લેનિનના રશિયાએ વિચાર તરીકે માર્ક્સવાદની પ્રતિષ્ઠા કરી તે સાથે જાણે વિશ્વમાં નવસંવત્ ન બેઠી હોય !
આજનો, વર્ષ 2018ના મે માસની પાંચમી તારીખનો દિવસ, તવારીખની તેજછાયા વચાળે એમ મૃત્યંજયી દીપસ્મૃિત લઈને આવે છે : ક્રાંતિકારી વિચારક કાર્લ માર્ક્સને આજે બરાબર બસો વરસ થઈ રહ્યાં છે. સોવિયેત સામ્રાજ્યનો અસ્ત થયા પછી અને તે છતાં જે રીતે માર્ક્સવિચારનો ઉદય થઈ રહ્યો છે એ જોતાં જરી મલાવી ફુલાવીને પણ એમની સ્મૃિતને કાલજયી કહેવું ઠીક જ લાગે છે.
વાત સાચી કે દુનિયામાં માર્ક્સનો સિક્કો એમના જીવનકાળ(1818-1883)માં નહીં એટલો 1917ની રૂસી ક્રાન્તિ સાથે પડવા લાગ્યો હતો. લેનિનના રશિયાએ પોતાના અધિકૃત વિચારસંપ્રદાય તરીકે માર્ક્સવાદની પ્રતિષ્ઠા કરી તે સાથે વિશ્વમાં કેમ જાણે નવસંવત્ ન બેઠી ન હોય ! હકીકતે એ ગાળો જ અનેક રીતે ગાભણો અને ભારઝલ્લો હતો. તમે જુઓ કે ક્રાંતિકાર્યવશ વિદેશવાસી લેનિન રશિયા પરત ફરે છે, લગભગ એ જ ગાળામાં ગાંધી દક્ષિણ આફ્રિકું ખેડી ભારત પરત ફરે છે. હમણાં ગાંધીના ભારતઆગમનના એક પછી એક સોમા વરસ નિમિત્તે જે બધાં સ્મરણો તાજાં થાય છે અને વિમર્શવાર્તા ચાલે છે એમાં કેટલું બધું નવેસર સમજાય છે અને જુદેસર દેખાય છે ! સ્વરાજની લડત કોલકતા-મુંબઈ-દિલ્લી મેલી ચંપારણમાં યશસ્વીપણે લડાવા લાગે છે. દેશનું દર્શન દેહાતી ઇલાકામાં છેલ્લા આદમીરૂપે વિલસે છે.
માર્ક્સની વાત કરતે કરતે રૂસ અને લેનિનની હારોહાર આપણે ભારત અને ગાંધીની વાત લગી આગળ ચાલ્યા આવ્યા, પણ પાછે પગલે માર્ક્સના જીવનકાળમાં જઈએ તો શું સમજાય છે ? ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદના ઉદય સાથે અસમાનતા અને વિષમતાનો જે અનુભવ મનુષ્યજાતિને (આરંભે અલબત્ત યુરોપને) થયો એણે માર્ક્સને ઝંઝેડ્યો. ચિંતકોએ આજ સુધી અર્થઘટનો તો ઘણાં કર્યાં છે, પણ પ્રશ્ન પરિવર્તનનો છે, એ માર્ક્સની સમજ હતી. આ પરિવર્તન તે શેનું અને શું, એ પ્રશ્નનો ઉત્તર બહુપરિમાણી જ હોય.
