
courtesy : "The Times of India", 28 March 2018
![]()

courtesy : "The Times of India", 28 March 2018
![]()
શહેરના મોટા રસ્તાઓ જ્યાં પૂરા થતા અને જ્યાંથી નાની નાની ગલીઓ શરૂ થતી, નદીઓ સાથે જ્યાં ગટરનાં નાળાંઓ મળતાં, ત્યાં એક બાળક રહેતો હતો. નામ એનું રોહન. જેમ કે, નામથી તો તે અમર હતો, બસ કામથી તે કોઈ પણ કામ કરી લેતો. ખબર નહિ તેનાં માતા-પિતાએ કયા શોખથી એ નામ રાખ્યું હશે, પણ તે છોટુ કરતાં તો વિશેષ જ હતો.
માતા-પિતા તેની ચિંતા કરે, આસ-પડોસના લોકો દેખાવ પૂરતી ચિંતા કરે, કે આ કરશે શું ?
અને ખરેખર હતો પણ તે તેવો જ અડગંબ-બગડંબ.
તેને ભણવામાં જરા ય રસ નહિ, રમવામાં પણ રસ નહિ, એકલહુડો.
તેને એકની જ ચિંતા પોતાના પાપી પેટની, ભૂખની.
પેટ માટે તે ગમે એ કામ કરતો.
શહેરના મોટા રસ્તાઓ પર થઈને, તે શહેર જતો. હોટલમાં ક્યારેક વેઈટર તરીકે કામ કરે તો ક્યારેક વાસણ સાફ કરવાનું. ક્યારેક ચા વેચવાનું તો ક્યારેક કપ-રકાબી ધોવાનું.
એને ક્યારે ય કોઈએ હસતો જોયો નહિ, હા, તે હસી લેતો, કોઈ સામે જોઈ હસે તો હસી લેતો, પણ તે હસવું માત્ર હસવું જ હતું, સામેના માણસને ખોટું ન લાગે, એટલે.
તે ભૂખ લાગે એટલે જમી લેતો, નિંદર આવે એટલે સૂઈ જતો, નિંદર ઊડે એટલે ઊઠી જતો.
રોહન તો રોહન હતો. તેને સ્વપ્નાંઓ આવતાં પણ તે માનતો કે સ્વપ્નાંઓ તો આવે, આંખ બંધ હોય એટલે. આંખ ખૂલે એટલે ઊડી જાય.
ફરી તે પોતાની ધૂનમાં લાગી જતો.
એના માટે કોઈ સુખ નહોતું અને કોઈ દુઃખની અનુભૂતિ નહોતી. એને જીવન શું છે એ સમજાતું જ નહિ, ભૂખ અને નિંદર સિવાય એના માટે કોઈ જિંદગી જ નહોતી. કોઈ સ્વપ્નો નહિ, કોઈ દુઃખ નહિ અને કોઈ સુખ પણ નહિ. બીજું બધું તો ઠીક પણ એને કોઈ પ્રશ્નો પણ નહોતા, ન પોતા વિશે, ન બીજા વિશે.
એક દિવસ સવારે તે પોતાની પથારીમાંથી ઊઠી, પોતાની ગલીઓને પસાર કરી મોટા રસ્તા પર આવ્યો.
તેણે જોયું કે, આજે કોઈ નવા રસ્તા પર જઈએ, એમ જ અમસ્તા. આજે તે પોતાની ભૂખથી પણ કંટાળી ગયો હતો. રોજ રોજ પેટનો ખાડો જ પૂરવાનો ?
એનાં શૂન્ય મને તેને કોઈ રાહ તો ન આપી પણ તે શહેરની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યો.
પાકા રસ્તાઓ પૂરા થયા, ખાડા-ખબડાવાળા મોટા રસ્તાઓ પણ પૂરા થયા, પગદંડીઓ પણ આખરે પૂરી થઈ.
સૂરજ પોતાના મીજાજમાં આવી તપતો હતો અને ભલભલાને પીગળાવતો હતો. તો આ નાના રોહનનું શું ગજું.
