મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો પછી એમ લાગે છે કે કેન્દ્ર સરકારે મર્દાનગીના ખેલ યોજવાની જગ્યાએ પોતાની કૌવત મુજબ ધોરણસરનું શાસન કરવું જોઈએ. પ્રજા આમ ઈચ્છે છે એ એક નહીં ત્રણ સ્થળે સાબિત થઈ ચૂક્યું છે.
૫૬ ઈંચની છાતી ધરાવનારા મરદના દીકરા જે નિર્ણય લઈ શકે એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું હતું અને આર્ટીકલ ૩૭૦ને મર્યાદિત કરવામાં આવ્યો હતો. ટ્રીપલ તલાકને ફોઝદારી ગુનો બનાવતો ખરડો લોકસભામાં પસાર કર્યા પછી રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ આવા ઐતિહાસિક નિર્ણય પછી યોજવામાં આવી હતી, પણ તેમાં બી.જે.પી.ને સફળતા મળી નહોતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે તો હજુ વધુ અનુકૂળતા પેદા કરવામાં આવી હતી. હતી. અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે અન્યાયકારક ચુકાદો આપીને સર્વોચ્ચ અદાલતે રસ્તો ખોલી આપ્યો એ પછી યોજવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિક નોંધણી અને નાગરિક ધારામાં સુધારા જેવા કહેવાતા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમ છતાં ઝારખંડમાં બી.જે.પી.નો શરમજનક પરાજય થયો છે.
કેન્દ્ર સરકારને એમ લાગતું હતું કે મુસલમાનોને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે એટલે મુસલમાનો તેનો વિરોધ કરશે. મુસલમાનોના વિરોધનો હિંદુઓ સંગઠિત થઈને પ્રતિકાર કરશે. એને કારણે હિંદુઓનું અને મુસલમાનોનું ધ્રુવીકરણ થશે અને એ પછી તો પૂછવું જ શું? ભડવીરોને જોઈને હિંદુઓ પાણી પાણી થઈ જશે અને આર્થિક સંકટ અને સુખાકારીના બીજા પ્રશ્નોને ભૂલીને હિંદુ હિંદુ તરીકે મતદાન કરશે અને પછી તો આપણો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. થોડા સેક્યુલર હિંદુઓને ‘અર્બન નક્સલ’ અને ‘દેશદ્રોહી’ જેવા લેબલ ચોડીને બદનામ કરી શકાશે અને તેમના પ્રભાવને ખાળી શકાશે.
આ ઉપરાંત ગોદી મીડિયા ખિસ્સામાં છે. અઢળક ધન છે અને ન્યાયતંત્ર અને ચૂંટણીપંચના સભ્યોને ડરાવીને લાઈન પર લાવી શકાયા છે. એટલે તો ઝારખંડ ખોબા જેવડું રાજ્ય હોવા છતાં ચૂંટણીપંચે પાંચ તબક્કામાં ચૂંટણી યોજીને બી.જે.પી.ને પ્રચાર કરવાનો અને બીજા માર્ગ અપનાવવાનો માગે એટલો સમય આપ્યો હતો. ચૂંટણીપંચની આ ઉઘાડી તરફદારી હતી અને છતાં ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો છે.
આનો અર્થ શું કરશો? શા માટે હિંદુઓ હિંદુ તરીકે સંગઠિત થવાની જગ્યાએ ભારતના નાગરિક તરીકે મત આપી રહ્યા છે? શા માટે તેઓ મર્દાનગીની જગ્યાએ સુખાકારીની ઈચ્છા રાખી રહ્યા છે? શા માટે તેઓ ધોરણસરના શાસનની અપેક્ષા રાખી રહ્યા છે? ભક્તોએ ગેલમાંથી બહાર આવીના આ બધા પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. હિન્દુત્વવાદી શાસકો અને હિન્દુત્વવાદી ભક્તોનો સાગમટો સ્વપ્નભંગ થયો એનાં કારણો શોધવા જોઈએ.
