દસમા ધોરણની પહેલા સત્રની પરીક્ષા ઢૂંકડી હતી અને આ હરીશભાઈને બધા વિષયોમાં ઉત્તીર્ણ થવાની પણ આશા ન હતી. નોન-મેટ્રિક થઈ મજૂરી અથવા બહુ બહુ તો ફીટર કે મિકેનિક બનવા સિવાય કશા ઉજળા ભાવિની એનાં માવતરને આશા ન હતી. સાવ રખડેલ અને અભ્યાસ તરફ ઉદાસીન જીવ. એની મા રામવતીનું હૈયું તો ડૂસકાં ભરે.
એ માહોલમાં છઠ્ઠના દિવસે ભગવાનને ધરાવવા તે લાડુ બનાવતી હતી ત્યારે એને એક ફળદ્રૂપ વિચાર સૂઝ્યો. તરત એણે બાબલાને કહ્યું, “જો તું એક કલાક ભણે તો તને એક લાડુડી મળશે.
લાડુ આરોગવાનો શોખિન હરીશ તો મચી જ પડ્યો. ત્યારે એને ખ્યાલ આવી ગયો કે, પોતે માનતો હતો એટલો મંદબુદ્ધિ ન હતો. ધ્યાન દઈને વાંચેલું એને યાદ રહી શકતું હતું. ગણિતના દાખલાઓમાં તેની અક્કલ પણ બરાબર દોડી શકતી હતી.
૮, એપ્રિલ – ૧૯૫૨ના રોજ, બિહારના દરભંગાના શિક્ષક ગણેશચંદ્ર વર્મા અને રામવતીના ઘેર જન્મેલ હરીશની ગાડી તો પૂરપાટ પાટે ચઢી ગઈ. તે દસમા ધોરણની પરીક્ષામાં બધા વિષયમાં ઉત્તીર્ણ થયો; એટલું જ નહીં, એસ.એસ.સી.ની પરીક્ષા સારા માર્કથી પસાર કરી અને પટણાની વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ મેળવી યુનિવર્સિટીની ફાઈનલ પરીક્ષામાં ભૈતિકશાસ્ત્રના વિષયમાં ત્રીજા નંબરે બહાર પણ પડ્યો.
પટણામાં જીવનની શરૂઆત કરનાર હરીશે આઈ.આઈ.ટી.(કાનપુર)માં અનુસ્નાતક અને પી.એચ.ડી.ની પદવીઓ પણ હાંસલ કરી છે.

હરીશ યુવાન વયે
ડો. હરીશ્ચન્દ્ર બન્યા બાદ, તેણે પટણાની વિજ્ઞાન કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું. વિદ્યાર્થીઓને ભણાવતાં તેને સમજાયું કે, ભૌતિકશાસ્ત્રના પચાવવા માટે અઘરા સિદ્ધાંતો સમજાવવા સરળ રીતો અજમાવી શકાય. આઠ વર્ષના શિક્ષણકાર્યના અનુભવ બાદ તેણે બે ભાગમાં ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનું પુસ્તક બહાર પાડ્યું છે.

૧૯૯૪ની સાલમાં તેની માનિતી સંસ્થા આઈ.આઈ.ટી.(કાનપુર)માં પ્રોફેસર તરીકે કામ કરવાની તક તેને મળી. ત્યાં તેણે શિક્ષણ ઉપરાંત ન્યુક્લિયર ફિઝિક્સના વિષયમાં સંશોધન પણ કરવા માંડ્યું. આ ઉપરાંત બીજા સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી તે ‘શિક્ષાસોપાન’ નામની સંસ્થાનું સંચાલન પણ કરે છે. આ સંસ્થા આઈ.આઈ.ટી.ની આજુબાજુ રહેતા આર્થિક રીતે નબળા વિધ્યાર્થીઓને મદદ કરવાનું કામ પણ કરે છે.