આખરે તે પણ થાક્યો. તેને પણ જોરથી તરસ લાગી, ખૂબ જ ભૂખ લાગી. એણે નજર દોડાવી, દૂર એને એક ખેતર દેખાયું અને લીલોતરી પણ.
રોહન તે તરફ ચાલ્યો અને પહોંચી ગયો.
એણે ખેતરના કુંડમાંથી પાણી પીધું અને તેને શાંતિ થઈ.
વૃક્ષો પર ચડી ચડી તેણે જે હાથમાં આવ્યું તે ખાઈ લીધું. વડનાં ટેટા, જામફળ અને બીજું ઘણું બધું. જે ભાવ્યું તે આરોગ્યું.
આખરે તે નીચે આવી, વૃક્ષની ઘટાદાર છાયામાં અને ઠંડા પવનમાં પોતાના હાથનું ઓશીકું બનાવી સૂઈ ગયો.
તેને પળવારમાં જ ઊંઘ આવી ગઈ, ઘસઘસાટ.
એ દિવસે તેને એક સપનું આવ્યું.
સ્વપ્નમાં તે એક નિર્જન ગુફામાં બેસી ગુફાઓના પથ્થરોને જોતો હતો અને તેમાં નીતનવાં ચિત્રોને દોરવાની કોશિશ કરતો હતો, પણ પથ્થર એવો હતો કે તેમાં કોઈ ચિત્ર જ નહોતું આવી શકતું.
તેમની બધી જ મહેનત વ્યર્થ.
આખરે તે બહાર આવે છે અને એમ જ એક પથ્થર પછી બીજો પથ્થર લઈ આમ તેમ ઉછાળવા લાગ્યો.
તેવામાં કોઈ એક દિશાએથી “ઓહ, આ પથ્થર કોણ મારે ?” અવાજ આવ્યો.
રોહન તે તરફ જોઈ જ રહ્યો.
તેની સામે એક સુંદર, શ્યામ પણ મોહક, આસમાની કલરનાં કપડાં પહેરેલી અને દર્દની પીડાથી મૂરઝાયેલી બાળા પ્રગટ થઈ.
રોહન તો તેને આભો બનીને જોઈ જ રહ્યો.
તે બાળાએ કહ્યું, “આમ ગાંડાની જેમ પથ્થર ફેંકાય ? કોઈને વાગી જાય તો, જો મને વાગ્યું !”
તેણે પોતાના હાથને બતાવ્યો. જેમાં લાલ ચકામાં થઈ ગયો હતો, તે તેણે જોયું.
રોહન શું બોલે ?
“તમે અહીં ક્યાંથી ? હું તો આ જંગલમાં એકલો જ હતો …. ”
એણે કહ્યું. “પાગલ, જંગલ તો જંગલ છે, તેમાં કોઈ એકલું હોતું હશે !”
તે ખૂબ જ નજીક આવી, તેણે રોહનનો હાથ થામ્યો અને આંખો બંધ કરી.
રોહનને સ્પર્શનો અહેસાસ થયો. તે જાણે સજીવન થયો હોય તેમ તેને લાગ્યું. તે આકાશ તરફ જોવા લાગ્યો. વૃક્ષોનાં પાંદડાંઓમાંથી પણ તેને આકાશ સુંદર લાગ્યું, તેણે પવનનાં સુસવાટાનો અવાજ સાંભળ્યો. તેને એમ થયું કે મારા કાનમાં કોઈ કંઈક કહે છે. પાંદડાંઓનો અવાજ જાણે કોઈ સંગીત છે અને ખળખળ વહેતાં ઝરણાંનો રવ કોઈ સુંદર કન્યાનું મોહક હાસ્ય. પહાડોનાં રહસ્યો અને સૌન્દર્ય જાણે કુદરતની લીલા અને પક્ષીઓનો કલરવ કુદરતનું ગીત ….
રોહને થોડીવાર આંખો બંધ કરી. એ બાળાએ તેનો હાથ મૂકી સામે બેસી ગઈ.
