
સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 31 અૉગસ્ટ 2017
![]()

સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 31 અૉગસ્ટ 2017
![]()
સોવિયત સંઘે ગાંધીવિચારોમાં માનતા ચો મન સિકને બદલે કઠપૂતળી નેતા કિમ ઇલ સંગને સપોર્ટ કરીને ઉત્તર કોરિયાની ઘોર ખોદી

દક્ષિણ કોરિયામાં આવેલી ચો મન સિકની પ્રતિમા, જે આજે પણ એક-અખંડ કોરિયાના સ્વપ્નની પ્રતીક છે
ઇતિહાસ અનેક ‘જો અને તો’ની વચ્ચે ઝોલા ખાતો હોય છે.
આજે ઉત્તર કોરિયાના તુંડમિજાજી સરમુખત્યાર કિમ જોંગ ઉનને કારણે પરમાણુ યુદ્ધથી માંડીને વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે એક સવાલ જરૂર થાય છે કે ઉત્તર કોરિયાની ગાદી પર એક જ પરિવારનું સામંતી સામ્રાજ્ય ન હોત, તો ઇતિહાસની સાથે સાથે વર્તમાન પણ જુદો હોત. સંસ્થાનવાદમાંથી આઝાદ થયેલાં બધાં રાષ્ટ્રો ભારત જેવાં સદ્્ભાગી નહોતાં કે તેમને ગાંધી-નેહરુ-સરદાર જેવા નેતા મળે. ગાંધીજીએ આઝાદી માટેનો આંદોલન કરવાનો જુસ્સો જગાડવાની સાથે સાથે રચનાત્મક કાર્યક્રમો થકી દેશમાં સામાજિક અને રાજકીય સુધારાની દિશાદોરી આપી હતી. નેહરુએ ભારતને સંકુચિત નહીં, પરંતુ સર્વસમાવેશક બનાવવા તથા દેશમાં લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું તો સરદારસાહેબે ભારતને એક-અખંડ બનાવીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ઉત્તર કોરિયાના એટલા કમભાગ્ય કે તેને એક સારો અને સર્વમાન્ય નેતા જરૂર મળ્યો હતો, પરંતુ સત્તા અને પ્રભુત્વના કાવાદાવામાં તેણે શહીદી વહોરવી પડી હતી. આ નેતા એટલે ચો મન સિક.
ચો મન સિકનો કોરિયાના ગાંધી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચો મન સિક સંપૂર્ણપણે ગાંધીવિચારોને સમર્પિત નહોતા, છતાં તેમના પર ગાંધીજીના વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. ચો મન સિકનો જન્મ ઉત્તર કોરિયાની હાલની રાજધાની પ્યોંગયોંગમાં 1 ફેબ્રુઆરી, 1883ના રોજ થયો હતો. યુવાની ફૂટતાં જરા આડે રસ્તે ચડી ગયેલા ચો મન સિક પછી ખ્રિસ્તી ધર્મ અને ધર્મગ્રંથોના સંપર્કમાં આવતાં તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. તેઓ 1908થી 1913 દરમિયાન જાપાનમાં ભણવા ગયા. એ દરમિયાન પહેલા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર કબજો જમાવી દીધો હતો. કોરિયામાં જાપાની સામ્રાજ્યથી આઝાદીનું આંદોલન વેગ પકડતું જતું હતું. જાપાનમાં અભ્યાસ દરમિયાન ચો મન સિકે સંસ્થાનવાદ વિરુદ્ધ ગાંધીજીના અહિંસક આંદોલન અંગે વાંચ્યું-જાણ્યું અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સ્વદેશ પાછા ફરીને તેમણે શિક્ષકની નોકરી સ્વીકારી અને આગળ જતાં આચાર્ય પદ મેળવ્યું હતું, સાથે સાથે તેઓ આઝાદી આંદોલનમાં સક્રિય પણ બન્યા હતા. આંદોલનમાં સક્રિયતાને કારણે તેમણે આચાર્યપદ ગુમાવવું પડ્યું હતું અને 1919માં આઝાદી આંદોલનમાં જોડાવા બદલ તેમને એક વર્ષની જેલ થઈ હતી. 1922માં તેમણે કોરિયન પ્રોડક્ટ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને જાપાન વિરુદ્ધ અહિંસક લોકઆંદોલન જગાવ્યું હતું. તેમણે જાપાની વસ્તુઓના બહિષ્કારની સાથે સાથે કોરિયન બનાવટની વસ્તુઓ જ વાપરવા લોકોને જાગૃત કર્યા હતા. આ આંદોલનને કારણે તેઓ સમગ્ર કોરિયામાં લોકનેતા તરીકે ઊભરી આવ્યા હતા.
