આજની સવારનો માહોલ કંઈક અજબ રીતે જ જુદો છે. ધીમી ધીમી : મધ્યમ મધ્યમ; ઝરમર ઝરમર; સર સર, સર સર ઊતરી રહી છે – તરલવર્ષા, ક્યાંક નળિયાં ઉપરથી કે ધાબાનાં નાળચાંઓમાંથી ધાબડી રહી છે – ધધૂડ-ધધૂડ ધાર; ક્યાંક છજાંઓ પરથી ટપકે છે. ટીપે ટીપે ધાર ને બીજે બધે, ચારે બાજુ વરસી રહ્યો છે સાંબેલાધાર. બાળવયમાં સાંભળેલી, સામસામે ટકરાવેલી. કેટલા લાંબા સમય પછી યાદ આવે છે, એ પંક્તિઓ :
આવ રે! વરસાદ, ઢેબરિયો વરસાદ;
ઊની-ઊની રોટલી ને કારેલાનું શાક.
હમણાં-હમણાં કેટલાંક વર્ષોથી જાણે, અમદાવાદથી રિસાયેલો લાગતો હતો વરસાદ! દેશ આખામાં ધાબડે, અતિવૃષ્ટિ વેરે ને નદીઓમાં આવે પૂરમપૂર. તે જોવા (કે તપાસવા? ઉપરથી શું તપાસવાનું?) મહાનુભાવો ઊડે ‘હૅલિકૉપ્ટર’માં … ને અમદાવાદને તો ડિંગો! ત્રણ-ચાર વર્ષથી, ને આ ચોમાસે પણ, અષાઢમાં ન ભળ્યા-સાંભળ્યા, વીજળીના ઝબકારાની ઓથે, ગાજતા ને ગરજતા મેઘાના પડછંદા; ન દેખ્યાં શ્રાવણનાં સરવડાં … ને ક્યાંથી એકાએક, આ ભાદરવાની વહેલી સવારથી મનહર-મનભર વર્ષાની ઝારઝાર? લાગ્યું કે વર્ષાનાં રિસામણાનાં મનામણાનાં થઈ ગયાં છે, નહીં તો ક્યાંથી સવારના પહોરમાં હોય, આવાં અમીછાંટણા! સવારના છાંટણાની ઉત્ક્રાંતિ થતી ચાલી … છાંટા, ધાર, ઘૂઘડાને પછી ધમધોકાર. હે કિશનકનૈયા! હે ગણપતિબાપ્પા! મનામણાંને તમારી મહેરના મહેરામણ જેટલી વિશાળ ને અગાધ માયાથી, વરસોવરસ ચાલુ રાખજો. બાકી, બધે ધમધોકાર અને એકલું અમદાવાદ કોરુંધાકોર, એ કેમ ચાલે? અમદાવાદનો શો વાંક-ગુનો? અમદાવાદને ઓછું ન આવે કે?
કોણ જાણે કેમ, પણ આજનો મેહુલો કંઈક વધારે પડતો સોહામણો લાગ્યો. ‘કેમ ભલા?’ રાહ જોવરાવી જોવરાવી આટલો મોડો આવ્યો એટલે કે ? હિંદી-ઉર્દૂ કવિઓ કહેતા હોય છે, ‘ઇન્તજાર કા ફલ જ્યાદા મીઠા હોતા હૈ’. કે પછી આ વર્ષા મારાં અઠ્યાસી વર્ષના જીવનની સંધ્યાકાળની વર્ષા છે, એટલે ઝાઝી રીઝવી ગઈ, એવું હશે?