રોહને આંખો ખોલીને જોયું તો તે બાળા હસતી હતી, તેના હાસ્યમાં અદ્દભુત મોહકતા અને નિખાલસતા હતાં. તે તેને જોઈ જ રહ્યો.
તે બાળાએ કહ્યું, “બુધ્ધુ, જિંદગી કંઈ પેટ ભરવા માટે થોડી છે, ઊઠ, અને સાંભળ, તારા દિલના અવાજને. આ શૂન્ય આકાશ પણ અનેક રંગોથી સજી શકે. જો મારી નજરથી …. ”
અને રોહનથી હવે ન રહેવાયું, તે પૂછી બેઠો “તું કોણ છે ? અને અહીં …”
એ બાળાએ પોતાની પીઠ પાછળથી પતંગિયા માફક પાંખ પસારી, “હું પરી, આજે જંગલમાં આવી હતી, પણ તે મને ઘાયલ કરી. તે કંઈ કહ્યું નહિ તો મેં જાણી લીધું કે તું શું ઈચ્છે છે. બસ, મેં તો તારી વાત જ જાણી, ખાલી. પણ હવે હું જાઉં, વધુ રોકાઈશ તો બધા મને વઢશે, હો.”
એણે એક મોહક અને નિખાલસ સ્મિત આપી અલવિદા કહ્યું. રોહન તેને રોકવા ઊભો થઈ ગયો, પણ તે સુંદર મોહક પરી હસતાં હસતાં ચાલી ગઈ, આકાશ તરફ.
રોહનની આંખો ખૂલી ગઈ, તે પોતાના હાથ દ્વારા કોઈને થામવા તડપવા લાગ્યો, પહેલી વાર તેને કોઈ પાસે હોય, સાથે હોય એવો અહેસાસ થયો.
આંખો ચોળી તે ઊભો થઈ ગયો અને આસપાસ નજર દોડાવી, ઝાડનાં થડને અઢેલીને કોઈ બાળા સાવ સાદા વસ્ત્રોમાં સજ્જ, પ્રશ્નાર્થ નજરોથી રોહનને જોઈ રહી હતી. રોહન હજુ પણ પેલી પરીનાં સ્વપ્નમાંથી બહાર નહોતો આવી શક્યો ત્યાં આ શું ?
તે ધીરે ધીરે પેલી બાળા પાસે જવા લાગ્યો, પેલી બાળા થોડા ગુસ્સામાં તો થોડા આશ્વર્યમાં તેની તરફ જોઈ રહી …
તે બાળાએ કહ્યું, “કોણ છે તું ? અહી ક્યાંથી ? ભૂલો પડ્યો કે છું ?”
રોહન તેને અડકવા જ જઈ રહ્યો હતો ત્યાં આ પ્રશ્નોથી તે આસમાનમાંથી ફરી જમીન પર આવી ગયો. તે થોડો ગભરાયો સ્તબ્ધ બની જોઈ રહ્યો.
“મેં કહ્યું કે, તું કોણ છે ?”
“ર…ર….રોહન…. ? પેલા શહેરમાંથી …” તેને આંગળી ચિંધીને બતાવ્યું.
“ભાગીને આવ્યો છે ?… લે …” અને તે ખડખડાટ હસવા લાગી. “ચાલ…” કહી તે તેનો હાથ પકડી પોતાના ઘર તરફ લઇ ગઈ.
બપોરનો ઢળતો સમય હતો. તેના હાથમાં એક ઉષ્મા હતી. જાણે તેને કોઈ આ પૃથ્વી પર સાથી મળી ગયું હોય એની અનુભૂતિ. તેના હૃદયના ધબકારા તેને સંભળાવા લાગ્યા હતા. તેને પોતાના શ્વાસની ગતિનો અનુભવ થવા લાગ્યો હતો. તેની આંખો આજે અજીબ પ્રકારનું સૌંદર્ય અનુભવ કરતી હતી.“તારું નામ શું?” રોહને ઘીવાળો રોટલો ખાતા ખાતા પૂછ્યું.
“મા ને બાપુ તો નાનકી નાનકી કેય અને નામ બગાડે પણ સ્કૂલમાં મને સંધ્યા કહી બોલાવે …” અને તે હસવા લાગી.