કેન્દ્ર સરકાર આર્થિક સંકટનો સ્વીકાર જ નથી કરતી એ આનું પહેલું કારણ છે. ઈલાજ તો ત્યારે શોધવામાં આવે જ્યારે સંકટનો સ્વીકાર કરવામાં આવે. કેન્દ્ર સરકાર એવા ભ્રમમાં હતી કે કહેવાતા મર્દાનગીવાળા નિર્ણયો લીધા પછી એ વિષે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. સતત ભયભીત હિંદુ મુસલમાન પરની સરસાઈ જોઇને એટલો હરખાઈ જશે અને એટલો પોરસાશે કે તે ભૂખ્યો સૂશે પણ હિંદુ તરીકે મત આપશે. પરિણામો એમ બતાવે છે કે યોગક્ષેમના પ્રશ્ને હિંદુરાષ્ટ્ર પર સરસાઈ મેળવી છે.
બીજું કારણ છે તુમાખી. આપણે યાવદ્ચન્દ્ર દીવાકરો શાસન કરવાના છીએ અને કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી એનો ફાંકો આડે આવી રહ્યો છે. હરિયાણામાં દુષ્યંત ચૌટાલાનો ટેકો મેળવવા અને સરકાર રચવા ભ્રષ્ટાચારના ગુનામાં દસ વરસની સજા ભોગવી રહેલા હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દુષ્યંત ચૌટાલાના દાદા ઓમ પ્રકાશ ચૌટાલાને છોડવામાં આવ્યા હતા. આ એક અનૈતિક સોદો હતો. નૈતિકતાની ઐસીતૈસી, સરકાર તો અમારી જ બનશે એવી નીતિ બી.જે.પી.એ અપનાવી હતી. આવું જ વલણ તેમણે મહારાષ્ટ્રમાં પણ અપનાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ત્રીસ વરસ જૂના રાજકીય સાથી અને મિત્ર શિવસેનાની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવી હતી. જઈ જઈને ક્યાં જશે એવો બી.જે.પી.ના નેતાઓનો ફાંકો હતો. સેનાએ જ્યારે કૉન્ગ્રેસ અને એન.સી.પી. સાથે મળીને સરકાર રચવાની તજવીજ કરી ત્યારે એન.સી.પી.ના નેતા અજીત પવારને સાધીને રાતોરાત સરકાર રચી હતી. એ બંધારણની મર્યાદાનું ઉઘાડું ઉલ્લંઘન હતું. હદ તો ત્યારે થઈ કે સરકાર રચાયા પછી પહેલો નિર્ણય અજીત પવાર સામેના સિંચાઈકૌભાંડના કેસ પાછા ખેંચી લેવાનો લીધો હતો. આ બે ઘટના જોઈને મતદાતાઓના મનમાં સવાલ થયો હતો કે આ દેશપ્રેમી શાસકો છે કે સત્તાપ્રેમી? શું હિંદુ રાષ્ટ્ર આવું માથાભારે હોય? દેશપ્રેમ આવો નૈતિકતાવિહોણો હોય?
ત્રીજું કારણ સત્તાનું કેન્દ્રીકરણ છે. બધા જ નિર્ણયો નરેન્દ્ર મોદી અને અમિત શાહ લે છે. કેન્દ્રમાં અને રાજ્યોમાં લોકપ્રિય નેતાઓની ખસી કરી નાખવામાં આવી છે. કયા ખાતાનો કોણ પ્રધાન છે એ કોઈ જાણતું નથી. રાજ્યના નેતાઓને પ્રચારમાં ઊતારવામાં આવતા નથી. બહારથી તો નહીં, પણ પક્ષની અંદરથી પણ કોઈ પડકાર પેદા ન થવો જોઈએ એવું વલણ મોદી-શાહની જોડી અપનાવે છે. આ પક્ષઅંતર્ગત સરમુખત્યારશાહીએ પણ બી.જે.પી.નો પરાજય સંભવ કરી આપ્યો છે. તમારા રાજકીય વિરોધીઓ મોઢું ખોલ્યા વિના પણ નુકસાન પહોંચાડી શકતા હોય છે એ મોદી-શાહે કૉન્ગ્રેસના અનુભવ પરથી સમજી લેવું જોઈએ.
ચોથું કારણ એ છે કે આ કહેવાતા મર્દાનગીભર્યા નિર્ણયો પણ કાચા અને અધૂરા છે. કાશ્મીરમાં પરિસ્થિતિ થાળે પડતી નથી અને તેને કેમ થાળે પડવી એ તેમને સૂઝતું નથી. દુનિયામાં ભારતની ટીકા થઈ રહી છે અને તેનો કઈ રીતે સામનો કરવો કે વિશ્વમત ભારતની તરફેણમાં અનુકૂળ બનાવવો એની તેમને જાણ નથી. આને કારણે વિદેશ પ્રધાન જયશંકર અમેરિકા જઇને પણ અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિઓને મળ્યા નહોતા, કારણ કે અખબારોમાં અહેવાલ પ્રગટ થયા હતા કે ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસમેન ભારત સરકારની ટીકા કરવાના છે અને ભારત સરકારના પ્રતિનિધિને કેટલાક સવાલો કરવાના છે.