એ વર્ષામાં કદાચ સવારની પહેલી ચાનું સર્વ સાહિત્ય ભળ્યું છે, એટલે તેની કડવી-નરવી-મીઠાશ વધારે આહ્લાદક લાગી રહી છે. સવારની મારી પહેલી ચા, એટલે પાણી જેવી પાતળી ‘ઍનિમિક’ ચાનો, નાનકડો અમદાવાદી ‘કપ’ નહીં. એ તો બરાબર ઊકળી રસબસ થયેલી, મારે હાથે બનેલી, લાલચટક ચૉકલેટી રંગનો, ઘટ્ટ ચાનો, મસમોટો ‘જગ’. રખે માનતા કે એકલવાસી વિધુર છું, એટલે ‘મારે હાથે બનેલી’ ચા કહું છું. જ્યોત્સના જીવતી હતી, બેઉં છોકરાં અને બા-બાપુજી, એવું દસ જણનું, ભર્યુંભાદર્યું ઘર હતું, ત્યારે ય સવારની પહેલી ચા’ મારે હાથે જ બનતી. બધાં માટે એક મોટી તપેલી (તપેલી નહીં. તપેલામાં), પ્રમાણસરની બધી સામગ્રી ઉકાળતો ને સૌ માણતા અને કહેતા કે, ચાની ‘કીટલી’ ફેરવો કે લારી કે ગલ્લો ચલાવો, તો સરસ ચાલે. હવે એકલો છું, ત્યારે હવે નાની તપેલીમાં દોઢ કપ પાણી, તેમાં ઉમેરું તુલસીનાં થોડાં પાન, ફૂદીનાનો ગુચ્છો, સાણસીમાં કચરી કરેલો આદુના કટકાનો કુચ્ચો, અડધી ચમચી એલચી-પાઉડર, દોઢ ચમચો ખાંડ (ડાયાબિટીસની ઐસીતૈસી), એક ચમચો દળેલી મેથી, દોઢ ચમચી ચા-પત્તી તથા સવા-દોઢ કપ, ‘સારા હિંદુસ્તાન પિતા હૈ વો અમૂલ શક્તિ દૂધ’. ‘બને કે નહીં કડવી-મીઠી દમદાર બાદશાહી ચા! બોલો જોઉં’.
આવી ચાનો ભરેલો ‘મગ’ હાથમાં લઈ હું બારીએ બારીએ ફરું છું. તમે કહેશો કે એવી તે કેટલી બારીઓ હોય. દીવાનખંડ, ‘બેડ રૂમ’ અને (‘ગેસ્ટ’ ન હોય ત્યારે ‘સ્ટડીરૂમ’માં ફેરવાતો) ‘ગેસ્ટરૂમ’ એવા ત્રણ ઓરડા ધરાવતા મારા નાનકડા ઘરમાં, ગણીને કહું છું કે છે ઓગણીસ બારીઓ ને વધારામાં ઝરૂખાના બારણા જેવું વીસમું દ્વાર, યાને બગીચામાં પડતો દરવાજો. આજથી અમૃતથી ‘એકાક્ષરી’ (એટલે ચાનો) ‘મગ’, લઈને એ વીસે બહાર બહાર ઊઘડતાં ‘દ્વારે-દ્વારે ઘૂમૂં છું. હો રસિયા;’ અને નિહાળું છું વર્ષાનાં વિવિધ રૂપ! કોઈ પણ બારીએ ઊભો રહો. દેખાશે છાંટા, પાંદડાં પરથી પડતાં ટીપાં, વર્ષામાં સ્નાન કરતી વેલો, પલળતાં ફૂલો ને ‘વૃક્ષો ઊભાં-ઊભાં ન્હાય’ એવું દૃશ્ય. મારા સ્થપતિને લાખ-લાખ અભિનંદનો અને આભારનાં અભિવાદનો! તેણે આટલી બધી બારીઓ ઉઘાડી આપી! ઘરની ચોગરદમ તેણે ભીના-ભીના, લીલા-લીલા, શીતળ-શીતળ પરિવેશથી મને આનંદશાંતિના ઘેરામાં કેદ કરી લીધો. ઘરના ત્રણે ખંડની દીવાલો જુદી જુદી દિશાઓ સાથે આંખમિચોલી કરે છે. ‘ગેસ્ટ/સ્ટડી’રૂમની એક દીવાલ પૂર્વે સામે છે, બીજી દીવાલ ઉત્તર સામે; દિવાનખંડની દીવાલો ઉત્તર અને પશ્ચિમ સામે છે અને ‘માસ્ટરબેડ’ની દીવાલો પશ્ચિમ ને દક્ષિણ સામે છે. સવારે સૂર્યનાં તેજકિરણો ‘ગેસ્ટ-સ્ટડી’- રૂમમાં પ્રકાશે છે; બપોરે દીવાનખંડ તાપમાં નહાય છે અને ‘માસ્ટરબેડ’ સાંજનો તડકો-છાયો ખાઈને ઉષ્માભર્યો રહે છે. અલબત્ત, બાથરૂમોને ચિંતન છે, પણ તેમની જિકર આજની સવાર માટે નથી કરતો.