“મારાં નામ તો કેટલાં ય બદલાયાં … ક્યારેક કોઈ છોટુ કહે, તો કોઈ રાજુ, કોઈ એ ય…. કહી બોલાવે તો કોઈ શી…સ.. કહી બોલાવે.” અને બંને ખડખડાટ હસવા લાગ્યાં.
આખરે સાંજ પડી, સંધ્યા ખીલી, એ સાથે જ સંધ્યાના ચેહરા પર પણ એક ચમક આવી. બંનેએ કેટલીયે વાતો કરી, શહેરની અને ગામડાગામની. બંને ખૂબ હસ્યાં.
“લે હવે, તારે ઘરે નથી જવું ? જો હમણાં એક બસ આવશે શહેર તરફ જવાની, તું તેમાં બેસી જા, ઘરે ચિંતા કરતા હશે.”
રોહનના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા. આખરે એને એ જગ્યા પર ફરી જવાનું જ્યાંથી તે આજે જ નીકળ્યો હતો અને ખૂદને મળ્યો હતો.
સંધ્યાએ હસતાં હસતાં કહ્યું, “તારા બા-બાપુજી પણ ચિંતા કરતા હશે. જો જે. આ દુનિયા તો આપણી છે, પણ તેની દુનિયા આપણે છીએ.”
બસ આવી. રોહન મન ન હોવા છતાં બેઠો. બસની બારીમાંથી રોહન સંધ્યાને જોઈ જ રહ્યો, સંધ્યાના રંગો વિલાઈ ગયા, ત્યાં સુધી. તેને સ્વપ્નપરી અને સંધ્યામાં કંઈ જ અલગ ન લાગ્યું. આજે તેને સ્વપ્નું પણ સાચું લાગ્યું, અને સ્વપ્નની પરી જાણે તેને મળી ગઈ હોય તેનો આનંદ પણ આંસુ બની વહી રહ્યો.
બસ જેમ જેમ આગળ વધતી જતી, તેમ તેમ તારાઓ અંધકારમાં સામ્રાજ્ય સ્થાપતા જતા હતા. રોહન અંધકારમાં તારાઓ માફક ચમકવા લાગ્યો હતો. અને એક નવું જીવન પામી પોતાના જીવનમાં જઈ રહ્યો હતો, નવા અહેસાસથી ભર્યો ભર્યો.
Email : navyadarsh67@outlook.com
![]()
મારી સાથે અને સામે બેઠેલા મુરબ્બીઓ અને મિત્રો,
‘ફૂલછાબ’ના પંદરમી ઓગસ્ટ ૧૯૪૧ના અંકમાં ગુરુદેવ ટાગોરને અંજલિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: “તમે કવિ હતા. ‘કવિ’ શબ્દ હવેથી અમે સાચવીને વાપરશું.” પણ આપણે ગુજરાતીઓ સાચવીને વાપરીએ પૈસા, શબ્દો નહિ.
જેમ ‘કવિ’ શબ્દ સાચવીને વાપરવા જેવો છે, તેમ ‘વિવેચક’ શબ્દ પણ સાચવીને વાપરવા જેવો છે. આપણી ભાષાની જ વાત કરીએ તો પણ વિવેચક તો કોઈ નવલરામ પંડ્યા કે નરસિંહરાવ દિવેટિયા, કોઈ બળવન્તરાય ઠાકોર કે કોઈ ભૃગુરાય અંજારિયા, કોઈ આનંદશંકર ધ્રુવ કે કોઈ ઉમાશંકર જોશી, કોઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કે કોઈ રામપ્રસાદ બક્ષી કોઈ રામનારાયણ પાઠક કે કોઈ જયંત કોઠારી. વધુમાં વધુ બીજાં પાંચ-દસ નામ ઉમેરી શકાય. બાકીના બધા તે પણ વિવેચક? ના રે, ના. બહુ બહુ તો સમીક્ષક, આલોચક, આસ્વાદક, કે સાહિત્યિક પત્રકાર. મારો સમાવેશ પણ તેમનામાં જ થાય, વિવેચકોમાં નહિ. વાઘ અને ‘વાઘતણી માશી’ વચ્ચે જેટલો તફાવત, તેટલો તફાવત ‘વિવેચક’ અને અમારી સૌની વચ્ચે.
