દ્રમુક નેતા કરુણાનિધિ, ચેન્નાઈના મરીના બીચ પર દરિયા સાથે હરીફાઈ કરતી માનવભરતીની સાખે તિરંગામાં લપેટાઈ ગયા : ક્યારેક ભાગલા સુધી જઈ શકી હોત એવી ચળવળના નેતા રાષ્ટ્રધ્વજથી આવૃત્ત થઈ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગયા એનો માયનો હાલના હુકમરાનો સહિત સૌએ કાળજે ધરવા જોગ છે.
વાત એમ છે કે આઝાદ તો થયા, રાષ્ટ્રભાનને હિંડોળે ઝૂલ્યા ને ઝૂલશું; પણ એક અર્થમાં આપણી પ્રજાસૂય નિયતિ (જેમ બીજા મુલકોનીયે હોઈ શકે છે) એક તૈયાર ફોટો ફિનિશ નૅશન કરતાં વધુ તો ‘ઍ નૅશન ઇન મેઇકિંગ’ નિત્ય રાષ્ટ્રમાન એવી એક પ્રક્રિયાની છે. આ બાબતે જે સભાનતા અને સૂઝ સ્વરાજસંગ્રામના સુદીર્ઘ ઉછેરગત આપણે દાખવી અને કેળવી શક્યા તેનું વિત્ત ને કૌવત કેવું ને કેટલું હશે એનું એક માપ આપણી સાથે જ આઝાદ થઈ અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાને એક નવા રાષ્ટ્રને સ્વીકારવાની જે નોબત આવી તે બાંગલા ઘટનાના ઉજાસમાં તરત સમજાઈ રહેશે.
નવી દિલ્હીમાં ગોરા સાહેબો ગયા અને બ્રાઉન કે બ્લૅક સાહેબો આવ્યા, એ જો સ્વરાજ આંદોલનમાં ઉછરેલા ન હોત તો એમણે સાંસ્થાનિક ગાદીની જેમ એક ઇમ્પિરિયલ સિટ ઑફ પાવર તરીકે બધું રોડવ્યું હોત. જેણે બાંગલા રાષ્ટ્રીયતાને હવા ને ખાણદાણ પૂરાં પાડ્યાં એવું પાક પંજાબી મિલિટરી માનસ અહીં ગાદીનશીન હોત તો આજે નેહરુપટેલનું જે એકસૂત્ર રાજકીય ભારત અશોક અને અકબરને વટીને બની આવ્યું છે એ ક્યાંથી હોત?
નવી દિલ્હીએ સાંસ્થાનિક માનસ અને ખાલસા અભિગમ દાખવી આંધ્ર અસ્મિતાના ભાને તેલુગુ દેશમ્ સારુ ભોંય તૈયાર કરી. દક્ષિણમાં દ્રવિડ ઓળખનું રાજકારણ તો એક તબક્કે દેશથી છૂટા પડવાની હદે કાઠું કાઢી ચૂક્યું હતું. કરુણાનિધિ જે દ્રવિડવાદની, અલગ ઓળખના રાજકીય-સાંસ્કૃિતક ભાનની નીપજ હતા એમાંથી તમે જુઓ કે આગળ ચાલતાં એ કેન્દ્રવિરોધી લાગે ત્યારે પણ દ્રવિડ પ્રાથમિકતાપૂર્વક એક સમવાયી ભારતના ઝુઝારુ જણ બની રહ્યા. યુનિટરી સ્ટેટ અને એકલઠ્ઠ રાષ્ટ્રવાદને બદલે નવી દિલ્હી જેટલી હદે સર્વસમાવેશી લવચીકતા ને સમવાયી મોકળાશ દાખવી શક્યું એટલે અંશે કથિત અલગતાવાદી છેડેથી પણ સૌની સાથે રહેવાની શક્યતા ઊભી થઈ શકી.
