એવા હતા ટેલિગ્રામની જાહોજલાલીના એ દિવસો
યે સુંદર જીવન માં તુમ સે મિલા
સુખદુખ કા સંદેશ ૧૬૩ વર્ષ અવિરત ચલા
હે તાર સેવા બહુત ઋણ હૈ તેરા
ઇસી કે ઉપલક્ષ્ય મેં માં તુમ્હે ઔર
સભી દેશ કે તાર સેવકો કો સલામ મેરા.
વરસ ૨૦૧૩, મહિનો જુલાઈ, તારીખ ૧૪. સમય રાતના પોણા બાર. નાગપુરની ટેલિગ્રાફ ઓફિસમાં એક જ કર્મચારી બેઠો છે. આજે રાતપાળી કરવાની નથી એનો આનંદ છે, તો બીજી બાજુ વરસોથી જે કામ કરતો આવ્યો છે તે હવેથી નથી કરવાનું એનું દુ:ખ પણ છે. છતાં વિચારે છે કે બાર વાગે એટલે બારણાં બંધ કરી ચાલતો થાઉં. ત્યાં દરવાજામાંથી એક સ્ત્રી દાખલ થાય છે. નામ છે કવિતા મકરંદ બેદરકર. એના હાથમાંનું ટેલિગ્રાફ ફોર્મ જોઈને પેલો કર્મચારી કહે છે : લાવો, મોકલી દઉં તમારો તાર. જવાબ મળે છે : ના, હમણાં નહિ, દસેક મિનિટ પછી આપીશ. ભીંત પરની જરીપુરાણી ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય છે. ૧૧:૫૫. અને પોતાના હાથમાંનું ફોર્મ બેદરકર પેલા કર્મચારીને આપે છે. એમાંનું ઉપલું લખાણ વાંચીને કર્મચારીથી નિસાસો મૂકાઈ જાય છે. પણ પછી તરત એ તાર કવિતાની આઈ લક્ષ્મી રત્નાકર વાઘમારેને મોકલી આપે છે. ઉપરના શબ્દોવાળો તાર એ આપણા દેશમાં મોકલાયેલો છેલ્લો તાર. ૧૬૩ વરસ અવિરત કામ કર્યા પછી ૧૪મી જુલાઈ, ૨૦૧૩ના દિવસે આપણા દેશની તારસેવા હંમેશ માટે સમેટાઈ ગઈ.
CTO નું મકાન
દેશમાં જ્યારે તાર કહેતાં ટેલિગ્રામની બોલબાલા હતી ત્યારે શું દબદબો હતો એ ઈમારતનો! અગાઉ જ્યાં મુંબઈના કોટનો ચર્ચ ગેટ દરવાજો હતો અને પછીથી જ્યાં ફ્લોરા ફાઉન્ટન ઊભો થયો ત્યાં પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ઊભા રહો તો જમણી બાજુએ દેખાય CTO કહેતાં સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસનું મોટું મકાન. મધ્યકાલીન ઇટાલિયન શૈલીમાં બંધાયેલું પથ્થરનું મકાન. એ વખતનાં બીજાં ઘણાં મકાનોની જેમ આ મકાન પણ પોરબંદર અને કુર્લા સ્ટોનનું બનેલું છે. બહારની દીવાલો પર ખૂબ જ સુંદર કોતરણીકામ કરેલું છે. વિક્ટોરિયા ટર્મિનસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (જૂનું મકાન), મ્યુનિસિપાલિટીનું મકાન – બધાં આ જ શૈલીમાં બંધાયેલાં. અને બધાં બંધાયાં ફોર્ટ કહેતાં કોટની દીવાલો તૂટી તે પછી.
