સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી”માં આલિયા ભટ્ટનું એક દૃશ્ય છે. તે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલા સ્ત્રી-સંમેલનમાં એક ભાષણ આપે છે. વાસ્તવમાં, ગંગુબાઈ કોઠેવાલી નામની અસલી મેડમે પણ આવું જ ભાષણ આપ્યું હતું, અને તેનાથી પ્રભવિત થઇને જ સ્થાનિક રાજકારણીઓએ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે તેની મુલાકાત ગોઠવી હતી. ફિલ્મમાં આલિયા આગ ઝરતું ભાષણ આપે છે, તે ઘણું લોકપ્રિય થયું છે. થોડા અંશો :
“હમારે દરવાજે પર કોઈ ભી આયે, હમ કિસી કો ભી હિકારત સે નહીં દેખતે. હમ ના મજહબ પૂછતે હૈ, ના જાત. કાલે સે જ્યાદા નહીં, ગોરે કમ નહીં. અમીર હોય યા ગરીબ, સબ કા રેટ એક. જબ હમ કિસી સે યે ભેદભાવ નહીં કરતે, તો હમસે યે ભેદભાવ કયું? હમ હી આપકે સમાજ સે બાહર કયું? હમારા ધંધા શરીર કા હૈ, તો હમ શરીર બેચતે હૈ. બદન તુડવા કર કામ કરતે હૈ હમ, તો ક્યા ગલત કરતે હૈ? ઇનકો સિર્ફ હમારી દુકાન પે ઈતરાજ કયું? આદમી લોગ આતે હૈ આપકે હી મહોલ્લે સે હમારે મહોલ્લે મેં. ફિર ભી, હમારા હી મહોલ્લા બદનામ કયું?”

આલિયાનો અવાજ અને આ શબ્દો તો ગંભીર હતા જ, પરંતુ એ અવાજ અને શબ્દોમાં વધુ તાકાત આવી હતી શિકાગો રેડિયોમાંથી. તમે જો એ ભાષણને ધ્યાનથી સાંભળ્યું/જોયું હોય, તો તમને યાદ હશે કે આલિયા “શિકાગો રેડિયો” લખેલા માઈક્રોફોનમાંથી બોલે છે. કદાચ ધ્યાન ના પણ ગયું હોય. બહુ સાધારણ વસ્તુ હતી. પિરિયડ ફિલ્મો હોય એટલે એમાં નાની-મોટી ઘણી ચીજો એવી હોય છે, જે સેટ ડિઝાઈનરના માથાનો દુ:ખાવો હોય, આપણો નહીં.
જો કે, ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શિકાગો રેડિયોની ભૂમિકા બહુ મોટી છે એટલે તેને યાદ કરવો જરૂરી છે. તમે જો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના તેઓ સાર્વજનિક ભાષણ આપતાં ફોટોગ્રાફ્સ જોયા હોય તો, તમને તેમના માઈકની આગળ અર્ધ ચંદ્રકારમાં “શિકાગો રેડિયો” લખેલું વાંચવા મળ્યું હશે. આ લખનારે કેટલીય વાર એ જોયું હતું, પણ અમેરિકાના શિકાગોની કોઈ કંપની લાઉડસ્પીકરની સિસ્ટમ બનાવતી હશે એવું માનીને જોયું-ન જોયું કર્યું હતું, પરંતુ “ગંગુબાઈ કાઠિયાવાડી”ના એ દૃશ્યને યાદ કરીને, ઇતિહાસ, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ અને રાજનીતિનાં ક્ષેત્રને લગતી અવનવી વાર્તાઓના ડિજીટલ પોર્ટલ “પેપરક્લિપે” શિકાગો રેડિયોનો ઇતિહાસ દોહરાવ્યો, ત્યારે ખબર પડી કે અવાજ મોટો કરવાની આ સિસ્ટમ સંપૂર્ણપણે ભારતીય છે અને આપણને આઝાદી મળી તેના ૩૮ વર્ષ પહેલાં તેનો જન્મ થયો હતો.
જ્ઞાનચંદ ચન્દુમલ મોટવાણી નામના સિંધ, પાકિસ્તાનના એક સિંધી યુવાને, 12 વર્ષની ઉંમરે રબ્બર સ્ટેમ્પ અને પતંગો બનાવતાં-બનાવતાં ટેલિગ્રાફની તકનીક શીખી લીધી હતી. એમાં તેને બ્રિટિશ રેલવેમાં સિગ્નલરની નોકરી મળી ગઈ. એમાં એની કુનેહ એટલી સરસ હતી કે નોર્થ-વેસ્ટર્ન રેલવેના પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેકટિંગ ટેલિગ્રાફ માસ્ટરનું પ્રમોશન મળ્યું હતું. નોકરીમાંથી બચાવેલા ૩૦૦ રૂપિયામાંથી તેણે ૧૯૦૯માં સિંધમાં ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક એન્ડ ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી.
