
રવીન્દ્ર પારેખ
આજકાલ આખો દેશ વાઇ-ફાઈ, વાઇરસ અને વાઇરલથી પીડાઈ રહ્યો હોય એવું લાગે છે. ‘દેખાડા’નો વાઇરસ લોહીમાં એવો ભળી ગયો છે કે આપણે દંભ, ડંફાસ અને દોઢ ડહાપણમાંથી જ ઊંચા નથી આવતા. ટાંકણી જડી હોય, પણ ડંફાસ એવી મારીએ કે તલવાર જડી હોય ! જે આવે છે તે હોંશિયારીમાંથી હાથ નથી કાઢતા. એવી હોંશિયારી ખરેખર હોય તો ય સમજ્યા, પણ અહીં તો મુર્ખાઈઓને હોંશિયારીમાં ખપાવવાનો ઉદ્યમ ચાલે છે ને બધાં જ એમાં જાણ્યા મૂક્યા વગર હેઈસો હેઈસો કરતાં મંડી પડે છે. પછી ખબર પડે કે વહાણ તો રેતીમાં જ ચાલે છે, તો બધી હવા નીકળી જાય છે ને છેવટે માથે હાથ દઈને ખૂણે સંતાતા પાર નથી આવતો.
13 ડિસેમ્બર, 2023ને રોજ નવા સંસદ ભવનમાં આવું જ કૈંક થયું.
નવું સંસદ ભવન ભવ્ય છે. આધુનિક ટેક્નોલોજી ને સુરક્ષાને મામલે સુસજ્જ છે તેની ગાઈ વગાડીને જાહેરાતો થયેલી. સંસદ પરિસરની અંદર ડ્રોનથી કોઈને ટાર્ગેટ ન કરી શકાય એવી સિસ્ટમ લગાવાઈ છે કે બાજ જેવી સિક્યોરીટી ચોવીસે કલાક સક્રિય છે કે સિક્યોરિટી માટે કોમન સેન્ટર એક્ટિવ છે કે થર્મલ ઇમેજિંગ સિસ્ટમ કાર્યરત છે – જેવી ઘણી વાતો ફેલાવાઈ હતી, પણ બે યુવાનોએ સંસદની ગેલેરીમાંથી સીધો કૂદકો મારીને, બપોરે એક વાગે શૂન્યકાળ દરમિયાન સંસદને હચમચાવી દીધી, તે પણ જૂની સંસદ પર એ જ 13મી ડિસેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસીએ ! આખી સુરક્ષા વ્યવસ્થા કેટલી પોકળ છે તે બે યુવાનોએ સંસદમાં સ્મોક કેન ફેંકીને અને સ્મોક સ્પ્રે કરીને સાબિત કરી દીધું. આ ઘટનાને પગલે પછી તો અચોક્કસ મુદત માટે, મુલાકાતીઓને પ્રવેશ નિષેધ જાહેર કરાયો. લખનૌના સાગર અને કર્ણાટકના ડી. મનોરંજન્ને સંસદમાં ઘૂસવામાં સફળતા મળી, એ સાથે જ સંસદની બહાર હરિયાણાની હિસારની નીલમે અને મહારાષ્ટ્રના અમોલ શિંદેએ તાનાશાહી વિરુદ્ધ, મહિલાઓ પર થતાં અત્યાચાર વિરુદ્ધ, મણિપુરને થતાં અન્યાય વિરુદ્ધ સૂત્રો પોકારી દેખાવો કર્યા. કુલ છ જણાં આ મિશનમાં જોડાયેલાં હતાં, તેમાં 5ની પોલીસે અટક કરી છે, જ્યારે છઠ્ઠો લલિત ફરાર છે. આમાં 42 વર્ષની નીલમ એમ.એ., એમ.એડ્. એમ.ફિલ. છે ને સિવિલ સર્વિસિસની તૈયારીઓ કરે છે. સાગર બારમું પાસ છે ને મૈસૂરના ભા.જ.પ.ના સાંસદ સિમ્હાના વિઝિટર્સ પાસ પર તે ઘૂસ્યો હતો. મનોરંજન્ એન્જિનિયર છે. અમોલ રનિંગ ચેમ્પિયન છે, પણ બેકાર છે. આ બધાં જ સાધારણ કુટુંબનાં સભ્યો છે. એમનાં માબાપ મહેનત મજૂરી કરીને જેમ તેમ ટકી રહ્યાં છે. સાગરને સાંસદોએ ઘેર્યો, માર્યો ને સિક્યૉરિટીને સોંપ્યો. મનોરંજને જૂતામાંથી સ્મોક કેન કાઢીને હાઉસમાં ફેંક્યું. આ બધાં એકબીજાનાં સંપર્કમાં હતાં, ગુરુગ્રામમાં વિશાલને ત્યાં ભેગાં થયાં ને પ્લાનિંગથી સંસદ સુધી પહોંચ્યાં.
