મહેન્દ્ર મેઘાણી સંપાદિત 'અડધી સદીની વાચનયાત્રા'(ભાગ : ૧, પૃષ્ઠ : ૨૧)માં, પ્રદ્યુમ્ન તન્નાનો લેખ "ઈ તો સાંયડી રોપી છે!" શીર્ષકના છાંયડા હેઠળ પ્રકાશિત થયો છે. લેખક પ્રદ્યુમ્ન તન્નાને કચ્છના પ્રવાસમાંથી આ પ્રસંગ જડી આવ્યો છે. તેમણે રબારી જ્ઞાતિના લગ્નની દસ્તાવેજી સામગ્રી ભેગી કરવાના મુખ્ય હેતુ સાથે મીંઢિયાણા ગામની મુલાકાત લીધી હતી. આ ગામમાં મુખ્યત્વે ઢેબરિયા રબારીઓ વસે છે. તેમના આરાધ્ય દેવ કૃષ્ણ છે. આ રબારીઓનાં લગ્નનું વણજોયું મુહૂર્ત એટલે ફક્ત ગોકળઆઠમનો દિવસ. આમ, જન્માષ્ટમીએ ગામમાં ઘણાં બધાં ઘરે લગ્ન લેવાતાં હોય છે.
લેખકને તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ગામની નજીક આવેલા ટપર ગામમાં બે જાનોને ઉતારો આપવામાં આવ્યો છે. આથી તેઓ સાતમની બપોરે જ એ ગામમાં પહોંચી ગયા. તેમણે જાનના વડીલો પાસેથી, લગ્નવિધિની તસવીરો લેવાની પરવાનગી પણ મેળવી લીધી. લેખક ખોરડાં અને જાનૈયાઓને નિહાળતાં નિહાળતાં વાસના ચોકમાં આવ્યા. ત્યાં એક ભાભુમા ખાટલા પર બેસીને માળા ફેરવતાં હતાં. ખાટલાની બાજુમાં જ, કાંટાળી વાડની વચ્ચે આછા ભીના પોતમાં વીંટેલો એક રોપો હતો. તેને જોઈને કુતૂહલ થવાથી લેખકે નજીક જઈને એ અંગે પૂછ્યું. એમને આવકારતાં હળવું હાસ્ય વેરીને એ માડીએ કહ્યું : "ઈ તો સાંયડી રોપી છે, ભલા!"
આ સાંભળીને લેખકને ક્ષણવાર તો કશું સમજાયું નહીં, પણ પછી એ સહજ જવાબની ઓળખે, તેમણે અનુભવેલા અવર્ણનીય રોમાંચને શબ્દોમાં ઢાળતા પ્રદ્યુમ્ન તન્ના લખે છે : " … "છાંયડી" રોપી હતી. બસ. લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનું ય અગત્ય નહોતું! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત!
"કોઈ સમરથ કવિને ય ઈર્ષ્યા થઈ આવે એટલો સચોટ ને સભર શબ્દ-વિલાસ હતો એ! ને અચરજ તો એ વાતનું હતું કે જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું! છાંયડી એટલે છત્રછાયા, આશ્રય અને રક્ષણ. છાંયડી, ભારતના અજોડ ઔદાર્ય અને સહિષ્ણુતાનું પરિમાણ છે. જગતના અનેક શરણાર્થીઓની પેઢાનપેઢી એ ઓથમાં નિર્ભયપણે ફૂલીફાલી છે; વિવિધ ભાષાઓ અને ધર્મની ચિંતનધારાઓ પ્રગટી-પાંગરી છે!"
આજે પણ આ પ્રસંગને યાદ કરતાં લેખક એ જ પ્રથમ વેળાના રોમહર્ષની પ્રતીતિ કરે છે. લેખકને એવી પાકી ખાતરી છે કે, જ્યાં સુધી આપણાં જનગણમનમાં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભરેલું છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના સાતત્યને આંચ નહીં આવે.