કશું સર્જનાત્મક લખવાનું તો હાડમાં હશે જ નહિ એમ લાગે છે. એટલે ભર યુવાનીમાં ય કવિતાની એકાદ પંક્તિ પણ લખી નથી. પણ પુસ્તકો સાથેનો ઘરોબો ઘરમાંથી જ બંધાયો. મારાં મા વિદ્યાબહેન આમ તો ઝાઝું ભણેલાં નહિ, પણ નામનાં થોડાં ગુણ એમનામાં ઊતર્યા હશે એટલે વાંચવાનો જબરો શોખ. નવરાશને સમયે કંઈ ને કંઈ વાંચતાં રહે. અને યાદશક્તિ સારી એટલે તેમાંનું ઘણું યાદ રહી જાય. અસંખ્ય કાવ્યો કંઠસ્થ. ગાતાં પણ મીઠું. ઘણી વાર અમારી કસોટી કરે. બે-ચાર કાવ્યપંક્તિઓ બોલે, અને પછી પૂછે: ‘કહો જોઉં, કયા કવિની પંક્તિઓ છે?’ મારા પિતા શેરબ્રોકર. આંકડામાં રસ તેટલો બારાખડીમાં નહીં. પણ મારાં માને માટે તેમણે ઘરમાં પાંચેક હજાર પુસ્તકો વસાવેલાં. પાંચ-સાત મેગેઝીનો આવે. પુસ્તકોમાંનાં જેટલાં જાતે વાંચેલાં એના કરતાં મેં સાંભળેલાં વધુ. કારણ રોજ રાતે મોટા ભાઈ – રમણકાંતભાઈ – એકાદ કલાક માટે કોઈ પણ પુસ્તકનું પઠન કરે અને ઘરનાં સૌ આસપાસ બેસી તે સાંભળે એવો રિવાજ. એટલે બાળપણથી જ સાહિત્યના શબ્દ સાથે ઘરોબો બંધાયો.
બાળક જન્મે તે પહેલાં તેને સ્કૂલમાં ધકેલી દેવાનો ચાલ ત્યારે શરૂ નહોતો થયો. એટલે આઠ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલનું મોઢું જોયું. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ. ભણતર તો ખરું જ, પણ સાથોસાથ સાહિત્ય, સંગીત, ચિત્રકલા, નાટક, વગેરે દ્વારા વિદ્યાર્થીના વ્યક્તિત્ત્વના ચણતર પર પણ એટલો જ ભાર. સાહિત્ય અંગે સ્નેહ અને સૂઝ ધરાવતા કેટલાંક શિક્ષકો સદ્ભાગ્યે મળ્યાં – પિનાકિન્ ત્રિવેદી, સોમભાઈ પટેલ, મધુભાઈ પટેલ, સુશીલાબહેન વાંકાવાળા. તેથી વાંચવાના શોખને દિશા મળી.
પણ સાહિત્ય અંગેની સમજણ મળી તે તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. મનસુખભાઈ ઝવેરી ગુજરાતી શીખવે અને ઝાલાસાહેબ — ગૌરીપ્રસાદ ઝાલા — સંસ્કૃત શીખવે. બંને ઉત્તમ શિક્ષકો, પણ બંનેની તાસીર સાવ જુદી. ઘણી બાબતોમાં એકબીજાના પૂરક થઈ શકે એવા અધ્યાપકો.