અહીં આપણે બધી વિગતોમાં નહીં જતાં માર્ક્સના એ આરંભધક્કાની વાત કરીશું જેણે એને મૂળગામી ચિંતન ભણી વાળ્યો. ઔદ્યોગિક ક્રાંતિ સાથે જે નવો કામદાર વર્ગ આવવા લાગ્યો એ ઘણી રીતે પોતાને વિચ્છિન્ન, વિખૂટો, વિમુખ, અનાત્મીકૃત (એલિમેનેટેડ) અનુભવતો હતો. માર્ક્સને વાનું પકડાયું, પણ એન્જલ્સ જોડેની આજીવન મૈત્રીના આરંભે એમાં એક વિશેષ વળ ભળ્યો. એન્જલ્સે ઇંગ્લૅન્ડના કામદાર વર્ગની વાસ્તવિક સ્થિતિનો, વિષમ જ વિષમ એવી અનવસ્થાનો જે અભ્યાસ કર્યો હતો એના વાસ્તવદર્શન સાથે માર્ક્સનું આ વિખૂટાપણાનું ચિંતન જોડાયું. મહેનતકશ માણસ પોતાને વિખૂટો પડેલો અનુભવે છે. કેમ કે, પોતાના શ્રમ અને પ્રત્યક્ષ પરિણામ વચ્ચે કોઈ સાર્થક સમ્બન્ધ નથી. મૂડીવાદી વ્યવસ્થા માણસને નટબોલ્ટ જેવા પુરજામાં અને ક્રયવસ્તુ(કોમોડિટી)માં ફેરવી નાંખે છે. જો શ્રમ અને નિર્માણ વચ્ચે સજીવ, સપ્રાણ, સાર્થક સંબંધ બંધાય તો એવું ન થાય. પણ એ માટે માલિકી હક્કનો મુદ્દો નવેસર વિચારવો પડે.
માર્ક્સનાં બસો વર્ષની વાત કરતે કરતે, વિષયાંતર નહીં પણ વિષયપૂર્તિની રીતે, બીજાં એક બસો વરસની વાત કરી લઈએ તો કેમ ? આ બસો વરસ તે 1789થી 1989નો ગાળો : પહેલું વરસ જો ફ્રેન્ચ ક્રાંતિનું છે, તો છેલ્લું વરસ બર્લિનની દીવાલ તૂટી તેનું છે. ફ્રેન્ચ ક્રાંતિએ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ત્રયી સાથે એક નવી હવા સરજી. એ જ હવાએ આગળ ચાલતાં રૂસી ક્રાંતિની ભોંય કેળવી. ઐતિહાસિક કારણોસર રૂસી ક્રાંતિ એક પ્રકારની નવી સામ્રાજ્યશાહીમાં ફેરવાઈ ગઈ. પશ્ચિમની લોકશાહી છાવણી અને રૂસી છાવણીઓ દુનિયાના ઠીક ઠીક હિસ્સાને જે રીતે ખંડી લીધો, એનું એક દૃષ્ટાંત બર્લિનની દીવાલ છે. આ દીવાલનું તૂટવું કેમ જાણે એક નવું વિશ્વદર્શન લઈને આવ્યું : ફુકુયામા નામના વિશ્લેષકે તો એક આખી થીસિસ જ આ મુદ્દે કરી નાખી કે હવે ઇતિહાસનો અંત આવી ગયો છે – એન્ડ અૉફ હિસ્ટરી ! માર્ક્સના દર્શનમાં એક એવો આશાસંકેત હતો કે ઔદ્યોગિક ક્રાંતિમાંથી આવેલો નવો શ્રમિક વર્ગ (પ્રોલિટેરિયટ) પરિવર્તનના ઓજારની ભૂમિકા ભજવશે અને એ રીતે વક્રોક્તિ જેવું કર્યું કે જુઓ ઇતિહાસનો અંત આવી ગયો છે. સોવિયેત સામ્રાજ્યશાહીના વિઘટન અને વિસર્જન પછી દુનિયા સામે રહેતી એકમાત્ર પસંદગી અમેરિકી તરેહની એટલે કે મૂડીવાદ અને લોકશાહીના યુગાનુરૂપ રૂપાંતરણની છે, એમ ફુકુયામાનું પ્રતિપાદન હતું.