1,200 કરોડનાં નવાં ભવનની સિક્યૉરિટીની જવાબદારી દિલ્હી પોલીસની છે. પ્રેક્ષકો પર નજર રાખવાનું કામ સી.આર.પી.એફ.ના જવાનો સિવિલ ડ્રેસમાં કરે છે. જો કે, એમને તાલીમની જરૂર વર્તાય છે. આમ તો સંસદ પ્રવેશ પહેલાં એકથી વધુ વખત ટાઈટ ચેકિંગ થાય છે. આવાં ચેકિંગ છતાં સ્મોક કેન હાઉસ સુધી પહોંચ્યું ને તેનો લાલપીળો ઉપયોગ પણ થયો. એનો અર્થ એ થયો કે મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ થયું નહીં અથવા તો ચેકિંગમાં લાપરવાહી દાખવાઈ. ગમ્મત તો એ છે કે ભવન નવું છે, પણ સાધનો વીસેક વર્ષ જૂનાં છે. બીજી મુશ્કેલી એ છે કે દસેક વર્ષથી સ્ટાફની ભરતી જ થઈ નથી. સુરક્ષાકર્મીઓની દોઢસોથી વધુ જગ્યાઓ ખાલી છે. આટલું અંધેર સંસદમાં જ હોય તો બીજે હોય તેમાં નવાઈ નથી. કોણ જાણે કેમ પણ આટલી શિક્ષિત બેકારી છતાં, સરકારો જરૂરી સ્ટાફની ભરતી કરવામાં, કારણ વગરની કંજૂસાઈ અને બેદરકારી દાખવતી આવી છે. એક તરફ નોકરી માટે વલખાં મારતાં સુશિક્ષિત લાખો બેકારો છે ને બીજી તરફ શિક્ષણ અને સુરક્ષાને મામલે નવી ભરતીમાં શરમજનક કરકસર કરવામાં આવે છે. બહુ થાય તો માણસ દાંત વગર ચલાવે, પણ મોઢાં વગર તો કેમ ચલાવે? આપણી સરકારો મોઢાં વગર ચલાવવા માંગે છે. સંસદ ભવનમાં જ સુરક્ષાકર્મીની ખોટ હોય તો કોઈ પણ જોખમી તત્ત્વોને દાખલ થવાનો પરવાનો જ મળે કે બીજું કૈં?
