
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
ઘણીવાર બે હાથથી માથું પકડીને નયનાબહેન ઘરમાં બેસી રહેતાં. તો ક્યારેક બબડતાં, ‘આ તો ભયાનક રાક્ષસ છે. મને ભરખી જશે ત્યારે એને જંપ વળશે.’ પછી માઈગ્રેનની પીડા અસહ્ય લાગે ત્યારે બે હાથે માથું કૂટતાં. સુકુભાઈ તરત ઊઠીને એમને રોકતા, માથું પોતાના ખભા ઉપર ટેકવતા, અને કહેતા, ‘બસ કર, નયનુ. આ મારાથી નથી જોવાતું. થોડું તો સહન કરી લે!’
કોઈ દિવસે વળી સારું હોય ત્યારે નયનાબહેન પૂજા-પ્રાર્થના પછી ફરિયાદના સૂરમાં કહેતાં, ‘સાધારણ જેવા અમારા જીવનને આમ રફેદફે કરી દીધું, લાલજીબાવા. જીવમાં જરાયે શાન્તિ રહેવા ના દીધી.’ આંખોમાં છલકાઈ આવેલાં આંસુને સાલ્લાના છેડાથી લૂંછીને એ રસોડા તરફ જતાં.
એમની દીકરી મુનીરા હજી અમેરિકન કૉલેજમાં ભણતી હતી. પહેલાં બે વર્ષ તો ઘરે રહી; પણ હવે બે બહેનપણીઓ સાથે ભાડાના ફ્લેટમાં રહેવા માંડી હતી. એમાંની એક સ્પેિનશ હતી અને બીજી આફ્રિકન-અમેરિકન હતી. એમને મળ્યાં પછી નયનાબહેન નિરાશ થયાં હતાં. એમણે મુનીરાને કહ્યું હતું, ‘કોઈ ઇન્ડિયન છોકરીઓ ના મળી સાથે રહેવા માટે? આ કાળિયણો જ મળી તને?’
મુનીરા તરત ચીડાઈને બોલી હતી, ‘આવા શબ્દો તારા મોઢામાંથી નીકળે છે કઈ રીતે? એમને માટે ‘બ્રાઉન’ ને ‘બ્લેક’ શબ્દ વાપરવાના હોય છે, તને ખબર તો છે. ને નયનુ, આપણે વળી ક્યાં દેવનાં દીધેલાં છીએ તે? અહીંના ગોરા લોકો માટે તો આપણે કાળા જ છીએ. એ ક્યારે ય વિચાર્યુ તેં?’
હજી મુનીરા ભણતી હતી. છોકરાઓ સાથે ખાસ એને ઓળખાણ થયેલી લાગતી નહોતી. તેથી નયનાબહેન બહુ ગભરાટમાં નહોતાં; પણ એમના દીકરા રાજા માટે સરસ છોકરી શોધવાનું એમણે ક્યારનું ચાલુ કરી દીધેલું. એ અને સુકુભાઈ ગુજરાતી સમાજના કોઈ પણ પ્રોગ્રામમાં જાય એટલે નયનાબહેનની નજર યુવાન છોકરીઓ અને સારાં દેખાતાં મા-બાપ ઉપર ફરવા માંડે. કોઈ વાર પરાણે રાજાને સાથે ખેંચી જાય, ત્યારે એ બીજાં છોકરા-છોકરીઓ સાથે વાતો કરે; પણ કોઈ છોકરી એને પસંદ પડતી લાગે જ નહીં.
સુકુભાઈ કહે, ‘તું ઉતાવળ ના કર. છોકરો હોશિયાર છે, વખત આવ્યે પોતાને લાયક એ શોધી લેશે.’ નયનાબહેન વિચારે, ‘હા, વાત સાચી છે. જેને પરણવાનું છે એને ગમવી જોઈએ. આપણે તો સાથ આપવાનો.’ છેવટે એક વાર રાજારામે આવીને કહ્યું કે એને એક છોકરી ગમી છે. પોતે એની સાથે એ પરણવા માંગે છે. નયનાબહેને એક શ્વાસે એને કેટલાયે પ્રશ્નો પૂછ્યા – કોણ છે, ક્યાંની છે, દેખાવમાં કેવી છે, ક્યાં નોકરી કરે છે, નામ શું છે, એનાં મા-બાપને કયારે મળવાનું છે?