લેખક પ્રદ્યુમ્ન તન્નાએ ઉપરોક્ત પ્રસંગમાં જે મીંઢિયાણા ગામનો ઉલ્લેખ કર્યો છે તે ગામે જવાની તક અમને પણ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અનાયાસે જ મળી. આ ગામનું સાચું નામ મીંદિયાળા છે. ઢેબરિયા રબારીઓનાં લગ્ન વિશે થોડું જાણવા માટે 'ધી ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના કતારલેખક અને અમેરિકાનાં અન્ય રાષ્ટ્રીય સમાચારપત્રોમાં પ્રસંગોપાત લખતા મિત્ર માઇકલ બેનાનાવ સાથે અમે ઓગસ્ટ, ૨૦૦૬માં આ ગામની મુલાકાત લીધી. અમને મળેલી માહિતી મુજબ મીંદિયાળામાં શ્રાવણ વદ આઠમના દિવસે એંશી જેટલાં લગ્ન હતાં. પરણના આવા સામૂહિક શુભ અવસર તાકડે જ ગામમાં એક ડોશીનું મરણ થયું. લગ્નના રંગે રંગાયેલા ગામ ઉપર મૃત્યુની ઘટના શોકનો કાળો કૂચડો તો નહીં ફેરવી દે ને? એવી આશંકા સાથે અમે આ ગામનાં પૂરીબહેન રબારીને પૂછ્યું. તેમણે અમને હૈયાધારણ આપતાં હોય એમ કહ્યું : "ઈ તો ડોશીમાને ઢાંકી રાખ્યાં છે!"
અમને આ શબ્દપ્રયોગમાં બહુ ખબર પડી નથી એની એમને ખબર પડી ગઈ! આથી તેમણે અમને આ શબ્દપ્રયોગ વિગતે સમજાવ્યો. તેમના કહેવા મુજબ ગામમાં આટલાં બધાં ઘરે લગ્નનો પ્રસંગ એકમાત્ર ગોકળઆઠમના દિવસે જ હોય છે. હવે જો આ જ દિવસે ગામમાં મરણ થાય તો પણ આટલાં બધાં લગ્ન અન્ય કોઈ દિવસે ખસેડવાં શક્ય જ નથી. વળી, ઘણાં બધાં ઘરે જાન આવી હોય, ગીતો ગવાતાં હોય, લગ્નવિધિ ચાલતી હોય કે જમણવાર થતો હોય અને કોઈ વ્યક્તિની સ્મશાનયાત્રા નીકળે તો મૃતકના કુટુંબ સહિત ગામ આખાને શરમ અને સંકોચનો અનુભવ કરવો પડે. આ સંજોગોમાં લગ્નનું ટાણું આઘુંપાછું ઠેલવા કરતાં અંતિમયાત્રાનો સમય જ થોડાક કલાકો માટે પાછળ લઈ જવો વધારે હિતાવહ છે. મરણના સમાચાર ગામઆખું જાણતું હોય છતાં, મૃતકના પરિવારજનો પોતાના ઘરમાં મૃત્યુની ઘટના જાણે કે બની જ નથી એવું દર્શાવવા માટે, મૃતદેહને સાડી, ચાદર, કે ઓછાડથી ઢાંકી રાખે છે! આ ઘટનાને એક જ વાક્યમાં ખુલ્લી કરી દેનાર કે ઢાંકી દેનાર પૂરીબહેનની બળૂકી બોલીને બિરદાવવા માટે એકવીસ તોપોની સલામી પણ ઓછી પડે! મિત્ર માઇકલને સમજાવવા માટે, પૂરીબહેનની આ એક જ લીટીનો અંગ્રેજીમાં અનુવાદ કરતાં છૂટેલો પરસેવો તો જેણે લૂછ્યો હોય એ જ જાણે!
