(ઈતિહાસ, અર્થ, સમજૂતી તેમ જ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સાથે)
પુસ્તક આલેખન : અશ્વિન ન. કારીઆ
હું જ્યારે જ્યારે મારા અસ્તિત્વ અને હયાતી વિશે વિચારું છું ત્યારે ત્યારે મને યાદ આવે છે કે હું સરહદથી અનહદ, સ્વથી સમષ્ટિ, પિંડથી બ્રહ્માંડ અને અંગતથી વિશ્વસંગતની વિભાવનામાં માનું છું, છતાં મને મારા દૈનિક જીવનને સંલગ્ન સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ભૌગોલિક પરંપરાઓ સતત યાદ આપે છે કે મારા પર મારી બોલી, આહાર, પોશાક, સંબંધોની પણ એવી અસર દૃઢ થયેલી છે જેને કારણે મારું Conditioning જ એવું છે કે હું ભારતીય, ગુજરાતી, વલસાડી, અનાવિલ ઉપરાંત કોની પુત્રી, કોની પત્ની, કોની મા, કોની દાદી, કોની બહેન અને અન્ય સગપણો વિશે પણ વિચારું છું ! આમ ‘હું’ અને મારો દરજ્જો સ્થાપિત થતો રહે છે ત્યારે ભૂલી જાઉં છું કે હું એક ‘વ્યક્તિ’ છું . મારા સ્વતંત્ર દેશનું બંધારણ મને સમાનતા, સમાદર આપે છે અને સતત યાદ કરાવે છે કે સર્વ નાગરિકો વર્ણ, વર્ગ, જાતિ, લિંગભેદથી પર પહેલાં ભારતીય છે.
મારું બંધારણ મને એમ નથી કહેતું કે સંશયાત્મા વિનશ્યતિ ! એ કહે છે કે વૈજ્ઞાનિક વલણ દાખવો અને અંગત સ્તરે કે વ્યક્તિગત રીતે શ્રદ્ધા હોય તે ધર્મનું પાલન કરો. જો તમને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ન હોય તો તે તમારી અંગત સમજણ છે. બંધારણ કહે છે કે રાજ્યનો એમાં કોઈ હસ્તક્ષેપ નથી કે તમે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી કે અન્ય ધર્મ-સંપ્રદાયના અનુયાયી તરીકે ક્યા પરમ તત્ત્વમાં શ્રદ્ધા ધરાવો છો. તે સાથે બંધારણ દરેક દેશવાસીના અધિકાર અને ફરજો વિશે સ્પષ્ટ છે. આમ તો આ કેળવણી અને સમજ આપણને બાળપણથી નાગરિકશાસ્ત્રમાં મળતી રહી છે. તો પણ કેટલીક પરંપરાગત સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક માન્યતાઓનાં કારણે આસપાસનો પરિવેશ ભૂલવા જ ન દે કે તમે ભણેલાં છો કે અભણ, તમે ગામડાંનાં છો કે મહાનગરનાં, તમારી જ્ઞાતિ, કોમ અને ધર્મ ક્યો છે, તમે નર છો કે નારી કે પછી નાન્યતર ? મને એક સ્ત્રી તરીકે જન્મજાત અનુભવ છે કે અમુકતમુક અપવાદ બાદ કરતાં મારું સ્થાન દુય્યમ જ રહ્યું છે ! કુમારિકા, સૌભાગ્યવતી, ત્યક્તા, વિભક્તા, વિધવા જેવાં લટકણિયાંઓએ અમારા વ્યક્તિત્વનો કેટલો હ્રાસ કર્યો છે ! તાજેતરમાં બેટી-સ્ત્રીઓ પર સતત વધી રહેલી હિંસાનાં સમાચારો જાણીને મન ભારે ઉદ્વિગ્ન છે. આપણા ગુજરાતમાં ૧૩-૧૪ વર્ષની એક કિશોરીનો એનાં જ પાલકો દ્વારા બલિ ચડાવી દેવાય અને એની ચીસ ક્યાં ડૂબી ગઈ તેનું ઓસાણ ન રહે, ત્યારે રહી રહીને એ સવાલ ઊઠે છે કે એ કોઈને કશું કહી શકે એવું વાતાવરણ પેદા કેમ ન થયું ? ‘એ દેશની ખાજો દયા’ આવી દયા ખાવા જેવી હાલતથી બદતર હાલત હોય ત્યારે ગર્વથી કાંઈ કહેવાની સ્થિતિમાં છીએ ખરા ? આપણી બંધારણીય વિભાવનાથી આપણે કંઈકેટલા જોજનો દૂર છીએ ! બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણસભાના એક સભ્ય ગુજરાતી વિદુષી હંસાબહેન મહેતા હતાં. એમણે Woman -Womenમાં Man -Men શબ્દ ઈંગિત છે જ કહીને સ્ત્રીઓને ‘વ્યક્તિ’ તરીકે પ્રસ્થાપિત કરવા યુનો સુધી મથામણ કરી છે તે તો ન જ ભુલાવું જોઈએ.
