
નિખતની સિદ્ધિનો વિચાર અત્યારના ભારતીય મુસ્લિમ સમાજની સ્થિતિ અને સ્ત્રીઓ પરની સતત હિંસાના સંદર્ભમાં પણ થવો જોઈએ.
ભારતની યુવા બૉક્સર નિખત ઝરીન તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન બની.
પચીસ વર્ષની નિખત આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી મુસ્લિમ અને પાંચમી ભારતીય મહિલા છે.
માત્ર પંદર વર્ષની વયે જ્યુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશીપની જીતથી શરૂઆત કરનાર નિખતે ગયા દાયકામાં દેશ અને દુનિયામાં અનેક મૅચોમાં જીત મેળવી છે.
હૈદરાબાદથી પોણા બસો કિલોમીટરે આવેલા કસબા નિઝામાબાદની નિખત અને તેની સિદ્ધિ વિશે કેટલીક નોંધપાત્ર બાબતો અહીં મૂકી છે.
• નિખત રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે. પણ કુલ ચાર દીકરીઓને સારી રીતે ઉછેરનારા પ્રગતિશીલ માતાપિતાનો ત્રીજા ક્રમની નિખતને ખૂબ ટેકો છે. તેના પિતા મોહમ્મદ જમીલ પોતે ફૂટબૉલના રાજ્ય કક્ષાના ખેલાડી અને ક્રિકેટર હતા. તે કહે છે : ‘ક્યારેક સંબંધીઓ અને મિત્રો અમને કહેતાં કે છોકરીઓએ એવી રમતો ન રમવી જોઈએ એક જેમાં તેમને શૉર્ટ્સ પહેરવી પડે. પણ અમે એના સપનાંને ટેકો આપ્યો. નિખતે મેળવેલી જીત મુસ્લિમ છોકરીઓ અને તમામ છોકરીઓ માટે પ્રેરણા બનશે.’
નિખતના પિતા પંદર વર્ષ સાઉદી અરેબિયામાં હતા. પણ દીકરીનો બૉક્સિન્ગ માટેનો લગાવ જોઈને તેઓ તેમના ઘરે નિઝામાબાદ પાછા આવ્યા અને સતત દીકરીની રમતની કારકિર્દીમાં સક્રિય ધ્યાન આપતા રહ્યા.
• નિખતને પહેલેથી જ રમતગમતમાં રસ હતો. તે કંઈક ટૉમબૉય પણ હતી. ટૂંકા વાળ રાખતી તેમ જ જિન્સ-ટી શર્ટ પહેરતી, છોકરાઓની સાથે રમ્યા કરતી. શરૂઆતમાં તે અથ્લેટિક્સમાં હતી, પણ તેના માટેની કોઈ સગવડો અને તાલીમ ન હતાં. તેના પિતા તેને રમતોની સ્પર્ધાઓ જોવા માટે લઈ જતા. ત્યારે નિખતના ધ્યાનમાં આવ્યું કે બૉક્સિન્ગની એક જ રમત એવી છે કે જેમાં ક્યારે ય કોઈ છોકરી હોતી નથી. એટલે એણે એ વિશે પિતાને પૂછ્યું. ત્યારે તેમણે જવાબ આપ્યો : ‘ના બેટા. આમ તો છોકરીઓ પણ બૉક્સિન્ગ કરી જ શકે. પણ લોકો માને છે કે છોકરીઓમાં બૉક્સિન્ગ કરવાની હિમ્મત હોતી નથી. અને એટલે તેઓ છોકરીઓને બૉક્સિન્ગની રમતમાં જવા દેતા નથી.’
નિખત કહે છે : ‘મને આ વાત એક પડકાર લાગી, મને એમ થયું કે લોકોને એમ શા માટે લાગે છે કે છોકરીઓ આ રમતમાં ભાગ લેવા જેટલી તાકાત ધરાવતી નથી ? લાવ, હું આનો અખતરો કરું, અને મેં બૉક્સિન્ગમાં જવાનું પસંદ કર્યું. પહેલાં તો સ્ટેડિયમમાં બધા છોકરાઓની વચ્ચે હું એકલી જ છોકરી બૉક્સિન્ગ પ્રૅક્ટિસ કરતી. સામેના છોકરા પાસેથી મને માર પણ ખૂબ પડતો.
કદાચ આજુબાજુ બધા છોકરાઓ હોય તેવા માહોલમાં પ્રૅક્ટિસ કરવાના એ દિવસોએ મારું મનોબળ વધુ મજબૂત બનાવ્યું.’