જાપાન બીજું વિશ્વયુદ્ધ હારી ગયું અને તેણે 1945માં કોરિયાને પોતાના શાસનમાંથી મુક્ત કર્યું ત્યારે પ્રોવિઝનલ પીપલ્સ કમિટીની રચના કરીને દેશના વડા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જો કે, આંતરારાષ્ટ્રીય રાજકારણે કોરિયાનો ખેલ બગાડ્યો હતો. ‘મિત્ર રાષ્ટ્રો’ એવા અમેરિકા અને સોવિયત સંઘ કોરિયાને બે ભાગમાં – ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચીને એક એક ભાગનો વહીવટી સંભાળી લેવા ઉત્સુક હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ એ માટે તૈયાર હતું. જો કે, ચો મન સિકને ગાંધીજીની જેમ જ પોતાના દેશના ભાગલા મંજૂર નહોતા. ચો મન સિકના વતન એવા ઉત્તર કોરિયાનો વહીવટ સોવિયત સંઘને સોંપાયો હતો. ખ્રિસ્તી ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવનારા, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત, સામ્યવાદીઓની રીતભાતોને પસંદ નહીં કરનારા અને કોરિયાની એકતાના હિમાયતી એવા સિક સર્વોચ્ચ અને લોકમાન્ય નેતા હોવા છતાં સોવિયત સંઘે તેમને સાઇડલાઇન કર્યા અને પોતાના હાથની કઠપૂતળી બનીને રહે એવા યુવા અને તોફાની નેતા કિમ ઇલ સંગને પ્રમોટ કર્યા અને ઉત્તર કોરિયાના લમણે એક સરમુખત્યાર લખાઈ ગયો.
આ સરમુખત્યાર સંગ ગાંધીજી અને ગાંધી વિચારો અંગે શું માનતા હતા, તેની ઝલક પણ બી.બી.સી.ના અહેવાલમાં બતાવાઈ છે. કિમ અલ સંગને ગાંધીજીના વિચારોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી, તેમણે પોતાના પુસ્તક ‘વિથ ધ સેંચ્યુરી’માં લખ્યું છે, ‘જિલિનમાં થોડા દિવસના નિવાસ દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમ સમક્ષ અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી. જિલિનમાં રહેનારા એકેય કોરિયન યુવાને ગાંધીની વિચારધારાને સ્વીકારી નહીં. કોઈ એટલું મૂર્ખ તો નહોતું જ કે જે એવી કલ્પના કરે કે અહિંસાના માર્ગે ચાલીશું તો જાપાન ચાંદીની તાસક પર અમને આઝાદી આપી દેશે.’
સોવિયત સંઘના ઇશારે પહેલાં તો સિકને નજરકેદ કરાયા, પરંતુ આગળ જતાં સંગે પોતાની સરકાર ઊથલાવી દેવાના કાવતરાનો આરોપ લગાવીને ઑક્ટોબર-1950માં છાનાછપના મૃત્યુદંડ આપી દેવાયો હતો. કહેવાય છે કે મૃત્યુદંડ આપતા પહેલાં અધિકારીઓએ તેમને પાછલા બારણે ભાગી જવાની સલાહ અને મદદ કરવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે જેલમાં જ સબડવાનું અને દેશ માટે મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું હતું. ચો મન સિકના મોત બાદ સરકારની ધોંશ વધતાં ખ્રિસ્તીઓએ ધીમે ધીમે ઉત્તર કોરિયામાંથી પલાયન શરૂ કર્યું હતું અને તેઓ મોટા ભાગે દક્ષિણ કોરિયામાં સ્થાયી થયા હતા. મૂળ વતન એવું ઉત્તર કોરિયાએ તો ચો મન સિકની કદર ન કરી, પરંતુ દક્ષિણ કોરિયાએ તેમના દેશની આઝાદીના યોગદાનની કદર કરીને ઈ.સ. 1970માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઑફ મેરીટ ફોર નેશનલ ફાઉન્ડેશન’થી નવાજ્યા હતા. દક્ષિણ કોરિયામાં ચો મન સિકની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. હવે તો ઉત્તર કોરિયામાં પણ એક નાનકડું સંગ્રહાલય તૈયાર કરાયું છે, જેમાં ચો મન સિક દ્વારા વપરાશમાં લેવાયેલી વસ્તુઓ તથા દસ્તાવેજો સાચવવામાં આવે છે.