એ કોલેજનો ગુજરાતી વિભાગ દર વર્ષે ‘રશ્મિ’ નામનું વાર્ષિક પ્રગટ કરે. બી.એ.માં ભણતો હતો ત્યારે મનસુખભાઈ અને ઝાલાસાહેબે ‘રશ્મિ’ માટે લેખ લખવા કહ્યું. ત્યારે ભરતભાઈ, સ્વર્ગ હાથવેંતમાં હોય એમ લાગેલું. કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે લખીને લેખ તો આપી દીધો. પણ જીવ તાળવે ચોંટેલો. ‘રશ્મિ’માં છપાશે કે નહિ? પૂછવાની તો હિંમત જ કેમ ચાલે? અંક બહાર પડ્યો, હાથમાં આવ્યો. ‘પ્રખર સહરાની તરસથી’ અનુક્રમનું પાનું જોયું. અને આપણા રામની તરસ છીપી. ગ્રંથ-સમીક્ષાની એ પહેલી દીક્ષા.
૧૯૬૪ના જાન્યુઆરીમાં ‘ગ્રંથ’ માસિક શરૂ થયું. બીજા ઘણાને મોકલેલાં, તેમ મને પણ એક પુસ્તક યશવંતભાઈ દોશીએ અવલોકન માટે મોકલ્યું. અમારો અંગત પરિચય બિલકુલ નહિ. અવલોકન લખીને આપવા માટે પરિચય ટ્રસ્ટની ઓફિસે ગયો ત્યારે પહેલી વાર મળ્યો. પણ ત્યારથી યશવંતભાઈ, ‘ગ્રંથ’, અને પરિચય ટ્રસ્ટ સાથે જે મનમેળ થયો તે ૧૯૭૪માં યશવંતભાઈના સહાયક સંપાદક તરીકે જોડાતાં વધુ ગાઢ થયો. સમીક્ષા-લેખનની ગલીકૂંચીઓમાં હાથ પકડીને કોઈએ ફેરવ્યો હોય તો તે યશવંતભાઈએ.
પણ ગ્રંથસૃષ્ટિની વિશાળતા, વિવિધતા, અને સમૃદ્ધિનો ખરો ખ્યાલ આવ્યો તે તો ૧૯૭૬ના ડિસેમ્બરમાં લાયબ્રેરી ઓફ કોંગ્રેસની દિલ્હી ઓફિસમાં જોડાયા પછી ત્યાં દસ વર્ષ કામ કર્યું ત્યારે. અમેરિકન ડિરેક્ટર જિન સ્મિથ એટલે ગ્રંથકીટ. ગુજરાતી સહિતની ભારતની ઘણી બધી ભાષાઓ અને તેમના સાહિત્ય વિષેની જાણકારીનો તેમની પાસે ખજાનો. બધી ભાષા જાણીએ તો ક્યાંથી, પણ દેશની દરેક ભાષાના જાણકારો તે ત્યાં હતા સહકાર્યકરો. એમની સાથેની વાતચીત, ચર્ચા, આપ-લે, રોજ નવા નવા દરવાજા ખોલે. વળી રેર અને એન્ટિક્વેરિયન બુક્સના જિન સ્મિથ ભારે જાણકાર અને સંગ્રાહક. દરેક ભાષાનાં એવાં પુસ્તકો ભેગાં કરવાનો ખાસ પ્રોજેક્ટ કરેલો. વખત જતાં ઓગણીસમી સદીનાં પુસ્તકો, સામયિકો, લેખકો, વગેરેમાં જે રસ જાગ્યો તેનાં મૂળમાં આ જિન સ્મિથ. અને બીજા તે મરાઠીના અગ્રણી લેખક, સંશોધક, પત્રકાર, અને સહકાર્યકર ડો. અરુણ ટીકેકર – અડધી જિંદગી અને અડધા કરતાં વધુ કમાણી રેર બુક્સ ખરીદવા પાછળ ખર્ચી નાખનાર. ગ્રંથનિષ્ઠાની દીક્ષા, આમ દિલ્હીમાં મળી.