આ તો નિરાશ-હતાશ-બેકાર યુવાનો માત્ર ધ્યાન ખેંચવા માંગતા હોય તેમ ભવનમાં ઘૂસી આવ્યા ને ધુમાડો કરીને કે સૂત્રો પોકારીને રહી ગયા. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા લાગતા નથી. એમને બદલે આતંકીઓ કે શત્રુદેશનાં જાસૂસો કે હથિયારધારી સૈનિકો પણ ઘૂસી શક્યા હોત ! સ્મોક કેનને બદલે એકાદ શક્તિશાળી બોમ્બ ફેંકાયો હોત, તો કેવી ભયાનક સ્થિતિ સર્જાઇ હોત તેની કલ્પના જ કરવાની રહે છે. ખરું તો એ છે કે શૂળીનું વિઘ્ન કાંટે ગયું, બાકી 22 વર્ષ પહેલાં જૂની સંસદમાં લોહી રેડાઈ ચૂક્યું છે. બાવીસ વર્ષ પર આવી જ 13 ડિસેમ્બરે લશ્કર-એ-તોયબા અને જૈશ – એ – મોહંમદના પાંચ આતંકીઓએ જૂનાં સંસદ ભવન પર હુમલો કર્યો ને એ પછી તો કાનૂની કાર્યવાહી થઈ ને ફાંસીની સજા પણ થઈ, પણ ભારતે નવ સુરક્ષા જીવો સંસદમાં ખોયા હતા ને પંદરેક ઘાયલ થયા હતા, એ બધું ભુલાઈ ગયું હોય તેવી ચૂક આ 13 ડિસેમ્બરે થઈ. એ જીવ સુરક્ષાકર્મીઓએ ખોયા હોય તે જાણ્યા પછી પણ સંસદ ભવનમાં 150 જેટલા સુરક્ષાકર્મીઓની ખોટ વર્તાય એ કેવળ ને કેવળ શરમજનક છે. આ કરકસર ભારે ન પડે એટલી ચિંતા કરવાની રહે જ છે. એ ખરું કે બે યુવકો સંસદભવન સુધી પહોંચવામાં સફળ રહ્યા તો એ મામલે ગૃહમંત્રાલયે તપાસના આદેશો આપ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે UAPA કલમ હેઠળ કેસ નોંધ્યો છે અને લોકસભા સચિવાલયે ઘટનાને બીજે જ દિવસે એટલે કે ગુરુવારે સુરક્ષા ચૂકને મામલે 8 સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સુરક્ષાને મામલે વડા પ્રધાને પણ કેબિનેટના મંત્રીઓની સાથે બેઠક યોજી અને તપાસ એજન્સીઓની સ્પેશિયલ ટીમો પણ તૈનાત કરવામાં આવી. સ્વાભાવિક રીતે જ વિપક્ષોને લોકસભા અને રાજ્યસભામાં આ મામલે હોબાળો કરવાની તક મળી ગઈ ને લોકસભાના 14 અને રાજ્યસભાના 1 મળીને કુલ 15 સાંસદોને બાકીના શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા.
આ બધું જ રાંડ્યાં પછીનાં ડહાપણ જેવું છે. સંસદમાં સુરક્ષા એ એવો મુદ્દો નથી કે કોઈ ઘટના પછી તંત્રો એક્શનમાં આવે તો ચાલે. એ તો કાયમ એક્શન મોડમાં જ હોયને ! આખો મામલો ઘોર બેદરકારીનો છે. ખાલિસ્તાન સમર્થક અમેરિકી ગુરૂપતવંતસિંહ પન્નૂએ સાંસદ પર હુમલાની ઓલરેડી ધમકી આપેલી હોય, વળી સંસદ પર હુમલાની 22મી વરસીની તારીખ ચાલુ જ હોય ને હુમલાના શહીદોને વડા પ્રધાન સહિતનાં મંત્રીઓ અંજલિ અર્પણ કરી ચૂક્યા હોય, એ પછી પણ બે યુવકો એ જ દિવસે સંસદમાં પ્રવેશવામાં ગેસના કેન સાથે સફળ થાય તો તેનો શો અર્થ કરીશું? એ જ ને કે સંસદની સુરક્ષામાં છીંડાં જ નથી, મસમોટાં મીંડાં છે, બાકોરાં છે. એ અંગે અગમચેતી ન વપરાય ને પછી ઘોડાં ભગાડીને તબેલા બંધ કરવા નીકળીએ તો એનો કોઈ અર્થ ખરો?