ગાંધીવિચારોમાં માનનારા ચો મન સિક ઉત્તર કોરિયાના શાસક બન્યા હોત તો આ દેશની આવી હાલત ન હોત.
(‘દિવ્ય ભાસ્કર’ની 30મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)
http://samaysanket.blogspot.co.uk/2017/08/NKoria.ChoManSik.html
![]()
વિડંબના એ છે કે લોકો ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેનો તફાવત હજી પણ સમજી નથી શકતા
કાર્લ માર્ક્સે કહ્યું હતું એમ ધર્મ જો અફીણ છે તો ધર્મ પેટ્રોલ કરતાં પણ વધુ જ્વલનશીલ પદાર્થ છે. ધર્મ વેપાર છે અને ધર્મ એક રાજકારણ પણ છે. વિડંબના એ છે કે વારંવાર ધર્મનો આવો વરવો ચેહરો સામે આવતો હોવા છતાં લોકો ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેનો ફરક સમજી શકતા નથી. યુરોપના ખ્રિસ્તી દેશોએ કંપારી છૂટી જાય એવાં ધર્મયુદ્ધો જોયાં છે અને પછી સાન ઠેકાણે આવી હતી કે આ ધર્મ નામના જીનને બૉટલમાં પૂરી રાખવામાં જ માલ છે. એનો અફીણ તરીકે, પેટ્રોલ તરીકે, વેપાર તરીકે કે સત્તાની સીડી તરીકે ઉપયોગ કરવામાં જોખમ છે. જો તમે ઈશ્વરાનુરાગી હો તો તમારે ધર્મ નામના અવલંબનની કોઈ જરૂર નથી. ધર્મની નિસરણી ઈશ્વર સુધી પહોંચવામાં સાધક નથી બાધક છે એમ કબીરથી લઈને કૃષ્ણમૂર્તિ સુધીના અનેક ફિલસૂફ કહી ગયા છે.
ધર્મના વરવા ચહેરાનો અનુભવ અત્યારે મુસ્લિમ દેશો કરી રહ્યા છે અને ત્યાં શું બની રહ્યું છે એ આપણે જાણીએ છીએ. રોજ સરેરાશ ૫૦૦ મુસલમાનો મરી રહ્યા છે અને તેમના હત્યારા મુસલમાનો જ હોય છે. યુરોપની જેમ જ અત્યારે મુસ્લિમ દેશોમાં ધાર્મિક આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. ભારત આમાં બચેલું હતું એનાં બે કારણો હતાં. પહેલું કારણ એ હતું કે હિન્દુ ધર્મ પાશ્ચત્ય અર્થમાં ધર્મ જ નથી. હિન્દુ ધર્મ એક ઈશ્વર, એક ગ્રંથ, એક પયગંબર ધરાવનારો સંગઠિત ધર્મ નથી. હિન્દુ ધર્મ શ્રદ્ધાઓની વિવિધતાઓનો બગીચો છે. કટ્ટર માન્યતાઓ વચ્ચે ધર્મયુદ્ધ શક્ય છે, શ્રદ્ધાઆધારિત જીવનશૈલીની અપાર વિવિધતાઓ વચ્ચે ધર્મયુદ્ધો અસંભવ નથી પણ મુશ્કેલ છે. એના માટે બગીચો ઉજેડવો પડે. બીજું કારણ એ હતું કે ભારતના ફાઉન્ડિંગ ફાધરોએ જગતના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ એ જવાહરલાલ નેહરુનું બહુ જાણીતું અને વખણાયેલું પુસ્તક છે. અત્યારે નેહરુનફરતના જમાનામાં થોડી વાર અણગમો બાજુએ મૂકીને પણ એ પુસ્તક વાંચવું જોઈએ. આમ પણ વિચાર અપૌરુષેય છે એમ દાદા ધર્માધિકારી કહેતા હતા એટલે કોણે કહ્યું છે એના કરતાં શું કહ્યું છે એના તરફ વધારે ધ્યાન આપવું જોઈએ.
એક જમાત એવી હતી જેને શ્રદ્ધાઓના બગીચા સામે અને ધર્મ નામના જીનને બૉટલમાં પૂરી રાખવા સામે વાંધો હતો. આ કારણે તેમને પ્રારંભથી જ ગાંધીજી સામે વાંધો હતો અને છેવટે તેમણે ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજી એમ માનતા હતા કે બગીચામાં જે છોડ છે એની વિવિધતા જાળવી રાખીને, વિવિધતાઓના કારણે દેશ નબળો ન પડે એ માટે એક રાષ્ટ્રીય ચહેરો વિકસાવવો જોઈએ અને એ સર્વસમાવેશક ભારતીય ચહેરો જ હોઈ શકે. હિન્દુત્વવાદીઓ એમ માનતા હતા કે બગીચામાંની વિવિધતા એ દેશની નિર્બળતાનું મુખ્ય કારણ છે માટે એક રાષ્ટ્રીય ચહેરો વિકસાવવો જોઈએ જે હિન્દુ ધર્મ આધારિત જ હોઈ શકે. દેશ આઝાદ થયો ત્યારથી આ બે વિચારધારા અને દૃષ્ટિકોણ વચ્ચે દ્વન્દ્વયુદ્ધ ચાલી રહ્યું છે. એ યુદ્ધમાં અત્યારે હિન્દુત્વવાદીઓ સરસાઈ મેળવી રહ્યા છે ત્યારે ધર્મના પ્રારંભમાં કહ્યા એ ચાર ચહેરા સમજી લેવા જોઈએ. એના પરથી ખ્યાલ આવશે કે કોની આંગળી પકડવામાં તમારું, તમારાં સંતાનોનું અને દેશનું ભવિષ્ય છે.
જે-તે સંપ્રદાયો અને પેટાસંપ્રદાયોના વડાઓ, ગાદીપતિઓ, પીઠાધીશો અને વાક્ચતુરાઈ દ્વારા સામ્રાજ્યો ઊભા કરનારા બાપુઓ તેમ જ બાવાઓ ધર્મનો મુખ્યત્વે અફીણ તરીકે ઉપયોગ કરે છે. વાડામાંથી વાછરડું નાસી ન જાય એ માટે તેઓ બે ડૂસકાં અને બે ટુચકાની વાર્તાઓ સંભળાવીને તેમને ગેલમાં રાખે છે. સમાંતરે તેઓ તેમની વગનો રાજકીય અને વ્યાવસાયિક ઉપયોગ કરે છે. જો કોઈ તેમની સામે અસ્તિત્વનો ખતરો પેદા કરે તો તેઓ ધર્મનો પેટ્રોલ તરીકે ઉપયોગ કરે છે જે ૨૦૧૩માં આસારામની ધરપકડ વખતે, ૨૦૧૪માં સતલોક આશ્રમના મહંત રામપાલની ધરપકડ વખતે અને શુક્રવારે રામરહીમની ધરપકડ વખતે જોવા મળ્યું હતું. તેઓ એટલા તાકાતવાન બની ગયા છે કે રાજ્ય તેમની સામે ઘૂંટણિયાં ટેકે છે.
સવાલ એ છે કે ધર્મ નામના જીનને બૉટલમાંથી કાઢવાનું અને શ્રદ્ધાઓના બગીચામાંથી ભારતીયતા વિકસાવવાના ગાંધીજીના મિશનમાં અવરોધ પેદા કરવાનું પાપ કર્યું કોણે? પહેલા પ્રશ્નનો જવાબ છે : હંમેશ મુજબ ઇન્દિરા ગાંધી. આ દેશમાં અનેક અનર્થોનાં જનક ઇન્દિરા ગાંધી છે. બીજા સવાલનો ઉત્તર છે : હિન્દુત્વવાદીઓ. ઇન્દિરા ગાંધીએ જે-તે ધર્મના કે સંપ્રદાયના વડાઓને હાથમાં લઈને વોટ માટે તુષ્ટીકરણનું રાજકારણ શરૂ કર્યું હતું. આને કારણે સંપ્રદાયો તો ઠીક, પેટાસંપ્રદાયો સુધ્ધાં વધારે રાજકીય લાભ મેળવવા સંગઠિત થવા લાગ્યા હતા. બાવાઓને સમજાઈ ગયું હતું કે સંગઠિતપણે તાકાતનું પ્રદર્શન કરવાથી વધારે રાજકીય લાભ મળે છે, કાયદાઓ તોડી શકાય છે અને વેપાર વધારી શકાય છે. શ્રદ્ધાઓના બગીચામાંથી ભારતીય ચહેરો વિકસાવવાનું ગાંધીજીનું સપનું બાજુએ રહ્યું, શ્રદ્ધાઓના બગીચામાં પસંદગીના છોડને ખાતર-પાણી આપવાનું શરૂ થયું. વળી એ છોડ જરૂરિયાત મુજબ બદલાતો રહે છે.