હા, ૧૮૭૦માં આ મકાન બંધાયું ત્યારે ત્યાં ટેલગ્રાફ ઓફિસ નહિ, પણ જનરલ પોસ્ટ ઓફિસ આવેલી હતી. અને દેશમાં તાર સેવાની શરૂઆત મુંબઈથી નહિ, કલકત્તાથી થઈ હતી. તાર માટેની દેશની પહેલવહેલી લાઈન – એ વખતે તાર મોકલવા માટે કેબલ વપરાતા – કલકત્તા અને તેનાથી માત્ર પચાસ કિલોમીટર દૂર આવેલ ડાયમંડ હાર્બર વચ્ચે નખાઈ હતી. ૧૮૫૧થી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારે ટેલિગ્રામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અને ૧૮૫૪ સુધીમાં તો આખા દેશમાં તાર સેવા માટેના કેબલનું જાળું પાથરી દીધું. અને પછી ટેલિગ્રામ સેવા પહોચી મુંબઈ. ૧૯૦૯ સુધી ફ્લોરા ફાઉન્ટન પાસેના CTOના મકાનમાં જ મુંબઈની વડી તાર ઓફિસ અને પોસ્ટ ઓફિસ આવેલી હતી. એક જમાનામાં CTOના મકાનમાં એક સાથે ૨૦૦-૩૦૦ કર્મચારી તારની આવન-જાવનનું કામ કરતા. ૧૯૦૯માં આજનું GPOનું મકાન બંધાતાં વડી પોસ્ટ ઓફિસ ત્યાં ખસેડાઈ.
CTO મકાનની બહાર લાગેલી તકતીમાં ગુજરાતીમાં પણ નામ લખેલું
૧૮૫૪ના એપ્રિલની ૨૭મી તારીખે મુંબઈથી પહેલો ટેલિગ્રામ મોકલવામાં આવ્યો – પૂના. તાર સેવા શરૂ કરતી વખતે તો ખ્યાલ ક્યાંથી હોય, પણ ૧૮૫૭માં આ તાર સેવા સરકારને ખૂબ જ કામ લાગી. તેને પ્રતાપે લશ્કર અને સાધન સરંજામની હેરફેર બહુ જલદી થઈ શકી. જ્યારે સામા પક્ષ પાસે આવી કોઈ સગવડ નહોતી. ૧૯૦૨ સુધી તાર મોકલવા માટે કેબલ વપરાતા, પણ પછી તાર સેવા વાયરલેસ બની. છેલ્લાં વરસોમાં તેને ડિજિટલ બનાવવાના અખતરા પણ થયા. ફેક્સ મશીનનો ઉપયોગ વધતો ચાલ્યો તેમ તેમ તાર સેવાનું મહત્ત્વ ઘટતું ગયું. જો કે પછી તો કમ્પ્યુટર, ઈ.મેલ, વોટ્સએપ વગેરેને કારણે ફેક્સ મશીનો પણ કચરામાં ગયાં. શરૂઆતથી તારનું કામકાજ ટપાલ ખાતું સંભાળતું હતું અને તેથી તે પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ તરીકે ઓળખાતું હતું. ૧૯૯૦ના અરસામાં સરકારે તાર સેવા અલગ કરીની BSNLને સોંપી.
તાર સેવાની શરૂઆતમાં તાર મોકલવા માટે આવાં મશીન વપરાતાં
ઘણા દાયકાઓ સુધી કોઈને ઘરે તાર આવે એટલે પેટમાં ફાળ પડે. કોણ ગયું હશે? કોનું મરણ? તો બીજી બાજુ હરખના સમાચાર પણ તારવાળો લાવે. બાળકના – ખાસ કરીને દીકરાના – જન્મના સમાચાર ત્યારે તારથી આપવાનો રિવાજ. કોઈને સારી નોકરી મળી હોય, મેટ્રિકની કે બીજી કોઈ પરીક્ષામાં દીકરો કે દીકરી પાસ થયાં હોય તો ખબર તારથી અપાય. ટેલિગ્રામ મોકલવા માટે ખાસ ફોર્મ આવતું. તેમાં વિગતો ભરીને તે નજીકની તાર ઓફિસમાં આપી આવવાનું. પહેલાં જેને તાર મોકલવાનો હોય તેનું નામ-સરનામું, પછી સંદેશો, છેવટે મોકલનારનું નામ. અંતે લખવાનું મોકલનારનું સરનામું, જે તારમાં મોકલાય નહિ. માત્ર તાર ઓફિસની જાણ માટે. સરનામાના પહેલા આઠ શબ્દો ફ્રીમાં. પછી દરેક શબ્દ દીઠ ચાર્જ ચૂકવવાનો. તેમાં વળી તાર બે પ્રકારના : ઓર્ડિનરી અને એક્સપ્રેસ. ઓર્ડિનરી કરતાં એક્સપ્રેસનો ચાર્જ બમણો. ઓર્ડિનરી તાર સાધારણ રીતે ૫-૬ કલાકમાં પહોંચે. એક્સપ્રેસ તાર ૨-૩ કલાકમાં. અને ખાસ તો એક્સપ્રેસ તારની ડિલિવરી ૨૪ કલાક ચાલુ રહે, જ્યારે ઓર્ડિનરીની રાતે ન થાય. શરૂઆતના ઘણા દાયકા સુધી તાર માત્ર રોમન લિપિમાં જ મોકલી શકાતા. આઝાદી પછી દેવનાગરીમાં પણ શરૂ થયા.