મને આ પચીસેક પાનાંમાં લખાયેલી પુસ્તિકાનો બહોળો પ્રસાર થાય અને ભારતીય જનસમુદાય પોતાના પ્રથમ શ્રદ્ધેય પુસ્તક તરીકે આપણાં બંધારણને પ્રાથમિકતા આપે એમાં ખાસ રસ છે. બંધારણકર્તાઓએ સર્વાંગી વિકાસની પરિકલ્પના સાથે ભારતીયતાની એવી વ્યાખ્યા કરી છે જેમાં એમણે સમાનતા, બંધુતા (ભગિનીત્વની ભાવના એ શબ્દમાં આવી જાય છે ! ), સામાજિક ન્યાય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાષ્ટ્રની એકતા, અખંડતાનો મહિમા કર્યો છે. બંધારણનું આમુખ આ વિભાવના સ્પષ્ટપણે મુખર કરે છે જે અશ્વિન કારીઆ આલેખિત બંધારણનું મહત્ત્વ સમજાવતી આ પુસ્તિકાનાં મુખપૃષ્ઠ પર જોઈ-વાંચી શકાય છે. ભારતીય બંધારણમાં બિનસાંપ્રદાયિક, લોકશાહી રાજ્યની પરિકલ્પના સાકાર કરવા માટે જે નાગરિકધર્મ – અહીં ધર્મ એટલે ફરજો-જવાબદારીઓ સમાવિષ્ટ છે તે વિશેની સાદી સમજ આ પુસ્તિકા થકી મળે છે. ભારત ‘અનેકતામાં એકતા’ની ભાતીગળ સાંસ્કૃતિક ધરોહર અને પૃષ્ઠભૂમિ ધરાવે છે. પુસ્તિકાના અંતિમ પૃષ્ઠ પર ‘શબ્દ એ જ શસ્ત્ર’ શીર્ષક હેઠળ ફિલ બોસ્મન્સનું રમેશ પુરોહિત અનૂદિત વિધાન પ્રસ્તુત છે જે ધ્યાનથી વાંચવાં – સમજવાં જેવું છે. આ પુસ્તિકામાં ધર્મનિરેપક્ષતાનો ઇતિહાસ, સિદ્ધાંત અને તેનાં અપવાદો, લક્ષણો, સર્વોચ્ચ અદાલતના કેટલાક ચુકાદાઓ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે. ધર્મનિરપેક્ષતા શબ્દ 1976માં બંધારણમાં સુધારો કરી ઉમેરાયો તેથી એવો
પ્રચાર થાય છે કે ભારત ત્યારથી જ ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. પુસ્તિકામાં જુદી જુદી બંધારણીય જોગવાઈઓ તેમ જ સર્વોચ્ચ અદાલતના મુકાદાથી એ પ્રતિપાદિત કરાયું છે કે બંધારણની શરૂઆતથી જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે.
અશ્વિનભાઈ આ પુસ્તિકાના લેખન માટે અધિકૃત વ્યક્તિ છે, તેઓ કાયદાતજ્જ્ઞ છે, એમણે બંધારણ અને કાયદા વિશે ભાવિ વકીલોને શિક્ષણ આપ્યું છે. નિવૃત્તિ પછી સતત કાર્યરત રહીને સમાજમાં વિવેકબુદ્ધિપૂત્ વલણ કેળવાય તે માટે અંધશ્રદ્ધા નિર્મૂલનના ગિરીશ સુંઢિયા અને અન્ય કર્મઠ રેશનાલિસ્ટ સભ્યોની સાથે મળીને પ્રયાસો કર્યા છે અને હજી કરતા રહે છે. આ નાનકડી અને અગત્યની પુસ્તિકાને આવકાર.
