લોકોત્તર ધારાશાસ્ત્રી ગિરીશ પટેલનો પહેલો સ્મૃતિદિન આવતી કાલે બપોરે ગુજરાત વિદ્યાપીઠમાં યોજાઈ રહ્યો છે, તેમાં તેમનાં ત્રણ પુસ્તકોની થોડીક નકલો પણ લોકો વસાવી શકશે ….
‘આસામ કરાર કટ્ટર રાષ્ટ્રભક્તિની માનવતાવાદ પરની અને મધ્યમ વર્ગની ગરીબ વર્ગ પરની જીત સિવાય બીજું કશું જ નથી. અત્યારે મારી નજર સામે આવે છે ભારતમાંથી હાંકી કઢાયેલાં એવા હજ્જારો ગરીબ, મજબૂર, ઘરવિહોણાં ‘બહારના’ કે ‘વિદેશી’ લોકોની વણઝાર કે જેમને એમની કિસ્મતની ખબર નથી. મૂળ સોતાં ઉખાડી નાખવામાં આવેલા આ લોકોની હવે આ દેશના નાગરિકો તરીકેની હસ્તી પૂરી થઈ ગઈ છે. તેઓ જે દેશમાં વસ્યા છે તે દેશ અને તેમનાં મૂળ દેશ બંનેમાં તેઓ અનવૉન્ટેડ છે. તેમનું શું થશે? તેઓ ક્યાં જશે? આસામ ખરેખર કોનું છે? ત્રીસ-ચાળીસ ટકા ગરીબ ‘અસલ’ આસામીઓનું કે જે પોતે જ બહારથી આવ્યા છે તેમનું?આદિવાસીઓનું કે ચાના બગીચામાં કામ કરતાં મજૂરોનું ? બીજા સમૂહોનું કે જેમણે પોતાનાં ખૂન-પસીનાથી આસામની સંપત્તિમાં ફાળો આપ્યો છે? આપણા શાસકોને અમેરિકા, રશિયા અને ઇન્ગ્લેન્ડના, બહુરાષ્ટ્રીય કંપનીઓના, વિશ્વબૅન્કના વિદેશી પ્રભાવનો વાંધો નથી. પણ એ દેશભક્તોને આસામના કમનસીબ ગરીબ ‘વિદેશીઓ’ સામે વાંધો છે. આપણે પંજાબ, મિઝોરામ, કાશ્મીરમાં રહેતા આપણા ભારતીયોમાંથી વિદેશીઓનું સર્જન કરવામાં પડ્યા છીએ. બીજી બાજુ આપણે આપણી જમીન ખેડનારા, આપણાં ઘરો બાંધનારા, આપણા દેશમાં ફાળો આપનારા ‘ઘૂસણખોરો’ને કાઢવામાં પડ્યા છીએ … માનવતા મરી ચૂકી છે. આસામ કરાર જિંદાબાદ !’
આ મતલબનો ફકરો ભારતીય જનતા પક્ષે દેશભક્તિના દિવસ-રાત દેકારા સાથે લાગુ પાડેલા નૅશનલ રજિસ્ટર (એન.આર.સી.) વિશેનો નથી. એ કૉન્ગ્રેસ શાસનમાં આવેલા આસામ કરાર વિશે બરાબર ચોંત્રીસ વર્ષ પહેલાં એટલે કે સપ્ટેમ્બર 1985માં લખાયેલો છે.
એમ કહેવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની પવિત્ર સ્મૃતિને બદનામ કરનાર દરેક બાબતને કેન્દ્ર સરકાર વખોડે છે. ગોડસે સાચા ગાંધીને મારી ન શક્યો. તેનાથી વિપરિત, ગોડસેએ કરેલી ગાંધીહત્યાએ સાબિત કર્યું કે ઝનૂની હિંદુત્વ, ગમે તેટલી નિષ્ઠાપૂર્વક અનુસરવામાં આવે તો પણ, ઘણું જોખમી છે.