પણ ગયા દસકાની ભીષણ મંદી સાથે મૂડીવાદ લોકશાહી વિકલ્પની મર્યાદાઓ છતી થઈ. ‘ઓક્યુપાય વૉલ સ્ટૃીટ’ એ આંદોલન સાથે વળી એક વાર માર્ક્સનું મૂડીવાદને અંગેનું શાસ્ત્રીય ચિંતન ચિત્રમાં આવ્યું. બલકે, આ આંદોલન દરમ્યાન ચમકતું રહેલું એક કાર્ટૂન ગાંધીનું પણ હતું કે આજે જો એ હોત તો તો એ પણ અહીં જ હોત. મેઘનાદ દેસાઈએ અચ્છી ચર્ચા કરેલી છે કે ફુકુયામાની ‘એન્ડ અૉફ હિસ્ટરી’ એ વક્રોક્તિ એક અર્થમાં ભોંઠી પડી છે, કેમ કે જે ક્ષણે તે અમેરિકી નમૂના પર ઓવારી જવાનું સુચવતા હતા એ પછી તરતના ગાળામાં માર્ક્સનું મૂડીવાદની મર્યાદાઓ અને ભયસ્થાનો વિશેનું આકલન વળી એક વાર સાચું પડી રહ્યું હતું.
આજનો દોર વૈશ્વીકરણનો અને વર્ચ્યુઅલ બજારનો છે. વિષમતાનું વિવર્ધન અને નવા વંચિતોનું નિર્માણ, વધતા ખર્વનિખર્વપતિઓ છતાં એક દુર્દૈવ વાસ્તવ છે. સોવિયેત સામ્રાજ્યશાહી સહિતના માર્ક્સવાદી રાજ્યવાદોથી ઉફરાટે માર્ક્સવિચારની એક ભૂમિકા આ વાસ્તવના આકલનમાં છે. મૂડીના ઉત્તરોત્તર વધુ ને વધુ કેન્દ્રીકરણનું, વધતી અમીરાતે વકરતી વિષમતા અને વંચિતતાનું કાંક તો કરવું જોઈશે. માર્ક્સે પાડેલા ચાસ પર એમાંથી કશુંક કેમ ન ખોજી શકીએ ?
માર્ટિન લ્યુથર કિંગે પોતાની સમાનતા માટેની લડતનાં બે બળ રૂપે ઇસુના દર્શનની અને ગાંધીની પદ્ધતિની જિકર કરી હતી. બિપનચંદ્ર જેવા માર્ક્સીય ઇતિહાસકારને આધુનિક વિશ્વના સૌથી ચિંતક રૂપે જો માર્ક્સ વસે છે, તો લોકશાહી રાહે આર્થિક-સામાજિક પરિવર્તન માટેની મથામણ ગાંધીના નેતૃત્વમાં સ્વરાજ માટે જે લડત લડાઈ એનાં શૈલી ને સ્વરૂપ પણ એટલાં જ વસે છે. બિપનચંદ્રનું કહેવું છે કે આટલા મોટા પાયા પર લોકશાહી રાહે આંદોલન આ એક જ નોંધપાત્ર નમૂનો છે.
