ગાંધીજીનો જ્યાં અને જ્યારે જન્મ થયો હતો એ કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. તો બીજી બાજુ યુરોપમાં સમયે એવી કરવટ બદલી હતી અને એવો નવો ચહેરો ધારણ કર્યો હતો કે તેનાં પ્રભાવ અને પરિણામથી ભાગ્યે જ કોઈ અક્ષુણ નહોતું. ભારતના સનાતની મુસલમાનો અને સનાતની હિંદુઓ પણ તેના પ્રભાવથી મુક્ત નહોતા. તેમની સનાતનતા પશ્ચિમ સામેની પ્રતિક્રિયારૂપે હતી. પહેલાં એક નજર યુરોપ પર કરી લઈએ.
યુરોપ અને લગભગ આખું જગત ગાડાવટે જેમ ગાડું ચાલતું જાય એમ સેંકડો વરસથી ચાલતું હતું. કોઈ નવી પ્રેરણા નહોતી, કોઈ નવો વિચાર નહોતો કે કોઈ નવો આવિષ્કાર નહોતો. સુખ માટેની જદ્દોજહદ પણ નહોતી જે એક રીતે સ્વાભાવિક પ્રેરણા છે. એની વચ્ચે ઇસુની ૧૪-૧૫મી સદીમાં યુરોપમાં એક નવો સળવળાટ થયો જેને પુનર્જાગરણ તરીકે ઓળખાવવામાં આવે છે. એ માનવકેન્દ્રી આંદોલન હતું. Renaissance ફ્રેંચ શબ્દ છે જેનો અર્થ થાય છે નવો જન્મ. એ એક એવું આંદોલન હતું જેમાં માણસ શંકા કરતો થયો હતો, પ્રશ્ન પૂછતો થયો હતો, પરંપરાઓનો અને ધર્મસંસ્થાઓનો અસ્વીકાર કરતો થયો હતો, કાંઈક નવું શોધતો થયો હતો, સાહસ કરતો થયો હતો અને સૌથી વધુ તો તેના કેન્દ્રમાં માનવી હતો. ભગવાન નહીં, બાયબલ કે બીજો કોઈ ધર્મગ્રંથ નહીં, ધર્મ નહીં, પોપ નહીં, રાજવી નહીં, પરંપરાઓ પ્રત્યે અહોભાવ નહીં, સંગઠિત સમાજના પરંપરાગત બંધનો નહીં; માત્ર માનવી. એ માનવકેન્દ્રી આંદોલન હતું. માનવીની વધુમાં વધુ સુખાકારી તેના કેન્દ્રમાં હતી.
એને પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. એને પરિણામે ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ. એને પરિણામે રાજાશાહીની જગ્યાએ લોકતંત્ર વિકસ્યું અને એને પરિણામે ધર્મશાહીની જગ્યાએ સેક્યુલરિઝમ વિકસ્યું. એને પરિણામે ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ સમાજવ્યવસ્થા ધ્વસ્ત થવા લાગી અને શહેરો વિકસ્યાં. એને પરિણામે ઓછી મહેનત અને વધુ નફાને સુખ તરીકે ઓળખવામાં આવ્યું. એને પરિણામે સુખ અને સમૃદ્ધિની નવી વ્યાખ્યા કે સમજ વિકસી. એને પરિણામે આધુનિક રાષ્ટ્ર (નેશન સ્ટેટ) વિકસ્યાં. એને પરિણામે સુખ માટેની હરીફાઈ શરૂ થઈ. એને પરિણામે સુખ માટેની દોટને માનવ-પુરુષાર્થનો ઉદાત્ત દરજ્જો મળ્યો. એને પરિણામે કાચો માલ, ઉપભોક્તા અને બજારની શોધ શરૂ થઈ જેમાંથી સંસ્થાનો કબજે કરવાની હોડ જામી જેને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. એને પરિણામે ગુલામી, શોષણ અને હિંસા સુખનાં સાધનો બન્યાં. એને પરિણામે સેક્યુલરિઝમ સામે પરાજીત થયેલા ચર્ચે એશિયા અને આફ્રિકાના દેશોમાં ધર્માન્તરણ કરાવીને નવો ખ્રિસ્તી સમાજ પેદા કર્યો. એને પરિણામે એશિયા અને આફ્રિકાની પ્રજાને પહેલીવાર ધર્મના સંખ્યા સાથેના સંબંધની જાણ થઈ. એને પરિણામે આધુનિક રાષ્ટ્રવાદનો જન્મ થયો અને એને પરિણામે જ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યો પણ વિકસ્યાં.