ઘડિયાળનો કાંટો તો અવિરત ચાલ્યા કરે છે એને શી શીતળતા કે તરલતા; ઉષ્મા કે તાપ; ટાઢ કે તડકો; રોજની સવારનો મારો દોઢ-બે કલાકનો છાપાં-વાચનયજ્ઞ આજે ‘પોસ્ટપોન્ડ’! મારી બપોરની આજની વામકુક્ષીનો એ ભોગ લેશે! ટેબલ પર પડેલા લખવાનાં કાગળ અને પેન વિરહમાં ઝૂરશે. ઈર્ષ્યાને કારણે વર્ષાને ગાળો દેશે. મને એ સૌની કંઈ પડી નથી. જ્યાં સુધી વરસાદ ચાલુ રહેશે, ત્યાં સુધી બારીમાંથી તેને જોતો આરામખુરશીમાં પડ્યો રહીશ – આજ તો અલ્યા ધીંગા વરસાદઃ
પાઉસ એલા, કીચડ ઝાલી, નદીલા યેલા પૂર
નકો જાઉં દૂર આપલા હિતેશ પંઢરપૂર …
E-mail : mdave.swaman@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 15
![]()


‘આ તમારા મિત્ર મને ચક્કર જેવા લાગ્યા.’ ૧૯૩૪માં નાનાભાઈ ભટ્ટે મોહનલાલ મહેતા ‘સોપાન’ને આ પ્રમાણે કહેલું. ત્યારે સોપાન ચોવીસ વરસના. પોતાનાથી ચારેક વર્ષ નાના એક મિત્રને લઈને નાનાભાઈને મળવા ગયેલા. મિત્રને નાનાભાઈની સંસ્થામાં નોકરી મળે એવા આશયથી. કેવો હતો એ મિત્ર? ‘ટૂંકુ બાંડિયું, માથે ટોલો અને ઘૂંટણ નીચે પહોંચતી વોરાજી જેવી ચડ્ડી.’ નાનાભાઈએ પોતાની ભાવનગરની સંસ્થા દક્ષિણામૂર્તિના ગૃહપતિ તરીકે બાર રૂપિયાના પગારે એ વીસ વર્ષના છોકરાને રાખી તો લીધો, પણ પાછળથી સોપાનને કહેલું: ‘આ તમારા મિત્ર મને ચક્કર જેવા લાગ્યા.’ આ મિત્ર તે મનુભાઈ. મનુભાઈ રાજારામ પંચોળી, ‘દર્શક.’ દર્શક તે ઉપનામ.
