= = = = પ્રેમના શરૂ શરૂના દિવસો કેટલા સુન્દર હતા – જીવનમાં એથી રૂડો સમય શો હોઈ શકે? ત્યારે હરેક મિલન સાથે, નજરના હરેક ઇશારા સાથે, કંઈક નવું એવું મળી આવતું કે એથી પછી બસ જલસા જ પડી જતા … = = = =
= = = = આ મુશ્કેલ સમયમાં ઘનઘોર આશા એ છે કે ઘરમાં રહીશું તો બચી જવાના ચાન્સ ઘણા છે. આશા એ છે કે થોડા માસ પછી આ મહામારી ટળી જવાની છે. દુનિયા હતી એવી થઈ જવાની છે = = = =
વિશ્વમાં બનતા રહેતા બનાવોની ઘટમાળ વિશે બે સિદ્ધાન્તો – બે થીયરીઝ – પ્રચલિત છે :
એક તો એમ કે બધું જ પૂર્વનિશ્ચિત છે – પ્રીડિટર્મિન્ડ. એમાં મુખ્ય દલીલ એ છે કે વિશ્વનું સર્જન સ-પ્રયોજન છે. એટલે પહેલેથી બધું નક્કી કરી રાખવું જરૂરી છે – જેથી વાત સચવાય કે વિશ્વનું સર્જન સ-પ્રયોજન છે.
બીજો સિદ્ધાન્ત એ કે કશું જ પૂર્વનિશ્ચિત નથી. એમાં મુખ્ય દલીલ એ છે કે વિશ્વનું સર્જન નિષ્પ્રયોજન છે. એટલે કશું નક્કી રાખવું જરૂરી નથી બલકે હરેક પળે નવું પ્રયોજન નક્કી કરવાનું છે – જેથી સમજાતું જાય કે સર્જન નિષ્પ્રયોજન છે.
આ બેમાંથી જેને જે સિદ્ધાન્ત યોગ્ય લાગે તે માનવાની છૂટ હોય છે. કોઈને બન્નેમાં માનવું હોય તો પણ કોઈને કશો વાંધો નથી હોતો.
આ પ્રકારની ફિલસૂફી આપણી પાસે વૈચારિક કસરત કરાવે છે અને તે જરૂરી પણ છે કેમ કે આપણું મગજ વારે વારે સુસ્ત થઈને માંદું પણ પડી જતું હોય છે – એ ચૉવીસે કલાક જાગ્રત સતર્ક અને સ્વસ્થ નથી રહેતું. તેમ છતાં, એવી નિતાન્ત ફિલસૂફી પાસેથી આપણને કેમ જીવવું એ પ્રશ્નનો કશો સીધો ઉત્તર નથી મળતો.
વિશ્વ સ-પ્રયોજન હોય કે નિષ્પ્રયોજન, માણસનું જીવન તો સ-પ્રયોજન છે. પોતાના મૃત્યુ સુધી દરેકે કશા ને કશા પ્રયોજનથી જીવવાનું હોય છે. જેમ કે, આ મહામારીમાં વિશ્વ આખું સપડાયું છે તો પણ પ્રત્યેક મનુષ્ય પાસે એક પ્રયોજન તો સ્પષ્ટ છે કે કોઈ પણ ભોગે જીવવું તો છે જ. એક પણ મનુષ્ય-પળ કશા ને કશા પ્રયોજન વિનાની નથી હોતી.
તાતો સવાલ તો એ થાય છે કે બધું પૂર્વનિશ્ચિત કરનાર છે કોણ? જાણીતો ઉત્તર છે – ઈશ્વર. એટલે એમ માનીને બેસી રહેવાનું કે જે કંઈ બન્યું છે ને હજી બનાવનું છે તેનો નિર્ણય ઈશ્વરે કરેલો છે. એણે પહેલેથી નક્કી રાખ્યું છે કે આ સર્જનનું અમુક વખત પછી વિ સર્જન કરીને નવસર્જન કરીશ, તો એના એ નિર્મમ ખેલના આપણે માત્રભોગ બનવાનું છે. મહામનાઓ એક જ કહે છે કે એને ભજો, એને રીઝવો, એની આગળ ક્ષમાયાચના કરો, કાલાવાલા કરીને એને પ્રાર્થો.