ઉત્તરોત્તર સંરક્ષણનું બજેટ વધતું જ જતું હોય ને બીજી તરફ સરહદી સુરક્ષા અને સંસદીય સુરક્ષા વિશ્વસનીય ન હોય તો એ અનેક જોખમોને નિમંત્રે છે તે સમજી લેવાનું રહે. કમ સે કમ સુરક્ષાને સંબંધ છે, ત્યાં સુધી રાષ્ટ્રીય કે રાજકીય વ્યવહાર પારદર્શી હોય એ અનિવાર્ય છે. ચીન, પાકિસ્તાન જેવા પડોશી દેશો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને લાઇન ઓફ કંટ્રોલ સંબંધે જે ચેડાં કરે છે તે કોઇથી અજાણ્યું નથી. ચીને અરુણાચલ અને અન્યત્ર ઘૂસણખોરી કરીને જાતભાતની હરકતો કરી જ છે. એ મામલે આપણું સુરક્ષાતંત્ર થોડું પણ બેધ્યાન રહે તો શું થઈ શકે તે કહેવાની જરૂર નથી. સંસદની સુરક્ષામાં પણ જરા ય ઓછી સાવધાની અપેક્ષિત નથી. એવામાં સાધારણ યુવકો સંસદમાં ગેસ સ્પ્રે કરવા સુધી પહોંચે એને જરા પણ હળવાશથી લઈ શકાય નહીં. આ યુવકો કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયા હોય એવું લાગતું નથી. એમનો હેતુ પણ સ્પષ્ટ નથી. એમને તાનાશાહી, મણિપુર, દુષ્કર્મ જેવા મુદ્દે વાંધો હશે ને સરકાર એ તરફ ધ્યાન આપે એટલું જ એમના મનમાં હોય એ શક્ય છે. એની અભિવ્યક્તિ માટે એમને સંસદ ભવન યોગ્ય સ્થળ લાગ્યું ને એમાં પ્રવેશવાનું સાહસ કર્યું. એમ કરવાનું કેટલું સરળ કે જોખમી હશે એનો અંદાજ પણ કદાચ એમને નહીં હોય, પણ એ સાહસ કરવામાં એ સફળ થયા. આ સફળતાએ સંસદીય સુરક્ષાને ઉઘાડી કરી નાખી. એને લીધે નવી સંસદની સઘળી વિશેષતાઓ પર શંકા પડે તેવું થયું છે. સરહદ કે સંસદ બોડી બામણીનું ખેતર તો ન હોયને કે કોઈ પણ ચરી જાય. ચરી જાય તોય ધૂળ નાખી, મરી જાય એવી સગવડ તો ઊભી ન કરાયને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ડિસેમ્બર 2023
![]()




ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર(૧૮૯૧-૧૯૫૬)ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમનાં જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરા ય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલાં તેમનાં જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. તેમાં તાજેતરનું નોંધપાત્ર ઉમેરણ નવા સંશોધનો સાથેનું પ્રા. આકાશસિંહ રાઠોડ લિખિત Becoming Babasaheb છે.
૧૯૦૬માં ડો. આંબેડકરના લગ્ન થયા હતા. લગ્નનું સ્થળ હતું, મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતાં આ બજારમાં ખુલ્લા આકાશ નીચે, દીવા અને ફાનસના અજવાળે, વગર મંડપે, વગર બેન્ડવાજે તેઓ પરણ્યા હતા. ગંભીર પ્રકૃતિના આંબેડકરનો પત્ની રમાબાઈ સાથેનો વર્તાવ અત્યંત પ્રેમાળ હતો. પત્નીને તે ભાગ કે રામુ કહીને બોલાવતા હતા. ‘પાકિસ્તાન ઔર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ બાબાસાહેબે રમાબાઈને અર્પણ કરતાં લખ્યું છે, ‘ઉમદા માનસ, ચારિત્ર્યની પવિત્રતા, ઠંડી ધીરજ અને મારી સાથે સહન કરવાની તૈયારી-ખાસ કરીને અમારા જેવા જૂથ પર આવી પડેલ અછત અને ચિંતાના મિત્રવિહોણા દિવસોમાં – દર્શાવનાર રમુને, સ્નેહના પ્રતીક રૂપે’.