શૈક્ષણિક પરિસંવાદોની ચર્ચાઓમાં અને સરકારી યોજનાઓની જાહેરાતોમાં શુષ્ક રીતે વપરાતો 'સ્ત્રી સશક્તીકરણ' શબ્દ સાંભળી-સાંભળીને અબખો થઈ ગયો હોય એમણે એક કામ કરવું. આ જ મીંદિયાળા ગામનાં કકુબહેન રબારીને મળવું. તેમને મળીએ તો 'સ્ત્રી સશક્તીકરણ' જેવો શબ્દ અને તેનો અર્થ આપણને પાનીથી માંડીને પાંથી સુધી સમજાઈ જાય! આધેડ ઉંમરે પણ કડેધડે કદ-કાઠી, ગોરોચટક વાન, લીલાંછમ છૂંદણાં, અને કાળાંભમ્મર કપડાં. અણીદાર આંખો, તીખાં નાક-નકશી પણ મીઠી જબાન. એમના આંગણિયે ગયાં તો અમને એવો આવકારો આપ્યો કે, મનમાં કવિ 'કાગ'નું ગીત મોર બનીને નાચી ઊઠ્યું! અમે કકુબહેનના ખોરડાની માલીપા બેઠાં. કકુબહેન એટલે બૂંગિયો અવાજ અને બુલંદ આત્મવિશ્વાસ. એમના અસ્ખલિત વાણીપ્રવાહમાં રૂઢિપ્રયોગો અને રૂપકોનાં હોડકાં તરતાં રહેતાં. મા-બાપ વિશે એમ જ વાત નીકળી. માતા-પિતાનો મહિમા સમજાવતું કકુબહેનનું પહેલું વાક્ય હતું : "મા-બાપ તો જનમનું ઝાડ કહેવાય!"
એક વૃક્ષને જેમ ફળ બેસે છે એ જ રીતે મા-બાપ નામના ઝાડ ઉપર બેસતાં ફળ એટલે એમનાં બાળકો. સંતાનોને જન્મ આપનાર મા-બાપ એક ઝાડની જેમ જ પોતાનાં બાળકોનું કેટલું બધું પોષણ કરે છે! જીવવિજ્ઞાનની સાથે ભાવવિજ્ઞાનની આ આખી ઘટનાને પોતાની વાતના એક જ વાક્ય દ્વારા જીવંત બનાવનાર કકુબહેનના બોલીબળ આગળ એકાદ વખત લઘુતાગ્રંથિનો અનુભવ કરવા જેવો ખરો!
કચ્છમાં ભચાઉ અને રાપર વચ્ચેનો વિસ્તાર વાગડ નામે ઓળખાય છે. અહીં, રબારીઓની વસ્તી ધરાવતું જેઠાસરી નામનું ગામ છે. એક સમયે જેઠાસરી 'ગાયોનું ગામ' તરીકે જાણીતું હતું. કારણ કે, આ ગામમાં લગભગ દરેક રબારી કુટુંબ પાસે સો-દોઢસો ગાયો હતી. અહીંનાં રબારી કુટુંબો ઘાસચારાની શોધમાં ધણ સાથે સ્થળાંતર કરીને જીવતરને ટકાવી રાખતાં હતાં. પણ સમયની સાથે સમસ્યાઓના ઘણ વીંઝાવા લાગ્યા અને ધણ સંકોચાવા લાગ્યાં. આજીવિકા માટે ઘણા પશુપાલકો હવે ગાંધીધામ અને અન્ય સ્થળોએ મીઠાંનાં કારખાનાંમાં કે પછી છેવટે છૂટક મજૂરીકામ પણ કરે છે. આમ જોવા જાવ તો પ્રકાર જ બદલાયો, બાકી સ્થળાંતર તો એનું એ જ રહ્યું! માલધારીઓ માટે કાર્યરત 'મારગ' સંસ્થાનાં સ્થાપક નીતાબહેન પંડ્યાએ આ પરિસ્થિતિનો તાગ મેળવવા આ ગામની બહેનોને પૂછ્યું : "તમે પહેલાં પશુઓ માટે સ્થળાંતર કરતાં હતાં અને હવે મજૂરીકામ માટે સ્થળાંતર કરો છો. આમાં તમને શો ફેર લાગે છે?" જેઠાસરીની એક રબારી બહેને વીજઝાટકે જવાબ આપતાં કહ્યું : "માલ છે તો મોભો છે!"
આજે પણ ગ્રામપ્રદેશમાં કોઈ પશુપાલક માટે છેવટે તો ઢોરઢાંખરની સંખ્યા જ મોભાનો સાચો માપદંડ છે. આ વાસ્તવિકતાને એક જ વાક્યમાં ખૂબીપૂર્વક રજૂ કરનાર એ રબારી બહેનને 'અભણ' કહેનાર વ્યક્તિ ખામી અને મૂર્ખામીથી ભરેલી છે એમ માનવું!