• નિખતના માતા પરવીન સુલતાના પણ હંમેશાં તેને બળ આપતાં રહે છે. જો કે બૉક્સિન્ગમાં નિખતને જ્યારે પહેલી વાર ચહેરા પર મોટી ઇજા થઈ ત્યારે તે ખૂબ ડરી ગયાં. એક છોકરા સાથેની પ્રૅક્ટિસ બાદ નિખત જ્યારે લોહીવાળા ચહેરે અને સૂજેલી આંખે ઘરે આવી ત્યારે તેઓ ધ્રૂજવાં લાગ્યાં. તેમણે દીકરીને કહ્યું : ‘બેટા, મૈંને તુમ્હેં બૉક્સિન્ગમેં ઇસલિએ નહી ડાલા કી તેરા ફેસ ખરાબ હો જાયે. ફિર તુઝસે કોઈ શાદી નહી કરેગા.’ નિખતે જવાબ આપ્યો : ‘અરે અમ્મી ટેન્શન નકો લો. નામ હોગા તો દુલ્હોં કી લાઇન લગ જાયેગી.’
• જો કે પછી પરવીન ટેવાઈ ગયાં. હવે ઇજા થાય તો તેઓ નિખતને સહેજ બરફ ઘસી નાખવાનું સહજ રીતે કહી દે છે. નિખત કહે છે કે , ‘હવે તો મારી મા જાણે મારી કોચ બની ગઈ છે. એ અને મારા પપ્પા મારી બધી મૅચો જોવે છે, અને મૅચ પૂરી થાય એટલે મને રમત દરમિયાન થયેલી મારી ભૂલો બતાવે છે ! લોકોને હવે બૉક્સિન્ગ શું છે તેનો બરાબર ખ્યાલ આવી ગયો છે. મને ખુશી છે કે મારી મા જૂનવાણી માનસમાંથી બહાર આવી ગઈ છે.'
• નિખત 2017ના વર્ષમાં ઇજાગ્રસ્ત થઈ. તેનો જમણો ખભો ઊતરી ગયો. એક તબક્કે તો એવું થયું કે તે ક્યારે ય રમી નહીં શકે પણ દૃઢ નિશ્ચયથી તેણે સારવાર લીધી. એક આખું વર્ષ એમાં ગયું, પણ તે એમાંથી બહાર આવીને ફરીથી રમતી થઈ.
• ભારતની બૉક્સિન્ગ ચૅમ્પિયન મેરી કૉમ નિખતની રોલ મૉડેલ છે. જો કે પોતાની ઊપર સતત ઝળુંબતા મેરી કોમના પડછાયાથી યુવાન નિખતે અજંપો પણ અનુભવ્યો છે. ટોકિયો ઑલિમ્પિક્સમાં તેની પસંદગી થવાની છે તેની જાણ થતાં નિખતે સત્તાવાળાઓને પત્ર લખીને મેરી કૉમ સાથે મૅચ રમવા માટેની માગણી કરી. મેરી કૉમને આવી મૅચ રમવા માટે ખચકાટ હતો. નિખતની આ પ્રકારની માગણીને કારણે રમતજગતમાં ખાસી હલચલ મચી. એ મૅચ રમાઈ, તેમાં નિખત હારી. નિખતે મેરીને જીત માટે વિશ કરવા હાથ લંબાવ્યો. પણ મેરીએ તેને પ્રતિભાવ ન આપ્યો. જો કે હવે નિખત પેરિસ ઑલિમ્પિકના ધ્યેયથી તૈયારી કરી રહી છે. તેના માટે તેને અત્યારની 52 કિલોગ્રામની કૅટેગરીમાંથી 54 કિલોગ્રામની કૅટેગરીમાં પ્રવેશવું પડશે.

• સલમાન ખાનની ચાહક નિખત પોતાની પર બાયોપિક બને તો હિરોઇન તરીકે આલિયા ભટ્ટ હોય એમ ઇચ્છે છે ‘કારણ કે મને ખંજન છે અને એને પણ છે.’
• અત્યારે ચૅમ્પિયનશીપ ઉપરાંતનો નિખતનો બીજો આનંદ છે ‘ટ્વિટર પર ટ્રેન્ડ થવાનું મારું સપનું સાકાર થયું.’