રાજાજી જેવા, એક અર્થમાં તો સંસ્કૃિતપુરુષ સમા જે દક્ષિણદેશને દિલ્હી તખતે પ્રતિનિધિત કરતા હતા એ દક્ષિણદેશને દિલ્હી બધો વખત પોતાનું લાગતું હતું એવું તો નહોતું. પણ ચેન્નઈની જે પ્રગતિશીલ માનવતાની ધારાએ નટેસન જેવા મારફતે દૂર આફ્રિકેથી ઊતર્યા ગાંધીના પ્રત્યક્ષ આગમન આગમચ એમને સારુ સ્વાગત, સમજ અને સહયોગની હવા બાંધી એ ધારા પણ પોતે થઈને પૂરતી નહોતી. તમિલનાડુમાં સામાજિક ઊંચનીચ, બ્રાહ્મણ-બ્રાહ્મણેતરનો જે દૂરાવ હતો એણે કૉંગ્રેસથી અલગ જસ્ટિસ પાર્ટી રૂપે દેખા દીધી હતી. પેરિયાર રૂપે જે પ્રતિભા ઉભરી એણે દ્રવિડ હોવા સાથે એક સેક્યુલર ને રેશનલિસ્ટ ઉગ્રસુધારવાદી ભૂમિકાનો માહોલ બનાવ્યો. કૉંગ્રેસની સર્વસમાવેશી હોઈ શકતી તાસીરે આ ઘટનાક્રમનો જાણે કે પોતાને છેડેથી કોઈ પ્રતિભાવ હોય તેમ રાજાજીના નેતૃત્વ સામે પણ કૉંગ્રેસની અંદર કામરાજ ધરીને સારુ અવકાશ કીધો. બીજી બાજુ, પેરિયાર ધારાની રાજનીતિ અન્નાદુરાઈથી કરુણાનિધિ જેવા મારફતે પ્રગટ થઈ. વચમાં એમ.જી.આર. અને જયલલિતા પણ, એમ તો, આ ધારામાં જ આવી ગયાં. તેઓ અલબત્ત રાજકારણી વધુ અને ઉગ્ર સમાજસુધારવાદી ઓછાં (કેટલીકવાર તો બિલકુલ નહીં) એવો ઘાટ હતો. કરુણાનિધિ પણ જુવાન લેખક તરીકે અને અચ્છા સ્ક્રિપ્ટકાર તરીકે પોસ્ટર કામ પૂર્વકની પાયદળ તાલીમ વેળાએ હતા તે પાછળથી નહોતા પણ દ્રવિડ રાજનીતિ વ્યાપક ભારત સમવાય સાથે મેળને ધોરણે નવેસરથી ગોઠવાઈ એમાં એ યથાપ્રસંગ અગ્રભાગી / સહભાગી હોઈ શકતા હતા.
તેર તેર મુદતનું એમએલું, પાંચવારનું મુખ્યમંત્રીપદું અને તેર વરસની વિપક્ષભૂમિકા, વારાફરતી યુ.પી.એ. અને એન.ડી.એ. સાથે સત્તાભાગિતા, આ લાંબા પટ પર કરુણાનિધિના રાજકીય જીવનની એ એક ચોક્કસ જ સુવર્ણક્ષણ હતી જ્યારે ઇંદિરાઈ કટોકટી સામે ચેન્નઈમાં એમણે લોકશાહી સ્વાતંત્ર્યની ધજા ફરકતી રાખવાનો – કથિત ‘રાષ્ટ્રીય પ્રવાહ’માં નહીં જોડાવાનો – નિર્ણય લીધો અને એને વળગી રહ્યાઃ અધિકારવાદના અશ્વને રોકતા લવકુશની ભૂમિકા ત્યારે તમિલનાડુ અને ગુજરાતની હતી. આઠમી ઑગસ્ટે એ જ્યાં પોઢ્યા એ જ મરીના બીચ પર કટોકટી વિરોધનું જે વક્તવ્ય એમણે પ્રચંડ મેદની સમક્ષ આપ્યું હતું એ આ અસાધારણ વક્તાના જીવનનું જ નહીં પણ દેશભરનાં કટોકટીવિરોધી વક્તવ્યો પૈકી ઉત્તમોત્તમના ખાનામાં જઈ શકે એવું હતું.
‘રાષ્ટ્રીય પ્રવાહ’માં ભળવાનું દબાણ જેમ દિલ્હી દરબારમાંથી તેમ ઘરઆંગણેથી નહોતું એવું તો નથી. કરણાનિધિએ કામરાજ જોડે આ મુદ્દે પરામર્શ પણ કર્યો હતો. એક સૂચન, વિરોધમાં સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એવું પણ હતુ.ં સિન્ડિકેટ-ઈન્ડિકેટ વચ્ચે શરૂમાં ઇન્ડિકેટની નજીક જણાઈ છેવટે દૂરી બનાવી ચૂકેલા કામરાજે સ્વાધીનતાનો ટાપુ આમ જવા ન દેવાય તેવી સલાહ આપી હતી. બે આજન્મ પ્રતિપક્ષીઓનું આ રીતે મળવું! પણ મુદ્દો મજબૂત હતો, અને એવું માનવું લગારે અસ્થાને નથી કે રાજાજી હયાત હોત તો એ પણ ૧૯૭૫-૭૭માં કરુણાનિધિ અને કામરાજની સાથે જ હોત.