આ મતલબના શબ્દો ગઈ કાલે મોડી સાંજે ટ્વિટર પર ‘ગોડસે અમર રહો’ હાઇયેસ્ટ ટ્રેન્ડિન્ગ હતું અને નરેન્દ્ર મોદી ગાંધી માટે ભક્તિભાવ વ્યક્ત કરી રહ્યા હતા તે સમયના નથી. એ જુલાઈ 1998માં મહારાષ્ટ્રની ભા.જ.પ.-શિવસેના યુતિની સરકારે, કેન્દ્રના ગૃહમંત્રી એલ.કે. આડવાણીના નિર્દેશથી, ‘હું નથુરામ ગોડસે બોલું છું’ નાટક પ્રતિબંધ મૂક્યો હતો તે વખતે લખાયા છે. ઉપર્યુક્ત બંને અવતરણો અસાધારણ સામાજિક નિસબત ધરાવતા કર્મશીલ ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે અંગ્રેજી અખબારોમાં લખેલા ચર્ચાપત્રોમાંથી છે. દેશની અનેક સમસ્યાઓને લગતા આવા 292 અંગ્રેજી ચર્ચાપત્રોનું દળદાર પુસ્તક ‘લૉ સોસાયટી ઍન્ડ ગિરીશભાઈ : લેટર્સ ટુ ધ એડિટર બાય ગિરીશ પટેલ’ વૈચારિક રીતે અત્યંત મહત્ત્વનું છે. તે 10 મે 2009ના રોજ ગિરીશભાઈના પંચોતેરમા વર્ષ નિમિત્તે કરવામાં આવેલા નાગરિક અભિવાદન પ્રસંગે ‘ગિરીશ પટેલ સન્માન સમિતિ’ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.
આવતી કાલ પાંચમી ઑક્ટોબરે ‘ગિરીશભાઈ સ્મરણાંજલિ સમિતિ’એ તેમના પ્રથમ સ્મૃતિદિનનું આયોજન ગુજરાત વિદ્યાપીઠનાં હિરક જ્યંતી સભાગૃહમાં બપોરે 1 વાગ્યાથી કર્યું છે. એ વખતે ચર્ચાપત્રોના પુસ્તક અને બીજાં બે પુસ્તકોની મર્યાદિત નકલો પણ સુલભ બનાવવામાં આવશે. આ બે પુસ્તકો છે – ગિરીશભાઈએ પોતે લખેલું ‘પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઍણ્ડ ધ પૂઅર ઇન ગુજરાત’ અને તેમના વિશે ઉંઝા જોડણીમાં છપાયેલું ‘ગીરીશભાઈ : મીત્રોની નજરે ગીરીશભાઈ, ગીરીશભાઈનાં વક્તવ્યો’. ‘પીડ પરાઈ જાણે રે’ને જીવનમાં ઊતારીને તમામ પ્રકારના વંચિતોની પીડા દૂર, તેમની પરના અન્યાય દૂર કરવા માટે લડનારા ગિરીશભાઈની અસ્ખલિત કર્મશીલતાનો વારસો બહુ વિશાળ છે. સાથે ત્રણ પુસ્તકો રૂપે સચવાયેલો તેમનો અક્ષરવારસો પણ વિચારપ્રેરક છે.
