રાનગાંવ – મહારાષ્ટ્રનું નાનું એવું ગામ. ગામ ભલે નાનું; પણ ગામવાસીઓમાં ભારે સંપ. સારે–માઠે પ્રસંગે બધા એક થઈને ઊભા રહે. એમાંયે જ્યારે વિષ્ણુકાકાના એકના એક જુવાન જોધ દીકરા ચેતનના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે ગામ આખું સ્તબ્ધ થઈ ગયું. પોતાના નામ પ્રમાણે ચેતનવંતો, હસમુખો, મિલનસાર ચેતન, આમ એકાએક જડ થઈ જાય એવું શી રીતે બને ?
પણ એવું જ બન્યું હતું. પોતાના ખેતરમાં મૂકેલી પાણી માટેની મોટરના વાયરનો કરંટ લાગ્યો ને ચેતન કોઈને આવજો કહેવાય ન રોકાયો. એ તો બાજુના ખેતરવાળો દુષ્યંત એને જમવા બોલાવવા આવ્યો, ત્યારે ખબર પડી. આખા ગામમાં તો હાહાકાર મચી જ ગયો; પણ ઘરે રહેલી ત્રણ વ્યક્તિઓની તો આ સાંભળીને સૂધબૂધ જ જતી રહી.
રેવાકાકી અને ઉષ્મા – સાસુ અને વહુ; બન્ને એવાં ભાંગી પડ્યાં હતાં કે કોણ કોને આશ્વાસન આપે? દીવાલને અઢેલીને પથ્થરની મૂર્તિની જેમ બેઠેલી ઉષ્માનો હાથ, હાથમાં લઈને રેવાકાકી રડ્યે જતાં હતાં. આજુબાજુ બેઠેલી સ્ત્રીઓની દબાતા અવાજે થતી વાતચીત એમને કાને અથડાઈ રહી હતી. ‘હજી તો લગ્નને ચાર જ વરસ થયાં, ત્યાં બીચારીનો વિધવા થવાનો વારો આવ્યો.’ ‘એકાદ છોકરું હોત તો એને સહારે ય જિન્દગી સુખેદુ:ખે વિતાવી દેત; પણ આ તો….’
‘છોકરું’ શબ્દ સાંભળતાં ઉષ્માની સ્મૃિતમાં ભૂતકાળ સળવળી ઊઠ્યો. રાંનગાંવ નજીકના શહેરના કૃષિવિદ્યાલયમાં એ અને ચેતન સાથે અભ્યાસ કરતાં. એ પહેલા વર્ષમાં અને ચેતન ત્રીજા વર્ષમાં. બન્ને ક્યારે અને કેવી રીતે એકબીજાંની નજીક આવતાં ગયાં, ખબરેય ન પડી. એક દિવસ ચેતને સીધે સીધું કહ્યું,
‘જો ઉષ્મા, મને ગોળ ગોળ ફેરવીને વાત કરતાં આવડતું નથી. મને તું ગમે છે અને મને લાગે છે કે તને પણ હું પસંદ છું. વળી આપણે બેઉ કૃષિ કૉલેજમાં ભણીએ છીએ એટલે આપણા રસના વિષયો પણ સરખા જ છે.’
બધું જાણવા–સમજવા છતાં અજાણ બનવાનો ડોળ કરતાં એણે કહેલું, ‘આજે એકાએક તેં આવી વાત કેમ કરવા માંડી, મને સમજાયું નહીં.’ શરમાઈને દુપટ્ટાનો છેડો દાંત વચ્ચે દબાવતાં એ હસી પડી હતી.
પછી તો બન્નેનાં માતાપિતાની સમ્મતિથી બન્નેનાં લગ્ન થયાં. પણ સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં જ્યારે પણ તેઓ મળતાં ત્યારે ચેતન કહેતો,
‘ઉષ્મા, હું તો જમીન સાથે જોડાયેલો માણસ છું. અહીં બાપદાદાના સમયની અમારી વીસ એકર જમીન છે. મારે એ જમીનમાં આધુનિક ઢબે ખેતી કરવી છે. હું શહેરમાં વસવા માગતો નથી. તને કંઈ વાંધો તો નથી ને?’
