આ વણઝાર કહો તો એ,
कारवां કે काफिला કહો તો એ
ને મહાહિજરત કહો તો એ :
એમાં દશ દિવસના બાળકની
માતા પણ છે
ને ફૂલેલા પેટવાળી વાઘણ જેવી
ગર્ભવતી મહિલાઓ પણ છે,
અરે! રોડના છેડે
બચ્ચાને જન્મ આપીને
ચાલતી પકડતી
સદ્ય પ્રસૂતાઓ પણ છે.
ખાવાનું જ્યારે ને જ્યાં મળ્યું
રસ્તામાં
ત્યારે ને ત્યાં
કોરો ભાત મળે તો કોરો ભાત
ને પાંચ રૂપિયાનું બિસ્કીટનું
પડીકું મળ્યું તો પડીકું.
મળ્યું તો ય શું ને
ના મળ્યું તો ય શું.
રોકાઈ ગયો છે આખો
આ નીંભર ને નિર્દય દેશ,
એક બસ ચાલ્યા કરે છે
ચાલ્યા કરે છે
આ મહાહિજરત ..
કોઈએ મૂક્યું છે માથે પોટલું
તો કોઈએ વળી બૅગ.
કોઈએ ખભા પર બેસાડ્યું છે છોકરું
તો કોઈ કોઈ દંપતીએ વળી
બાળકોને ઉપાડવાની સાથે
બેની વચ્ચે રહે એમ
એક એક હાથે ઝાલ્યા છે
બૅગના પટ્ટા.
એક છાપું તો વળી
એમનામાં રહેલી inbuilt capacity –
કુદરતે ઠાંસીઠાંસીને ભરેલી
શક્તિ-ની કરતું હતું તારીફ.
કરે જ ને તે.
છાપું જ કહેતું હતું કે
એક દંપતી એ તો
અઢી હજાર કિલોમીટર
કાપ્યું હતું અંતર પગપાળા.
છાપું તો કહેતું હતું કે
નવ વરસની એક છોકરી તો
ગામ આવવાને બાકી હતા
પંદર જ કિલોમીટર
ને ઢળી પડી કાયમ માટે.
છાપું તો એ ય કહેતું હતું કે
સોળ જણા તો
કપાઈ મર્યા ભારખાના હેઠળ.
એક શહેરી કહેતો હતો
કે ખબર ના પડે આમને
કે રેલના પાટા ઉપર તો
ના સુવાય?
ગમ પડી હોત એટલી તો
એ તારી જેમ
મેનેજર ના હોત ફાડ્યા?
એ બિચારા તો રામભરોસે
ઊંઘતા હતા
ઊંઘી રહેલા આખા દેશની જેમ.
શી ખબર એમને કે
રામ પછાડે ને રામ ઉપાડે
ચાલતા આ દેશ જેવું કોક ભારખાનું
આવી પહોંચશે
ને કાઢી નાખશે કચ્ચરઘાણ?
આ મહાહિજરતમાં આગળ નથી
કોઈ હઝરત મૂસા કે હઝરત ઇસા
બસ નેતા વગરની
ચાલી જ જાય છે આ વણઝાર.
હું ભૂતપૂર્વ બાળમજૂર.
અઢાર વર્ષનો થયો
ને સરકારી નોકરી મળી
ને મજૂરી છોડી
પણ ભયંકર કંટાળો આવે છે
મને ચાલવાનો.
તમે જ વેંઢારી શકો મારા બંધુ,
આટઆટલી હાલાકી
ને સહી શકો આટઆટલી અવહેલના અને નાલાયકી.
એક ભૂતપૂર્વ મજૂરની
વખાના માર્યા મજૂરબંધુઓને
મહાત્મા બાબાસાહેબની
સોગંદ,
ને મહર્ષિ માર્ક્સની કસમ,
ખરા હૃદયથી સલામ
આ વણઝાર કહો તો એને
કારવાં કે કાફલા કહો તો એને
Exodus કહો તો એને
મારા બંધુઓ,
તહેદિલથી કોઈ પણ
રંગ વગરની સલામ
કેમ કે
રેલેરેલા નીતરતા પસીનાને
નથી હોતો કોઈ જ રંગ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020
![]()


શું આપણે આ વરસની પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવતા હોય અને તેમને સાંભળવા જનમેદની એકત્ર થઈ હોય એ દૃશ્યની કલ્પના કરી શકીએ છીએ? શું એ વિચારી શકીએ છીએ કે આપણે ત્રણ મહિના પછી ઉપલબ્ધિઓના કયા પડાવ પર હોઈશું અને વડાપ્રધાન એ દિવસે જનતાને સાવ જ નવો ક્યો સંદેશ આપશે? આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે દિલ્હીના રાજપથનો નજારો આ વખતે કેવો હશે તે કલ્પી શકીએ છીએ? હમણાં ચાર મહિના પહેલાંની ૨૬મી જાન્યુઆરીએ સમૃદ્ધિનું જે પ્રદર્શન કર્યું હતું, તે આ વખતે પણ કરવા ઈચ્છીશું ?