‘નયનુ, તું શ્વાસ તો લે! જો, એનાં મા-બાપ અહીં નથી રહેતાં, ને એનું નામ સોફિયા છે.’
નામ સાંભળીને જ નયનાબહેન ચમક્યાં! તોયે પૂછ્યું, ‘સોફિયા? આવું નામ હવે ઇન્ડિયનોમાં પણ હોય છે?
‘હોય કે નહીં તે ખબર નથી. મમ્મી, પણ સોફિયા ઇન્ડિયન નથી.’
પણ પછી રાજારામે જ્યારે કહ્યું કે એ સેનેગાલની છે, ત્યારે નયનાબહેનનો વિવેક છૂટી ગયો. ‘આફ્રિકન? એટલે કે કાળી ભૂત? એટલે કે મારા ગ્રાન્ડ-ચિલ્ડ્રન પહોળાં નાકવાળાં, જાડા હોઠવાળાં, ગૂંચળા ગૂંચળા વાળવાળાં થવાનાં. હું કોઈ દિવસ એવાં છોકરાને વહાલ નહીં કરી શકું, કે મારાં ગણી નહીં શકું.’
હજી એક વાર રાજારામે સમજાવી જોયાં એમને. ‘નયનુ, તું સોફિયાને એક વાર મળી તો જો. તને એ જરુર ગમશે. બરાબર આપણાં જેવી જ છે.’
‘અરે શું આપણાં જેવી? આપણાં જેવી એ હોઈ જ કઈ રીતે શકે? કોણ જાણે કેવું લોહી હોય એનાં બાપદાદાનું!’
સાવ સ્તબ્ધ થઈ ગયેલા રાજાને પટાવતાં હોય તેમ નયનાબહેન કહેવા માંડ્યાં, ‘તું તો મારો રામ જેવો દીકરો છે. તું જોજે ને, હું તારે માટે સીતા જેવી સરસ, ગોરી ગોરી છોકરી શોધી લાવીશ. એ દરમ્યાન તારે પેલીની સાથે હરવું-ફરવું હોય તો ફર ને ! અહીં તો એમ જ ચાલતું હોય છે ને!”
‘ના નયનુ, હું એવું કરી નહીં શકું. હું સોફિયાને પ્રેમ કરું છું અને મારે લાયક એ એક જ છોકરી છે. હું એને જ પરણવાનો છું, અને —–’
‘તને ખબર છે અમેરિકામાં મેં અને તારા પપ્પાએ તને મોટો કરવા, ભણાવવા કેટલી મહેનત કરી છે? અમે જાતે કોઈ શોખ ના કર્યા, કશા ખર્ચા ના કર્યા, તને ને તારી બહેનને, જે જોઈએ તે આપવા માટે અમે કરકસર કરતાં રહ્યાં. તારે માટે અમે કેટલી આશા રાખી એનો ખ્યાલ આવે છે? કે અમે ઘરડાં થઈશું ત્યારે તું અને તારી સરસ વહુ અમારી કાળજી રાખશો. હવે એ સમય આવ્યો ત્યારે તું —-’
જરા શ્વાસ લેવા રોકાઈને, ધ્રૂસ્કું રોકીને નયનાબહેન બોલ્યાં, ‘જો તું મારી – એટલે કે અમારી – ઈચ્છાની વિરુદ્ધ જઈને લગ્ન કરીશ; તો તને કહીં દઉં છું, હું તારું મોઢું નહીં જોઉં. તું મને મરી ગયેલી માનજે.’
‘નયનુ, આ શું બોલે છે તું?’, સુકુભાઈ જરા ઊંચે અવાજે બોલ્યા. નયનાબહેન ચૂપ થયાં; પણ બીજા રૂમમાં જઈને બારણું બંધ કરી દીધું. રાજા ઘરની બહાર નીકળી ગયો. સુકુભાઈનું કશું જ ચાલ્યું નહીં.
