
ચંદુ મહેરિયા
‘દેશ તેવો વેશ’ અને ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ જેવી કહેવતોથી બદન ઢાંકવા માટેનાં કપડાંની સફર ક્યાં પહોંચી છે તે જણાય છે. કપડાં, વસ્ત્ર, લૂંગડાં, ચીથરાં, પોશાક, પહેરવેશ,ગણવેશ જેવા શબ્દોથી ઓળખાતા શરીરની સલામતી, ઈજ્જત, વિનમ્રતા, સુંદરતા, આકર્ષણના ઉદ્દેશે પહેરાતાં કપડાં હવે તો તેના સ્વીકૃત સ્વરૂપમાં બદલાવ અર્થાત નિતનવી ફેશન સાથે સાંસ્કૃતિક પરંપરાથી ઘણા આગળ નીકળી ગયાં છે. સુખની પરિભાષામાં ખાધે-પીધેની સાથે જ લૂગડે-લત્તે સુખીનો પણ સમાવેશ થાય છે. તેના પરથી પણ તેની મહત્તા જણાય છે. હવે તો માત્ર ફેશનેબલ જ નહીં બ્રાન્ડેડ અને ફાસ્ટ ફેશનનો પણ જમાનો આવી ગયો છે.
સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા માનવીના પોશાકમાં સતત પરિવર્તન થતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં માણસ શરીર ઢાંકવા ઝાડની છાલ કે જાનવરોનાં ચામડાનો ઉપયોગ કરતો હતો. પહેલા લંગોટ અને કાપડની શોધ પછી તે લાંબુ કપડું વીંટતો હતો. કાળક્રમે સાડી અને ધોતી વાપરતો થયો. સિલાઈની શોધે તેનાં કપડાંમાં પ્રાણ પૂર્યા અને જાતભાતના કપડાં પહેરતો થયો. સ્ત્રીઓના બ્લાઉઝની શોધ કદાચ બંગાળમાં પહેલીવાર થઈ હતી. મહિલા મુક્તિની દિશામાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક સમાજમાં સાડીથી ગાઉન કે ડ્રેસ સુધીની મહિલાઓની વસ્ત્ર પરિધાન યાત્રા સાચે જ કઠિન હશે. ભારતની સઘળી વિવિધતા લોકોના પહેરવેશમાં જોવા મળે છે. શહેરોમાં પશ્ચિમી વેશભૂષાનું ચલણ છે. પરંતુ ગામડાઓમાં ખેડૂતો, કારીગરો અને શ્રમિકો તેમનાં કામને અનુરૂપ કપડાં પહેરે છે.
જેમ પરિવર્તન તેમ પ્રતિબંધ પણ પહેરવેશ સાથે જોડાયેલો છે. કપડાં ઓળખની સાથે માનવીના સામાજિક-આર્થિક દરજ્જાનું પણ પ્રતીક છે. બ્રિટિશકાળમાં કેટલાક ભારતીયો અંગ્રેજો જેવો પોશાક પહેરતા અને અન્ય ભારતીયોથી પોતાને વેંત ઊંચા માનતા. આપણા ધાર્મિક સ્થળોએ અમુક કપડાં પ્રતિબંધિત છે જ ને ? તેથી આ વરસના આરંભે ઇન્ડિયન નેવીની મેસમાં નેવી ઓફિસર્સ અને સોલ્જર્સને કુર્તા-પાયજામા પરિધાન કરવાની છૂટ મળી તે ગુલામીના અવશેષોમાંથી મુક્તિ અને ભારતીય પરંપરાના અમલની દિશાનુ કદમ છે. આજે ભારતીયોના રોજ બ રોજના પોશાકમાં ધોતી-સાડી અને કુર્તા-પાયજામાનું ચલણ વધ્યું છે તે ઔપનિવેશિક માનસિકતાથી દૂરી અને સાંસ્કૃતિક સ્વરાજનું દ્યોતક છે.
ગાંધીજીએ ગરીબ મહિલાની સ્થિતિ જોઈને શરીર પરનાં ઘણાં વસ્ત્રો છોડી જિંદગીભર પોતડી પહેરી હતી. એ તો ખરું પણ અંગ્રેજોએ ભારતના કાપડ ઉદ્યોગને તબાહ કરી તેમના દેશનું કાપડ આપણા માથે માર્યું ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં વિદેશી કાપડ અને વસ્ત્રોના બહિષ્કારનું એલાન આપ્યું હતું. દેશમાં ઠેરઠેર વિદેશી કાપડની હોળી થઈ હતી. ઘણીવાર મહિલાઓએ નગ્ન કે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો છે. નારીવાદનો આરંભ નારીઓનાં આંતરવસ્ત્રો સળગાવીને થયો હતો. એટલે કપડું પ્રતિબંધની જેમ પ્રતિરોધનું પણ સાધન છે. વિદેશી કાપડના બદલે દેશી કાપડ, હાથવણાટનું કાપડ અને ખાદી તેનો વિકલ્પ જ નહીં આઝાદી આંદોલનનું પણ પ્રતીક હતું. ગાંધી ટોપી આજે ભાગ્યે જ જોવા મળે છે, પણ તે સ્વતંત્રતા આંદોલનનું મજબૂત પ્રતીક હતું.