હિન્દુત્વવાદીઓની કઠણાઈ એવી છે કે તેઓ શ્રદ્ધાઓના બગીચામાંથી સંગઠિત હિન્દુ ચહેરો પણ વિકસાવવા માગે છે અને એ સાથે એક જ સમયે તેમને સત્તાનું સંસદીય રાજકારણ પણ કરવું છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી શહેરમાં સત્તા સુધી પહોંચવું હોય તો બાબા રામરહીમના પગમાં આળોટવું પડે (અહીં રામરહીમને બહુવચનમાં લેવાની ભલામણ છે, કારણ કે દરેક રાજ્યમાં રામરહીમો છે). રામરહીમ આ જાણે છે એટલે તે એનો લાભ લે છે. સામાન્ય સ્થિતિમાં પૈસા બનાવવા માટે અને કાયદા તોડવા માટે બાબા એનો લાભ લે છે અને જો સંકટ પેદા થાય તો પેટ્રોલ તરીકે. દરમ્યાન ભક્તોને નશામાં રાખવાનું નિત્ય અભિયાન તો ચાલતું જ રહે છે.
જે લોકો બાબા રામરહીમોને અને સંપ્રદાયના તેમ જ પેટાસંપ્રદાયના ડેરાઓને ખતમ કરીને એની જગ્યાએ સંગઠિત રાષ્ટ્રીય હિન્દુ ચહેરો વિકસાવવા માગે છે એ લોકો જ્યારે રામરહીમના પગમાં આળોટતા હોય ત્યારે કલ્પના કરો કે ભારતમાં રાજકારણ અને ધર્મોએ કેટલો વરવો ચહેરો ધારણ કર્યો છે. કલ્પના કરો કે બાપુઓ અને બાવાઓ કેટલા શક્તિશાળી બની ગયા છે. કૉન્ગ્રેસના તુષ્ટીકરણના રાજકારણે અને BJPના હિન્દુત્વ ઉપરાંત તુષ્ટીકરણના રાજકારણે સર્વસમાવેશક સેક્યુલર ભારતનું ગળું ઘોંટ્યું છે. કમનસીબી એ છે કે ભક્તો સંકટ સમજતા નથી, કારણ કે તેઓ પણ નશામાં છે અને તેમને નશામાં રાખવામાં આવે છે.
આસારામ જેલમાં એટલા માટે છે કે એક બહાદુર અને પીડિત યુવતીએ આસારામ સામે બળાત્કારનો આરોપ કરવાની અને તેને ઉઘાડો પડવાની હિંમત કરી હતી. આસારામની પાપલીલા ચાલતી હતી ત્યારે નરેન્દ્ર મોદી સહિતના રાજકીય પક્ષોના નેતાઓ આસારામના પગમાં પડતા હતા અને તેને આશ્રમો બાંધવા જમીન આપતા હતા. રામરહીમનું તો એવું છે કે તેની પાપલીલા ઉઘાડી પડી એ પછી પણ તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેના પગમાં પડતા હતા. હદ તો ત્યારે થઈ કે પંચકુલાની CBI કોર્ટે રામરહીમને ગુનેગાર ઠરાવનારો ચુકાદો આપ્યો એના દસ દિવસ પહેલાં ૧૫ ઑગસ્ટે હરિયાણાની BJPની સરકારના બે પ્રધાનો રામરહીમને મળવા તેના ડેરા પર ગયા હતા. તેમણે ભક્તોની હાજરીમાં રામરહીમના પગ પકડ્યા હતા અને ૫૧ લાખ રૂપિયાનું નજરાણું આપ્યું હતું. બાવાઓ નેતાઓ સાથે અંગત લાભના સોદાઓ ખાનગીમાં કરે છે, પણ નેતાઓને પગમાં તો જાહેરમાં પાડે છે. ધંધાની જરૂરિયાત છે.