આટલાં વર્ષોમાં ધીમે ધીમે જે કાંઈ એકઠું કર્યું હતું તેનો નિયમિત ઉપ-યોગ કરવાની તક મળી તે તો ૧૯૯૯ની આખરમાં નિવૃત્તિ લીધી તે પછી. ઈ.સ. ૨૦૦૦ના માર્ચથી બાર વર્ષ ‘મુંબઈ સમાચાર’માં દર ગુરુવારે ‘વર્ડનેટ’ પાનાનું લેખન-સંપાદન કરવાનું બન્યું. તંત્રી પિન્કીબહેન દલાલની અને મારી પહેલેથી એવી પાક્કી સમજણ કે આને બીબાંઢાળ ‘સાહિત્યનું પાનું’ કે ‘અવલોકનનું પાનું’ નથી બનાવવું. વૈવિધ્યનો આગ્રહ. શક્ય હોય તેટલું ટોપિકલ બનાવવું. દરેક લખાણ સચિત્ર હોય જ. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાનાં ભાષા-સાહિત્યને પણ બને તેટલો સ્પર્શ કરવો. છાપેલા શબ્દ ઉપરાંતનાં શબ્દનાં રૂપોની વાત પણ વણી લેવી. સાહિત્યિક પત્રકારત્ત્વ, ગ્રંથસમીક્ષા અને ગ્રંથનિષ્ઠાના જે પાઠ અગાઉ ભણવા મળેલા તેનો બને તેટલો સદુપયોગ કરી આ બાર વર્ષમાં ‘સાહિત્યના પાના’ને વાચકપ્રિય કરવાનો પ્રયત્ન કર્યો. લોકપ્રિયતા મેળવવી એ ગુનાહિત કૃત્ય છે તેમ માનનારા વિવેચકો કે અભ્યાસીઓએ એ પાનાની નોંધ પણ ન લીધી એનો વાંધો નહિ. આપણે ક્યાં એમને માટે લખીએ છીએ?
‘વર્ડનેટ’નું કામ કરતાં કરતાં ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓમાં એવો તો રસ પડ્યો કે બીજું બધું ધીમે ધીમે આઘું જતું રહ્યું. આપણા સાહિત્યના ઇતિહાસ કે વિવેચનનાં ઘણાંખરાં પુસ્તકો માટે ઓગણીસમી સદી એટલે દસ-પંદર લેખકો અને તેમની વીસ-પચ્ચીસ કૃતિઓ. તેમાં ય નર્મદ-દલપત પહેલાંના લેખકો અને પુસ્તકોની તો કોઈ વાત જ ન કરે. હા, એ બધાંની વાત માત્ર સાહિત્યના ત્રાજવે તોળીને ન થાય. એ જમાનાનાં મુદ્રણ, પુસ્તક-પ્રકાશન, શિક્ષણ, રાજકારણ, સમાજ, બધાંનો સાથેલાગો વિચાર કરવો પડે. ઓગણીસમી સદીને સમજવી હોય તો આપણી શરતે ન સમજાય, તેની શરતે સમજવી જોઈએ. અગાઉ અમદાવાદની એક સાહિત્યિક સંસ્થાને હાથ જોડીને જાહેરમાં વિનંતી કરેલી કે ૧૯મી સદીના સાહિત્યનાં સંશોધન, અભ્યાસ, જાળવણી, પુનઃપ્રકાશન, માટે એક અલાયદો વિભાગ શરૂ કરો. પણ એ સંસ્થાને પોતાને સાહિત્યનાં કરવા જેવાં કામો કરવામાં રસ જ નથી, બીજી વ્યક્તિઓ અને સંસ્થાને ‘સ્વાયત્તતા’ને બહાને સાહિત્યનાં કામ કરતી રોકવામાં રસ છે. અમદાવાદમાં જે ન થઈ શક્યું, તે મુંબઈમાં થઈ શકે? જવાબ આપ સૌએ આપવાનો છે.