શુભ વર્તમાન – સારા સમાચાર – આપતા સંદેશાઓ માટે બીજી એક ખાસ સગવડ નંબરવાળા તારની હતી. લગભગ ૩૫ જેટલા ‘ગ્રિટીન્ગ્સ’ સંદેશાની નંબરવાર યાદી હતી. જેમ કે :
Heartiest Diwali Greetings (No.1), My Heartiest Holi Greetings to You (20), Hearty Congratulations on the New Arrival (6), Convey our Blessings to the Newly Married Couple (25), વગેરે. ખાસ તૈયાર કરેલા રંગબેરંગી કાગળ પર આ તાર સંદેશા મોકલાય. જો ભૂલમાં ખોટો નંબર લખ્યો તો વાતનું વતેસર થઈ જાય. તો ક્યારેક મરાઠીભાષીઓ કહે એમ ‘ગમ્મત’ પણ થાય.
Greetings telegram નો નમૂનો
અમારા એક પડોશીનો કિસ્સો યાદ આવે છે. પુત્રવધૂ ડિલિવરી માટે બહારગામના પિયરે ગઈ હતી. દિવસો વીતતા જાય એમ ઘરમાં ઇન્તેજારી વધતી જાય. અને છેવટે એક દિવસ તાર આવ્યો. પણ વેવાઈનો નહિ, કોઈ બીજા સગાએ કરેલો. પણ તેમણે પૈસા બચાવવા નંબરવાળો તાર કરેલો. હવે તેના નિર્ધારિત લખાણમાં ‘New Arrival’ શબ્દો જ વપરાતા – બાબો કે બેબી, દીકરો કે દીકરી, જેવા શબ્દો નહિ. એટલે તાર મળતાં ઘરમાં ચર્ચાનું ચકડોળ : દીકરો હશે કે દીકરી? દોઢ બે કલાક પછી વેવાઈનો તાર આવ્યો તેમાં ‘ખુશ ખબર : તમારા ઘરમાં દીકરો જન્મ્યો છે’ એમ લખેલું તે જોઇને ફોડ પડ્યો. વેવાઈને ઘરે સાત દીકરી. એટલે અવારનવાર આવા તાર કરવા પડે. તેથી થોડા પૈસા બચાવવા એક્સપ્રેસને બદલે ઓર્ડિનરી તાર કરેલો. એટલે નંબરવાળો તાર પહેલાં મળ્યો, ઓર્ડિનરી તાર પછીથી.
પણ તારની મોસમ પૂરબહારમાં ખીલતી તે તો મેટ્રિકનું પરિણામ જાહેર થાય તે દિવસે. સ્કૂલના અગિયાર ધોરણ પછી મેટ્રિકની પરીક્ષા લેવાય. આખા મુંબઈ રાજ્યની – જેમાં આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનો સમાવેશ થતો – પરીક્ષા યુનિવર્સિટી ઓફ બોમ્બે લે અને બરાબર બપોરે બાર વાગે પરિણામ જાહેર કરે. ફોર્ટમાં આવેલા યુનિવર્સિટીના મકાનના પાછલા ભાગમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારની હાજરીમાં પાસ થયેલા વિદ્યાર્થીના નંબરની યાદીઓ લાકડાનાં પાટિયાં પર ચોડીને મૂકાય. ખાસ કશા બંદોબસ્ત વગર પણ વિદ્યાર્થીઓ, કે તેમના વાલીઓ, ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી નંબર જોઈ લે. મુંબઈ બહારના વિદ્યાથીઓનાં મા-બાપે કોઈ ને કોઈ સગાને ભલામણ કરી હોય કે રિઝલ્ટ જાણીને તારથી ખબર કરજો. યુનિવર્સિટીના મકાનથી CTO બહુ દૂર નહિ. એટલે સાડા બાર – એક સુધીમાં તો ત્યાં મોટી લાઈન લાગી ગઈ હોય, બહારગામનાં સગાં-સંબંધીને તાર મોકલવા માટે. અને બીજે છેડે કાગને ડોળે ક્યારે તાર આવે તેની રાહ જોવાતી હોય.