‘વાંધો હોય તોયે હવે શું થાય?’ ચેતનને ચીડવતાં એ કહેતી.
લગ્ન પછી બેઉ ખભેખભા મિલાવીને ખેતીના કામમાં મચી પડ્યાં. નવાં નવાં પુસ્તકો અને સામયિકોમાં નવી શોધખોળો વિશે વાંચવું, નવાં સાધનો વસાવવાં, કૃષિમેળા અને સમ્મેલનોમાં જઈ પોતાની જાણકારીમાં વૃદ્ધિ કરવી; એમાં આ દમ્પતીને જીવનની સાર્થકતા લાગતી.
સંતોષ અને મમતાપૂર્વક ખેતરને જોતાં એક દિવસ ચેતને કહ્યું,
‘મારે આ ખેતર પર એક હજાર આંબા વાવવા છે. કલ્પના કર કે એ હજાર ઝાડ જ્યારે ફળથી લચી પડશે ત્યારે આ વાડી કેવી હરીભરી લાગશે? એક નિસાસો નાંખતાં ઉષ્માએ કહ્યું, ‘હા, આંબા પર તો ફળ આવશે; પણ લગ્નનાં ત્રણ ત્રણ વરસ થયાં છતાં મારા દેહની ડાળી પર હજી ફળ નથી બેઠું, એનું શું?’
સ્નેહથી એને પોતાની નજીક ખેંચતાં ચેતન બોલ્યો હતો, ‘તને શું વધારે ગમે? એક પુત્રની મા થવું કે હજાર પુત્રની? સાચું કહું તો આ બધા સાથે હું એવો તો એકાકાર થઈ જાઉં છું કે મને તો વિચાર જ નથી આવતો કે આપણે ત્યાં સન્તાન નથી!’
‘ખરેખર?’
‘સાવ સાચું. અને હું તો એવું ઈચ્છું કે આપણાં આ સન્તાનોની દેખભાળમાં, એમને ઉછેરવામાં તું પણ ખોવાઈ જા.’
ચેતનની મરણોત્તર ક્રિયાઓ પતી. ઉષ્માનાં માતાપિતા બીજે દિવસે પોતાના ઘરે પાછાં ફરવાનાં હતાં. રાત્રે ચારેયે માબાપ ઉષ્માના ભાવિની ચિન્તા કરતાં બેઠાં હતાં. વિષ્ણુકાકાએ કહ્યું, ‘વેવાઈ, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તે હું સમજી શકું છું. અમે ચેતનનાં માબાપ ભલે હોઈએ; પણ એના ગયા પછી અમે સતત ઉષ્માનો જ વિચાર કર્યા કરીએ છીએ. એના આખા જીવનનો સવાલ છે. થોડા વખત પછી તમે આવીને એને તેડી જજો. અમે હોંશે હોંશે એને વળાવીશું.’
બારણાની આડશે ઊભી રહીને બધી વાતો સાંભળતી રહેલી ઉષ્મા હાથ જોડીને બોલી,
‘માફ કરજો, તમારી વડીલોની વાતમાં વચ્ચે બોલવાનો અવિવેક કરી રહી છું; પણ મને પૂછ્યા વિના મારા ભવિષ્યનો ફેંસલો તમે કેવી રીતે કરી શકો? આ મા–બાપ, આ ઘર અને આ ખેતરને છોડીને હું ક્યાં ય જવાની નથી. ને મા–બાપુ, હું પગફેરો જરૂર કરી જઈશ; પણ અહીં રહીને ચેતનનાં આદરેલાં અધૂરાં કામ પૂરાં કરવાની જવાબદારી મારી છે. આશીર્વાદ આપો કે, મારી જવાબદારી હું સુપેરે નિભાવું.’ સમજદાર દીકરીને આશિષ આપતાં, માતા–પિતાની આંખો નીતરી રહી.