એ કંપનીનો પહેલો ધંધો ફ્લેશલાઈટ અથવા બેટરીનો હતો. આ એ સમય હતો જ્યારે ટેલિફોનની તકનીક પણ ભારતમાં આવી હતી. દસ વર્ષ સુધી બેટરીના ધંધામાં મહારત હાંસલ કર્યા પછી, ૧૯૧૯માં, જ્ઞાનચંદે મુંબઈની વાટ પકડી, અને ત્યાં એક નવી જ કંપની સ્થાપી; શિકાગો ટેલિફોન સપ્લાય કંપની. તે વખતે અમેરિકાના શિકાગોમાં એ જ નામની કંપની હતી, અને મોટવાણીએ તેની પરવાનગી લઈને મુંબઈ, કોલ્હાપુર અને ત્રાવણકોર રાજ્યમાં સરકારી ઓફિસો, ફેકટરીઓ, મિલો અને રેલવેને ટેલિફોન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.
ટેલિફોનની તકનીકની સાથે, વિશ્વમાં બ્રોડકાસ્ટિંગ પણ પ્રચલિત થઇ રહ્યું હતું. મોટવાનીને એમાં રસ પડ્યો. ૧૯૨૩ સુધીમાં તો તે રેડિયો રિસીવિંગ સેટ્સની આયત કરીને ભારતમાં વેચતો હતો. ૧૯૨૬ સુધીમાં તો તેની શિકાગો રેડિયો કંપની રેડિયો, ટેલિ-કોમ્યુનિકેશન્સ અને લાઉડસ્પીકરનાં સાધનો વેચતી હતી. ૧૯૨૫માં, શિકાગો રેડિયોની બ્રાંચ લાહોર, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગલોર, લખનૌ, કાનપુર અને સિકંદરાબાદમાં ફેલાયેલી હતી.
કહેવાય છે કે, 1929ની શરૂઆતમાં એક મંચ પરથી બીજા મંચ પર જઈને હજારોની મેદનીને સંબોધતા ગાંધીજીને જોઈને મોટવાનીને તેમનો અવાજ મોટો થાય તેવું સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમાંથી શિકાગો રેડિયો લાઉડસ્પીકરનો જન્મ થયો હતો. થોડા જ સમયમાં, ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રસના નેતાઓ શિકાગો રેડિયોમાંથી અંગ્રેજો વિરુદ્ધ લોકોમાં જુસ્સો ભરતા હતા.
તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ રાજકીય રેલીઓમાં લાઉડસ્પીકર પર જુસ્સાદાર ભાષણ આપવાની રીત પાછળ ધાર્મિક પરંપરા જવાબદાર છે. રેલીઓમાં તો ખેર રાજકીય વિચારોને એક જ જગ્યાએથી એક સાથે હજારો લોકો સુધી પહોંચાડવાનો ઉદેશ્ય છે, પરંતુ બોલતા શબ્દનો એક ધાર્મિક ઇતિહાસ પણ છે.
પૌરાણિક સમયમાં શબ્દને ભ્રહ્મ અથવા ઈશ્વર સ્વરૂપ માનવામાં આવતો હતો. આપણે ત્યાં શબ્દને શબ્દભ્રહ્મ અથવા નાદભ્રહ્મ કહે છે. પ્રાચીન ઋષિઓ સૃષ્ટિની ઉત્પતિ નાદમાંથી થયાનું માનતા હતા.
અનાદિનિધનં ભ્રહ્મ શબ્દટવાયદક્ષરમ
વિવર્તતે અર્થભાવેન પ્રક્રિયા જગતોયત:
અર્થાત્, શબ્દરૂપી ભ્રહ્મ અનાદિ, વિનાશ રહિત અને અક્ષર (નષ્ટ ન થાય તેવો) છે તથા તેની વિવર્ત પ્રક્રિયાથી જ આ જગત ભાસિત થાય છે. બાઈબલમાં વિધાન છે; આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વર પાસે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
મધ્ય મેક્સિકોની માયા સંસ્કૃતિનું સંશોધન કરતાં આર્કીઓલોજીસ્ટનો દાવો છે કે મંદિરોની રચના એવી રીતે કરવામાં આવતી હતી કે તેના ગુંબજોમાં શબ્દ એમ્પલીફાય થઇને દૂર સુધી જતો હતો. વિશાળ મંદિરો એ રીતે લાઉડસ્પીકરની ગરજ સારતાં હતાં.