જગતના ઇતિહાસમાં એક સાથે આટલાં પરિણામો પેદા કરનારું અને આટલી વ્યાપક અસર પેદા કરનારું બીજું કોઈ આંદોલન આ પહેલાં અને એ પછી થયું નથી. આખા જગતનો ચહેરો બદલી નાખ્યો અથવા બદલાવા લાગ્યો. ભારત પણ એના પ્રભાવથી મુક્ત નહોતું અને એમાં ભારત તો પાછું ઇંગ્લેંડનું સંસ્થાન હતું. ૧૯મી સદીમાં રાજા રામમોહન રોય અને એ પછીના મહાનુભાવો સામે પ્રશ્ન થયો કે પશ્ચિમનું કેટલું ગ્રાહ્ય સમજવું અને કેટલું અગ્રાહ્ય. અલગ અલગ લોકોના અલગ અલગ મત હતા. મત સિવાય વલણો પણ હતાં. પણ સર્વસાધારણ મત પશ્ચિમના ‘પુરુષાર્થ’ના ઓવારણા લેનારો હતો. આપણે પણ પશ્ચિમ જેવો સમાજ વિકસાવવો જોઈએ જેમાં વધુમાં વધુ માનવીનું સુખ એ પુરુષાર્થ કહેવાય. આપણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવવાં જોઈએ. ભારતનું પણ ઔદ્યોગીકરણ થવું જોઈએ, નગરો વિકસવાં જોઈએ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ગ્રામીણ ઢાંચાની પુનર્રચના થવી જોઈએ અથવા તો ભલે તે સમૂળગું તૂટી જાય. ભારત પણ નેશન સ્ટેટ બનવું જોઈએ અને તેનો પણ એક પોતીકો રાષ્ટ્રવાદ હોય. ભારતે પણ કોઈક કેન્દ્રવર્તી ઓળખ વિકસાવવી જોઈએ જેના પાયા પર રાષ્ટ્રની રચના કરી શકાય.
આની વચ્ચે સમયના એક નિર્ણાયક પડાવ પર ગાંધીજી આવે છે, જ્યારે પુનર્જાગરણનાં પરિણામો તેની ટોચ પર હતાં અને કાઠિયાવાડ સાંસ્કૃતિક જીવાશ્મ (ફોસ્સિલ) હતું. હમણાં કહ્યું એમ જગતના ઇતિહાસમાં આટલી વ્યાપક અસર પેદા કરનારું બીજું કોઈ આંદોલન આ પહેલાં અને એ પછી થયું નથી. આખા જગતનો ચહેરો બદલી નાખ્યો અથવા બદલાવા લાગ્યો, પરંતુ ગાંધીજીના માનસ પર એનો પણ ઊંડો પ્રભાવ નહોતો.