બીજે દિવસે સાસુ–સસરાને લઈને એ ખેતરે પહોંચી. બેઉને સમ્બોધીને એ બોલી : ‘હજાર આંબા રોપવાનો ચેતનનો અધૂરો સંકલ્પ મારે પૂરો કરવાનો છે. કોઈ પુત્રવધૂએ શરમ અને સંકોચને કારણે સાસુ–સસરાને એવું કહ્યું નહીં હોય કે મને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપો; પણ આજે હું તમારી પાસે એક–બે નહીં; પણ ‘હજાર પુત્ર’ની મા બનવાના આશિષ માંગું છું. જ્યારે હું એ હજારનું સારી રીતે લાન–પાલન કરી શકીશ તે દિવસે ચેતનનો આત્મા તૃપ્ત થશે.’
રેવાકાકી અને વિષ્ણુકાકા ગળગળાં થઈ ગયાં; પણ વિષ્ણુકાકાએ તરત પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યા,
‘અમારાં અંતરના તને આશિષ છે, દીકરા, ને હું તો વાડીને દરવાજે બોર્ડ લગાવવાનો છું : ‘હજાર દીકરાની માની વાડી.’
(‘ઐશ્વર્યા પાટેકર’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)
તા. 01-01-2018ના ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાન પરથી .. સાભાર ..
સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001
ઈ–મેઈલ : avs_50@yahoo.com
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 405 –July 22, 2018
![]()


આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે અને આ સંદર્ભે મને એમનાં 'સમયરંગ'-નાં લેખનો યાદ આવે છે. એ ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે આજના સાહિત્યકારને ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે. પરન્તુ સાઉથ અમેરિકાના ચિલીના કવિ પાબ્લો નેરુદાનું દૃષ્ટાન્ત આ પરત્વે જગજાણીતું છે. એમનો જીવનકાળ, 1904-1973. સ્પૅનિશમાં લખતા કવિઓમાં નેરુદા શ્રેષ્ઠ મનાયેલા; ચિલીના રાષ્ટ્રકવિ હતા. એમની સામ્યવાદતરફી પ્રતિબદ્ધતા પણ એટલી જ સાચી હતી. ૧૯૭૧-માં એમને નોબેલ અપાયું. જો કે લેખન તો ૧૩વર્ષની વયથી ચાલુ થઇ ગયેલું. "ટ્વૅન્ટિ લવ પોએમ્સ ઍન્ડ સૉન્ગ ઑફ ડિસ્પૅર” – સંગ્રહનાં કાવ્યોથી એમની એક આકર્ષક કવિરૂપે સ્થાપના થઇ. ત્યારે ઉમ્મર માત્ર ૨૦ હતી. નિબન્ધો, પ્રબન્ધો, રાજકારણી ઢંઢેરા, આત્મકથન એમ વિવિધ લેખનપ્રકારો અજમાવેલા. ચિલીયન કૉમ્યુિનસ્ટ પાર્ટીના સૅનેટરપદે એમણે અનેક રાજદ્વારી કાર્ય આદરેલાં અને સમ્પન્ન કરેલાં. પણ એમનો અવાજ સત્તાધીશોને પરવડેલો નહીં. કવિને જેલ થયેલી. ત્યાંથી નાસભાગ જેવી એમને કઠિન કારવાઇઓ કરવી પડેલી. પછી તો, ચિલીના સમાજવાદી પ્રમુખના મિત્રરૂપે અને વિશ્વના અનેક દેશોમાં એલચી આદિ રાજદ્વારી સેવક રૂપે એમણે કીર્તિ હાંસલ કરેલી. કહેવાય છે કે એમનું મૃત્યુ રાજકીય કાવતરાથી થયેલી હત્યા હતી. કર્ફ્યુ નાખીને શબયાત્રાને સીમિત રાખવાની કોશિશ થયેલી પણ કવિના લાખ્ખો ચાહકોની મેદનીએ કર્ફ્યુને નિષ્ફળ બનાવી દીધેલો.