ગિરીશભાઈએ લખેલા ચર્ચાપત્રો 1972થી 2010 દરમિયાન મોટે ભાગે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ક્યારેક ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારોમાં આવ્યા છે. એ ભલે અખબારી ચર્ચાપત્રો તરીકે છપાયા હોય, પણ ખરેખર તો દરેક પત્ર એક ગંભીર અને સુસ્પષ્ટ અભ્યાસલેખ છે. આવા લેખોને કારણે આકરગ્રંથના સ્તરે પહોંચતાં, મુખ્યત્વે કર્મશીલ પર્સિસ જીનવાલાએ સંપાદિત કરેલાં, ‘લૉ,સોસાયટી ઍન્ડ ગિરીશભાઈ’ પુસ્તકમાં દસ વિષય-વિભાગો છે : લૉ-લૉયર્સ-જજેસ (73 લેખો), ફન્ડામેન્ટલ રાઇટસ્ (47 લેખો), વર્કર્સ (8 લેખો), ડેમૉક્રસી(ત્રણ લેખો), સેક્યુલારિઝમ (27 લેખો), દલિત-આદિવાસી (19 લેખો), ડેવલપમેન્ટ-ઇકૉનોમિ (56 લેખો), પૉલિટિક્સ (68 લેખો), એજ્યુકેશન (15 લેખો) અને વિમેન (બે લેખો). આ બધા લેખોની ધરી ચાર બાબતોની બનેલી છે: ‘વિ ધ પીપલ ઑફ ઇન્ડિયા’ એટલે કે ભારતના લોકો, ભારતનું બંધારણ, ભારતના વિકાસની તરેહ અને નવી આર્થિક નીતિ, માનવ અધિકાર અને માનવ ગૌરવ.
ન્યાયતંત્ર પરના 73 લેખોમાં એક મહત્ત્વનો મુદ્દો પી.આઈ.એલ. – પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અર્થાત્ જાહેર હિતની અરજી છે. ‘ટાઇમ્સ’ના પૂર્વતંત્રી ગિરીલાલ જૈને એક લેખમાં પી.આઈ.એલ.ને બંધારણવ્યવસ્થા પરનું જોખમ ગણાવી હતી. તેની પ્રતિક્રિયા તરીકે ગિરીશભાઈ એ મતલબનું લખે છે કે કચડાયેલા લોકોની વેદનાને વાચા આપવામાં પી.આઇ.એલ.નો ફાળો બીજી કોઈ પણ કાનૂની સંસ્થા કે પ્રવૃત્તિ કરતાં વધારે છે. ભારતમાં પી.આઈ.એલ.ના પ્રારંભ, વિકાસ અને કેટલાક ન્યાયાધીશોએ તેની અસરકારકતામાં આપેલા ફાળા વિશે પણ ગિરીશભાઈ લખે છે. પી.આઈ.એલ.ના દુરુપયોગ અંગે પણ તેઓ સભાન છે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે પી.આઇ.એલ.ના મહેનતપૂર્વકના ઉપયોગ દ્વારા ગિરીશભાઈએ ખેતમજૂરો, મિલ કામદારો, અકીક અને સિરામિક ઉદ્યોગોના શ્રમિકો, રિમાણ્ડ હોમનાં બાળકો, નર્મદા યોજનાના અને રિવરફ્રન્ટના વિસ્થાપિતો, સફાઈ કામદારો, પોલીસ જુલમના પીડિતો જેવા અનેક પ્રકારના લોકોને ન્યાય અપાવ્યો હતો. ન્યાયતંત્ર પરના ચર્ચાપત્રોના વિભાગમાં, ગુજરાત લૉ કમિશનના સભ્ય રહી ચૂકેલા ગિરીશભાઈ, ઠેરઠેર ન્યાયતંત્રની અત્યંત કડક શબ્દોમાં ટીકા પણ કરે છે એટલું જ નહીં ‘જ્યુડિશિયલ ટેરરિઝમ’ની પણ નીડરપણે ચર્ચા કરે છે. દલિતો અને આદિવાસીઓ અંગેના લેખોના વિભાગનો એક અગત્યનો મુદ્દો અનામત નીતિ અંગેનો છે જેનાં ગિરીશભાઈ મજબૂત તરફદાર છે. આ વિભાગમાં તેઓ ગુણવત્તા વિરુદ્ધ પારિવારિકતા, અનામત અને આર્થિક પછાતપણું, દલિત અત્યાચારોનાં મૂળ જેવા પાસાં પર પણ લખે છે. આદિવાસીઓની સમસ્યા અને તેમનો સંઘર્ષ મુખ્યત્વે જમીન સાથે કેવી રીતે સંકળાયેલાં છે એ પણ ગિરીશભાઈ બતાવી આપે છે. આદિવાસીઓ પરનાં જુલમો અને અને તેમના અપમૃત્યુના સંખ્યાબંધ કિસ્સા તેમ જ આદિવાસી વિસ્તારોની અનેક મુલાકાતોના પીડાદાયક અનુભવો વિશે પણ વાંચવા મળે છે. વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતાં લેખોમાં પાયાનો મુદ્દો આપણા વિકાસની તરેહનો તેમ જ ઉદારીકરણ – ખાનગીકરણ – વૈશ્વિકરણની અર્થનીતિનો છે. જો કે આ તો પુસ્તકની બહુ આછી ઝલક છે.