માર્ક્સના જ્ન્મની દ્વિશતાબ્દી ભારતછેડેથી આ પ્રકારનું મંથન જગવે છે. એક નવા વિમર્શને વાસ્તે એમાં ગુંજાશ ખસૂસ છે. અહીં માર્ક્સને કે ગાંધીને એમના સમયમાંથી જેમના તેમ ઊંચકી ફીટ કરવાનો સવાલ નથી. એમના મૂળ ધક્કા(થ્રસ્ટ)ને પકડવાનો પ્રશ્ન ખચિત છે. વળી માર્ક્સ વિશે વાત કરતાં વર્ગસંઘર્ષનો મુદ્દો પ્રમુખતયા સામે આવે ત્યારે ભારતછેડેથી વર્ણવાસ્તવને પણ સમજવું રહે. નરેન્દ્ર દેવ, જય પ્રકાશ, લોહિયાની વિચારમથામણોમાં એવી ખાસી સામગ્રી પડેલી છે જે આવા સાર્થક સંધાનમાં ઉપયોગી થઈ પડે. વસ્તુત: આપણી વિમર્શખોજે અત્યારના કથિત રાષ્ટૃવાદી પડાવથી ઉફરાટે સ્વાતંત્રલડતના અનુસંધાનમાં જે ભોંય કેળવવાપણું છે તે આ સ્તો છે. ગાંધીના ભારત આગમનની એક પછી એક શત્વર્ષીને વિશ્વપ્રવાહો સાથે સાંકળી નવેસર જોવા મૂલવવાના અવસર રૂપે પણ માર્ક્સની દ્વિશતાબ્દી એક સોજ્જું નિમિત્ત છે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘નવોન્મેષ’, “દિવ્ય ભાસ્કર”, 05 મે 2018
![]()


આવું બને? અસંભવ નથી. કૉન્ગ્રેસને જો કર્ણાટક વિધાનસભામાં સારી એવી સફળતા મળશે તો એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીમાં વિજય મળવાની શક્યતા નજરે પડી રહી છે અને એ સ્થિતિમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો મુશ્કેલ નથી. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી આનું ઉદાહરણ છે. એ સમયે તો અટલબિહારી વાજપેયીની સરકારની ઇમેજ અત્યારની નરેન્દ્ર મોદીની સરકાર કરતાં ઘણી સારી હતી. એટલે તો BJPના નેતાઓએ લોકસભાની ચૂંટણી મુદત પહેલાં યોજી હતી અને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર આપ્યું હતું.
અહીં દિમાગમાં એક તુક્કો આવે છે. રાહુલ ગાંધી વડા પ્રધાન તરીકે પોતે ઉમેદવારી કરવાની જગ્યાએ સૅમ પિત્રોડાને વડા પ્રધાનપદના અને રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને નાણાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે તો? તો ટેબલ ટર્ન થઈ શકે છે. નકરી વાતો અને નક્કર પરિણામમાં જમીન-આસમાનનો ફરક છે. જે મધ્યમ વર્ગે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા એ કૉન્ગ્રેસને આપી શકે છે.
મે મહિનાનો બીજો રવિવાર માને સમર્પિત છે. ૧૩મી મે એટલે મધર્સ ડે. આમ તો આ બધા ‘ડેઝ’ પાશ્ચાત્ય સમાજની દેણ છે પણ એ નિમિત્તે વિશ્વ આખાની માતાઓને મહત્ત્વ મળવા લાગ્યું છે. હવે તો સંતાનો માને ગિફ્ટ આપતાં પણ થયાં છે.
આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્કૃિત જીવવાની છે! આપણે તો આપણા દેશ, આપણી ધરતી અને ગાયને પણ માતા કહીએ છીએ. આવી આપણી સંસ્કૃિતનું અમર ગીત એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા હયાત હોય તો અપાર હેત વરસાવવાનું મન થાય અને સમયચક્રમાં વિલીન થઈ ગઇ હોય તો આંખ ભીંજવી જાય એવા આ ગીતની એક એક પંક્તિમાં અપાયેલી ઉપમા ખરેખર માતૃત્વને સાર્થક કરનારી છે. દરેકને એમ લાગે કે આ ગીત પોતાની મા માટે જ લખાયું છે. કાનમાં મોરનું પીંછું ફરતું હોય એવી હળવાશ, સરળ શબ્દોનું માધુર્ય અને રોમેરોમમાં વાત્સલ્યના ઝરા ફૂટતા હોય એવું સદૈવ તાજગીસભર આ ગીત માતૃવંદનાનાં કાવ્યોમાં હજુ ય ટોચ પર રહ્યું છે. મા વિશે કેટકેટલાં કાવ્યો રચાયાં છે પરંતુ, દામોદર ખુશાલદાસ બોટાદકરનું આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ હવે લોકગીતની કક્ષાએ મુકાઈ ગયું છે. બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦માં અને મૃત્યુ ૦૭ સપ્ટેમ્બર ૧૯૨૪માં. દોઢસો વર્ષ પછી ય આ ગીત તરોતાજા લાગે એ કેવી મોટી ઉપલબ્ધિ!