ચીમળાઇ ગયેલું મોઢું, નિર્દોષ ચહેરો,
ટ્રેઇનમાં પથરાના વાજીંત્ર સાથે, ભીખ માંગતા,
ગીતગાતાં ભૂલકાંઓ –
કિશોરાવસ્થામાં વૃદ્ધ દેખાતાં ચિથરેહાલ
અનેક ચહેરા-સ્વઅસ્તિત્વની લડત લડતાં
ભીખપર નભતા અનેક કુટુંબો –
શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર
થીજી જાતાં માનવસ્થંભો –
ગંધાતી ગટરોને રહેઠાણ બનાવી જીવતાં
માનવ સમૂહો –
ખુલ્લે આમ મસાજ કેન્દ્રોનાં નામે ચાલતાં
વૈશ્યાગૃહો –
આ આઝાદ ભારતની વાત છે –
જ્યાં લોકશાહી છે – સમાજવાદ લાવવાની
થોકબંધ વાતો થાય છે – વીસ મુદ્દા અને
બીજા પાંચ મુદ્દાની વાત કરી આર્થિક
ઉદ્ધારની ગુલબાંગો પોકારી જ્યાં ખાદીધારી
નેતાઓ ભાષણ કરતાં થાકતા નથી –
અને તેમ છતાં પણ એની – એ જ સ્થિતિ –
આ છેવાડાનાં રક્તવિહીન હાડપિંજરનાં
માનવ સમૂહોને અમે વર્ષોથી જોઇએ છીએ ત્યારે –
અમને કશું જ સુઝતું નથી –
સિવાય – બસ એક ચીનગારી – તેમાંથી ફેલાતો
વિસ્ફોટ – તોફાન – આંધી – ઉલ્કાપાત
અને તેમાંથી પરિણમતી લાલક્રાંતિ
અને પછી તેમાંથી રચાતી શોષણવિહીન સમાજ રચના
બસ એની રાહમાં અને રાહમાં
અમે દિવસો વિતાવી રહ્યા છીએ
પડ્યા પડ્યા આજ પણ
અહીં એકલા અટુલા
પછી ભલે અમે તદ્દન ક્ષીણ થઇ ગયા હોઇએ.
૭ એપ્રિલ, ૧૯૯૨
e.mail : koza7024@gmail.com
![]()


વિષયને સંદર્ભે વાત કરીએ તો દરેક મોટા વિચારકની બાબતમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે એમના વિચારો જે તે દેશ અને કાળની પરિસ્થિતિ જોઇને, સમય સંજોગો અનુસાર તે સમસ્યાઓના ઉકેલ માટે તેમણે રજૂ કર્યા હોય છે. આમ છતાં કેટલાક મહાન તત્ત્વચિંતકો, વિચારકો કે મહાપુરુષોના વિચારો અને ઉપદેશમાં એવાં સર્વકાલીન, સનાતન તત્ત્વો હોય છે જે દેશ પ્રદેશ કે સમયની સીમાઓ અતિક્રમીને સઘળી માનવજાત માટે પથદર્શક બને છે. ગાંધીવિચાર એક આવો વિચાર છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, સ્વાવલંબન, સ્વદેશી, સ્વાર્થત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા જેવા અગિયાર ગાંધીવ્રતોમાં વિશ્વની સઘળી સમસ્યાઓનો ઉત્તર પડેલો છે. સ્વાર્થ અને સંકીર્ણતા બાજુ પર મૂકી દેશવાસીઓ ગાંધીના અગિયાર વ્રતોનું પાલન પોતાના જીવનમાં કરે તો મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય. ભારત જેવા વિશાળ દેશમાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ, અસ્પૃશ્યતા, નકસલવાદ અને આતંકવાદ જેવી અનેક સમસ્યાઓ છે. જે પૈકીની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ સત્ય અને નૈતિકતાના અભાવમાં પડેલું છે.
ગાંધીજી જગતના મહાન આર્થિક સુધારક છે. તેમણે કદી રાજનીતિ, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. મિલ, માર્શલ કે એડમ સ્મિથ જેવા કોઈ અર્થશાસ્ત્રીને તેમણે વાંચ્યા નહોતા. હા રસ્કિનના અર્થશાસ્ત્રના વિચારોથી તેઓ પ્રભાવિત હતા. ગાંધીજીને મન નીતિ, પ્રામાણિકતા અને સ્વદેશીતા ભારતીય અર્થશાસ્ત્રને માટે પ્રાણરૂપ છે. તેઓ કહે છે કે, ‘મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી, જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાના હિતને ઈજા કરે તે નીતિવિરુદ્ધ હોઈ પાપ છે, તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવા સારું અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું.’ (‘નવજીવન’ ૨૧/૧૦/૧૯૨૧)
ગાંધી જેવા મહામાનવને લોકોએ ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બનાવી દીધો છે. રાજનીતિનાં ગાંધીમૂલ્યોનો દિનપ્રતિદિન હ્રાસ થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીએ જીવનના દરેક ક્ષેત્રમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. કેવળ સાધ્ય સારું હોય એ પૂરતું નથી, એ સિદ્ધ કરવા તાગતાં સાધનો અથવા પદ્ધતિ પણ એટલાં જ શુદ્ધ અને ઉન્નત હોવાં જોઈએ. આજે સાધનશુદ્ધિની વાતનો તો છેદ ઊડી ગયેલો જણાય છે. રાજનીતિમાં દરેક સાથીને પ્રતિસ્પર્ધી કે શત્રુ સમજવાને બદલે મિત્ર સમજવાનો આગ્રહ ગાંધીજી રાખે છે. આજના ભૌતિકતાવાદી યુગની, શામ, દામ, દંડ, ભેદની રાજનીતિ અને મૂલ્યહ્રાસના સમયમાં રાજનેતાઓ માત્ર પરિણામલક્ષી બની ગયા છે. કટોકટીના આવા કાળમાં ગાંધીજીનો સાધનશુદ્ધિનો વિચાર રાજનીતિના શુદ્ધિકરણ માટે ખૂબ મહત્ત્વનો પુરવાર થાય એમ છે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે – 'તમે બીજા પાસેથી જેવા વર્તાવની અપેક્ષા રાખો છો, તેવી જ રીતે બીજાની સાથે તમે વર્તો'. વિવિધ સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા છાશવારે થતા આંદોલનો, એમાં થતી હિંસા અને હુલ્લડોને 'ગાંધી ચિંધ્યા માર્ગ'નું નામ આપી આપણે ગાંધીને અપમાનિત કરી રહ્યા છીએ.