સોફિયા સાથે કોર્ટમાં જઈ, સાવ સાદાઈથી લગ્ન કરી લીધાં પછી, ફોનથી જણાવીને, મા-બાપને પગે લાગવા રાજારામ સજોડે આવ્યો હતો. ઘરને બારણે તાળું હતું. કાળી વહુને આવકારવાને બદલે માતાએ ઘર બંધ કરીને બહાર જવાનું પસંદ કર્યું હતું. પિતા પરવશ હતા.
સુકુભાઈ રિટાયર થયા તે પછી એ લોકોએ ઘર વેચી નાખ્યું. મોટા ઘરની હવે ક્યાં જરૂર રહી છે, કરીને એમણે એક કોમ્પ્લેક્સમાં ફ્લેટ લઈ લીધો. નયનાબહેનના મનમાં અન્યાય જેવો ભાવ લાંબો રહ્યો હોત; જો ચાર-પાંચ દિવસમાં જ એમની ઓળખાણ રત્ના સાથે ના થઈ હોત.
એ દિવસે ડોરબેલ વાગ્યો અને એમણે બારણું ખોલ્યું. એક યુવતી હાથમાં ફૂલોનો ગુચ્છ લઈને સામે હસતી હસતી ઊભી હતી. સાથે ચારેક વર્ષનો લાગતો બાબો હતો. નયનાબહેનને જોઈ તરત એણે કહ્યું, ‘આ રહેવાસમાં તમારું સ્વાગત છે.’ બાબાને આન્ટીને ફૂલો આપવા કહ્યું. અને બોલી, ‘હું રત્ના છું, ને મારા આ દીકરાનું નામ ક્રીશ છે.’
કદાચ પહેલી જ વાર નયનાબહેનની જીભ ચાલી નહીં. આ છોકરી સાવ કાળી છે. ના, કાળી-કથ્થાઈ લાગે છે એનો રંગ; પણ કેટલી સરસ લાગે છે! મનોમન જ કહેવા ગયાં હશે; પણ એ બોલી બેઠાં, ‘રત્ના? આ નામ તો …. આ તો ઇન્ડિયન નામ છે.’
‘હા, તે હું ઇન્ડિયન જ છું. કેમ, લાગતી નથી?’
નયનાબહેન વિચારે કે આ કાળી છે; પણ જાણે એવી દેખાતી નથી. તે કેમ? એની ચામડીનો રંગ જાણે વચમાં આવતો જ નથી. તે કેમ? એનું મોઢું આવું હસતું છે, તેથી હશે? એની આંખોમાં લાગણીનો ભાવ છે, તેથી હશે? ને આ બાબો પણ કાળો છે. ના, ના, શ્યામ કહેવાય. એ પણ મીઠું મીઠું હસતો ઊભો હતો. નયનાબહેને એને ઝટ તેડી લીધો.
આ પછી રત્ના અને ક્રીશ, ક્યારે સુકુભાઈને ‘દાદા’ અને નયનાબહેનનું ‘નયનુ’ સંબોધન સાંભળીને ભૂલમાં ‘નાનુ’ કહેતાં થઈ ગયાં, એનો કોઈને ખ્યાલ રહ્યો નહીં. કોઈ વાર રત્ના નહીં દેખાય, કે ક્રીશને વહાલ ના કરે, તો નયનાબહેનને ચેન ના પડે. રત્નાના વરને ગુજરાતી ખવડાવવાનો એમને બહુ શોખ થતો. ત્યારે દીકરાની યાદ આવતી હશે કે નહીં તે સુકુભાઈ પણ કહી શકતા નહીં.
એક દિવસે રત્નાએ કહ્યું કે ક્રીશના પપ્પાની ઈચ્છા હવે એને બાળ-કેન્દ્રમાં મૂકવાની છે. હજી છે નાનો; પણ બીજાં છોકરાં સાથે રહે-રમે તો કંઈક શીખતો થાય. વળી, રત્ના એની સાથે કેન્દ્રમાં જશે અને ત્યાં થોડા કલાક મદદરૂપ થશે, એમ વિચાર્યું હતું. નયનાબહેને બતાવી તો ખુશી; પણ મનમાં એ ગભરાઈ ગયાં. જાણે પોતે એકલાં પડી જવાનાં ના હોય ! ફરી માઈગ્રેન નામના રાક્ષસનો પણ ડર લાગવા માંડ્યો.