ગાંધીજીની આત્મકથામાં તેમણે ભારતીય રાષ્ટ્રની મહાનતાની, મહાન આર્યાવર્તની, મહાન હિંદુ ધર્મની, ભારતનાં ઉજ્વળ ઇતિહાસની, ભારતની ગુલામીની, અંગ્રેજો દ્વારા કરવામાં આવતાં શોષણની અથવા બીજા અંતિમે આંખ ખોલી આપીને અંગ્રેજોએ આપણા પર કરેલા ઉપકારની, ભારતના અધિકારોની, પશ્ચિમ કે પૂર્વ વચ્ચે કોના ચડિયાતાપણાની, પહેલો સુધારો કે પહેલું સ્વરાજ વગેરેની કોઈ વાતો જોવા નથી મળતી; જે એ દિવસોમાં ફેશનમાં હતી. ગાંધીજીનો જન્મ કાઠિયાવાડમાં થયો હતો અને તે છતાં ગાંધીજીએ તેમની તરુણાવસ્થામાં કાઠિયાવાડમાંની સામંતશાહી અને આધુનિકતા વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો અનુભવ્યો હોય એનો ઉલ્લેખ પણ તેમની આત્મકથામાં મળતો નથી.
હા, બે અપવાદ જરૂર છે, પરંતુ ગાંધીજીએ તેની પૂંઠ પકડી નહોતી. પહેલો માંસાહારનો. ગાંધીજી આત્મકથામાં લખે છે કે તેઓ શાળામાં ભણતા હતા એ ‘દિવસોમાં કવિ નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે)નું નીચેનું કાવ્ય ગવાતું:
અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ,
દેશી રહે દબાઈ, જોને બેનાં શરીર ભાઈ
પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેંને.
ગાંધીજીએ જે કવિતા આત્મકથામાં ટાંકી છે એ કવિ નર્મદની નથી પણ નવલરામની છે. ગાંધીજી તેમના મિત્ર શેખ મહેતાબની સલાહને પરિણામે અને ઉપર ટાંકેલી કવિતાના પ્રભાવમાં થોડો સમય માટે એમ માનતા થયા હતા કે તાકાત શરીરમાં રહેલી છે અને દેશ આખો જો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય. એ પ્રભાવ સાવ થોડો સમય ટક્યો હતો. એક વાર માંસાહાર કર્યો તો ખરો, પણ તેઓ હિંસા સહન કરી શક્યા નહોતા.
બીજો પ્રસંગ શાળામાં વિદાય સમારંભનો છે. ચોથી જુલાઈ ૧૮૮૮ના દિવસે યોજાયેલા વિદાયસમારંભમાં આ મુજબ વાંચીને બોલ્યા હતા એમ તેમણે તેમના અક્ષરદેહના પહેલા ભાગમાં નોંધ્યું છે : ‘હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જીગરથી ગૂંથાશે.’
બસ, આ બે પ્રસંગો છોડીને ગાંધીજીની આત્મકથામાં ક્યાં ય સંસારસુધારો, સ્વરાજ, આધુનિકતા કે ભારતની મહાન પ્રાચીનતાની કોઈ વાત આવતી નથી જે એ દિવસોમાં અપેક્ષિત હતી.
પણ આ જ મોહનદાસ ગાંધી જ્યારે લંડન જવાનો નિર્ણય લે છે ત્યારે તેનો વિરોધ કરવા તેમની નાતની સભા મુંબઈમાં મળે છે અને તેમાં તેમને હાજર રહેવાનો આદેશ આપવામાં આવે છે. નાત વિલાયત નહીં જવા દેવાનો ઠરાવ કરે છે ત્યારે ગાંધીજી કહી દે છે કે તેઓ ઠરાવનો અસ્વીકાર કરે છે. ગાંધીજી આત્મકથામાં લખે છે કે ન્યાતના શેઠે પ્રશ્ન પૂછ્યો હતો:
‘પણ નાતનો હુકમ તું નહીં ઉઠાવે?
‘હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.’
વિલાયતમાં પરસ્ત્રીગમન અને માંસાહાર નહીં કરવાનું વચન તેમણે તેમના માતાને આપ્યું હતું અને માતા, મોટાભાઈ અને પરિવારના એક હિતચિંતક પાસેથી વિલાયત જવાની રજા મેળવી હતી એ તેમના માટે પૂરતું હતું. આ સિવાયની બીજી કોઈ પણ સત્તાનો (જ્ઞાતિની હોય કે ધર્મની) સ્વીકાર કરવાની તેઓ દ્રઢતાપૂર્વક ના પાડી દે છે.