આખા દેશના ભૈતિકશાસ્ત્રના પ્રોફેસરોની સંસ્થા IAPT(Indian Association of Physics Teachers)ની સંચાલન સમિતિમાં પણ તે સક્રીય સભ્ય છે. આ અઘરા વિષયની સરળ સમજ માટે તેણે ૬૦૦ જેટલા પ્રયોગોની રીતો બનાવી છે. દેશના ૨૨ જેટલાં શહેરોમાં આ અને શિક્ષણની બીજી સરળ રીતોનો વ્યાપ થઈ રહ્યો છે. ભૌતિક શાસ્ત્રના શિક્ષકોની તાલીમ માટે પણ ઘણી શિબિરો આ સંસ્થાએ આયોજી છે. આ અભિયાન હેઠળ દેશના ૮,૦૦૦ શિક્ષકોને અદ્યતન તાલીમ આપવામાં આવી છે.
૨૦૧૭ની સાલમાં આ કાર્યની કદર રૂપે મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષા પુરસ્કાર પણ તેને એનાયત થયો છે. ૨૦૧૦ની સાલમાં તેને ભારત સરકારની પદ્મશ્રી પદવી પણ મળી છે.
આ ઉપરાંત તેને યોગ શિક્ષણમાં પણ અનહદ રસ છે. તેનો મોટો ભાઈ દેવીપ્રસાદ પણ પ્રોફેસર છે.
૩૮ વર્ષ શિક્ષણ કાર્ય કર્યા પછી, ૨૦૧૭ની સાલમાં તે નિવૃત્ત થયા છે.
https://www.youtube.com/watch?v=lbUxXZT5DlU
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/H._C._Verma
e.mail : surpad2017@gmail.com
![]()



ગુજરાત તેના પતંગપ્રેમ માટે જાણીતું છે. દર વર્ષે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવે છે. દેશનું એકમાત્ર કાઈટ મ્યુઝિયમ પણ અમદાવાદમાં આવેલું છે. પણ ગુજરાતના આ પતંગપ્રેમના કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક, સાહિત્યિક પાસાંનો અભ્યાસ કરતાં પુસ્તક ગુજરાતીમાં કેટલાં લખાયાં? કદાચ એક પણ નહિ. આપણા અભ્યાસીઓને પરદેશના રીત રિવાજ અભ્યાસ કરવા જેવા લાગે છે, પણ આપણી આવી મહત્ત્વની સાંસ્કૃતિક વિરાસત અભ્યાસ કરવા જેવી લાગતી નથી. પણ અંગ્રેજીમાં આવું એક પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું છે. તેનું નામ પતંગના દોર જેવું લાંબુ લચક છે : ‘અ ડીફરન્ટ ફ્રીડમ : કાઈટ ફ્લાઈંગ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા; કલ્ચર એન્ડ ટ્રેડીશન.’ લેખિકા છે નિકિતા દેસાઈ. યુનાઈટેડ કિંગડમના કેમ્બ્રિજ સ્કોલર્સ પબ્લિશિંગ નામના પ્રતિષ્ઠિત પ્રકાશકે તે પ્રગટ કર્યું છે. લેખિકાને પતંગનો પહેલો પરિચય થયો તે મુંબઈમાં ગાળેલાં બાળપણનાં વર્ષોમાં. તે વખતે હજી મુંબઈમાં ઉતરાણ ઉજવવાનો ઉત્સાહ હતો, આજની જેમ મરી પરવાર્યો નહોતો. ભૂરો પતંગ ને ભૂરો માંજો, બાળપણનો એનો અનુભવ લેખિકાની સ્મૃતિમાં જડાઈ ગયો. એક બાજુ મુંબઈમાં ઉતરાણનાં વળતાં પાણી થવા લાગ્યાં અને બીજી બાજુ લેખિકાએ મુંબઈ છોડી વડોદરામાં