કેન્દ્રમાં જવાનું શરૂ કર્યાના બીજેત્રીજે દિવસે રત્નાએ નયનાબહેનને કહ્યું કે, ‘કેન્દ્રમાં તો મદદની ઘણી જરૂર છે, નાનુ. તમે પણ આવોને અમારી સાથે!’ પહેલે દિવસે એ સંકોચ અનુભવતાં ગયાં; પણ ત્યાં વાતાવરણ સહજ હતું, બાળકો રમતિયાળ હતાં અને લંચ વખતે તો નાનુની ઝડપ બહુ જ કામમાં આવવા માંડી. રત્નાએ એમને કહેલું તેમ, બાળકો ઓછી આવકવાળાં કુટુમ્બોમાંનાં હતાં – લગભગ બધાં સ્પેિનસ અને આફ્રિકન–અમેરિકન હતાં. બ્રાઉન, બ્લૅક, વાઈટ – પણ નયના સુકુમાર શોધનને કદાચ પહેલી જ વાર કશો ફેર પડ્યો નહીં. નાનકડાં, બધાં સરખેસરખાં ભૂલકાં એમને વહાલાં લાગ્યાં અને વળી, ત્યાં પણ બધાં એમને ‘નાનુ’ જ કહેવા લાગ્યાં !
ત્યાં ક્રીશનો ખાસ ભાઈબંધ હતો, ત્રણેક વર્ષનો રાગુ. દેખાવે જરા ઘેરો ઘઉંવર્ણો, હસમુખો, કાલુ કાલુ બોલે, દરરોજ નાનુને વળગી આવે. નયનાબહેનને થાય : જાણે મારા ‘લાલજીબાવા.’ એમણે ઘણી વાર રાગુને બોલતો સાંભળ્યો હતો – જાણે ગાતો હોય તેમ : ‘મારા પાપા કીન્ગ છે. મારી મમ્મી ક્વીન છે.’ કેન્દ્રમાંના બીજા બધાની જેમ નયનાબહેન પણ વિચારતાં કે એ શું કહેતો હશે? પણ કોઈનાં મા-બાપને મળવાનું એમને થતું નહીં; કારણ કે લંચ પછી છોકરાં સૂવા જાય, ત્યારે એ ઘેર જતાં રહેતાં.
એક બપોરે એક સુંદર યુવતીને કેન્દ્રમાં આવતી એ જોઈ રહ્યાં. ઊંચી, પાતળી, ખભા સુધીના સીધા વાળ, લાંબી આંખો, તીણું નાક, ને સુરેખ લંબગોળ મોઢા પર સૌજન્ય દેખાય. એની ત્વચાનો રંગ કાળો કહી શકાય, તેવું એમને સૂઝ્યું પણ નહીં. ‘લગભગ મારાથી જરાક વધારે ઘઉંવર્ણી છે’, એમણે વિચાર્યું. એટલામાં રાગુ નાચતો ને ગાતો આવ્યો: ‘મારા પાપા કીન્ગ છે. મારી મામ ક્વીન છે’ અને એ યુવતીએ એને ઊંચકી લીધો.
ઓહ, તો આ રાગુની મામ છે, એમ ને! મા-દીકરો બંને સરખાં જ દેખાવડાં ને ગમી જાય તેવાં છે, નયનાબહેનને થયું. રત્ના તો એને ઓળખતી હતી, તેથી એ વાત કરવા આવી. રાગુને આજે વહેલો લઈ જવાનો છે, તેથી એની મામ એને લેવા આવી છે, એણે નયનાબહેનને કહ્યું. યુવતી નયનાબહેન સામે ‘કેમ છો?’નું હસી, ને નયનાબહેનથી પુછાઈ ગયું, ‘આ રાગુ શું ગાતો ફરે છે?’
‘ઓહ, સોરી, બહુ હેરાન કરે છે, અહીં બધાંને?’
‘ના, ના, જરાયે નહીં. આ તો ‘પાપા કીન્ગ છે’ તે અમને સમજાતું નથી એટલે ……’
યુવતીનું સ્મિત એનાં મુખને શોભાવતું હતું. એણે કહ્યું, ‘એ તો એના પપ્પાનું નામ રાજા છે, તેમણે રાગુને એક વાર કહ્યું હશે કે, ‘રાજા એટલે કીન્ગ’ એટલે એને યાદ રહી ગયું લાગે છે.’