ચીન, રશિયા અને જાપાન જેવા દેશોના નેતાઓ પશ્ચિમી શૈલીના કપડાં પહેરે છે ત્યારે ભારતના રાજનેતાઓ ભારતીય પોશાક જ પહેરે છે. તેમાં પણ તેમની વિશિષ્ટતા જોવા મળે છે. પ્રથમ વડા પ્રધાન નહેરુનું નહેરુ જેકેટ તો હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અડધી બાંયનો મોદી કુર્તા જાણીતા છે. ઇંદિરા ગાંધીથી સોનિયા ગાંધી સુધીનાં મહિલા નેતાઓ ખાદીની સાડીને મહત્ત્વ આપે છે. ગાંધીની ટોપી વિલુપ્ત થઈ ગઈ છે તો પછી બાપુ પહેરતા હતા તે પોતડી તો તેમની હયાતીમાં જ ભાગ્યે જ કોઈ પહેરતા. જો કે મોદી કુર્તા અને મોદી લુક માટે ઓન લાઈન બિઝનેસ વેબસાઈટ્નું હોવું કે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાના પહેરવેશ વિશે બ્લોગ હોવો તે દર્શાવે છે કે લોકો રાજનેતાઓનાં વસ્ત્ર પરિધાનને કેટલા અનુસરે છે.
ફેશનનો જે ટ્રેન્ડ ચાલે છે તે આશરે વીસ વરસે બદલાઈ જાય છે. વરસે ૮૦ ટકા કરતાં વધુ કપડાં ડમ્પ થઈ જાય છે. કપડાંનું અર્થકારણ પણ મહત્ત્વનું છે. ૮૦ ટકા કપડાં બનાવનાર ૧૮થી ૨૪ વરસની મહિલાઓ હોય છે. એટલે કપડામાં આવતું પરિવર્તન જનહિતમાં હોવું જોઈએ. વ્યક્તિની સામાજિક-આર્થિક ઓળખ કપડાં પરથી પરખાય છે એટલે પણ સૌને પોસાય અને જચે તેવા કપડાં જરૂરી છે. ઘણી વાર લોકો ફેશનનાં નામે એવાં કપડાં પહેરે છે જે મજાકનું સાધન બને છે. એટલે વ્યક્તિએ તેના કદ-કાઠીને શોભે તેવાં વસ્ત્રો પહેરવા ઘટે. શરીર અને ઉમ્મરને અનુરૂપ તથા શરીરને માફક આવે તેવાં કપડાં પહેરવાં જોઈએ. જીન્સ પહેરવું કે માત્ર સ્કીનટાઈટ જીન્સ પણ વિચારવું પડશે. જુવાન મહિલાઓનાં કપડાંની પણ આલોચના થાય છે. તે સંદર્ભે યુવતીઓએ ટૂંકાં કપડાં ન પહેરવાં કે પુરુષોએ રૂઢિવાદી માનસિકતા બદલવી તે સવાલ છે.
પહેરવેશનો પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. એ મુદ્દે હવે જાગ્રતિ આવી રહી છે. જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈએ મળીને એક અભિયાન શરૂ કર્યું છે. સી.એસ.આઈ.આરે. તેના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય તમામને દર સોમવારે ઈસ્ત્રી વગરનાં કપડાં પહેરવા અપીલ કરી છે. એક જોડ કપડાંને ઈસ્ત્રી કરવાથી ૨0૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના કરતાં કરચલીવાળા, ઈસ્ત્રી વગરનાં કપડાં શું ખોટા? તે આ ઝુંબેશનો હેતુ છે. સી.એસ.આઈ.આર.ની ૩૭ લેબોરેટરીઝમાં ૩,૫૨૧ સાયન્ટિસ્ટ અને ૪,૧૬૨ ટેકનિકલ અને બીજો સ્ટાફ કામ કરે છે. જો બધું સમુસૂથરું પાર પડે તો માત્ર આ એક જ સંશોધન સંસ્થાના કર્મચારીઓના અઠવાડિયે એક વખત ઈસ્ત્રી વગરનાં કપડાંથી વરસે ૪,૭૯,૪૧૯ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન અટકાવી શકાશે. પર્યાવરણની દૃષ્ટિએ પણ પોશાકને જોવાની જરૂર છે.
આઈ.આઈ.એમ. તેના સ્નાતકોને દીક્ષાંત સમારોહમાં યુવકોને કુર્તા-પાયજામા અને યુવતીઓને સાડીનો ભારતીય પરંપરાનો પોશાક પહેરવા અનુરોધ કરે છે. હવે આઈ.આઈ.એમ.ના દીક્ષાંત સમારોહ લગભગ ભારતીય પોશાકમાં જ યોજાય છે. પરંતુ શાળાઓનો ગણવેશ હોય કે કંપનીઓનો ડ્રેસ કોડ તે દેશની આબોહવાને અનુરૂપ હોય તે વધુ જરૂરી છે.
e.mail : maheriyachandu@gmail.com