આ લેખ નેરુદા વિશે કર્યો એનું એક બીજું કારણ પણ છે. અહીંની પબ્લિક લાઇબ્રેરીમાંથી મને ૨૦૧૮-માં પ્રકાશિત "નેરુદા – ધ પોએટ્સ કૉલિન્ગ" નામની નેરુદાની ૬૨૮ પાનની જીવનકથા મળી આવી. એના લેખક મુખ્ય અનુવાદક અને સમ્પાદક માર્ક આઇઝનર છે. આઇઝનર કહે છે કે ટ્રમ્પના પ્રમુખપદને ૧૦૦ દિવસ પૂરા થયા એ અરસામાં પોતે આ જીવનકથાનું લેખન પૂરું કરેલું. આઇઝનર જણાવે છે કે ટ્રમ્પની ચૂંટણીના વખતથી નવ્ય રાજકારણ તેમ જ કવિઓ પરત્વે એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ – પ્રતિકાર અથવા પ્રતિરોધ. દાખલા તરીકે, ઍપ્રિલ ૨૧, ૨૦૧૭-ના રોજ 'ન્યૂ યૉર્ક ટાઇમ્સે' પહેલા પાને લેખ મૂકેલો, "American Poets, Refusing to Go Gentle, Rage against the Right". પ્રતિકાર બાબતે આઇઝનરે જે પ્રશ્નો કર્યા છે એમાંના કેટલાક આવા છે : ગઇ સદીના કયા કવિ પાસેથી આપણને સૂચક અને અતિ અગત્યનો પ્રતિકાર મળી શકે એમ છે? કેવા પ્રકારે એના શબ્દો પ્રજાને 'ઍક્શન' માટે ઢંઢોળી શકે એમ છે? ચિન્તન પ્રેરી શકે કે રૂઝ લાવી શકે એમ છે? આપણા આ અભૂતપૂર્વ વર્તમાનમાં સાહિત્ય રાજકારણ કલાકારો અને સામાજિક પરિવર્તન વચ્ચે કેવાક સમ્બન્ધો છે? આઇઝનર ઉમેરે છે : આ પુસ્તક નેરુદાના જીવન અને સર્જનની વિવિધ વીગતોની સાથોસાથ આવા પ્રશ્નો કરવાની તક પૂરી પાડશે અને તેથી રોજેરોજ આપણને નવા હેતુઓ અને નવી જ પ્રાસંગિકતાઓ જડી આવશે : અભૂતપૂર્વ વર્તમાનમાં તો આપણે ય જીવીએ છીએ પણ આપણી આજકાલમાં એકે ય ગુજરાતી નેરુદા દેખાતો નથી…રાહ જોઇએ…
અહીં જે અવતરણ ટાંકવામાં આવ્યું છે એ પંડિત સુખલાલજીનું છે. બહુ મોટા મેધાવી પ્રજ્ઞાચક્ષુ દાર્શનિક હતા. પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બનેલા ડૉ. રાધાકૃષ્ણન જ્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ હતા, ત્યારે પંડિતજી એ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. ડૉ. રાધાકૃષ્ણને પોતે કહ્યું છે કે તેઓ પંડિતજીના લેક્ચર્સનું ટાઈમ ટેબલ પોતાની પાસે રાખતા અને બને ત્યાં સુધી વખત કાઢીને તેઓ પંડિતજીના વર્ગમાં પાછલી બેંચ પર બેસી જતા. ડૉ. રાધાકૃષ્ણ જેમને સાંભળવાનું ચુકતા નહીં એવા મેધાવી વિદ્વાન આપણી ભાષામાં ઘણું વિશાળ, ઘણું ઊંડું, તુલનાત્મક ધર્મચિંતન કરતા ગયા છે, અને આપણા માટે મુકતા ગયા છે.