હરિયાણાના બે પ્રધાનો રામરહીમને મળવા ગયા ત્યારે રામરહીમ સામેના ખટલાની સુનાવણી પૂરી થઈ ગઈ હતી. સરકારને ખબર હતી કે એકાદ-બે અઠવાડિયામાં ચુકાદો આવવાનો છે. બે દિવસ પછી ૧૭ ઑગસ્ટે ન્યાયાધીશ જગદીપ સિંહે અદાલતમાં જાહેરાત કરી હતી કે તેઓ ચુકાદો અનામત રાખે છે અને ૨૫ ઑગસ્ટે ચુકાદો આપશે. તો પછી ડેરામાં બે પ્રધાનો સાથે બેઠક શા માટે યોજાઈ હતી? બે પ્રધાનો એક પવિત્ર સંતના આર્શીવાદ લેવા ગયા હતા કે પછી કોઈ સોદો કરવા? ૫૧ લાખ રૂપિયાનું નજરાણું શા માટે આપવામાં આવ્યું હતું? બાબો સ્કૂલ શરૂ કરવા માગતો હતો એટલા માટે? અને એ બે પ્રધાનોમાંથી એક પ્રધાન કોણ હતા એ જાણવું છે? જેમની નસોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું ગરમાગરમ લોહી ધસમસે છે એ મહેશ વિજ.
આ ધગધગતા દેશપ્રેમી પ્રધાનોને એ યાદ નહોતું આવ્યું કે બળાત્કારી બાબાને ઉઘાડો પાડનારી બે બહાદુર યુવતીઓનો પરિવાર ચુકાદા પછી બાબાના ભક્તોને કારણે સંકટમાં આવી શકે છે એટલે તેમને સુરક્ષાની ખાતરી આપવા તેમના ઘરે જવું જોઈએ. એમાંની એક યુવતીના ભાઈની રામરહીમના ગુંડાઓએ કેટલાંક વર્ષ પહેલાં હત્યા કરી હતી એ જોતાં રાજ્ય સરકાર એ યુવતીઓની નજીક ઊભી રહે એ વધારે જરૂરી હતું. મુખ્ય પ્રધાન પોતાના બે દેશપ્રેમી હિન્દુત્વવાદી પ્રધાનોને બળાત્કારપીડિત બહાદુર યુવતીના ઘરે નથી મોકલતા, પણ બળાત્કારીને ત્યાં ૫૧ લાખ રૂપિયાનું નજરાણું લઈને મોકલે છે અને લોકોની મેદની વચ્ચે દેશપ્રેમી પ્રધાનો બળાત્કારીના પગમાં પડે છે.
એ બેઠકમાં બળાત્કારી બાબા સાથે કોઈક પ્રકારનો સોદો થયો હતો જેનું પરિણામ શુક્રવારની ઘટના છે. સો મોટરોના કાફલા સાથે બાબાને તેના ડેરાથી પંચકુલા રોડ માર્ગે જવા દેવામાં આવ્યો હતો જેથી તે તેની તાકાતનું પ્રદર્શન કરી શકે. બળાત્કારી બાબાના ત્રણ લાખ જેટલા અનુયાયીઓને પંચકુલામાં જમા થવા દેવામાં આવ્યા હતા જેથી જજ પર દબાવ આવે. જાણે કે પોપ સામેના ખટલાનો ચુકાદો આવવાનો હોય એવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. જો બાબાને સજા થશે તો અમે ભારતનો વિનાશ કરીશું એવા બાબાના ભક્તોનાં કથનો મીડિયા પર બતાવવામાં આવતાં હતાં જેથી જજ પર દબાવ આવે (ઘડીભર કલ્પના કરો કે આવું કથન કોઈ કાશ્મીરના લોકોએ કે મૌલવીએ કહ્યું હોત તો? દેશપ્રેમના કેવાં નગારાં વાગતાં હોત? પણ અહીં તો સોદાના ભાગરૂપે આવાં કથનો પ્રસારિત કરવા દેવામાં આવતાં હતાં). આ બધું ૧૫ ઑગસ્ટે મહાન દેશપ્રેમી મહેશ વિજની બાબા સાથેની બેઠકમાં થયેલા સોદાનું પરિણામ હતું. એટલે તો ચુકાદો આવ્યો એના આગલા દિવસે પંજાબ અને હરિયાણાની વડી અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ફિટકાર વરસાવતાં કહેવું પડ્યું હતું કે પંચકુલા ભારતનો હિસ્સો છે કે ભારતની બહાર છે એ કહી દો એટલે લોકોને ખબર પડે કે સરકાર પર કેટલો ભરોસો મૂકવો.