‘રાજા?’, નયનાબહેનના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો!
‘હા, આન્ટી, એના પાપાનું આખું નામ તો રાજારામ છે; પણ અહીં તો જાણો છોને, નામો કેવાં ટુંકાવી દેવાય છે! બાબાનું નામ રાઘવ છે. કેવું સરસ નામ છે! એના પાપાએ ખાસ મમ્મીને યાદ કરીને પાડ્યું; પણ થઈ ગયું છે ‘રાગુ.’ અને મને બધા ‘સોફી’ કહે છે; પણ મારું નામ ‘સોફિયા’ છે.’
રત્ના પણ કહેવા માંડેલી, ‘હા, જુઓને, અમે બાબાનું નામ કૃષ્ણ પરથી ‘કીશન’ પાડેલું. તે ‘ક્રીશ’ થઈને રહ્યું છે!’
નયનાબહેનનું આખું અસ્તિત્વ ધ્રૂજવા માંડેલું. રત્ના ને સોફિયા વાતો કરતાં હતાં, ને એ માંડ માંડ ત્યાંથી સરકી ગયાં. ક્યારે નીકળીને ઘેર જતાં રહ્યાં, તેની ખબર રત્નાને પણ પડી નહીં. એ પછી એમણે કેન્દ્રમાં જવાનું બંધ કરી દીધું. રત્નાએ બહુ કહ્યું, ‘નાનુ, ચલોને. બાળકો યાદ કરે છે, રાગુ તો ‘નાનુ-નાનુ’ કરીને રડે છે ક્યારેક.’ પણ નયનાબહેન – ‘બસ, હવે થાક લાગે છે’, એ જ કારણ આપતાં રહ્યાં. એમનું માઈગ્રેન પણ પાછું આવવા માંડ્યું, પણ હવે એ ના તો માથું કૂટતાં, ના તો લાલજીબાવા પાસે ફરિયાદ કરતાં. ચૂપચાપ બેસી કે પડી રહેતાં. સુકુભાઈને ચિંતા થવા માંડી. મુનીરાને બોલાવવી જોઈએ એમ એમને લાગવા માંડ્યું.
પણ મુનીરાને ચિંતા કરાવતાં પહેલાં, છેવટે એમણે રત્નાને પૂછ્યું કે કેન્દ્ર પર કંઈ થયું હતું? એમની પૂછપરછ અને રત્નાની યાદદાસ્ત પરથી એ છેલ્લી બપોર વિશે વાત થઈ. રાજારામ, રાઘવ, સોફિયા જેવાં નામો સાંભળીને સુકુભાઈ સમજી ગયાં, કે હકીકત શી હતી. પણ હવે નયનાબહેનની તબિયતની ચિંતાને બદલે એમનું મન આનંદ અને આશાથી ભરાઈ ગયું. રત્ના પણ આખી વાત સાંભળ્યા પછી નિશ્ચિન્ત થઈ ગઈ.
એક સાંજે નયનાબહેન ચા પી રહ્યા હતાં, ત્યારે બારણા પર ધબ ધબ અવાજ થયો. કોણ આવું કરે છે કહેતાં, ભવાં ચઢાવીને એમણે બારણું ખોલ્યું. ચાર નાના હાથ એમને વળગી પડ્યા. ‘નાનુ, નાનુ’નો ઘોંઘાટ થઈ ગયો. એક તરફથી ક્રીશ અને બીજી તરફથી રાગુ એમને ખેંચતા અને વળગતા રહ્યા. સુકુભાઈએ તો બિસ્કીટનો મોટો ડબ્બો કાઢ્યો. આજની આ સાંજ માટે છાનામાના એ લઈ આવેલા. રત્નાએ ફ્રીઝ ખોલીને દૂધ બહાર કાઢ્યું. નયનાબહેનને તો બન્ને છોકરા છોડે જ શાના? એમણે પણ દૂધ અને બિસ્કીટ ખાવાં પડ્યાં.