ત્રણ પુસ્તકોમાં અને અલબત્ત ગિરીશભાઈનાં પ્રચંડ કામમાં દેખાય છે કે એ સતત સત્તાવાળાઓને પડકારતા રહ્યા હતા. છતાં પણ તેમની પર હુમલા કે બદનક્ષી કે અદાલતના તિરસ્કારના કેસ થયા નથી. એનું કારણ શું ? બે મિત્રોએ આનો જવાબ લોકોની ભાષામાં આપ્યો : ‘એ જ તો ગિરીશભાઈ છે ને ! ગિરીશભાઈને કોઈ કેવી રીતે કશું કરી શકે ?’
********
03 ઑક્ટોબર 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 04 ઑક્ટોબર 2019
![]()


“હું જ્યારે બાલ્યાવસ્થામાં હતો – કે જે ઘણા લાંબા સમય પહેલાંની વાત છે – ત્યારે મારી એક માત્ર ઓળખ હતી એક પૌત્ર તરીકેની; ત્યારે હું ઘરમાં કાર્ડિનલ ન્યુમેનની ‘લીડ કાઇન્ડલી લાઈટ’ સ્તુતિ વારંવાર ગવાતી તે સાંભળતો, અને એ ગાતાં શીખી પણ ગયેલો. ખૂબ સુંદર અને સ્પર્શી જાય તેવું ગીત, પણ ઘણું ઉદાસી, ગમગીની અને અંધારી રાતોની ગંભીરતા ભર્યું હતું.
આજે ‘ઇન્ડિયા ડે’ નિમિત્તે હું તમારી સાથે એ બંને કાળખંડ વિશેના મારા વિચારો તમારી સમક્ષ વહેંચીશ. હું મારી જાતને જ પ્રશ્ન પૂછીને શરૂઆત કરીશ. સમાયતીત એવા ભારતને શું કોઈ એક ચોક્કસ દિવસ ફાળવી શકાય? શું હિન્દી મહાસાગરને દરિયા પરની રેતીના કણ જેટલો સૂક્ષ્મ બનાવી શકાય? અને હિમાલયને એક નાના પથ્થર જેવડો બનાવી શકાય? અમાપ વૈવિધ્ય ધરાવતી, દરેક સમૂહ પોતાની રીતે અનોખો હોય, અરે, દરેક વ્યક્તિ અલગ હોય તેવી 1.2 બિલિયન જેટલી પ્રજાને શું એક નાનકડી છબીમાં મઢી શકાય?


ભારતીય જનતા પક્ષ ભારતમાં રાજકીય શૂન્યાવકાશ પેદા કરવાની કોશિશ કરી રહ્યો છે કે જેથી ઓછાંમાં ઓછાં વીસ પચીસ વરસ પડકાર વિના સુખેથી શાસન કરી શકાય અને દેશને શક્ય એટલા પ્રમાણમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકાય. ન્યાયતંત્ર ક્યારે ય નહોતું એટલું ભીંસમાં છે. અનેક જજો પાણીમાં બેસી ગયા છે અને ન્યાયદાનની પવિત્ર ફરજ બજાવી શકવા જેટલી ખુમારી ગુમાવી દીધી છે. મીડિયા અને પત્રકારો ડરેલા નથી, વેચાઈ ગયા છે. તેમણે સત્યનો પક્ષ છોડી દીધો છે અને સત્તાનો અને પૈસાનો પક્ષ અપનાવી લીધો છે.