બાબાના ખિસ્સામાં માત્ર BJP જ છે એવું નથી, ૨૦૦૨માં બે યુવતીઓએ જ્યારે એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને હરિયાણાના મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાને બળાત્કારની ફરિયાદ કરતો પત્ર લખ્યો ત્યારે એની કોઈ નોંધ લેવામાં નહોતી આવી. એ પત્ર પાછળથી ‘પુરા સચ’ નામના સામયિકમાં રામ ચંદેર છત્રપતિએ છાપ્યો હતો. એ પત્ર છપાયો એટલે થોડા દિવસમાં છત્રપતિની હત્યા કરવામાં આવી હતી. એ પછીથી પહેલાં ઓમ પ્રકાશ ચૌટાલા, ૨૦૦૪ પછી હરિયાણાના મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા અને ૨૦૧૪ પછીથી હરિયાણાની BJP સરકાર મદદ કરતી આવ્યાં છે. ૨૦૧૪માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી સમયે BJPના અધ્યક્ષ અમિત શાહ બળાત્કારી બાબાને મળવા ગયા હતા અને મેદનીની સામે ચરણસ્પર્શ કર્યા હતા. એ બેઠકમાં સોદો થયો હતો અને બાબાએ BJPને ટેકો જાહેર કર્યો હતો. હરિયાણામાં BJPનો વિજય થયો એ પછી મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર આખી કૅબિનેટને લઈને બાબાના ચરણસ્પર્શ કરવા ડેરા પર ગયા હતા.
આના પરથી ખ્યાલ આવશે કે કહેવાતા રાષ્ટ્રવાદીઓની કરોડરજ્જુ કેટલી તકલાદી છે. કૉન્ગ્રેસ અને બીજા પક્ષો સત્તા ખાતર તુષ્ટીકરણનું રાજકારણ કરે છે તો BJP સત્તા ખાતર હિન્દુત્વ અને તુષ્ટીકરણ એમ બન્ને પ્રકારનું રાજકારણ કરે છે. દેશપ્રેમ અને હિન્દુપ્રેમ તો એક બહાનું છે.
છેલ્લે NDTVના રવીશ કુમારે પૂછેલા પ્રશ્નનો પ્રાસંગિક છે:
૧. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા નેતાઓએ અને કોઈ રાજકીય પક્ષે બળાત્કારી બાબાનાં દુષ્કર્મોની નિંદા કરી છે ખરી?
૨. કોઈ ધર્મગુરુએ કે બાપુઓએ બળાત્કારી બાબાની નિંદા કરી છે ખરી? ઊલટું BJPના સંસદસભ્ય સાક્ષી મહારાજ રામરહીમનો બચાવ કરી રહ્યા છે.
૩. કોઈ નેતાએ, રાજકીય પક્ષે કે પછી ધર્મગુરુએ ચુકાદાનું સ્વાગત કર્યું છે ખરું?
૪. કોઈ નેતાએ, રાજકીય પક્ષે કે ધર્મગુરુએ બહાદુર યુવતીઓને અભિનંદન આપ્યાં છે ખરાં?
બસ, દેશ સામેનું સંકટ આ છે. ધર્મગુરુઓ અને રાજકીય પક્ષો ધર્મનો અફીણ તરીકે, પેટ્રોલ તરીકે, વેપાર તરીકે અને સત્તાની નિસરણી તરીકે ઉપયોગ કરે છે. ભક્તો બેવકૂફ બને છે, પછી તે બાપુઓના હોય કે નેતાઓના.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉગસ્ટ 2017
![]()