કલાકેક પછી બારણા પર સહેજ ટકોરા થયા. રાહ જ જોઈ રહેલા સુકુભાઈએ જલદી બારણું ખોલ્યું. સામે વહાલો દીકરો અને સુશીલ વહુ ઊભાં હતાં. કેટલાં વર્ષે બાપ-દીકરો સામસામે આવ્યા હતા! બન્ને ભેટ્યા ત્યારે બન્નેની આંખોમાં આંસુ હતાં. સોફિયાએ નીચા વળીને પ્રણામ કર્યાં, ત્યારે સુકુભાઈએ એને પણ વહાલી કરી. હજી કશા શબ્દો બોલાયા નહોતા. કદાચ અત્યારે એવી જરૂર પણ ન હતી. રત્નાએ પણ બન્નેને ચૂપ રહેવાનો ઈશારો કરતાં આવકાર્યાં.
અંદરથી નયનાબહેનના ગાવાનો અવાજ આવતો હતો. રત્નાએ ધીરેથી રૂમનું બારણું ખોલ્યું. રાજારામે જોયું તો નયનુ ખાટલાની વચમાં બેઠી હતી. બન્ને બાજુ નાના દીકરા સૂતા હતા – એક તરફ ક્રીશ; બીજી તરફ રાઘવ. નયનુ બન્નેનાં માથાં પર હળવેથી હાથ ફેરવતી હતી. એની ભીની આંખો બંધ હતી અને એ ભાવપૂર્વક ગાઈ રહી હતી :
‘રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ ….’
સમ્પર્ક : 15 Stewart Place, White Plains, NEW YORK – 10603, U.S.A. • e.Mail: preetynyc@gmail.com
♦
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 401 – May 27, 2018
![]()
ટૂંકીવાર્તા લખનારા મિત્રો માટે આજે થોડીક વિચારપ્રેરક વાતો કરું.
વાર્તાને ટૂંકી, દીર્ઘ કે લાંબી જે રાખવી હોય એ રાખો, એમાં ‘અન્ત' હંમેશાં મુશ્કેલ હોય છે. નાનો કે મોટો કોઇ પણ સર્જક મૂંઝાઇ જાય છે કે હવે આમાંથી નીકળી જવું કઇ રીતે. ખાસ તો, કલાત્મક અન્ત સાધીને નીકળવું કઇ રીતે, એને બહુ પજવે છે. જે વાર્તાકારોએ ચોટ માટે અન્તને ગજવામાં સંતાડી રાખ્યો હોય, એમને આ નડતર નથી. અન્યથા કેવું કેવું કહેતા હોય છે, સાંભળો : હું તો અન્ત મળી જાય પછી જ વાર્તા શરૂ કરું છું – કેવો ધીરજવાન ! ત્યાં લગી શું બારીએ બેસી ચણામમરા ખાતો હશે? : હું તો અન્તની ચિન્તા વિના બસ લખું છું ને અન્ત મને એની મૅળે મળી આવે છે – કેવો પ્રમાદી ! અન્ત જાણે રસ્તે રઝળતું કુરકુરિયું હોય ! કોઇ કોઇ કીમિયાગર તો એવા કે બે-બે અન્ત કાંતી કાઢે છે – એમ કે જે ગમે એ રાખો ! વાચકને સર્જકતાના ચાળે ચડાવે છે. આ નિર્દેશોનો સાર એ છે કે જ્યારે પણ અન્ત લવાશે ત્યારે ગોઠવી કાઢેલો હશે કે આવી પડેલો હશે, મતલબ, વત્તેઓછે અંશે બનાવટી હશે. છેલ્લી બાજી ય હારી જવાશે એવી બીક હોય ને હુકમનો એક્કો દેખાઇ જાય એ ખેલાડીની આંખો કલ્પો, સમજાઇ જશે. ડૂબવામાં જરાક જ વાર હોય ને કશુંક ટેકણ હાથ લાગી જાય એ ભાયગશાળીનો ચ્હૅરો કલ્પો, સમજાઇ જશે.