આમ જે મોહનદાસ ગાંધી વિલાયત ગયા હતા એ વિલાયત જનારા તેમના સમકાલીન યુવકો કરતાં જુદા હતા એમ નજરે પડે છે. સ્વરાજની કે સંસારસુધારાની કોઈ મોટી ધગશ યુવા ગાંધીમાં નજરે પડતી નથી. પૂર્વ અને પશ્ચિમની સભ્યતા વિશે કોઈ ગૃહિત ધારણા તેઓ ધરાવતા હોય એમ જોવા મળતું નથી. મ્લેચ્છોને શીખવાડી આવવાની કે ચડિયાતાઓ પાસેથી શીખી આવવાની કોઈ તાલાવેલી તેમની અંદર જોવા મળતી નથી. તેઓ તો સહેલાથી બે પૈસા રળી શકાય એ માટેની વ્યવસાયિક લાયકાત પ્રાપ્ત કરવા લંડન ગયા હતા. રેનેસાઁના પ્રભાવની અને પરિણામની તેમને કોઈ વિશેષ જાણકારી હોય એવું લાગતું નથી. મૂલ્યનિષ્ઠા પણ તેમની પોતીકી છે. શુદ્ધ પૌર્વાત્ય નથી અને રેનેસાઁપ્રણિત પાશ્ચાત્ય પણ નથી. ગ્રંથ અને પંથ વિશે શંકા અને પ્રશ્નો તેમના પોતાનાં છે, ‘ઍજ ઑફ રીઝન’નું પરિણામ નથી. શ્રદ્ધા પણ તેમની પોતીકી છે, પરંપરાજન્ય કે ગ્રંથપ્રેરિત નથી.
જે મોહનદાસ ગાંધી ૧૮૮૮માં વિલાયત ગયો હતો એ નહોતો ટિપિકલ પૂર્વનું ફરજંદ કે નહોતો આધુનિક યુગને પામવા મથતો પશ્ચિમનો વિદ્યાર્થી. કોઈક જુદું જ રસાયણ તેની અંદર વિકસી રહ્યું હતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ઑગસ્ટ 2020
![]()


રામ મંદિરની ચળવળ શરૂ થઇ 1984માં, જ્યારે 1988માં વિશ્વ હિંદુ પરિષદે લોકોને કાર સેવામાં જોડાવા અપીલ કરી. કાર સેવા એટલે કે અયોધ્યામાં મંદિર બનાવવામાં સ્વૈચ્છિક સેવા આપવી. એક જૂનાં લખાણનો સંદર્ભ લઇએ તો રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાને મતે જ્યારે 50ના દાયકામાં સોમનાથનું મંદિર પુનઃનિર્મિત થયું જેની પાછળ સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીનાં પ્રેરણા અને પ્રોત્સાહન હતાં તે પછી રામ જન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરી નાખી ત્યાં રામ મંદિર બનવું જોઇએ તેવી લાગણી અને વિચાર મજબૂત બન્યા. સોમનાથમાં છઠ્ઠી સદી જેટલું જૂનું શિવ મંદિર અનેક વાર તૂટ્યું અને તે ફરી બંધાયું પણ અને છેલ્લે 1665માં મુગલ બાદશાહ ઔરંગઝેબે સોમનાથનો ધ્વંસ કર્યો અને પચાસના દાયકા સુધી તો તે જિર્ણ શિર્ણ હાલતમાં હતું, જ્યાં સુધી ભારતને સ્વતંત્રતા અને નવા વડાપ્રધાન મળ્યા અને તેના જિર્ણોદ્ધારનો નિર્ણય ન થયો. જો કે નહેરુ એમ માનતા હતા કે સોમનાથના પુનઃઉદ્ધારને આટલું મોટું સ્વરૂપ ન આપવું જોઇએ અને ગુજરાતના જ અગ્રણી અને ત્યારે ખાદ્ય અને કૃષિના મંત્રી હતા તેવા કનૈયાલાલ મુનશીને મતે ભારતની “કલેક્ટિવ સબકોન્શિયસનેસ” સોમનાથના