દર્શકના કામ અને નામની આસપાસ આજે જે આભા છે તે ૧૯૪૪માં નહોતી. એટલે જે ક્ષેત્રમાં મહારથીઓ મહાલતા હોય તે ક્ષેત્રમાં પ્રવેશવાનું તેમને માટે સહેલું નહોતું. પણ એક અતિરથીની અદાથી દર્શક દીપનિર્વાણ લઈને આવે છે. કથાને આરંભે બ્રાહ્મણક ગણનો સેનાની આનંદ એના સાંગ્રામિક રથ સાથે અનેક સરિત્ સંગમોથી શોભતા વાહિક દેશના માલવ ગણની રાજધાની નંદીગ્રામ આવી પહોંચે છે. તે જ રીતે દર્શક પણ દીપનિર્વાણ સાથે આપણી ઐતિહાસિક નવલકથાની રાજધાનીમાં આવી પહોંચે છે. આનંદ તેના સારથિને કહે છે: “આપણે ધાર્યા કરતાં વહેલા પહોંચ્યા.” દીપનિર્વાણ પણ આપણી નવલકથામાં ધાર્યા કરતાં સહેજ વહેલી આવી પહોંચી હતી. ૧૯૪૪માં સ્વામી આનંદની ટૂંકી પ્રસ્તાવના સાથે પહેલી આવૃત્તિ પ્રગટ થઇ, પણ તેણે આપણા અભ્યાસીઓ કે વિવેચકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હોય તેમ લાગતું નથી. જો કે વાચકોને એ નવલકથા ગમી ગઈ હતી એમ કહી શકાય, કારણ ૧૯૪૬માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થયેલી. ૧૯૫૩માં પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાં ઉમાશંકર જોશીની પ્રસ્તાવના ઉમેરાઈ. તેમણે દીપનિર્વાણને ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી. અને ત્યારથી આપણા સાહિત્યમાં દીપનિર્વાણની શાખ બંધાઈ. જો કે ઘણાં ખાંખાખોળાં કર્યા પછી પણ ‘સમર્પણ’ પખવાડિકના ૧૭ નવેમ્બર ૧૯૬૩ના અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલના લેખ પહેલાં પ્રગટ થયેલો દીપનિર્વાણ વિશેનો બીજો કોઈ લેખ જોવા મળતો નથી. આ લેખમાં તેમણે દીપનિર્વાણની મુક્ત કંઠે પ્રશંસા કરતાં લખ્યું છે: “ફરી ફરીને ખોવાઈ જવાનું મન થાય એવી સૃષ્ટિનું દર્શકે આ નવલકથામાં રૂપનિર્માણ કર્યું છે. સર્જકની આ સૃષ્ટિ અને એનું વાતાવરણ એ આપણા સાહિત્યની અત્યંત પ્રશસ્ય એવી સિદ્ધિ છે.”
હજુ તો એ કૌતુક અને અચરજને બેચાર દા’ડા જ માંડ થયા હશે જ્યારે લાગેલું કે સત્તા-પ્રતિષ્ઠાનને સહસા ડહાપણની દાઢ ફૂટવામાં છે : મુઝફ્ફરપુર પોલીસે મણિ રત્નમ્, શ્યામ બેનેગલ, અનુરાગ કશ્યપ, અપર્ણા સેન, શુભા મુદ્ગલ અને રામચંદ્ર ગુહા આદિ પ્રતિભાવંત શખ્સિયતો પરથી રાજદ્રોહના આરોપસરની ફરિયાદ પડતી મૂકી; અને વધુમાં કહ્યું કે આ ફરિયાદ મૂળે કશીક મેલી મુરાદવશ અને તરકટી હતી. ખરું જોતાં, આ પ્રતિભાવંતોએ વડાપ્રધાન જોગ પત્રમાં કહી કહીને કહ્યું’તું તો એટલું જ કે ‘જયશ્રી રામ’નું સૂત્ર સહજ ધાર્મિકતાને વટીને મૉબ લિન્ચિંગના રાહે એક યુદ્ધોન્માદી નારો બની રહ્યું છે. જાહેર ટીકાટિપ્પણનાં લોકશાહી ધારાધોરણની ચોખૂટમાં રહીને લખાયેલો આ પત્ર હતો, અને એને ‘રાજદ્રોહ’માં ખતવવાનું કોઈ જ કારણ નહોતું.