પશુપાલન અને દૂધવિજ્ઞાનનો વિષય ભણાવનાર, 'લોકભારતી' શિક્ષણસંસ્થાના પ્રાધ્યાપક રતિભાઈ પંડ્યા સણોસરા ગામના સરપંચ પણ થયા હતા. આ ગામના એક પશુપાલક તેજાભાઈ રબારીની છાપ માથાભારે માણસ તરીકેની હતી. પરંતુ, રતિભાઈ માટે તેજાભાઈને પૂરતો આદર અને ભારે ભરોસો. તેજાભાઈ કશુંક ખોટું કરે તો રતિભાઈ બહુ ઠપકો આપે. તેજાભાઈ મુશ્કેલીમાં હોય તો રતિભાઈ બેધડક મદદ પણ કરે. એક વખત સહજ વાત નીકળતાં, પંડ્યાભાઈને યાદ કરતાં, તેજાભાઈ રબારીના મોટા દીકરાની વહુએ ઉદ્દગાર કાઢ્યા : "ઈ ભાઈ એટલે અડધી રાતનો હોંકારો!" જેમની પાસેથી સંકટના સમયે, ગમે તે ઘડીએ, નિસંકોચ મદદ માગી શકાય એવા વ્યક્તિત્વના મહત્ત્વને પ્રસ્થાપિત કરતો આ કેવો ચોટદાર શબ્દપ્રયોગ છે!
ઉપમા અને અલંકારોને જાણ્યા-ભણ્યા વગર પણ રબારી સ્ત્રીઓ એનો સ્વાભાવિક રીતે જ ઉપયોગ કરીને ભલભલા ભણેલાઓને પણ ભૂ પીવડાવી દેવા સક્ષમ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાંભડી ગામનાં જેતુબહેન રબારી પોતાની જમીનમાં છાણિયા ખાતરનો જ ઉપયોગ કરીને ખેતી કરે છે. રાસાયણિક ખાતર પ્રત્યે ભારે સૂગ ધરાવતાં જેતુબહેન બાજરીનો મોલ લહેરાતો હોય એવા એમના ખેતર સામે આંગળી ચીંધીને કહે છે : "મારી જમીનના ટુકડાએ કદી 'સરકારી ખાતર' ચાખ્યું નથી!" કારખાનાંમાં બનતાં યુરિયા અને ડાય એમોનિયમ ફોસ્ફેટ જેવાં અઘરાં નામો ધરાવતાં કૃત્રિમ ખાતરને 'સરકારી ખાતર' જેવી ઉપમા આપનાર જેતુબહેનની શબ્દશક્તિ ઘણી અસરકારી લાગે છે!
આપણે કહેવાતા ભણેલા-ગણેલા, શહેરી અને મધ્યમવર્ગીય માનસિકતા ધરાવતા લોકો પોતાની માતૃભાષામાં પણ સાચા-ખોટા (સાચા ઓછા, ખોટા વધારે!) અંગ્રેજી પ્રયોગો કરતા રહીએ છે. અને માતૃભાષાને બગાડવા માટે આપણાથી બનતું બધું કરી છૂટીએ છે! આપણે બોલચાલની ભાષામાંથી કહેવતોનું કાસળ કાઢી નાખ્યું છે અને રૂઢિપ્રયોગોના રામ રમાડી દીધા છે! સુસ્ત શબ્દપ્રયોગો અને શુષ્ક ઉપમા-અલંકારોથી આપણી રોજબરોજની ભાષા દિનપ્રતિદિન મોળી પડી રહી છે. આની સામે બહુ જ ઓછું કે બિલકુલ ન ભણેલી રબારી બહેનો જોમભર્યા શબ્દપ્રયોગો દ્વારા આપણી માતૃભાષાને કાયમી તાજગી બક્ષી રહી છે. તેઓ પશુઓ અને પ્રકૃતિની વધારે નજીક છે એટલે એમની બોલી સ્વાભાવિક અને સત્ત્વશીલ છે. રબારી બહેનોની રુઆબદાર બાનીને કાન ભરીને સાંભળવા અને મન ભરીને માણવા માટે, ગોધૂલિનો વખત થઈ જાય એ પહેલાં, એમના સુધી વેળાસર પહોંચી જવાની જરૂર છે.