જીર્ણોધ્ધારથી રાજી હતી. બાર જ્યોતિર્લંગમાંનું એક ગણાતું હોવા છતાં ય જ્યારે સોમનાથનો ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યારે રાજેન્દ્ર પ્રસાદ ત્યાં જવા તૈયાર થયા તેની સામે નહેરુએ વાંધો લીધો હતો અને કહ્યું હતું કે આટલા દેખાડાની જરૂર નથી, આ જ બઘું સમયાંતરે ધીરે ધીરે થઇ શક્યું હોત અને તમે આ પ્રસંગે ન જાવ તો ઠીક રહેશે તેમ હું માનું છું. આ કહેવા છતાં ય રાજેન્દ્ર પ્રસાદ ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને 5મી ઑગસ્ટે જેમ સંપ અને એકતાની વાત સંબોધનમાં કરાઇ તેવી જ વાત સોમનાથના ઉદ્ઘાટન પ્રસંગે પણ કરાઇ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટાંક્યું છે કે નહેરુ માનતા કે કોઇપણ ધર્મ કે ધર્મસ્થળ સાથે રાષ્ટ્રપ્રમુખોએ ન જોડાવું જોઇએ. વિશ્વ હિંદુ પરિષદે કરેલી શિલાન્યાસ યાત્રા અને સોમનાથથી નિકળેલી રથયાત્રા રામ મંદિર મુવમેન્ટમાં સીમા ચિહ્ન રહ્યાં. આ બંન્ને ઘટનાઓ પછી અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ તેવું કહેવામાં ઉત્તર પ્રદેશના લોકોની સાથે સાથે ગુજરાતના લોકો ય મોટી સંખ્યામાં જોડાયા. 450 વર્ષથી મંદિર બને તે માટે જે પણ સંઘર્ષ ચાલી રહ્યો હતો તેમાં અત્યાર સુધીમાં ચાર લાખનાં જીવ ગયાં છે એવું વી.એચ.પી.ના પ્રવીણ તોગડિયાએ એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
અયોધ્યામાં જે રામજન્મભૂમિ મંદિર બંધાઈ રહ્યું છે એમાં હું ક્યારે ય પગ ન મૂકું અને તેનાં બે કારણ છે. પહેલું કારણ એ છે કે અયોધ્યામાં રામલલ્લાનું મંદિર અપવિત્ર માર્ગે બંધાઈ રહ્યું છે. ૧૯૪૮માં બાબરી મસ્જીદમાં ફૈઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટની મદદથી મોડી રાતે રામલલ્લાની તસ્વીર ઘૂસાડવામાં આવી ત્યારથી આજ સુધીમાં જૂઠ, હિંસા, છેતરપિંડી વગેરે દરેક માર્ગ અપનાવવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલત સાથે સોગંદનામું રજૂ કરીને અને પછી સોગંદ તોડીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. અપવિત્ર માર્ગે બંધાયેલું સ્થાન પવિત્ર ન હોઈ શકે. વળી ભગવાન રામ તો ભગવાનોમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. એ પુરુષોમાં ઉત્તમ એટલા માટે હતા કે રામ મર્યાદાનું પાલન કરતા હતા. જે મર્યાદા ઓળંગે એ રામભક્ત ન હોઈ શકે અને જો કોઈ તમામ મર્યાદાઓ ઓળંગીને ભગવાન રામનું મંદિર બાંધે તો પણ ત્યાં રામનો વાસ ન હોઈ શકે. આમ આ એક કારણ છે.