• નિખત માને છે કે હિજાબ પહેરવો કે નહીં તે દરેકની સગવડ અને પસંદગીની બાબત છે. તે કહે છે : ‘મને વેસ્ટ અને શૉર્ટસમાં બૉક્સિન્ગ કરવી ગમે છે એટલે હું કરું છું. હું હિજાબ પહેરું તે માટે મારી પર કોઈ દબાણ નથી કરી રહ્યું. એ દરેકની પસંદગીનો મામલો છે અને એ બાબતને આપણે માન આપવું જોઈએ.’
• સોમવારના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને The Meaning of Nikhat Zareen in Today’s Indiaમાં સિદ્ધાર્થ સક્સેના લખે છે કે નિખતે પુરુષપ્રધાન માનસને તો ધક્કો માર્યો જ છે, સાથે તેની હિમ્મત યુવા મુસ્લિમ વર્ગ માટે આશાનો સંદેશ પણ લઈને આવે છે.’
‘ટાઇમ્સ’નો આ લેખ નિખતની સિદ્ધિને અત્યારના ભારતમાં મુસ્લિમોની અત્યંત જોખમકારક પરિસ્થિતિના દૃષ્ટિકોણથી મૂલવે છે. ગયા શનિ-રવિએ નિખત જ્યારે ચૅનલ્સ અને પોર્ટલ્સને ઇન્ટર્વ્યૂઝ આપી રહી હતી ત્યારે મધ્ય પ્રદેશમાં એક માણસની મુસ્લિમ હોવાના શક પરથી હત્યા કરવામાં આવી.
ત્રણ વર્ષ પૂર્વે નિખતે કહેલી વાત લેખકે ટાંકી છે : ‘જો મારા ખુદાએ મને રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં મોકલી, તો પછી એ જ ખુદાએ મને છોકરાઓ સામે ડર્યા વિના ઝીક લેવાની જિદ પણ આપી, જેમાંથી આખરે મને સમજાયું કે મારી ટૅલેન્ટ, આંતરિક શક્તિ બૉક્સિન્ગમાં છે. હવે બધું બરાબર બેસે છે ને ?’
સૌજન્ય : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, 20, 22, 23 મે 2022
24 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.
સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે દરદીના સગાને ધમકી આપી કે સાંજ સુધીમાં બીજા ત્રણ હજાર નહીં મળે તો ઓપરેશન કરીને જે સળિયો નાખેલો છે તે કાઢી લઈશું. દરદી પાસે બી.પી.એલ. કાર્ડ હતો ને તેની પાસેથી પૈસા લેવાના ન હતા, છતાં પૈસાની માંગણી થઈ. આ અગાઉ એ દરદી પાસેથી પાંચ હજાર તો લઈ જ લેવાયા હતા ને બીજા ત્રણ હજારની માંગણી તો ઊભી જ હતી. આ મામલે હવે સમિતિ રચાઇ છે ને એ નાટક તો ચાલશે રાબેતા મુજબ, પણ પૈસા માંગવાની ને દરદીને મારવાની વાત સિવિલમાં નવી નથી. મુદ્દો વર્તણૂકનો છે. ડૉક્ટર કક્ષાનો માણસ સળિયો કાઢી લેવાની વાત કરે તે આઘાતજનક છે. આમ તો માણસાઈ માણસમાં જ હોય છે ને તે ત્યાં ન હોય તો બીજે ક્યાં ય હોતી નથી. એ માણસાઈ ડૉક્ટર ન દાખવે તો કોણ દાખવશે? ડૉક્ટર હોય તો સાવ અભણ તો ન જ હોય. ડૉક્ટર હોય તો સાવ નિર્દયી પણ ન જ હોય. એ પણ એટલું જ સાચું કે ધારો કે દરદી પૈસા ન આપે તો ડૉક્ટર સળિયો નહીં જ કાઢે, કારણ તે ડૉક્ટર છે, કસાઈ નથી. કસાઈ પણ આવું ન કરે, પણ જે ઉદ્ધતાઈ ને બેશરમી આજના લોકોમાં દાખલ પડી ગઈ છે તે આઘાતજનક છે. નાલાયકી જ જાણે લાયકાત હોય તેમ મોટે ભાગના લોકો વર્તે છે. ગમે એટલી પ્રગતિ થઈ હોય ને ગમે એટલો વિકાસ થયો હોય, તો પણ માનવીય અભિગમ બચે નહીં તો એ વિકાસ નથી, એનો છેડો વિનાશમાં જ નીકળે છે તે સમજી લેવાની જરૂર છે.