આ સરકાર ટીકાથી ડરે છે. દેખીતી રીતે ટીકાનો જવાબ તેની પાસે નથી અને સામી છાતીએ સામે ઊભા રહીને પોતાની બાજુ માંડવાની હામ પણ નથી. જમ્મુ અને કાશ્મીરનો નિર્ણય લીધે પાંચ મહિના થવા આવ્યા છે, પણ ભારત સરકાર એટલી પણ તૈયારી કરી શકી નથી કે જગતમાં શું કહીને ભારતનો બચાવ કરવો. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરની ખીણમાં આજ કરતાં પણ વધુ અશાંતિ હતી. એ સમયે પી.વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા. ૫૬ ઈંચની છાતી નહીં ધરાવતા હોવા છતાં નરસિંહ રાવે જન્મે મુસ્લિમ અને કૃતિથી સેક્યુલર સલમાન ખુરશીદ અને જન્મે હિંદુ તેમ જ કૃતિથી હિન્દુત્વવાદી અટલ બિહારી વાજપેયીને જીનીવામાં માનવ અધિકાર પંચ સમક્ષ ભારતનો કેસ રજૂ કરવા મોકલ્યા હતા. માનવ અધિકારોની બાબતે ભારત ગુનેગાર હોવા છતાં એક સેક્યુલર મુસ્લિમે અને હિન્દુત્વવાદી હિંદુએ સેક્યુલર ભારતનો બચાવ કર્યો હતો. આને કહેવાય મુત્સદી.
નાગરિક નોંધણી જોગવાઈમાં અને નાગરિક સુધારા ધારામાં એટલાં બધાં બાકોરાં છે જે હવે ઉઘાડાં પડી ગયાં છે. એ કોઈ પણ દૃષ્ટિએ કાયદાકીય જોગવાઈ નથી, પણ મર્દાનગીનો એક ખેલ છે. નોટબંધીથી લઈને નાગરિક નોંધણી સુધી એક પછી એક મર્દાના ખેલ પાડવામાં આવે છે જે દરેક કાચા, અધૂરા, વિચાર્યા વિનાના અને એકંદરે નુકસાનકર્તા સાબિત થયા છે. પ્રજાને હવે સમજાઈ રહ્યું છે કે મર્દાનગી પણ બંધારણ અને નૈતિકતાની એરણે તો ઠીક, પણ વ્યવહારની એરણે પણ ટકી શકે એમ નથી. તો પછી તેઓ સાત દાયકા સુધી કઈ ચીજનો જાપ કરતા હતા? જે મર્દાનગી બતાવવામાં આવી રહી છે એ જૂની રંગભૂમિની ભાંગવાડીની મર્દાનગી છે. ગર્જનાઓ (લાઉડનેસ) તેમનો સ્થાયીભાવ છે.
ઝારખંડમાં ચૂંટણીપંચે પૂરી અનુકૂળતા કરી આપી હતી. આને કારણે વડા પ્રધાનને ઝારખંડમાં નવ રેલી સંબોધવાનો સમય મળ્યો હતો. આઠ રેલી અમિત શાહે કરી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે જ્યાં વડા પ્રધાને ચૂંટણીસભાઓને સંબોધી હતી ત્યાં બી.જે.પી.નો પરાજય થયો છે. વડા પ્રધાને પહેલી સભામાં ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવર દાસનો ઉલ્લેખ કર્યો હતો. એ સભામાં તેમણે જોયું કે લોકો મુખ્ય પ્રધાનની બાબતમાં બહુ ઉત્સાહી નથી એટલે બીજી સભામાં તેમણે રઘુવર દાસનો ઉલ્લેખ પણ કર્યા વિના મતદાતાઓને સલાહ આપી હતી કે તેમણે મોદીના નામે કમળને મત આપવાનો છે. આમ છતાં મતદાતાઓએ કમળને મત ન આપ્યો એનો અર્થ શું થયો? લોકોએ રઘુવર દાસને નથી નકાર્યા, નરેન્દ્ર મોદીને નકાર્યા છે.