દેશમાં અત્યારે મસ્જિદોમાં અઝાન વખતે લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલે છે. પરંતુ જ્યારે લાઉડસ્પીકર નહોતાં ત્યારે, મસ્જિદનો મૌઝિન (અઝાન માટે સાદ પાડે તે) મસ્જિદની મિનારતમાંથી બાંગ પોકારતો હતો. એ અર્થમાં મિનારત લાઉડસ્પીકરનું જ સ્વરૂપ હતું.
ટૂંકમાં, અવાજને તેના પ્રાકૃતિક અંતરથી આગળ લઇ જવા માટે અને તેને એક સાથે અનેક લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાતમાંથી લાઉડસ્પીકરની શોધ થઇ હતી. જૂના જમાનામાં ગામમાં કોઈને બૂમ પાડવી હોય તો, તે બે હાથની હથેળીઓ ભેગી કરીને તેનું ભૂંગળું બનાવતો અને પછી એમાં બોલતો, જેથી તેનો અવાજ એમ્પલીફાય થતો.
ભારતની સ્વતંત્રતા ચળવળના નેતાઓએ એ રીતે જ લોકો સુધી આઝાદીનો નારો પહોંચાડ્યો હતો. લાઉડસ્પીકરની કમાલ પર ગાંધીજીએ કહ્યું હતું, “મારી વાતોમાં લોકો જે રીતે જયજયકાર કરતાં હતા તે પરથી લાગે છે કે લોકો બહુ ધ્યાનથી મને સાંભળતા હતા.” પંડિતજીએ કહ્યું હતું, “તમારા લાઉડસ્પીકરોએ કમાલનું કામ કર્યું છે અને એ એરેન્જમેન્ટની બધા સરાહના કરે છે.” પંડિતજી આઝાદીની પૂર્વસંધ્યાએ તેમના “ટ્રાયસ્ટ વિથ ધ ડેસ્ટીની” ભાષણના સંદર્ભમાં વાત કરતા હતા. એ ભાષણ શિકાગો રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું. કેવું કહેવાય, આઝાદીનું જ્ઞાન જ્ઞાનચંદ મોટવાનીના શિકાગો રેડિયોમાંથી આવ્યું હતું!
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જૂન 2022
![]()


‘અગ્નિપથ’ આમ તો હરિવંશરાય બચ્ચનની કવિતા છે. એમાં કાંટાળો માર્ગ પસંદ કરી આગળ વધવાની ને કોઈ અપેક્ષા ન રાખવાની વાત છે. આ નામની જ બે ફિલ્મો પણ આવી ગઈ છે. એનાથી પ્રેરિત થઈને કે સાવ સ્વતંત્ર રીતે સરકારે ‘અગ્નિપથ’ નામની યોજના જાહેર કરી, જેમાં 17.5થી 26ની વયમર્યાદા ધરાવતા 10 કે 12 પાસ યુવાનો અને યુવતીઓને સૈન્યમાં નોકરી આપવાની વાત છે. પસંદગી પામેલા યુવાનોની 6 મહિનાની તાલીમ પછી, 4 વર્ષ સુધી ‘અગ્નિવીર’ તરીકે સેવા લેવાનો અને 30થી 40 હજારનો માસિક વેતનનો લાભ આપવાનો હેતુ સરકારનો છે. એ ઉપરાંત 4 વર્ષ પછી નિવૃત્ત થનારને 11.71 લાખનો નિવૃત્તિ લાભ આપવાની યોજના પણ છે, પણ 14 જૂને બહાર પડેલી યોજનાનો, એક જ દિવસમાં યોજના પરત ખેંચવાની માંગ સાથે બિહાર અને ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ શરૂ કર્યો ને તેની ઝાળ તેલંગાણા, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ જેવાં 19 રાજ્યો સુધી ફેલાઈ અને 369 ટ્રેન સેવાઓ રદ્દ કરવી પડી. આ વિરોધમાં સંખ્યાબંધ ટ્રેનો ફૂંકી મારવામાં આવી તો ક્યાંક બસ સળગાવવાના પ્રયત્નો પણ થયા. પથ્થરમારો ને આગજનીની ઘટનાઓ વધતાં પોલીસે હિંસાને કાબૂ કરવા લાઠીચાર્જનો, ગોળીબારનો આશરો લેવો પડ્યો છે. આ બબાલમાં બે મોત થયાં છે. જેમાં એક ગોળીબારથી તો બીજું આત્મહત્યાથી થયું છે.