પ્રાપ્તિસ્થાન : ગિરીશ સુંઢિયા, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, ૬૯/૨, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ-વે, પાલનપુર – ૩૮૫ ૦૦૧. : મો. નં. ૯૪૨૬૬૬૩૮૨૧ : Email – girlishsundhiya62@gmail.com : સહયોગ રાશી : ₹ ૩૦/-
e.mail : bakula.ghaswala@gmail.com
![]()


ઉમેશ સોલંકીની ‘ફેરફાર’ નવલકથામાં શ્રમજીવી દલિતોનાં સંઘર્ષમય જીવન-વૃતાંત દર્શાવવામાં આવ્યાં છે. આ નવલકથામાં ગુજરાતના સાબરકાંઠાના નાનકડા ગામડાથી માંડીને મહાનગર સુધીની સફરનું આબેહૂબ નિરૂપણ કરવામાં આવ્યું છે. દલિતોને રોજ-બ-રોજના જીવનમાં પડતી મુશ્કેલીઓનું મૂળ ઇતિહાસ શોધી સમાજમાં નવો વિમર્શ ઊભો કર્યો છે. સાહિત્ય લેખનકાર્યના અનેક પ્રશ્નો જેવા કે દલિત લેખન શું છે? આપણે કેવી રીતે અભિગમ ઊભો કરી શકીએ? શું તે સાહિત્યનું નવું સ્વરૂપ છે? સાહિત્ય લેખનકાર્યમાં નવી સામાજિક વાસ્તવિક્તા (New Social Reality) રજૂ કરે છે. ‘ફેરફાર’ નવલકથામાં સમાજશાસ્ત્રીય અને સાહિત્યનો સમન્વય છે તથા અનુ-આધુનિકતાવાદના સિદ્ધાંતકારો જેવા કે ફૂકો, ડેરિડા અને લ્યોતારના સિદ્ધાંતોને ‘ફેરફાર’માં ખૂબ ઉમદા રીતે સમાવી લેવામાં આવ્યા છે. આ લેખમાં બે સંસ્કૃતિ (આર્ય-અનાર્ય) વચ્ચેના સંઘર્ષની ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત ‘ફેરફાર’માં માનસિક વાસ્તવિકતાને લોકશાહી ઢબે પહોંચી વળવા માટે દલિતોની ચેતના વિકસિત કરવાના અનેક માર્ગો સૂચવ્યા છે.
મિત્રોના સંપર્કમાં અને મૂળ પુસ્તકો(Original Text)ના વાંચન પછી ફેરફાર આવે છે. ત્યારે નાયક વધારે લોકશાહી ઢબે (Democratic) વિચારતો થાય છે. ત્યારે હિન્દુધર્મ કે ગાંધીજીની ગાળોથી નહિ પરંતુ આલોચનાત્મક ઢબે ટીકા કરે છે. વધારે વિસ્તૃત વાત કરીએ તો નાયકનાં વ્યક્તિત્વમાં ફેરફાર આવે છે. ગામમાં સાબરકાંઠાની લોક-બોલી બોલતો હોય છે પરંતુ શહેરી સંપર્કથી ભાષામાં ફેરફાર આવે છે. એટલે નાયક શરૂઆતમાં બોલતો હોય તેમ પછી બોલતો નથી. ધીમે ધીમે શુદ્ધ બોલતો થાય છે. પણ હા ક્રોધમાં ચોક્કસપણે ગ્રામીણ શબ્દો બોલી નાંખે છે. સામાન્ય દલિત પરિવારમાં આવેલ ફેરફાર નવલકથામાં જોવા મળે છે. નવલકથામાં નાયકની પરિસ્થિતિનું – સમગ્રલક્ષી નિરૂપણ કરવામાં આવ્યું છે.
‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા … ’, ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે …’, ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ …’, ‘ઝટ જાઓ, ચંદનહાર લાવો …’, ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી .. ’, જેવાં ગીતો આજની પેઢીને કદાચ જ ખબર હોય, પણ મને ખબર છે, તેનો આનંદ છે. મેં ભાંગવાડી થિયેટર જોયું નથી. પારસી નાટકો મેં જોયાં છે, પણ પારસી થિયેટર કે ‘દેશી નાટક સમાજ’ વિષે થોડું વાંચ્યું-જાણ્યું છે, એ સિવાય તેનાં સીધા અનુભવમાં હું મુકાયો નથી. સોહરાબ મોદીથી યઝદી કરંજિયા સુધીના અનેક પારસી કલાકારોને થિયેટર કરતાં જોયા છે, પ્રવીણ જોશી, કાંતિ મડિયા, જગદીશ શાહને સુરતનાં ‘રંગ ઉપવન’માં તખ્તો ગજાવતા જાણ્યા-માણ્યા છે ને હવે તો એ પણ જૂનું થઈ જવા આવ્યું છે, મુંબઈનાં નાટકોમાંથી પણ પ્રયોગો લુપ્ત થતા આવે છે, ત્યારે કોઈ દોઢેક કલાકમાં બધું જ ઝીણા ઝીણા હીરાની જેમ સામે ઝળકાવી દે તો આનંદ વિભોર થઈ જવાય એમાં નવાઈ નથી. એવો આનંદ, મુંબઈની ગુજરાતી જૂની-નવી રંગભૂમિના અને ગુજરાતી – હિન્દી ફિલ્મના મંજાયેલા કલાકાર ઉત્કર્ષ મઝુમદારે જીવ રેડીને આપ્યો ત્યારે અદ્ભુત શબ્દ ઓછો અદ્ભુત લાગ્યો.
ઉત્કર્ષ મઝુમદાર વિષે એ નોંધવું ઘટે કે મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું, પુના ઈન્સ્ટિટ્યૂટમાંથી ટી.વી. પ્રોડક્શનનો કોર્સ કર્યો, સંસ્કૃતમાં કોવિદ કર્યું ને માસ કોમ્યુનિકેશનનો ડિપ્લોમા પણ કર્યો. ઉત્કર્ષ 45થી વધુ વર્ષથી અભિનય સાથે સંકળાયા છે કે અભિનય એમની સાથે સંકળાયો છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે. ‘માસ્ટર ફૂલમણિ’, ’પત્રમિત્રો’, ‘રમત શૂન્ય ચોકડીની’ જેવાં નાટકો, ‘શોર્ટસર્કિટ’,‘બાઝાર’, ‘વેન્ટિલેટર’, ’રઈસ’, ‘યે હૈ બકરાપુર’, ‘સત્યા’ જેવી ગુજરાતી-હિન્દી ફિલ્મો ઉપરાંત ટી.વી. સિરિયલો અને એડ ફિલ્મ્સ પણ એમણે કરી છે. દૂરદર્શનના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે તેમણે નાટકો, વેરાયટી શો જેવા ઘણા કાર્યક્રમો કર્યા છે. ગુજરાતી કૉલમ રાઇટિંગની પણ તેમને પચીસેકથી વધુ વર્ષની ફાવટ છે. એમણે બે નાટ્ય સંસ્થાઓ સ્થાપી છે, ‘અપર્ણા’ અને ‘સર્વનામ’. એ સંસ્થામાંથી એમણે બે મ્મ્યુઝિકલ પ્લે ‘જાગીને જોઉં તો ..’(નરસિંહ મહેતા પર આધારિત)’, ‘મેઘાણી- સરવાણી’ દિગ્દર્શિત કર્યાં છે ને એમાં મુખ્ય ભૂમિકાઓ પણ નિભાવી છે. શાળામાં હતા ત્યારથી નાટકમાં રસ. એ રસ કોલેજોની નાટય સ્પર્ધામાં વિકસ્યો. રસ એવો પડ્યો કે નાટકોમાં વધારે તક રહે એટલે કોલેજમાં એક વર્ષ, એમણે બે વર્ષે પૂરું કરેલું. ‘સખારામ બાઈન્ડર’માં એમણે બેકસ્ટેજથી શરૂઆત કરી ને એ પછી એમની શરૂઆત થઈ પ્રોફેશનલ કેરિયરની …
ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓને આભારી છે. ભવાઇ મધ્યકાલીન યુગની દેન હતી. એમાં વેશ લખાતા ને ભજવાતા. પારસીઓએ પ્રોસેનિયમ થિયેટરની – ત્રણ દીવાલવાળા થિયેટરની શરૂઆત કરી, જેમાં ચોથી પારદર્શી દીવાલ પ્રેક્ષકોને આવરીને રચાઈ. પારસીઓએ જૂની રંગભૂમિની શરૂઆત 1853માં તો કરી જ, પણ હિંદુસ્તાનીમાં પણ નાટકો એમણે જ શરૂ કર્યાં. અહીં સવાલ એ થાય કે પારસીઓ જ આ ક્ષેત્રે કેમ આગળ આવ્યા, તો એનો જવાબ એ કે 17મી-18મી સદીમાં બધાંને મનોરંજન મળે એવું ખાસ કૈં ન હતું. મુંબઇમાં યુરોપિયન્સ, બ્રિટિશર્સ સારી એવી સંખ્યામાં હતા. એમણે એમના દેશમાં મનોરંજન મેળવ્યું હોય ને એમાંનું કૈં જ અહીં જોવા ન મળે તો એટલું ઓછું આવતું. અહીંના દેશીઓને તો સગાંસંબંધીઓ, સંપર્કોથી ચાલી જતું. એ લાભ વિદેશીઓને ન હતો. ત્યાં ખેલ-નાટકો જોયાં હોય, એ અહીં લાવવાનું મુશ્કેલ હતું. એ મુશ્કેલી નિવારવા વિદેશીઓએ 1750માં ઉઘરાણું કરીને કાચું થિયેટર બાંધ્યું ને પછી તો 1770ના દાયકામાં પાકું થિયેટર પણ બંધાયું. નાટકના ખેલો ઉપરાંત ત્યાં જાદુના, અંગ કસરતના ખેલો પણ થતા. એ બધું શરૂઆતમાં વિદેશીઓ માટે જ હતું, દેશીઓને એમાં પ્રવેશ ન હતો. પારસીઓ વિદેશીઓ જેવા દેખાતા ને એમની રહેણીકરણી પણ વિદેશીઓ જેવી જ હતી એટલે એમને પ્રવેશ મળ્યો. પ્રવેશ એટલે પણ મળ્યો, કારણ, અંગ્રેજી શિક્ષણ એમને લેવાનું થયું, શેક્સપિયરનાં ને વિદેશી લેખકોનાં નાટકોનો પરિચય થયો, પણ ઘણાં કારણોસર 1835માં થિયેટર બંધ પડ્યું. લોકોની ઈચ્છા હતી કે બીજું બધું તો ઠીક, પણ થિયેટર બને. એને માટે જગન્નાથ શંકરશેઠે ગ્રાન્ટરોડ પર જમીન આપી ને ‘રોયલ થિયેટર’ અસ્તિત્વમાં આવ્યું. 6 ફેબ્રુઆરી, 1846માં એ ખુલ્લું મુકાયું, પણ એ ‘ગ્રાન્ટ રોડ, થિયેટર તરીકે જ વધારે મશહૂર થયું. એ પછી તો મરાઠી નાટકોના પ્રણેતા વિશ્વનાથ ભાવેએ આખ્યાનોની એ થિયેટરમાં પ્રસ્તુતિ કરી ને એમ 1853માં દેશી ભાષાનો પણ પ્રવેશ થયો. આ જોઈને પારસી યુવકોને પણ ગુજરાતીમાં નાટક કરવાનું સૂઝ્યું. ફરામજી ગુસ્તાદજી દલાલ અને બીજા મિત્રોએ ‘રૂસ્તમ-સોહરાબ’ પહેલું ગુજરાતી નાટક 29 ઓકટોબર, 1853માં રજૂ કર્યું. ગંભીર નાટકોની સમાંતરે ‘ધનજી ગરક’ જેવાં પ્રહસને પણ હેતુપૂર્ણ મનોરંજનની તકો ઊભી કરી.
‘જનાના’ શોનાં આયોજન થયાં ને સ્ત્રીઓને નાટકો જોવાંની તકો ઊભી થઈ. ઉત્કર્ષ મઝુમદારે મુંબઈનાં નાટકોની આવી વાતો કરીને જ સંતોષ ન લીધો, પણ 1861માં, સુરતની એન્ડ્રુસ લાઇબ્રેરીમાં શેક્સપિયરનું નાટક ‘’ટેઇમિંગ ઓફ ધ શ્રૂ ’નું રૂપાંતર ‘નઠારી ફિરંગણ ઠેકાણે આવી’ ભજવાયું તેનો પણ ઉલ્લેખ કર્યો.