તો લેસન માત્ર એટલું જ છે કે હાકલા પડકારા કરવાની જગ્યાએ, મર્દાનગીના ખેલ પાડવાની જગ્યાએ; જેટલું કૌવત હોય, થોડું તો થોડું પણ ધોરણસરના શાસન માટે વાપરવું જોઈએ. કોઈ પ્રજા કાયમ માટે કેફમાં રહેતી નથી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2019
![]()


બાળપણથી જ સાહિત્યકારોના સત્સંગનો લાભ મળ્યો હોય એ સંસ્કાર ક્યાંક તો ઊગી નીકળે. આ બાબતે હું સદ્દભાગી હતી. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી ઉમાશંકર જોશીના ખોળામાં રમવાનું સદ્દભાગ્ય મળે, આદરણીય લેખક-નવલકથાકાર રઘુવીર ચૌધરી, પ્રવાસ નિબંધ સર્જક ભોળાભાઈ પટેલ જેવા પડોશીઓ હોય, મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા શુભચિંતકની આવ-જા ઘરમાં રહેતી હોય, લાભશંકર ઠાકર જેવા મોટા ગજાના સાહિત્યકારને મિત્ર બનાવી આઈસક્રીમની જયાફત માંડી શકાતી હોય અને ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ જેવા વિદ્વાન-સહૃદય કવિની હાજરીમાં જ મારી સત્તર-અઢારની વયે એમની કવિતા, ‘હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક’ ગાવાની તક મળે ને કવિ હોંશપૂર્વક બિરદાવે એ ય સદ્દનસીબ જ ને! હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક એ ઇશ્કેહકીકી ગઝલ છે જેમાં કવિએ કોઇ પણ પંથ કે ગઝલકારનું નામ લીધા વગર એમની મસ્તી, ફકીરી, તલ્લીનતા, ત્યાગ, સમર્પણને વ્યક્ત કર્યા છે. આ ગઝલ દ્વારા એમણે નરસિંહ, મીરાં, સંત તુલસીદાસ, કબીર, નાનક જેવાં સંતોને યાદ કર્યાં છે. આ ઉપરાંત જે મહાત્મા જે પ્રદેશ સાથે સંકળાયેલા હતા તે પ્રદેશની ભાષાના એકાદ બે શબ્દો મુકી ભાવને અનુરૂપ વાતાવરણ રચ્યું છે. પરેશ ભટ્ટે આ ગઝલ સરસ સ્વરબદ્ધ કરી છે.
"કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સંગત એટલે શુદ્ધ માર્મિક કવિતા અને ભાષાવૈભવનો સુભગ સમન્વય. આ કવિ ગુજરાતી ભાષા અને સાહિત્યના શિખર સમાન છે. જે ક્ષણમાં કાવ્ય રચાયું હોય એ જ ક્ષણમાં જઈ એ એનું પઠન કરે. અને એટલે જ એમનું પઠન સ્વયં એક કાવ્યાનુભવ લાગે છે. એમની વિસ્મયસભર આલોલ આંખો અને અઠંગ લાડ લડાવતો ભાવપ્રસાદ એમની અલૌકિક વાણીમાંથી ઝરે ત્યારે શબ્દેશબ્દ સ્વર બની જાય અને શ્રોતાનું એક સ્વર્ગીય આલોકમાં ગમન થાય છે. કવિશ્રી સાથેનાં આવાં અનેક સત્સંગો દરમ્યાન એમની મુખપાઠ કરેલી સ્વરચિત કાવ્યકૃતિઓમાંની એક આ રચના મને અત્યંત સ્પર્શી ગઈ આશરે ૧૯૯૪માં. "મનને સમજાવો નહીં … હું એને ‘સાઇકી’ની ગઝલ કહું છું. મનોચિકિત્સક પોતાના ક્લિનિકમાં આ ગઝલ ફ્રેઇમ કરાવી ડિસ્પ્લેમાં મૂકી શકે એવી સુંદર રચના છે આ. આખી ગઝલમાં શરૂઆતથી લઇને અંત સુધી મનની વાતો વર્ણવાઈ છે છતાં ‘મન’ શબ્દ માત્ર પહેલી પંક્તિ સિવાય આખી ગઝલમાં ક્યાં ય નથી દેખાતો! ગઝલની આ એક અનેરી લાક્ષણિકતા તો કહેવાય જ પણ કવિની કલમનું કસબ પણ બિરદાવવું પડે!