વસવાટ કર્યો. અને ઉતરાણની સાચી ઉજવણીનો તેમને અનુભવ થયો. જો કે તે પોતે મોટે ભાગે તો ફીરકી પકડવાનું કે બહુ બહુ તો બીજાએ ઉડાવેલા પતંગની ‘સહેલ’ લેવાનું જ કામ કરતાં. વખત જતાં લેખિકા ડિઝાઈનીંગનો અભ્યાસ કરતાં થયાં અને તે વખતે તેમને આપણી ‘પતંગ સંસ્કૃતિ’માં વધુ રસ પડ્યો. તેઓ કહે છે કે ‘પછી તો હું પતંગના પ્રેમમાં પડી.’ અધરાતે મધરાતે પતંગ બજારમાં ફરવા લાગ્યાં. વેપારીઓ અને ઉત્પાદકો સાથે વાતો કરવા લાગ્યાં. ઉતરાણની સામાજિક અને આર્થિક બાબતોનો અભ્યાસ કરવા લાગ્યાં. પછી રસ પડ્યો પતંગના ઇતિહાસના અભ્યાસમાં. અમદાવાદના ‘કાઈટ મ્યુઝિયમ’ના ભૂતપૂર્વ નિયામક ભાનુ શાહના માર્ગદર્શન અને સાથ મળ્યાં. ઇતિહાસ ઉપરાંત રાજકારણમાં અને સાહિત્યમાં પતંગે કેવો ભાગ ભજવ્યો છે તેનો પણ અભ્યાસ કર્યો. અને આ બધાનું પરિણામ તે આ પુસ્તક.
ઘણાને મતે આજથી લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાં ચીન દેશમાં પતંગ ચગાવવાની શરૂઆત થઇ. મલયેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ પતંગ ઉડાડવાની પ્રથા લગભગ એ જ સમયગાળામાં હતી. કેટલાકને મતે તે ચીનમાંથી અપનાવાઈ હતી, તો બીજા કેટલાક માને છે કે આ દેશોએ સ્વતંત્ર રીતે તે વિકસાવી હતી. શરૂઆતમાં ઝાડનાં પાંદડાંની પતંગ બનાવાતી. આજે પણ કેટલાક દેશોમાં પાંદડાંની પતંગો વપરાતી જોવા મળે છે. એક કથા પ્રમાણે એક ચીની ખેડૂતે માથા પર પહેરેલી હેટ ઊડી ન જાય તે માટે તેની સાથે દોરી બાંધી રાખી હતી. છતાં પવનના જોરદાર સુસવાટામાં તેની હેટ ઊડી, પણ દોરી સાથે બંધાઈ હોવાથી તેણે હેટ ગુમાવી નહિ. આ ઉપરથી તેને પતંગ બનાવવાનો વિચાર આવ્યો. ઇ.સ. પૂર્વે ૨૦૦માં હાન વંશના રાજાના લશ્કરને ગભરાવવા માટે રાતને વખતે ફટાકડા બાંધેલી પતંગ હ્યુ એન ત્સંગે ઉડાડી હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. જાપાનના સાહિત્યમાં પણ પતંગના ઉલ્લેખો મળે છે. એ લોકો પતંગને ‘શીરોશી’ તરીકે ઓળખતા. ‘શી’ એટલે કાગળ, અને ‘રોશી’ એ ચીનના એક પક્ષીનું નામ હતું. જેની સાથે બંધાઈને માણસ પણ ઊડી શકે એવી મોટી પતંગો પણ જાપાનમાં વપરાતી અને તેનો ઉપયોગ ચોરી કરવા માટે પણ થતો! આપણા દેશમાં પણ ચીન-જાપાનથી આવેલા બૌદ્ધ સાધુઓ પોતાની સાથે પતંગ લાવ્યા હતા એમ મનાય છે. આપણા દેશમાંથી તેનો ફેલાવો અરબસ્તાન, ઉત્તર આફ્રિકા અને યુરપમાં થયો. કેટલાકને મતે ચંગીઝખાન પોતાની ચઢાઈઓ પછી પાછો ફર્યો ત્યારે પતંગો સાથે લેતો ગયેલો અને પછી તેનો ફેલાવો યુરપમાં થયો.