પાટનગરીનું જે રાજકીય હુઝહુ આઠમી ઑગસ્ટે ચેન્નઈમાં ઊતરી પડ્યું હતું તે શિષ્ટાચારગત જ માત્ર નહીં પણ સામી ચૂંટણીએ નવજોડાણનાં ચરિયાણના ખયાલે પણ પરિચાલિત હશે જ. પુત્ર સ્તાલિનને પક્ષ ભળાવી કરુણાનિધિએ જયલલિતાના એ.આઈ.ડી.એમ.કે. કરતાં પોતાના ડી.એમ.કે.ને મુકાબલે સારી સ્થિતિમાં જરૂર મૂક્યો છે. સ્તાલિન વિશે કરુણાનિધિએ એક વાર કહ્યું હતું કે મેં એને તક જરૂર આપી, પણ એને નિંભાડો ને અખાડો તો ઇંદિરા ગાંધીએ કટોકટીના જુલમોથી પૂરો પાડ્યો.
દક્ષિણ દેશની એક વિશેષતા અભિનેતાઓ અને પટકથાલેખક સહિતના ફિલ્મકારણીઓની રહી છે. જયલલિતા અને કરુણાનિધિ વગરના રાજકારણમાં રજનીકાન્ત-કમલ હાસન વગેરેને સારુ સીધાં ચરિયાણ બાબતે કલ્પનાનો કનકવો ચગાવી તો શકાય. પણ ફિલ્મી હોવું પોતે થઈને, અંતે તો, અપૂરતું છે. તેર તેર વરસના રાજકીય અરણ્યવાસને જીરવી પક્ષબાંધણીમાં પરોવાવું એ સામાન્ય વાત નથી.
પણ હમણાં તો દેશ કેમ કરતાં નંદવાતો લાગવા છતાં ભાંગતો નથી, એની આ થોડીકેક નુક્તેચીની, કરુણાનિધિની વિદાયસાખે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 02-03
![]()


નોટબંધીનાં પગલાંની યાદ આપતી એક માહિતી સમાચાર રૂપે અખબારોમાં જુલાઈના આરંભમાં પ્રગટ થઈ. પ્રજામાં ફરતી ચલણી નોટો જૂનના આરંભે રૂ. ૧૯.૩૨ લાખ કરોડની થઈ. આ આંકડો સમાચારનો વિષય બન્યો, તેનું કારણ સમજીએ. ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે વડાપ્રધાને લોકો માટે સાવ અણધારી રીતે રૂ. ૫૦૦ અને હજારની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે પ્રજામાં ફરતી ચલણી નોટો રૂ. ૧૭.૧૭ લાખ કરોડની હતી. નોટબંધીનાં પરિણામે ૬-૧-૧૭ના રોજ પ્રજામાં ફરતી ચલણી નોટો ઘટીને ૮.૭૮ લાખ કરોડની થઈ હતી. ૨૦૧૭માં પ્રજામાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ૯.૫ ટકા થઈ ગયું હતું, જે ૨૦૧૫માં ૧૨ ટકા હતું, ત્યારે વડાપ્રધાનશ્રીએ નોટબંધીની સફળતા વર્ણવતાં સગર્વ જાહેરાત કરી હતી કે ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઘટીને નવ ટકા થઈ ગયું છે. હવે ચલણી નોટો મૂલ્યમાં રૂ. ૨.૧૫ લાખ કરોડ વધીને ૧૯.૩૨ લાખ કરોડ પર પહોંચી છે અને જી.ડી.પી.ના ટકા રૂપે ૧૧.૨૭ ટકા પર પહોંચી છે. આમ, ચલણી નોટો ઘટાડી નાખવાનો નોટબંધીનો ઉદ્દેશ જો હોય, તો પાર પડ્યો નથી. તેેથી પ્રજામાં ફરતી ચલણી નોટોનો આ આંકડો સમાચારોનો વિષય બન્યો.