ચૂપચાપ કામ કરતો એક ઓલિઓ જીવ ચૂપચાપ સરકી ગયો …
ઝવેરચંદ મેઘાણીની પ્રજ્ઞા જેમાં તંતોતંત ઊતરી … પણ જેમણે મેઘાણીપુત્ર તરીકે વારસામાં મળેલા સન્માનનો ક્યારે ય લાભ ન લીધો એવા એક વિનમ્ર સાધુજન જયંતભાઈના પ્રથમ દર્શનનો લાભ ભાવનગરના વિદ્યાતીર્થ ‘પ્રસાર’ મુકામે મારા ગુરુજન દર્શનાબહેન ધોળકિયા સાથે મળેલો … ‘પ્રસાર’ના એક આછા પ્રકાશવાળા ખંડમાં પ્રજ્ઞાથી ચમકતું એમના વદનનું એ પ્રથમ દર્શન આજે પણ આંખોમાં અકબંધ છે.
સાહિત્ય, સંગીત અને ચિત્ર સાથે જાણે તેમને નાળ સંબંધ ! સુંદરમ્ની કવિતા 'રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને …..'માં નાયક નાયિકા તેમની પ્રસ્તુતિથી પ્રભાવિત થયેલા ને કશુંક માંગી લેવા કહેતા રાજાને સાંભળી જે રીતે કોઈ પણ અપેક્ષા વિના પોતાની મસ્તીમાં ગાયા વગાડ્યા કરે છે … એમ જયંતભાઈએ આજીવન ગાયા વગાડ્યા કર્યું. કલાઉપાસનનો હેતુ માત્ર નિજાનંદ છે એ એમણે જીવી બતાવ્યું.
સદા ય હળવા સ્મિતથી છલકાતો એમનો રૂપકડો ચહેરો, ઓછા પણ મીઠા શબ્દોમાં વહેતું એમનું વાત્સલ્ય ને એવો જ કોમળ વ્યવહારે તેમને ગૃહસ્થ સાધુના રૂપમાં મારા હૃદયમાં સદાય માટે અંકિત કરી દીધાં છે, જ્યાંથી તેઓ ક્યારે ય જઈ નહિ શકે.
આચાર્ય વિજયશીલચંદ્રસૂરિની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે 'જ્ઞાનની બારી'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા જયંતભાઈનો મારે પરિચય આપવાનો હતો. મને મૃદુ સ્વરે એમણે કહેલું કે, 'હું ઝવેરચંદ મેઘાણીનો પુત્ર છું એવું તમે જાહેરમાં કહેશો નહિ …. આ રીતે પરિચય આપતાં લોકોનો આદર ખૂબ વધી જાય જેને લાયક હું હજુ બન્યો નથી. માટે માત્ર જયંત મેઘાણી એટલા ઉલ્લેખથી જ તમારી વાત સંકેલો એવું ઈચ્છીશ.' આ એક જ અનુભવે મને એમની સામે નતમસ્તક કરી દીધેલો.
એકાદ બે વર્ષ પૂર્વે સોનટેકરી નિલપર આવેલાં ત્યારે એક નાનકડી રૂપકડી છવિ ભેટ આપી ગયેલા જયંતભાઈ પોતાની પણ એવી જ સુંદર છવિ ભાવવિશ્વને ભેટ આપતાં ગયેલા.
આમ ઓછું બોલનારા જયંતભાઈ કોઈ નાનકડા વાચક, વિદ્યાર્થી કે અભ્યાસીને જુએ કે મળે તો સસ્મિત રાજીપો વ્યક્ત કર્યા વિના ન રહે. મારા એક નાનકડાં વિદ્યાર્થિની સોનબાઈના એક એક કાર્યને નીરખીને જોનારા ને પીઠ થાબડી દેખાડા વિના પ્રોત્સાહિત કરનારા જયંતભાઈનું આ વાત્સલ્ય મેં પણ અનુભવ્યું છે ને એને મારું પરમ સદ્ભાગ્ય ગણું છું.
ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં શકિતભાઈ જેવા યુવા અભ્યાસી મિત્રોને ચૂપચાપ સાંભળી મૌન આનંદ વ્યક્ત કરનારા આવા વડીલની ખોટ કોણ પુરશે ?
જયંતભાઈએ આજ લગી એક પણ કામ દેખાઈ જાય એ રીતે ગાઈ વગાડીને નથી કર્યું એટલે જીવનનું છેલ્લું કામ પણ આ રીતે ચૂપચાપ કરીને જ સરકી જાય ને !
પોતાના વર્કિંગ ટેબલ પર કામ કરતાં કરતાં સ્હેજ વિસામો ખાવા હાથનો તકિયો કરી ચિરનિદ્રામાં પોઢી ગયેલા જયંતભાઈ ભાવનગરના એક ભાવસભર વ્યક્તિત્વ તરીકે સદૈવ હ્રદયસ્થ રહેશે.
જયંતભાઈનું મૌન જીવન શાશ્વત્ મૌનમાં મૌનપૂર્વક સરકી ગયું ને મારા જેવા બોલકાને મૌનનું મૂલ્ય સમજાવતું ગયું.
વંદન એ વિરલ વિભૂતિને …
સૌજન્ય : https://www.facebook.com/ramjan.hasaniya.5
છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર
![]()



ભારતના અંતિમ વાઇસરોયના પદે રહેલા માઉન્ટબેટનનું નામ હાલ ચર્ચામાં છે અને તેનું કારણ છે નેટફ્લિક્સ પર રજૂ થયેલી ‘ધ ક્રાઉન’ નામની સિરીઝ. આ સિરીઝ યુનાઇટેડ કિંગ્ડમના વર્તમાન ક્વિન એલિઝાબેથ બીજાનાં જીવન પર આધારિત છે. તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી આ પદે છે અને તેમના આ કાળમાં રાજવી પરિવારની કેટલીક ઘટનાઓ અંગે રહસ્ય રહ્યું છે. આ રહસ્યને ઉજાગર કરતી આ સિરીઝની પ્રથમ સિઝન 2016માં રજૂ થઈ હતી, હાલમાં તેની ચોથી સિઝન રિલીઝ થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝને નિર્માણ કરવાનું સાહસ જાણીતા પ્રોડ્યુસર-રાઇટર પિટર મોર્ગન લીધું છે અને તે માટે આધાર 2006માં રજૂ થયેલી ‘ધ ક્વિન’ ફિલ્મમાંથી લીધો છે. આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ હતા. ‘ધ ક્રાઉન’ના ચાર સિઝનમાં 40 એપિસોડ રજૂ થઈ ચૂક્યા છે અને તેમાં એક હિસ્સો લોર્ડ માઉન્ટબેટનની હત્યા અંગેનો છે. લૂઇ માઉન્ટબેટનનું નામ ભારતના આઝાદીકાળના ઇતિહાસમાં અવારનવાર આવે છે. આઝાદી વખતે તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. અતિ ઘટનાપ્રચૂર આ સમયગાળામાં લૂઇ માઉન્ટબેટનની જે રીતે ઉપસ્થિતિ રહી છે, તે કારણે ભારતના વાઇસરોય તરીકે આપણી સ્મૃતિમાં એ છે. જો કે ભારત સિવાય માઉન્ટબેટનનાં જીવનની ભાગ્યે જ ચર્ચા થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝ દ્વારા હાલમાં માઉન્ટબેટનના હત્યા વિશે પ્રશ્નો થઈ રહ્યા છે. માઉન્ટબેટનનું જીવન અને તેમની સાથે સંકળાયેલા વિવાદોની યાદી લાંબી છે. ઉપરાંત, તેમની હત્યાને લઈને પણ તર્કવિતર્ક છે.