પરન્તુ જો ઈશ્વરે પોતાના એ અખિલ પ્રયોજનમાં બચાવ નહીં પણ સંહારને નક્કી રાખ્યો હશે તો મનુષ્યની આજીજીઓ વ્યર્થ નીવડવાની છે. મનુષ્યની એવી શરણાગતિ નિષ્ફળ જવાની છે. એનું પ્રપન્ન હોવું ફળવાનું નથી. નિત્શેએ તો એવા complete surrender -ને slave morality કહી છે અને એની સામે master moralityનો ખયાલ મૂક્યો છે – એમ કે તું તારા જ શરણે રહેતાં શીખ, તારાં પ્રયોજન તું જ નક્કી કર અને એ પ્રકારે તું જ તારો ધણી થઈને જીવ …
મને બીજો સિદ્ધાન્ત ગમે છે કે કેમ કે જો કશું જ પૂર્વનિશ્ચિત નથી તો આપણને માણસોને કંઈ ને કંઈ કરવાની જગ્યા મળે છે. આપણને મળેલી મુક્ત ઈચ્છાશક્તિને – free will -ને પ્રયોજવાની આપણને તક મળે છે. જેમ કે આજના દિવસે શું કરીશું એ નક્કી નથી એટલે આપણને પૂરી સ્વતન્ત્રતા રહે છે કે એને કેમ વિચારવો ને કેવા રૂપમાં ઘડવો. ઘણા એવું કહેતા હોય છે કે તમે એમ જે બધું કરશો એ પણ પૂર્વનિશ્ચિત છે ! દેખીતું છે કે આપણાથી એવા અડિયલોને નહીં પ્હૉંચાય …
મને બીજો સિદ્ધાન્ત એટલા માટે ગમે છે કે એ આપણને આશાવાદી બનાવે છે. જો કોઈ વસ્તુ પૂર્વનિશ્ચિત નથી તો હું એવી આશા આરામથી સેવી શકું છું કે એને નિશ્ચિત કરાશે અને કરીને રહીશ. કશું નક્કી નથી તેથી આપણે આપણા પોતામાં આશા રાખી શકીએ છીએ અને એ આશા તો હંમેશાં અમર રહે એવી પ્રણવન્ત હોય છે. જેમ કે, આ મુશ્કેલ સમયમાં ઘનઘોર આશા એ છે કે ઘરમાં રહીશું તો બચી જવાના ચાન્સ ઘણા છે. થોડા માસ પછી આ મહામારી ટળી જવાની છે. દુનિયા હતી એવી થઈ જવાની છે. વિશિષ્ટ આશા એ છે કે મહામારીથી નષ્ટભ્રષ્ટ જગતને આપણે મનુષ્યો વ્હાલથી બેઠું કરીને નવેસર સજાવીશું. મનુષ્ય જેટલો આશાવાન જીવ આ સંસારમાં છે કોઈ બીજો?

Søren Kierkegaard (1813-1855)
ડેનિશ ફિલસુફ કિર્કેગાર્ડ ‘પહેલા અસ્તિત્વવાદી’ ફિલસૂફ મનાયા છે. એમનું એક જાણીતું વિધાન છે – હોપ ઇઝ પૅશન ફૉર વ્હૉટ ઇઝ પૉસિબલ : જે શક્ય છે તેને વિશેનો ધખારો આશા છે. આશાવાન હંમેશાં આવેગથી કહેવાનો કે – હા, આ શક્ય છે, બિલકુલ શક્ય છે ! કિર્કેગાર્ડે કહેલું કે કોઈને ચાહતા રહેવું એ પણ આશા છે, એટલા માટે કે એક દિવસ એ મનીષ તમારું થઈને રહેશે. ચાહતા હોવ તેને ચાહવાનું છોડી દેતા નહીં, એને વિશેની આશાને પણ છોડી દેતા નહીં, કેમ કે બુઝાવાની અણી પર પ્હૉંચી ગયેલા – કજળી ગયેલા – પ્રેમને પણ હંમેશાં સંકોરી શકાય છે.
આમ આશા, પણ સાથે પ્રેમ, આપણને આ મુશ્કેલ સમયમાંથી ઉગારી શકે એમ છે. કિર્કેગાર્ડ બહુ સન્દર કહે છે : પ્રેમના શરૂ શરૂના દિવસો કેટલા સુન્દર હતા – જીવનમાં એથી રૂડો સમય શો હોઈ શકે? ત્યારે હરેક મિલન સાથે, નજરના હરેક ઇશારા સાથે, કંઈક નવું એવું મળી આવતું કે એથી પછી બસ જલસા જ પડી જતા …
આ મુશ્કેલ સમયમાં, રોજે રોજના કપરા દિવસોમાં, મને તો અમારા પ્રેમના એ દિવસો ખૂબ યાદ આવે છે ને હું તો એને જીવનના સર્વોત્તમ દિવસો ગણીને મલકી પડું છું. તમારું કેમ છે?
= = =
(April 13, 2020 : Ahmedabad)
![]()


આપણે ગયા સપ્તાહે આ કોલમમાં વાંચ્યું હતું કે કોરોના વાઈરસની મહામારી કેવી રીતે દુનિયાની સરકારોને તેના નાગરિકોની જાસૂસી કરવાનો અવસર પૂરો પાડવાની છે. આ મહામારી માનવ જીવનના ઇતિહાસમાં એક પછી એક મોટા બદલાવ લાવવાની છે. મેડિકલ સાયન્સ સામે એક નવો જ પડકાર ઊભો થયો છે. અનેક અર્થવ્યવસ્થાઓ આજે બેવડ વળી ગઈ છે અને દુનિયા તેમાંથી ઉભરશે, ત્યારે નવા સરવાળા-ભાગાકાર થશે. અંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાઈ જશે. વૈશ્વિકીકરણની દિશા ફંટાઈ જશે. લોકો જે છૂટથી પરદેશોમાં ઊડાઊડ કરતા હતા, તેમાં બ્રેક વાગશે. એકબીજાને મળવાની, હાથ મિલાવવાની અને આલિંગનો આપવાની પરમ્પરા બદલાઈ જવાની છે. આપણે અહીં, અમુક હપ્તાઓ સુધી એ જોવાનો પ્રયાસ કરીશું કે આપણે જે દુનિયાને ઓળખીએ છીએ, તે કોરોના વાઇરસના કારણે કેટલી અને કેવી બદલાઈ ગઈ હશે. આજે એમાં ચીનની વાત.