એસ.એસ.સી. બોર્ડ શરૂ થયું તે પછી તેને રિઝલ્ટને આગલે દિવસે મુંબઈનાં છાપાંને પહેલા દસ-વીસનાં નામ જ નહિ, આખેઆખું રિઝલ્ટ મોકલવાનું શરૂ કર્યું. જે બીજે દિવસે સવારે ૬-૮ પાનાં રોકતું, છતાં દરેક છાપું છાપતું. એટલે ગમે ત્યાંથી, ગમે તેમ કરીને, કોઈ ‘છાપાવાળા’ની ઓળખાણ શોધાતી. તેને નંબરો અપાતા. રિઝલ્ટની કોપી મળે પછી ઓળખીતા-પાળખીતાના નંબર જોઇને ફોનથી ખબર આપે. અને પછી એ ખબર તારથી બહારગામ મોકલાય. એટલે CTOમાં લાઈન બપોરને બદલે સાંજે લાગે.
એક જમાનામાં ફક્ત દિલ્હીની તાર ઓફિસમાંથી રોજના એક લાખ તારની આવન-જાવન થતી હતી! પણ પછી જેમ જેમ ટેલિફોનની અને બીજી સગવડો વધી તેમ તેમ તારનો ઉપયોગ ઓછો ને ઓછો થતો ગયો. પછી તો એવા ય દિવસો આવ્યા કે વરસે ૭૫ લાખ રૂપિયાની આવક સામે ખરચ ૧૦૦ કરોડનો થતો. એટલે તાર સેવાને બચાવવાના ઈરાદાથી સરકારે તેના દર સીધા બમણા કરી દીધા. પણ તેથી તો તારની સંખ્યા ઘણી ઘટવાને લીધે ખોટ વધતી ચાલી. છેવટે સરકારે તાર સેવા સમેટી લેવાનું પગલું લીધું.
૨૦૧૩માં તાર સેવા કાયમને માટે બંધ થયા પછી આજ સુધી આ CTOનું મકાન અવાવરુ જેવું પડ્યું છે. ભોંયતળિયાનો કેટલોક ભાગ બોમ્બે હાઈ કોર્ટને ભાડે અપાયો, તો તેની સામે વાંધો. કઈ સરકારી સંસ્થા તે વાપરે એ અંગે હુસાતુસી. પરિણામે મકાનની દશા બગડતી જાય. ફાઉન્ટન પર ઊભા રહીને પથરો ફેંકો તો સીધો CTOના કંપાઉંડમાં પડે, એવી મોકાની જગ્યા. અને છતાં તેનો યોગ્ય ઉપયોગ કરવાનું આજ સુધી બની શક્યું નથી.
CTOના મકાનની અને તાર સેવાની જાહોજલાલીના દિવસોમાં આ લખનારે કંઈ કેટલીયે વખત ત્યાં જઈ, ફોર્મ ભરી, લાઈનમાં ઊભા રહી તાર મોકલ્યા છે. અને હા. જેમને અંગ્રેજી લખતાં આવડતું ન હોય તેમના તાર લખી આપવા બહાર એક-બે માણસો કાયમ બેસતા. આઠ આના – રૂપિયો લઈ તાર લખી આપે. અને પોસ્ટમેન પણ ઘરે ટેલિગ્રામ લઈને આવે અને ઘરમાં કોઈને અંગ્રેજી આવડતું ન હોય તો કવર ખોલીને તાર વાંચીને ગુજરાતી/મરાઠીમાં સમજાવે.
એક રીતે જુઓ તો આ તાર સેવા નીલ ગગનના પંખેરું જેવી હતી. એ જમાનામાં જેને ચીલ ઝડપ કહેવાય એવી ઝડપે ખેપિયાનું કામ કરતી. એટલે જ આજે ક્યારેક એ CTOના મકાન પાસેથી પસાર થવાનું બને ત્યારે જીવ થોડો ચચરે છે અને પેલા લોકપ્રિય ગીતની પંક્તિ મન ગણગણવા લાગે છે : ‘ઓ નીલ ગગનના પંખેરું, મને તારી યાદ સતાવે, મને તારી યાદ સતાવે.’
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 જૂન 2024)