ભલે, કદી આપણે ટૂંકીવાર્તાના આરમ્ભ વિશે વિચાર્યું છે? વાર્તા શરૂ થઇ એ પહેલાં નાયકના જીવનમાં શું કશું બન્યું જ ન્હૉતું? કેટલુંયે બનેલું. એ પુરાકથા તો ત્યાં-ને-ત્યાં જ રહી ગઇ ! તો પછી આરમ્ભ પણ આડેધડનો જ ગણાય, ખરું કે નહીં? પહેલી પંક્તિને કવિઓ ‘ઈશ્વરદત્ત' કહેતા હોય છે. ઈશ્વરે મોકલી એટલે સાચી એવો ભરોસો સેવતા હોય છે. કેટલાક જાતભરોસો દાખવે છે કે બાકીની જે પોતે સરજી એ સાચી છે. ઈશ્વર પર કે જાત પર ભરોસો ભલે રાખે, વાતમાં માલ નહીં. કાવ્યનો આરમ્ભ પણ આવી પડેલો કે ગોઠવી કાઢેલો હોય છે – એટલે કે વત્તેઓછે અંશે બનાવટી હોય છે.
આમ, આરમ્ભ પણ બનાવટી અન્ત પણ બનાવટી. અડસટ્ટે શરૂ થયું હોય. ગમે ત્યારે પૂરું કરી પાડે. આપણા કેટલા ય અછાન્દસકારોએ એ જ કર્યું છે. આમાં વ્યવહારુ કારણો પણ મદદ કરતાં હોય છે. અછાન્દસની લાંબીટૂંકી લાઇનો માટે તન્ત્રીઓ ફાળવી ફાળવીને કેટલી જગ્યા ફાળવે? શબ્દોના ય માપમાં રહેવાનું હોય છે. તન્ત્રીએ છાપી રાખ્યું હોય – વાર્તા ૨૦૦૦ શબ્દમાં હોવી જોઇએ, અન્યથા અસ્વીકાર્ય ઠરશે. એવાતેવા કે કોઇપણ કારણસર વાર્તાકારો વાર્તાને ટૂંકી કરીને જંપે. પથારો પાથરીને બેઠા હોય પણ ચુંકાતા મને હંકેલો કરવા માંડે. સાહિત્યને વ્યવહારુ કારણો હંમેશાં આંતરે છે. નાટકે મધરાત પછી તો અમુક વાગ્યે પૂરું થવું ઘટે છે. કવિને ધરવ ભલે ન હોય પણ કવિસમ્મેલનને છેડો હોય છે. વીડિયોગ્રાફરના ટાંટિયા તૂટતા હોય. જૂના વખતમાં નવલકથાને અન્તે ‘સમાપ્ત' આવતું. એ લખ્યા પછી લેખકને હાશ થતી. સિનેમામાં The End આવતું જેથી ગરાડીઓને હમજ પડે કે હવે ઘરે જઇને વહુભેગા થવાનું છે.
આમ તો પ્લેટોએ સાચું કહેલું – કલા તો સત્યથી બે પેઢી દૂર છે. ટેબલનો ખયાલ સાચો, ટેબલેય સાચું પણ ટેબલની કવિતા બનાવટનીયે બનાવટ છે. ભાષાવિજ્ઞાન કહે છે કે શબ્દ પણ આમ જ આવી પડેલો છે. આને ‘બિલાડી' અને આને ‘કૂતરું' શા માટે કહીએ છીએ? પૂર્વજો ‘માર્જારી' અને ‘શ્વાન' કેમ કહેતા? પેલાઓ ‘cat' અને ‘dog' શા કારણે કહે છે? બસ આમ જ ! મરજી ! ઈચ્છા ! બધી વાતમાં ઈશ્વરને કારણભૂત ગણીએ છીએ પણ એઓશ્રીને પણ આની ખબર નથી. તો પછી એવા શબ્દોના બનેલા વાર્તા-અન્તને અને વાર્તા-આરમ્ભને પણ ‘બસ આમ જ' શું કામ ન ગણવા? સમજીએ તો સમજાય કે આ વાત વાર્તા કે કાવ્ય ઉપરાન્તની કોઇ પણ શબ્દસૃષ્ટિને લાગુ પડે છે. કેમ કે એ ‘આમ જ' હોય છે. લોકો સાહિત્યને એટલે તો ગપસપ કહે છે.