સૌજન્ય : રબારી બહેનોની રુઆબદાર બાની, ‘વલોણું', નવેમ્બર, ૨૦૦૬, પૃ.૦૩-૦૪
લેખક-સંપર્ક : પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪
ઈ-મેઇલ : ashwinkumar.phd@gmail.com
બ્લોગ-લિંક : https://ashwinningstroke.blogspot.com
![]()


દેશમાં કોરોનાના કેર અને મહામારીના મારથી બેપરવા થઈને રાજકારણીઓ સત્તાનો નગ્ન નાચ બેરોકટોક ચલાવી રહ્યા છે. ચૂંટણીથી મળેલો જનાદેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખરીદવેચાણથી પલટી દેવાય છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં સત્તાપલટા ધારાસભ્યોના પક્ષપલટાથી થયા પછી હવે રાજસ્થાનનો વારો છે. રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર રચાઈ ત્યારથી જ સત્તાના બે ધ્રુવ અને અસંતોષ જોવા મળતા હતા. કૉન્ગ્રેસના અશોક ગહેલોતે નાના પક્ષો અને અપક્ષોના સહારે સત્તા મેળવી હતી. પરંતુ તેમના સત્તા સહભાગી સચિન પાઈલોટને તેનાથી ધરવ નહોતો. એમણે નાયબ મુખ્યમંત્રીનું પદ કમને સ્વીકારી તો લીધું પણ હવે સમર્થક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી સામે બાંયો ચડાવી છે. જો કે તેમની પાસે ધારાસભ્યોનું પૂરતું સંખ્યાબળ ન હોવાથી રાજભવન અને રાજ્યપાલે કેન્દ્રના સત્તાપક્ષના પ્રતિનિધિની જેમ સંખ્યાબળની ગોઠવણમાં મદદરૂપ થાય તેવા નિર્ણેયો લીધા છે. બી.જે.પી. અને ગવર્નર એ જાણે છે કે હાલમાં કૉન્ગ્રેસ લઘુમતીમાં નથી એટલે બંધારણ અને નિયમોની ઉપરવટ જઈને વિધાનસભાનું સત્ર ત્વરિત બોલાવવાની માંગ સ્વીકારી નથી. જો કે સત્તાની તડજોડમાં ગહેલોત પણ પાવરધા છે. તેમણે રાજ્યમાં બી.એસ.પી.ના છ ધારાસભ્યોના સમર્થનથી સત્તા મેળવી હતી, પણ એ તમામને સાગમટા કૉન્ગ્રેસમાં જોડી દેવાનો અદ્દભુત ખેલ (આખા સંસદીય પક્ષનો વિલય !) રચી જાણ્યો છે. લોકશાહીની હત્યાની કાગારોળ સત્તાપક્ષ અને વિપક્ષ બધા મચાવે છે ખરા, પણ તક મળે તો તે પણ એવું જ વર્તન કરે છે.
આજે કૃષ્ણ જન્મોત્સવ ! કૃષ્ણની વ્યાખ્યા શક્ય નથી. તે સૌને બાંધે છે, પણ કોઈની સાથે બંધાતો નથી. તે બધાંનો છે ને કોઈનો નથી. તે એકલો છે ને એકલો દેખાતો નથી. નાનો હતો ત્યારે ગોવાળો સાથે, ગોપીઓ સાથે રહ્યો, મોટો થયો તો યાદવો સાથે, પાંડવો સાથે રહ્યો. આમ તો સીધી કોઈ જ લેવાદેવા નો’તી, પણ કુરુક્ષેત્રના સાક્ષી થવાનું આવ્યું ને અનેકોનાં મૃત્યુ તેણે નિહાળ્યાં. જ્યાં ધર્મ હતો ત્યાં તે રહ્યો ને અધર્મ હતો ત્યાં વિનાશ થવા દીધો. ધર્મનો જય, પાપના ક્ષય વગર શક્ય નથી તે યુદ્ધ વગર સિદ્ધ થાય એમ ન હતું.