સારે નસીબે પહેલેથી એવી વ્યક્તિઓ સાથે કામ કરવાનું બન્યું કે જેમના મનમાં વાચકનું મહત્ત્વ વસેલું હોય. એટલે પહેલી વાત એ શીખવા મળી કે લખાણ વાંચવામાં સરળ હોવું જોઈએ. એમાં આપણા શોખ ખાતરના શૈલીવેડા ન ચાલે. વાત સહેલી રીતે કહેતાં ન આવડે તો ન કહેવી. પરિભાષાનો પ્રયોગ ન છૂટકે જ કરવો. સંસ્કૃત શબ્દોનો મોહ રાખવો નહિ, આપણી ભાષાના શબ્દથી કામ સરે તેમ ન હોય તો જ તત્સમ શબ્દ વાપરવો. અંગ્રેજી શબ્દોની સૂગ ન જ રાખવી. અઘરું લખવું સહેલું છે પણ સહેલું લખવું અઘરું છે એ વાત સતત યાદ રાખી. પરિણામે જો અને જે લોકોમાં વંચાય તો અને તે સાહિત્ય નહિ. જે ઓછામાં ઓછું વંચાય અને તેનાથી ય ઓછું સમજાય તે જ ઉત્તમ સાહિત્ય એવી સમજણથી સતત દૂર રહેવાનું બન્યું.
પ્રગતિ મિત્ર મંડળ સાથે વર્ષોથી નિકટનો નાતો છે. તેના તરફથી આ સન્માન મળે છે ત્યારે હવે આ ઉંમરે આવાં સન્માનોથી હરખ-શોક શો, એમ કહેવાનો દંભ નહિ કરું. ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી હતાં ત્યારથી જેમની સાથે આત્મીયતાભર્યો સંબંધ બંધાયો છે તે પ્રિય મુરબ્બી ધીરુબહેનનાં કર્મઠ માતા ગંગાબહેનના નામ સાથે આ પુરસ્કાર સંકળાયેલો છે તેનો વિશેષ આનંદ છે. મૃચ્છકટિક, પૂર્ણિમા, ઝેર તો પીધાં છે જાણી જાણી જેવાં વર્ષાબહેનનાં નાટકો ધોબી તળાવ પાસેના રંગભવન નામના ઓપન એર થિયેટરમાં બે-બે રુપિયાની ટિકિટ લઈને જોયેલાં. એ વર્ષાબહેનનો પહેલો અંગત પરિચય વિલ્સન કોલેજની બહારના બસ સ્ટોપ પર ૧૯૬૧માં થયેલો. તે પછી એ પરિચય વધુ ને વધુ વિકસતો ગયો છે. એટલે વર્ષાબહેન બહારગામથી ઘરે ગયા વગર સીધાં અહીં આવ્યાં અને પોતાપણાથી જે બોલ્યાં તે માટે તેમનો આભાર માનું તો એ ન તો મને ગમે કે ન તો તેમને ગમે. તેઓ મોટા ગજાનાં લેખિકા તો છે જ, પણ સૌથી પહેલાં ઉષ્મા અને ઉમળકાનાં માણસ છે, એટલે એમ ન કરે તો જ નવાઈ.
૧૯૬૩માં સોમૈયા કોલેજમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું ત્યારે બી.એ.ના ક્લાસમાં પહેલા ખોળાની બે વિદ્યાર્થિનીઓ ગીતા અને લતા. એ ન્યાયે લતાપતિ કાન્તિભાઈ તો જમાઈ થાય! તેમના બોલાતા અને લખાતા શબ્દમાં હંમેશ સ્વસ્થતાની અને સમતોલતાની કાંતિ જોવા મળે. તબિયત ઓછી સારી હોવા છતાં તેઓ આવ્યા તે માટે તેમનો આભાર. ભરતભાઈ ઘેલાણી માથે ભાર રાખ્યા વગર ‘ચિત્રલેખા’ જેવા માતબર લોકપ્રિયતા ધરાવતા સાપ્તાહિકનું સુકાન સંભાળે છે. અને સાથોસાથ સાહિત્યની ચિંતા પણ સેવે છે. તેમનાં સ્નેહ અને સૌજન્યનો પરિચય સતત થતો રહે છે. તેમની હાજરીથી આજે હૂંફ મળી છે. અને આપ સૌ સાહિત્યપ્રેમી શ્રોતાઓ ન આવ્યા હોત તો અમે બે-પાંચ જણા અહીં બેસીને શું કરી શકવાના હતા? એટલે સૌથી વધુ તો આપ સૌનો આભાર.
***
e.mail : deepakbmehta@gmail.com
![]()