ચેખવે (1860-1904) કદાચ એ જ કારણે વાર્તાકારોને કહેલું કે એક વાર વાર્તા લખાઇ જાય પછી એના આરમ્ભને અને એના અન્તને છેકી નાખજો. કેમ કે એ, એ જગ્યાઓ છે, જ્યાં આપણે લેખક-લોકો જૂઠ ચલાવતા હોઇએ છીએ. એમણે ઉમેરેલું – આ હું મારા પોતાના અનુભવથી કહું છું.
પણ મારો સવાલ એ છે કે આરમ્ભ અને અન્તને છેકી નાખીએ પછી જે બચે એમાં સચ્ચાઇ હશે ખરી -? મારો જવાબ એ છે કે ના, વચ્ચે જે બચ્યું એ પણ ન-સાચું હોય છે. એ પણ બનાવટમાંથી પ્રગટેલી બનાવટ હોય છે. વાર્તામાં જ શું કામ, દરેકે દરેક લેખનમાં પહેલું વાક્ય લખીને આગળ ચાલવાનું હોય છે. ક્યારેક વળી એને જતું કરીને એને સ્થાને બીજું લખીએ છીએ. ક્યારેક એ બીજાને જતું કરીને ત્રીજું લખીએ છીએ. એનો અર્થ એ કે અગાઉનાં બન્ને વાક્યો બરાબર ન્હૉતાં. ચોરનો ભાઇ ઘંટીચોર ! પણ એ રીતે તો લખાણના કોઇપણ વાક્યને નપાસ થવાનો વારો આવી શકે ! કશો સુખદ પાર આવે જ નહીં.
બે રસ્તા છે : ચેખવ કહે છે એમ છેકી નાખો એ બરાબર છે પણ છેકીને બેસી રહો એ બરાબર નથી. છેકભૂસ કરતા રહો ને જાહેરમાં એ વિશે નિખાલસ એકરાર પણ કરતા રહો. આજે તો કમ્પ્યૂટરમાં એવી વ્યવસ્થા છે કે હું લખાયેલી લાઇન પર એની બરાબર વચ્ચે જતી રનિન્ગ લાઇન દોરી શકું છું. ખોટી છે એમ તરત જોઇ શકાય. હું કાગળ પર લખતો ત્યારે જેવો પહેલો ફકરો નકામો લાગે, ડૂચો વાળીને ફૅંકી દેતો. વ્યાખ્યાનમાં સ્વીકારું છું કે – એ શબ્દ મેં ખોટો વાપર્યો. કહું છું કે – એ લેખમાં એ મારી ભૂલ હતી. ન હોય તો કહું છું – ના, એ મારી ભૂલ ન્હૉતી. બીજો રસ્તો એ કે તમે પોતે જ કહી દો કે સાહિત્ય એક જાતની ગપસપ છે અને વાર્તા એક જાતનું આરમ્ભથી અન્ત લગીનું – સાદ્યન્ત- ગપ્પું છે. લોક ભલેને અમુઝાયા કરે કે સાહિત્ય, એક જાતની એટલે કઇ જાતની ગપસપ … વાર્તા, એક જાતનું એટલે કેવી જાતનું ગપ્પું … કલાપારખુઓ ઓળખાવશે એ જાતને પણ આ લેખ ગપ્પું નથી. તો પછી આમ ગોળ ગોળ કેમ ફર્યા કરું છું? કેમ ચાલે? તો શું કહેવું? એ કે મને આ વાતમાં એક નવો સંદેશ દેખાય છે : તમારા લખાણ પર મુસ્તાક રહેવાનું છોડી દો. લેખનમાત્ર એક મથામણ છે, શુભાશયી યત્ન કે પ્રયત્ન છે, એમ માનીએ તો બસ છે. સંદેશ એ પણ ખરો કે – શબ્દાખ્ય જ્યોતિ સદા પ્રકાશે છે. શબ્દોથી પ્રગટેલો ન-શરીરી ધ્વનિ ચિરંજીવી હોય છે. કોડિયાં ન જોવાય, દીવાની જ્યોત પણ ન જોવાય, ભલે. પણ પ્રકાશ તો જોવાય. પ્રસરેલા પ્રકાશને આંખો મીંચીને હૃદયચિત્તમાં સંઘરી લેવાય …
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 મે 2018
![]()

