‘ખૂબ જરૂરી છે અને એ માટે કામ કરવું જ જોઈએ, પણ જે બની ચૂક્યું છે એનો ઈનકાર કેવી રીતે થાય? એના સ્વીકાર પર જ આગળ વધવું પડશે. જાપાનીઓએ પૂર્વજોએ આચરેલી ક્રૂરતાનો અને જર્મન પ્રજાએ હિટલરના નાઝીવાદનો કરેલો સ્વીકાર અને અફસોસ આપણી સમક્ષ છે જ. દુનિયા પણ એમના એ કૃત્યોને પકડીને બેઠી નથી.’ રઝિયા પછીથી કોઇપણ દબાણ કે પરિસ્થિતિને વશ ન થતાં ઇતિહાસ પરનાં આવરણો દૂર કરવા નવલકથા પર પ્રતિબંધ, પુસ્તકોની જપ્તી, બહિષ્કાર અને ધરપકડ વ્હોરી લેવા સુધીનો સંઘર્ષ કરે છે. ‘આવરણ’ને પ્રોવોકેટિવ, આત્મકેન્દ્રી, વિભાજનવાદી, ટૂંકી દૃષ્ટિની અને ઉશ્કેરણીજનક ગણનારા સમીક્ષકો ઓછા નથી. નવલકથાના અંતે લેખકે 127 સંદર્ભપુસ્તકોની યાદી આપી છે અને તેમનો દાવો છે કે ‘આવરણ’ના દરેક વિધાન પછળ નક્કર ઐતિહાસિક સાબિતીઓ છે.
સમજવાનું એ કે જ્યારે ઇતિહાસને સ્વીકારી, એમાંથી શીખીને આગળ વધવાની પ્રામાણિક કોશિશ કરવાને બદલે ઇતિહાસને ‘અનુકૂળ’ બનાવવાના પ્રયત્નો થાય છે ત્યારે સમસ્યાઓ સમય સાથે હલ થવાને બદલે નવા નવા રૂપે દેખા દે છે. ઇતિહાસના અભ્યાસનું ધ્યેય એક જ છે, સત્યની શોધ. ઇતિહાસ સાથે છેડછાડ કરવી એ અપરાધ છે. ઇતિહાસને સ્વીકારવાની નૈતિક હિમ્મત અને એ પછી ઇતિહાસને ઓળંગી આગળ વધવાની વિવેકપૂર્ણ પરિપક્વતા આ બન્ને હોય તો જ સાચા અર્થમાં સૌહાર્દ સ્થપાય અને પ્રગતિ થાય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 સપ્ટેમ્બર 2025
![]()



