બે દિવસ પહેલાં સમાચાર આવ્યા કે કેરાલામાં એક દંપતીએ સુખ-સમૃદ્ધિની ઈચ્છાને કારણે બે સ્ત્રીઓની બલિ ચઢાવી. એના પછી જૂનાગઢની ઘટના બહાર આવી કે એક પિતાએ પુત્રની લાલસામાં પોતાની સગી દીકરીની બલિ ચઢાવી, તો પશ્ચિમ બંગાળમાં એક તાંત્રિકે આઠ વરસની બાળકીની બલિ ચઢાવી. આવી કેટલી ય ઘટનાઓ હશે જે સમાચાર સુધી નહીં પહોંચી હોય. ગઈ કાલથી સોશિયલ મીડિયામાં ઊહાપોહ છે ને મગજ સુન્ન થઈ ગયું. તેમાં ય જૂનાગઢના મામલાનો વધુ ઉલ્લેખ જોવા મળ્યો. લોકોના પ્રતિભાવ વાંચતાં સમજાયું કે પોતાના સમાજમાં કે પોતે જેની સાથે સંકળાયેલા હોય તેમાં કોઈ બનાવ બને તો બે ઘડી લોકો હેબતાઈ જાય છે. પછી બે દિવસ બાદ એ ભૂલાઈ જાય છે. કેરાલાની ઘટના પણ એટલી જ ઘૃણાસ્પદ છે, પણ તેના વિશે કોઈ પ્રતિભાવ જોવા ન મળ્યા.
ખેર, નરબલિએ ખરેખર તો હત્યા જ છે. પોતાની સફળતા, સમૃદ્ધિ કે ઈચ્છા માટે કોઈની હત્યા કરતાં માનવીઓ અચકાતા નથી. કેરાલાની ઘટનામાં તો સ્ત્રી પણ એ હત્યાની ભાગીદાર બની બીજી સ્ત્રીનાં શરીરના ટુકડાઓ રાંધે છે. જૂનાગઢની ઘટનામાં ક્યાં ય માતા વિશે કશું જ લખાયું નથી. માતાએ કેમ વિરોધ ન કર્યો કે પોલીસને જાણ ન કરી? એ સવાલ સતત થાય જ. દરેક અખબારે એ બાબતે મૌન જ સેવ્યું છે. શક્ય છે પિતૃસત્તાક માનસિકતા સામે સ્ત્રી અવાજ ઊઠાવી નહીં શકી, પણ મૌન એ સંમતિ ન ગણાય?
શિવાજીના શાસન દરમિયાન પોતાના સંતાન માટે હીરાકણી મધરાત્રે કિલ્લામાંથી નીકળી ઘોર જંગલ માર્ગે ઘરે પહોંચે છે એ વીરગાથા આપણે ભણ્યા છીએ. દિવસે પણ જે ડુંગર પરથી ઉતરવું સહેલું ન હોય ત્યાંથી એક સ્ત્રી મધરાત્રે એકલી ઉતરે છે પોતાના ભૂખ્યા બાળક સુધી પહોંચવા માટે. તો આજના આધુનિક સમયમાં જૂનાગઢની ઘટનામાં શું બન્યું? એ વિશે અધૂરી કથાઓ અખબારોમાં છપાય છે, ત્યારે એક જર્નાલિસ્ટ કીડો અંદર સળવળીને અનેક સવાલો ઊભા કરે છે. માણસ આટલી હદે આજે પણ ક્રૂર કેમ બને છે? દરેકને કશુંક મેળવવું છે. જીવનમાં બધું જ હોવા છતાં સંતોષ નથી. આ દરેક ઘટનામાં સામેલ વ્યક્તિઓ ભૂખે નહોતી મરતી કે તેમણે નરબલિ ચઢાવવી પડે. એ લોકો ખાધેપીધે સુખી હતાં. બધા તાંત્રિકને દોષ આપે છે પણ સામે પોતાની ઈચ્છાપૂર્તિ માટે વ્યક્તિઓ છે એમની માનસિકતા સામે કોઈ સવાલ નથી ઊઠાવતું.

ડ્યુક યુનિવર્સિટિમાં આવી ઘટનાઓ બાબતે સંશોધન થયું છે અને તેઓ કહે છે કે, “માણસને પોતાની પાસે ન હોય અને બીજા પાસે હોય એવી દરેક બાબત મેળવવી છે. એવો કોઈ ચમત્કાર થાય કે તેમને પણ એ મળે જે બીજા પાસે છે. એ ચમત્કાર થઈ શકે છે એવું કોઈ કહે એટલે માનસિક રીતે તેઓ બદ્ધ થઈ, બસ એના તરફ દોટ મૂકે છે. હકીકતમાં માણસ સમાનતા ઈચ્છે છે. બીજા પાસેની સમૃદ્ધિ, સંતાન, સુખ પોતાની પાસે ચમત્કારથી જ આવી શકે એની તેને ખાતરી હોય છે. એટલે તે કોઈ પણ રીતે ચમત્કાર તરફ દોટ મૂકે છે. સારઅસાર તેને દેખાતો નથી.” આ વાત વિચારણીય છે. અસંતોષની આગ સારઅસારના ગુણોને પહેલાં બાળી નાખે છે. પછી જે ઘટનાઓ બને છે તે વિશે માણસ સભાન નથી હોતો. અસંતોષ આજે માનવને રેટરેસ માટે પણ પ્રેરે છે. સફળ થવા માટે આપણે કેટલી ય માનસિક હત્યાઓ કરતાં હોઈએ છીએ. કેટલી ય વ્યક્તિઓનું શોષણ કરીએ છીએ. એ બધું આપણને અખરતું નથી. ધીમે ધીમે આપણે નિંભર થઈ જઈએ છીએ. આપણી વ્યક્તિઓને આપણે સમય આપી શકતા નથી. બીજાનો સમય લઈ લેતા અને વ્યક્તિઓનો અધિકાર છીનવી લેતા પણ આપણું અંતકરણ બળતું નથી. આ જ બાબત કેટલાકમાં વધુ તીવ્ર હોવાને કારણે બીજાનો જીવ લેવા પ્રેરતી હોય છે. બધાની માનસિકતા ઓછા વધતા અંશે અસંતોષ સાથે કામ પાર પાડતી જ હોય છે. કેટલાક એના પર વિજય મેળવે છે તો કેટલાક તેની સાથે સમાધાન કરે છે તો કેટલાક સતત તેને પોષે છે. એ જ લોકો તાંત્રિકના રવાડે ચઢતા હોય છે. વાંક તાંત્રિક કરતાં પણ વ્યક્તિની ઈચ્છાઓનો વધુ હોય છે.
સૌજન્ય : દિવ્યાશબહેન દોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


રતન માર્શલ મુંબાઈ વિદ્યાપીઠના ગુજરાતી સાહિત્ય વિભાગમાં વિદ્યાવાચસ્પતિ(પી.એચડી.)ની પદવી મેળવનાર સૌ પ્રથમ વિદ્યાર્થી હતા. તેમણે ઈ.સ. ૧૯૪૯માં ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ શીર્ષક હેઠળ સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું. આ મહા નિબંધના માર્ગદર્શક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી અને નિર્ણાયક કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા હતા. આ સંશોધન-નિબંધ ઈ.સ. ૧૯૫૦માં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેને મુંબઈ સરકાર દ્વારા ઈ.સ. ૧૯૫૬માં એક હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું.